જીવવા માટે તમે શું કરવા તૈયાર છો?
“માણસ પોતાના જીવને બદલે શું આપશે?”—માથ. ૧૬:૨૬.
૧. ઈસુએ પીતરને કેમ ઠપકો આપ્યો?
ઈસુએ શિષ્યોને કહ્યું કે પોતાને ઘણું દુઃખ સહેવું પડશે. આખરે મોત પામશે. પીતરને એ માનવામાં ન આવ્યું, એટલે કહ્યું: “અરે પ્રભુ, એ તારાથી દૂર રહે; એવું તને કદી થશે નહિ.” ઈસુએ બીજા શિષ્યો તરફ જોયું, કેમ કે તેઓને પણ એવું જ લાગતું હતું. પછી ઈસુએ પીતરને કહ્યું, “અરે શેતાન, મારી પછવાડે જા; તું મને ઠોકરરૂપ છે; કેમકે દેવની વાતો પર નહિ, પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે.”—માર્ક ૮:૩૨, ૩૩; માથ. ૧૬:૨૧-૨૩.
૨. ઈસુના શિષ્ય બનનારે શું કરવાનું હતું?
૨ ઈસુએ સમજાવ્યું કે પોતે શું કહેવા માગતા હતા. તેમણે “લોકોને પાસે બોલાવીને” કહ્યું: “જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું. કેમકે જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે; અને જે કોઈ મારે લીધે તથા સુવાર્તાને લીધે પોતાનો જીવ ખોશે તે તેને બચાવશે.” (માર્ક ૮:૩૪, ૩૫) ઈસુ કહેતા હતા કે પોતે જીવન કુરબાન કરવાના હતા. તેમના શિષ્યો પણ યહોવાહ માટે કોઈ પણ ભોગ આપવા તૈયાર હોવા જોઈએ. જો એમ કરશે તો તેઓને મોટું ઇનામ મળશે.—માત્થી ૧૬:૨૭ વાંચો.
૩. (ક) ઈસુએ કયા પ્રશ્નો પૂછ્યા હતા? (ખ) ઈસુના બીજા પ્રશ્નથી લોકોને શું યાદ આવ્યું હશે?
૩ ઈસુએ પછી આ સવાલ પૂછ્યો, “જો માણસ આખું જગત મેળવે, ને પોતાના જીવની હાનિ પામે, તો તેને શો લાભ થાય? વળી માણસ પોતાના જીવનો શો બદલો આપશે?” (માર્ક ૮:૩૬, ૩૭) પહેલા પ્રશ્નનો જવાબ આપવો સહેલો છે, કેમ કે જીવતા હોઈએ તો જ બધી ચીજોનો આનંદ માણી શકાય. પણ મરી જઈએ તો શું ફાયદો? ઈસુનો બીજો પ્રશ્ન હતો, “માણસ પોતાના જીવનો શો બદલો આપશે?” એ સાંભળતા લોકોને કદાચ અયૂબનો જમાનો યાદ આવ્યો હશે. ત્યારે શેતાને આરોપ મૂક્યો હતો: “માણસ પોતાના જીવને બદલે તો પોતાનું સર્વસ્વ આપે.” (અયૂ. ૨:૪) યહોવાહને ભજતા નથી તેઓ જીવવા માટે કોઈ પણ નિયમ તોડવા તૈયાર છે. પણ યહોવાહના ભક્તો એવા નથી.
૪. ઈસુના પ્રશ્નો કેમ મહત્ત્વના છે?
૪ ઈસુ આપણને આ દુષ્ટ દુનિયામાં તંદુરસ્તી, ધન-દોલત અને લાંબું જીવન આપવા આવ્યા ન હતા. પણ તેમણે આપણને યહોવાહની નવી દુનિયામાં અમર જીવવાની તક આપી. (યોહા. ૩:૧૬) ઈસુનો પહેલો સવાલ હતો કે “જો માણસ આખું જગત મેળવે, ને પોતાના જીવની હાનિ પામે, તો તેને શો લાભ થાય?” યહોવાહના ભક્તો માટે કંઈ જ લાભ ન થાય. (૧ યોહા. ૨:૧૫-૧૭) ઈસુના બીજા સવાલનો શું જવાબ આપીશું? એનો આધાર આપણી શ્રદ્ધા અને આપણા જીવન પર છે. એટલે વિચારો કે ‘નવી દુનિયામાં રહેવા હું હમણાં શું જતું કરવા તૈયાર છું?’—વધુ માહિતી: યોહાન ૧૨:૨૫.
૫. અમર જીવનની ભેટ પામવા શું કરવું જોઈએ?
૫ જીવન યહોવાહની ભેટ છે. આપણે તો એને માટે યોગ્ય પણ નથી. તોયે યહોવાહની અપાર કૃપાથી આપણે થોડાં વર્ષો જ નહિ, અમર જીવી શકીએ છીએ. કઈ રીતે? યહોવાહને ‘ખંતથી શોધવાથી.’ તેમ જ ‘ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસથી.’ (ગલા. ૨:૧૬; હેબ્રી ૧૧:૬) તેઓમાં આપણે પૂરી શ્રદ્ધા રાખીને જીવીએ. પોતાને પૂછીએ કે ‘હું હમણાં યહોવાહની ભક્તિ માટે કંઈ પણ જતું કરવા તૈયાર છું?’ જો ન હોઈએ, તો આપણો ‘વિશ્વાસ કરણીઓ વગર નિર્જીવ’ સાબિત થશે.—યાકૂ. ૨:૨૬.
‘ખ્રિસ્ત પોતાની મરજી પ્રમાણે ન કરતા’
૬. ઈસુ કેવું જીવન જીવ્યા? શા માટે?
૬ ઈસુ ધન-દોલતની કોઈ લાલચમાં ફસાયા નહિ. દુનિયાની મોહમાયામાં પડ્યા નહિ. રાજી-ખુશીથી યહોવાહની ભક્તિ કરવા, સાદું જીવન જીવ્યા. ઈસુએ કહ્યું, “જે કામો તેને [ઈશ્વરને] ગમે છે તે હું નિત્ય કરૂં છું.” (યોહા. ૮:૨૯) યહોવાહની મરજી પ્રમાણે જીવવા, તેમણે કેવો ભોગ આપ્યો?
૭, ૮. (ક) ઈસુએ કેવો ભોગ આપ્યો અને કયો આશીર્વાદ પામ્યા? (ખ) આપણે શું વિચારવું જોઈએ?
૭ એક વાર ઈસુએ કહ્યું, “માણસનો દીકરો સેવા કરાવવાને નહિ, પણ સેવા કરવાને, તથા ઘણા લોકની ખંડણીને સારૂ પોતાનો જીવ આપવાને આવ્યો છે.” (માથ. ૨૦:૨૮) આ પહેલાં પણ ઈસુએ કહ્યું હતું કે પોતે ‘જીવ’ કુરબાન કરશે. પીતરે કહ્યું કે ‘ના, ના, એવું કંઈ કરવું નહિ પડે.’ તોપણ ઈસુએ રાજી-ખુશીથી ઇન્સાન માટે પોતાનો જીવ આપી દીધો. એટલે ઈશ્વરે તેમને સજીવન કર્યા અને ‘પોતાને જમણે હાથે’ બેસાડ્યા.—પ્રે.કૃ. ૨:૩૨, ૩૩.
૮ પાઊલે રોમના મંડળને કહ્યું, ‘પોતાની ખુશી પ્રમાણે ન કરો. ખ્રિસ્ત પણ પોતાની મરજી પ્રમાણે કરતા ન હતા.’ (રૂમી ૧૫:૧-૩) શું આપણે ઈસુને પગલે ચાલીએ છીએ? આપણે કેટલી હદે પાઊલની સલાહ માનીએ છીએ?
યહોવાહને સૌથી સારું આપીએ
૯. આપણે બાપ્તિસ્મા પહેલાં કેવી પસંદગી કરીએ છીએ?
૯ યહોવાહે ઈસ્રાએલીઓને આ નિયમ આપ્યો હતો: ગુલામને સાતમે વર્ષે કે જુબિલી એટલે પચાસમે વર્ષે આઝાદ કરવો. તોપણ ગુલામ ચાહે તો પોતાના માલિક સાથે આખી જિંદગી રહી શકે. (પુનર્નિયમ ૧૫:૧૨, ૧૬, ૧૭ વાંચો.) બાપ્તિસ્મા પહેલાં યહોવાહને પોતાનું જીવન સોંપીએ ત્યારે, આપણે પણ પસંદગી કરીએ છીએ. આપણે પોતાની મરજી નહિ, પણ યહોવાહની મરજી પ્રમાણે જીવવાનું વચન આપીએ છીએ. યહોવાહ પરના પ્રેમને લીધે, કાયમ તેમની ભક્તિ કરવાની તમન્ના બતાવીએ છીએ.
૧૦. આપણે કઈ રીતે યહોવાહના છીએ? એની આપણા પર કેવી અસર થાય છે?
૧૦ તમે કદાચ યહોવાહના સાક્ષી સાથે સ્ટડી કરતા હશો. પ્રચારમાં અને મિટિંગમાં જતા હશો. તમે ઘણું જ સારું કરો છો. અમારી દુઆ છે કે તમે જલદી જ યહોવાહના ભક્ત બનો. ઇથિયોપિયાના અધિકારીની જેમ કહો: “મારે બાપ્તિસ્મા પામવાને શી અડચણ છે?” (પ્રે.કૃ. ૮:૩૫, ૩૬) બાપ્તિસ્મા લીધા પછી યહોવાહ તમારા માલિક બને છે. પાઊલે કહ્યું તેમ હવેથી “તમે પોતાના નથી; કેમકે મૂલ્ય આપીને તમને ખરીદવામાં આવ્યા હતા.” (૧ કોરીં. ૬:૧૯, ૨૦) તેથી આપણે કોઈ પણ સ્વાર્થને કારણે, ‘માણસના દાસ ન બનીએ.’ (૧ કોરીં. ૭:૨૩) ભલે સ્વર્ગના જીવનની આશા હોય કે પૃથ્વીની, આપણે બધા યહોવાહના દાસ બનીએ છીએ. એના જેવો બીજો કોઈ આશીર્વાદ નથી!
૧૧. મુસાના નિયમ પ્રમાણે યહોવાહને કેવાં અર્પણો ચડાવવામાં આવતાં? આપણે યહોવાહને કેવું અર્પણ આપવું જોઈએ?
૧૧ પાઊલે ઉત્તેજન આપ્યું: “તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર તથા દેવને પસંદ પડે એવું અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વક સેવા છે.” (રૂમી ૧૨:૧) એ શબ્દો મુસાના નિયમ પ્રમાણેના બલિદાનોનો દાખલો આપે છે. એ બલિદાનો સૌથી સારાં હોવા જોઈતાં હતાં. એમાં કોઈ ખોટ ન ચાલતી. (માલા. ૧:૮, ૧૩) યહોવાહના ભક્ત બનીએ ત્યારે, આપણે તેમને જીવન ‘અર્પણ’ કરીએ છીએ. એ અર્પણ સૌથી સારું હોવું જોઈએ, નહિ કે વધેલું-ઘટેલું. એટલે કે પૂરા દિલથી તેમની ભક્તિ કરીએ. આપણો સમય, શક્તિ ને માલ-મિલકત એમાં વાપરીએ. (કોલો. ૩:૨૩) આપણે કઈ રીતે એમ કરી શકીએ?
સારી રીતે સમય વાપરીએ
૧૨, ૧૩. યહોવાહને સૌથી સારું આપવા શું કરવું જોઈએ?
૧૨ યહોવાહને સૌથી સારું આપવા આપણો સમય સારી રીતે વાપરીએ. (એફેસી ૫:૧૫, ૧૬ વાંચો.) એમ કરવા મન પર કાબૂ રાખીએ, નહિતર જગતનું દબાણ અને મોજશોખ સમય ખાય જશે. બાઇબલ કહે છે, ‘દરેક બાબતને માટે સમય હોય છે.’ (સભા. ૩:૧) ખરું કે આરામ લેવા અને રોજી-રોટી કમાવા ટાઇમ જોઈએ. તોયે આપણે સમજી-વિચારીને સમય વાપરવો જોઈએ.
૧૩ પાઊલે એથેન્સના લોકો વિષે કહ્યું કે ‘સર્વ લોકો તથા ત્યાં રહેનારા પરદેશીઓ કંઈ નવી વાત કહેવી અથવા સાંભળવી, તે સિવાય બીજા કશામાં પોતાનો વખત ગાળતા ન હતા.’ (પ્રે.કૃ. ૧૭:૨૧) આજે પણ લોકો એ જ રીતે સમય બગાડે છે. ટીવી, વિડીયો ગેમ્સ, ઇન્ટરનેટ જેવી બાબતો પણ ટાઇમ ખાય જાય છે. આપણે એના શોખીન બની જઈશું તો, યહોવાહની ભક્તિમાં ધીમા પડી જઈશું. અરે, એવું માનવા લાગીશું કે યહોવાહની ભક્તિ “જે શ્રેષ્ઠ છે” એના માટે ટાઇમ જ ક્યાં છે!—ફિલિ. ૧:૯, ૧૦.
૧૪. આપણે પોતાને કયા પ્રશ્નો પૂછવા જોઈએ?
૧૪ આપણે પોતાને પૂછીએ: ‘શું હું રોજ બાઇબલ વાંચવા સમય કાઢું છું? એના પર વિચાર કરું છું? એ સમજવા પ્રાર્થના કરું છું?’ (ગીત. ૭૭:૧૨; ૧૧૯:૯૭; ૧ થેસ્સા. ૫:૧૭) ‘મિટિંગની તૈયારી કરું છું? ઉત્તેજન આપવા કોમેન્ટ કરું છું?’ (ગીત. ૧૨૨:૧; હેબ્રી ૨:૧૨) પાઊલ અને બાર્નાબાસ લોકોને શીખવવા ‘લાંબા સમય સુધી પ્રભુની મદદથી હિંમત રાખીને બોલતા રહ્યા.’ (પ્રે.કૃ. ૧૪:૩) શું તમે ફેરફાર કરીને થોડો ‘લાંબો સમય’ પ્રચાર કરી શકો? શું તમે પાયોનિયર બની શકો?—હેબ્રી ૧૩:૧૫ વાંચો.
૧૫. વડીલો સારી રીતે સમય વાપરવા શું કરે છે?
૧૫ પાઊલ અને બાર્નાબાસ અંત્યોખ ગયા. ઉત્તેજન આપવા “તેઓ શિષ્યોની સાથે ત્યાં ઘણા દિવસ રહ્યા.” (પ્રે.કૃ. ૧૪:૨૮) વડીલો પણ એવું જ કરે છે. પ્રચારમાં જાય છે. ભાઈ-બહેનોની મુલાકાત લઈને ઉત્તેજન આપે છે. યહોવાહની ભક્તિમાં ઠંડા પડી ગયેલાને મદદ કરે છે. બીમાર હોય તેઓને દિલાસો આપે છે. મંડળમાં પણ અનેક જવાબદારીઓ ઉપાડે છે. ભાઈઓ, તમે વડીલ ન હોવ તો, શું પ્રગતિ કરીને વધારે જવાબદારી ઉપાડી શકો?
૧૬. કઈ રીતે આપણે ‘વિશ્વાસના કુટુંબનાં છે તેઓનું સારૂં કરી’ શકીએ?
૧૬ ઘણાએ એવા એરિયામાં જઈને મદદ આપી છે, જ્યાં આફત આવી હોય. બેથેલમાં કામ કરતા, આશરે ૬૫ વર્ષના એક બહેનનો દાખલો લઈએ. બેથેલથી દૂર અમુક એરિયામાં આફત આવી. તે બહેન વેકેશન ટાઇમ લઈને મદદ કરવા ગયા. તે કહે છે: ‘ભલે મારી પાસે કોઈ ખાસ આવડત નથી, પણ ભાઈ-બહેનોને મદદ કરવાનું ગમ્યું. તેઓએ આફતમાં ઘણું ગુમાવ્યું. તોયે તેઓની શ્રદ્ધાથી મને ઉત્તેજન મળ્યું.’ એ બહેનની જેમ બીજા હજારો ભાઈ-બહેનો કિંગ્ડમ હૉલ અને એસેમ્બલી હૉલ બાંધવામાં મદદ કરે છે. આ રીતે જેઓ ‘વિશ્વાસના કુટુંબના છે, તેઓનું સારૂં કરે’ છે.—ગલા. ૬:૧૦.
“હું સર્વકાળ તમારી સાથે છું”
૧૭. અમર જીવન પામવા, આપણે શું કરવા તૈયાર છીએ?
૧૭ જે લોકો યહોવાહને ભજતા નથી, તેઓનો નાશ થશે. એ ક્યારે બનશે એ જાણતા નથી, પણ “સમય થોડો રહેલો છે.” જલદી જ “આ જગતનો ડોળદમાક [ભપકો] જતો રહે છે.” (૧ કોરીંથી ૭:૨૯-૩૧ વાંચો.) ઈસુએ પૂછ્યું હતું કે “માણસ પોતાના જીવને બદલે શું આપશે?” યહોવાહની નવી દુનિયામાં ‘ખરૂં જીવન’ પામવા, આપણે કોઈ પણ કિંમત ચૂકવવા તૈયાર રહેવું જોઈએ. (૧ તીમો. ૬:૧૯) ઈસુએ ‘તેમની પાછળ ચાલવાની’ અને ‘પહેલાં રાજ્યને શોધવાની’ મહત્ત્વની સલાહ આપી. આપણે એ પાળવી જ જોઈએ.—માથ. ૬:૩૧-૩૩; ૨૪:૧૩.
૧૮. આપણે કયો ભરોસો રાખી શકીએ? શા માટે?
૧૮ ઈસુને પગલે ચાલવું હંમેશાં સહેલું નથી. અમુકને એને લીધે મારી નાખવામાં આવ્યા છે. તોયે આપણે ગભરાયા વગર, ઈસુ જેવા બનીએ. ઈસુએ શિષ્યોને કહ્યું: “જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” આપણને એમાં પૂરો ભરોસો છે. (માથ. ૨૮:૨૦) આપણો સમય અને આવડત યહોવાહની ભક્તિમાં વાપરવા બધું જ કરીએ. યહોવાહ ચોક્કસ આપણને દુનિયાના અંતમાંથી બચાવશે. અથવા તો નવી દુનિયામાં સજીવન કરશે. (હેબ્રી ૬:૧૦) ચાલો આપણે જીવનને અનમોલ ભેટ ગણીને જીવીએ. (w08 10/15)
[Picture on page 27]
આપણે શું કહીશું?
• યહોવાહને ભજવા અને ઇન્સાનના ભલા માટે ઈસુએ શું કર્યું?
• આપણે કેમ પોતાનો નકાર કરવો જોઈએ? કઈ રીતે એમ કરી શકીએ?
• ઈસ્રાએલીઓએ કેવાં અર્પણો આપવાનાં હતાં? આપણે એમાંથી શું શીખીએ છીએ?
• આપણે કેવી રીતે ટાઇમ વાપરવો જોઈએ?
[Picture on page 28]
ઈસ્રાએલીઓએ યહોવાહને સૌથી સારું અર્પણ આપવાનું હતું