મહાન મિશનરીના પગલે ચાલીએ
“હું ખ્રિસ્તને અનુસરનારો છું, તેમ તમે મને અનુસરનારા થાઓ.”—૧ કોરીંથી ૧૧:૧.
૧. આપણે કેમ ઈસુના પગલે ચાલવું જોઈએ?
ઈસુ મહાન મિશનરી હતા. પ્રેરિત પાઊલ પણ તેમની જેમ મિશનરી બન્યા. પાઊલે પહેલી સદીના ખ્રિસ્તીઓને ઉત્તેજન આપ્યું: “હું ખ્રિસ્તને અનુસરનારો છું, તેમ તમે મને અનુસરનારા થાઓ.” (૧ કોરીંથી ૧૧:૧) ઈસુએ પોતાના પ્રેરિતોના પગ ધોયા. તેઓને નમ્રતાનો પાઠ શીખવ્યો. પછી તેઓને કહ્યું: “જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે.” (યોહાન ૧૩:૧૨-૧૫) આજે આપણે ઈસુના પગલે ચાલતા હોવાથી તેમના જેવો સ્વભાવ, વાણી-વર્તન ને ગુણો કેળવવા જોઈએ.—૧ પીતર ૨:૨૧.
૨. ગવર્નિંગ બોડી તમને મિશનરી તરીકે કામ ન સોંપે તોપણ તમે શું કરી શકો?
૨ પાછલા લેખમાં આપણે શીખ્યા કે મિશનરી એને કહેવાય, જેને પ્રચાર-ઉપદેશ કરવા મોકલવામાં આવે અને તે બીજાને સારા સમાચાર જણાવે. પાઊલે એ વિષે વિચારવા જેવા પ્રશ્નો પૂછ્યા હતા. (રૂમી ૧૦:૧૧-૧૫ વાંચો.) નોંધ કરો તેમણે શું પૂછ્યું: “વળી ઉપદેશક વગર તેઓ કેમ સાંભળશે?” પછી તેમણે યશાયાહની ભવિષ્યવાણીમાંથી ટાંક્યું: ‘જે વધામણી લાવે છે, તેના પગ પર્વતો પર કેવા શોભાયમાન છે!’ (યશાયાહ ૫૨:૭) મિશનરી તરીકે તમે બીજા દેશમાં સેવા આપતા ન હો તોપણ તમે જોર-શોરથી યહોવાહના રાજ્યનો પ્રચાર કરી શકો. ગયા વર્ષે ૬૯,૫૭,૮૫૨ ભાઈ-બહેનોએ ‘સુવાર્તિક’ તરીકે મિશનરી જેવો ઉત્સાહ બતાવીને ૨૩૬ દેશોમાં પ્રચાર કામમાં ભાગ લીધો હતો.—૨ તીમોથી ૪:૫.
“અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ”
૩, ૪. ઈસુ સ્વર્ગમાં શું છોડીને પૃથ્વી પર આવ્યા? તેમના પગલે ચાલવા આપણે શું કરવું જોઈએ?
૩ ઈસુ પૃથ્વી પર સોંપેલું કામ પૂરું કરવા આવ્યા ત્યારે, તેમણે ‘દાસનું રૂપ ધારણ કરીને, પોતાને ખાલી કર્યા.’ એનો શું અર્થ થાય? એ જ કે તે સ્વર્ગનું જીવન અને મહિમા છોડીને પૃથ્વી પર આવ્યા હતા. (ફિલિપી ૨:૭) ઈસુને પગલે ચાલવા આપણે ગમે એટલા ભોગ આપીએ તોપણ તેમણે ધરતી પર આવીને જે કર્યું એની તોલે આપણે આવી શકતા નથી. પણ આપણે યહોવાહની ભક્તિમાં તેમની જેમ વફાદાર રહી શકીએ. યહોવાહની ભક્તિ કરવા શેતાનની દુનિયામાં કંઈ જતું કર્યું હોય તો એનો અફસોસ ન કરીએ.—૧ યોહાન ૫:૧૯.
૪ એક પ્રસંગે પ્રેરિત પીતરે ઈસુને કહ્યું: “જો, અમે બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ.” (માત્થી ૧૯:૨૭) પીતર, આંદ્રયા, યહૂદા ને યોહાન માછીમાર હતા. ઈસુએ તેઓને પોતાના શિષ્ય થવા બોલાવ્યા ત્યારે તેઓ તરત જ જાળ મૂકીને તેમની સાથે ગયા. તેઓએ માછીમારનો ધંધો છોડીને પ્રચાર કામને પોતાનું જીવન બનાવ્યું. લુકના અહેવાલ પ્રમાણે પીતરે કહ્યું: “જુઓ, અમે પોતાનું બધું મૂકીને તારી પાછળ આવ્યા છીએ.” (લુક ૧૮:૨૮) કદાચ આપણને ‘પોતાનું બધું મૂકીને’ ઈસુના પગલે ચાલવાની જરૂર પડી નહિ હોય. તોપણ આપણે દરેક રાજી-ખુશીથી ‘પોતાનો નકાર કરીને’ ઈસુના પગલે ચાલીએ છીએ. તન-મન ને ધનથી યહોવાહની ભક્તિ કરીએ છીએ. (માત્થી ૧૬:૨૪) એનાથી ઘણા આશીર્વાદો પણ પામ્યા છીએ. (માત્થી ૧૯:૨૯ વાંચો.) ઈસુની જેમ ઉત્સાહથી પ્રચાર કરીશું તો, આપણને ખૂબ આનંદ મળશે. ખાસ તો યહોવાહ અને ઈસુને ઓળખવા કોઈને મદદ કરીએ ત્યારે આપણું હૈયું આનંદથી છલકાય જાય છે.
૫. કોઈ પરદેશી યહોવાહનું સત્ય શીખ્યા પછી પોતાના દેશમાં ગયા હોય એવો અનુભવ જણાવો.
૫ એક દાખલો લઈએ. વાલ્મર બ્રાઝિલના છે. તે દક્ષિણ અમેરિકાના સુરીનામ શહેરના એક ગામમાં સોનાની ખાણમાં કામ કરતા હતા. તે દારૂના બંધાણી હતા ને ગંદા કામોમાં ડૂબેલા હતા. એક વાર તે સુરીનામ શહેરમાં ગયા ત્યારે યહોવાહના સાક્ષીઓ મળ્યા. તેઓ વાલ્મરને બાઇબલમાંથી શીખવવા લાગ્યા. તે દરરોજ સ્ટડી કરવા લાગ્યા. જીવનમાં ઘણો સુધારો કર્યો. બાપ્તિસ્મા પણ લીધું. વાલ્મર યહોવાહના ભક્ત બન્યા. તે જોઈ શક્યા કે નોકરીને કારણે પોતે યહોવાહના શિક્ષણ પ્રમાણે જીવી શકતા નથી. તેમણે શું કર્યું? તેમણે ખૂબ પૈસો રળી આપતી નોકરી છોડી દીધી. બ્રાઝિલ પાછા જઈને કુટુંબ સાથે રહેવા લાગ્યા, જેથી કુટુંબને બાઇબલમાંથી હીરા-મોતી જેવું ઈશ્વરનું સત્ય શીખવા મદદ કરી શકે. તેમની જેમ ઘણા લોકો પૈસા કમાવવા પરદેશ જાય છે. તેઓ યહોવાહનું સત્ય શીખ્યા પછી રાજી-ખુશીથી અમીર દેશોની સારી-સારી જોબ છોડીને પોતાના દેશમાં પાછા જાય છે. જેથી તેઓ પોતાના કુટુંબ-મિત્રોને યહોવાહનું સત્ય શીખવા મદદ કરી શકે. એનાથી ભાઈ-બહેનો બતાવે છે કે તેઓ ખરા અર્થમાં મિશનરી છે.
૬. જરૂર હોય ત્યાં પ્રચાર કરવા બીજે રહેવા ન જઈ શકીએ તોપણ આપણે શું કરી શકીએ?
૬ ઘણા ભાઈ-બહેનો પ્રચાર થયો ન હોય એવી જગ્યાએ રહેવા ગયા છે. અરે, અમુક તો પોતાના ખર્ચે બીજા દેશમાં પ્રચાર કરવા ગયા છે. જોકે આપણે બધા જ એવું ન કરી શકીએ. તોપણ ઈસુની જેમ પ્રચાર કરવા આપણાથી બનતું બધું જ કરવું જોઈએ.
યહોવાહ પોતે શીખવશે
૭. સારી રીતે પ્રચાર કરતા શીખવવા માટે કેવી કેવી સ્કૂલો છે?
૭ યહોવાહે ઈસુને ઘણું શીખવ્યું હતું. એ જ રીતે આપણે પણ તેમની પાસેથી આવતા શિક્ષણનો લાભ લેવો જોઈએ. ઈસુએ કહ્યું: ‘પ્રબોધકનાં પુસ્તકોમાં લખેલું છે, કે તેઓ સઘળા યહોવાહથી શીખેલા થશે.’ (યોહાન ૬:૪૫; યશાયાહ ૫૪:૧૩) આપણે પણ ઈસુની જેમ પ્રચાર કરીને શિષ્ય બનાવી શકીએ એ માટે અનેક સ્કૂલો છે. જેમ કે, દરેક મંડળમાં દેવશાહી સેવા શાળા છે. એમાંથી તમને પોતાને પણ લાભ થયો હશે, ખરું ને? એવી જ રીતે પાયોનિયરો માટે પાયોનિયર સ્કૂલ પણ છે. વર્ષોથી પાયોનિયરીંગ કરતા ઘણા ભાઈ-બહેનો બીજી વાર પણ પાયોનિયર સ્કૂલમાં ગયા છે. વડીલો ને સેવકાઈ ચાકરો માટે પણ સ્કૂલ છે. એમાં તેઓ વધારે સારી રીતે શીખવનાર બને છે. તેમ જ, મંડળના ભાઈ-બહેનોની વધુ સારી રીતે સંભાળ રાખતા શીખે છે. ઘણા કુંવારા સેવકાઈ ચાકરો ને વડીલો મિનિસ્ટ્રીયલ ટ્રેનિંગ સ્કૂલમાં ગયા છે. એમાં તેઓ ભાઈ-બહેનોની સંભાળ રાખતા ને પ્રચારમાં બીજાઓને મદદ કરતા શીખે છે. ઘણા ભાઈ-બહેનો ગિલયડ સ્કૂલમાં જઈને બીજા દેશમાં મિશનરી સેવા આપે છે.
૮. યહોવાહ પાસેથી ટ્રેનિંગ લેવા ઘણા ભાઈઓએ શું કર્યું?
૮ ઘણા ભાઈ-બહેનોએ એવી સ્કૂલમાં જવા જીવનમાં અનેક ફેરફાર કર્યા છે. કૅનેડાના યુગુભાઈનો દાખલો લો. તેમને મિનિસ્ટ્રીયલ ટ્રેનિંગ સ્કૂલમાં જવાનું આમંત્રણ મળ્યું. તેમણે જોબ પર માલિક પાસેથી રજા માંગી. પણ માલિકે તેમની રજા મંજૂર ના કરી. યુગુભાઈએ શું કર્યું? તેમણે જોબ છોડી દીધી. તેમણે કહ્યું: ‘જોબ છોડી દેવાથી મને દુઃખ થતું નથી. માલિકે રજા આપી હોત તો હું તેમનો અહેસાન ન ભૂલત. હું તેમની કંપનીમાં મન મૂકીને કામ કરત. પણ હવે યહોવાહની સેવા કરવા હું તૈયાર છું. તે જે કામ સોંપશે એ કરીશ.’ યહોવાહ પાસેથી ટ્રેનિંગનો લાભ લેવા ઘણા ભાઈ-બહેનોએ સારી-સારી નોકરીઓ છોડી છે.—લુક ૫:૨૮.
૯. બાઇબલમાંથી યહોવાહનું સત્ય દિલથી શીખવીએ ત્યારે કેવી ઊંડી અસર થાય છે? એક અનુભવ જણાવો.
૯ બાઇબલમાંથી યહોવાહનું સત્ય દિલથી શીખવીએ ત્યારે એની લોકો પર ઊંડી અસર થાય છે. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) સોલૉનો વિચાર કરો. તે ગ્વાટેમાલામાં રહે છે. જન્મથી જ તેના મગજમાં થોડી નબળાઈ હતી. ટીચરે તેની મમ્મીને કહ્યું: ‘સોલૉને લખતા-વાંચતા શીખવા દબાણ કરશો નહિ. નહિતર તે ઉદાસ થઈ જશે.’ સોલૉએ સ્કૂલ છોડી દીધી. વાંચતા પણ શીખ્યો નહિ. પણ મંડળમાં એક ભાઈએ તેને લખતા-વાંચતા શીખવ્યું. કઈ રીતે? આપણી સંસ્થાએ લખતા-વાંચતા શીખવા માટે અપ્લાય યોરસેલ્ફ ટુ રીડીંગ ઍન્ડ રાઈટીંગ પુસ્તક બહાર પાડ્યું છે. એનો તેમણે ઉપયોગ કર્યો. સોલૉએ ધીમે ધીમે સારી પ્રગતિ કરી. પછી તે દેવશાહી સેવા શાળામાં ટૉક આપવા લાગ્યો. અમુક સમય પછી સોલૉની મમ્મી ઘર-ઘરના પ્રચારમાં સોલૉની ટીચરને મળ્યા. તેમણે ટીચરને જણાવ્યું કે સોલૉ હવે લખી-વાંચી શકે છે. ટીચરે કહ્યું: ‘આવતા અઠવાડિયે સોલૉને લઈ આવજો.’ ટીચર સોલૉને મળ્યા. તેમણે સોલૉને પૂછ્યું: “તું મને શું શીખવવાનો છે?” પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તકમાંથી સોલૉ વાંચવા લાગ્યો. ટીચરે કહ્યું: “તું આટલું સરસ વાંચી અને શીખવી શકે છે, એ મારા માનવામાં જ નથી આવતું!” એમ કહેતાં કહેતાં તેમની આંખમાં આંસુ આવી ગયાં. તે સોલૉને ભેટી પડ્યા.
દિલ સુધી પહોંચતું શિક્ષણ
૧૦. બાઇબલનું સત્ય શીખવવા આપણી પાસે કયું પુસ્તક છે?
૧૦ ઈસુ યહોવાહ પાસેથી જે શીખ્યા એ જ તેમણે લોકોને શીખવ્યું. તે ઈશ્વરનું વચન, બાઇબલમાંથી પણ લોકોને સલાહ આપતા. (લુક ૪:૧૬-૨૧; યોહાન ૮:૨૮) આપણે પણ ઈસુની જેમ બાઇબલમાંથી શીખવવું જોઈએ. એમ કરવાથી આપણે ઈસુની જેમ વિચારીશું ને શીખવી શકીશું. એનાથી મંડળમાં પ્રેમ ને સંપ વધશે. (૧ કોરીંથી ૧:૧૦) ‘વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરે’ અનેક પુસ્તકો બહાર પાડ્યાં છે. એની મદદથી આપણે યહોવાહ વિષે લોકોને શીખવી શકીએ છીએ! (માત્થી ૨૪:૪૫; ૨૮:૧૯, ૨૦) એમાંનું એક પુસ્તક, પવિત્ર બાઇબલ શું શીખવે છે? આજે ૧૭૯ ભાષાઓમાં છે.
૧૧. ઇથિયોપિયામાં એક સ્ત્રીએ વિરોધ કર્યો ત્યારે પાયોનિયર બહેને શું કર્યું?
૧૧ આપણા વિરોધીઓ બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી શીખે છે ત્યારે, તેઓના દિલ પર ઊંડી અસર થાય છે. ઇથિયોપિયામાં રહેતી લુલાનો વિચાર કરો. તે પાયોનિયર છે. તે એક બાઈ સાથે સ્ટડી કરતી હતી. એવામાં તેના સગાંમાંથી એક સ્ત્રી આવી. તેણે કહ્યું કે ‘અમને બાઇબલ સ્ટડી કરવાની કંઈ જરૂર નથી.’ લુલાએ શું કર્યું? તેણે શાંતિથી એ સ્ત્રીને બાઇબલ શીખવે છે પુસ્તકના, પંદરમા પ્રકરણમાંથી નકલી નોટનો દાખલો આપ્યો. સ્ટડી બંધ કરાવવા આવેલી સ્ત્રી શાંત થઈ. બીજા અઠવાડિયે તે પણ સ્ટડીમાં બેઠી. પછી તેણે લુલાને કહ્યું કે ‘મને પણ બાઇબલમાંથી શીખવો.’ એ માટે તેણે પૈસાની પણ ઑફર કરી! એ સ્ત્રી પછીથી અઠવાડિયામાં ત્રણ વાર સ્ટડી કરવા લાગી. તેણે સત્યમાં સારી પ્રગતિ કરી.
૧૨. યુવાનો બાઇબલ શીખવે છે પુસ્તક કઈ રીતે વાપરે છે? દાખલો આપો.
૧૨ યુવાન ભાઈ-બહેનો પણ બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી બીજાને મદદ કરી શકે છે. અગિયાર વર્ષના કિનૂનો દાખલો લઈએ. તે હવાઈમાં રહે છે. તે સ્કૂલમાં બાઇબલ શીખવે છે પુસ્તક વાંચતો હતો. તેના ક્લાસના એક છોકરાએ પૂછ્યું: “તું કેમ તહેવારો ઊજવતો નથી?” કિનૂએ એ પુસ્તકના ૨૨૨-૨૨૩ પાન પર “શું આપણે તહેવારો ઊજવવા જોઈએ?” ભાગમાંથી જવાબ વાંચી આપ્યો. પછી તેણે એ પુસ્તકમાં આપેલા વિષયો છોકરાને બતાવ્યા. એ છોકરાને ગમતા વિષય પર સ્ટડી શરૂ કરી. ગયા સેવા વર્ષે યહોવાહના સાક્ષીઓએ ૬૫,૬૧,૪૨૬ લોકો સાથે બાઇબલ સ્ટડી કરી. તેઓએ બાઇબલ શીખવે છે પુસ્તકનો સારો ઉપયોગ કર્યો છે. તમારા વિષે શું?
૧૩. બાઇબલ વિષે શીખવાથી લોકો પર કેવી અસર પડે છે?
૧૩ લોકોને બાઇબલ શીખવે છે પુસ્તકમાંથી શીખવવાથી તેઓના દિલમાં યહોવાહની ભક્તિ કરવાની હોંશ જાગે છે. નૉર્વેમાં સ્પેશિયલ પાયોનિયરીંગ કરતા પતિ-પત્નીએ ઝાંબિયાથી આવેલા કુટુંબ સાથે બાઇબલ સ્ટડી શરૂ કરી. તેઓને ત્રણ દીકરીઓ હતી. બીજાં બાળકો જોઈતાં ન હતાં. એ સ્ત્રીને ચોથી વાર ગર્ભ રહ્યો ત્યારે તેણે ગર્ભપાત કરવાનું વિચાર્યું. તેઓ ડૉક્ટર પાસે જવાના હતા એના અમુક દિવસ પહેલાં, પુસ્તકમાંથી “જિંદગી, ઈશ્વરની અનમોલ ભેટ!” વિષે સ્ટડી કરી. એ પ્રકરણમાં તેઓએ માની કૂખમાં બેબીનો ફોટો જોયો. એનાથી તેઓનું હૈયું વીંધાઈ ગયું. તેમણે ગર્ભપાત કરવાનું માંડી વાળ્યું. તેઓ યહોવાહની ભક્તિમાં સારી પ્રગતિ કરે છે. પછી તેઓને દીકરો થયો. તેનું નામ પણ એ ભાઈના નામ પરથી રાખ્યું, જે તેઓને બાઇબલમાંથી શીખવતા હતા.
૧૪. બાઇબલ પ્રમાણે જીવીશું તો કેવાં સારાં પરિણામો આવે છે એ દાખલો આપીને સમજાવો.
૧૪ ઈસુની શીખવવાની રીત અજોડ હતી. તેમણે જે શીખવ્યું એ પ્રમાણે જ જીવ્યા. આપણે ઈસુના પગલે ચાલીએ છીએ. એટલે લોકોને યહોવાહના સાક્ષીઓના વાણી-વર્તન ને સ્વભાવ બહુ ગમે છે. એક દાખલો લઈએ. ન્યૂઝીલૅન્ડમાં એક વેપારીની કારમાંથી બ્રીફકેસ ચોરાઈ ગઈ. તેમની ઊંઘ હરામ થઈ ગઈ. તેમણે પોલીસને રિપોર્ટ કર્યો. પોલીસે કહ્યું: “બેગ પાછી મળે એવી શક્યતા નથી. પણ જો યહોવાહના કોઈ સાક્ષીને મળશે તો, બેગ જરૂર તમને પાછી મળશે.” હકીકતમાં એવું જ થયું. તેમના જ વિસ્તારમાં આપણી એક બહેન લોકોના ઘરે છાપું નાખવાનું કામ કરે છે. તેમને એ બેગ મળી. એમાંથી તેમણે ફોન નંબર શોધીને બેગના માલિકને જણાવ્યું. તે બહેનના ઘરે ગયા. તેમણે બેગમાં જોયું તો, મહત્ત્વના ડૉક્યુમેન્ટ એમના એમ જ હતા. તે ખુશ થઈ ગયા. આપણી બહેને તેમને કહ્યું: “હું યહોવાહની સાક્ષી છું. એ કારણે તમને તમારી બેગ પાછી મળી છે.” વેપારીને પોલીસના શબ્દો યાદ આવ્યા. તેમને ઘણી નવાઈ લાગી. એ શું બતાવે છે? એ જ કે યહોવાહના સાક્ષીઓ ઈસુની જેમ બાઇબલમાંથી શીખવે છે. અને એ પ્રમાણે જીવે પણ છે.—હેબ્રી ૧૩:૧૮.
ઈસુની જેમ વર્તીએ
૧૫, ૧૬. લોકોને યહોવાહની ભક્તિ તરફ દોરવા શું કરવું જોઈએ?
૧૫ ઈસુ બધા જ સાથે પ્રેમથી વર્તતા. એ કારણે લોકો તેમનો બોધ સાંભળવા પ્રેરાતા. દાખલા તરીકે, મામૂલી લોકો પણ તેમની પાસેથી ખસતા નહિ. તે બધાને પ્રેમ કરતા ને દિલાસો આપતા. તેમણે ઘણાને સાજા કર્યા. (માર્ક ૨:૧-૫ વાંચો.) ખરું કે આપણે કોઈ એવા ચમત્કાર કરતા નથી. તોપણ બીજાને પ્રેમ કરી શકીએ ને દિલાસો આપી શકીએ. આમ તેઓ આપણો સ્વભાવ ને ગુણો જોઈને યહોવાહના ભક્તો બનશે.
૧૬ દયાભાવ બતાવવાથી વ્યક્તિ પર ઊંડી અસર થાય છે. એક દાખલો લઈએ. દક્ષિણ પૅસિફિક મહાસાગરમાં કિરીબૅતીના એક ટાપુમાં ટારિઉઆબહેન રહે છે. તે સ્પેશિયલ પાયોનિયર છે. તે પ્રચારમાં બિયરી દાદાને મળ્યા. દાદાએ ઇશારાથી જણાવ્યું કે તેમને કંઈ સાંભળવું નથી. પણ ટારિઉઆબહેને જોયું કે દાદા થોડા અપંગ છે. તેમને દાદા પર દયા આવી. તેમણે દાદાને પૂછ્યું: ‘દાદા, તમને ખબર છે કે બીમારી ને ઘડપણ વિષે ભગવાન શું કરશે?’ પછી તેમણે યશાયાહમાંથી અમુક કલમો વાંચી. (યશાયાહ ૩૫:૫, ૬ વાંચો.) દાદાને નવાઈ લાગી. તેમણે કહ્યું: ‘હું વર્ષોથી બાઇબલ વાંચું છું. ચર્ચમાંથી ઘણા મિશનરીઓ મારા ઘરે આવ્યા છે. પણ એવું તો મેં બાઇબલમાં કદી વાંચ્યું નથી.’ બિયરી દાદા સ્ટડી કરવા લાગ્યા. તેમણે યહોવાહની ભક્તિમાં સારી પ્રગતિ કરી. તે બહુ જ અપંગ હોવા છતાં, બાપ્તિસ્મા પામ્યા. હવે તે બુક સ્ટડી ગ્રૂપની સંભાળ રાખે છે. તેમ જ ટાપુમાં બધે ચાલીને જાય છે અને યહોવાહના રાજ્યનો પ્રચાર કરે છે.
ઈસુના પગલે ચાલતા થાકીએ નહિ
૧૭, ૧૮. (ક) તમે સફળ પ્રચારક કઈ રીતે બની શકો? (ખ) ઈસુની જેમ પ્રચાર કરતા રહેશે તેઓ કેવો આશીર્વાદ અનુભવશે?
૧૭ આવા અનુભવોમાંથી વારંવાર શું જોવા મળે છે? એ જ કે ઈસુ જેવો સ્વભાવ ને ગુણો કેળવતા રહીશું તો, આપણને પણ એવા જ અનુભવ થશે. ચાલો આપણે પણ ઈસુની જેમ ઉત્સાહથી પ્રચાર કરવાની દિલમાં ગાંઠ વાળીએ!
૧૮ પ્રથમ સદીમાં અમુક જણ ઈસુના શિષ્યો બન્યા ત્યારે પીતરે પૂછ્યું: “અમને શું મળશે?” ઈસુએ કહ્યું: “જે કોઈએ ઘરોને, કે ભાઈઓને, કે બહેનોને, કે બાપને, કે માને, કે છોકરાંને, કે ખેતરોને, મારા નામને લીધે મૂકી દીધાં છે, તે સોગણાં પામશે, ને અનંતજીવનનો વારસો પામશે.” (માત્થી ૧૯:૨૭-૨૯) આપણે જો ઈસુની જેમ પ્રચાર કરતા રહીશું તો, આપણા જીવનમાં પણ એ શબ્દો સાચા પડશે. (w08 2/15)
તમે કેવી રીતે સમજાવશો
• યહોવાહ કઈ રીતે આપણને મિશનરીની જેમ સારી રીતે પ્રચાર કરતા શીખવે છે?
• બાઇબલ શીખવે છે પુસ્તક પ્રચારમાં કેમ વાપરવા જેવું છે?
• આપણે ઈસુની જેમ વર્તીને કેવી રીતે લોકોને મદદ કરી શકીએ?
[પાન ૨૩ પર ચિત્રો]
પીતર, આંદ્રયા, યહૂદા ને યોહાન, ઈસુની વાત સાંભળતા જ તેમના પગલે ચાલવા લાગ્યા