પ્રકરણ વીસ
“હું માનું છું”
૧. માર્થાના શોકનું વર્ણન કરો.
માર્થાને નજર સામે તેના ભાઈની કબર દેખાયા કરે છે. એ કબર એક ગુફા છે, જેના મુખ પર મોટો પથ્થર ગબડાવી બંધ કરી દેવામાં આવી છે. માર્થાના હૈયાની વેદના એ મોટા પથ્થર જેવી ભારેખમ છે. તેના માનવામાં નથી આવતું કે તેનો વહાલો ભાઈ લાજરસ હવે નથી રહ્યો. લાજરસે છેલ્લો શ્વાસ લીધો, એને ચાર દિવસ થઈ ગયા છે. એ દિવસો શોકમાં, સગા-વહાલાઓ સાથે અને એકબીજાને દિલાસો આપવામાં વીતી ગયા છે.
૨, ૩. (ક) ઈસુને જોઈને માર્થા પર કેવી અસર પડી હશે? (ખ) માર્થાની જિંદગીનું સૌથી મહત્ત્વનું વાક્ય તેના વિશે શું બતાવે છે?
૨ હવે, માર્થા સામે લાજરસના જિગરી દોસ્ત ઈસુ ઊભા છે. તેમને જોઈને માર્થાના હૈયાની વેદના ઊભરાઈ આવે છે. આખી દુનિયામાં ઈસુ જ એવા છે, જે તેના ભાઈને બચાવી શક્યા હોત. ટેકરીઓમાં આવેલા નાનકડા બેથનિયા ગામની બહાર ઈસુને જોઈને માર્થાને થોડો-ઘણો દિલાસો મળે છે. તે ઈસુની આંખોમાં દયા છલકાતી જુએ છે અને કાયમ ઉત્તેજન આપનારી તેમની હમદર્દી અનુભવે છે. એ થોડી પળોમાં જ માર્થાને ફરીથી જરા સારું લાગવા માંડે છે. ઈસુ એવા સવાલો પૂછે છે, જેનાથી તેને પોતાની શ્રદ્ધા અને સજીવન થવા વિશેની માન્યતા પર ધ્યાન આપવા મદદ મળે છે. એ વાતચીતને લીધે માર્થાના મોંમાંથી તેની જિંદગીનું સૌથી મહત્ત્વનું વાક્ય સરી પડે છે: “હું માનું છું કે તમે જ એ ખ્રિસ્ત છો, ઈશ્વરના દીકરા છો, જે દુનિયામાં આવવાના હતા.”—યોહા. ૧૧:૨૭.
૩ એ શબ્દો બતાવે છે કે માર્થાની શ્રદ્ધા અડગ હતી. બાઇબલ તેના વિશે જે થોડું-ઘણું જણાવે છે, એનાથી શ્રદ્ધા મક્કમ બનાવવા મદદ મળી શકે છે. કઈ રીતે? ચાલો બાઇબલમાંથી માર્થા વિશેના પહેલા અહેવાલનો વિચાર કરીએ.
“ચિંતા કરે છે અને હેરાન થાય છે”
૪. માર્થાનું કુટુંબ કઈ રીતે અલગ હતું? એ કુટુંબનો ઈસુ સાથે કેવો સંબંધ હતો?
૪ મહિનાઓ પહેલાંની આ વાત છે, જ્યારે લાજરસની તબિયત એકદમ સારી હતી. બેથનિયામાં તેમના ઘરે એક ખાસ મહેમાન, ઈસુ ખ્રિસ્ત આવવાના હતા! લાજરસ, માર્થા અને મરિયમનું કુટુંબ કંઈક અલગ જ હતું. ત્રણે ભાઈ-બહેનો મોટાં થઈ ગયાં હતાં અને એક જ ઘરમાં રહેતાં હતાં. અમુક સંશોધકોનું કહેવું છે કે એ ત્રણમાં માર્થા મોટી હતી; એટલે જ તે મહેમાનગતિ કરતી હોય છે અને અમુક વાર તેનું નામ પહેલું આવે છે. (યોહા. ૧૧:૫) એ ત્રણેએ લગ્ન કર્યા હતા કે નહિ, એ જાણવું મુશ્કેલ છે. ભલે ગમે એ હોય, પણ તેઓ ઈસુના વહાલા મિત્રો હતા. યહુદિયામાં પ્રચાર કરતી વખતે ઈસુનો ઘણો વિરોધ થયો અને ત્યાં તેમના ઘણા દુશ્મનો હતા. એવા સંજોગોમાં ઈસુ તેઓના ઘરે રહેતા. એમાં કોઈ શંકા નથી કે ઈસુએ ત્યાં મળતી શાંતિ અને સહારાની ઘણી કદર કરી હશે.
૫, ૬. (ક) ઈસુની આ મુલાકાત વખતે માર્થા કેમ કામમાં ડૂબી ગઈ? (ખ) મરિયમના ઘરે ઈસુ આવ્યા ત્યારે તેને કઈ તક મળી અને તેણે શું કર્યું?
૫ એ ઘરનું આરામદાયક વાતાવરણ અને મહેમાનગતિનો યશ મોટા ભાગે માર્થાને જતો હતો. તે મહેનતુ હતી, એટલે આમતેમ દોડાદોડી કરીને તે પુષ્કળ કામમાં ડૂબેલી રહેતી. ઈસુની આ મુલાકાત વખતે તો હજુયે વધારે ધમાલ મચી હશે. આ મહેમાન સાથે કદાચ તેમના સાથીઓ પણ હતા. તેઓ માટે તેણે અનેક વાનગીઓ બનાવીને ખાસ મિજબાની આપવાની ગોઠવણ કરી દીધી. એ સમયમાં કોઈ મહેમાનની સરભરા કરવી, એ મોટી વાત ગણાતી. મહેમાન આવે ત્યારે, તેમનો આવકાર ચુંબન કરીને થતો; તેમનાં જોડાં કાઢીને પગ ધોવામાં આવતા; તેમના માથા પર તાજગી આપતું સુગંધી તેલ ચોળવામાં આવતું. (લુક ૭:૪૪-૪૭ વાંચો.) મહેમાન માટે ખાવા-પીવાની, રહેવાની બધી સગવડોની ગોઠવણ કરવામાં આવતી.
૬ માર્થા અને મરિયમ જોરદાર તૈયારીઓ કરવા માંડી. બંને બહેનોમાં મરિયમને અમુક વાર વધારે લાગણીશીલ અને સમજી-વિચારીને વાત કરનારી બતાવાય છે. મરિયમ પોતાની બહેનને મદદ કરવા લાગી, પણ ઈસુ આવ્યા કે તરત સંજોગો બદલાયા. એ પ્રસંગને ઈસુએ શિક્ષણ આપવાનો પ્રસંગ ગણ્યો અને તેમણે ઘણું બધું શીખવ્યું. ઈસુ એ સમયના ધર્મગુરુઓથી જુદા હતા. ઈસુ સ્ત્રીઓને માન આપતા અને ખુશીથી તેઓને ઈશ્વરના રાજ્ય વિશે શીખવતા, જે તેમના પ્રચારકાર્યનો મુખ્ય વિષય હતો. આ તક મળતા મરિયમ રાજી રાજી થઈ ગઈ અને ઈસુના ચરણે બેસીને તેમની વાત ધ્યાનથી સાંભળવા લાગી.
૭, ૮. માર્થાની ચિંતા કેમ વધતી ગઈ અને તેણે કઈ રીતે પોતાનો ઊભરો ઠાલવ્યો?
૭ આપણે કલ્પના કરી શકીએ કે માર્થાની ચિંતા ધીમે ધીમે વધવા લાગી હશે. તેણે પોતાના મહેમાનો માટે ઘણી બધી વાનગીઓ બનાવવાની હતી અને બીજાં બધાં કામકાજ કરવાનાં હતાં; એ બધું ક્યારે કરી રહેશે, એની ચિંતામાં તેને કંઈ સૂઝતું ન હતું. તે એકથી બીજી જગ્યાએ દોડાદોડી કરતી હતી તેમ, પોતાની બહેનને ત્યાં બેઠેલી જોતી હતી, જે તેને મદદ કરવા કંઈ જ કરતી ન હતી. શું માર્થાના ચહેરાનો રંગ બદલાયો, શું તેણે મોટેથી નિસાસા નાખ્યા કે પછી બીજી કોઈ રીતે નારાજગી બતાવી? એમ કર્યું હોય તો કંઈ નવાઈ નથી, કેમ કે તે એકલા હાથે બધું કામ કરી શકવાની ન હતી!
૮ આખરે, માર્થા પોતાની લાગણીઓ પર કાબૂ રાખી ન શકી. તેણે ઈસુ પાસે આવીને ઊભરો ઠાલવ્યો: “પ્રભુ, તમને કંઈ પડી નથી કે મારી બહેને બધું કામ મારી એકલીના માથે નાખ્યું છે? તેને કહો કે આવીને મને મદદ કરે.” (લુક ૧૦:૪૦) આ કડક શબ્દો હતા. તેણે ઈસુને કહ્યું કે મરિયમને સલાહ આપે અને પાછી કામમાં લાગી જવા હુકમ કરે.
૯, ૧૦. (ક) ઈસુએ માર્થાને શું જવાબ આપ્યો? (ખ) ઈસુ શા માટે માર્થાની મહેનત માટે ઠપકો આપતા ન હતા?
૯ માર્થાને ઈસુના જવાબથી નવાઈ લાગી હશે, જેમ બાઇબલના ઘણા વાચકોને પણ લાગે છે. ઈસુએ નરમાશથી કહ્યું: “માર્થા, માર્થા, તું ઘણી વાતોની ચિંતા કરે છે અને હેરાન થાય છે. જોકે, આપણને ઘણી બાબતોની જરૂર નથી, કદાચ એક જ પૂરતી છે. મરિયમે પોતાના માટે સારો ભાગ પસંદ કર્યો છે અને એ તેની પાસેથી લઈ લેવામાં આવશે નહિ.” (લુક ૧૦:૪૧, ૪૨) ઈસુ શું કહેવા માંગતા હતા? શું તે એમ કહેતા હતા કે માર્થાનું મન દુનિયાની વાતોમાં લાગેલું હતું? માર્થા સરસ ભોજનની તૈયારીઓ કરતી હતી, એની શું તેમને કોઈ કદર ન હતી?
૧૦ ના, એવું ન હતું. ઈસુ જોઈ શકતા હતા કે માર્થા પ્રેમથી અને સાફ દિલથી એમ કરતી હતી. તેમ જ, ઈસુને એમ પણ લાગતું ન હતું કે મહેમાનોની સારી સંભાળ રાખવામાં કંઈ ખોટું છે. થોડા સમય પહેલાં, માથ્થીએ તેમના માટે “મોટી મિજબાની” રાખી હતી, જેમાં તે રાજીખુશીથી ગયા હતા. (લુક ૫:૨૯) સવાલ માર્થાની મિજબાનીનો નહિ, પણ તેના જીવનમાં શું મહત્ત્વનું હોવું જોઈએ એનો હતો. માર્થા જાતજાતની રસોઈ બનાવવામાં એટલી ગૂંથાઈ ગઈ હતી કે મહત્ત્વની વાત તે ચૂકી જતી હતી. એ કઈ વાત હતી?
માર્થાએ કરેલી મહેમાનગતિની ઈસુએ કદર કરી; તે જાણતા હતા કે માર્થા પ્રેમથી અને સાફ દિલથી એમ કરતી હતી
૧૧, ૧૨. ઈસુએ માર્થાને કઈ રીતે સમજાવી?
૧૧ માર્થાના ઘરે યહોવા ઈશ્વરના એકના એક દીકરા ઈસુ આવ્યા હતા અને સત્યનું શિક્ષણ આપતા હતા. એનાથી વધારે મહત્ત્વનું બીજું શું હોય શકે! અરે, સરસ ભોજન અને એની તૈયારીઓ પણ આડે ન આવી શકે. ઈસુને દુઃખ થતું હતું કે માર્થા પોતાની શ્રદ્ધા મક્કમ કરવાની આ અજોડ તક ગુમાવી રહી છે. પણ, તેમણે માર્થાને જાતે નિર્ણય લેવા દીધો.a જોકે, તે ઈસુને કહી ન શકે કે તેની બહેનને પણ એ તક જતી કરવાનું જણાવે.
૧૨ તેથી, ઈસુએ માર્થાને પ્રેમથી સમજાવી. નરમાશથી બે વાર તેનું નામ લઈને તેને શાંત પાડી. તેમણે માર્થાને જણાવ્યું કે તેણે ‘ઘણી વાતોની ચિંતા કરીને હેરાન થવાની’ જરૂર નથી. ખાસ કરીને, જ્યારે ઈશ્વરના શિક્ષણની મોટી મિજબાની હોય, ત્યારે એક-બે વાનગીઓનું સાદું ભોજન પૂરતું છે. મરિયમે ઈસુ પાસેથી શીખવાનું પસંદ કર્યું. એ “સારો ભાગ” ઈસુ ક્યારેય તેની પાસેથી લઈ લેશે નહિ.
૧૩. ઈસુએ માર્થાને આપેલી સલાહમાંથી આપણે શું શીખી શકીએ?
૧૩ ઘરકુટુંબનો આ નાનકડો કિસ્સો ઈસુને પગલે ચાલનારાઓને ઘણું શીખવી જાય છે. ઈશ્વરનું શિક્ષણ લેવાને આડે આપણે કોઈ પણ ચીજને આવવા દેવી ન જોઈએ. (માથ. ૫:૩) ખરું કે આપણે માર્થાની ઉદારતા અને મહેનતને પગલે ચાલવું જોઈએ. પરંતુ, આપણે કદીયે તેની જેમ સૌથી મહત્ત્વની વાતો જતી નહિ કરીએ. તેમ જ, મહેમાનોની સરભરા જેવી ઓછી મહત્ત્વની વાતો માટે ‘ચિંતા કરીને હેરાન’ નહિ થઈએ. આપણે કંઈ મોટી મિજબાનીઓ કરવા ઈશ્વરભક્તો સાથે હળતા-મળતા નથી. પરંતુ, ખાસ તો એકબીજાને ઉત્તેજન આપીને ઈશ્વર સાથેનો સંબંધ દૃઢ કરવા માટે મળીએ છીએ. (રોમનો ૧:૧૧, ૧૨ વાંચો.) અરે, સાદું ભોજન પણ આવા પ્રસંગોને ઉત્તેજન આપનારા બનાવી શકે.
વહાલો ભાઈ ગુજરી ગયો, સજીવન કરાયો!
૧૪. માર્થાએ કઈ રીતે ઠપકો સ્વીકારવામાં સરસ દાખલો બેસાડ્યો?
૧૪ શું માર્થાએ ઈસુનો પ્રેમભર્યો ઠપકો સ્વીકાર્યો અને એમાંથી શીખી? આપણે બહુ વિચારવાની જરૂર નથી. માર્થાના ભાઈ વિશેના રોમાંચક અહેવાલની શરૂઆત કરતા પ્રેરિત યોહાન કહે છે: “માર્થા, તેની બહેન અને લાજરસ પર ઈસુને પ્રેમ હતો.” (યોહા. ૧૧:૫) ઈસુએ બેથનિયાની મુલાકાત લીધી, એને મહિનાઓ વીતી ગયા હતા. દેખીતું છે કે માર્થા મોઢું ચડાવીને ફરતી ન હતી; ઈસુએ આપેલી પ્રેમભરી સલાહને લીધે તેણે મનમાં કડવાશ ભરી રાખી ન હતી. તેણે એ સલાહ દિલમાં ઉતારી હતી. આ વિશે પણ તેણે શ્રદ્ધાનો સરસ દાખલો બેસાડ્યો છે. આપણામાંથી કોને અમુક વાર પ્રેમભર્યા ઠપકાની જરૂર નથી પડતી?
૧૫, ૧૬. (ક) માર્થાના ભાઈ બીમાર પડ્યા ત્યારે તેણે શું કર્યું હશે? (ખ) માર્થા અને મરિયમની આશા કેમ ઠગારી નીવડી?
૧૫ માર્થાના ભાઈ લાજરસ બીમાર પડ્યા ત્યારે, તેમની સંભાળ રાખવા તેણે ચોક્કસ દોડધામ કરી હશે. બીમારી વધતી ગઈ તેમ, લાજરસને રાહત મળે અને સાજા થવા મદદ મળે એ માટે માર્થાએ કોઈ કસર બાકી રાખી નહિ. તેમ છતાં, લાજરસની બીમારી વધતી ગઈ. લાજરસની બંને બહેનોએ રાત-દિવસ તેમની સેવાચાકરી કરી. માર્થાએ કંઈ કેટલીયે વાર પોતાના ભાઈના મૂરઝાયેલા ચહેરા તરફ જોયું હશે અને તેઓએ સાથે વિતાવેલાં ઘણાં વર્ષોની મીઠી યાદો તાજી કરી હશે! સુખ-દુઃખના તડકા-છાયામાં તેઓ એકબીજાનો સહારો બની રહ્યા હતા.
૧૬ હવે લાજરસ નહિ બચે એમ લાગતા, માર્થા અને મરિયમે ઈસુને સંદેશો મોકલ્યો. ઈસુ બેથનિયાથી બેએક દિવસની મુસાફરી થાય એટલે દૂર પ્રચાર કરતા હતા. એ બહેનોનો સંદેશો સીધોસાદો હતો: “પ્રભુ, જુઓ! તમારો પ્રિય મિત્ર બીમાર છે.” (યોહા. ૧૧:૧, ૩) તેઓને ખબર હતી કે લાજરસ પર ઈસુને બહુ પ્રેમ છે. તેઓને શ્રદ્ધા હતી કે ઈસુ પોતાના દોસ્તને મદદ કરવા શક્ય હોય એ બધું જ કરશે. શું તેઓને ઊંડે ઊંડે એવી આશા હતી કે બહુ મોડું થાય એ પહેલાં ઈસુ આવી પહોંચશે? જો એમ હોય તો તેઓની આશા ઠગારી નીવડી, કેમ કે લાજરસ મરણ પામ્યા.
૧૭. માર્થાને શાની મૂંઝવણ થતી હતી? ઈસુ ગામની નજીક આવી પહોંચ્યા છે એ સાંભળીને માર્થાએ શું કર્યું?
૧૭ માર્થા અને મરિયમ સાથે મળીને પોતાના ભાઈ માટે ખૂબ રડી; તેમની દફનવિધિની બધી તૈયારીઓ કરી; બેથનિયા અને એની આસપાસથી આવેલા ઘણા મહેમાનોની સંભાળ રાખી. ઈસુ હજુ પણ આવ્યા ન હતા. સમય પસાર થયો તેમ માર્થાની મૂંઝવણ વધતી ગઈ હશે. છેવટે, લાજરસના મરણના ચાર દિવસ પછી માર્થાએ સાંભળ્યું કે ઈસુ ગામની નજીક આવી પહોંચ્યા છે. મરિયમને કંઈ જણાવ્યા વગર, માર્થા આવા દુઃખદ પ્રસંગે પણ દોડીને ઈસુને સામે મળવા ગઈ.—યોહાન ૧૧:૧૮-૨૦ વાંચો.
૧૮, ૧૯. માર્થાએ કઈ આશા રાખી અને તેની શ્રદ્ધા કેમ અડગ હતી?
૧૮ માર્થાએ પોતાના ગુરુને જોયા ત્યારે, તેણે પોતાના અને મરિયમના મનમાં દિવસોથી ઘોળાતો આ વિચાર જણાવ્યો: “પ્રભુ, જો તમે અહીં હોત, તો મારો ભાઈ મરણ પામ્યો ન હોત.” પરંતુ, માર્થાના દિલમાં આશા અને શ્રદ્ધાનો દીવો બુઝાઈ ગયો ન હતો. તેણે આગળ કહ્યું: “તેમ છતાં, મને હજુ પણ ભરોસો છે કે તમે ઈશ્વર પાસે જે કંઈ માંગો એ ઈશ્વર તમને જરૂર આપશે.” તેની શ્રદ્ધા મક્કમ કરવા ઈસુએ તરત જ કહ્યું: “તારો ભાઈ ઊઠશે.”—યોહા. ૧૧:૨૧-૨૩.
૧૯ માર્થાને લાગ્યું કે ઈસુ ભાવિની વાત કરતા હતા જ્યારે ગુજરી ગયેલાઓ સજીવન કરાશે. એટલે, તેણે કહ્યું: “હું જાણું છું કે છેલ્લા દિવસે લોકોને સજીવન કરવામાં આવશે ત્યારે તે ઊઠશે.” (યોહા. ૧૧:૨૪) એ માન્યતામાં તેની શ્રદ્ધા અડગ હતી. ઈશ્વરની પ્રેરણાથી લખાયેલાં શાસ્ત્રવચનોમાં સાફ જણાવ્યા છતાં, સાદુકીઓ કહેવાતા અમુક યહુદી ધર્મગુરુઓ માનતા જ ન હતા કે ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે. (દાની. ૧૨:૧૩; માર્ક ૧૨:૧૮) પરંતુ, માર્થા જાણતી હતી કે ઈસુએ એ આશા વિશે શીખવ્યું હતું; અરે, તેમણે અમુક ગુજરી ગયેલાને સજીવન પણ કર્યા હતા. જોકે, લાજરસની જેમ ચાર દિવસથી ગુજરી ગયું હોય, એવું કોઈ હજી સજીવન કરાયું ન હતું. માર્થાને ખબર ન હતી કે હવે શું બનશે.
૨૦. યોહાન ૧૧:૨૫-૨૭માંના ભૂલાય નહિ એવા એક વાક્યનો અર્થ જણાવો. માર્થાના જવાબની સમજણ આપો.
૨૦ પછી, ઈસુએ કદીયે ભૂલાય નહિ એવું એક વાક્ય કહ્યું: “હું મરણ પામેલા લોકોને સજીવન કરનાર છું અને હું તેઓને જીવન આપનાર છું.” સાચે જ, યહોવા ઈશ્વરે પોતાના દીકરાને અધિકાર આપ્યો છે કે તે બધા ગુજરી ગયેલાઓને ભાવિમાં સજીવન કરે. ઈસુએ માર્થાને પૂછ્યું: “શું તને આ વાત પર ભરોસો છે?” ત્યારે તેણે જે જવાબ આપ્યો, એની ચર્ચા આપણે આ પ્રકરણની શરૂઆતમાં કરી ગયા. માર્થાને પૂરો ભરોસો હતો કે ઈસુ એ જ ખ્રિસ્ત અથવા મસીહ છે; તે જ ઈશ્વર યહોવાના દીકરા છે અને દુનિયામાં તેમના આવવા વિશે પ્રબોધકોએ ભવિષ્યવાણીઓ કરી હતી.—યોહા. ૫:૨૮, ૨૯; યોહાન ૧૧:૨૫-૨૭ વાંચો.
૨૧, ૨૨. (ક) શોક કરનારાઓ સાથે ઈસુએ કઈ રીતે શોક કર્યો? (ખ) લાજરસના સજીવન થવાના બનાવનું વર્ણન કરો.
૨૧ યહોવા ઈશ્વર અને તેમના દીકરા ઈસુ ખ્રિસ્ત, શું માર્થા જેવા ઈશ્વરભક્તોની શ્રદ્ધાને કીમતી ગણે છે? એ પછી માર્થાની નજર સામે જે બનાવો બન્યા, એ એનો સચોટ જવાબ આપે છે. માર્થા ઉતાવળે પોતાની બહેનને બોલાવવા દોડી ગઈ. પછી, તેણે જોયું કે મરિયમ અને શોક પાળતા લોકો સાથે ઈસુ વાત કરી રહ્યા છે; વાત કરતાં કરતાં ઈસુ બહુ દુઃખી થાય છે. મરણને લીધે હૈયા પર પડતા ઘાની પીડા જોઈને, ઈસુ ખુલ્લા દિલે પોતાનું દુઃખ બતાવતા રડી પડે છે. માર્થા પોતાની સગી આંખે ઈસુની આંખમાંનાં એ આંસુ જુએ છે. માર્થા પોતાના ભાઈની કબર પરથી પથ્થર એક બાજુએ ગબડાવી દેવાનો ઈસુનો હુકમ સાંભળે છે.—યોહા. ૧૧:૨૮-૩૯.
૨૨ હકીકત જોનારી માર્થા બોલી ઊઠી કે મરણના ચાર દિવસ પછી હવે તો શરીર ગંધાવા લાગ્યું હશે. ઈસુએ તેને યાદ કરાવ્યું: “શું મેં તને જણાવ્યું ન હતું કે તું શ્રદ્ધા રાખશે તો ઈશ્વરનો મહિમા જોશે?” માર્થાએ શ્રદ્ધા રાખી અને તેણે યહોવા ઈશ્વરનો મહિમા જોયો. ઈશ્વરે ત્યારે ને ત્યારે જ પોતાના દીકરાને શક્તિ આપી કે લાજરસને જીવતો કરે! જરા વિચારો, જિંદગીભર માર્થાના દિલોદિમાગ પર એ પળો કેવી કોતરાઈ ગઈ હશે! ઈસુ મોટેથી પોકારી ઊઠ્યા, “લાજરસ, બહાર આવ!” લાજરસને રાખવામાં આવ્યા હતા એ ગુફામાં ધીમો અવાજ સંભળાયો. હજુયે કપડાંમાં વીંટળાયેલા લાજરસ ઊભા થયા. તે ધીમે ધીમે ગુફાના મુખ સુધી બહાર આવ્યા. ઈસુએ આજ્ઞા કરી કે, “તેના બંધન છોડી નાખો અને તેને જવા દો.” માર્થા અને મરિયમ પાગલની જેમ દોડીને પોતાના વહાલા ભાઈને ભેટી પડી. (યોહાન ૧૧:૪૦-૪૪ વાંચો.) માર્થાના દિલ પરથી જાણે મોટો ભાર ઊતરી ગયો!
૨૩. યહોવા અને ઈસુ તમારા માટે શું કરવા ચાહે છે? તમારે શું કરવાની જરૂર છે?
૨૩ આ બનાવ જણાવે છે કે ગુજરી ગયેલાને જીવતા કરવામાં આવશે, એ કંઈ મન મનાવવા માટેની આશા નથી. એ તો દિલને ઠંડક આપનારું બાઇબલ શિક્ષણ છે અને ઇતિહાસની સાબિત થયેલી હકીકત છે. (અયૂ. ૧૪:૧૪, ૧૫) માર્થા, મરિયમ અને લાજરસના કિસ્સામાં કર્યું તેમ, ઈશ્વરભક્તોને યહોવા અને ઈસુ શ્રદ્ધાનું ઇનામ આપવા તૈયાર છે. જો તમે પણ અડગ શ્રદ્ધા કેળવશો, તો તમારા માટે પણ તેઓએ એવા આશીર્વાદો રાખ્યા છે.
“માર્થા તેઓને પીરસતી હતી”
૨૪. બાઇબલ આપણને માર્થા વિશે કઈ છેલ્લી ઝલક આપે છે?
૨૪ બાઇબલ હજુ એક વાર માર્થા વિશે જણાવે છે. પૃથ્વી પર ઈસુના જીવનના છેલ્લા અઠવાડિયાનો એ સમય હતો. ઈસુને ખબર હતી કે જલદી જ પોતાને કેવું સહન કરવું પડશે; તેથી, તેમણે ફરીથી બેથનિયામાં પોતાના મિત્રોના ઘરે રહેવાનું પસંદ કર્યું. છેક ત્યાંથી તે ત્રણ કિલોમીટર ચાલીને યરૂશાલેમ જતા. સિમોન જે અગાઉ કોઢિયો હતો, તેના ઘરે રાખેલી મિજબાનીમાં ઈસુ અને લાજરસ જમવા બેઠા હતા. એ પ્રસંગે માર્થા વિશે આ છેલ્લી ઝલક મળે છે: “માર્થા તેઓને પીરસતી હતી.”—યોહા. ૧૨:૨.
૨૫. આજે મંડળોમાં માર્થા જેવી બહેનો કેમ આશીર્વાદરૂપ છે?
૨૫ માર્થા કેટલી મહેનતુ હતી! બાઇબલ પહેલી વાર તેના વિશે જણાવે છે ત્યારે તે કામમાં ડૂબેલી હતી; અને તેની છેલ્લી ઝલક મળે છે ત્યારે પણ તે કામમાં ડૂબેલી છે. તે બીજાઓની સંભાળ રાખવા પોતાનાથી બનતું બધું કરે છે. ઈસુ ખ્રિસ્તનાં મંડળોને આજે માર્થા જેવી બહેનોનો આશીર્વાદ છે. મક્કમ મનની અને ઉદાર બહેનો હંમેશાં પોતાની શ્રદ્ધા પ્રમાણે કામ કરીને બીજાઓને મદદ કરે છે. શું માર્થા એમ કરતી રહી? હા, એવું જ લાગે છે. જો એમ હોય તો તે સમજુ હતી, કેમ કે તેણે હજુ બીજા પડકારો ઝીલવાના હતા.
૨૬. માર્થાની શ્રદ્ધાએ તેને શું કરવા મદદ કરી?
૨૬ થોડા દિવસો પછી, માર્થાએ પોતાના ગુરુ, ઈસુના પીડાકારક મોતનું દુઃખ સહેવાનું હતું. ઈસુને મારી નાખનારા ઢોંગી લોકોએ લાજરસને મારી નાખવાનું પણ નક્કી કર્યું હતું; લાજરસના સજીવન થવાથી ઘણા લોકો ઈસુમાં શ્રદ્ધા મૂકતા હતા. (યોહાન ૧૨:૯-૧૧ વાંચો.) આખરે, મરણે માર્થા અને તેના ભાઈ-બહેનના પ્રેમભર્યા બંધનને તોડી નાખ્યું હશે. આપણને ખબર નથી કે કઈ રીતે અને ક્યારે એવું બન્યું હશે. પરંતુ, આ વાતની તો ખાતરી છે: માર્થાની અતૂટ શ્રદ્ધાએ તેને અંત સુધી ટકી રહેવા મદદ કરી હતી. આજે ઈશ્વરભક્તો માર્થાની શ્રદ્ધાને પગલે ચાલે તો કેવું સારું!
a પહેલી સદીના યહુદી સમાજમાં, મોટા ભાગે સ્ત્રીઓને આવું શિક્ષણ લેવાથી બાકાત રાખવામાં આવતી. તેઓને ખાસ કરીને ઘરનાં કામકાજ કરવાનું શીખવવામાં આવતું. આમ, એક સ્ત્રી ગુરુને ચરણે બેસીને શીખે, એ માર્થાને ગળે ઊતર્યું નહિ હોય.