સર્વ પ્રજાઓને રાજ્યનો સંદેશ જણાવતા સાક્ષીઓ
“પૃથ્વીના છેડા સુધી તમે મારા સાક્ષી થશો.”—પ્રેરિતોનાં કૃત્યો ૧:૮.
૧. ઈસુના શિષ્યોએ માત્થી ૨૪:૧૪ની ભવિષ્યવાણી પહેલી વાર ક્યારે અને કઈ જગ્યાએ સાંભળી?
માથ્થી ૨૪:૧૪માં ઈસુના શબ્દો ઘણા લોકોને મોઢે યાદ હશે. અને કેમ ન હોય, આખરે આ ભવિષ્યવાણી કેટલી જોરદાર છે! જ્યારે ઈસુના શિષ્યોએ પહેલી વાર આ ભવિષ્યવાણી સાંભળી ત્યારે તેઓ શું વિચારતા હશે? એ વખતે ઈસવીસન ૩૩નું વર્ષ હતું. શિષ્યો ઈસુ સાથે યરૂશાલેમમાં આવ્યા હતા. તેઓ ત્રણેક વર્ષથી ઈસુ સાથે હતા. એ દરમિયાન તેઓએ ઈસુના ઘણા ચમત્કારો જોયા હતા. ઈસુએ તેઓને અમૂલ્ય સત્ય શીખવ્યું હતું. એનાથી તેઓ બહુ ખુશ હતા. પરંતુ, તેઓ સારી રીતે જાણતા હતા કે પોતાની જેમ બધા લોકો ખુશ નહિ થાય. ઈસુને ઘણા દુશ્મનો પણ હતા જેઓ પાસે બહુ સત્તા હતી.
૨. ઈસુના શિષ્યો પર કેવી મુશ્કેલીઓ આવી પડવાની હતી?
૨ જૈતુન પહાડ પર ચાર શિષ્યો ઈસુ પાસે બેસીને ધ્યાનથી તેમની વાતો સાંભળતા હતા. ઈસુએ તેઓને કહ્યું કે ભાવિમાં કેવાં જોખમો અને મુશ્કેલીઓનો તેઓએ સામનો કરવો પડશે. એ પહેલાં ઈસુએ તેઓને કહ્યું હતું કે તેમને મારી નાખવામાં આવશે. (માત્થી ૧૬:૨૧) હવે ઈસુએ તેઓને સ્પષ્ટ કહ્યું કે તેઓએ ક્રૂર સતાવણી સહન કરવી પડશે. તેમણે કહ્યું: “તેઓ તમને વિપત્તિમાં નાખશે, ને તમને મારી નાખશે, ને મારા નામને લીધે સર્વ પ્રજાઓ તમારો દ્વેષ કરશે.” એટલું જ નહિ, મંડળમાં જૂઠા પ્રબોધકો ઊભા થશે અને તેઓ બીજાઓને ખોટા માર્ગે દોરી જશે. અમુક લોકો ઠોકર ખાશે, એકબીજાને નફરત કરશે અને બીજાઓનો વિશ્વાસ તોડશે. એટલે સુધી કે પરમેશ્વરમાં અને તેમના બાઇબલ માટે ‘ઘણાનો પ્રેમ’ ઠંડો પડી જશે.—માત્થી ૨૪:૯-૧૨.
૩. માત્થી ૨૪:૧૪માંના ઈસુના શબ્દો કેમ ખૂબ મહત્ત્વના છે?
૩ આ બધું સાંભળીને ઈસુના શિષ્યો નિરાશ થઈ ગયા હશે. પણ એ પછી ઈસુએ જે કહ્યું એનાથી તેઓને ભારે નવાઈ લાગી હશે. ઈસુએ કહ્યું: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારુ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:૧૪) ઈસુએ ઈસ્રાએલમાં “સત્યની સાક્ષી” આપવાનું કામ શરૂ કર્યું હતું. એ કામ આગળ પણ ચાલવાનું હતું અને આખી દુનિયામાં ફેલાવાનું હતું. (યોહાન ૧૮:૩૭) એ ભવિષ્યવાણી કંઈ નાનીસૂની ન હતી! “સર્વ પ્રજાઓને” સાક્ષી આપવાનું કામ શિષ્યો માટે એક પડકાર હતો. શા માટે? ‘સર્વ પ્રજાઓ’ તેઓનો ધિક્કાર કરવાની હતી, તેઓ પર જુલમ કરવાની હતી. એ સહીને પણ તેઓએ દુનિયાભરમાં પ્રચાર કરવાનો હતો. પરંતુ એ કામથી સાબિત થવાનું હતું કે યહોવાહ જ વિશ્વના માલિક છે. તે જ શક્તિશાળી, પ્રેમના સાગર, દયાથી ભરપૂર અને ધીરજ રાખનારા પરમેશ્વર છે. પ્રચાર કામથી તેમના ભક્તોને પણ પોતાનો વિશ્વાસ અને ભક્તિ બતાવવાનો મોકો મળવાનો હતો.
૪. સાક્ષી આપવાનું કામ કોને સોંપવામાં આવ્યું હતું? ઈસુએ તેઓની હિંમત વધારવા શું કહ્યું?
૪ ઈસુએ પોતાના શિષ્યોને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તેઓને સોંપેલું કામ અતિ મહત્ત્વનું છે. સ્વર્ગમાં જતા પહેલાં ઈસુએ તેઓને દર્શન આપ્યું અને કહ્યું: “પવિત્ર આત્મા તમારા પર આવશે, ત્યારે તમે સામર્થ્યથી ભરપૂર થશો; અને યરૂશાલેમમાં, આખા યહૂદિયામાં, સમરૂનમાં અને પૃથ્વીના છેડા સુધી તમે મારે વિષે સાક્ષી પૂરનાર બનશો.” (પ્રેષિતોનાં કાર્યો ૧:૮, પ્રેમસંદેશ) થોડા જ સમયમાં બીજા ઘણા લોકો આ કામમાં તેમને સાથ આપવાના હતા. તોપણ, એ બધાની સંખ્યા બહુ ઓછી હતી. તેથી, ઈસુએ તેઓને કહ્યું કે આ કામ પૂરું કરવા પરમેશ્વરનો આશીર્વાદ તેઓ પર હશે. એ સાંભળીને તેઓને કેટલી હિંમત મળી હશે!
૫. ઈસુના શિષ્યો પ્રચાર વિષે શું જાણતા ન હતા?
૫ શિષ્યો જાણતા હતા કે તેઓએ રાજ્યના સુસમાચારનો પ્રચાર કરવાનો છે. અને “સર્વ દેશનાઓને શિષ્ય” કરવાના છે. (માત્થી ૨૮:૧૯, ૨૦) જોકે તેઓ એ જાણતા ન હતા કે કેટલી હદ સુધી પ્રચાર કરવાનો છે અને અંત ક્યારે આવશે. આપણા દિવસોમાં અંત ક્યારે આવશે એ વિષે આપણે પણ જાણતા નથી. એ તો ફક્ત યહોવાહ જ નક્કી કરશે કે અંત ક્યારે લાવવો. (માત્થી ૨૪:૩૬) યહોવાહને લાગશે કે બધી જગ્યાએ પ્રચાર કરવામાં આવ્યો છે ત્યારે, તે દુષ્ટ દુનિયાનો અંત લાવશે. એ વખતે આપણે પણ જાણી શકીશું કે યહોવાહ ચાહતા હતા ત્યાં સુધી પ્રચાર કામ થઈ ગયું છે. છેલ્લા દિવસોમાં કેટલી હદ સુધી પ્રચાર કરવાનો છે એનો અંદાજ પહેલી સદીના શિષ્યોને ભાગ્યે જ હતો.
પહેલી સદીમાં પ્રચાર
૬. ઈસવીસન ૩૩માં શું બન્યું? એ પછી પણ શું થયું?
૬ પહેલી સદીમાં પ્રચાર કરવાના અને શિષ્યો બનાવવાના કામનું સારું પરિણામ આવ્યું હતું. ઈસવીસન ૩૩ના પેન્તેકોસ્તના દિવસે, ૧૨૦ શિષ્યો યરૂશાલેમમાં એક મકાનના પહેલાં માળે હૉલમાં ભેગા મળ્યા હતા. એ વખતે તેઓ પરમેશ્વરની પવિત્ર શક્તિથી ભરપૂર થયા. એ પછી પ્રેરિત પીતરે એક જોરદાર પ્રવચન આપ્યું. એમાં તેમણે આ ચમત્કારનો અર્થ સમજાવ્યો. આ પ્રવચન સાંભળ્યા પછી ૩,૦૦૦ લોકો યહોવાહના ભક્ત બન્યા અને બાપ્તિસ્મા લીધું. જોકે આ બનાવ પછી વધારે લોકો યહોવાહના ભક્ત થવાના હતા. પરંતુ, ધર્મગુરુઓએ પ્રચારને બંધ કરવા માટે ઘણી કોશિશ કરી. પણ યહોવાહ ‘રોજરોજ તારણ પામનારાઓને તેઓમાં ઉમેરતા હતા.’ જલદી જ, “વિશ્વાસ કરનારાની સંખ્યા આશરે પાંચ હજારની થઈ.” એ પછી “પ્રભુ પર વિશ્વાસ કરનારાં, સંખ્યાબંધ પુરુષો તથા સ્ત્રીઓ, વધારે ને વધારે ઉમેરાતાં ગયાં.”—પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪, ૮, ૧૪, ૪૧, ૪૭; ૪:૪; ૫:૧૪.
૭. કરનેલ્યસે બાપ્તિસ્મા લીધું એ કેમ ખાસ ઘટના કહેવાય?
૭ ઈસવીસન ૩૬માં એક ખાસ ઘટના બની. બીજી જાતિ ને ધર્મના એક માણસ કરનેલ્યસે પોતાના જીવનમાં ફેરફાર કર્યા અને બાપ્તિસ્મા લીધું. તે પરમેશ્વરનો ડર રાખનાર હતો. યહોવાહે પીતરને કરનેલ્યસ પાસે મોકલ્યા. આમ, તેમણે બતાવી આપ્યું કે ઈસુએ ‘સર્વ દેશનાઓને શિષ્ય કરવાની’ આજ્ઞા આપી હતી એ બીજા દેશોમાં રહેતા યહુદીઓ પૂરતી જ ન હતી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૪૪, ૪૫) આ જાણીને પ્રેરિતો અને યહુદાહના વડીલોને કેવું લાગ્યું? તેઓને ખબર પડી કે યહુદી સિવાયની બીજી જાતિઓને પણ રાજ્યના સુસમાચાર જણાવવા જોઈએ ત્યારે, તેઓએ યહોવાહની સ્તુતિ કરી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૧:૧, ૧૮) એ દરમિયાન તેઓ યહુદીઓને પણ પ્રચાર કરી રહ્યા હતા. એનાં સારાં ફળ મળ્યાં. અમુક વર્ષ પછી, લગભગ ઈસવીસન ૫૮માં બીજી જાતિના લોકો ઉપરાંત ‘હજારો યહુદીઓએ વિશ્વાસ’ કર્યો હતો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૧:૨૦.
૮. શુભસંદેશની લોકો પર કેવી અસર થાય છે?
૮ પહેલી સદીમાં ઈસુમાં વિશ્વાસ કરનારાઓમાં જે વધારો થયો એનાથી સાચે જ આપણને આશ્ચર્ય થાય છે. સૌથી મહત્ત્વની બાબત એ છે કે જુદી જુદી જાતિના લોકો યહોવાહના માર્ગમાં ચાલ્યા. ખરેખર, બાઇબલનો સંદેશો એટલો તો શક્તિશાળી હતો કે તેઓ એ સાંભળીને તરત જીવનમાં ફેરફાર કરવા લાગ્યા. (હેબ્રી ૪:૧૨) જેઓએ સંદેશો સ્વીકાર્યો તેઓએ ખોટાં કામો છોડી દીધા, પોતાનો સ્વભાવ પણ બદલ્યો. અને પરમેશ્વર સાથે નાતો બાંધ્યો. (એફેસી ૪:૨૨, ૨૩) તેઓની જેમ આજે પણ ઘણા સત્ય સ્વીકારીને જીવનમાં સુધારો કરે છે. આવો સુધારો કરનારા દરેકને કાયમ માટે જીવવાની સુંદર આશા છે.—યોહાન ૩:૧૬.
ઈશ્વરના સહકાર્યકરો
૯. પહેલી સદીના ખ્રિસ્તીઓ પોતાને મળેલા કેવા લહાવા અને જવાબદારી વિષે જાણતા હતા?
૯ આપણે જોઈ ગયા કે પહેલી સદીના ભાઈબહેનોને કેવી સફળતા મળી હતી. પણ એ માટે તેઓએ પોતાના ગુણગાન ન ગાયા. તેઓ જાણતા હતા કે પોતે “પવિત્ર આત્માના સામર્થ્યથી” પ્રચાર કામ કરી રહ્યાં છે. (રૂમી ૧૫:૧૩, ૧૯) આમ, એ સફળતામાં યહોવાહનો હાથ હતો. એ સાથે પહેલી સદીના ખ્રિસ્તીઓ જાણતા હતા કે તેઓને ‘ઈશ્વરના સહકાર્યકર’ બનવાનો લહાવો અને જવાબદારી છે. (૧ કોરીંથી ૩:૬-૯, કોમન લેંગ્વેજ) તેથી, તેઓએ ઈસુની સલાહ માનીને પ્રચાર કાર્યમાં રાત-દિવસ મહેનત કરી.—લુક ૧૩:૨૪.
૧૦. સર્વ પ્રજાઓને પ્રચાર કરવા પહેલી સદીના અમુક ભાઈબહેનોએ કેવી મહેનત કરી હતી?
૧૦ પાઊલે ‘વિદેશીઓના પ્રેરિત’ હોવાને નાતે સમુદ્ર અને જમીન પર હજારો કિલોમીટરની મુસાફરી કરી. તેમણે ગ્રીસ અને એશિયાના રોમન પ્રાંતમાં ઘણાં મંડળો ઊભાં કર્યાં. (રૂમી ૧૧:૧૩) તેમણે રોમમાં અને પછી કદાચ સ્પૅનમાં પણ મુસાફરી કરી. એ દરમિયાન પ્રેરિત પીતરને ‘સુન્નતીઓને પ્રચાર’ કરવાનું કામ સોંપવામાં આવ્યું હતું. એ વખતે બાબેલોનમાં ઘણા યહુદીઓ હોવાથી તે ત્યાં ગયા. (ગલાતી ૨:૭-૯; ૧ પીતર ૫:૧૩) યહોવાહના કામમાં મહેનત કરી હોય એવા લોકોમાં ત્રુફેના તથા ત્રુફોસા જેવી બહેનો પણ હતી. બીજી એક બહેન પેર્સીસ હતી. તેના વિષે કહેવામાં આવ્યું કે તેણે ‘પ્રભુના કામમાં ઘણી મહેનત કરી છે.’—રૂમી ૧૬:૧૨.
૧૧. યહોવાહે પહેલી સદીના શિષ્યોની મહેનત પર કેવો આશીર્વાદ આપ્યો?
૧૧ યહોવાહે એ જોશીલા ભક્તોની મહેનત પર ભરપૂર આશીર્વાદ આપ્યો. સર્વ પ્રજાઓને પ્રચાર કરવાની ઈસુની ભવિષ્યવાણીના ત્રીસેક વર્ષ પછી પાઊલે લખ્યું: “એ શુભસંદેશ તો દુનિયામાં સર્વને પ્રગટ કરવામાં આવ્યો છે.” (કોલોસી ૧:૨૩, પ્રેમસંદેશ) તો પછી, માત્થી ૨૪:૧૪ પ્રમાણે શું એ સમયે અંત આવી ગયો? એક રીતે જોઈએ તો, અંત આવ્યો હતો. ઈસવીસન ૭૦માં રોમન સૈન્યએ યરૂશાલેમ અને યહુદીઓના મંદિરનો નાશ કર્યો ત્યારે, તેઓના ધર્મ અને રીત-રિવાજોનો અંત આવ્યો હતો. જોકે યહોવાહે નક્કી કર્યું હતું કે શેતાનની દુષ્ટ દુનિયાનો અંત લાવતા પહેલાં દુનિયામાં પહેલી સદીના પ્રચારથી પણ વધારે થવું જોઈએ.
આજે થઈ રહેલો શુભસંદેશનો પ્રચાર
૧૨. પ્રચાર કરવાની આજ્ઞા વિષે બાઇબલ સ્ટુડન્ટ્સ શું સમજ્યા હતા?
૧૨ પરંતુ પહેલી સદી પછી ધીમે ધીમે સાચા ધર્મમાં સડો પેસવા લાગ્યો. સાચી ભક્તિમાં ઘણી ભેળસેળ થવા લાગી. પછી ૧૯મી સદીના અંતમાં ફરીથી સાચી ભક્તિ શરૂ થઈ. ત્યારે બાઇબલ સ્ટુડન્ટ્સ નામથી ઓળખાતું એક ગ્રૂપ (જે હવે યહોવાહના સાક્ષીઓ નામથી ઓળખાય છે) ઈસુએ તેમના શિષ્યોને આપેલી આજ્ઞાને બરાબર સમજ્યા હતા કે આખી દુનિયામાં શિષ્યો બનાવો. (માત્થી ૨૮:૧૯, ૨૦) ૧૯૧૪ સુધીમાં લગભગ ૫,૧૦૦ જેટલા ભાઈબહેનો પૂરા જોશથી પ્રચાર કરી રહ્યા હતા. ત્યારે કંઈક ૬૮ દેશોમાં શુભસંદેશનો પ્રચાર થયો હતો. પરંતુ તેઓ પૂરી રીતે માત્થી ૨૪:૧૪નો અર્થ સમજ્યા ન હતા. ૧૯મી સદીના અંતે બાઇબલ સોસાયટીઓએ ઘણી ભાષાઓમાં બાઇબલનો અનુવાદ કરીને એનું છાપકામ કર્યું હતું. પછી દુનિયાના ખૂણે ખૂણે લોકો સુધી બાઇબલ પહોંચાડીને શુભસંદેશનો પ્રચાર કર્યો હતો. તેથી, ૧૯૨૦ના દાયકા સુધી આ બાઇબલ સ્ટુડન્ટ્સ એમ માનતા હતા કે સર્વ પ્રજાઓમાં શુભસંદેશનો પ્રચાર થઈ ગયો છે.
૧૩, ૧૪. ૧૯૨૮ના વૉચટાવરમાં પરમેશ્વરની ઇચ્છા વિષે પ્રચારની કઈ સ્પષ્ટ સમજણ આપવામાં આવી?
૧૩ પરમેશ્વરે ધીરે ધીરે પોતાના લોકોને સારી સમજણ આપી કે પ્રચાર વિષે તેમની ઇચ્છા શું છે. (નીતિવચનો ૪:૧૮) ડિસેમ્બર ૧, ૧૯૨૮નું વૉચટાવર કહે છે: ‘દુનિયાના ખૂણે ખૂણે લોકો સુધી બાઇબલ પહોંચ્યા છે, શું એનો અર્થ એમ થાય કે રાજ્યની સુવાર્તાની જે ભવિષ્યવાણી થઈ હતી એ પૂરી થઈ ગઈ? બિલકુલ નહિ! ભલે ઘણા લોકો સુધી બાઇબલ પહોંચ્યા છે. પણ લોકો એનું સત્ય જાણે એ માટે, પૃથ્વી પરના પરમેશ્વરના સાક્ષીઓનું નાનું ગ્રૂપ પરમેશ્વરની ઇચ્છા સમજાવતું સાહિત્ય છાપે એ જરૂરી છે. તો જ જેઓ સુધી બાઇબલ પહોંચ્યા છે તેઓ સમજી શકશે. એમ નહિ કરીએ તો, લોકો જાણી નહિ શકે કે આપણા સમયમાં મસીહી રાજ્યની સ્થાપના થઈ ગઈ છે.’
૧૪ વૉચટાવરનો એ અંક આગળ કહે છે: ‘૧૯૨૦માં બાઇબલ સ્ટુડન્ટ્સને માત્થી ૨૪:૧૪ની આપણા પ્રભુની ભવિષ્યવાણીનો ખરો અર્થ સમજાયો. ત્યારે તેઓને ખબર પડી કે સર્વ પ્રજાઓને જે સુવાર્તાનો પ્રચાર કરવાનો હતો, એ કંઈ આવનાર રાજ્યની સુવાર્તા નથી. એ તો એ મસીહી રાજા વિષે સુવાર્તા છે જેમણે ધરતી પર રાજ શરૂ કરી દીધું છે.’
૧૫. ૧૯૨૦થી પ્રચાર કાર્યમાં કેવો વધારો થયો છે?
૧૫ ૧૯૨૦ના દાયકાનું સાક્ષીઓનું નાનું ગ્રૂપ પછી ધીમે ધીમે મોટું થયું. એ પછીના વર્ષોમાં ‘બીજાં ઘેટાંની’ ‘મોટી સભાની’ ઓળખ આપવામાં આવી. પછી તેઓને ભેગા કરવાનું કામ શરૂ થયું. (પ્રકટીકરણ ૭:૯; યોહાન ૧૦:૧૬) આજે પૃથ્વીના ૨૩૫ દેશોમાં ૬૬,૧૩,૯૫૦ લોકો રાજ્યના શુભસંદેશનો પ્રચાર કરી રહ્યા છે. ઈસુની ભવિષ્યવાણી કેવી જોરદાર રીતે પૂરી થઈ રહી છે! “રાજ્યના સુસમાચારનો” મોટા ભાગે આખી દુનિયામાં ખૂણે ખૂણે પ્રચાર થયો છે જે પહેલાં કદીયે થયો ન હતો. પૃથ્વી પર પહેલાં ક્યારેય યહોવાહના આટલા બધા ભક્તો થયા નથી.
૧૬. ગયા સેવા વર્ષમાં સાક્ષીઓની મહેનત કેવો રંગ લાવી છે? (પાન ૨૮-૩૧ જુઓ.)
૧૬ ૨૦૦૫માં મોટા ટોળાના સાક્ષીઓએ પ્રચાર કામમાં ઘણો સમય આપ્યો. તેઓએ ૨૩૫ દેશોમાં રાજ્યનો પ્રચાર કરવા ૧૦૦ કરોડથી પણ વધારે કલાકો ગાળ્યા. રસ બતાવ્યો એવા લાખો લોકોને ફરી મળવા ગયા. લાખો લોકોને બાઇબલમાંથી શીખવ્યું. આ કામ બીજું કોઈ નહિ, પણ યહોવાહના સાક્ષીઓ કરી રહ્યાં છે. તેઓ તન-મન-ધનથી પોતાનો સમય અને શક્તિ બીજાઓને પરમેશ્વરનું વચન શીખવવામાં આપી રહ્યા છે. (માત્થી ૧૦:૮) યહોવાહ પોતાની ઇચ્છા પૂરી કરવા આ ભક્તોને મદદ કરી રહ્યા છે. તેઓ પર આશીર્વાદ રેડી રહ્યા છે.—ઝખાર્યાહ ૪:૬.
તન-મનથી પ્રચાર કરે છે
૧૭. રાજ્યનો પ્રચાર કરવાની ઈસુની આજ્ઞાને યહોવાહના લોકો કઈ રીતે પૂરી કરી રહ્યા છે?
૧૭ ઈસુએ આશરે બે હજાર વર્ષ પહેલાં કહ્યું હતું કે શુભસંદેશનો પ્રચાર આખી દુનિયામાં થશે. એને સદીઓ વીતી ગઈ છે, તોપણ પરમેશ્વરના ભક્તોમાં આ કામ માટેનો જોશ ઠંડો પડ્યો નથી. શા માટે? કેમ કે આપણે જાણીએ છીએ કે આપણે ધીરજ રાખીને આ સારાં કામમાં મંડ્યા રહીએ છીએ ત્યારે, પ્રેમ, દયા અને ધીરજ જેવા યહોવાહના ગુણો બતાવીએ છીએ. પરમેશ્વરની જેમ, આપણે પણ નથી ચાહતા કે કોઈનો નાશ થાય. પણ લોકો પસ્તાવો કરે અને યહોવાહના માર્ગમાં ચાલે એવું આપણે ચાહીએ છીએ. (૨ કોરીંથી ૫:૧૮-૨૦; ૨ પીતર ૩:૯) યહોવાહના ભક્તો વાણી-વર્તનથી બતાવે છે કે યહોવાહની કૃપા તેમના પર છે. તેથી, તેઓ ઉત્સાહથી દુનિયાના ખૂણે-ખૂણે રાજ્યના સંદેશનો પ્રચાર કરે છે. (રૂમી ૧૨:૧૧) એ કારણે દરેક જગ્યાએ લોકો સત્યનો સ્વીકાર કરે છે. યહોવાહની પ્રેમાળ સલાહ પ્રમાણે તેઓ જીવનમાં ફેરફાર કરે છે. ચાલો આપણે અમુક દાખલા જોઈએ.
૧૮, ૧૯. રાજ્યનો સંદેશ સ્વીકાર્યો હોય એવા અનુભવ જણાવો.
૧૮ પશ્ચિમ કેન્યામાં ચાર્લ્સ નામનો એક ખેડૂત હતો. તે તમાકુની ખેતી કરતો. ૧૯૯૮માં તેણે ૮,૦૦૦ કિલોથી પણ વધારે તમાકુ વેચ્યું. તેથી તેને તમાકુ પકવનાર ઉત્તમ ખેડૂત તરીકેનું સર્ટિફિકેટ ઇનામમાં મળ્યું. સમય જતા તેણે બાઇબલમાંથી શીખવાનું શરૂ કર્યું. તે શીખ્યો કે ઈસુએ પડોશીઓને પ્રેમ કરવાની આજ્ઞા આપી છે. પણ તમાકુ વાવનાર એ આજ્ઞાનો ભંગ કરે છે. (માત્થી ૨૨:૩૯) તેને ખબર પડી કે તે વધારે તમાકુ પકવશે તો, વધારે લોકો એને ખાશે અને તેઓના જીવન જોખમમાં મૂકાશે. તેથી તેણે પોતાના ખેતરમાં તમાકુના છોડ પર ઝેર છાંટીને પાકનો નાશ કર્યો. એ પછી તેણે સત્યમાં પ્રગતિ કરી. પછી નક્કી કર્યું કે તે આખું જીવન યહોવાહને જ ભજશે. તેણે પછી બાપ્તિસ્મા લીધું. આજે તે રેગ્યુલર પાયોનિયર છે. અને મંડળમાં સેવકાઈ ચાકર તરીકે સેવા આપે છે.
૧૯ એમાં કોઈ શક નથી કે યહોવાહ રાજ્યના પ્રચાર દ્વારા જાણે સર્વ પ્રજાઓને કંપાવે છે. એમાંથી કીમતી વસ્તુઓ, એટલે કે લોકો તેમના સંગઠનમાં આવી રહ્યા છે. (હાગ્ગાય ૨:૭) પોર્ટુગલના પેડ્રોનો વિચાર કરો. તે ૧૩ વર્ષનો હતો ત્યારે પાદરી બનવાની સ્કૂલમાં દાખલ થયો. તે મિશનરિ બનીને લોકોને બાઇબલ શીખવવા ચાહતો હતો. પણ એ સ્કૂલમાં બાઇબલ પર વધારે ચર્ચા કરવામાં આવતી ન હતી. તેથી પેડ્રોએ થોડા જ સમયમાં સ્કૂલ છોડી દીધી. છ વર્ષ પછી તે લિસ્બનની એક યુનિવર્સિટીમાં સાઇકોલૉજીના વિષય પર ભણવા લાગ્યો. તે લિસ્બનમાં પોતાની માસીના ઘરે રહેતો હતો, જે યહોવાહની સાક્ષી હતી. માસીએ તેને બાઇબલમાંથી શીખવા ઉત્તેજન આપ્યું. પણ એ વખતે પેડ્રોને શંકા હતી કે દુનિયામાં ઈશ્વર છે કે કેમ. તેથી બાઇબલમાંથી શીખવું કે નહિ, એ વિષે તે કોઈ નિર્ણય લઈ શકતો ન હતો. તેણે તેના સાઇકોલૉજીના પ્રોફેસરને પોતાની મૂંઝવણ કહી. પ્રોફેસરે તેને સાઇકોલૉજીનો એક નિયમ કહ્યો. એ નિયમ મુજબ, જે નિર્ણય ન લઈ શકે તે પોતાને બરબાદ કરે છે. એ પછી પેડ્રોએ બાઇબલમાંથી શીખવાનો નિર્ણય કર્યો. હાલમાં જ તેણે બાપ્તિસ્મા લીધું અને હવે તે પોતે બીજાઓને બાઇબલમાંથી શીખવે છે.
૨૦. આજે દુનિયામાં ખૂણે ખૂણે પ્રચાર કામ થઈ રહ્યું છે, એ જોઈને આપણને કેમ આનંદ થવો જોઈએ?
૨૦ હજુ પણ આપણે જાણતા નથી કે કેટલા સમય સુધી પ્રચાર કરવો. અને આ દુનિયાનો અંત ક્યારે આવશે. પણ આપણે એ જરૂર જાણીએ છીએ કે જલદી જ દુનિયાનો અંત આવશે. આપણને એ વાતની ખુશી છે કે આજે મોટા ભાગે દુનિયાના ખૂણે ખૂણે પ્રચાર થઈ રહ્યો છે. એ બતાવે છે કે હવે જલદી જ પરમેશ્વરનું રાજ્ય આવશે અને માનવ સરકારોને મિટાવી દેશે. (દાનીયેલ ૨:૪૪) દર વર્ષે પ્રચાર દ્વારા કરોડો લોકોને શુભસંદેશ સાંભળવાનો મોકો મળે છે. એનાથી પરમેશ્વરનું નામ રોશન થાય છે. તો ચાલો આપણે નક્કી કરીએ કે યહોવાહને અંત સુધી વળગી રહીશું, આખી દુનિયાના ભાઈઓ સાથે મળીને સર્વ પ્રજાઓને રાજ્યનો સંદેશ જણાવીશું. એમ કરીને આપણે પોતાનો અને આપણા સાંભળનારનો પણ જીવ બચાવીશું.—૧ તીમોથી ૪:૧૬. (w06 2/1)
શું તમને યાદ છે?
• માત્થી ૨૪:૧૪ શા માટે ખૂબ મહત્ત્વની ભવિષ્યવાણી છે?
• પહેલી સદીના ભાઈબહેનોએ પ્રચારમાં કેવી મહેનત કરી અને તેઓને કેવાં ફળ મળ્યાં?
• સર્વ જાતિ અને પ્રજાના લોકોને પ્રચાર કરવા વિષે બાઇબલ સ્ટુડન્ટ્સને કેવી સમજણ મળી?
• ગયા સેવા વર્ષમાં યહોવાહના લોકોએ જે કામ કર્યું એમાં તમે શાનાથી પ્રભાવિત થયા?
[પાન ૨૪ પર ચિત્ર]
કરનેલ્યસ અને તેના પરિવારને પ્રચાર કરવા યહોવાહે પીતરને માર્ગદર્શન આપ્યું
[પાન ૨૫ પર ચિત્ર]
રાજ્યનો પ્રચાર કરવા માટે પાઊલે જમીન પર અને સમુદ્રમાં હજારો કિલોમીટર મુસાફરી કરી