તમારા પ્રેમને ઠંડો પડવા ન દો
“દુષ્ટતા વધી જવાથી, ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે.”—માથ. ૨૪:૧૨.
૧, ૨. (ક) માથ્થી ૨૪:૧૨ના ઈસુના શબ્દો સૌપ્રથમ કોને લાગુ પડે છે? (ખ) મોટા ભાગના શરૂઆતના ખ્રિસ્તીઓ પ્રેમ બતાવતા રહ્યા એ વિશે પ્રેરિતોનાં કાર્યોનું પુસ્તક શું બતાવે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
જ્યારે ઈસુ પૃથ્વી પર હતા, ત્યારે તેમણે જણાવ્યું કે લોકો કઈ રીતે ‘દુનિયાના અંતનો સમય’ પારખશે. તેમણે બીજી નિશાનીઓની સાથે આ પણ આપી હતી: “ઘણા લોકોનો પ્રેમ ઠંડો પડી જશે.” (માથ. ૨૪:૩, ૧૨) પહેલી સદીમાં યહુદીઓ દાવો કરતા કે પોતે ઈશ્વરના લોકો છે. પણ, તેઓએ ઈશ્વર માટેનો પોતાનો પ્રેમ ઠંડો પડી જવા દીધો.
૨ જોકે, એ સમયના મોટા ભાગના ખ્રિસ્તીઓનું વલણ અલગ હતું. તેઓ પૂરા જોશથી “ખ્રિસ્ત ઈસુ વિશેની ખુશખબર જાહેર” કરતા હતા. તેમ જ, તેઓ ઈશ્વરને, વિશ્વાસુ ભાઈ-બહેનોને અને જેઓને હજી સત્ય મળ્યું ન હતું તેઓને પ્રેમ બતાવતા હતા. આમ, એ ખ્રિસ્તીઓ ઈશ્વર માટેનો ઊંડો પ્રેમ બતાવતા રહ્યા. (પ્રે.કા. ૨:૪૪-૪૭; ૫:૪૨) દુઃખની વાત છે કે શરૂઆતના અમુક ખ્રિસ્તીઓનો પ્રેમ ઠંડો પડી ગયો હતો. આપણે એ કઈ રીતે જાણી શકીએ?
૩. શાને કારણે અમુક ખ્રિસ્તીઓનો પ્રેમ ઠંડો પડી ગયો હોય શકે?
૩ ઈસુએ એફેસસમાં રહેતા પહેલી સદીના ખ્રિસ્તીઓને કહ્યું: “તારામાં પહેલાં જેવો પ્રેમ રહ્યો નથી.” (પ્રકટી. ૨:૪) કદાચ એફેસસના ખ્રિસ્તીઓ પર આસપાસ રહેતા લોકોની અસર થઈ હતી, જેઓને પોતાની પાપી ઇચ્છાઓની જ પડી હતી. (એફે. ૨:૨, ૩) એફેસસ ધનવાન શહેર હતું, ત્યાંના લોકોને બીજા બધા કરતાં પોતાની સુખસગવડ અને એશઆરામમાં જ વધારે રસ હતો. ઘણા લોકો વ્યભિચારી હતા અને તેઓને ઈશ્વરના નિયમો માટે જરાય આદર ન હતો. ઈશ્વર અને બીજા લોકો પર પૂરા દિલથી પ્રેમ કરવાને બદલે તેઓ મોજમજા કરવામાં રચ્યાં-પચ્યાં રહેતા.
૪. (ક) શું બતાવે છે કે આજે પ્રેમ ઠંડો પડતો જાય છે? (ખ) કયા ત્રણ પાસાંમાં આપણે પ્રેમ મજબૂત કરવાની જરૂર છે?
૪ પ્રેમ ઠંડો પડી જશે, ઈસુના એ શબ્દો આજે પણ લાગુ પડે છે. આજે લોકોમાં ઈશ્વર માટેનો પ્રેમ ઓછો થતો જાય છે. લાખો લોકો મુશ્કેલીઓનો ઉકેલ લાવવા ઈશ્વરને બદલે માનવ સંગઠન પર ભરોસો રાખે છે. એ બતાવે છે કે લોકોનો પ્રેમ ઠંડો પડતો જાય છે. પહેલી સદીના એફેસસ મંડળમાં બન્યું તેમ, યહોવાના ભક્તોનો પણ પ્રેમ ઠંડો પડી શકે છે. ચાલો હવે ત્રણ પાસાંનો વિચાર કરીએ, જેમાં આપણે પ્રેમ મજબૂત કરવાની જરૂર છે: (૧) યહોવા માટેનો પ્રેમ, (૨) બાઇબલ સત્ય માટેનો પ્રેમ અને (૩) આપણાં ભાઈ-બહેનો માટેનો પ્રેમ.
યહોવા માટેનો પ્રેમ
૫. આપણે શા માટે ઈશ્વરને પ્રેમ કરવો જોઈએ?
૫ આપણે સૌથી વધારે કોને પ્રેમ કરવો જોઈએ? ઈસુએ કહ્યું: “‘તારા ઈશ્વર યહોવાને તું તારા પૂરા હૃદયથી અને તારા પૂરા જીવથી અને તારા પૂરા મનથી પ્રેમ કર.’ આ સૌથી મોટી અને પહેલી આજ્ઞા છે.” (માથ. ૨૨:૩૭, ૩૮) ઈશ્વર માટેનો પ્રેમ આપણને તેમની આજ્ઞાઓ પાળવા, મુશ્કેલીઓ સહેવા અને દુષ્ટતાને ધિક્કારવા મદદ કરે છે. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦ વાંચો.) પણ, ઈશ્વર માટેનો આપણો પ્રેમ નબળો પડે અને મરી પરવારે, એ માટે શેતાન અને તેની દુનિયા પૂરી કોશિશ કરે છે.
૬. લોકો ઈશ્વરને પ્રેમ કરવાનું છોડી દે ત્યારે શું થાય છે?
૬ દુનિયાના લોકો પ્રેમને અલગ રીતે જુએ છે. ઈશ્વરને પ્રેમ કરવાને બદલે ઘણા લોકો “સ્વાર્થી” બન્યા છે. (૨ તિમો. ૩:૨) તેઓનું મન “શરીરની ખોટી ઇચ્છા, આંખોની લાલસા અને પોતાની માલમિલકતનું અભિમાન” કરવા પર લાગેલું હોય છે. (૧ યોહા. ૨:૧૬) પોતાની ઇચ્છાને જ મહત્ત્વ આપવાથી શું બની શકે, એ વિશે પ્રેરિત પાઊલે ચેતવતા કહ્યું: “શરીરની ઇચ્છાઓ પર મન લગાડવાનો અર્થ થાય મરણ.” શા માટે? કારણ કે જેઓ એ રીતે વર્તે છે, તેઓ ઈશ્વરના દુશ્મન બને છે. (રોમ. ૮:૬, ૭) જેઓ પૈસા કમાવવા કે જાતીય ઇચ્છાઓ સંતોષવા પાછળ જ આખું જીવન વિતાવી દે છે, તેઓને આખરે ઘણી નિરાશા મળે છે.—૧ કોરીં. ૬:૧૮; ૧ તિમો. ૬:૯, ૧૦.
૭. યહોવાના ભક્તો પર કેવા ખોટા વિચારોની અસર થઈ શકે?
૭ ઘણા લોકો નાસ્તિક, ઉત્ક્રાંતિવાદમાં માનનારા અને ઈશ્વરના અસ્તિત્વ પર શંકા કરનારા હોય છે. તેઓ બીજા લોકોને ઈશ્વરને પ્રેમ ન કરવા અથવા તે અસ્તિત્વમાં જ નથી એવી ખાતરી કરાવવાની કોશિશ કરે છે. તેમ જ, એક મૂર્ખ કે અભણ વ્યક્તિ જ ઈશ્વરમાં માની શકે એવું તેઓ લોકોને સમજાવે છે. વધુમાં, ઘણા લોકોને ઈશ્વર કરતાં વૈજ્ઞાનિકો માટે વધારે માન હોય છે. (રોમ. ૧:૨૫) યહોવાના ભક્તો પર પણ એવા વિચારોની અસર થઈ શકે. એનાથી, યહોવા સાથેનો સંબંધ નબળો થઈ શકે અને પ્રેમ ઠંડો પડી શકે.—હિબ્રૂ. ૩:૧૨.
૮. (ક) કેવા સંજોગોને લીધે યહોવાના લોકો નિરાશ થઈ શકે? (ખ) ગીતશાસ્ત્ર ૧૩૬માંથી આપણને કેવો દિલાસો મળી શકે?
૮ આપણે શેતાનની દુષ્ટ દુનિયામાં જીવતા હોવાથી, ઘણાં કારણોને લીધે નિરાશ થઈ શકીએ. (૧ યોહા. ૫:૧૯) પણ, નિરાશાની ખાઈમાં ડૂબી જવાથી, આપણી શ્રદ્ધા નબળી પડી શકે અને ઈશ્વર માટેનો પ્રેમ ઠંડો પડી શકે. દાખલા તરીકે, વધતી ઉંમર, ખરાબ તબિયત કે પૈસે-ટકે તાણ પડવાથી આપણે મુશ્કેલીઓ સહેતા હોય શકીએ. અથવા, એ વાતનું દુઃખ થઈ શકે કે આપણે અમુક કામ કરી શકતા નથી, પોતાની ઇચ્છા પ્રમાણે કંઈ કરી શકતા નથી. જીવનમાં અમુક બાબતો ધાર્યા પ્રમાણે ન થવાથી પણ, આપણે નિરાશ થઈ શકીએ. ભલે આપણે ગમે તે પડકારો સહેતા હોઈએ, એવું ક્યારેય ન વિચારીએ કે યહોવાએ આપણને છોડી દીધા છે. બાઇબલના આ દિલાસાભર્યા શબ્દોનો વિચાર કરો: “આપણે નિરાશ હતા ત્યારે તેમણે આપણને યાદ કર્યા, કેમ કે, તેમનો અતૂટ પ્રેમ હંમેશાં ટકી રહે છે.” (ગીત. ૧૩૬:૨૩, NW) આપણે ખાતરી રાખી શકીએ કે યહોવા આપણા “કાલાવાલા” સાંભળે છે અને એનો જવાબ આપે છે.—ગીત. ૧૧૬:૧; ૧૩૬:૨૪-૨૬.
૯. યહોવા પર ગાઢ પ્રેમ રાખવા પાઊલને ક્યાંથી હિંમત મળી?
૯ ગીતકર્તાની જેમ યહોવાએ આપેલી મદદ વિશે મનન કરવાથી પાઊલને હિંમત મળી હતી. પાઊલે લખ્યું: “યહોવા મને મદદ કરનાર છે, હું ડરીશ નહિ; માણસ મને શું કરશે?” (હિબ્રૂ. ૧૩:૬) યહોવામાં પૂરો ભરોસો રાખવાથી પાઊલને જીવનની મુશ્કેલીઓ હાથ ધરવા મદદ મળી. પાઊલે મુશ્કેલ સંજોગોમાં પણ યહોવામાં ભરોસો ગુમાવ્યો નહિ. તે કેદમાં હતા ત્યારે, તેમણે મંડળોને ઉત્તેજન આપતા પત્રો લખીને ભાઈ-બહેનોને મદદ કરી. (એફે. ૪:૧; ફિલિ. ૧:૭; ફિલે. ૧) પાઊલે મુશ્કેલીઓ સહીને પણ યહોવા પર ગાઢ પ્રેમ રાખ્યો. તેમણે “દિલાસો આપનાર ઈશ્વર” પર ભરોસો રાખ્યો, જે “આપણી બધી કસોટીઓમાં આપણને દિલાસો આપે છે.” (૨ કોરીં. ૧:૩, ૪) આપણે પાઊલને કઈ રીતે અનુસરી શકીએ?
૧૦. આપણે યહોવા માટેનો પ્રેમ કઈ રીતે મજબૂત રાખી શકીએ?
૧૦ આપણે યહોવા માટેનો પ્રેમ મજબૂત રાખી શકીએ, એની એક રીત જણાવતા પાઊલે લખ્યું: “સતત પ્રાર્થના કરતા રહો.” પછીથી, તેમણે આમ પણ લખ્યું: “પ્રાર્થનામાં લાગુ રહો.” (૧ થેસ્સા. ૫:૧૭; રોમ. ૧૨:૧૨) પ્રાર્થના આપણને કઈ રીતે ઈશ્વરની નજીક લઈ જાય છે? પ્રાર્થના દ્વારા આપણે યહોવા સાથે વાત કરીએ છીએ. એનાથી તેમની સાથે આપણે સારો સંબંધ બાંધી શકીએ છીએ. (ગીત. ૮૬:૩) આપણા દિલના વિચારો અને લાગણીઓ ઈશ્વરને જણાવીએ ત્યારે, આપણે તેમની વધારે નજીક જઈએ છીએ. (ગીત. ૬૫:૨) વધુમાં, યહોવા આપણી પ્રાર્થનાઓનો જે રીતે જવાબ આપે છે, એ જોવાથી તેમના માટેનો આપણો પ્રેમ વધે છે. આપણને ખાતરી છે કે, ‘જેઓ તેમને વિનંતી કરે છે, તેઓ સર્વની પાસે યહોવા છે.’ (ગીત. ૧૪૫:૧૮) યહોવાના પ્રેમ અને સાથ પર ભરોસો રાખવાથી, હમણાં અને ભાવિમાં આવનાર દરેક મુશ્કેલીઓ સામે લડવા આપણને મદદ મળશે.
બાઇબલ સત્ય માટેનો પ્રેમ
૧૧, ૧૨. આપણે બાઇબલ સત્ય માટેનો પ્રેમ કઈ રીતે વધારી શકીએ?
૧૧ આપણે યહોવાના ભક્તો હોવાથી સત્યને પ્રેમ કરીએ છીએ. એ સત્ય આપણને બાઇબલમાંથી મળે છે. ઈસુએ પોતાના પિતાને કહ્યું હતું: “તમારો સંદેશો સત્ય છે.” (યોહા. ૧૭:૧૭) બાઇબલ સત્યને પ્રેમ કરવા આપણે જાણવું જોઈએ કે બાઇબલમાં શું છે. (કોલો. ૧:૧૦) પણ, એટલું જ પૂરતું નથી. ધ્યાન આપો કે એ વિશે ગીતશાસ્ત્ર ૧૧૯ના લેખક કઈ રીતે સમજાવે છે. (ગીતશાસ્ત્ર ૧૧૯:૯૭-૧૦૦ વાંચો.) બાઇબલમાંથી જે વાંચીએ, એના પર આખો દિવસ વિચાર અથવા મનન કરવું જોઈએ. બાઇબલ સત્ય આપણા જીવનમાં કઈ રીતે લાગુ પાડી શકીએ એ પર મનન કરીશું તેમ, સત્ય માટે આપણો પ્રેમ વધતો જશે.
૧૨ ગીતકર્તાએ આમ પણ કહ્યું: “મારી રુચિને તારાં વચન કેવાં મીઠાં લાગે છે! તેઓ મારા મોઢાને મધના કરતાં વધુ મીઠાં છે!” (ગીત. ૧૧૯:૧૦૩) ઈશ્વરનું સંગઠન બાઇબલ આધારિત સાહિત્ય તૈયાર કરે છે, એ સ્વાદિષ્ટ ભોજન જેવા છે. આપણે મનગમતા ભોજનનો આનંદ માણવા સમય આપીએ છીએ. એવી જ રીતે, અભ્યાસ માટે આપણે પૂરતો સમય આપવો જોઈએ. એનાથી આપણે સત્યના “દિલપસંદ વચનો”નો આનંદ માણી શકીશું. તેમ જ, આપણે જે વાંચીએ એ યાદ રાખી શકીશું અને બીજાઓને મદદ કરવા એનો ઉપયોગ કરી શકીશું.—સભા. ૧૨:૧૦.
૧૩. ઈશ્વરનાં વચનને પ્રેમ કરવા યિર્મેયાને શામાંથી મદદ મળી? એની તેમના પર કેવી અસર થઈ?
૧૩ યિર્મેયા પ્રબોધક ઈશ્વરનાં વચનને ખૂબ પ્રેમ કરતા હતા. તેમણે કહ્યું: “તારાં વચનો મને પ્રાપ્ત થયાં ને મે તેઓને ખાધાં; અને તારાં વચનોથી મારા હૃદયમાં આનંદ તથા હર્ષ ઉત્પન્ન થયો; કેમ કે, હે યહોવા, સૈન્યોના ઈશ્વર, તારા નામથી હું ઓળખાઉં છું.” (યિર્મે. ૧૫:૧૬) યિર્મેયાએ ઈશ્વરનાં કીમતી વચનો પર મનન કર્યું અને એ તેમને ખૂબ ગમ્યાં. તેમણે યહોવાના નામથી ઓળખાવવાને અને તેમના સંદેશાને જાહેર કરવાને એક લહાવો ગણ્યો. આપણે બાઇબલ સત્યને પ્રેમ કરીશું તો, અનુભવીશું કે યહોવાના સાક્ષી હોવાનો અને અંતના દિવસોમાં રાજ્યનો પ્રચાર કરવાનો આપણી પાસે મોટો લહાવો છે.
૧૪. બાઇબલ સત્ય માટેનો પ્રેમ વધારવા આપણે બીજું શું કરી શકીએ?
૧૪ બાઇબલ સત્ય માટે ઊંડો પ્રેમ કેળવવા આપણને બીજું શું મદદ કરી શકે? આપણે મંડળની સભાઓમાં નિયમિત જવું જોઈએ, જ્યાં યહોવા આપણને શીખવે છે. બાઇબલમાંથી શીખવવાની એક મુખ્ય રીત છે, દર અઠવાડિયે થતો ચોકીબુરજ અભ્યાસ. આ સભામાંથી લાભ મેળવવા આપણે અગાઉથી એની તૈયારી કરવી જોઈએ. દાખલા તરીકે, ટાંકવામાં આવેલી દરેક કલમો આપણે જોઈ શકીએ. આજે ઘણા લોકો, ચોકીબુરજને ઇલેક્ટ્રોનિક ફૉર્મેટમાં વાંચી શકે છે અથવા ડાઉનલોડ કરી શકે છે. એ મૅગેઝિન jw.org વેબસાઇટ અને JW લાઇબ્રેરી ઍપ પર ઘણી ભાષામાં જોવા મળે છે. અમુક ઇલેક્ટ્રોનિક ફૉર્મેટમાં ટાંકેલી કલમો તરત ખોલીને જોઈ શકાય છે. આપણે ગમે એ રીત વાપરીએ, પણ કલમો ધ્યાનથી વાંચીને એના પર મનન કરવાથી બાઇબલ સત્ય માટેનો આપણો પ્રેમ વધારે મજબૂત થાય છે.—ગીતશાસ્ત્ર ૧:૨ વાંચો.
ભાઈ-બહેનો માટેનો પ્રેમ
૧૫, ૧૬. (ક) યોહાન ૧૩:૩૪, ૩૫ પ્રમાણે ઈસુએ આપણને કઈ આજ્ઞા આપી છે? (ખ) ઈશ્વર અને બાઇબલ માટેનો પ્રેમ કઈ રીતે ભાઈ-બહેનો માટેના પ્રેમ સાથે જોડાયેલો છે?
૧૫ ઈસુએ પૃથ્વી પર પોતાના જીવનની છેલ્લી રાતે શિષ્યોને કહ્યું હતું: “હું તમને એક નવી આજ્ઞા આપું છું કે તમે એકબીજા પર પ્રેમ રાખો; જેવો પ્રેમ મેં તમારા પર રાખ્યો છે, એવો પ્રેમ તમે પણ એકબીજા પર રાખો. જો તમે એકબીજા પર પ્રેમ રાખશો, તો એનાથી બધા જાણશે કે તમે મારા શિષ્યો છો.”—યોહા. ૧૩:૩૪, ૩૫.
૧૬ આપણાં ભાઈ-બહેનોને પ્રેમ કરવો, એ યહોવાને પ્રેમ કરવા સાથે જોડાયેલું છે. આપણે ઈશ્વરને પ્રેમ ન કરીએ તો, ભાઈ-બહેનોને પ્રેમ કરી શકતા નથી. તેમ જ, ભાઈ-બહેનોને પ્રેમ ન કરીએ તો, ઈશ્વરને પ્રેમ કરી શકતા નથી. પ્રેરિત યોહાને લખ્યું: “પોતાનો ભાઈ જેને તેણે જોયો છે, તેને તે પ્રેમ કરતો નથી, તો પછી ઈશ્વર જેમને તેણે જોયા નથી, તેમને તે કઈ રીતે પ્રેમ કરી શકે?” (૧ યોહા. ૪:૨૦) યહોવા અને ભાઈ-બહેનો માટેનો પ્રેમ, બાઇબલ સત્ય માટેના પ્રેમ સાથે પણ જોડાયેલો છે. કઈ રીતે? જો આપણે બાઇબલ જે શીખવે છે એને પ્રેમ કરીશું, તો ઈશ્વર અને ભાઈ-બહેનો પર પ્રેમ રાખવાની બાઇબલની આજ્ઞા પણ માનીશું.—૧ પીત. ૧:૨૨; ૧ યોહા. ૪:૨૧.
૧૭. મંડળમાં આપણે કઈ રીતે પ્રેમ બતાવી શકીએ?
૧૭ પહેલો થેસ્સાલોનિકીઓ ૪:૯, ૧૦ વાંચો. મંડળમાં આપણે કઈ રીતે પ્રેમ બતાવી શકીએ? સભાઓમાં આવવા-જવા માટે કોઈ વૃદ્ધ ભાઈ કે બહેનને મદદ જોઈતી હોય શકે. કોઈ વિધવા બહેનને ઘરમાં કંઈ સમારકામ કરવા મદદની જરૂર હોય શકે. (યાકૂ. ૧:૨૭) યુવાન હોય કે વૃદ્ધ, ભાઈઓ હોય કે બહેનો, તેઓ ઘણી વાર દુઃખ, નિરાશા અને મુશ્કેલીઓનો સામનો કરે છે. આપણે તેઓને મદદ, ઉત્તેજન અને દિલાસો આપીએ. (નીતિ. ૧૨:૨૫; કોલો. ૪:૧૧) આપણાં વાણી-વર્તનથી બતાવીએ કે “શ્રદ્ધામાં આપણા ભાઈ-બહેનો” પ્રત્યે આપણને પ્રેમ છે.—ગલા. ૬:૧૦.
૧૮. ભાઈ-બહેનો વચ્ચેના મતભેદો થાળે પાડવા આપણને શું મદદ કરશે?
૧૮ બાઇબલ જણાવે છે કે દુષ્ટ દુનિયાના “છેલ્લા દિવસોમાં” ઘણા લોકો સ્વાર્થી અને પૈસાના પ્રેમી થઈ જશે. (૨ તિમો. ૩:૧, ૨) ઈશ્વરભક્તો તરીકે આપણે યહોવા, બાઇબલ અને એકબીજા માટેનો પ્રેમ વધારવા મહેનત કરવાની જરૂર છે. આપણે અપૂર્ણ હોવાથી અમુક વાર ભાઈ-બહેનો સાથે ગેરસમજ થઈ શકે. પણ, એકબીજા માટે પ્રેમ હશે તો, આપણે કોઈ પણ મતભેદને પ્રેમથી અને જલદીમાં જલદી થાળે પાડવા કોશિશ કરીશું. (એફે. ૪:૩૨; કોલો. ૩:૧૪) ચાલો આપણે પ્રેમને ક્યારેય ઠંડો પડવા ન દઈએ! એના બદલે, ઈશ્વર માટે, તેમના વચન માટે અને આપણાં ભાઈ-બહેનો માટે ગાઢ પ્રેમ કેળવતા રહીએ.