માર્ચ—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
માર્ચ ૫-૧૧
બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૨૦-૨૧
“જે કોઈ તમારામાં મોટો થવા ચાહે તેણે તમારા સેવક બનવું જોઈએ”
(માથ્થી ૨૦:૩) સવારે આશરે નવ વાગ્યે તે ફરી બહાર ગયો ત્યારે, તેણે બજારમાં બીજા મજૂરોને બેકાર ઊભેલા જોયા;
nwtsty ચિત્ર/વીડિયો
બજાર
અહીં ચિત્રમાં બતાવ્યા છે એવા અમુક બજાર રસ્તાની બાજુમાં ભરાતાં. અમુક વાર વેપારીઓ એટલો બધો માલ-સામાન રસ્તા પર મૂકી દેતા કે અવરજવર માટે જગ્યા જ ન રહેતી. સ્થાનિક રહેવાસીઓ બજારમાંથી ઘરગથ્થુ વસ્તુઓ, માટીનાં વાસણો, કાચનો મોંઘો સામાન તેમજ તાજાં શાકભાજી અને ફળફળાદિ ખરીદતા. ત્યારે ફ્રિજ જેવાં સાધનો ન હતાં, એટલે રોજબરોજની ખાદ્યસામગ્રી ખરીદવા તેઓએ દરરોજ બજાર જવું પડતું. અહીં લોકોને વેપારીઓ અને બીજા લોકો પાસેથી અલગ અલગ સમાચાર સાંભળવા મળતા; ત્યાં બાળકો રમી શકતા અને બેરોજગાર વ્યક્તિ કામ મેળવવા ઊભી રહી શકતી. બજારમાં ઈસુએ લોકોને સાજા કર્યા હતા અને પાઊલે પ્રચાર કર્યો હતો. (પ્રેકા ૧૭:૧૭) પણ, ઘમંડી શાસ્ત્રીઓ અને ફરોશીઓને આવી જાહેર જગ્યામાં જવું ખૂબ ગમતું, કારણ કે ત્યાં લોકો તેઓને સલામ કરતા અથવા તેઓની વાહવાહ કરતા.
(માથ્થી ૨૦:૨૦, ૨૧) પછી, ઝબદીના દીકરાઓની મા પોતાના દીકરાઓની સાથે તેમની પાસે આવી અને નમન કર્યું. તે તેમની પાસેથી કંઈક માંગવા ચાહતી હતી. ૨૧ ઈસુએ તેને પૂછ્યું: “તમે શું ચાહો છો?” તેણે તેમને જવાબ આપ્યો: “હું વિનંતી કરું છું કે મારા બે દીકરા તમારા રાજ્યમાં તમારી સાથે બેસે. એક તમારે જમણે હાથે અને એક તમારે ડાબે હાથે.”
nwtsty માથ ૨૦:૨૦, ૨૧ અભ્યાસ માહિતી
ઝબદીના દીકરાઓની મા: એ પ્રેરિત યાકૂબ અને યોહાનની માતા હતાં. માર્કના અહેવાલ પ્રમાણે, યાકૂબ અને યોહાને ઈસુને પોતાના વિશે આ ભલામણ કરી હતી. ખરું કે, ઈસુ પાસે એ વિનંતી લઈને તેઓની માતા શલોમી ગયાં છે, જે ઈસુનાં માસી હતાં. પણ, દેખીતું છે કે એ વિનંતી યાકૂબ અને યોહાન તરફથી આવી હતી.—માથ ૨૭:૫૫, ૫૬; માર્ક ૧૫:૪૦, ૪૧; યોહ ૧૯:૨૫.
એક તમારે જમણે હાથે અને એક તમારે ડાબે હાથે: અહીં જણાવેલી બન્ને જગ્યાઓ આદર અને અધિકારને દર્શાવે છે, પણ જમણા હાથનું સ્થાન હંમેશાં સૌથી વધારે આદરણીય છે.—ગીત ૧૧૦:૧; પ્રેકા ૭:૫૫, ૫૬; રોમ ૮:૩૪.
(માથ્થી ૨૦:૨૫-૨૮) પરંતુ, ઈસુએ તેઓને પાસે બોલાવીને કહ્યું: “તમે જાણો છો કે દુનિયાના શાસકો પ્રજા પર હુકમ ચલાવે છે અને મોટા માણસો તેઓને દાબમાં રાખે છે. ૨૬ તમારામાં આવું ન થવું જોઈએ, પણ જે કોઈ તમારામાં મોટો થવા ચાહે તેણે તમારા સેવક બનવું જોઈએ; ૨૭ અને તમારામાં જે કોઈ પહેલો થવા ચાહે તેણે તમારા દાસ બનવું જોઈએ. ૨૮ જેમ માણસનો દીકરો પોતાની સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા આવ્યો; અને ઘણા લોકોના છુટકારાની કિંમત ચૂકવવા પોતાનું જીવન આપવા આવ્યો.”
nwtsty માથ ૨૦:૨૬, ૨૮ અભ્યાસ માહિતી
સેવક: અથવા “દાસ.” નમ્રભાવે બીજાઓની સેવા કરનાર વ્યક્તિ માટે બાઇબલમાં અનેક વખત ગ્રીક શબ્દ ડીયાકોનોસ વપરાયો છે. આ શબ્દનો ઉપયોગ ઈસુ ખ્રિસ્ત (રોમ ૧૫:૮), ખ્રિસ્તના સેવકો (૧કો ૩:૫-૭; કોલો ૧:૨૩), સહાયક સેવકો (ફિલિ ૧:૧; ૧તિ ૩:૮) તેમજ ઘરમાં કામ કરતા ચાકરો (યોહ ૨:૫, ૯) અને સરકારી અધિકારીઓ (રોમ ૧૩:૪) માટે વપરાયો છે.
સેવા કરાવવા નહિ, પણ સેવા કરવા: અથવા “બીજાઓ પાસે ચાકરી કરાવવા નહિ, પણ બીજાઓની ચાકરી કરવા.”
કીમતી રત્નો શોધીએ
(માથ્થી ૨૧:૯) વધુમાં, તેમની આગળ જતા અને તેમની પાછળ આવતા લોકો પોકારી રહ્યા હતા: “હે ઈશ્વર, અમારી પ્રાર્થના છે, દાઊદના દીકરાનું તારણ હો. યહોવાના નામમાં જે આવે છે તે આશીર્વાદિત છે! હે સ્વર્ગમાંના ઈશ્વર, અમારી પ્રાર્થના છે, તેમનું તારણ હો!”
nwtsty માથ ૨૧:૯ અભ્યાસ માહિતી
હે ઈશ્વર, અમારી પ્રાર્થના છે: મૂળ અર્થ, “હોસાન્ના.” આ ગ્રીક શબ્દ હિબ્રૂ ભાષાના વાક્યાંશ પરથી આવ્યો છે, જેનો અર્થ થાય: “ઉદ્ધાર કરો, અમારી પ્રાર્થના છે” અથવા “ઉદ્ધાર કરો, અમારી વિનંતી છે.” અહીં, આ શબ્દનો ઉપયોગ કરીને ઈશ્વરને વિનંતી કરવામાં આવી છે કે તે ઉદ્ધાર કરે અથવા જીત અપાવે. સમય જતાં, આ શબ્દનો ઉપયોગ પ્રાર્થના અને સ્તુતિ કરવા માટે થવા લાગ્યો. આ હિબ્રૂ વાક્યાંશ ગીતશાસ્ત્ર ૧૧૮:૨૫માં જોવા મળે છે, જે કલમ પાસ્ખાના તહેવાર વખતે ગાવામાં આવતા હાલેલ ભજનનો ભાગ હતી. તેથી, આ પ્રસંગે આવા શબ્દો તરત જ લોકોના મનમાં આવ્યા. ઈસુને સજીવન કરીને ઈશ્વરે એક રીતે દાઊદના દીકરાનો ઉદ્ધાર કરવાની પ્રાર્થનાનો જવાબ આપ્યો. માથ્થી ૨૧:૪૨માં, ઈસુએ પોતે ગીતશાસ્ત્ર ૧૧૮:૨૨, ૨૩ના શબ્દોનો ઉલ્લેખ કર્યો અને મસીહને લાગુ પડ્યા.
દાઊદના દીકરા: આ શબ્દો ઈસુની વંશાવળી અને મસીહ તરીકે તેમની ભૂમિકા વિશે દર્શાવવા થયો છે.
(માથ્થી ૨૧:૧૮, ૧૯) “વહેલી સવારે શહેરમાં પાછા જતી વખતે ઈસુને ભૂખ લાગી. રસ્તાની બાજુએ અંજીરનું એક.”
અંજીરના ઝાડ દ્વારા શ્રદ્ધા વિશે બોધપાઠ
પણ, ઈસુએ શા માટે એ ઝાડને સૂકવી દીધું હતું? તેમણે એનું કારણ જણાવતા કહ્યું: “હું તમને સાચે જ કહું છું કે જો તમારામાં શ્રદ્ધા હોય અને શંકા ન કરો, તો મેં અંજીરના ઝાડને જે કર્યું એ જ નહિ, પણ તમે આ પહાડને કહો કે, ‘ઊંચકાઈને સમુદ્રમાં પડ’ તો, એમ પણ થશે. તમે શ્રદ્ધાથી પ્રાર્થનામાં જે કંઈ માંગો, એ તમને મળશે.” (માથ્થી ૨૧:૨૧, ૨૨) અગાઉ તેમણે જણાવ્યું હતું કે શ્રદ્ધા હશે તો, પહાડ પણ ખસેડી શકાશે અને એ જ મુદ્દા પર તેમણે ફરીથી ભાર મૂક્યો.—માથ્થી ૧૭:૨૦.
તેથી, ઝાડને સૂકવી નાખીને ઈસુએ શીખવ્યું કે ઈશ્વરમાં શ્રદ્ધા હોવી ખૂબ જરૂરી છે. તેમણે કહ્યું: “જે બધી બાબતો માટે તમે પ્રાર્થના કરો છો અને માંગો છો, એ તમને મળી ગયું છે એવી શ્રદ્ધા રાખો અને એ તમને મળશે.” (માર્ક ૧૧:૨૪) ઈસુના સર્વ અનુયાયીઓ માટે કેવો મહત્ત્વનો બોધપાઠ! એમાંય ખાસ કરીને પ્રેરિતો માટે એ સમયસરનો બોધપાઠ હતો, કેમ કે થોડા જ સમયમાં તેઓએ મોટી કસોટીઓનો સામનો કરવાનો હતો. અંજીરના ઝાડનું સુકાઈ જવું અને શ્રદ્ધાનો ગુણ હોવામાં બીજો એક બોધપાઠ પણ સમાયેલો હતો.
અંજીરના ઝાડની જેમ, ઇઝરાયેલી પ્રજાએ પણ છેતરામણો દેખાવ ઊભો કર્યો હતો. એ પ્રજા સાથે ઈશ્વરે કરાર કર્યો હતો અને બહારથી એમ લાગતું હતું કે તેઓ ઈશ્વરના નિયમો પાળે છે. પરંતુ, તેઓમાં શ્રદ્ધાની ખામી હતી અને સારાં ફળો આપતાં ન હતાં. તેઓએ ઈશ્વરના દીકરાનો પણ નકાર કર્યો! આમ, અંજીરના ઝાડને સૂકવી નાખીને ઈસુએ બતાવ્યું કે ફળ ન આપનાર અને શ્રદ્ધા વગરની ઇઝરાયેલી પ્રજાના એવા જ હાલ થશે.
બાઇબલ વાંચન
(માથ્થી ૨૦:૧-૧૯) “સ્વર્ગનું રાજ્ય એક ઘરમાલિક જેવું છે, જે વહેલી સવારે બહાર જઈને પોતાની દ્રાક્ષાવાડી માટે મજૂરો લેવા ગયો. ૨ તેણે મજૂરો સાથે દિવસનો એક દીનાર નક્કી કર્યા પછી, તેઓને પોતાની દ્રાક્ષાવાડીમાં મોકલ્યા. ૩ સવારે આશરે નવ વાગ્યે તે ફરી બહાર ગયો ત્યારે, તેણે બજારમાં બીજા મજૂરોને બેકાર ઊભેલા જોયા; ૪ તેણે તેઓને કહ્યું, ‘તમે દ્રાક્ષાવાડીમાં જાવ અને જે વાજબી હશે એ હું તમને આપીશ.’ ૫ એટલે તેઓ ગયા. બપોરે આશરે બાર વાગ્યે અને આશરે ત્રણ વાગ્યે તે ફરીથી બહાર ગયો અને એવું જ કર્યું. ૬ આખરે, સાંજે લગભગ પાંચ વાગ્યે તે બહાર ગયો અને બીજાઓને ઊભેલા જોયા; તેણે તેઓને પૂછ્યું, ‘તમે અહીં આખો દિવસ બેકાર કેમ ઊભા રહ્યા છો?’ ૭ તેઓએ જવાબ આપ્યો, ‘અમને કોઈએ મજૂરીએ રાખ્યા નથી એ માટે.’ તેણે તેઓને કહ્યું, ‘તમે પણ દ્રાક્ષાવાડીમાં જાઓ.’ ૮ “જ્યારે સાંજ પડી ત્યારે દ્રાક્ષાવાડીના માલિકે પોતાના કારભારીને કહ્યું, ‘મજૂરોને બોલાવ અને છેલ્લાથી શરૂ કરીને પહેલા સુધીને તેઓની મજૂરી ચૂકવી દે.’ ૯ પાંચ વાગ્યે કામે રાખેલા મજૂરો આવ્યા ત્યારે, તેઓ દરેકને એક-એક દીનાર મળ્યો. ૧૦ એટલે, જ્યારે પહેલા મજૂરો આવ્યા ત્યારે તેઓએ ધાર્યું કે પોતાને વધારે મળશે; પરંતુ, તેઓને પણ એક દીનાર મજૂરી ચૂકવવામાં આવી. ૧૧ એ લીધા પછી, તેઓ ઘરમાલિક સાથે કચકચ કરવા લાગ્યા ૧૨ અને કહ્યું: ‘આ છેલ્લા મજૂરોએ તો ફક્ત એક જ કલાક કામ કર્યું છે; તોપણ તમે તેઓને અમારા સરખા ગણ્યા, અમે તો ધોમધખતો તાપ સહન કર્યો અને આખો દિવસ સખત મહેનત કરી!’ ૧૩ પરંતુ, તેઓમાંના એકને જવાબ આપતા માલિકે કહ્યું, ‘મિત્ર, હું તને કંઈ અન્યાય નથી કરતો. તેં મારી સાથે એક દીનાર નક્કી કર્યો હતો, બરાબર ને? ૧૪ તારી મજૂરી લે અને જા. હું આ છેલ્લાને પણ તારા જેટલું જ આપવા ચાહું છું. ૧૫ મારા પૈસા મારી મરજીથી વાપરવાનો મને હક નથી શું? કે પછી હું ભલાઈથી વર્તું છું એની તને અદેખાઈ આવે છે?’ ૧૬ આ રીતે જેઓ છેલ્લા તેઓ પહેલા અને પહેલા તેઓ છેલ્લા થશે.” ૧૭ યરૂશાલેમ તરફ જતાં, ઈસુએ ૧૨ શિષ્યોને લોકોથી દૂર એક બાજુ લઈ જઈને માર્ગમાં કહ્યું: ૧૮ “જુઓ! આપણે યરૂશાલેમ જઈ રહ્યા છીએ અને માણસના દીકરાને મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓના હાથમાં સોંપવામાં આવશે. તેઓ તેને મોતની સજા ફટકારશે ૧૯ અને મશ્કરી કરવાને, કોરડા મારવાને તથા વધસ્તંભે ચડાવવાને તેઓ તેને બીજી પ્રજાઓને સોંપી દેશે; અને ત્રીજા દિવસે તેને મરણમાંથી ઉઠાડવામાં આવશે.”
માર્ચ ૧૨-૧૮
બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૨૨-૨૩
“સૌથી મહત્ત્વની બે આજ્ઞાઓ પાળો”
(માથ્થી ૨૨:૩૬-૩૮) ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?” ૩૭ તેમણે તેને કહ્યું: “‘તારા ઈશ્વર યહોવાને તું તારા પૂરા હૃદયથી અને તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ કર.’ ૩૮ આ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે.
nwtsty માથ ૨૨:૩૭ અભ્યાસ માહિતી
હૃદય: સાંકેતિક રીતે વાપરવામાં આવે ત્યારે આ શબ્દ મોટાભાગે વ્યક્તિના અંદરના વ્યક્તિત્વને દર્શાવે છે. પણ જ્યારે એનો ઉલ્લેખ “જીવ” અને “મન” સાથે થાય છે, ત્યારે એનો ખાસ અર્થ નીકળે છે અને એ મુખ્યત્વે વ્યક્તિની લાગણીઓ અને ઇચ્છાઓને રજૂ કરે છે. અહીં વપરાયેલા ત્રણ શબ્દો (હૃદય, જીવ અને મન) ભલે જુદા જુદા લાગે, પણ એનો અર્થ એકબીજા સાથે જોડાયેલો છે. ઈશ્વર માટેના પ્રેમમાં કોઈ ખામી ન હોવી જોઈએ, એ વાત પર ભાર મૂકવાની આ સૌથી અસરકારક રીત છે.
જીવ: અથવા “વ્યક્તિ પોતે.”
મન: એટલે કે, વિચારવાની અને સમજવાની શક્તિ. યહોવાને ઓળખવા અને તેમના પ્રેમમાં વધતા જવા વ્યક્તિએ પોતાની સમજશક્તિનો ઉપયોગ કરવો જોઈએ. (યોહ ૧૭:૩ ફૂટનોટ; રોમ ૧૨:૧) અહીં, પુનર્નિયમ ૬:૫માંથી શબ્દો ટાંકવામાં આવ્યા છે, જ્યાં મૂળ હિબ્રૂમાં ત્રણ શબ્દો વાપરવામાં આવ્યા છે, ‘હૃદય, જીવ અને સામર્થ્ય.’ જોકે, ગ્રીક ભાષામાં માથ્થીના અહેવાલમાં “સામર્થ્ય” શબ્દને બદલે “મન” શબ્દ વાપરવામાં આવ્યો છે. આવું કરવાના અનેક કારણો હોય શકે. પહેલું, પ્રાચીન હિબ્રૂમાં “મન” માટે કોઈ શબ્દ ન હતો, પણ “હૃદય” શબ્દમાં મનનો પણ વિચાર આવી જતો. હૃદય શબ્દને સાંકેતિક અર્થમાં વાપરવામાં આવતો ત્યારે એમાં વ્યક્તિ અને તેનાં વિચારો, લાગણીઓ, વલણ અને ઇરાદાનો પણ સમાવેશ થતો. (પુન ૨૯:૪; ગી ૨૬:૨; ૬૪:૬; આ કલમમાં હૃદય માટે અભ્યાસ માહિતી જુઓ.) એ કારણે, હિબ્રૂમાં જ્યાં “હૃદય” શબ્દ વપરાયો છે, ત્યાં ગ્રીક સેપ્ટુઆજીંટમાં એનો પર્યાય “મન” વાપરવામાં આવ્યો છે. (ઉત ૮:૨૧; ૧૭:૧૭; નીતિ ૨:૧૦; યશા ૧૪:૧૩) બીજું, હિબ્રૂ શબ્દ “સામર્થ્ય” શારીરિક તેમજ માનસિક અથવા સમજવાની શક્તિને પણ દર્શાવી શકે છે. કોઈ પણ કારણ હોય, આ હિબ્રૂ અને ગ્રીક શબ્દોના એક જેવા અર્થ નીકળી શકે છે, એ જાણીને સમજી શકાય છે કે સુવાર્તા લખનાર લેખકોએ પુનર્નિયમમાંથી ઉલ્લેખ કર્યો ત્યારે શા માટે એ જ શબ્દો ન વાપર્યા.
(માથ્થી ૨૨:૩૯) એના જેવી બીજી આ છે: ‘તું જેવો પોતાના પર એવો તારા પડોશી પર પ્રેમ રાખ.’
nwtsty અભ્યાસ માહિતી માથ ૨૨:૩૯
બીજી: ફરોશીઓએ પૂછેલા સવાલનો ઈસુએ જે સીધેસીધો જવાબ આપ્યો, એ માથ ૨૨:૩૭માં જોવા મળે છે. પરંતુ, ઈસુ હવે મુખ્ય સવાલ કરતાં વધુ માહિતી આપે છે અને બીજી આજ્ઞા જણાવે છે. (લેવી ૧૯:૧૮) આમ, ઈસુએ શીખવ્યું કે એ બે આજ્ઞાઓ જુદી પાડી શકાતી નથી, એ ગાઢ રીતે એકબીજા સાથે જોડાયેલી છે તેમજ એ આજ્ઞાઓ આખા નિયમશાસ્ત્રનો અને પ્રબોધકોના શિક્ષણનો પાયો છે.—માથ ૨૨:૪૦.
પડોશી: મૂળ અર્થ, “જે નજીક છે.” “પડોશી” માટેના ગ્રીક શબ્દમાં એવા લોકોનો પણ સમાવેશ થાય છે, જે નજીક ન રહેતા હોય. એમાં એવા દરેકનો સમાવેશ થાય, જેની સાથે વ્યક્તિ વ્યવહાર રાખતી હોય.—લુક ૧૦:૨૯-૩૭; રોમ ૧૩:૮-૧૦.
(માથ્થી ૨૨:૪૦) આ બે આજ્ઞાઓ આખા નિયમશાસ્ત્રનો અને પ્રબોધકોના શિક્ષણનો પાયો છે.
nwtsty માથ ૨૨:૪૦ અભ્યાસ માહિતી
નિયમશાસ્ત્રનો . . . પ્રબોધકોના: અહીં, “નિયમશાસ્ત્ર” શબ્દ બાઇબલના ઉત્પત્તિથી પુનર્નિયમના પુસ્તકોને દર્શાવે છે. “પ્રબોધકો” હિબ્રૂ શાસ્ત્રના પ્રબોધકીય પુસ્તકોને રજૂ કરે છે. જોકે, આ શબ્દોને જ્યારે સાથે ઉલ્લેખ થાય ત્યારે, એ આખા હિબ્રૂ શાસ્ત્રવચનોને રજૂ કરી શકે છે.—માથ ૭:૧૨; ૨૨:૪૦; લુક ૧૬:૧૬.
પાયો: ગ્રીક ભાષામાં અહીં જે ક્રિયાપદ વાપરવામાં આવ્યું છે, એનો મૂળ અર્થ થાય “લટકી રહેવું.” પણ, અહીં રૂપક તરીકે વાપરવામાં આવ્યું છે, જેનો અર્થ થાય “આધારિત હોવું; પાયો હોવો.” ઈસુ એ દર્શાવવા માંગતા હતા કે ફક્ત દસ આજ્ઞાઓ જ નહિ, પણ આખું હિબ્રૂ શાસ્ત્ર પ્રેમના પાયા પર બંધાયેલું છે.—રોમ ૧૩:૯.
કીમતી રત્નો શોધીએ
(માથ્થી ૨૨:૨૧) તેઓએ કહ્યું કે, “સમ્રાટનાં.” પછી, ઈસુએ તેઓને કહ્યું: “એ માટે જે સમ્રાટનું છે એ સમ્રાટને, પણ જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપો.”
nwtsty માથ ૨૨:૨૧ અભ્યાસ માહિતી
સમ્રાટનું છે એ સમ્રાટને: ઈસુએ અહીં આપેલો જવાબ માર્ક ૧૨:૧૭ અને લુક ૨૦:૨૫માં જોવા મળે છે. આ એકમાત્ર એવો લેખિત અહેવાલ છે, જેમાં ઈસુએ રોમન સમ્રાટનો ઉલ્લેખ કર્યો છે. “જે સમ્રાટનું છે” એમાં આનો સમાવેશ થાય: સરકાર પાસેથી મળતી સુવિધાઓ માટે પૈસા ચૂકવવા તેમજ એની વ્યવસ્થાને માન આપવું અને શક્ય હોય ત્યાં સુધી આધીન રહેવું.—રોમ ૧૩:૧-૭.
જે ઈશ્વરનું છે એ ઈશ્વરને: એમાં પૂરા હૃદયથી ભક્તિ કરવાનો, પૂરા જીવથી પ્રેમ બતાવવાનો અને વફાદારીથી પૂરેપૂરી રીતે આજ્ઞાપાલન કરવાનો સમાવેશ થાય છે.—માથ ૪:૧૦; ૨૨:૩૭, ૩૮; પ્રેકા ૫:૨૯; રોમ ૧૪:૮.
(માથ્થી ૨૩:૨૪) આંધળા દોરનારાઓ, તમે મચ્છર ગાળી કાઢો છો પણ ઊંટ ગળી જાઓ છો!
nwtsty માથ ૨૩:૨૪ અભ્યાસ માહિતી
તમે મચ્છર ગાળી કાઢો છો પણ ઊંટ ગળી જાઓ છો: ઇઝરાયેલીઓ જે અશુદ્ધ જીવોથી વાકેફ હતાં એમાં મચ્છર સૌથી નાનું જંતુ અને ઊંટ સૌથી મોટું પ્રાણી હતું. (લેવી ૧૧:૪, ૨૧-૨૪) અહીં ઈસુએ અતિશયોક્તિ વાપરીને કટાક્ષ કર્યો કે ધર્મગુરુઓ પીણું ગાળતા, જેથી તેઓ મચ્છરને કારણે નિયમ પ્રમાણે અશુદ્ધ ન ગણાય. જ્યારે કે, તેઓ નિયમ વિશેની મહત્ત્વની બાબતોની અવગણના કરતા, જે ઊંટને ગળી જવા સમાન હતી.
બાઇબલ વાંચન
(માથ્થી ૨૨:૧-૨૨) ફરી એક વાર ઈસુએ તેઓને ઉદાહરણો આપતા કહ્યું: ૨ “સ્વર્ગના રાજ્યને એક રાજા સાથે સરખાવી શકાય, જેણે પોતાના દીકરાના લગ્નની મિજબાની ગોઠવી. ૩ તેણે લગ્નની મિજબાનીમાં જેઓને આમંત્રણ આપ્યું હતું, તેઓને બોલાવવા પોતાના ચાકરોને મોકલ્યા, પણ તેઓ આવવા રાજી ન હતા. ૪ ફરીથી તેણે બીજા ચાકરોને આમ કહીને મોકલ્યા, ‘આમંત્રણ આપ્યું છે તેઓને જણાવો: “જુઓ! મેં ભોજન તૈયાર કર્યું છે; મારા બળદો અને તાજાંમાજાં પશુઓ કાપ્યાં છે અને બધું તૈયાર છે. લગ્નની મિજબાનીમાં આવો.”’ ૫ પરંતુ, તેઓએ ધ્યાન પર લીધું નહિ અને જતા રહ્યા, એક પોતાના ખેતરે ગયો તો બીજો પોતાના વેપારધંધે; ૬ બાકીનાએ તેના ચાકરોને પકડ્યા, તેઓનું ભારે અપમાન કર્યું અને તેઓને મારી નાખ્યા. ૭ “રાજા ક્રોધે ભરાયો અને તેણે પોતાની સેનાઓ મોકલીને એ ખૂનીઓને મારી નાખ્યા અને તેઓના શહેરને બાળી મૂક્યું. ૮ પછી, તેણે પોતાના ચાકરોને કહ્યું કે, ‘લગ્નની મિજબાની તો તૈયાર છે, પણ જેઓને આમંત્રણ આપ્યું હતું તેઓ એને લાયક ન હતા. ૯ તેથી, શહેરના મુખ્ય રસ્તાઓ પર જાઓ અને તમને જે કોઈ મળે એને લગ્નની મિજબાની માટે બોલાવી લાવો.’ ૧૦ એ પ્રમાણે પેલા ચાકરો રસ્તાઓ પર ગયા અને સારા કે ખરાબ જે કોઈ મળ્યા એ બધાને ભેગા કર્યા; અને જ્યાં લગ્ન હતું એ ઓરડો જમવા બેઠેલા મહેમાનોથી ભરાઈ ગયો. ૧૧ “જ્યારે રાજા મહેમાનોને જોવા આવ્યો, ત્યારે તેની નજર એક માણસ પર પડી, જેણે લગ્નનાં કપડાં પહેર્યાં ન હતાં. ૧૨ એટલે, તેણે તેને કહ્યું: ‘દોસ્ત, તું લગ્નનો પોશાક પહેર્યા વગર અંદર કેવી રીતે આવી ગયો?’ તેને કોઈ જવાબ સૂઝ્યો નહિ. ૧૩ ત્યારે રાજાએ પોતાના સેવકોને કહ્યું: ‘તેના હાથપગ બાંધી દો અને તેને બહાર અંધારામાં ફેંકી દો. ત્યાં તેનું રડવું ને દાંત પીસવું થશે.’ ૧૪ “કારણ કે ઘણાને આમંત્રણ આપવામાં આવ્યું છે, પણ પસંદ કરાયેલા થોડા છે.” ૧૫ પછી, ફરોશીઓ ચાલ્યા ગયા અને ઈસુને તેમની જ વાતોમાં ફસાવવા તેઓએ ભેગા મળીને કાવતરું ઘડ્યું. ૧૬ એટલે, તેઓએ પોતાના શિષ્યોને આમ કહીને હેરોદીઓ સાથે ઈસુ પાસે મોકલ્યા: “શિક્ષક, અમે જાણીએ છીએ કે તમે સત્ય જ કહો છો અને સત્યતાથી ઈશ્વરનો માર્ગ શીખવો છો; બીજા જે કહે એની તમે દરકાર કરતા નથી, કેમ કે લોકોનો બહારનો દેખાવ તમે જોતા નથી. ૧૭ એ માટે અમને જણાવો કે તમને શું લાગે છે: શું સમ્રાટને કર આપવો યોગ્ય છે કે નહિ?” ૧૮ પરંતુ, ઈસુએ તેઓની દુષ્ટતા જાણીને કહ્યું: “ઓ ઢોંગીઓ, તમે કેમ મારી કસોટી કરો છો? ૧૯ કર ભરવાનો સિક્કો મને બતાવો.” તેઓ તેમની પાસે એક દીનાર લાવ્યા. ૨૦ તેમણે તેઓને પૂછ્યું: “આ કોનું ચિત્ર છે અને કોના નામની છાપ છે?” ૨૧ તેઓએ કહ્યું કે, “સમ્રાટનાં.” પછી, ઈસુએ તેઓને કહ્યું: “એ માટે જે સમ્રાટનું છે એ સમ્રાટને, પણ જે ઈશ્વરનું છે એ ઈશ્વરને આપો.” ૨૨ તેઓએ એ સાંભળ્યું ત્યારે, તેઓ નવાઈ પામ્યા અને તેમને ત્યાં રહેવા દઈને ચાલ્યા ગયા.
માર્ચ ૧૯-૨૫
બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૨૪
“છેલ્લા દિવસોમાં યહોવાની ભક્તિમાં સજાગ રહીએ”
(માથ્થી ૨૪:૧૨) અને દુષ્ટતા વધી જવાથી, ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે.
it-2-E ૨૭૯ ¶૬
પ્રેમ
વ્યક્તિનો પ્રેમ ઠંડો પડી જઈ શકે. ઈસુએ પોતાના શિષ્યોને ભાવિના બનાવો વિશે જણાવ્યું ત્યારે એ પણ સૂચવ્યું કે જેઓ ઈશ્વરમાં માનવાનો દાવો કરે છે, એમાંના ઘણા લોકોનો પ્રેમ (અગાપે) ઠંડો પડી જશે. (માથ ૨૪:૩, ૧૨) પ્રેરિત પાઊલે જણાવ્યું કે સંકટના સમયો આવશે ત્યારે, લોકો “પૈસાના પ્રેમી” બની જશે. (૨તિ ૩:૧, ૨) જોઈ શકાય છે, વ્યક્તિનું ધ્યાન ખરા સિદ્ધાંતો પરથી ભટકી જઈ શકે છે અને શરૂઆતમાં જે પ્રેમ બતાવ્યો હતો, એ ધીરે-ધીરે ઝાંખો પડી જઈ શકે છે. એનાથી મહત્ત્વ બોધપાઠ મળે છે: પ્રેમ કેળવવા માટે ખૂબ જરૂરી છે કે આપણે ઈશ્વરના વચન પર નિયમિત મનન કરતા રહીએ અને ઈશ્વરના સિદ્ધાંતો પ્રમાણે જીવન જીવીએ.—એફે ૪:૧૫, ૨૨-૨૪.
(માથ્થી ૨૪:૩૯) અને જળપ્રલય આવ્યો અને તેઓ બધાને ખેંચી લઈ ગયો ત્યાં સુધી, તેઓએ ધ્યાન આપ્યું નહિ; એવું જ માણસના દીકરાની હાજરીના સમયે પણ થશે.
w૯૯ ૧૧/૧૫ ૧૯ ¶૫
શું તમે દેવ પ્રત્યેની તમારી સંપૂર્ણ ફરજ બજાવો છો?
૫ ઈસુ ખ્રિસ્તે આપણા સંકટના વખતો વિષે કહ્યું હતું: “અને જેમ નુહના સમયમાં થયું, તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે. કેમકે જેમ જલપ્રલયની અગાઉ નુહ વહાણમાં ચઢી બેઠો ત્યાં સુધી તેઓ ખાતાપીતા, ને પરણતાપરણાવતા હતા; અને જલપ્રલય આવીને સહુને તાણી લઈ ગયો ત્યાં સુધી તેઓ ન સમજ્યા, તેમજ માણસના દીકરાનું આવવું પણ થશે.” (માત્થી ૨૪:૩૭-૩૯) સામાન્ય રીત, ખાવા-પીવામાં અને લગ્ન કરવામાં કંઈ ખાટું નથી જે દેવે પોતે શરૂ કરેલી વ્યવસ્થા છે. (ઉત્પત્તિ ૨:૨૦-૨૪) હવે, તમને એવું લાગે કે જીવનની સામાન્ય બાબતો તમારા જીવનમાં મુખ્ય બની ગઈ છે તો શા માટે પ્રાર્થનામાં એ બાબત લાવતા નથી? યહોવાહ આપણને રાજ્ય હિતોને પ્રથમ મૂકવા, સાચી બાબતો કરવા અને તેમના પ્રત્યેની આપણી ફરજ પૂરી કરવા મદદ કરી શકે છે.—માત્થી ૬:૩૩; રૂમી ૧૨:૧૨; ૨ કારીંથી ૧૩:૭.
(માથ્થી ૨૪:૪૪) એ માટે તમે પણ તૈયાર રહો, કારણ કે તમે જે ઘડીએ ધારતા નથી એ ઘડીએ માણસનો દીકરો આવી રહ્યો છે.
પ્રેરિતો નિશાની માંગે છે
ઈસુ કહેતા હતા કે તેમના શિષ્યોએ સજાગ, સાવચેત અને તૈયાર રહેવું પડશે. એ ચેતવણી પર ભાર આપવા ઈસુએ બીજું એક ઉદાહરણ આપ્યું: “એક વાત જાણો: જો ઘરમાલિકને ખબર હોત કે ચોર કઈ ઘડીએ આવશે, તો તે જાગતો રહ્યો હોત અને તેણે પોતાના ઘરમાં ચોરી થવા દીધી ન હોત. એ માટે તમે પણ તૈયાર રહો, કારણ કે તમે જે ઘડીએ ધારતા નથી એ ઘડીએ માણસનો દીકરો આવી રહ્યો છે.”—માથ્થી ૨૪:૪૩, ૪૪.
કીમતી રત્નો શોધીએ
(માથ્થી ૨૪:૮) “આ બધું તો પ્રસૂતિની પીડાની જેમ દુઃખોની શરૂઆત જ છે.”
nwtsty માથ ૨૪:૮ અભ્યાસ માહિતી
પ્રસૂતિની પીડા: મૂળ ગ્રીકમાં વપરાયેલા શબ્દનો શાબ્દિક અર્થ થાય બાળકને જન્મ આપતી વખતે થતી સખત વેદના. ખરું કે, અહીં એ શબ્દનો ઉપયોગ માનસિક પીડા, વેદના અને રોજબરોજના દુઃખોને દર્શાવવા થયો છે. એ કદાચ એવું પણ દર્શાવી શકે કે માથ ૨૪:૨૧માં જણાવેલી મહાન વિપત્તિ અગાઉના સમયગાળામાં થનાર બનાવો પ્રસૂતિની પીડા જેવા દુઃખદાયક હશે. એ દરમિયાન ભાખવામાં આવેલી મુસીબતો અને દુઃખોનું પ્રમાણ તેમજ તીવ્રતા વધશે અને એ કસોટીઓ લાંબી ચાલશે.
(માથ્થી ૨૪:૨૦) પ્રાર્થના કરતા રહો કે તમારે શિયાળામાં અથવા સાબ્બાથના દિવસે નાસવું ન પડે;
nwtsty માથ ૨૪:૨૦ અભ્યાસ માહિતી
શિયાળામાં: આ ઋતુમાં ભારે વરસાદ, પૂર અને ઠંડા વાતાવરણને લીધે મુસાફરી કરવી તેમજ ખોરાક અને રહેવાનું ઠેકાણું શોધવું ખૂબ મુશ્કેલ બનતું.—એઝ ૧૦:૯, ૧૩.
સાબ્બાથના દિવસે: યહુદિયા જેવા વિસ્તારોમાં સાબ્બાથનો નિયમ લાગુ પડતો હોવાથી વ્યક્તિ માટે સામાન ઊંચકીને લાંબી મુસાફરી કરવી મુશ્કેલ હતું; ઉપરાંત, સાબ્બાથના દિવસે શહેરના દરવાજાઓ બંધ રાખવામાં આવતા હતા.—પ્રેકા ૧:૧૨ અને sgd ૧૬ જુઓ.
બાઇબલ વાંચન
(માથ્થી ૨૪:૧-૨૨) હવે, ઈસુ મંદિરમાંથી નીકળીને જતા હતા ત્યારે, તેમના શિષ્યો મંદિરનાં બાંધકામો બતાવવા તેમની પાસે આવ્યા. ૨ તેમણે જવાબમાં તેઓને કહ્યું: “શું તમે આ બધું જુઓ છો? હું તમને સાચે જ કહું છું કે અહીં એકેય પથ્થર બીજા પથ્થર પર રહેવા દેવામાં આવશે નહિ, પણ બધા પાડી નંખાશે.” ૩ ઈસુ જૈતૂન પહાડ પર બેઠા હતા ત્યારે, શિષ્યો એકાંતમાં તેમની પાસે આવ્યા અને કહેવા લાગ્યા: “અમને જણાવો કે એ બનાવો ક્યારે બનશે અને તમારી હાજરીની તથા દુનિયાના અંતના સમયની નિશાની શું હશે?” ૪ ઈસુએ જવાબમાં તેઓને કહ્યું કે, “જોજો, કોઈ તમને ભમાવે નહિ, ૫ કારણ કે ઘણા મારા નામે આવીને કહેશે કે ‘હું ખ્રિસ્ત છું’ અને ઘણાને ભમાવશે. ૬ તમે યુદ્ધોનો ઘોંઘાટ અને યુદ્ધોની ખબરો સાંભળશો. જોજો, તમે ચોંકી ન જતા; કેમ કે આ બધું થાય એ જરૂરી છે, પણ એટલેથી અંત નહિ આવે. ૭ “કારણ કે એક દેશ બીજા દેશ સામે થશે અને એક રાજ્ય બીજા રાજ્ય સામે થશે, એક પછી એક જગ્યાએ દુકાળો પડશે અને ધરતીકંપો થશે. ૮ આ બધું તો પ્રસૂતિની પીડાની જેમ દુઃખોની શરૂઆત જ છે. ૯ “પછી લોકો તમારી સતાવણી કરશે અને તમને મારી નાખશે અને મારા નામને લીધે બધી પ્રજાઓ તમારો ધિક્કાર કરશે. ૧૦ વળી, ઘણા ઠોકર ખાશે, એકબીજાને દગો આપશે અને એકબીજાને ધિક્કારશે. ૧૧ ઘણા જૂઠા પ્રબોધકો ઊભા થશે અને ઘણા લોકોને ખોટા માર્ગે દોરશે; ૧૨ દુષ્ટતા વધી જવાથી, ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે. ૧૩ પરંતુ, જે કોઈ અંત સુધી ટકી રહેશે તેનો જ ઉદ્ધાર થશે. ૧૪ રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે. ૧૫ “તેથી, પ્રબોધક દાનીયેલના જણાવ્યા પ્રમાણે, વિનાશ લાવનારી ધિક્કારપાત્ર વસ્તુને તમે જ્યારે પવિત્ર જગ્યાએ ઊભેલી જુઓ (વાચકે સમજવા ધ્યાન આપવું), ૧૬ ત્યારે જેઓ યહુદિયામાં હોય તેઓએ પહાડોમાં નાસી જવું. ૧૭ જે માણસ ધાબા પર હોય તેણે ઊતરીને ઘરમાં સામાન લેવા જવું નહિ; ૧૮ અને જે માણસ ખેતરમાં હોય તેણે પોતાનો ઝભ્ભો લેવા પાછા ન જવું. ૧૯ એ દિવસો ગર્ભવતી અને ધવડાવનારી સ્ત્રીઓ માટે કેટલા મુશ્કેલ હશે! ૨૦ પ્રાર્થના કરતા રહો કે તમારે શિયાળામાં અથવા સાબ્બાથના દિવસે નાસવું ન પડે; ૨૧ કેમ કે એ સમયે એવી મહાન વિપત્તિ આવશે, જે દુનિયાની શરૂઆતથી હમણાં સુધી થઈ નથી; ના, ફરી કદી થશે પણ નહિ. ૨૨ હકીકતમાં, જો એ દિવસો ઓછા કરવામાં નહિ આવે તો કોઈનો બચાવ નહિ થાય; પણ ઈશ્વરથી પસંદ થયેલા લોકોને કારણે એ દિવસો ઓછા કરવામાં આવશે.
માર્ચ ૨૬–એપ્રિલ ૧
બાઇબલમાં રહેલો ખજાનો | માથ્થી ૨૫
“જાગતા રહો”
(માથ્થી ૨૫:૧-૬) “સ્વર્ગનું રાજ્ય દસ કન્યાઓ જેવું છે, જેઓ પોતપોતાના દીવા લઈને વરરાજાને મળવા બહાર ગઈ. ૨ એમાંની પાંચ મૂર્ખ હતી અને પાંચ સમજદાર હતી. ૩ કેમ કે જેઓ મૂર્ખ હતી તેઓએ પોતાના દીવા તો લીધા, પણ સાથે વધારાનું તેલ લીધું ન હતું, ૪ જ્યારે કે સમજદાર હતી તેઓએ પોતાના દીવા સાથે કુપ્પીમાં વધારાનું તેલ લીધું હતું. ૫ વરરાજાને આવવામાં મોડું થતું હોવાથી, એ બધી કન્યાઓને ઊંઘ ચડી અને સૂઈ ગઈ. ૬ અડધી રાતે પોકાર સંભળાયો કે, ‘વરરાજા આવે છે! તેને મળવા નીકળો.’
(માથ્થી ૨૫:૭-૧૦) એટલે, બધી કન્યાઓ ઊઠી અને પોતપોતાના દીવા તૈયાર કર્યા. ૮ મૂર્ખ કન્યાઓએ સમજદાર કન્યાઓને કહ્યું: ‘તમારા તેલમાંથી અમને થોડું આપો, કેમ કે અમારા દીવા હોલવાઈ જવાની તૈયારીમાં છે.’ ૯ સમજદાર કન્યાઓએ જવાબ આપ્યો: ‘કદાચ અમારા અને તમારા માટે એ પૂરતું નહિ હોય, માટે તેલ વેચનારાઓ પાસે જાઓ અને તમારા માટે ખરીદી લાવો.’ ૧૦ તેઓ ખરીદવા ગઈ ત્યારે, વરરાજા આવી પહોંચ્યો. જે કન્યાઓ તૈયાર હતી તેઓ તેની સાથે લગ્નની મિજબાનીમાં ગઈ અને દરવાજો બંધ કરી દેવામાં આવ્યો.
(માથ્થી ૨૫:૧૧, ૧૨) પછી, બાકીની કન્યાઓ પણ આવી અને કહેવા લાગી, ‘સ્વામી, સ્વામી, અમારા માટે બારણું ખોલો!’ ૧૨ જવાબમાં તેણે કહ્યું: ‘હું તમને સાચું કહું છું કે હું તમને જાણતો નથી.’
કીમતી રત્નો શોધીએ
(માથ્થી ૨૫:૩૧-૩૩) “જ્યારે માણસનો દીકરો પોતાના ગૌરવમાં બધા દૂતો સાથે આવશે, ત્યારે તે પોતાના ભવ્ય રાજ્યાસન પર બેસશે. ૩૨ સર્વ પ્રજાઓ તેમની આગળ ભેગી કરાશે અને જેમ ઘેટાંપાળક ઘેટાંને બકરાંથી અલગ પાડે છે, તેમ તે લોકોને એકબીજાથી અલગ પાડશે. ૩૩ અને તે ઘેટાંને પોતાને જમણે હાથે, પણ બકરાંને પોતાને ડાબે હાથે રાખશે.
ખ્રિસ્તના ભાઈઓને વફાદાર રહીને મદદ આપીએ
આજે, આપણે ઘેટાં અને બકરાંનું દૃષ્ટાંત સ્પષ્ટ રીતે સમજીએ છીએ. આપણે જાણીએ છીએ કે “માણસનો દીકરો” અથવા “રાજા,” ઈસુ છે. રાજાના “ભાઈઓ” એ લોકો છે, જેઓ પવિત્ર શક્તિથી અભિષિક્ત થયેલા છે અને ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવાના છે. (રોમ. ૮:૧૬, ૧૭) “ઘેટાં” અને “બકરાં” બધા દેશના લોકોને રજૂ કરે છે. તેઓનો ન્યાય મોટી વિપત્તિના અંતમાં કરવામાં આવશે, જે બહુ જલદી જ શરૂ થવાની છે. આપણે જાણીએ છીએ કે ઈસુ એ લોકોનો ન્યાય શાના આધારે કરશે. એ લોકો પૃથ્વી પરના અભિષિક્તો સાથે જે રીતે વર્ત્યા એના આધારે તેઓનો ન્યાય થશે. આપણે યહોવાના કેટલા આભારી છીએ કે તેમણે વર્ષો દરમિયાન આ દૃષ્ટાંતને સમજવા મદદ કરી છે. તેમ જ, માથ્થી ૨૪ અને ૨૫નાં બીજાં દૃષ્ટાંતોની સમજણ પણ આપી છે.
(માથ્થી ૨૫:૪૦) જવાબમાં રાજા તેઓને કહેશે કે, ‘હું તમને સાચે જ કહું છું, તમે મારા આ ભાઈઓમાંના સૌથી નાનાઓમાંથી એકને માટે જે કંઈ કર્યું, એ તમે મારે માટે કર્યું છે.’
w૦૯ ૧૦/૧૫ ૧૬ ¶૧૬-૧૮
“તમે મારા મિત્ર છો”
ઈશ્વરના રાજ્ય હેઠળ પૃથ્વી પર અમર જીવનનો આશીર્વાદ મેળવવા આપણે શું કરવું જોઈએ? ચાકર વર્ગને સાથ આપવાની જરૂર છે. એ માટે ચાલો ત્રણ રીતો જોઈએ. પહેલી, આપણે પૂરા દિલથી સંદેશો ફેલાવવાનું કામ કરતા રહીએ. ઈસુએ ચાકર વર્ગને આખી દુનિયામાં ઈશ્વરનો સંદેશો ફેલાવવાનું કામ સોંપ્યું હતું. (માથ. ૨૪:૧૪) પૃથ્વી પર હવે એ ચાકર વર્ગમાંથી બહુ ઓછા બાકી રહ્યા છે. તેઓ માટે એકલા હાથે આ કામ પૂરું કરવું મુશ્કેલ છે. એટલે આપણે તેઓને મદદ કરીએ છીએ. આપણે સંદેશો ફેલાવવાનું કામ કરીએ છીએ ત્યારે, ચાકર વર્ગને મિત્ર બનીને મદદ કરીએ છીએ. ઈસુ અને ચાકર વર્ગ પણ આ કામની ઘણી કદર કરે છે.
બીજી રીત છે, ખુશખબર જણાવવાના કામને આગળ વધારવા દાન આપીએ. ઈસુએ શિષ્યોને ઉત્તેજન આપ્યું કે ‘દુન્યવી સંપત્તિ વડે પોતાને સારૂ મિત્રો’ બનાવો. (લુક ૧૬:૯) ખરું કે આપણે પૈસાથી ઈસુ અને યહોવાહની મિત્રતા ખરીદી શકતા નથી. પણ આપણે પૈસા વાપરીને સેવાકાર્યમાં મદદ કરીએ છીએ. આ રીતે આપણે ફક્ત શબ્દોથી નહિ, ‘પણ કાર્યોથી સત્ય માટે પ્રેમ’ બતાવીએ છીએ. (૧ યોહા. ૩:૧૬-૧૮) ઈશ્વરનો સંદેશો ફેલાવવા આપણે પોતાના પૈસા વાપરીએ છીએ. મંડળના બાંધકામ કે રિપેર કામ માટે દાન આપીએ છીએ. દુનિયા ફરતેના પ્રચાર કામ માટે દાન આપીએ છીએ. આપણે દિલથી જે કંઈ દાન કરીશું એની યહોવા અને ઈસુ કદર કરશે.—૨ કોરીં. ૯:૭.
ચાકર વર્ગ સાથે દોસ્તી રાખવાની ત્રીજી રીત છે કે મંડળના વડીલોનું માર્ગદર્શન સ્વીકારીએ. ઈશ્વરની શક્તિથી આ ભાઈઓને પસંદ કરવામાં આવ્યા છે. (એફે. ૫:૨૩) પાઊલે લખ્યું: “તમે તમારા આગેવાનોની આજ્ઞાઓ પાળીને તેઓને આધીન રહો.” (હેબ્રી ૧૩:૧૭) આપણે વડીલોની નબળાઈઓ જાણતા હોવાથી અમુક વખતે બાઇબલમાંથી તેઓની સલાહ સ્વીકારવી અઘરી લાગી શકે. અરે, કોઈ વાર સલાહ ખોટી પણ લાગી શકે. તેમ છતાં, આપણે યાદ રાખવું જોઈએ કે મંડળનું શિર ઈસુ ખ્રિસ્ત છે. ઈસુએ આ ભાઈઓને ઈશ્વરની શક્તિથી પસંદ કર્યા છે, જેથી તેઓ મંડળનું ધ્યાન રાખી શકે. એટલે વડીલો સાથે જે રીતે વર્તીશું, એની અસર ઈસુ સાથેના સંબંધ પડશે. આપણે વડીલોની ભૂલોને નજરઅંદાજ કરીને તેઓની સલાહ સ્વીકારીએ ત્યારે, ઈસુ ખ્રિસ્ત માટે પ્રેમ બતાવીએ છીએ.
બાઇબલ વાંચન
(માથ્થી ૨૫:૧-૨૩) “સ્વર્ગનું રાજ્ય દસ કન્યાઓ જેવું છે, જેઓ પોતપોતાના દીવા લઈને વરરાજાને મળવા બહાર ગઈ. ૨ એમાંની પાંચ મૂર્ખ હતી અને પાંચ સમજદાર હતી. ૩ કેમ કે જેઓ મૂર્ખ હતી તેઓએ પોતાના દીવા તો લીધા, પણ સાથે વધારાનું તેલ લીધું ન હતું, ૪ જ્યારે કે સમજદાર હતી તેઓએ પોતાના દીવા સાથે કુપ્પીમાં વધારાનું તેલ લીધું હતું. ૫ વરરાજાને આવવામાં મોડું થતું હોવાથી, એ બધી કન્યાઓને ઊંઘ ચડી અને સૂઈ ગઈ. ૬ અડધી રાતે પોકાર સંભળાયો કે, ‘વરરાજા આવે છે! તેને મળવા નીકળો.’ ૭ એટલે, બધી કન્યાઓ ઊઠી અને પોતપોતાના દીવા તૈયાર કર્યા. ૮ મૂર્ખ કન્યાઓએ સમજદાર કન્યાઓને કહ્યું: ‘તમારા તેલમાંથી અમને થોડું આપો, કેમ કે અમારા દીવા હોલવાઈ જવાની તૈયારીમાં છે.’ ૯ સમજદાર કન્યાઓએ જવાબ આપ્યો: ‘કદાચ અમારા અને તમારા માટે એ પૂરતું નહિ હોય, માટે તેલ વેચનારાઓ પાસે જાઓ અને તમારા માટે ખરીદી લાવો.’ ૧૦ તેઓ ખરીદવા ગઈ ત્યારે, વરરાજા આવી પહોંચ્યો. જે કન્યાઓ તૈયાર હતી તેઓ તેની સાથે લગ્નની મિજબાનીમાં ગઈ અને દરવાજો બંધ કરી દેવામાં આવ્યો. ૧૧ પછી, બાકીની કન્યાઓ પણ આવી અને કહેવા લાગી, ‘સ્વામી, સ્વામી, અમારા માટે બારણું ખોલો!’ ૧૨ જવાબમાં તેણે કહ્યું: ‘હું તમને સાચું કહું છું કે હું તમને જાણતો નથી.’ ૧૩ “તેથી, જાગતા રહો, કેમ કે તમે એ દિવસ કે એ ઘડી જાણતા નથી. ૧૪ “સ્વર્ગનું રાજ્ય એવા માણસ જેવું છે, જેણે પરદેશ જતી વખતે પોતાના ચાકરોને બોલાવીને પોતાની માલમિલકત તેઓને સાચવવા આપી. ૧૫ તેણે એકને પાંચ તાલંત, બીજાને બે તાલંત અને ત્રીજાને એક તાલંત, એમ દરેકને તેઓની આવડત પ્રમાણે આપ્યું અને તે પરદેશ ગયો. ૧૬ જેને પાંચ તાલંત મળ્યા હતા, તેણે તરત જઈને એનાથી વેપાર કર્યો અને બીજા પાંચ કમાયો. ૧૭ એ જ રીતે, જેને બે મળ્યા હતા એ બીજા બે કમાયો. ૧૮ પરંતુ, જે ચાકરને ફક્ત એક તાલંત મળ્યો હતો તે ગયો અને જમીનમાં ખાડો ખોદીને પોતાના માલિકના પૈસા સંતાડી દીધા. ૧૯ “લાંબા સમય પછી, એ ચાકરોનો માલિક આવ્યો અને તેઓ પાસે હિસાબ માંગ્યો. ૨૦ એટલે, જેને પાંચ તાલંત મળ્યા હતા તે બીજા પાંચ તાલંત લઈને આગળ આવ્યો અને કહ્યું: ‘માલિક, તમે મને પાંચ તાલંત સોંપ્યા હતા; જુઓ, હું બીજા પાંચ તાલંત કમાયો છું.’ ૨૧ તેના માલિકે તેને કહ્યું: ‘શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ થયો. હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ. તારા માલિક સાથે આનંદ કર.’ ૨૨ પછી, જેને બે તાલંત મળ્યા હતા તે આગળ આવ્યો અને કહ્યું, ‘માલિક, તમે મને બે તાલંત સોંપ્યા હતા; જુઓ, હું બીજા બે તાલંત કમાયો છું.’ ૨૩ તેના માલિકે તેને કહ્યું: ‘શાબાશ, સારા અને વિશ્વાસુ ચાકર! તું થોડામાં વિશ્વાસુ થયો. હું તને ઘણી બાબતોની જવાબદારી સોંપીશ. તારા માલિક સાથે આનંદ કર.’