કોલોસીઓને પત્ર
૪ માલિકો, તમારા દાસો સાથે ન્યાયથી અને સારી રીતે વર્તો, કેમ કે તમે જાણો છો કે સ્વર્ગમાં તમારા પણ એક માલિક છે.+
૨ પ્રાર્થનામાં લાગુ રહો,+ એમ કરવાનું ભૂલશો નહિ* અને આભાર-સ્તુતિ કરતા રહો.+ ૩ અમારા માટે પણ પ્રાર્થના કરો+ કે સંદેશો જણાવવા ઈશ્વર માર્ગ ખોલે, જેથી અમે ખ્રિસ્ત વિશેનું પવિત્ર રહસ્ય જાહેર કરી શકીએ. એ પવિત્ર રહસ્ય માટે હું કેદનાં બંધનોમાં છું.+ ૪ પ્રાર્થના કરો કે મારે કરવું જોઈએ એ રીતે હું આ રહસ્ય સાફ સાફ જાહેર કરું.
૫ જેઓ મંડળના નથી તેઓ સાથે સમજી-વિચારીને વર્તો અને તમારા સમયનો સૌથી સારો ઉપયોગ કરો.*+ ૬ જેમ મીઠું+ ખોરાકને સ્વાદિષ્ટ બનાવે છે, તેમ સાંભળનારને પસંદ પડે એવા માયાળુ શબ્દો બોલો. એમ કરશો તો દરેકને કઈ રીતે જવાબ આપવો એ તમે જાણી શકશો.+
૭ મારો વહાલો ભાઈ તુખિકસ,+ જે વિશ્વાસુ સેવક અને માલિક ઈસુનો દાસ છે, તે તમને મારા વિશે બધું જણાવશે. ૮ હું તેને તમારી પાસે મોકલું છું, જેથી તમે અમારા ખબરઅંતર જાણો અને તે તમારાં હૃદયોને દિલાસો આપે. ૯ તે મારા વિશ્વાસુ અને વહાલા ભાઈ ઓનેસિમસ+ સાથે આવી રહ્યો છે, જે તમારા વિસ્તારનો છે. અહીં જે બધું થઈ રહ્યું છે, એ વિશે તેઓ તમને માહિતી આપશે.
૧૦ મારી સાથે કેદમાં છે, એ અરિસ્તાર્ખસ+ તમને સલામ મોકલે છે. બાર્નાબાસનો સંબંધી* માર્ક+ પણ સલામ મોકલે છે. (તેના વિશે તમને કહેવામાં આવ્યું છે કે તે તમારી પાસે આવે તો, તેનો આવકાર કરજો.)+ ૧૧ ઈસુ જે યુસ્તસ કહેવાય છે તે સલામ મોકલે છે. તેઓ એ લોકોમાંથી છે, જેઓની સુન્નત થઈ છે. ઈશ્વરના રાજ્ય માટે ફક્ત તેઓ જ મારી સાથે કામ કરનારાઓ છે. તેઓએ મને ઘણો દિલાસો* આપ્યો છે. ૧૨ ખ્રિસ્ત ઈસુનો દાસ એપાફ્રાસ,+ જે તમારા વિસ્તારનો છે, તે તમને સલામ મોકલે છે. તે હંમેશાં તમારા માટે ખંતથી પ્રાર્થના કરે છે, જેથી તમે પરિપક્વ માણસની જેમ દૃઢ ઊભા રહો અને ઈશ્વરની સર્વ ઇચ્છામાં પૂરો ભરોસો રાખો. ૧૩ હું તેના વિશે સાક્ષી પૂરું છું કે તે તમારા માટે તેમજ લાવદિકિયા અને હિયરાપુલિસનાં ભાઈ-બહેનો માટે સખત મહેનત કરે છે.
૧૪ વહાલો વૈદ લૂક+ અને દેમાસ+ તમને સલામ મોકલે છે. ૧૫ લાવદિકિયાના ભાઈઓને મારી સલામ કહેજો. બહેન નુમ્ફાને તથા તેના ઘરે ભેગા મળતા મંડળને મારી યાદ આપજો.+ ૧૬ આ પત્ર તમારે ત્યાં વાંચી લીધા પછી, ગોઠવણ કરજો કે એ લાવદિકિયાના મંડળમાં પણ વાંચવામાં આવે.+ એવી પણ ગોઠવણ કરજો કે લાવદિકિયાને મોકલેલો મારો પત્ર તમારે ત્યાં પણ વાંચવામાં આવે. ૧૭ આર્ખિપસને+ કહેજો: “માલિક ઈસુના શિષ્ય તરીકે તેં જે સેવાકાર્ય સ્વીકાર્યું છે એના પર ધ્યાન આપ, જેથી તું એને પૂરું કરી શકે.”
૧૮ હું પાઉલ, મારા હાથે તમને સલામ લખીને મોકલું છું.+ મારા કેદનાં બંધનોને+ યાદ રાખજો. તમારા પર ઈશ્વરની અપાર કૃપા રહે.