પ્રકરણ ૯૮
પ્રેરિતો ઊંચું સ્થાન મેળવવાની ફરીથી ઝંખના રાખે છે
માથ્થી ૨૦:૧૭-૨૮ માર્ક ૧૦:૩૨-૪૫ લુક ૧૮:૩૧-૩૪
ઈસુ ફરી પોતાના મરણ વિશે ભવિષ્યવાણી કરે છે
ઊંચું સ્થાન મેળવવા ઇચ્છતા શિષ્યોને ઈસુની સલાહ
ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમ જવા પેરીઆની દક્ષિણે આવી પહોંચ્યા. પછી, તેઓએ યરીખો પાસે યરદન નદી ઓળંગી. તેઓ સાથે બીજા લોકો પણ ઈસવીસન ૩૩ના પાસ્ખાના તહેવાર માટે મુસાફરી કરી રહ્યા હતા.
ઈસુ શિષ્યોની આગળ ચાલી રહ્યા હતા. તે પાસ્ખાના તહેવાર માટે શહેરમાં સમયસર પહોંચી જવા માંગતા હતા. પરંતુ, શિષ્યો ડરતા હતા. થોડા સમય અગાઉ, લાજરસના મરણ વખતે ઈસુ પેરીઆથી યહુદિયા જવાના હતા ત્યારે, થોમાએ બીજા શિષ્યોને કહ્યું હતું: “ચાલો, આપણે પણ જઈએ, ભલે પછી તેમની સાથે મરવું પડે.” (યોહાન ૧૧:૧૬, ૪૭-૫૩) એટલે, યરૂશાલેમ જવું જોખમ ભરેલું હતું અને શિષ્યોનો ડર વાજબી હતો.
થોડા જ સમયમાં જે થવાનું હતું, એ માટે ઈસુએ પોતાના શિષ્યોને તૈયાર કર્યા. તેમણે શિષ્યોને બાજુ પર લઈ જઈને કહ્યું: “આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ અને માણસના દીકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. તેઓ તેને મોતની સજા ફટકારશે અને મશ્કરી કરવાને, કોરડા મારવાને તથા વધસ્તંભે ચડાવવાને તેઓ તેને બીજી પ્રજાઓને સોંપી દેશે; અને ત્રીજા દિવસે તેને મરણમાંથી ઉઠાડવામાં આવશે.”—માથ્થી ૨૦:૧૮, ૧૯.
આ ત્રીજી વાર ઈસુએ શિષ્યોને પોતાના મરણ વિશે અને સજીવન થવા વિશે જણાવ્યું હતું. (માથ્થી ૧૬:૨૧; ૧૭:૨૨, ૨૩) જોકે, આ વખતે તેમણે કહ્યું કે તેમને વધસ્તંભ પર મારી નાખવામાં આવશે. શિષ્યોએ તેમનું સાંભળ્યું તો ખરું, પણ એનો અર્થ સમજી શક્યા નહિ. કદાચ તેઓ એવું ધારતા હતા કે ઇઝરાયેલનું રાજ્ય પૃથ્વી પર ફરી સ્થપાશે. તેમ જ, તેઓ પૃથ્વી પરના રાજ્યમાં ખ્રિસ્ત સાથે માન અને મહિમા પામવા ચાહતા હતા.
યાકૂબ અને યોહાનની માતા પણ તેઓ સાથે મુસાફરી કરી રહી હતી. એ કદાચ શલોમી હતી. આ બંને પ્રેરિતોના ઉગ્ર સ્વભાવને લીધે ઈસુએ તેઓને “ગર્જનાના દીકરાઓ” નામ આપ્યું હતું. (માર્ક ૩:૧૭; લુક ૯:૫૪) થોડા સમયથી, આ બંને ભાઈઓ ખ્રિસ્તના રાજ્યમાં ઊંચું સ્થાન મેળવવા ઝંખતા હતા. તેઓની માતાને પણ એ વાતની જાણ હતી. એટલે, તે ઈસુ પાસે આવી અને તેમને નમન કરીને વિનંતી કરી. ઈસુએ કહ્યું: “તમે શું ચાહો છો?” તેણે કહ્યું: “હું વિનંતી કરું છું કે મારા બે દીકરા તમારા રાજ્યમાં તમારી સાથે બેસે. એક તમારે જમણે હાથે અને એક તમારે ડાબે હાથે.”—માથ્થી ૨૦:૨૦, ૨૧.
એ વિનંતી ખરેખર તો યાકૂબ અને યોહાન પાસેથી આવી હતી. ઈસુએ થોડી વાર પહેલાં જ જણાવ્યું હતું કે તેમણે શરમ અને અપમાન સહન કરવાં પડશે. એટલે, ઈસુએ એ પ્રેરિતોને કહ્યું: “તમે જાણતા નથી કે તમે શું માંગી રહ્યા છો. હું જે પ્યાલો પીવા જઈ રહ્યો છું, એ શું તમે પી શકો છો?” તેઓએ જવાબ આપ્યો: “અમે પી શકીએ છીએ.” (માથ્થી ૨૦:૨૨) છતાં, તેઓ પૂરી રીતે સમજી શકતા ન હતા કે તેઓ માટે એનો શો અર્થ થતો હતો.
એટલે, ઈસુએ તેઓને કહ્યું: “તમે મારો પ્યાલો જરૂર પીશો, પણ મારે જમણે અને ડાબે હાથે બેસાડવાનું હું નક્કી કરતો નથી; પણ, એ જગ્યા મારા પિતાએ જેઓ માટે નક્કી કરી છે, તેઓની છે.”—માથ્થી ૨૦:૨૩.
યાકૂબ અને યોહાનની વિનંતી વિશે સાંભળીને બાકીના દસ પ્રેરિતો ગુસ્સે ભરાયા. અગાઉ પ્રેરિતોમાં ઉગ્ર દલીલ થઈ હતી કે તેઓમાં મોટું કોણ. એ ચર્ચામાં યાકૂબ અને યોહાને આગળ પડતો ભાગ લીધો હોય શકે. (લુક ૯:૪૬-૪૮) ગમે એ હોય, આ કિસ્સો બતાવતો હતો કે પોતાને બીજાઓથી નાના ગણવાની ઈસુની સલાહને બાર પ્રેરિતોએ લાગુ પાડી ન હતી. મોટા બનવાની ઇચ્છા હજુ તેઓના દિલમાંથી દૂર થઈ ન હતી.
એ વિવાદને લઈને પ્રેરિતોમાં ખોટી ઇચ્છા પેદા થતી હોવાથી, ઈસુએ એને થાળે પાડવાનું નક્કી કર્યું. તેમણે બાર પ્રેરિતોને ભેગા કર્યા અને પ્રેમથી સલાહ આપી: “તમે જાણો છો કે જેઓ દુનિયાના શાસકો ગણાય છે, તેઓ પ્રજા પર હુકમ ચલાવે છે અને તેઓના મોટા માણસો પ્રજાને દાબમાં રાખે છે. તમારામાં આવું ન થવું જોઈએ, પણ જે કોઈ તમારામાં મોટો થવા ચાહે, તેણે તમારા સેવક બનવું જોઈએ; અને તમારામાં જે કોઈ પહેલો થવા ચાહે, તેણે બધાના દાસ બનવું જોઈએ.”—માર્ક ૧૦:૪૨-૪૪.
ઈસુએ પછી પોતાનો દાખલો આપ્યો, જેને તેઓએ અનુસરવાનો હતો. તેમણે સમજાવ્યું: “માણસનો દીકરો પોતાની સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા આવ્યો; અને ઘણા લોકોના છુટકારાની કિંમત ચૂકવવા પોતાનું જીવન આપવા આવ્યો.” (માથ્થી ૨૦:૨૮) લગભગ ત્રણ વર્ષથી ઈસુ બીજાઓ માટે સેવા કરી રહ્યા હતા. અરે, માણસજાત માટે તે પોતાનો જીવ પણ આપી દેવાના હતા! શિષ્યોએ પણ ખ્રિસ્ત જેવું વલણ કેળવવાનું હતું. ખ્રિસ્તની જેમ તેઓએ સેવા કરવાની હતી, બીજાઓ પાસે સેવા કરાવવાની ન હતી. તેઓએ બીજાઓથી નાના બનવાનું હતું, મોટા નહિ.