ખ્રિસ્તીઓ આત્માથી અને સત્યથી પરમેશ્વરની ભક્તિ કરે છે
“દેવ આત્મા છે; અને જેઓ તેને ભજે છે, તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ.”—યોહાન ૪:૨૪.
યહોવાહને કેવી ભક્તિ પસંદ છે, એ વિષે તેમના વહાલા દીકરા ઈસુએ સ્પષ્ટ રીતે શીખવ્યું. સૈખાર નામના એક શહેરના કૂવા પાસે ઈસુ, એક સમરૂની સ્ત્રીને સુંદર રીતે સત્ય શીખવ્યું. તેમણે કહ્યું: “જેને તમે જાણતા નથી તેને તમે ભજો છો; અમે જેને જાણીએ છીએ તેને અમે ભજીએ છીએ! કેમકે તારણ યહુદીઓમાંથી છે. પણ એવી વેળા આવે છે, અને હાલ આવી છે, કે જ્યારે ખરા ભજનારા આત્માથી તથા સત્યતાથી બાપનું ભજન કરશે; કેમકે એવા ભજનારાઓને બાપ ઇચ્છે છે. દેવ આત્મા છે; અને જેઓ તેને ભજે છે, તેઓએ આત્માથી તથા સત્યતાથી તેનું ભજન કરવું જોઈએ.” (યોહાન ૪:૨૨-૨૪) અહીં ઈસુ શું કહેવા માંગે છે?
૨ સમરૂની લોકોના ધાર્મિક વિચારો ખોટા હતા. તેઓ, બાઇબલનાં પહેલા પાંચ પુસ્તકોમાં જ માનતા હતા. એ પાંચ પુસ્તકોને તેઓ સમરૂની પેન્ટેટ્યુક કહેતા. પરંતુ સમરૂની લોકો ખરેખર પરમેશ્વરને ઓળખતા ન હતા. શાસ્ત્રમાંથી સત્ય શીખવવાની જવાબદારી તો યહુદીઓની હતી. (રૂમીઓને પત્ર ૩:૧, ૨) યહુદીઓ અને બીજાઓ યહોવાહના આશીર્વાદ મેળવી શકતા હતા, પરંતુ એ માટે તેઓએ કંઈક કરવાની જરૂર હતી.
૩ યહોવાહના આશીર્વાદ મેળવવા માટે યહુદીઓ, સમરૂનીઓ અને બીજા લોકોએ શું કરવાની જરૂર હતી? તેઓએ “આત્માથી તથા સત્યતાથી” પરમેશ્વરની ભક્તિ કરવાની હતી, અને આપણે પણ એમ જ કરવાનું છે. ખરું કે આપણે ખરા દિલથી, શ્રદ્ધાથી અને ઉમંગથી યહોવાહની ભક્તિ કરીએ. પરંતુ ખાસ કરીને આત્માથી તેમની ભક્તિ કરવાનો અર્થ એ થાય છે કે આપણા પર તેમનો પવિત્ર આત્મા કે શક્તિ રહે, જે આપણને દોરવણી આપી શકે. પરમેશ્વરના વિચારો જાણવા આપણે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ અને જે શીખ્યા હોય એ પ્રમાણે જીવવું જોઈએ. (૧ કોરીંથી ૨:૮-૧૨) આપણે તેમના વિષે અને તેમના હેતુઓ વિષે સાચું જ્ઞાન લઈને યહોવાહની ભક્તિ કરીશું તો જ તે એને સ્વીકારશે.
આપણે સત્ય જાણી શકીએ
૪ અનેક ફીલસૂફો એમ માને છે કે ધાર્મિક સત્ય ગૂઢ હોવાથી, માનવીઓ એને જાણી શકતા જ નથી. સ્વીડનના આલ્ફ આલ્બગ નામના લેખકે લખ્યું: “ફીલસૂફીના ઘણા પ્રશ્નો એવા છે કે જેના કોઈ જવાબ મળી શકે એમ નથી.” અમુક લોકો શીખવે છે કે હકીકતમાં સત્ય જેવી કોઈ ચીજ નથી, શું એ સાચું છે? ના, ઈસુના કહેવા પ્રમાણે એ સાચું નથી.
૫ કલ્પના કરો કે આપણે આ ઘટનાને નજરે જોઈ રહ્યા છીએ: ૩૩મી સાલની શરૂઆત થઈ છે, ઈસુ રોમના ગવર્નર પોંતિયસ પીલાતની સામે ઊભા છે. ઈસુ પીલાતને કહે છે: “એજ માટે હું જગતમાં આવ્યો છું, કે સત્ય વિષે હું સાક્ષી આપું.” પછી પીલાત પૂછે છે કે, “સત્ય શું છે?” પણ તે ઈસુનો જવાબ સાંભળવા તૈયાર ન હતા.—યોહાન ૧૮:૩૬-૩૮.
૬ ‘સત્યનો’ અર્થ ‘ખરું, સાચું અને હકીકત’ થાય છે. ઈસુએ ફક્ત સાચું-ખોટું શું છે એ જ શીખવ્યું નહિ, પણ તેમણે ખાસ સત્ય શીખવ્યું. ઈસુએ તેમના શિષ્યોને એ સત્ય બીજાઓને શીખવવાની આજ્ઞા આપતા કહ્યું: “એ માટે તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો; બાપ તથા દીકરા તથા પવિત્ર આત્માને નામે તેઓને બાપ્તિસ્મા આપતા જાઓ; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ; અને જુઓ જગતના અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું.” (માત્થી ૨૮:૧૯, ૨૦) આ ‘જગતનો અંત’ આવે એ પહેલાં ઈસુના ખરા શિષ્યો દુનિયાના ચારે ખૂણામાં “સુવાર્તાની સત્યતા” પ્રગટ કરશે. (માત્થી ૨૪:૩; ગલાતી ૨:૧૪) ઈસુના કહ્યા પ્રમાણે જ આમ થશે: “સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ રાજ્યની આ સુવાર્તા આખા જગતમાં પ્રગટ કરાશે; અને ત્યારે જ અંત આવશે.” (માત્થી ૨૪:૧૪) તેથી, જેઓ દુનિયાભરના લોકોને આ સત્ય શીખવે છે તેઓને આપણે ઓળખીએ એ ખૂબ જ મહત્ત્વનું છે.
આપણે કેવી રીતે સત્ય શીખી શકીએ
૭ યહોવાહ તેમના વિષે અને તેમના હેતુઓ વિષે સત્ય જણાવે છે. ભજનહાર દાઊદે યહોવાહને “સત્યના” પરમેશ્વર કહ્યા હતા. (ગીતશાસ્ત્ર ૩૧:૫; ૪૩:૩) ઈસુએ તેમના પિતાના શબ્દોને સત્ય કહેતા જણાવ્યું: “પ્રબોધકોનાં પુસ્તકમાં લખેલું છે તેમ, ‘તેઓ ઈશ્વરથી શિક્ષણ પામશે.’ પિતાની વાત સાંભળીને જેઓ સત્ય શીખે છે તેઓ જ મારા તરફ ખેંચાશે.” (યોહાન ૬:૪૫, IBSI; ૧૭:૧૭; યશાયાહ ૫૪:૧૩) આનાથી સ્પષ્ટ જોવા મળે છે કે જેઓ સત્યની શોધમાં છે તેઓને, મહાન શિક્ષક યહોવાહ શીખવે છે. (યશાયાહ ૩૦:૨૦, ૨૧) જેઓ સત્યની શોધ કરે છે તેઓએ પોતે પરમેશ્વરનું “જ્ઞાન” લેવું જોઈએ. (નીતિવચનો ૨:૫) યહોવાહે પ્રેમાળપણે અનેક રીતે એ સત્ય શીખવ્યું છે.
૮ દાખલા તરીકે, યહોવાહે સ્વર્ગદૂતો દ્વારા ઈસ્રાએલીઓને કાયદા-કાનૂન આપ્યા. (ગલાતી ૩:૧૯) તેમણે ઈબ્રાહીમને અને યાકુબને સપનામાં આશીર્વાદનું વચન આપ્યું. (ઉત્પત્તિ ૧૫:૧૨-૧૬; ૨૮:૧૦-૧૯) ઈસુનું બાપ્તિસ્મા થયું ત્યારે, યહોવાહે આકાશવાણી કરી કે, “આ મારો વહાલો દીકરો છે, એના પર હું પ્રસન્ન છું.” (માત્થી ૩:૧૭) ઈશ્વરની આપણા પર કેટલી મહેરબાની, કે તેમણે બાઇબલ લખવા માટે તેમના સેવકોને પ્રેરણા આપી. (૨ તીમોથી ૩:૧૬, ૧૭) આપણે પવિત્ર બાઇબલમાંથી શીખીશું તો, “સત્ય પરના વિશ્વાસ” કેળવી શકીશું.—૨ થેસ્સાલોનીકી ૨:૧૩.
ઈશ્વરના પુત્ર વિષે સત્ય
૯ પરમેશ્વરે ખાસ કરીને તેમના પુત્રને સત્ય ફેલાવવાની જવાબદારી સોંપી છે. (હેબ્રી ૧:૧-૩) ઈસુ જેવું અજોડ સત્ય કોઈ પણ વ્યક્તિ શીખવી શકી નથી. (યોહાન ૭:૪૬) સ્વર્ગમાં પાછા ગયા પછી પણ, ઈસુ તેમના પિતા પાસેથી મળેલ સત્ય ફેલાવતા રહ્યા. દાખલા તરીકે, “ટૂંક સમયમાં જે ઘટનાઓ બનવાની છે તે પોતાના સેવકોને જણાવવા માટે ઈશ્વરે ઈસુ ખ્રિસ્ત સમક્ષ પ્રગટ કરી.”—સંદર્શન ૧:૧-૩, IBSI.
૧૦ ઈસુએ પોંતિયસ પીલાતને કહ્યું કે તે સત્યની સાક્ષી આપવા માટે પૃથ્વી પર આવ્યા છે. પોતાના સેવાકાર્ય દરમિયાન, તેમણે એ સત્ય જણાવ્યું કે યહોવાહ સૌથી મહાન રાજા છે. અને તેમના રાજ્યમાં ઈસુ ખુદ રાજ કરશે. તેથી સત્યની સાક્ષી આપવામાં ફક્ત પ્રચાર કામ અને રાજ્ય વિષે શિક્ષણ જ આપવાનું ન હતું. એમાં બીજુ ઘણું સમાયેલું હતું. ઈસુએ એ સત્ય શીખવ્યું હતું અને એમાં પોતે મુખ્ય ભાગ ભજવીને એને રૂપ આપ્યું. એ વિષે પ્રેષિત પાઊલ જણાવે છે: “તેથી તમારા ખાવાપીવાની બાબતમાં અથવા યહૂદી તહેવારો અને પર્વોના ઉજવવામાં, મહિનાના પ્રથમ દિવસના ઉત્સવો અથવા સાબ્બાથવાર ન પાળવામાં, કોઈ તમારી ટીકા ન કરે. આ વિધિઓ થોડા સમય માટે જ હતી. ખ્રિસ્તના આગમન સાથે જ તેઓનો અંત આવ્યો. એ વિધિઓ તો ખ્રિસ્તમાં પૂર્ણ થનાર વાસ્તવિકતાની પ્રતિછાયારૂપ હતી.”—કોલોસી ૨:૧૬, ૧૭, IBSI.
૧૧ ઈસુનો જનમ બેથલેહેમમાં થશે એમ અગાઉથી કહેવામાં આવ્યું હતું. અને સમય જતા એ સાચું સાબિત થયું. (મીખાહ ૫:૨; લુક ૨:૪-૧૧) દાનીયેલે ભવિષ્ય વાણીમાં જણાવ્યું હતું કે મસીહ, ૬૯ અઠવાડિયાના વર્ષોને અંતે આવશે, એ પણ સાચું પરિણમ્યું. ઈસુએ ૨૯ની સાલમાં બાપ્તિસ્મા લીધું અને તેમને પવિત્ર શક્તિથી અભિષિક્ત કરવામાં આવ્યા. એ સમય વિષે અગાઉથી કહેવામાં આવ્યું હતું અને એ પ્રમાણે જ થયું. (દાનીયેલ ૯:૨૫; લુક ૩:૧, ૨૧, ૨૨) ઈસુએ રાજ્યનો પ્રચાર શરૂ કર્યો ત્યારે, સત્યનાં વચનો પૂરા થવા લાગ્યા. (યશાયાહ ૯:૧, ૨, ૬, ૭; ૬૧:૧, ૨; માત્થી ૪:૧૩-૧૭; લુક ૪:૧૮-૨૧) ઈસુને મારી નાખવામાં આવ્યા અને પછી તેમને સજીવન કરવામાં આવ્યા ત્યાં સુધીમાં, તેમના વિષે જે કાંઈ પણ કહેવામાં આવ્યું હતું એ સાચું પુરવાર થયું.—ગીતશાસ્ત્ર ૧૬:૮-૧૧; યશાયાહ ૫૩:૫, ૮, ૧૧, ૧૨; માત્થી ૨૦:૨૮; યોહાન ૧:૨૯; પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૫-૩૧.
૧૨ આ સત્યનો પાયો ઈસુ પોતે હોવાથી, તે કહી શક્યા: “માર્ગ તથા સત્ય તથા જીવન હું છું; મારા આશ્રય વિના બાપની પાસે કોઈ આવતું નથી.” (યોહાન ૧૪:૬) ‘જેઓ સત્યમાં છે’ તેઓ જૂઠા ધર્મોના શિક્ષણથી ગુંચવાયેલા નથી. કેમ કે તેઓ પરમેશ્વરના હેતુમાં, ઈસુનું માર્ગદર્શન સ્વીકારે છે. (યોહાન ૮:૩૨-૩૬; ૧૮:૩૭) તેથી જે નમ્ર લોકો આ સત્યને સ્વીકારીને ઈસુનાં પગલે ચાલે છે, તેઓને હંમેશનું જીવન મળશે.—યોહાન ૧૦:૨૪-૨૮.
૧૩ ઈસુ અને તેમના પ્રેષિતોએ જે સત્ય શીખવ્યું એ જ સાચા ખ્રિસ્તી ધર્મનો પાયો છે. જેઓ “વિશ્વાસને આધીન” થાય છે તેઓ “સત્યમાં ચાલે છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૬:૭; ૩ યોહાન ૩, ૪) તો પછી, આજે સત્યને પગલે કોણ ચાલે છે? આજે કોણ બધા જ દેશોમાં સત્ય ફેલાવે છે? એ પ્રશ્નોના જવાબ માટે, આપણે શરૂઆતના ખ્રિસ્તીઓ વિષે જાણીશું અને બાઇબલમાંથી સત્યને લગતી ત્રણ બાબતો તપાસીશું: (૧) તેઓની માન્યતા (૨) તેઓની ભક્તિ (૩) તેઓનું વર્તન.
સત્ય અને તેઓની માન્યતા
૧૪ યહોવાહની પ્રેરણાથી લખાયેલું બાઇબલ શરૂઆતના ખ્રિસ્તીઓને અતિ પ્રિય હતું. (યોહાન ૧૭:૧૭) તેઓની માન્યતા એના પર આધાર રાખતી હતી. બીજી અને ત્રીજી સદીમાં એલેક્ઝાંડ્રિયામાં થઈ ગયેલા, ક્લેમેંટ નામના એક ખ્રિસ્તીએ જણાવ્યું કે, “જેઓ સદ્ગુણો વિકસાવવા ચાહે છે, તેઓ શાસ્ત્રમાંથી સાબિતી ન મળે ત્યાં સુધી, સત્યની શોધ કરતા જ રહેશે.”
૧૫ શરૂઆતના ખ્રિસ્તીઓની જેમ યહોવાહના સાક્ષીઓને પણ બાઇબલ અતિ પ્રિય છે. તેઓ માને છે કે ‘પવિત્ર બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી આપવામાં આવ્યું છે. જે સત્ય શીખવવામાં ઉપયોગી છે.’ (૨ તિમોથી ૩:૧૬, IBSI) તો ચાલો, શરૂઆતના ખ્રિસ્તીઓની અમુક માન્યતાઓ તપાસીએ અને જોઈએ કે એ યહોવાહના સાક્ષીઓની માન્યતાઓને કઈ રીતે મળતી આવે છે. કેમ કે તેઓ પણ બાઇબલમાં પૂરેપૂરી રીતે માને છે.
પ્રાણ કે જીવ વિષે સત્ય
૧૬ પહેલી સદીના ખ્રિસ્તીઓ બાઇબલના શિક્ષણમાં માનતા હતા. તેઓ પ્રાણ કે જીવ વિષે સાચું શું છે એ શીખ્યા અને એ વિષે બીજાઓને પણ શીખવ્યું. તેઓ જાણતા હતા કે યહોવાહે સૌથી પહેલા માણસને બનાવ્યો ત્યારે, તે ‘સજીવ પ્રાણી કે જીવતો’ થયો. (ઉત્પત્તિ ૨:૭) તેઓ એ પણ જાણતા હતા કે જીવ અથવા પ્રાણ મરી જાય છે. (હઝકીએલ ૧૮:૪; ગીતશાસ્ત્ર ૧૪૬:૪; યાકૂબ ૫:૨૦) તેઓને એ પણ ખબર હતી કે જે લોકો ગુજરી ગયા છે તેઓ ‘કંઈ જ જાણતા નથી.’—સભાશિક્ષક ૯:૫, ૧૦.
૧૭ લોકો ગુજરી જાય છે છતાં, ઈસુના શિષ્યોને પૂરેપૂરી ખાતરી હતી કે તેઓને પરમેશ્વર યાદ રાખે છે અને સજીવન કરશે. પાઊલે એ માન્યતા વિષે જણાવ્યું કે “ન્યાયીઓ તથા અન્યાયીઓનું પુનરુત્થાન [સજીવન] થશે, એવી જેમ તેઓ પોતે આશા રાખે છે, તેમ હું પણ દેવ વિષે આશા રાખું છું.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૪:૧૫) વર્ષો પછી, માયન્યુસીસ ફીલીક્સ નામના, એક કહેવાતા ખ્રિસ્તીએ જણાવ્યું: “પરમેશ્વરે માણસને બનાવ્યો, તો શું તે માણસને પાછો સજીવન ન કરી શકે? જેઓ એમ નથી માનતા તેઓ ખરેખર પાગલ છે.” પહેલી સદીના ખ્રિસ્તીઓની જેમ જ, યહોવાહના સાક્ષીઓ જીવન, મરણ અને સજીવન વિષેની બાઇબલની માન્યતાને વળગી રહે છે. ચાલો હવે આપણે પરમેશ્વર અને ઈસુ વિષે સત્ય શીખીએ.
ત્રિમૂર્તિ વિષે સત્ય
૧૮ શરૂઆતના ખ્રિસ્તીઓ ત્રિમૂર્તિમાં (ત્રૈક્ય) એટલે કે પરમેશ્વર, ઈસુ અને પવિત્ર આત્મા એક છે, એમ માનતા ન હતા. એન્સાયક્લોપેડિયા બ્રિટાનીકા જણાવે છે કે, “નવા કરારમાં ત્રિમૂર્તિનું નામનિશાન ન હતું. ઈસુનાં શિષ્યો માટે જૂના કરારમાં [હેબ્રી શાસ્ત્રવચનોમાં] શીમા નામની લખેલી પ્રાર્થના એકદમ સ્પષ્ટ હતી જે કહે છે: ‘હે ઈસ્રાએલ, સાંભળ: યહોવાહ આપણો દેવ તે એકલો જ યહોવાહ છે’ (પુનર્નિયમ ૬:૪).” આમ, ખ્રિસ્તીઓ રોમની ત્રિમૂર્તિમાં કે પછી બીજા કોઈ જૂઠા દેવ-દેવીઓમાં માનતા ન હતા. તેઓએ ઈસુની આજ્ઞા પાળી કે માણસે ફક્ત યહોવાહની જ ભક્તિ કરવી જોઈએ. (માત્થી ૪:૧૦) એ ઉપરાંત, તેઓએ ઈસુનું કહ્યું માન્યું: “પિતા મારા કરતાં મહાન છે.” (યોહાન ૧૪:૨૮, IBSI) યહોવાહના સાક્ષીઓ આજે એમ જ માને છે.
૧૯ ઈસુનાં શિષ્યો દિવાની જેમ સ્પષ્ટ જોઈ શક્યા કે પરમેશ્વર, ઈસુ અને પવિત્ર આત્મા, એ ત્રણેયમાં આભ-જમીનનો ફેર છે. તેઓએ શિષ્યોને, (૧) પિતાને નામે (૨) તેમના પુત્ર ઈસુને નામે અને (૩) પવિત્ર આત્માને નામે બાપ્તિસ્મા આપ્યું, ત્રિમૂર્તિને નામે નહિ. એવી જ રીતે, યહોવાહના સાક્ષીઓ પણ આજે બાઇબલમાંથી સત્ય શીખવે છે કે પરમેશ્વર, ઈસુ ખ્રિસ્ત અને પવિત્ર આત્મા, એ ત્રણેય અલગ છે.—માત્થી ૨૮:૧૯.
બાપ્તિસ્મા વિષેનું સત્ય
૨૦ ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે તેઓ લોકોને સત્ય શીખવે અને તેઓને બાપ્તિસ્મા આપે. બાપ્તિસ્મા લેવા માટે, તેઓને બાઇબલનું પાયાનું જ્ઞાન હોવું જોઈએ. દાખલા તરીકે, તેઓ જાણે છે કે પરમેશ્વર અને તેમના પુત્ર ઈસુ ખ્રિસ્ત પાસે કઈ પદવી છે. (યોહાન ૩:૧૬) બાપ્તિસ્મા લેનારાઓ એ પણ જાણે છે કે, પવિત્ર આત્મા કોઈ વ્યક્તિ નથી પણ યહોવાહની શક્તિ છે.—પ્રેરિતોનાં કૃત્યો ૨:૧-૪.
૨૧ બાઇબલમાંથી શીખ્યા હોય અને પસ્તાવો કરીને પોતાનું જીવન પરમેશ્વરને સમર્પણ કર્યું હોય, ફક્ત તેઓને જ શરૂઆતના ખ્રિસ્તીઓ બાપ્તિસ્મા આપતા. યહુદીઓ અને યહુદી ધર્મ અપનાવનાર વિદેશીઓ, પેંતેકોસ્ત ૩૩ સી.ઈ.માં યરૂશાલેમમાં એકઠા થયા હતા. તેઓ સર્વને જૂના કરારનું જ્ઞાન હતું. તેઓએ જ્યારે પ્રેષિત પીતરનું ઈસુ મસીહ વિષેનું પ્રવચન સાંભળ્યું ત્યારે, લગભગ ૩,૦૦૦ લોકોએ “તેની વાત સ્વીકારી” અને “બાપ્તિસ્મા પામ્યાં.”—પ્રેરિતોનાં કૃત્યો ૨:૪૧; ૩:૧૯–૪:૪; ૧૦:૩૪-૩૮.
૨૨ ખ્રિસ્તી બાપ્તિસ્મા, જેઓ ખરેખર યહોવાહમાં માને છે તેઓ માટે છે. સમરૂની લોકોએ સત્ય સ્વીકાર્યું, અને “ફિલિપ દેવના રાજ્ય તથા ઈસુ ખ્રિસ્તના નામ વિષે સુવાર્તા પ્રગટ કરતો હતો તેવામાં તેઓનો વિશ્વાસ તેના પર બેઠો, અને પુરુષોએ તેમજ સ્ત્રીઓએ પણ બાપ્તિસ્મા લીધું.” (પ્રેરિતોનાં કૃત્યો ૮:૧૨) હબશી ખોજો યહુદીઓનો ધર્મ પાળતો હતો અને યહોવાહની દિલથી ભક્તિ કરતો હતો. પરંતુ જ્યારે ફિલિપે મસીહા વિષે પૂરી થયેલી ભવિષ્યવાણી વિષે તેને સમજાવ્યું ત્યારે, તેણે એ સ્વીકારીને બાપ્તિસ્મા લીધું. (પ્રેરિતોનાં કૃત્યો ૮:૩૪-૩૬) પછી, પીતરે યહુદી ન હતા એવા કરનેલ્યસ અને બીજાઓને કહ્યું કે, જે કોઈ પરમેશ્વરની “બીક રાખે છે, ને ન્યાયીપણું કરે છે, તે તેને માન્ય છે.” અને જે કોઈ ઈસુમાં વિશ્વાસ મૂકે છે તેઓને પાપોની માફી મળશે. (પ્રેરિતોનાં કૃત્યો ૧૦:૩૫, ૪૩; ૧૧:૧૮) આ બધુ જ ઈસુની આ આજ્ઞાના સુમેળમાં છે: ‘શિષ્યો બનાવો; મેં તમને જે જે આજ્ઞા કરી તે સર્વ પાળવાનું તેઓને શીખવતા જાઓ.’ (માત્થી ૨૮:૧૯, ૨૦; પ્રેરિતોનાં કૃત્યો ૧:૮) આજે પણ, જેઓ બાપ્તિસ્મા લેવા ચાહે છે તેઓ માટે યહોવાહના સાક્ષીઓ એ જ આજ્ઞા અનુસરે છે. બાપ્તિસ્મા લેનારાઓને બાઇબલનું મુખ્ય જ્ઞાન હોવું જોઈએ અને તેઓએ પ્રાર્થનામાં યહોવાહને પોતાનું જીવન સમર્પિત કર્યું હોવું જોઈએ.
૨૩ જેઓ સત્ય માને છે તેઓને બાપ્તિસ્મા આપવા માટે પાણીમાં ડૂબકી મરાવવામાં આવે છે. ઈસુ બાપ્તિસ્મા લેવા યરદન નદીમાં ગયા અને “પાણીમાંથી ઉપર” આવ્યા. (માર્ક ૧:૧૦) હબશી ખોજો બાપ્તિસ્મા લેવા માટે “જળાશય” અથવા તળાવ આગળ આવ્યો અને “ફિલિપ તથા ખોજો બન્ને પાણીમાં ઊતર્યા.” પછી “તેઓ પાણીમાંથી બહાર આવ્યા.” (પ્રેરિતોનાં કૃત્યો ૮:૩૬-૪૦) આમ, બાપ્તિસ્મા લેવામાં પાણીમાં શરીરને પૂરેપૂરું ડૂબાડવામાં આવે છે. અને બીજા અર્થમાં, અમુક રીતે બાપ્તિસ્માને શબને દાટવા સાથે પણ સરખાવવામાં આવે છે.—રૂમીઓને પત્ર ૬:૪-૬; કોલોસી ૨:૧૨.
૨૪ એક અંગ્રેજી બાઇબલ જ્ઞાનકોશ (ઑક્સફર્ડ બાઇબલ સાહિત્ય) જણાવે છે: “નવા કરારમાં બાપ્તિસ્મા વિષે મળી આવેલી માહિતી જણાવે છે કે તેઓને પાણીમાં પૂરેપૂરા ડૂબાડવામાં આવતા હતા.” એક પ્રખ્યાત ફ્રેંચ પુસ્તક (વીસમી સદીનું લૌઉરસ, પૅરિસ, ૧૯૨૮) પ્રમાણે, “શરૂઆતના ખ્રિસ્તીઓને બાપ્તિસ્મા આપવા, જ્યાં પણ નદી કે તળાવ જેવું કાંઈ દેખાતું ત્યાં ડૂબકી મરાવવામાં આવતી હતી.” અને બીજું એક પુસ્તક (ઈસુ પછી થયેલો ખ્રિસ્તી ધર્મનો વિકાસ, અંગ્રેજી) લખે છે: ‘બાપ્તિસ્મા લેવાનો સાદો અર્થ એ જ થાય છે કે વ્યક્તિ ધર્મને પૂરા દિલથી સ્વીકારે અને પછી તેને ઈસુનાં નામે પાણીમાં પૂરેપૂરી ડૂબાડવામાં આવે.’
૨૫ પહેલી સદીના ખ્રિસ્તીઓ બાઇબલમાંથી જે શીખ્યાં અને માનવા લાગ્યા, એ મુદ્દાઓ આપણે જોયા. એ તો ફક્ત અમુક જ દાખલાઓ છે. યહોવાહના સાક્ષીઓની માન્યતા તેઓ સાથે કઈ રીતે મળતી આવે છે, એના બીજા અનેક દાખલાઓ આપણે જોઈ શકીએ છીએ. હવે પછીનો લેખ જેઓ સત્ય શીખવે છે તેઓની વધુ ઓળખ આપશે.
તમને શું લાગે છે?
• યહોવાહ કેવી ભક્તિ સ્વીકારે છે?
• ઈસુ ખ્રિસ્તે કઈ રીતે સત્યને ખરું રૂપ આપ્યું?
• જીવ કે પ્રાણ વિષે સત્ય શું છે?
• બાપ્તિસ્મા કેવી રીતે આપવામાં આવે છે, અને બાપ્તિસ્મા લેવા ઇચ્છનારાઓ પાસે કઈ અપેક્ષા રાખવામાં આવે છે?
[Questions]
૧. પરમેશ્વરને કેવી ભક્તિ પસંદ છે?
૨. સમરૂની લોકો શામાં માનતા હતા?
૩. “આત્માથી તથા સત્યતાથી” પરમેશ્વરની ભક્તિ કરવામાં શું સમાયેલું છે?
૪. અમુક લોકો સત્ય વિષે શું વિચારે છે?
૫. ઈસુ જગતમાં શા માટે આવ્યા હતા?
૬. (ક) ‘સત્યનો’ શું અર્થ થાય છે? (બ) ઈસુએ તેમના શિષ્યોને કઈ જવાબદારી સોંપી?
૭. શા માટે યહોવાહ સત્યના સાગર છે?
૮. કઈ રીતે પરમેશ્વરે આપણને સત્ય શીખવ્યું છે?
૯. સત્ય ફેલાવવા માટે પરમેશ્વર તેમના પુત્રનો કેવી રીતે ઉપયોગ કરે છે?
૧૦, ૧૧. (ક) ઈસુએ શાના વિષે સત્ય આપ્યું? (ખ) ઈસુએ જે કંઈ પણ શીખવ્યું એ કઈ રીતે હકીકત બન્યું?
૧૨. ઈસુ શા માટે કહી શક્યા કે ‘હું સત્ય છું’?
૧૩. આપણે બાઇબલમાંથી કયા ત્રણ સત્યો તપાસીશું?
૧૪, ૧૫. શરૂઆતના ખ્રિસ્તીઓ અને યહોવાહના સાક્ષીઓ બાઇબલ વિષે શું માને છે?
૧૬. પ્રાણ કે જીવ વિષે સાચું શું છે?
૧૭. ગુજરી ગયેલાઓ માટે કઈ આશા રહેલી છે?
૧૮, ૧૯. ત્રિમૂર્તિનું શિક્ષણ બાઇબલમાં નથી, એમ આપણે કઈ રીતે કહી શકીએ?
૨૦. જેઓ બાપ્તિસ્મા લેવા માગતા હોય તેઓને કેવું જ્ઞાન હોવું જોઈએ?
૨૧, ૨૨. શા માટે જેઓ માને છે તેઓએ જ બાપ્તિસ્મા લેવું જોઈએ?
૨૩, ૨૪. ખ્રિસ્તી બાપ્તિસ્મા કઈ રીતે લેવું જોઈએ?
૨૫. હવે પછીના લેખમાં આપણે શાની ચર્ચા કરીશું?
[પાન ૧૬ પર ચિત્ર]
ઈસુએ પીલાતને કહ્યું કે ‘હું સત્ય વિષે સાક્ષી આપવા જગતમાં આવ્યો છું’
[પાન ૧૭ પર ચિત્ર]
શું તમે સમજાવી શકો કે શા માટે ઈસુએ કહ્યું: ‘હું સત્ય છું?’
[પાન ૧૮ પર ચિત્ર]
ખ્રિસ્તી બાપ્તિસ્મા વિષે સત્ય શું છે?