પ્રકરણ ૧૧૫
ઈસુનું છેલ્લું પાસ્ખા નજીક આવે છે
માથ્થી ૨૬:૧-૫, ૧૪-૧૯ માર્ક ૧૪:૧, ૨, ૧૦-૧૬ લુક ૨૨:૧-૧૩
ઈસુને દગો દેવા યહુદા ઇસ્કારિયોતને પૈસા આપવામાં આવે છે
બે પ્રેરિતો પાસ્ખાની તૈયારી કરે છે
ઈસુની હાજરી અને દુનિયાના અંતના સમય વિશે ચાર પ્રેરિતોએ પૂછેલા સવાલનો જવાબ આપીને ઈસુએ જૈતૂન પહાડ પર શીખવવાનું પૂરું કર્યું.
નીસાન ૧૧નો દિવસ એકદમ વ્યસ્ત રહ્યો! રાત્રે આરામ કરવા માટે તેઓ બેથનિયા પાછા ફરી રહ્યા હતા. કદાચ એ સમયે ઈસુએ પ્રેરિતોને કહ્યું: “તમે જાણો છો કે આજથી બે દિવસ પછી, પાસ્ખાનો તહેવાર આવશે અને માણસના દીકરાને વધસ્તંભે ચડાવવા માટે સોંપી દેવામાં આવશે.”—માથ્થી ૨૬:૨.
એવું લાગે છે કે એ પછીનો દિવસ, બુધવાર ઈસુએ પોતાના શિષ્યો સાથે પસાર કર્યો. મંગળવારે તેમણે ધર્મગુરુઓને ઠપકો આપ્યો હતો અને તેઓને જાહેરમાં ખુલ્લા પાડ્યા હતા. તેઓ તેમને મારી નાખવા શોધતા હતા. એટલે, નીસાન ૧૨ના રોજ તે જાહેરમાં ગયા નહિ, જેથી બીજા દિવસે સાંજે, નીસાન ૧૪ શરૂ થાય ત્યારે તેમના શિષ્યો સાથે પાસ્ખા ઊજવતા તેમને કંઈ રોકે નહિ.
પણ, પાસ્ખા પહેલાં મુખ્ય યાજકો અને લોકોના વડીલો શાંત બેસી ન રહ્યા. તેઓ પ્રમુખ યાજક કાયાફાસના ઘરના આંગણામાં ભેગા મળ્યા. શા માટે? ઈસુ તેઓનો ઢોંગ ખુલ્લો પાડતા હોવાથી તેઓ નારાજ હતા. હવે, “ઈસુને કપટથી પકડીને તેમને મારી નાખવા,” તેઓએ ભેગા મળીને કાવતરું ઘડ્યું. તેઓ કેવી રીતે અને ક્યારે એ પ્રમાણે કરવાના હતા? તેઓએ કહ્યું: “તહેવારના સમયે નહિ, જેથી લોકોમાં ધાંધલ ઊભી ન થાય.” (માથ્થી ૨૬:૪, ૫) તેઓ ડરતા હતા, કેમ કે ઘણા લોકોને ઈસુ ગમતા હતા.
એ દરમિયાન, ધર્મગુરુઓને મળવા કોઈક આવ્યું. તેઓને આશ્ચર્ય થયું કે, એ તો ઈસુનો પ્રેરિત, યહુદા ઇસ્કારિયોત હતો. શેતાને તેના દિલમાં તેના ગુરુને દગો દેવાનો વિચાર મૂક્યો હતો! યહુદાએ તેઓને પૂછ્યું: “તેમને દગો દઈને તમને સોંપી દઉં તો તમે મને શું આપશો?” (માથ્થી ૨૬:૧૫) આ સાંભળીને ખુશ થતા તેઓએ “તેને ચાંદીના સિક્કા આપવાનું નક્કી કર્યું.” (લુક ૨૨:૫) કેટલા? તેઓ ચાંદીના ૩૦ સિક્કા આપવા રાજી હતા. એ નોંધવા જેવું છે કે એક ગુલામની કિંમત પણ ૩૦ શેકેલ હતી. (નિર્ગમન ૨૧:૩૨) એનાથી ઈસુ માટે ધર્મગુરુઓના દિલમાં રહેલો તિરસ્કાર દેખાઈ આવ્યો, તેઓને મન ઈસુ સાવ નજીવી કિંમતના હતા. યહુદા “ટોળું આસપાસ ન હોય ત્યારે, તેમને દગાથી તેઓને સોંપી દેવાની સારી તક શોધવા લાગ્યો.”—લુક ૨૨:૬.
બુધવારે સૂર્ય આથમ્યો ત્યારે નીસાન ૧૩ની શરૂઆત થઈ. ઈસુએ બેથનિયામાં એ છઠ્ઠી અને છેલ્લી રાત વિતાવી. બીજા દિવસે, પાસ્ખાના તહેવારની છેલ્લી તૈયારીઓ કરવાની હતી. એ માટે ઘેટાની જરૂર હતી, જેથી નીસાન ૧૪ શરૂ થાય પછી ઘેટાને મારીને તેને આખું ભૂંજી શકાય. તેઓ પાસ્ખાનું ભોજન ક્યાં લેવાના હતા? એ કોણ તૈયાર કરવાનું હતું? ઈસુએ એને લગતી કોઈ માહિતી આપી ન હતી. એટલે, મુખ્ય યાજકોને યહુદા એ વિશે કંઈ જણાવી ન શક્યો.
કદાચ, ગુરુવાર બપોરે ઈસુએ પીતર અને યોહાનને બેથનિયાથી આમ કહીને મોકલ્યા: “જાઓ અને આપણા માટે પાસ્ખાનું ભોજન લેવાની તૈયારી કરો.” તેઓએ પૂછ્યું: “તમે શું ચાહો છો, અમે ક્યાં એની તૈયારી કરીએ?” ઈસુએ સમજાવ્યું: “તમે શહેરમાં જશો ત્યારે, પાણીનું માટલું લઈને જતો એક માણસ તમને મળશે. તે જે ઘરમાં જાય એમાં તેની પાછળ પાછળ જજો. અને એ ઘરના માલિકને કહેજો, ‘તને ઉપદેશક કહે છે: “મહેમાનનો ઓરડો ક્યાં છે, જ્યાં હું મારા શિષ્યો સાથે પાસ્ખાનું ભોજન લઈ શકું?”’ એ માણસ તમને ઉપરના માળે સરસામાન સાથેનો એક મોટો ઓરડો બતાવશે. ત્યાં એની તૈયારી કરો.”—લુક ૨૨:૮-૧૨.
ઘરમાલિક ચોક્કસ ઈસુનો શિષ્ય હશે. તેને કદાચ એવી આશા હતી કે, ઈસુ આ પ્રસંગ માટે તેનું ઘર વાપરવા પૂછશે. બે પ્રેરિતો યરૂશાલેમ ગયા ત્યારે, ઈસુએ કહ્યું હતું એવું જ તેઓને જોવા મળ્યું. તેઓએ જોયું કે ઘેટું તૈયાર હતું અને ઈસુ તથા તેમના બાર પ્રેરિતો માટે પાસ્ખાના ભોજનની બીજી ગોઠવણો પણ કરેલી હતી.