યહોવાહનો શબ્દ જીવંત છે
માત્થીના મુખ્ય વિચારો
માત્થી, ઈસુ ખ્રિસ્તના એક જિગરી દોસ્ત હતા. શિષ્ય બનતા પહેલાં તે કર ઉઘરાવવાનું કામ કરતા હતા. પહેલા તો માત્થીએ ઈસુની જીવન કહાણી ને તેમના પ્રચાર કામ વિષે હિબ્રૂ ભાષામાં લખ્યું. પછી ગ્રીકમાં અનુવાદ કર્યો. તેમણે લગભગ ૪૧ની સાલમાં એ પુસ્તક પૂરું કર્યું. માત્થીનું પુસ્તક જાણે હિબ્રૂ શાસ્ત્ર ને ગ્રીક શાસ્ત્રના પુલ સમાન છે.
માત્થીએ ખાસ કરીને યહુદી લોકો માટે આ પુસ્તક લખ્યું હતું. તેમના પુસ્તકમાં ખૂબ લાગણી જોવા મળે છે. એનો મુખ્ય સંદેશો છે કે ઈસુ, મસીહ છે. તે ઈશ્વરના પ્યારા પુત્ર છે. આ પુસ્તક દિલ ખોલીને વાંચવાથી યહોવાહ ને તેમના દીકરા ઈસુ પરની આપણી શ્રદ્ધા વધારે મજબૂત થશે. તેમ જ, આપણને પૂરી ખાતરી થશે કે યહોવાહનાં સર્વ વચનો સાચાં પડે છે.—હેબ્રી ૪:૧૨.
“આકાશનું રાજ્ય પાસે આવ્યું છે”
માત્થીએ તેમના પુસ્તકમાં ખાસ કરીને ઈશ્વરની સરકાર અને ઈસુના શિક્ષણ પર ભાર મૂક્યો છે. તેથી અમુક માહિતી સમયના ક્રમ મુજબ લખેલી નથી. દાખલા તરીકે, ઈસુએ પ્રચાર કામ શરૂ કર્યું એના એકાદ વર્ષ પછી પહાડ પર ભાષણ આપ્યું હતું. પણ માત્થીએ એ વિગતો પુસ્તકની શરૂઆતમાં લખી છે.
ઈસુએ ગાલીલમાં પ્રચાર કર્યો. અનેક ચમત્કારો કર્યા. તેમણે ૧૨ પ્રેરિતોને પ્રચાર કરવા વિષે શિક્ષણ ને માર્ગદર્શન આપ્યું. તેમણે ફરોશીઓને દોષિત ઠરાવ્યા. ઈશ્વરના રાજ્ય વિષે પણ અમુક વાર્તાઓથી શીખવ્યું. પછી તે ગાલીલથી “યરદનને પેલે પાર યહુદાહની સીમોમાં” ગયા. (માત્થી ૧૯:૧) ત્યાં જતી વખતે ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું: ‘જુઓ આપણે યરૂશાલેમ જઈએ છીએ, ને માણસના દીકરા પર મરણદંડ ઠરાવાશે અને ત્રીજે દહાડે પાછો ઉઠાડાશે.’—માત્થી ૨૦:૧૮, ૧૯.
સવાલ-જવાબ:
૩:૧૬—ઈસુ બાપ્તિસ્મા પામ્યા ત્યારે આકાશ કઈ રીતે ‘ઊઘડી ગયું’? પૃથ્વી પર આવ્યા પહેલાં, ઈસુ સ્વર્ગમાં હતા. તે બાપ્તિસ્મા પામ્યા ત્યારે તેમને સ્વર્ગના એ જીવનની યાદો પાછી આવી.
૫:૨૧, ૨૨—કયું વધારે ખરાબ છે: દિલમાં ખાર રાખવો કે ગુસ્સેથી બોલવું? ઈસુએ કહ્યું કે જે કોઈના દિલમાં બીજા માટે નફરત હોય, તે પાપ કરે છે. પણ તે ગુસ્સામાં બૂમો પાડે તો, એ વધારે ગંભીર પાપ કહેવાય. એવી વ્યક્તિને એ વિસ્તારમાં આવેલી નાની કોર્ટમાં નહિ, પણ હાઈકોર્ટમાં હિસાબ આપવો પડશે.
૫:૪૮—‘આકાશમાંનો બાપ સંપૂર્ણ છે તેમ’ શું આપણે સંપૂર્ણ બની શકીએ? અમુક રીતે બની શકાય. ઈસુએ આમ કહ્યું ત્યારે તે પ્રેમ વિષે ચર્ચા કરતા હતા. લોકોને કહેતા હતા કે જેમ યહોવાહ સંપૂર્ણ કે સૌથી સારી રીતે આપણને પ્રેમ બતાવે છે, તેમ આપણે પણ એકબીજાને પ્રેમ બતાવવો જોઈએ. (માત્થી ૫:૪૩-૪૭) કઈ રીતે? આપણા દુશ્મનોને પણ પ્રેમ બતાવીને.
૭:૧૬—સાચા ધર્મની ઓળખ કે ‘ફળ’ શું છે? એ પાળનારા ફક્ત સારા વાણી-વર્તન જ નહિ, પણ દરેક રીતે બાઇબલના શિક્ષણ પ્રમાણે રહેતા હોવા જોઈએ.
૧૦:૩૪-૩૮—બાઇબલના સંદેશાને લીધે કુટુંબમાં ઝઘડા થાય તો કોનો વાંક? એમાં બાઇબલનો નહિ પણ વ્યક્તિઓનો વાંક છે. કેમ? કારણ કે તેઓ બાઇબલ સંદેશાનો વિરોધ કરે છે, કે એ સ્વીકારતા નથી. આમ તેઓના કુટુંબમાં ઝઘડા થાય છે. ભાગલા પડે છે.—લુક ૧૨:૫૧-૫૩.
૧૧:૨-૬—ઈસુના બાપ્તિસ્મા વખતે યોહાને ઈશ્વરની વાણી સાંભળી. તેમને ખબર પડી કે ઈસુ મસીહ છે. તોપણ યોહાને કેમ ફરી ઈસુને પૂછ્યું કે ‘આવનાર તું જ છે?’ યોહાને કદાચ પૂરી ખાતરી કરવા ઈસુને પૂછ્યું હોય શકે. વધુમાં, યોહાનને પાક્કું કરવું હતું કે ઈસુ પછી ‘બીજું’ કોઈ યહોવાહના નામે રાજ કરશે કે નહિ. ઈસુના જવાબથી યોહાનને ખાતરી થઈ કે ઈસુ સિવાય બીજું કોઈ યહોવાહનાં વચનો પૂરાં કરી શકશે નહિ.
૧૯:૨૮—‘ઈસ્રાએલનાં બારે કુળનો ન્યાય’ થશે. એ કોને રજૂ કરે છે? એ બારે કુળ ઈશ્વરના ઈસ્રાએલ એટલે ૧,૪૪,૦૦૦ અભિષિક્તોને રજૂ કરતું નથી. (ગલાતી ૬:૧૬; પ્રકટીકરણ ૭:૪-૮) ઈસુએ કહ્યું કે શિષ્યો ઈશ્વરના ઈસ્રાએલના સભ્યો બનવાના હતા, ન્યાયાધીશ નહિ. ઈસુએ તેઓને ‘રાજ્ય ઠરાવી’ આપ્યું હતું. તેઓ એ ‘રાજ્યના યાજકો’ બનવાના હતા. (લુક ૨૨:૨૮-૩૦; પ્રકટીકરણ ૫:૧૦) તેથી આ અભિષિક્તો એકબીજાનો નહિ પણ “જગતનો ન્યાય” કરશે. (૧ કોરીંથી ૬:૨) અહીં ‘ઈસ્રાએલનાં બારે કુળ’ મૂળ ઈસ્રાએલને નહિ પણ ઇન્સાનોને રજૂ કરે છે. જેમ પ્રાયશ્ચિત્ત દિને ઈસ્રાએલનાં બાર કુળ યાજકથી અલગ હતાં, તેમ અભિષિક્ત જનો ઇન્સાનોથી અલગ છે.—લેવીય ૧૬મો અધ્યાય.
આપણે શું શીખી શકીએ?
૪:૧-૧૦. આ કલમો બતાવે છે કે શેતાન આપણો કટ્ટર દુશ્મન છે. ‘દૈહિક વાસના, આંખોની લાલસા અને જીવનના અહંકાર’ દ્વારા તે આપણને લલચાવે છે. પણ બાઇબલના માર્ગદર્શન પ્રમાણે ચાલીશું તો આપણે યહોવાહને વળગી રહી શકીશું.—૧ યોહાન ૨:૧૬.
૫:૧–૭:૨૯. ઈસુના પહાડ પરના ભાષણમાંથી આપણે ઘણું શીખી શકીએ. જેમ કે ઈશ્વર સાથે પાક્કો નાતો બાંધવો. શાંત સ્વભાવના બનવું. વ્યભિચારના વિચારો પણ ન કરવા. આપેલું વચન પાળવું. પ્રાર્થનામાં પહેલા ઈશ્વરના હેતુને લગતી બાબતો જણાવવી, પછી રોજિંદા જીવનની બાબતો જણાવીએ. ઈશ્વરની નજરમાં અમીર બનીએ. ઈશ્વરના રાજ્યનો પ્રચાર કરીએ. ઈશ્વરની ભક્તિ જીવનમાં પ્રથમ રાખીએ. ઈસુએ આપેલી કુરબાની પર શ્રદ્ધા રાખીએ. એકબીજાનો ન્યાય ન કરીએ. ઈશ્વર કહે એમ જ કરીએ.
૯:૩૭, ૩૮. ‘ફસલને સારૂ મજૂરો મોકલો’ એવી પ્રાર્થનાની સાથે, એ પ્રમાણે કાર્ય પણ કરીએ. જોરશોરથી પ્રચાર કરીએ.—માત્થી ૨૮:૧૯, ૨૦.
૧૦:૩૨, ૩૩. કોઈને પણ આપણી માન્યતા સમજાવતા કદી ડરવું ન જોઈએ.
૧૩:૫૧, ૫૨. સત્ય શીખીએ તેમ, આપણા પર બીજાઓને શીખવવાની જવાબદારી વધે છે.
૧૪:૧૨, ૧૩, ૨૩. બાઇબલ વિષે નિરાંતે મનન કરવાનો સમય જરૂર કાઢવો જોઈએ.—માર્ક ૬:૪૬; લુક ૬:૧૨.
૧૭:૨૦. સત્યના માર્ગમાં આવતી પહાડ જેવી મુસીબતો સહેવી અઘરી લાગી શકે. પણ યહોવાહમાં શ્રદ્ધા રાખીશું તો આપણે એ સહી શકીએ છીએ. એ માટે યહોવાહનાં વચનો પર પૂરો ભરોસો રાખીએ. તેમની સાથે પાક્કો નાતો બાંધીએ.—માર્ક ૧૧:૨૩; લુક ૧૭:૬.
૧૮:૧-૪; ૨૦:૨૦-૨૮. ઈસુના શિષ્યો આપણા જેવા માણસો હતા. તેઓનો ધર્મ નાનપણથી માન-મોભ્ભો પર ભાર મૂકતો હતો. એટલે તેઓને એકબીજાથી ચડિયાતા થવું હતું. પણ આપણે નમ્રતા કેળવવી જોઈએ. મંડળમાં આપણી પાસે કોઈ જવાબદારી હોય તો ઘમંડી ન બનીએ એનું ધ્યાન રાખીએ.
“માણસનો દીકરો” કુરબાની આપશે
નીસાન ૯, ૩૩ની સાલમાં ઈસુ “ગધેડા પર” યરૂશાલેમ આવ્યા. (માત્થી ૨૧:૫) બીજા દિવસે તેમણે મંદિરમાં જઈને બધા વેપારીઓને તેઓના માલ-સામાન સાથે ભગાડી મૂક્યા. નીસાન ૧૧ના તેમણે ફરી મંદિરમાં જઈને લોકોને શીખવ્યું. શાસ્ત્રીઓ અને ફરોશીઓને દોષિત ઠરાવ્યા. પછી તેમણે શિષ્યોને પોતાના ‘આવવાની તથા જગતના અંતની નિશાની’ જણાવી. (માત્થી ૨૪:૩) નીસાન ૧૨ના રોજ તેમણે શિષ્યોને કહ્યું: “તમે જાણો છો કે બે દહાડા પછી પાસ્ખા પર્વ છે; અને માણસનો દીકરો વધસ્તંભે જડાવા સારૂ પરસ્વાધીન કરાય છે.”—માત્થી ૨૬:૧, ૨.
નીસાન ૧૪ના ઈસુએ મેમોરિયલની ઉજવણી શરૂ કરી. પછી યહુદાએ તેમને દગો દીધો. ઈસુ ગિરફતાર કરાયા. તેમને મોતની સજા થઈ. મરણના ત્રીજા દિવસે યહોવાહે ઈસુને સજીવન કર્યા. સ્વર્ગમાં જતા પહેલાં, ઈસુએ શિષ્યોને કહ્યું: “તમે જઈને સર્વ દેશનાઓને શિષ્ય કરો.”—માત્થી ૨૮:૧૯.
સવાલ-જવાબ:
૨૨:૩, ૪, ૯—લગ્ન પ્રસંગનાં ત્રણ આમંત્રણ ક્યારે મોકલાયાં? આ આમંત્રણ અભિષિક્તોને ભેગા કરવા માટે મોકલાયાં હતાં. પ્રથમ આમંત્રણ ૨૯-૩૩ની સાલમાં મોકલાયું. એ વખતે ઈસુ ને તેમના શિષ્યો પ્રચાર કરતા હતા. બીજું આમંત્રણ પેન્તેકોસ્ત ૩૩ના રોજ મોકલાયું. એ સમયે યહોવાહનો આશીર્વાદ મંડળ પર રેડવામાં આવ્યો. એ આમંત્રણ ૩૬ની સાલમાં પૂરું થયું. આ બંને આમંત્રણ ફક્ત યહુદી લોકો અને જેઓ યહુદી બન્યા હતા, તેઓ માટે જ હતું. પણ ત્રીજું આમંત્રણ બિનયહુદી એટલે બીજી પ્રજાના લોકો માટે હતું. એ ૩૬ની સાલમાં મોકલાયું. ત્યારે કરનેલ્યસ નામનો રૂમી ફોજનો અધિકારી ખ્રિસ્તી બન્યો. એ આમંત્રણ આજ સુધી આપવામાં આવે છે.
૨૩:૧૫—ફરોશીઓએ અમુક બિનયહુદી લોકોને પોતાના શિષ્યો બનાવ્યા. એ શિષ્યો ફરોશીઓ ‘કરતાં બમણા નરકના [ગેહેન્નાના] દીકરા’ કેમ ગણાયા? ધર્મ બદલતા પહેલાં, અમુક વ્યક્તિએ કદાચ ખૂબ ગંભીર પાપો કર્યાં હશે. ફરોશીઓએ તેઓને ધર્મ બદલવા મદદ કરી ત્યારે તેઓ પણ અતિ ધર્મચુસ્ત બની ગયા. વધારે પાપી બન્યા. અરે, અમુક તો ફરોશીઓ કરતાં વધારે ચુસ્ત બન્યા. ઈસુએ તેઓને દોષિત ઠરાવ્યા. એ કારણે તેઓ ફરોશીઓ ‘કરતાં બમણા ગેહેન્નાના દીકરા’ બન્યા.
૨૭:૩-૫—યહુદા ઈસકારીઓતને શાનો પસ્તાવો થયો? યહુદાએ દિલથી પસ્તાવો કર્યો હોય એવું શાસ્ત્રમાં ક્યાંય જોવા મળતું નથી. ઈશ્વરની માફી માંગવાને બદલે તેણે દુષ્ટ યાજકો ને વડીલો પાસે ભૂલ કબૂલ કરી. યહુદાએ ‘મરણકારક પાપ’ કર્યું હતું. (૧ યોહાન ૫:૧૬) એટલે તે હેરાન-પરેશાન થઈ ગયો ને પોતાનો દોષ કાઢવા માંડ્યો. આમ પોતે લાચાર હાલતમાં હોવાથી તેને પસ્તાવો થવા લાગ્યો.
આપણે શું શીખી શકીએ?
૨૧:૨૮-૩૧. આપણે યહોવાહની ભક્તિ કરીએ એ તેમની નજરમાં સૌથી મહત્ત્વનું છે. તેથી, શું તમે હોંશથી પ્રચાર કરો છો? શું તમે ધગશથી લોકોને સત્ય શીખવો છો?—માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦.
૨૨:૩૭-૩૯. થોડા શબ્દોમાં આ બે મોટી આજ્ઞાઓ બતાવે છે કે યહોવાહ કેવી ભક્તિ સ્વીકારે છે. (w08 1/15)