પ્રકરણ ઓગણીસ
તેમણે રક્ષણ કર્યું, ભરણપોષણ કર્યું, જવાબદારી નિભાવી
૧, ૨. (ક) યુસફ અને તેના કુટુંબે કેવા ફેરફારો કરવા પડ્યા? (ખ) યુસફે મરિયમને કયા ખરાબ સમાચાર આપવાના હતા?
યુસફ બીજો બધો સામાન ગધેડાની પીઠ પર લાદે છે. કલ્પના કરો કે બેથલેહેમ ગામ પર અંધકાર છવાયેલો છે; ભારે વજન ઉઠાવતા જાનવરની પીઠ થપથપાવતા તે આસપાસ નજર કરે છે. તે પોતાની આગળ રહેલી ઇજિપ્તની લાંબી મુસાફરીનો વિચાર કરે છે. નવા લોકો, નવી ભાષા અને નવા રીતરિવાજો! પોતાનું નાનકડું કુટુંબ કેવી રીતે આટલા બધા ફેરફારો કરી શકશે?
૨ એ ખરાબ સમાચાર વિશે તેમની વહાલી પત્ની મરિયમને જણાવવું, યુસફ માટે સહેલું નથી; પણ, તે હિંમતથી મરિયમને સ્વપ્ન વિશે જણાવે છે. એ સ્વપ્નમાં દૂતે તેમને યહોવાનો આ સંદેશો આપ્યો હતો: હેરોદ રાજા તેઓના નાના બાળકને મારી નાખવા માંગે છે! તેઓએ તરત જ ત્યાંથી નીકળી જવું પડશે. (માથ્થી ૨:૧૩, ૧૪ વાંચો.) મરિયમને ખૂબ ચિંતા થાય છે. તેના નિર્દોષ બાળકે કોઈનું શું બગાડ્યું છે કે તેને મારી નાખવા માંગે છે? મરિયમ કે યુસફને એ સમજાતું નથી. પણ, યહોવા પર શ્રદ્ધા રાખીને તેઓ ઇજિપ્ત જવા તૈયાર થાય છે.
૩. યુસફ અને તેમના કુટુંબે બેથલેહેમ છોડ્યું, એનું વર્ણન કરો. (ચિત્ર પણ જુઓ.)
૩ હેરોદની યોજનાથી બેખબર લોકો રાતે નિરાંતે ઊંઘી રહ્યા છે. એ સમયે યુસફ, મરિયમ અને ઈસુ બેથલેહેમથી નીકળીને અંધકારમાં ઓઝલ થઈ જાય છે. તેઓ દક્ષિણ તરફ આગળ વધે છે તેમ, પૂર્વમાં ધીમે ધીમે અજવાળું થઈ રહ્યું છે. કદાચ યુસફ વિચારે છે કે આગળ શું બનશે. એક સામાન્ય સુથાર કેવી રીતે શક્તિશાળી વ્યક્તિઓ સામે પોતાના કુટુંબનું રક્ષણ કરી શકે? શું તે હંમેશાં પોતાના કુટુંબનું ભરણપોષણ કરી શકશે? યહોવાએ આ અજોડ બાળકને ઉછેરવાની અને સંભાળવાની ભારે જવાબદારી યુસફને સોંપી છે. શું તે એને નિભાવી શકશે? યુસફ સામે મોટા પડકારો રહેલા છે. ચાલો હવે આપણે ચર્ચા કરીએ કે તેમણે કઈ રીતે દરેક પડકારનો સામનો કર્યો. આપણને શીખવા મળશે કે આજે પિતાઓએ અને આપણે બધાએ કેમ યુસફની શ્રદ્ધાને પગલે ચાલવું જોઈએ.
યુસફે પોતાના કુટુંબનું રક્ષણ કર્યું
૪, ૫. (ક) યુસફનું જીવન કઈ રીતે હંમેશ માટે બદલાઈ ગયું? (ખ) ભારે જવાબદારી લેવા સ્વર્ગદૂતે કેવી રીતે યુસફને ઉત્તેજન આપ્યું?
૪ મહિનાઓ પહેલાં, યુસફની સગાઈ તેમના વતન નાઝરેથમાં હેલીની દીકરી સાથે થઈ હતી. સગાઈ પછી, યુસફનું જીવન હંમેશ માટે બદલાઈ ગયું. તે જાણતા હતા કે મરિયમ ઈશ્વરમાં શ્રદ્ધા રાખનારી નિર્દોષ સ્ત્રી છે. પણ, પછી તેમને ખબર પડી કે તે મા બનવાની છે! મરિયમનું નામ બદનામ ન થાય એ માટે યુસફે તેને ખાનગીમાં છૂટાછેડા આપવાનું વિચાર્યું.a જોકે, સ્વર્ગદૂતે તેમની સાથે સપનામાં વાત કરી અને સમજાવ્યું કે યહોવાની પવિત્ર શક્તિથી મરિયમને ગર્ભ રહ્યો છે. દૂતે એ પણ જણાવ્યું કે તેને જે બાળક થશે, એ “પોતાના લોકોને તેઓનાં પાપથી છોડાવશે.” તેમણે યુસફને ખાતરી આપતા કહ્યું: “તારી પત્ની મરિયમને ઘરે લાવતા ગભરાઈશ નહિ.”—માથ. ૧:૧૮-૨૧.
૫ યુસફ તો ઈશ્વરનો ડર રાખનાર અને આજ્ઞાધીન માણસ હતા. તેમણે દૂતના કહેવા પ્રમાણે કર્યું. તેમણે આ સૌથી ભારે જવાબદારી સ્વીકારી: એવા દીકરાને મોટો કરવો અને સંભાળ રાખવી, જે પોતાનો નથી, પણ યહોવા માટે સૌથી અનમોલ છે. પછીથી, સમ્રાટનો હુકમ પાળવા, યુસફ અને તેની સગર્ભા પત્ની નોંધણી કરાવવા બેથલેહેમ ગયાં. ત્યાં બાળકનો જન્મ થયો.
૬-૮. (ક) કયા બનાવોને લીધે યુસફ અને તેમના નાનકડા કુટુંબના જીવનમાં ફરીથી વળાંક આવ્યો? (ખ) શાના પરથી કહી શકાય કે શેતાને “તારો” મોકલ્યો હતો? (ફૂટનોટ પણ જુઓ.)
૬ યુસફ પોતાના કુટુંબને પાછું નાઝરેથ લઈ ગયા નહિ. પણ, તેઓ બેથલેહેમમાં જ રહ્યા, જે યરૂશાલેમથી દસેક કિલોમીટર દૂર આવેલું હતું. તેઓ ગરીબ હતા. તોપણ, યુસફે મરિયમ અને ઈસુની સંભાળ રાખવા તેમજ રક્ષણ આપવા બનતું બધું કર્યું. થોડા જ સમયમાં તેઓને રહેવા માટે એક નાનું ઘર મળી ગયું. પણ, ફરીથી તેઓના જીવનમાં અચાનક વળાંક આવ્યો. એ વખતે ઈસુ કદાચ એકાદ વર્ષના હતા.
૭ પૂર્વ તરફથી અમુક જ્યોતિષીઓ આવ્યા. તેઓ કદાચ દૂર બાબેલોનથી આવ્યા હતા. તેઓએ એક “તારો” જોયો, જેની પાછળ પાછળ તેઓ યુસફ અને મરિયમના ઘરે આવ્યા. તેઓ એ બાળકને શોધતા હતા, જે યહુદીઓના રાજા બનવાના હતા. આ માણસોએ ખૂબ આદરભાવ બતાવ્યો.
૮ ભલે જ્યોતિષીઓને ખબર હોય કે ન હોય, પણ તેઓએ નાનકડા ઈસુને મુસીબતમાં મૂકી દીધા હતા. જે “તારો” દેખાયો હતો, એ તેઓને બેથલેહેમ નહિ, પણ પહેલા યરૂશાલેમ દોરી ગયો.b ત્યાં તેઓએ દુષ્ટ હેરોદને જણાવ્યું કે તેઓ એ બાળકને શોધતા હતા, જે મોટું થઈને યહુદીઓનો રાજા બનશે. એ સાંભળીને હેરોદ ઈર્ષાથી સળગી ઊઠ્યો.
૯-૧૧. (ક) કઈ રીતે હેરોદ અથવા શેતાન કરતાં પણ વધારે શક્તિશાળી કોઈક હતું? (ખ) ઇજિપ્તની મુસાફરી કઈ રીતે દંતકથાઓમાં વર્ણવેલી મુસાફરીથી એકદમ અલગ હતી?
૯ ખુશીની વાત છે કે હેરોદ અથવા શેતાન કરતાં પણ વધારે શક્તિશાળી કોઈક હતું. કઈ રીતે? જ્યોતિષીઓ ઈસુના ઘરે પહોંચ્યા અને તેમને મરિયમ સાથે જોયા; તેઓએ ઈસુને ભેટો આપી, પણ બદલામાં કંઈ ન માંગ્યું. યુસફ અને મરિયમને અચાનક “સોનું, લોબાન અને સુગંધી પદાર્થ” જેવી કીમતી ભેટો મેળવીને કેટલી નવાઈ લાગી હશે! જ્યોતિષીઓએ વિચાર્યું હતું કે તેઓ હેરોદ પાસે પાછા જશે અને બાળક ક્યાં છે એ જણાવશે. પણ, યહોવાએ એમ થવા ન દીધું. તેમણે સપનામાં જ્યોતિષીઓને બીજા માર્ગે ઘરે જવાની સૂચના આપી.—માથ્થી ૨:૧-૧૨ વાંચો.
૧૦ જ્યોતિષીઓ ગયા એના થોડા સમય પછી, યહોવાના દૂતે યુસફને એક ચેતવણી આપી: “ઊઠ, બાળક અને એની માને લઈને ઇજિપ્ત નાસી જા; જ્યાં સુધી હું કહું નહિ ત્યાં સુધી ત્યાં જ રહેજે, કેમ કે હેરોદ બાળકને મારી નાખવા શોધ કરવાનો છે.” (માથ. ૨:૧૩) આ પ્રકરણની શરૂઆતમાં જોયું તેમ, યુસફે તરત જ એ આજ્ઞા માની. યુસફે પોતાના બાળકની સલામતીનું બીજા બધા કરતાં વધારે ધ્યાન રાખ્યું અને કુટુંબને ઇજિપ્ત લઈ ગયા. મૂર્તિપૂજક જ્યોતિષીઓએ ઘણી કીમતી ભેટો આપી હોવાથી, યુસફ પાસે હવે એટલી મૂડી હતી, જેનાથી તે કુટુંબ સાથે ઇજિપ્તમાં રહી શકે.
૧૧ દંતકથાઓ અને વાર્તાઓમાં આ મુસાફરી રોમાંચક બનાવોથી ભરી દેવામાં આવી છે. એ બતાવે છે કે ઈસુએ ચમત્કારથી મુસાફરી ટૂંકાવી નાખી; ધાડપાડુઓએ પણ કંઈ નુકસાન કર્યું નહિ; અરે, ખજૂરીઓ પણ નમી ગઈ, જેથી ઈસુની મા મરિયમ ખજૂર તોડીને ખાઈ શકે.c હકીકતમાં, અજાણી જગ્યાએ લઈ જતી એ મુસાફરી બહુ લાંબી અને થકવી નાખનારી હતી.
યુસફે કુટુંબ માટે પોતાનાં સુખચેન જતાં કર્યાં
૧૨. જોખમથી ભરપૂર દુનિયામાં બાળકોને ઉછેરતાં માબાપ યુસફ પાસેથી શું શીખી શકે છે?
૧૨ યુસફ પાસેથી માતા-પિતા ઘણું શીખી શકે. યુસફે કુટુંબને જોખમથી બચાવવા પોતાનું કામ ખુશીથી પડતું મૂક્યું અને સુખચેન જતાં કર્યાં. તેમના માટે કુટુંબ યહોવા તરફથી એક અનમોલ ભેટ હતું. આજે જોખમથી ભરપૂર દુનિયામાં માબાપ પોતાનાં બાળકોને ઉછેરી રહ્યાં છે. આ દુનિયાની અસર તેઓને મુસીબતમાં મૂકી શકે, તેઓને બગાડી શકે, અરે, તેઓનું જીવન પણ બરબાદ કરી શકે. યુસફની જેમ માતા-પિતા સારા નિર્ણયો લઈને બાળકોનું રક્ષણ કરવા પુષ્કળ મહેનત કરે છે. તેઓ કેટલાં પ્રશંસાપાત્ર છે!
યુસફે કુટુંબનું ભરણપોષણ કર્યું
૧૩, ૧૪. યુસફ અને મરિયમે પોતાના કુટુંબ સાથે નાઝરેથમાં કેમ રહેવું પડ્યું?
૧૩ એવું લાગે છે કે યુસફનું કુટુંબ લાંબો સમય ઇજિપ્તમાં રહ્યું નહિ, કારણ કે દૂતે જલદી જ યુસફને જણાવ્યું કે હેરોદ મરણ પામ્યો છે. યુસફ પોતાના કુટુંબને ફરીથી વતન લઈ આવ્યા. અગાઉ એક ભવિષ્યવાણી થઈ હતી કે યહોવા પોતાના દીકરાને “ઇજિપ્તમાંથી” બોલાવશે. (માથ. ૨:૧૫) એ ભવિષ્યવાણી પૂરી થાય માટે યુસફે મદદ કરી. પણ, હવે તે પોતાના કુટુંબને ક્યાં લઈ જશે?
૧૪ યુસફ સાવધ હતા. તેમને હેરોદ પછી રાજગાદી પર આવનાર આર્ખિલાઉસનો ડર હતો, જે હેરોદ જેવો જ દુષ્ટ અને ખૂની હતો. ઈશ્વરની દોરવણીથી યુસફ કુટુંબને ઉત્તર તરફ પોતાના વતન નાઝરેથ લઈ ગયા, જે ગાલીલમાં હતું. એ યરૂશાલેમ અને એનાં કાવતરાંની અસરથી દૂર હતું. ત્યાં યુસફ અને મરિયમે પોતાનાં બાળકો મોટાં કર્યાં.—માથ્થી ૨:૧૯-૨૩ વાંચો.
૧૫, ૧૬. યુસફે કેવું કામ કરવું પડતું અને તેમણે કયાં સાધનો વાપર્યાં હશે?
૧૫ તેઓ સાદું જીવન જીવતા, પણ એ સહેલું ન હતું. બાઇબલ યુસફને સુથાર કહે છે. સુથારે લાકડું મેળવવા ઝાડ કાપવું પડતું, લાકડાં કાપીને ખેંચી લાવવાં પડતાં અને એને સૂકવવાં પડતાં. એનો ઉપયોગ મકાન, વહાણ, નાના પુલ, ગાડાં, પૈડાં, ઝૂંસરીઓ અને બધાં પ્રકારનાં ખેતીવાડીનાં સાધનો બનાવવામાં થતો. (માથ. ૧૩:૫૫) એ ઘણી મહેનત માંગી લેતું કામ હતું. બાઇબલ સમયમાં સુથારો પોતાના નાનકડા ઘરના આંગણામાં અથવા ઘરની બાજુમાં આવેલી દુકાનમાં કામ કરતા.
૧૬ યુસફે અનેક પ્રકારનાં સાધનો વાપર્યાં, જેમાંનાં અમુક તેમના પિતા પાસેથી મળ્યાં હોય શકે. તેમણે કદાચ આવાં સાધનોનો ઉપયોગ કર્યો હતો: કાટખૂણિયું, ઓળંબો, ચૉક, નાની કુહાડી, કરવત, વાંસલો, હથોડો, હથોડી, છીણી, શારડી, અનેક પ્રકારના ગુંદર અને કદાચ થોડી ખીલીઓ, જે મોંઘી હતી.
૧૭, ૧૮. (ક) ઈસુ પોતાના પિતા યુસફ પાસેથી શું શીખ્યા? (ખ) શા માટે યુસફે વધારે ને વધારે કામ કરવું પડતું હતું?
૧૭ કલ્પના કરો કે નાના છોકરા તરીકે ઈસુ પોતાના પાલક પિતાને કામ કરતા જુએ છે. તે એકીટસે યુસફની દરેક હિલચાલ ખૂબ ધ્યાનથી જુએ છે. યુસફના મજબૂત ખભા અને જોરાવર હાથમાં રહેલી તાકાત, તેમની આવડત અને આંખોમાં દેખાતી ચતુરાઈથી ઈસુ પ્રભાવિત થયા હશે. યુસફે પોતાના દીકરાને નાનાં નાનાં કામ કરતા શીખવ્યું હશે. જેમ કે, માછલીનાં સૂકાવેલાં ભીંગડાંથી લાકડાની ખરબચડી સપાટીને લીસી બનાવવી. યુસફ જે અલગ અલગ ઝાડનાં લાકડાં વાપરતા હતા, એ પારખવાનું પણ તેમણે ઈસુને શીખવ્યું હશે. જેમ કે અંજીર, ઓક અથવા જૈતૂન.
૧૮ ઈસુ શીખ્યા કે જે જોરાવર હાથ વૃક્ષો કાપતા, મોભ બનાવતા અને એને જોડતા હતા, એ જ હાથ કોમળતાથી તેમને, તેમની માતા તેમજ ભાઈ-બહેનોને વહાલ અને હૂંફ પણ આપતા. હા, યુસફ અને મરિયમનું કુટુંબ મોટું થઈ રહ્યું હતું, જેમાં ઈસુ સિવાય ઓછાંમાં ઓછાં છ બાળકો હતાં. (માથ. ૧૩:૫૫, ૫૬) યુસફે એ બધાની સંભાળ રાખવા અને ભરણપોષણ કરવા વધારે ને વધારે કામ કરવું પડતું હતું.
યુસફને ખબર હતી કે ઈશ્વરની ભક્તિ અને તેમની સાથેનો સંબંધ કુટુંબ માટે સૌથી મહત્ત્વનાં છે
૧૯. ઈશ્વર સાથે કુટુંબનો સંબંધ ગાઢ બનાવવા યુસફ શું કરતા?
૧૯ જોકે, યુસફને ખબર હતી કે ઈશ્વરની ભક્તિ અને તેમની સાથેનો સંબંધ કુટુંબ માટે સૌથી મહત્ત્વનાં છે. તેથી, તે પોતાનાં બાળકોને યહોવા ઈશ્વર અને તેમના નિયમો શીખવવા માટે સમય કાઢતા. યુસફ અને મરિયમ બાળકોને સભાસ્થાનમાં નિયમિત લઈ જતાં, જ્યાં નિયમશાસ્ત્ર મોટેથી વાંચવામાં અને સમજાવવામાં આવતું. પછીથી ઈસુના મનમાં અનેક સવાલો ઊઠતા હશે. યુસફ પોતાના દીકરાની એ તરસ છિપાવવા બનતા બધા જ પ્રયત્નો કરતા હશે. તે પોતાના કુટુંબને વાર્ષિક તહેવારોમાં યરૂશાલેમ પણ લઈ જતા. પાસ્ખાના વાર્ષિક તહેવાર માટે, તેઓએ ૧૨૦ કિલોમીટર મુસાફરી કરવી પડતી. તેઓને મુસાફરી કરવા, તહેવાર ઊજવવા અને પાછા ઘરે ફરવા આશરે બે અઠવાડિયાં થતાં.
૨૦. કુટુંબના શિર કઈ રીતે યુસફને પગલે ચાલી શકે?
૨૦ યહોવાના ભક્તોમાં કુટુંબના શિર આજે એ જ માર્ગ અપનાવે છે. બાળકો માટે તેઓ બધું જતું કરે છે. તેઓ સુખ-સગવડ અને બીજી બધી બાબતોને નહિ, પણ બાળકોને ઈશ્વરનું શિક્ષણ આપવાને સૌથી પહેલા સ્થાને રાખે છે. તેઓ કુટુંબ તરીકે ભક્તિ કરવા ઘણા પ્રયત્નો કરે છે; બાળકોને મંડળની સભાઓ અને સંમેલનોમાં લઈ જવા પણ તેઓ ખૂબ મહેનત કરે છે. યુસફની જેમ, તેઓ જાણે છે કે પોતાનાં બાળકોને યહોવા વિશે શીખવવાથી જે લાભ થશે, એવો બીજા કશાથી નહિ થાય.
“હેરાન-પરેશાન”
૨૧. યુસફના કુટુંબ માટે પાસ્ખાનો સમય કેવો હતો? યુસફ અને મરિયમને ક્યારે જાણ થઈ કે ઈસુ ખોવાઈ ગયા છે?
૨૧ ઈસુ ૧૨ વર્ષના હતા ત્યારે, યુસફ દર વર્ષની જેમ કુટુંબને યરૂશાલેમ લઈ ગયા. એ પાસ્ખાની ઉજવણીનો સમય હતો. મોટાં કુટુંબોનો કાફલો લીલાછમ વિસ્તારમાં થઈને મુસાફરી કાપતો હતો. તેઓ ઊંચાણવાળા વિસ્તારમાં આવેલા યરૂશાલેમની નજીક પહોંચ્યા તેમ, લીલોતરી ઓછી થતી ગઈ. ઘણા લોકો જાણીતાં ચઢવાનાં ગીતો ગાવાં લાગ્યાં. (ગીત. ૧૨૦-૧૩૪) હજારો ને હજારો લોકોથી શહેર ઊભરાઈ ગયું હશે. ઉજવણી પછી, કુટુંબો તેઓના કાફલા સાથે ઘરે પાછાં ફરવાં લાગ્યાં. યુસફ અને મરિયમે ઘણું કરવાનું હોવાથી, તેઓએ ધાર્યું કે ઈસુ બીજાઓ સાથે, કદાચ કુટુંબના સભ્યો સાથે મુસાફરી કરતા હશે. યરૂશાલેમ છોડ્યાને એક દિવસ થઈ ગયા પછી, તેઓને આ હકીકત જાણવા મળી, જેનાથી તેઓ ખળભળી ઊઠ્યા: ઈસુ ખોવાઈ ગયા છે!—લુક ૨:૪૧-૪૪.
૨૨, ૨૩. યુસફ અને મરિયમે પોતાના દીકરાને શોધવા શું કર્યું અને આખરે તે મળ્યા ત્યારે મરિયમે શું કહ્યું?
૨૨ યુસફ અને મરિયમ બેબાકળા બનીને ઈસુને શોધતાં શોધતાં પાછા યરૂશાલેમ ગયા. કલ્પના કરો કે હવે શહેર તેઓને કેટલું સૂમસામ લાગતું હશે. તેઓ પોતાના દીકરાને શોધવા શહેરની ગલીએ ગલીએ જોરજોરથી તેમના નામની બૂમો પાડવા લાગ્યા. તે ક્યાં હશે? ત્રીજા દિવસ સુધીમાં, શું યુસફને એવું લાગવા માંડ્યું હશે કે યહોવાએ મૂકેલો ભરોસો પોતે તોડ્યો છે? આખરે, તેઓ મંદિરમાં ગયા. તેઓ ઈસુને શોધતાં શોધતાં એક મોટા ઓરડામાં આવી પહોંચ્યા, જ્યાં ઘણા ધર્મગુરુઓ ભેગા થયા હતા; તેઓ નિયમશાસ્ત્રના પંડિતો હતા અને ઈસુ તેઓની સાથે બેઠા હતા. ઈસુને જોઈને યુસફ અને મરિયમને કેટલી નિરાંત થઈ હશે!—લુક ૨:૪૫, ૪૬.
૨૩ ઈસુ ધર્મગુરુઓનું ધ્યાનથી સાંભળતા હતા અને ઉત્સાહથી સવાલો પૂછતા હતા. આ નાનકડા છોકરાની સમજણથી અને જવાબોથી તેઓ દંગ રહી ગયા હતા. જોકે, મરિયમ અને યુસફ હજુ આઘાતમાં ડૂબેલા હતા. યુસફે કંઈ કહ્યું હોય, એવું બાઇબલમાં જોવા મળતું નથી. પણ, મરિયમના શબ્દો તેઓ બંનેના દિલનો ઊભરો ઠાલવે છે: “દીકરા, તેં અમારી સાથે આવું કેમ કર્યું? તારા પિતા અને હું ઘણા હેરાન-પરેશાન થઈને તને શોધતા હતા.”—લુક ૨:૪૭, ૪૮.
૨૪. માતા-પિતાની જવાબદારી વિશે બાઇબલ કઈ હકીકત વર્ણવે છે?
૨૪ આમ, બાઇબલ થોડામાં ઘણું કહીને, માતા-પિતાની જવાબદારી વિશે હકીકતનું વર્ણન કરે છે. ભલેને બાળક સંપૂર્ણ હોય, તોપણ માતા-પિતાને ચિંતા થઈ શકે છે! ખતરાથી ભરપૂર આ દુનિયામાં બાળકો મોટાં કરવાં કંઈ સહેલું નથી. બાઇબલ સ્વીકારે છે કે એમાં ઘણા પડકારો આવે છે, જેની ચિંતાઓ “હેરાન-પરેશાન” કરી શકે. એ જાણીને માતા-પિતા આશ્વાસન મેળવી શકે છે.
૨૫, ૨૬. ઈસુએ માતા-પિતાને કઈ રીતે જવાબ આપ્યો? યુસફને પોતાના દીકરાના શબ્દોથી કેવું લાગ્યું હશે?
૨૫ ઈસુ દુનિયાની એવી જગ્યાએ હતા, જ્યાં તેમને લાગ્યું કે પોતે સ્વર્ગના પિતા, યહોવાની સૌથી નજીક છે; ત્યાં યહોવા વિશે જેટલું શીખી શકાય એટલું શીખવા તે આતુર હતા. તેમણે ખૂબ નમ્રતાથી અને માનથી માતા-પિતાને જવાબ આપ્યો: “તમે મને શા માટે શોધતા હતા? શું તમે જાણતા ન હતા કે હું મારા પિતાના ઘરમાં જ હોઈશ?”—લુક ૨:૪૯.
૨૬ યુસફે એ શબ્દો પર ઘણી વાર વિચાર કર્યો હશે. એ શબ્દો યાદ કરીને કદાચ તેમની છાતી ગર્વથી ફૂલી જતી હશે. કેમ નહિ, પોતાનો દીકરો યહોવાને પિતા તરીકે સ્વીકારે, એ શીખવવા તેમણે પૂરા દિલથી મહેનત કરી હતી. યુસફ અને ઈસુ વચ્ચે ગાઢ સંબંધ હોવાથી, ઈસુ જાણતા હતા કે પ્રેમાળ પિતા કેવા હોય છે.
૨૭. પિતા તરીકે તમને કેવો લહાવો છે? યુસફનો દાખલો તમારે કેમ યાદ રાખવો જોઈએ?
૨૭ પિતાઓ, શું તમે જાણો છો કે તમારી પાસે એક સરસ લહાવો છે? તમે તમારાં બાળકોને પ્રેમ બતાવીને અને રક્ષણ આપીને એ જોવા મદદ કરી શકો કે યહોવા આપણા પિતા છે; તે આપણને પ્રેમ કરે છે અને રક્ષણ આપે છે. એવી જ રીતે, જો તમારી પાસે દત્તક અથવા સાવકાં બાળકો હોય, તો યુસફનો દાખલો યાદ રાખો. દરેક બાળકને અજોડ અને કીમતી ગણો. બાળકોને પિતા યહોવાની નજીક જવા મદદ કરો.—એફેસીઓ ૬:૪ વાંચો.
યુસફે પોતાની જવાબદારી નિભાવી
૨૮, ૨૯. (ક) લુક ૨:૫૧, ૫૨ યુસફ વિશે શું જણાવે છે? (ખ) યુસફે પોતાના દીકરાની સમજણ વધારવા કઈ રીતે મદદ કરી?
૨૮ એ પછી, યુસફના જીવન વિશે બાઇબલ બહુ થોડું જણાવે છે. પણ, એના પર ધ્યાન આપવાથી ઘણો ફાયદો થશે. આપણે વાંચીએ છીએ કે ઈસુ પોતાનાં માતા-પિતાને ‘આધીન રહ્યા.’ એ પણ વાંચીએ છીએ કે, “ઈસુની સમજણ વધતી ગઈ, તે મોટા થવા લાગ્યા અને તેમના પર ઈશ્વર તથા માણસોની કૃપા વધતી ગઈ.” (લુક ૨:૫૧, ૫૨ વાંચો.) એ શબ્દો યુસફ વિશે ઘણું બધું કહી જાય છે. તેમણે હંમેશાં પોતાના કુટુંબની આગેવાની લઈને સંભાળ રાખી. એટલે જ, તેમના સંપૂર્ણ દીકરાએ યુસફના અધિકારને માન આપ્યું અને તેમને આધીન રહ્યા.
૨૯ આપણે આગળ વાંચીએ છીએ કે ઈસુની સમજણ વધતી ગઈ. આ રીતે પોતાના દીકરાની સમજણ વધારવા પાછળ યુસફનો હાથ હતો. એ દિવસોમાં, યહુદીઓમાં એક ખૂબ જાણીતી કહેવત હતી, જે આજેય જોવા અને વાંચવા મળે છે. એ કહે છે કે પૈસાદાર અને સત્તાધારી લોકો જ બુદ્ધિશાળી બની શકે. જ્યારે કે સુથાર, ખેડૂત અને લુહાર જેવા માણસો ‘ખરા-ખોટાનો ન્યાય ન કરી શકે; તેમ જ, કહેવતોની વાત થતી હોય ત્યાં તેઓ જોવા નહિ મળે.’ પરંતુ, આ કહેવત કેટલી પોકળ છે, એ ઈસુએ ખુલ્લું પાડ્યું. તેમના પિતા ગરીબ સુથાર હતા. તોપણ, ઈસુને નાનપણમાં તેમણે સારી રીતે શીખવ્યું હતું કે યહોવાની નજરમાં ‘ખરું શું અને ખોટું શું.’ એવા તો ઘણા પ્રસંગો હતા.
૩૦. યુસફે કઈ રીતે કુટુંબના શિર માટે દાખલો બેસાડ્યો છે?
૩૦ ઈસુના શારીરિક બાંધામાં પણ આપણે યુસફનો હાથ જોઈ શકીએ છીએ. ઈસુની બધી રીતે સારી કાળજી રાખવામાં આવી હતી. એટલે, તે મજબૂત બાંધાના અને તંદુરસ્ત હતા. વધુમાં, યુસફે પોતાના દીકરાને કુશળતાથી કામ કરવાની તાલીમ આપી હતી. લોકો ઈસુને સુથારના દીકરા તરીકે જ નહિ, “સુથાર” તરીકે પણ ઓળખતા હતા. (માર્ક ૬:૩) એટલે, યુસફની મહેનત સફળ થઈ હતી. કુટુંબના શિર બાળકોની સારી કાળજી રાખે છે અને તેઓને પોતાના પગ પર ઊભા રહેવા મદદ કરે છે ત્યારે, તેઓ યુસફને અનુસરે છે.
૩૧. (ક) યુસફનું મરણ ક્યારે થયું એ વિશે પુરાવો શું બતાવે છે? (બૉક્સ જુઓ.) (ખ) યુસફે આપણા માટે કેવો દાખલો બેસાડ્યો છે?
૩૧ બાઇબલ જણાવે છે કે ઈસુ ૩૦ વર્ષની ઉંમરે બાપ્તિસ્મા પામ્યા. એ પછી આપણને યુસફ વિશે કંઈ વાંચવા મળતું નથી. પુરાવો જણાવે છે કે ઈસુએ સેવાકાર્ય શરૂ કર્યું એ વખતે મરિયમ વિધવા હતી. (“યુસફ ક્યારે મરણ પામ્યા?” બૉક્સ જુઓ.) યુસફે એક સરસ દાખલો બેસાડ્યો. તે એવા પિતા હતા, જેમણે પોતાના કુટુંબનું રક્ષણ કર્યું, ભરણપોષણ કર્યું અને વફાદારીથી છેલ્લે સુધી પોતાની જવાબદારી નિભાવી. આપણે પિતા હોઈએ, કુટુંબના શિર હોઈએ કે મંડળના કોઈ ભાઈ-બહેન હોઈએ, આપણે દરેકે યુસફની શ્રદ્ધાને પગલે ચાલવું જોઈએ.
a એ દિવસોમાં, સગાઈને લગ્ન બરાબર ગણવામાં આવતી.
b એ “તારો” ખગોળશાસ્ત્રની કોઈ કુદરતી ઘટના ન હતો; એ “તારો” ઈશ્વર તરફથી પણ ન હતો. દેખીતું છે કે શેતાને ચમત્કારિક શક્તિનો ઉપયોગ કરીને ઈસુને મારી નાખવાની દુષ્ટ યોજના ઘડી હતી.
c બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે “ઈસુએ પોતાના ચમત્કારોની શરૂઆત” બાપ્તિસ્મા પછી કરી હતી.—યોહા. ૨:૧-૧૧.