‘જેવો પોતાના પર તેવો પડોશી પર પ્રેમ કર’
“બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.”—માથ. ૨૨:૩૯.
૧, ૨. (ક) ઈસુએ સૌથી મોટી બીજી આજ્ઞા કઈ જણાવી? (ખ) આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
ઈસુની પરીક્ષા કરવા ફરોશીએ એક વાર તેમને પૂછ્યું: “ઉપદેશક, નિયમશાસ્ત્રમાં સૌથી મોટી આજ્ઞા કઈ છે?” આગલા લેખમાં જોઈ ગયા તેમ ઈસુએ જવાબ આપ્યો: “પ્રભુ તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રીતિ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે.” ઈસુએ પછી ઉમેર્યું, “બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવી પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.”—માથ. ૨૨:૩૪-૩૯.
૨ ઈસુએ કહ્યું કે પોતાને કરીએ એવો જ પ્રેમ આપણે પડોશીઓને કરવો જોઈએ. તેથી, આપણે આ સવાલોનો વિચાર કરીએ: આપણો પડોશી કોણ છે? પડોશી પ્રેમ કઈ રીતે બતાવીશું?
આપણો પડોશી કોણ છે?
૩, ૪. (ક) “મારો પડોશી કોણ છે?” એ સવાલના જવાબમાં ઈસુએ કયો દાખલો આપ્યો? (ખ) મરવાની હાલતમાં રસ્તા પર છોડી દેવાયેલી વ્યક્તિને એક સમરૂનીએ કઈ રીતે મદદ કરી? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૩ બાજુના ઘરમાં રહેતી વ્યક્તિને આપણે પડોશી કહીએ છીએ. (નીતિ. ૨૭:૧૦) પરંતુ, એક માણસે ઈસુને સવાલ પૂછ્યો ત્યારે તેમણે શું કહ્યું એનો વિચાર કરીએ. તેણે પૂછ્યું: “મારો પડોશી કોણ છે?” એના જવાબમાં ઈસુએ ભલા સમરૂનીનો દાખલો આપ્યો. (લુક ૧૦:૨૯-૩૭ વાંચો.) એક યહુદી માણસને લૂંટીને મારવામાં આવ્યો પછી તેને મરવાની હાલતમાં રસ્તા પર છોડી દેવામાં આવ્યો હતો. કદાચ આપણને થાય કે એ માણસને રસ્તે જતાં ઈસ્રાએલી યાજક અને લેવીએ જોયો ત્યારે સારા પડોશીની જેમ મદદ કરી હશે. પરંતુ, તેઓ મદદ કર્યા વગર ત્યાંથી ચાલ્યા ગયા. જ્યારે કે, તે માણસને એક સમરૂનીએ મદદ કરી જેઓને યહુદીઓ ધિક્કારતા હતા.—યોહા. ૪:૯.
૪ એ માણસના ઘા જલદી રુઝાય માટે ભલા સમરૂનીએ તેનાં જખમ પર તેલ અને દ્રાક્ષારસ રેડ્યાં. પછી, તે એ માણસને એક ઉતારાની જગ્યા પર લઈ ગયો અને દેખરેખ રાખનારને બે દીનાર આપ્યા. એ રકમ તે સમયમાં એક વ્યક્તિની બે દિવસની આવક હતી. (માથ. ૨૦:૨) આ બધું જોતાં આપણે સહેલાઈથી કહી શકીએ કે ઘાયલ માણસનો ખરો પડોશી કોણ બન્યો. આપણને ઈસુના એ દાખલામાંથી લોકોને દયા અને પ્રેમ બતાવવાનું શીખવા મળે છે.
૫. હાલમાં આવેલી કુદરતી આફત વખતે યહોવાના સાક્ષીઓએ કઈ રીતે પડોશી પ્રેમ બતાવ્યો?
૫ ભલા સમરૂની જેવા દયાળુ લોકો મળવા મુશ્કેલ છે. ખાસ કરીને સંકટના આ “છેલ્લા સમયમાં” જ્યારે મોટા ભાગના લોકોમાં પ્રેમ રહ્યો નથી. તેઓ હિંસક અને ક્રૂર થઈ ગયા છે. (૨ તીમો. ૩:૧-૩) દાખલા તરીકે, ઑક્ટોબર ૨૦૧૨માં ન્યૂ યૉર્ક શહેરમાં સૅન્ડી નામનું વાવાઝોડું આવ્યું ત્યારે, શું બન્યું એનો વિચાર કરો. શહેરમાં જ્યાં સૌથી વધારે નુકસાન થયું હતું ત્યાંના રહેવાસીઓને વીજળી, હીટર અને બીજી જરૂરી વસ્તુઓ મળતી બંધ થઈ ગઈ. એવા સમયે, લૂંટફાટ કરનારા અમુકે આવીને તેઓ પાસે બચેલું પણ લૂંટી લીધું. પરંતુ, એ જ વિસ્તારમાં યહોવાના સાક્ષીઓએ ભેગા થઈને ભાઈ-બહેનોને અને બીજાઓને મદદ કરી. એવી મદદ કરીને સાક્ષીઓ પડોશીઓ માટે પ્રેમ બતાવે છે. એ ઉપરાંત, પડોશીઓને પ્રેમ બતાવવાની બીજી રીતો કઈ છે?
પડોશી પ્રેમ કઈ રીતે બતાવીશું
૬. લોકોને બાઇબલમાંથી કઈ રીતે મદદ આપી શકાય?
૬ લોકોને બાઇબલમાંથી મદદ આપીને. આપણે, પ્રચાર કરતી વખતે “પવિત્ર શાસ્ત્રમાંના દિલાસા” તરફ લોકોનું ધ્યાન દોરીએ છીએ. (રોમ. ૧૫:૪) લોકોને બાઇબલમાંથી ઈશ્વરના રાજ્યનો સંદેશો જણાવીને આપણે પ્રેમ બતાવીએ છીએ. (માથ. ૨૪:૧૪) યહોવાનો સંદેશો “આશા” આપનારો છે, જેને જણાવવો સાચે જ આપણા માટે એક લહાવો છે!—રોમ. ૧૫:૧૩.
૭. સોનેરી નિયમ શું છે અને એને પાળવાથી કઈ રીતે આશીર્વાદ મળે છે?
૭ સોનેરી નિયમ પાળીને. પહાડ પરના ભાષણ વખતે ઈસુએ એ નિયમ આપતા કહ્યું હતું કે, “જે જે તમે ચાહો છો કે બીજા માણસ તમને કરે, તે તે તમે પણ તેઓને કરો; કેમ કે નિયમશાસ્ત્ર તથા પ્રબોધકોની વાતોનો સાર એ જ છે.” (માથ. ૭:૧૨) અહીંયા “નિયમશાસ્ત્ર” એ ઉત્પત્તિથી પુનર્નિયમનાં પુસ્તકોને બતાવે છે. અને “પ્રબોધકો” શબ્દ હિબ્રૂ શાસ્ત્રવચનોનાં પ્રબોધકોનાં પુસ્તકોને રજૂ કરે છે. પોતાના લોકોને પ્રેમ કરતા હોવાથી યહોવાએ તેઓને “નિયમશાસ્ત્ર” અને “પ્રબોધકો” આપ્યાં. એ લખાણો સાફ બતાવે છે કે તે ઇચ્છતા હતા કે તેમના લોકો પણ એકબીજાને પ્રેમ કરે. આજે પણ યહોવા ચાહે છે કે આપણે પડોશીઓને પ્રેમ કરીએ. યહોવાએ યશાયાના પુસ્તકમાં કહ્યું: ‘ન્યાયનું પાલન કરો અને પ્રામાણિકપણે વર્તો, જે માણસ એ પ્રમાણે કરે છે તેને ધન્ય છે.’ (યશા. ૫૬:૧, ૨) જો આપણે પડોશીઓને પ્રેમ કરીશું અને ન્યાયથી વર્તીશું તો ચોક્કસ આશીર્વાદ મળશે.
૮. આપણે વિરોધીઓ પ્રત્યે શા માટે પ્રેમ બતાવવો જોઈએ અને એમ કરવાથી શું થશે?
૮ વિરોધીઓને પ્રેમ કરીને. ઈસુએ કહ્યું: ‘તું તારા પડોશી પર પ્રેમ કર અને વિરોધીને નફરત કર, એમ કહેલું હતું, એ તમે સાંભળ્યું છે. પરંતુ, હું તમને કહું છું કે તમે તમારા વિરોધીઓ પર પ્રેમ કરો અને જેઓ તમને હેરાન કરે છે તેઓને માટે પ્રાર્થના કરો. એ માટે કે તમે આકાશમાંના તમારા પિતાના દીકરા થાઓ.’ (માથ. ૫:૪૩-૪૫) પ્રેરિત પાઊલે પણ એવું જ કંઈક જણાવ્યું: “જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવાડ; જો તરસ્યો હોય તો તેને પાણી પા.” (રોમ. ૧૨:૨૦; નીતિ. ૨૫:૨૧) મુસા દ્વારા અપાયેલા નિયમ પ્રમાણે, વ્યક્તિએ પોતાના દુશ્મનને મદદ કરવાની સાથે સાથે તેના પ્રાણીને પણ મદદ આપવાની હતી. (નિર્ગ. ૨૩:૫) આમ, એ સલાહ પાળવાથી દુશ્મનો પણ કદાચ સારા મિત્રો બને. આપણે વિરોધીઓ પ્રત્યે પ્રેમ બતાવીએ છીએ ત્યારે આપણી પ્રત્યે તેઓનું વલણ બદલાય છે. એમાંના અમુક કદાચ યહોવાના ભક્ત પણ બને.
૯. ભાઈ-બહેનો સાથે શાંતિ જાળવવા વિશે ઈસુએ શું કહ્યું?
૯ ‘બધાની સાથે શાંતિથી વર્તીને.’ (હિબ્રૂ ૧૨:૧૪) એમાં આપણાં ભાઈ-બહેનોનો પણ સમાવેશ થાય છે. ઈસુએ કહ્યું: “એ માટે જો તું તારું અર્પણ વેદી પાસે લાવે, ને ત્યાં તને યાદ આવે કે મારા ભાઈને મારે વિરુદ્ધ કંઈ છે, તો ત્યાં વેદી આગળ તારું અર્પણ મૂકીને જા, પહેલાં તારા ભાઈની સાથે સલાહ કર, ને ત્યાર પછી આવીને તારું અર્પણ ચઢાવ.” (માથ. ૫:૨૩, ૨૪) ભાઈ-બહેનોને પ્રેમ કરીશું અને શાંતિ જાળવવા તરત પગલાં ભરીશું તો યહોવા ઘણા ખુશ થશે.
૧૦. આપણે શા માટે બીજામાં ભૂલો ન શોધવી જોઈએ?
૧૦ ભૂલો શોધનારા ન બનીને. ઈસુએ કહ્યું: ‘તમે કોઈને દોષિત ન ઠરાવો, જેથી તમને કોઈ દોષિત ન ઠરાવે. કેમ કે જેમ તમે બીજાને દોષિત ઠરાવશો તેમ તેઓ તમને પણ દોષિત ઠરાવશે. જે માપથી તમે માપી આપો છો, એનાથી જ તમને માપી અપાશે. અને તું તારી આંખમાંનો ભારોટિયો ધ્યાનમાં ન લાવતાં તારા ભાઈની આંખમાંનું તણખલું શા માટે જુએ છે? અથવા તું તારા ભાઈને કેમ કહે છે કે તારી આંખમાંથી તણખલું મને કાઢવા દે, જ્યારે કે તારી જ આંખમાં તો ભારોટિયો છે? ઓ ઢોંગી, પહેલાં તું પોતાની જ આંખમાંથી ભારોટિયો કાઢ અને ત્યાર પછી તારા ભાઈની આંખમાંથી તણખલું કાઢવાનું તને સારી રીતે સૂઝશે.’ (માથ. ૭:૧-૫) એ જોરદાર સલાહમાંથી શીખવા મળે છે કે આપણે બીજામાં ભૂલો ન શોધીએ. કારણ કે આપણે પોતે ઘણી ભૂલો કરીએ છીએ.
પડોશી પ્રેમ બતાવવાની ખાસ રીત
૧૧, ૧૨. આપણે કઈ અજોડ રીતે પડોશી પ્રેમ બતાવીએ છીએ?
૧૧ આપણે પડોશીઓ પ્રત્યેનો પ્રેમ અજોડ રીતે બતાવવા માંગીએ છીએ. એ માટે આપણે પણ ઈસુની જેમ રાજ્યની ખુશખબર ફેલાવીએ છીએ. (લુક ૮:૧) ઈસુએ પોતાના શિષ્યોને આજ્ઞા આપી કે તેઓ “સર્વ દેશનાઓને શિષ્ય” બનાવે. (માથ. ૨૮:૧૯, ૨૦) એ આજ્ઞા પાળીને આપણે પડોશીને મદદ કરીએ છીએ, જેથી નાશમાં લઈ જતો પહોળો રસ્તો છોડીને જીવન તરફ લઈ જતાં સાંકડા રસ્તા પર તે આવી શકે. (માથ. ૭:૧૩, ૧૪) એમાં કોઈ શંકા નથી કે યહોવા આપણા એ પ્રયત્નોને આશીર્વાદ આપે છે.
૧૨ ઈસુની જેમ આપણે પણ ભક્તિની ભૂખ વિશે લોકોને સજાગ કરીએ છીએ. (માથ. ૫:૩) જો વ્યક્તિ સારો આવકાર આપે તો “ઈશ્વરની સુવાર્તા” જણાવીને તેને એ ભૂખ સંતોષવા મદદ કરીએ છીએ. (રોમ. ૧:૧) રાજ્યની ખુશખબર સ્વીકારનાર લોકો ઈસુ દ્વારા ઈશ્વર સાથે સંબંધ બાંધી શકે છે. (૨ કોરીં. ૫:૧૮, ૧૯) ખુશખબર ફેલાવીને આપણે સાચે જ મહત્ત્વની રીતે પડોશી પ્રેમ બતાવીએ છીએ.
૧૩. ખુશખબર ફેલાવવાના ખાસ કામમાં ભાગ લેવાનું તમને કેવું લાગે છે?
૧૩ આપણે ફરી મુલાકાત અને બાઇબલ અભ્યાસની સારી રીતે તૈયારી કરવી જોઈએ. એમ કરીને આપણે વિદ્યાર્થીને ઈશ્વરના ન્યાયી સિદ્ધાંતો પ્રમાણે ચાલવા મદદ કરીએ છીએ. પરિણામે, વિદ્યાર્થીની જીવનઢબ સુધરે છે. (૧ કોરીં. ૬:૯-૧૧) આપણને એ જોઈને ઘણી ખુશી થાય છે કે યહોવા નમ્ર લોકોને ભક્તિમાં પ્રગતિ કરવા અને તેમના મિત્રો બનવા મદદ કરે છે. (પ્રે.કૃ. ૧૩:૪૮) ઘણા લોકોનું દુઃખ આનંદમાં ફેરવાઈ જાય છે. તેઓ વધુ પડતી ચિંતા કરવાને બદલે યહોવામાં ભરોસો રાખતા શીખે છે. ખુશખબર ફેલાવવાના એ ખાસ કામ દ્વારા આપણને પડોશી પ્રેમ બતાવવાનો લહાવો મળ્યો છે.
પ્રેમ વિશે પ્રેરિત પાઊલનું વર્ણન
૧૪. ૧ કોરીંથી ૧૩:૪-૮માં પ્રેમ વિશે જે કહેવામાં આવ્યું છે, એ પોતાના શબ્દોમાં જણાવો?
૧૪ પાઊલે સમજાવ્યું કે આપણો પ્રેમ કેવો હોવો જોઈએ. તેમણે પ્રેમ વિશે જે લખ્યું એનો ઉપયોગ પડોશી સાથેના વ્યવહારમાં કરવાથી ફાયદા થાય છે. આપણે તકરારોથી બચીએ છીએ અને પરિણામે આનંદિત રહીએ છીએ. ઉપરાંત, યહોવાને પણ ખુશ કરીએ છીએ. પાઊલે પ્રેમ વિશે ૧ કોરીંથી ૧૩:૪-૮માં જે કહ્યું, એના પર વિચાર કરીએ. (વાંચો.) ચાલો, જોઈએ કે તેમના શબ્દોને પડોશી સાથેના આપણા સંબંધમાં કઈ કઈ રીતે લાગુ પાડી શકાય.
૧૫. (ક) આપણે શા માટે સહનશીલ અને દયાળુ હોવા જોઈએ? (ખ) આપણે શા માટે ઈર્ષા અને ઘમંડ ન કરવાં જોઈએ?
૧૫ ‘પ્રેમ સહનશીલ અને દયાળુ છે.’ માણસો પાપી હોવા છતાં યહોવા તેઓ સાથે દયા અને ધીરજથી વર્તે છે. આપણે પણ તેમનું અનુકરણ કરવું જોઈએ. કોઈ ભૂલ કરે કે પછી વિચાર્યા વગર અથવા કઠોર રીતે બોલે તો આપણે દયા અને ધીરજ બતાવવી જોઈએ. ‘પ્રેમ ઈર્ષા કરતો નથી.’ સાચો પ્રેમ કરતા હોઈશું તો આપણે કોઈની વસ્તુની કે મંડળમાં મળતા તેના લહાવાની ઈર્ષા નહિ કરીએ. ઉપરાંત, આપણામાં પ્રેમ હશે તો કોઈ વાતની બડાઈ મારીશું નહિ કે ઘમંડથી ફૂલાઈ જઈશું નહિ. કારણ કે, “અભિમાની આંખ તથા ગર્વિષ્ઠ હૃદય, તે દુષ્ટોને દીવારૂપ છે, પણ તે પાપ છે.”—નીતિ. ૨૧:૪.
૧૬, ૧૭. ૧ કોરીંથી ૧૩:૫,૬ની સુમેળમાં આપણે કઈ રીતે ચાલી શકીએ?
૧૬ પડોશી સાથે સારી રીતે વર્તવા પ્રેમ આપણને મદદ કરે છે. તેઓ સાથેના વર્તનમાં આપણે જૂઠું બોલીશું નહિ, ચોરી કરીશું નહિ કે પછી યહોવાના નિયમો કે સિદ્ધાંતો તૂટે એવું કઈ પણ કરીશું નહિ. પ્રેમ આપણને પોતાના કરતાં પહેલા બીજાઓનો વિચાર કરવા પ્રેરશે.—ફિલિ. ૨:૪.
૧૭ સાચો પ્રેમ જલદી ગુસ્સે થતો નથી અને “ભૂંડાઈને બદલે પાછી ભૂંડાઈ” વાળતો નથી. (૧ થેસ્સા. ૫:૧૫) એટલે કે કોઈ આપણું મન દુખાવે તો આપણે એનો હિસાબ રાખતા નથી. મનમાં કોઈ માટે ખાર રાખીશું તો ઈશ્વર નારાજ થશે. મનમાં ભરેલો એ ગુસ્સો તો જાણે અગ્નિની જેમ ભડકી ઊઠીને પોતાને અને બીજાઓને નુકસાન કરશે. (લેવી. ૧૯:૧૮) એને બદલે આપણે માફ કરીએ અને ભૂલી જઈએ. બાઇબલ જણાવે છે કે ‘શત્રુ પડી જાય ત્યારે પ્રેમ હર્ષ’ કરતો નથી. એનો અર્થ થાય કે આપણને નફરત કરનાર વ્યક્તિ જોડે અન્યાય થાય ત્યારે આપણને ખુશી થતી નથી.—નીતિવચનો ૨૪:૧૭, ૧૮ વાંચો.
૧૮. ૧ કોરીંથી ૧૩:૭, ૮માં આપણને પ્રેમ વિશે શું શીખવા મળે છે?
૧૮ પાઊલે પ્રેમ વિશે લખ્યું: ‘પ્રેમ બધું ખમે છે.’ જો કોઈ વ્યક્તિ આપણને ખોટું લગાડે પણ પછી માફી માંગે તો તેના પ્રત્યે પ્રેમ હોવાથી આપણે તેને માફ કરી શકીશું. પાઊલે એમ પણ લખ્યું કે ‘પ્રેમ બધું માને છે.’ એટલે કે પ્રેમ હોવાથી આપણે બાઇબલમાં ભરોસો રાખીએ છીએ અને સંગઠન દ્વારા યહોવા જે શીખવે છે એનો આભાર માનીએ છીએ. એ જ રીતે, ‘પ્રેમ આશા રાખે છે.’ આપણે આશા રાખીએ છીએ કારણ કે યહોવાના દરેક વચનમાં આપણને ભરોસો છે. લોકો માટે પ્રેમ હોવાને લીધે તેઓને એ આશા વિશે જણાવવા આપણે બનતું બધું કરીએ છીએ. (૧ પીત. ૩:૧૫) અઘરા સંજોગો આવે ત્યારે આપણે પ્રાર્થના કરીએ છીએ અને સારાં પરિણામોની આશા રાખીએ છીએ. પછી, ભલે કોઈ આપણી વિરુદ્ધ પાપ કરે અથવા સતાવણી કરે, આપણે એને સહી શકીએ છીએ. કારણ કે, ‘પ્રેમ બધું સહન કરે છે.’ વધુમાં ‘પ્રેમ કદી ખૂટતો નથી.’ તેથી, યહોવાની આજ્ઞા પાળનારા હંમેશ માટે બીજાઓને પ્રેમ બતાવશે.
પડોશી પ્રત્યે પોતાના જેવો જ પ્રેમ બતાવતા રહીએ
૧૯, ૨૦. પડોશી પ્રત્યે પ્રેમ બતાવતા રહેવા આપણને કઈ કલમ પ્રેરે છે?
૧૯ બાઇબલની સલાહ પાળીને આપણે પડોશીઓ પ્રત્યે પ્રેમ બતાવતા રહી શકીએ છીએ. આપણે એવો પ્રેમ દરેક નાત-જાતના લોકો માટે બતાવીએ. ઈસુના આ શબ્દો આપણે હંમેશાં યાદ રાખીએ છીએ: “પોતા પર તેવી પોતાના પડોશી પર તું પ્રીતિ કર.” (માથ. ૨૨:૩૯) ઈશ્વર યહોવા અને ઈસુ, બંને ચાહે છે કે આપણે લોકોને પ્રેમ કરીએ. જોકે અમુક વાર એવા સંજોગો ઊભા થઈ શકે, જેમાં ખબર ન પડે કે શું કરવું. એવા સમયે માર્ગદર્શન માટે યહોવાને પ્રાર્થના કરીએ. એમ કરવાથી આપણે યહોવાના આશીર્વાદ પામીશું. તેમ જ, બીજાઓને પ્રેમ બતાવતા રહેવા મદદ મળશે.—રોમ. ૮:૨૬, ૨૭.
૨૦ પડોશીઓને પ્રેમ કરવાનો નિયમ એટલો મહત્ત્વનો છે કે એને “રાજમાન્ય નિયમ” કહેવાય છે. (યાકૂ. ૨:૮) નિયમશાસ્ત્રની અમુક આજ્ઞાનો ઉલ્લેખ કર્યા પછી પાઊલે જણાવ્યું: “જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાએલો છે, કે તારે જેવો પોતાના પર પ્રેમ છે તેવો પોતાના પડોશી પર પ્રેમ રાખવો. પ્રેમ પોતાના પડોશીનું કંઈ ભૂંડું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમનું સંપૂર્ણ પાલન છે.” (રોમ. ૧૩:૮-૧૦) જરૂરી છે કે આપણે પડોશી પ્રેમ બતાવતા રહીએ.
૨૧, ૨૨. યહોવા અને પડોશીઓને શા માટે પ્રેમ કરવો જોઈએ?
૨૧ પડોશી પ્રેમ બતાવવા વિશે મનન કરીએ ત્યારે ઈસુએ પોતાના પિતા વિશે જે કહ્યું એના પર પણ વિચાર કરીએ. તેમણે કહ્યું કે યહોવા “પોતાના સૂરજને ભૂંડા તથા ભલા પર ઉગાવે છે, ને ન્યાયી તથા અન્યાયી પર વરસાદ વરસાવે છે.” (માથ. ૫:૪૩-૪૫) આપણા પડોશીઓ ન્યાયી હોય કે અન્યાયી તોપણ તેઓ પ્રત્યે પ્રેમ બતાવવો જોઈએ. અગાઉ જોઈ ગયા તેમ પડોશીઓ પ્રત્યે પ્રેમ બતાવવાની મહત્ત્વની રીત છે કે તેઓને રાજ્યનો સંદેશો જણાવીએ. સંદેશા પર ધ્યાન આપશે તો તેઓ માટે એ કેટલો મોટો આશીર્વાદ બનશે!
૨૨ યહોવાને કોઈ પણ શરત વગર પ્રેમ કરવાનાં આપણી પાસે ઘણાં કારણો છે. તેમ જ, આપણે શીખી ગયા કે પડોશીઓને કઈ રીતે પ્રેમ બતાવી શકાય. ઈસુની સૌથી મોટી બે આજ્ઞાઓ પ્રમાણે કરીને આપણે તેમને માન બતાવીએ છીએ. ઉપરાંત, આપણા પ્રેમાળ પિતાને ખુશ કરીએ છીએ.