માફી શાંતિ લાવે છે
“માફી માગવાથી પથ્થર પણ પીગળી જાય છે. માફી માગવાથી દેશોના સંબંધો સુધરી શકે અને સરકારો જનતાનું દુઃખ જોઈને તેઓ સાથે સહેલાઈથી સુલેહશાંતિ કરી શકશે.” ડૅબોરા ટાનીન નામની પ્રખ્યાત લેખિકાએ આમ કહ્યું. તે વૉશિંગ્ટન, ડી.સી.ની જ્યોર્જટાઉન યુનિવર્સિટીમાં ભાષાની નિષ્ણાત અને સમાજશાસ્ત્રી છે.
બાઇબલના ઘણા અહેવાલો બતાવે છે કે, સાચા દિલથી માફી માંગવાથી સંબંધો જલદી સુધરે છે. દાખલા તરીકે, ઉડાઉ દીકરા વિષે ઈસુએ આપેલા દૃષ્ટાંતનો વિચાર કરો. એમાં એ દીકરો સાચા દિલથી પસ્તાવો કરીને પોતાના ઘરે પાછો આવ્યો ત્યારે, તેના પિતાએ રાજી-ખુશીથી તેને આવકાર્યો. (લુક ૧૫:૧૭-૨૪) એ જ રીતે, આપણે પણ નમ્રતાથી પોતાની ભૂલ કબૂલવા અને માફી માગવા હંમેશાં તૈયાર રહેવું જોઈએ. નમ્ર વ્યક્તિ માટે માફી માગવી જરાય અઘરું નથી.
માફી માગવાથી પથ્થર પીગળી શકે
પ્રાચીન ઈસ્રાએલમાં અબીગાઇલ નામની એક બુદ્ધિમાન સ્ત્રી હતી. તેણે માફી માગવાનો ઉત્તમ નમૂનો બેસાડ્યો હતો. તેણે તેના પતિની ભૂલ માટે માફી માગી હતી. દાઊદ ઈસ્રાએલના રાજા બન્યા એ પહેલાં પોતાના માણસો સાથે રાનમાં રહેતા હતા. એ સમયે તેઓ અબીગાઇલના પતિ નાબાલના ઘેટાંનું રક્ષણ કરતા હતા. એક સમયે દાઊદના ભૂખ્યા-તરસ્યા માણસોએ નાબાલ પાસે રોટલી અને પાણી માંગ્યાં. પરંતુ નાબાલે ઉપકારનો બદલો વાળવાને બદલે, તેઓનું અપમાન કરીને ખાલી હાથે પાછા કાઢ્યા. એ સાંભળીને દાઊદ ક્રોધે ભરાયા અને આશરે ૪૦૦ માણસો લઈને નાબાલના કુટુંબનું નામનિશાન મિટાવવા નીકળી પડ્યા. એ જાણીને અબીગાઇલ દાઊદને મળવા દોડી ગઈ. તેણે દાઊદને જોયા કે તરત તેમને પગે પડીને કહ્યું: “હે મારા મુરબ્બી, આ અપરાધ મારે શિરે, હા, મારે શિરે હો; કૃપા કરીને તારી દાસીને તારા કાનમાં કહેવા દે, ને તારી દાસીનું કહેવું સાંભળ.” પછી અબીગાઇલે દાઊદને હકીકત સમજાવી અને રોટલી તથા પાણી આપ્યા. દાઊદે એનો સ્વીકાર કરીને તેને કહ્યું કે “તું બીક વગર તારા ઘરે પાછી જા, કારણ કે હું તારા પતિને નહિ મારી નાખું.”—૧ શમૂએલ ૨૫:૨-૩૫, IBSI.
અબીગાઇલે નમ્રતાથી તેના પતિની ભૂલ માટે માફી માગી હોવાથી તેનું કુટુંબ બચી ગયું. દાઊદે પણ એ માટે તેનો આભાર માનતાં કહ્યું: ‘તેં મને આજે ખૂનના દોષથી અટકાવ્યો છે.’ આપણે જોયું કે દાઊદ અને તેમના માણસો સાથે અબીગાઇલે ખરાબ વ્યવહાર કર્યો ન હતો. તોપણ, તેણે પોતાના કુટુંબનો દોષ ઓઢી લીધો અને દાઊદ સાથે શાંતિ કરી.
પ્રેષિત પાઊલે પણ માફી માગવા વિષે સારો નમૂનો બેસાડ્યો છે. એક વખતે પાઊલે પોતાને ન્યાયસભામાં નિર્દોષ સાબિત કરવાના હતા. પાઊલે પ્રમુખ યાજક અનાન્યાને સાચો જવાબ આપ્યો. એનાથી અનાન્યાએ ગુસ્સે થઈને પાઊલની પાસે ઊભેલા માણસને તેના મોં પર તમાચો મારવાનો હુકમ કર્યો. ત્યારે પાઊલે કહ્યું: “અરે ધોળેલી ભીંત, દેવ તને મારશે; તું નિયમશાસ્ત્ર પ્રમાણે મારો ન્યાય કરવા બેઠેલો છે, છતાં શું નિયમશાસ્ત્ર વિરૂદ્ધ મને મારવાની આજ્ઞા કરે છે?” પછી તેમની પાસે ઊભેલા લોકોએ કહ્યું: “શું તું દેવના પ્રમુખ યાજકની નિંદા કરે છે?” ત્યારે પાઊલે માફી માગતાં કહ્યું: “એ પ્રમુખ યાજક છે તે હું જાણતો નહોતો; કેમકે લખેલું છે, કે તારા લોકોના અધિકારીનું તારે ભૂંડું બોલવું નહિ.”—પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૧-૫.
એ અધિકારી મારપીટ કરવા નહિ પણ ન્યાય કરવા બેઠા હતા. એ વિષે પાઊલે ખરું જ કહ્યું હતું. તેમ છતાં, તેમણે અજાણતા પ્રમુખ યાજકની નિંદા કરી હોવાથી તરત જ માફી માગી.a પાઊલે માફી માગી હોવાથી, સાદુકીઓએ પણ પછી તેમનું સાંભળ્યું. પાઊલ માનતા હતા કે મૂએલાઓને સજીવન કરવામાં આવશે. પછી પાઊલે જણાવ્યું કે તેમની આ માન્યતાને કારણે તેમનો ન્યાય કરવામાં આવે છે ત્યારે, ન્યાયસભાના સભ્યોમાં ભાગલા પડી ગયા. કેમ કે અમુક સભ્યો એ સજીવન થવાની માન્યતામાં માનતા ન હતા. પરંતુ ફરોશીઓ એમાં માનતા હોવાથી, તેઓએ પાઊલનો પક્ષ લીધો.—પ્રેરિતોનાં કૃત્યો ૨૩:૬-૧૦.
આપણે આ બે દાખલામાંથી શું શીખી શકીએ? એમાંથી જોવા મળે છે કે સાચા દિલથી પસ્તાવો કરવાથી સુલેહશાંતિનો માર્ગ ખુલે છે. ખરેખર, નમ્રતાથી વર્તવાથી શાંતિ આવે છે. તેમ જ, જે નુકસાન થયું હોય એ માટે પોતાની ભૂલ સ્વીકારીને માફી માગવાથી, સહેલાઈથી બાબતો થાળે પાડી શકાય છે.
‘પણ મેં તો કંઈ ખોટું કર્યું નથી’
આપણાથી કોઈને ખોટું લાગ્યું હોય ત્યારે, આપણને એવું લાગી શકે કે તે તો નાની નાની વાતમાં રિસાઈ જાય છે. પરંતુ એ વિષે ઈસુ ખ્રિસ્તે તેમના શિષ્યોને સરસ સલાહ આપી હતી: “એ માટે જો તું તારૂં અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરૂદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારૂં અર્પણ મૂકીને જા, પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર, ને ત્યાર પછી આવીને તારૂં અર્પણ ચઢાવ.”—માત્થી ૫:૨૩, ૨૪.
દાખલા તરીકે, જો આપણા કોઈ ખ્રિસ્તી ભાઈ કે બહેનને એવું લાગે કે આપણે તેમનું કંઈ ખોટું કર્યું છે તો, આપણે શું કરવું જોઈએ? એ વિષે ઈસુએ કહ્યું હતું: ‘તારા ભાઈની સાથે શાંતિ કર,’ પછી ભલે તમારો દોષ હોય કે ન હોય. વાઈન્સ એક્સપોઝીટરી ડિક્ષનરી ઑફ ઓલ્ડ ઍન્ડ ન્યૂ ટેસ્ટામેન્ટ વડ્ર્સ પ્રમાણે, મૂળ ગ્રીકમાં ઈસુએ અહીં જે શબ્દો વાપર્યા હતા, “એનો અર્થ ભૂલચૂક માફ કરવી થાય છે.” ખરેખર, કોઈ બે વ્યક્તિ વચ્ચે તકરાર ઊભી થાય ત્યારે, કોઈ એકનો જ નહિ પણ બંનેનો દોષ હોય શકે. કારણ કે માણસ માત્ર ભૂલને પાત્ર છે, તેથી બન્નેએ એકબીજાની ભૂલચૂક માફ કરવી જોઈએ.
કોઈ અણબનાવ થાય ત્યારે, દોષ કોનો છે એ મહત્ત્વનું નથી. પરંતુ સુલેહશાંતિ કરવામાં કોણ પહેલ કરશે એ મહત્ત્વનું છે. પહેલી સદીમાં પણ કોરીંથ મંડળના ભાઈઓમાં વેપારધંધાને કારણે ઘણી તકરારો થતી હતી. તેઓ ઘણી વાર તો એકબીજાને અદાલતમાં લઈ જતા હતા. પ્રેષિત પાઊલને એના વિષે ખબર પડી ત્યારે, તેઓને સુધારવા તેમણે પત્રમાં લખ્યું: “એમ કરવા કરતાં તમે પોતે કેમ અન્યાય સહન કરતા નથી? અને નુકસાન કેમ વેઠતા નથી?” (૧ કોરીંથી ૬:૭) પાઊલે તેઓને સમજાવ્યું કે ખ્રિસ્તીઓ થઈને તેઓએ પોતાની તકરારો થાળે પાડવા અદાલતમાં જવાની કોઈ જરૂર ન હતી. આનાથી શીખવા મળે છે કે, કોનો દોષ છે એ સાબિત કરવા કરતાં સાચા ખ્રિસ્તીઓમાં શાંતિ જળવાઈ રહે એ સૌથી મહત્ત્વનું છે. જો આપણે આ સિદ્ધાંતને યાદ રાખીશું તો, કોઈને આપણા વિષે ફરિયાદ હોય ત્યારે આપણે માફી માંગતા અચકાઈશું નહિ.
દિલથી માફી માંગો
આજે ઘણા લોકો દિવસમાં હજારો વાર માફી માગતા હોય છે. દાખલા તરીકે, જાપાનમાં લોકો માફી માગવા સુમીમાશેન (સોરી) કહે છે જે તમને દિવસમાં ઘણી વાર સાંભળવા મળશે. કોઈએ આપણા પર મહેરબાની કરી હોય અને પછી મોકો મળે ત્યારે આપણે તેમને મદદ ન કરી શકતા હોય તો, ઘણી વાર આપણે ખાલી સોરી કહીને માફી માગીએ છીએ. આ રીતે દરેક સમાજના લોકો સંજોગો પ્રમાણે છૂટથી માફી માગતા હોય છે. ઘણી વાર તો આપણને શંકા થાય છે કે તેઓ દિલથી માફી માગે છે કે કેમ!
ભલે ગમે એ ભાષા હોય, આપણે સાચા દિલથી માફી માગીએ એ સૌથી મહત્ત્વનું છે. આપણા વર્તન અને વાણીમાં દેખાઈ આવવું જોઈએ કે આપણને ખરેખર પસ્તાવો થાય છે. ઈસુએ પહાડ પરના ઉપદેશમાં તેમના શિષ્યોને શીખવ્યું: ‘તમારૂં બોલવું તે હાનું હા, ને નાનું ના હોય, કેમકે એ કરતાં અધિક જે કંઈ છે તે ભૂંડાથી છે.’ (માત્થી ૫:૩૭) જો તમે માફી માગતા હો તો, ખાલી દેખાડો જ ન કરો! એક દાખલો લો: એરપોર્ટમાં એક માણસ તેની બૅગો લઈને લાઇનમાં ઊભો છે. તેની એક બૅગથી આગળ ઊભેલી સ્ત્રીને ધક્કો લાગે છે ત્યારે, તે સોરી કહે છે. થોડી વાર પછી, ફરીથી એ સ્ત્રીને તેની બૅગથી ધક્કો લાગે છે અને તે ફરીથી સોરી કહે છે. પછી ત્રીજી વાર પણ એમ જ થયું ત્યારે, એ સ્ત્રી સાથે ઊભેલા બીજા માણસે તેને કહ્યું કે તે દિલથી સોરી કહેતો હોય તો, એ સ્ત્રીને વારંવાર બૅગથી ધક્કો નહિ મારે. હા, જો આપણે દિલથી માફી માગતા હોઈશું તો, જાણીજોઈને ફરીથી એ જ ભૂલ કરીશું નહિ.
જોકે આપણે ફક્ત માફી માગીએ એટલું જ પૂરતું નથી. આપણાથી કોઈને નુકસાન થયું હોય કે ખોટું લાગ્યું હોય ત્યારે, આપણે થયેલા નુકસાનને ભરી આપવા બનતો પ્રયત્ન કરવો જોઈએ. એ જ સમયે, જેમને નુકસાન થયું હોય કે માઠું લાગ્યું હોય તેમણે પણ ક્ષમા આપવા તૈયાર રહેવું જોઈએ. (માત્થી ૧૮:૨૧, ૨૨; માર્ક ૧૧:૨૫; એફેસી ૪:૩૨; કોલોસી ૩:૧૩) એ ખરું છે કે માણસ માત્ર ભૂલને પાત્ર હોવાથી, હર વખત સુલેહશાંતિ કરવી સહેલું નથી. પણ યાદ રાખો, કે માફી માગવાથી પથ્થર પણ પીગળી શકે છે.
ક્યારે માફી ન માગવી જોઈએ?
એ ખરું છે કે ભૂલ સ્વીકારીને માફી માગવાથી સારાં પરિણામો આવે છે. પરંતુ અમુક સંજોગોમાં આપણે માફી ન માગવી જોઈએ. દાખલા તરીકે, પરમેશ્વરને વફાદાર રહેવામાં કોઈ પ્રશ્ન ઊભો થાય ત્યારે આપણે માફી ન માગવી જોઈએ. ઈસુ ખ્રિસ્ત પૃથ્વી પર હતા ત્યારે, ‘તેમણે મરણને, હા, વધસ્તંભના મરણને, આધીન થઈને પોતાને નમ્ર કર્યા’ હતા. (ફિલિપી ૨:૮) તેમણે એ આકરી સજામાંથી છટકવા માટે, પોતે જે માનતા હતા એનો નકાર કરીને માફી માગી ન હતી. પ્રમુખ યાજકે ઈસુ પર દબાણ મૂકતાં કહ્યું હતું: “હું તને જીવતા દેવના સમ દઉં છું, કે દેવનો દીકરો જે ખ્રિસ્ત તેજ તું છે કે નહિ, એ અમને કહે.” ત્યારે ઈસુ ગભરાઈને ફરી ગયા ન હતા. પરંતુ તેમણે હિંમતથી કહ્યું: “તેં પોતે જ કહ્યું; પરંતુ હું તમને કહું છું, કે હવે પછી માણસના દીકરાને પરાક્રમના જમણા હાથ પર બેઠેલો તથા આકાશના મેઘો પર આવતો તમે દેખશો.” (માત્થી ૨૬:૬૩, ૬૪) ઈસુએ સપનામાં પણ એવું વિચાર્યું ન હતું કે તે યહોવાહ પિતા સાથેનો સંબંધ તોડીને પ્રમુખ યાજક સાથે સુલેહશાંતિ કરે.
એ ખરું છે કે યહોવાહના સાક્ષીઓ સર્વ અધિકારીઓને માન આપે છે. પરંતુ આપણે યહોવાહ પરમેશ્વરને આધીન રહીએ છીએ અને ખ્રિસ્તી ભાઈબહેનોને ચાહીએ છીએ. તેથી, આપણે પણ ઈસુને પગલે ચાલવા પોતાની માન્યતાનો નકાર કરીને માફી માગવી જોઈએ નહિ.—માત્થી ૨૮:૧૯, ૨૦; રૂમીઓને પત્ર ૧૩:૫-૭.
કોઈ તમારી શાંતિ લૂંટશે નહિ
પ્રથમ માણસ આદમ પાસેથી આપણને વારસામાં પાપ મળ્યું હોવાથી, આપણે ભૂલો અને પાપ કરી બેસીએ છીએ. (રૂમીઓને પત્ર ૫:૧૨; ૧ યોહાન ૧:૧૦) યહોવાહ પરમેશ્વરે આદમ અને હવાને ઉત્પન્ન કર્યાં ત્યારે તેઓ પાપી ન હતા. પરંતુ તેઓ હાથે કરીને પાપી બન્યા હતા. તોપણ યહોવાહે વચન આપ્યું છે કે તે આપણને પાપ અને એની અસરોથી છોડાવીને સંપૂર્ણ બનવા મદદ કરશે.—૧ કોરીંથી ૧૫:૫૬, ૫૭.
ઈસુના સાવકા ભાઈ યાકૂબે, જીભનો કેવો ઉપયોગ કરવો જોઈએ એ વિષે સલાહ આપતા કહ્યું: “જો કોઈ બોલવામાં ભૂલ કરતો નથી, તો તે સંપૂર્ણ માણસ છે, અને પોતાના આખા શરીરને પણ અંકુશમાં રાખવાને શક્તિમાન છે.” (યાકૂબ ૩:૨) સંપૂર્ણ માણસ તેની જીભ અંકુશમાં રાખશે ત્યારે, તે કોઈ ભૂલ નહિ કરે અને માફી માગવાની પણ જરૂર પડશે નહિ. તે ‘પોતાના આખા શરીરને અંકુશમાં રાખી શકશે.’ જરા વિચારો કે આપણે સંપૂર્ણ બનીશું ત્યારે જીવન કેવું હશે! ત્યારે કોઈ પણ કહેશે નહિ કે, ‘મનુષ્ય માત્ર ભૂલને પાત્ર.’ ચાલો, ત્યાં સુધી આપણે એકબીજાને દિલથી માફ કરતા રહીએ.
[ફુટનોટ]
a એવું લાગે છે કે પાઊલને ઓછું દેખાતું હોવાથી તે પ્રમુખ યાજકને ઓળખી શક્યા ન હતા.
[પાન ૫ પર ચિત્ર]
પાઊલના દાખલામાંથી આપણે શું શીખી શકીએ?
[પાન ૭ પર ચિત્ર]
બધા જ સંપૂર્ણ બનશે ત્યારે, આપણે સર્વ હંમેશાં શાંતિમાં રહીશું