પૂરા દિલથી યહોવાની ભક્તિ કરતા રહીએ
‘મારા પુત્ર, તું ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંતઃકરણથી તેમની સેવા કર.’—૧ કાળ. ૨૮:૯.
આ પ્રશ્નોના જવાબ શોધો:
બાઇબલમાં “હૃદય”નો શું અર્થ થાય?
આપણું દિલ કેવું છે એ કઈ રીતે પારખી શકીએ?
પૂરા દિલથી યહોવાની ભક્તિ કરતા રહેવા શું કરી શકીએ?
૧, ૨. (ક) બાઇબલમાં કયા અંગનો સૌથી વધારે વખત ઉલ્લેખ થયો છે? (ખ) “હૃદય” વિષે આપણે શું જોઈશું?
બાઇબલમાં ઘણી વાર શરીરના અંગોનો ઉલ્લેખ કરીને કોઈ વાત સમજાવવામાં આવી છે. જેમ કે, અયૂબે કહ્યું: ‘મારા હાથથી કંઈ હિંસા થઈ નથી.’ રાજા સુલેમાને કહ્યું: ‘સારા સમાચાર હાડકાંને તંદુરસ્ત કરે છે.’ યહોવાએ હઝકીએલને ખાતરી આપતા કહ્યું: ‘તારું કપાળ મેં ચકમકના પથ્થર કરતાં કઠણ કર્યું છે.’ પ્રેરિત પાઊલે તીમોથીને કહ્યું કે “તેઓ સત્ય તરફ આડા કાન કરશે.”—અયૂ. ૧૬:૧૬; નીતિ. ૧૫:૩૦; હઝકી. ૩:૯; ૨ તીમો. ૪:૪.
૨ બાઇબલમાં કોઈ વાત સમજાવવા માટે બીજા કોઈ પણ અંગ કરતાં વધારે વખત “હૃદય”નો ઉપયોગ થયો છે. “હૃદય” માટેના મૂળ શબ્દનું ગુજરાતી બાઇબલમાં “અંતઃકરણ,” “દિલ” અને “મન” તરીકે પણ ભાષાંતર થયું છે. બાઇબલની મૂળ ભાષામાં “હૃદય” શબ્દ આશરે હજાર વખત જોવા મળે છે. જોકે, બાઇબલમાં દર વખતે “હૃદય” શબ્દ શરીરમાં આવેલા હૃદયને દર્શાવતું નથી. જેમ કે, હાન્નાએ પોતાની પ્રાર્થનામાં કહ્યું કે “પ્રભુએ મારું હૃદય આનંદથી ભરી દીધું છે.” (૧ શમૂ. ૨:૧, કોમન લેંગ્વેજ) એટલે, ચાલો હવે જોઈએ કે બાઇબલમાં બીજી કઈ રીતે “હૃદય” શબ્દ વપરાયો છે. તેમ જ, શા માટે બાઇબલ હૃદયની સંભાળ રાખવા પર ભાર આપે છે.—નીતિવચનો ૪:૨૩ વાંચો.
“હૃદય” શાને બતાવે છે
૩. દાખલો આપીને સમજાવો કે બાઇબલમાં આપેલા “હૃદય” શબ્દનો અર્થ કેવી રીતે પારખી શકીએ.
૩ ખરું કે બાઇબલમાં શબ્દકોશની જેમ “હૃદય”નો અર્થ આપ્યો નથી. પરંતુ, એમાં જણાવેલા બનાવોથી આપણે “હૃદય”નો પૂરો અર્થ જાણી શકીએ છીએ. એ માટે એવા એક ચિત્રનો વિચાર કરો, જે એક દીવાલ પર હજાર નાના રંગીન પથ્થરોથી બનાવેલું છે. ચિત્રના બે-ત્રણ નાના પથ્થરો જોવાથી ખબર નહિ પડે કે એ શાનું છે, પરંતુ, થોડે દૂરથી આખું ચિત્ર જોઈશું તો તરત ખબર પડશે. એવી જ રીતે, બાઇબલમાં વપરાયેલા “હૃદય” શબ્દનો અર્થ એક-બે અહેવાલથી ખબર નહિ પડે. પણ અનેક અહેવાલો તપાસીશું તો પૂરી રીતે સમજી શકીશું કે “હૃદય” શબ્દનો શું અર્થ છે. એ માટે ચાલો આપણે વધારે જોઈએ.
૪. (ક) બાઇબલમાં “હૃદય” શબ્દ કઈ રીતે વપરાયો છે? (ખ) માત્થી ૨૨:૩૭માં ઈસુ શું કહેવા માંગતા હતા?
૪ વ્યક્તિની ઇચ્છાઓ, વિચારો, સ્વભાવ, વલણ, આવડતો અને ધ્યેયોને દર્શાવવા બાઇબલના લેખકોએ “હૃદય” શબ્દ વાપર્યો છે. (પુનર્નિયમ ૧૫:૭; નીતિવચનો ૧૬:૯; પ્રેરિતોનાં કૃત્યો ૨:૨૬ વાંચો.) પણ અમુક વખતે તેઓએ “હૃદય” શબ્દને સહેજ અલગ રીતે પણ વાપર્યો છે. દાખલા તરીકે, ઈસુએ કહ્યું: ‘તારા ઈશ્વર પર તું પૂરા હૃદયથી, ને પૂરા જીવથી, ને પૂરા મનથી પ્રીતિ કર.’ (માથ. ૨૨:૩૭) આ કિસ્સામાં “હૃદય” શબ્દ વ્યક્તિની ખરી લાગણીઓ અને ઇચ્છાઓને બતાવે છે. ઈસુ કહેવા માંગતા હતા કે આપણે ઈશ્વરને લાગણીઓથી, જીવવાની રીતથી અને વિચારોથી પ્રેમ બતાવવો જોઈએ.—યોહા. ૧૭:૩; એફે. ૬:૬.
હૃદયની સંભાળ રાખીએ
૫. પૂરા દિલથી યહોવાની ભક્તિ કરવા શા માટે આપણે બનતું બધું જ કરવા માંગીએ છીએ?
૫ “હૃદય” વિષે રાજા દાઊદે પોતાના દીકરા સુલેમાનને કહ્યું: “મારા પુત્ર સુલેમાન, તું તારા પિતાના ઈશ્વરને ઓળખ, ને સંપૂર્ણ અંતઃકરણથી [હૃદયથી] તથા રાજીખુશીથી તેની સેવા કર; કેમ કે યહોવા સર્વના અંતઃકરણોને [હૃદયોને] તપાસે છે, ને વિચારોની સર્વ કલ્પનાઓ તે સમજે છે.” (૧ કાળ. ૨૮:૯) સાચે જ, યહોવા આપણા દરેકના હૃદયોને પારખનાર છે. (નીતિ. ૧૭:૩; ૨૧:૨) જો તે આપણા દિલમાં કંઈક સારું જોશે, તો આપણે તેમના મિત્ર બનીશું અને સારું ભાવિ પણ મેળવીશું. એટલે, આપણે દાઊદની સલાહ પાળીને યહોવાની ભક્તિમાં પૂરા દિલથી બનતું બધું કરવા ચાહીએ છીએ.
૬. યહોવાની ભક્તિ કરવાના આપણા નિર્ણયને શું અસર કરી શકે?
૬ યહોવાની ભક્તિ માટેનો આપણો ઉત્સાહ બતાવે છે કે આપણે પૂરા દિલથી તેમની સેવા કરવા માંગીએ છીએ. પણ એમ કરવું હંમેશા સહેલું નથી, કેમ કે શેતાનની દુષ્ટ દુનિયા આપણા પર દબાણ કરે છે. તેમ જ, આપણી નબળાઈની અસર ઘણી હદે આપણા વિચારો પર જોવા મળે છે. જો ધ્યાન ન રાખીએ તો પૂરા દિલથી યહોવાની ભક્તિ કરવાનો નિર્ણય કાચો બની શકે. (યિર્મે. ૧૭:૯; એફે. ૨:૨) એ ન થાય માટે આપણે નિયમિત રીતે પોતાનું દિલ તપાસવું જોઈએ. એમ કઈ રીતે કરી શકીએ?
૭. દિલ કેવું છે એ શાના પરથી પારખી શકાય?
૭ જેમ આપણે ઝાડના થડની અંદર જોઈ શકતા નથી, તેમ વ્યક્તિના દિલમાં શું છે એ જોઈ શકતા નથી. જોકે, ઈસુએ પહાડ પરના ભાષણમાં જણાવ્યું હતું કે ફળો પરથી પારખી શકાય છે કે ઝાડ કેવું છે. એવી જ રીતે, વ્યક્તિના કામો બતાવશે કે તેનું દિલ ખરેખર કેવું છે. (માથ. ૭:૧૭-૨૦) તેથી, ચાલો આપણા દિલની હાલત જાણવા એક કામનો વિચાર કરીએ.
દિલ પારખવાની એક રીત
૮. માત્થી ૬:૩૩ના શબ્દો પ્રમાણે આપણા દિલમાં શું છે એ કેવી રીતે દેખાઈ આવશે?
૮ પહાડ પરના ભાષણમાં ઈસુએ લોકોને જણાવ્યું કે, પૂરા દિલથી યહોવાની સેવા કરવા તેઓએ શું કરવું જોઈએ. તેમણે કહ્યું: ‘પહેલાં ઈશ્વરના રાજ્યને તથા તેમના ન્યાયીપણાને શોધો, એટલે એ બધી બાબતો પણ તમને અપાશે.’ (માથ. ૬:૩૩) આપણી ઇચ્છાઓ, વિચારો અને ઇરાદા કેવા છે, એ શાના પરથી દેખાઈ આવશે? જીવનમાં કઈ બાબતો પહેલાં મૂકીએ છીએ, એનાથી દેખાઈ આવશે. એટલે આપણે તપાસવું જોઈએ કે જીવનમાં શાને વધારે મહત્ત્વ આપીએ છીએ. એનાથી ખ્યાલ આવશે કે આપણે પૂરા દિલથી ઈશ્વરની ભક્તિ કરીએ છીએ કે નહિ.
૯. ઈસુએ કેટલાક પુરુષોને કયું આમંત્રણ આપ્યું? તેઓના જવાબે શું સાબિત કર્યું?
૯ ઈસુએ શિષ્યોને કહ્યું કે ‘પહેલાં ઈશ્વરના રાજ્યને’ શોધો. એના થોડા સમય પછી એક બનાવ બન્યો, જેનાથી આપણને જોવા મળે છે કે વ્યક્તિનું દિલ કેવું છે. શિષ્ય લુકે એ બનાવની શરૂઆતમાં જણાવ્યું કે ઈસુએ ‘યરૂશાલેમ જવા માટે પોતાનું મોં એ તરફ દૃઢ રાખ્યું.’ ઈસુને ખબર હતી કે તેમની સતાવણી થશે તોપણ યહોવાની ઇચ્છા પૂરી કરવા તે ત્યાં ગયા. રસ્તે જતાં ઈસુ અને પ્રેરિતોને કેટલાક પુરુષો મળ્યા. એ વખતે ઈસુએ એ પુરુષોને કહ્યું કે ‘મારી પાછળ આવો.’ તેઓ એ આમંત્રણ સ્વીકારવા તૈયાર હતા, પણ અમુક શરતે. એક પુરુષે કહ્યું કે ‘હું પહેલાં જઈને મારા પિતાને દાટી આવું.’ બીજાએ કહ્યું: ‘પ્રભુ, હું તારી પાછળ આવીશ; પણ પહેલાં જેઓ મારે ઘેર છે તેઓને છેલ્લી સલામ કરી આવવાની મને રજા આપ.’ (લુક ૯:૫૧, ૫૭-૬૧) ઈસુ અને આ પુરુષો વચ્ચે સાફ તફાવત જોવા મળે છે. ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા ઈસુએ દૃઢ નિર્ણય લીધો. જ્યારે કે એ પુરુષોએ બહાના કાઢીને બતાવ્યું કે તેઓના નિર્ણય દૃઢ ન હતા. તેઓએ પોતાની ઇચ્છાઓને પ્રથમ રાખીને સાબિત કર્યું કે તેઓ ઈશ્વરની સેવા પૂરા દિલથી કરવા ચાહતા ન હતા.
૧૦. (ક) ઈસુનું આમંત્રણ સાંભળીને આપણે શું કર્યું છે? (ખ) ઈસુએ કયું ઉદાહરણ આપ્યું?
૧૦ આપણે એ પુરુષોની જેમ બહાના કાઢ્યા નથી. આપણે તો ઈસુના શિષ્ય બનવાનું આમંત્રણ સ્વીકાર્યું છે અને યહોવાની સેવા કરીએ છીએ. એના પરથી દેખાઈ આવે છે કે આપણા દિલમાં યહોવા માટે ઘણી લાગણી છે. ખરું કે આપણે ભક્તિમાં વ્યસ્ત છીએ, છતાં એક જોખમથી સાવધ રહેવાની જરૂર છે. એ જોખમ કયું છે? ઈસુએ પેલા પુરુષોને કહ્યું: “કોઈ માણસ હળ પર હાથ દીધા પછી પછવાડે જુએ તો તે ઈશ્વરના રાજ્યને યોગ્ય નથી.” (લુક ૯:૬૨) આ ઉદાહરણમાંથી આપણે શું શીખી શકીએ?
‘સારું છે તેને વળગી રહીએ’
૧૧. ઈસુના ઉદાહરણમાં મજૂર શું કરે છે અને શા માટે?
૧૧ ઈસુના ઉદાહરણને સારી રીતે સમજી શકીએ એ માટે ચાલો એના પર વધારે વિચારીએ. ધારો કે ખેતરમાં એક મજૂર જમીન ખેડી રહ્યો છે. ખેડતી વખતે તે પોતાના કુટુંબીજનો અને મિત્રો સાથે ખાવાપીવાના, નાચગાન, હસી-મજાક અને આરામ કરવાના વિચારો કરે છે. તે એ સારા સમયનો આનંદ માણવાની તમન્ના રાખે છે. એ ઇચ્છા એટલી વધી જાય છે કે તે જાણે ‘પાછળ જુએ’ છે. એટલે, તેનું ધ્યાન ફંટાઈ જાય છે અને તે પોતાનું કામ સારી રીતે કરી શકતો નથી. તેનું કાચું કામ જોઈને તેના માલિક ચોક્કસ નારાજ થશે.
૧૨. કેવી રીતે કોઈ ભાઈ કે બહેન ઈસુના ઉદાહરણના મજૂર જેવા બની જઈ શકે?
૧૨ ચાલો, હવે એ ઉદાહરણને આપણા સમય સાથે સરખાવીએ. દાખલા તરીકે, એ મજૂર મંડળના કોઈ વ્યક્તિને દર્શાવી શકે, જે આમ તો સારી રીતે ઈશ્વરની ભક્તિ કરતી હોય એવું લાગે. પરંતુ, તેનું દિલ જોખમમાં છે. તે સભા અને પ્રચારમાં જાય છે. પણ તે અમુક દુન્યવી બાબતોની તમન્ના રાખે છે. પણ, એ તમન્ના એટલી વધી જાય છે કે અમુક વર્ષો સેવા કર્યા પછી તે જાણે ‘પાછળ જુએ’ છે. પ્રચારમાં હજુ ઘણું કામ કરવાનું બાકી છે, પણ તેનું ધ્યાન ફંટાઈ જાય છે. પરિણામે તે પહેલાંની જેમ ઈશ્વરની ભક્તિ સારી રીતે કરી શકતી નથી. (ફિલિ. ૨:૧૫) જ્યારે કોઈ ભાઈ કે બહેન ભક્તિમાં ટકી ન રહે, ત્યારે ‘ફસલના ધણી’ યહોવા દુઃખ અનુભવે છે.—લુક ૧૦:૨.
૧૩. પૂરા દિલથી યહોવાની ભક્તિ કરવાનો શું અર્થ થાય?
૧૩ એ ઉદાહરણમાંથી આપણે મહત્ત્વનો બોધપાઠ શીખી શકીએ. ખરું કે આપણે નિયમિત રીતે પ્રચાર અને સભામાં જઈએ એ સારું કહેવાય. પણ એટલું જ પૂરતું નથી. (૨ કાળ. ૨૫:૧, ૨, ૨૭) આપણે પૂરા દિલથી ‘બૂરાઈને ધિક્કારવી જોઈએ અને જે સારું છે એને વળગી રહેવું જોઈએ.’ એમ કરીશું તો “ઈશ્વરના રાજ્યને યોગ્ય” ગણાઈશું. (રોમ. ૧૨:૯; લુક ૯:૬૨) પણ, જો કોઈ ખ્રિસ્તી ભાઈ કે બહેન દુન્યવી બાબતો મેળવવા ‘પાછળ જુએ,’ તો યહોવા સાથેની તેની મિત્રતા જોખમમાં છે. (લુક ૧૭:૩૨) ખરું કે શેતાનની દુનિયામાં એવી કેટલીક બાબતો છે, જે ઉપયોગી હોઈ શકે. કદાચ એમાંથી આપણે આનંદ પણ માણી શકીએ. પરંતુ, ખાસ ધ્યાન રાખવું જોઈએ કે એ બાબતો આપણને પૂરા દિલથી ઈશ્વરની ભક્તિ કરતા રોકે નહિ.—૨ કોરીં. ૧૧:૧૪; ફિલિપી ૩:૧૩, ૧૪ વાંચો.
સાવધ રહીએ!
૧૪, ૧૫. (ક) શેતાન કેવી રીતે આપણા દિલને બગાડી નાંખવા પ્રયત્ન કરે છે? (ખ) દાખલાથી સમજાવો કે શા માટે શેતાનની ચાલાકીઓ જોખમી છે.
૧૪ આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ એટલે પોતાનું જીવન તેમને અર્પી દીધું છે. આપણામાંના ઘણા ભાઈ-બહેનોએ વર્ષોથી બતાવી આપ્યું છે કે તેઓ યહોવાને પૂરા દિલથી ભજે છે. તેમ છતાં, શેતાન આપણા દિલને બગાડી નાંખવા પ્રયત્ન કરે છે. (એફે. ૬:૧૨) શેતાન જાણે છે કે આપણે તરત જ યહોવાને છોડી દઈશું નહિ. એટલે, તે ચાલાકીથી દુનિયાની “માયા” વડે યહોવાની ભક્તિ માટેનો આપણો ઉત્સાહ કમજોર કરવા પ્રયત્ન કરે છે. (માર્ક ૪:૧૮, ૧૯ વાંચો.) આ રીત વાપરીને તેણે કેટલાકનું ધ્યાન ફંટાવી દીધું છે. તેની આ રીત શા માટે જોખમી છે?
૧૫ એ સમજવા માની લો કે તમે ૧૦૦ વૉટના બલ્બના પ્રકાશમાં કંઈક વાંચી રહ્યા છો. પણ અચાનક અંધારું થઈ જવાથી તમે તરત જ પારખી શકો છો કે બલ્બ ઊડી ગયો છે. એટલે તમે ઊડી ગયેલો એ બલ્બ કાઢીને બીજો નવો બલ્બ લગાવો છો. ફરીથી આખો રૂમ પ્રકાશથી ભરાઈ જાય છે. હવે ધારો કે બીજા દિવસે કોઈ છાનામાના આવીને એ ૧૦૦ વૉટનો બલ્બ કાઢીને ૯૫ વૉટનો બ્લબ લગાવી દે છે. તમે કંઈક વાંચી રહ્યા હો ત્યારે, શું પ્રકાશમાં કોઈ ફરક દેખાશે? કદાચ નહિ. હવે ત્રીજા દિવસે ફરીથી કોઈ આવીને ૯૦ વૉટનો બલ્બ લગાવી જાય છે. શું તમે પારખી શકશો કે પ્રકાશ ઓછો થઈ ગયો છે? ફરીથી, કદાચ નહિ. કારણ કે પ્રકાશ ધીમે ધીમે ઓછો થયો હતો. એવી જ રીતે, શેતાનની દુનિયા આપણો ઉત્સાહ ધીમે ધીમે ઓછો કરવા પ્રયત્ન કરે છે. જો ધ્યાન નહિ રાખીએ તો શેતાન આપણા ૧૦૦ ટકાના ઉત્સાહને ઓછો કરવામાં સફળ થશે.—માથ. ૨૪:૪૨; ૧ પીત. ૫:૮.
પ્રાર્થના કરવી બહુ જરૂરી છે
૧૬. કઈ રીતે શેતાનની ચાલાકીઓથી પોતાનું રક્ષણ કરી શકીએ?
૧૬ કઈ રીતે શેતાનની ચાલાકીઓથી પોતાનું રક્ષણ કરીને પૂરા દિલથી યહોવાની ભક્તિ કરી શકીએ? (૨ કોરીં. ૨:૧૧) એ માટે આપણે પ્રાર્થના કરવાની બહુ જરૂર છે. પાઊલે ખ્રિસ્તીઓને ‘શેતાનની ચાલાકીઓની સામે દૃઢ’ રહેવા કહ્યું હતું. એ પછી તેમણે તેઓને “હરવખત પ્રાર્થના તથા વિનંતી” કરવા ઉત્તેજન આપ્યું હતું.—એફે. ૬:૧૧, ૧૮; ૧ પીત. ૪:૭.
૧૭. ઈસુની પ્રાર્થના આપણને શું શીખવે છે?
૧૭ યહોવાને વળગી રહેવા આપણે ઈસુને અનુસરવું જોઈએ. તેમણે પૂરા દિલથી યહોવાની સેવા કરી, એવી ઇચ્છા આપણે પણ રાખીએ. ઈસુએ પોતાના મરણની આગલી રાતે જે રીતે પ્રાર્થના કરી, એ વિષે લુક જણાવે છે કે ‘તેમણે કષ્ટ સાથે વિશેષ આગ્રહથી પ્રાર્થના કરી હતી.’ (લુક ૨૨:૪૪) ઈસુએ ઘણી વિનંતી અને કાલાવાલા સાથે પ્રાર્થના કરી હતી. ખરું કે ઈસુએ પહેલાં પણ એ રીતે પ્રાર્થના કરી હતી, પરંતુ આ વખતે તે સૌથી મુશ્કેલ સંજોગોનો સામનો કરવાના હતા. એટલે જ તેમણે “આગ્રહથી પ્રાર્થના કરી” અને એ પ્રાર્થનાનો જવાબ પણ મેળવ્યો. ઈસુનો દાખલો બતાવે છે કે કેટલીક પ્રાર્થનાઓ વધારે તીવ્રતાથી કરવી પડે છે. એટલે આપણા પર જેટલી અઘરી કસોટી આવે અને શેતાન જેટલી વધારે લાલચો લાવે ત્યારે, વધારે “આગ્રહથી” પ્રાર્થના કરીએ.
૧૮. (ક) પ્રાર્થના વિષે પોતાને શું પૂછવું જોઈએ અને શા માટે? (ખ) આપણા દિલ પર શાની અસર પડે છે અને કઈ રીતે? ( પાન ૨૨ ઉપરનું બૉક્સ જુઓ.)
૧૮ “આગ્રહથી” પ્રાર્થના કરીશું તો શું થશે? પાઊલે જણાવ્યું કે ‘દરેક બાબતમાં પ્રાર્થના, વિનંતી અને આભાર માનીને તમારી અરજો ઈશ્વરને જણાવો. અને ઈશ્વરની શાંતિ જે સર્વ સમજશક્તિની બહાર છે, તે તમારાં હૃદયની સંભાળ રાખશે.’ (ફિલિ. ૪:૬, ૭) જો આપણે યહોવાની કૃપા મેળવવી હોય, તો વારંવાર અને ઘણા આગ્રહથી પ્રાર્થના કરવી જોઈએ. (લુક ૬:૧૨) તેથી પોતાને પૂછો કે ‘હું દિવસમાં કેટલી વાર પ્રાર્થના કરું છું? હું કેટલા આગ્રહથી પ્રાર્થના કરું છું?’ (માથ. ૭:૭; રોમ. ૧૨:૧૨) એના જવાબોથી તમે જાણી શકશો કે ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા તમારા દિલમાં કેટલી ઊંડી લાગણી છે.
૧૯. પૂરા દિલથી યહોવાની સેવા કરવા તમે શું કરશો?
૧૯ આગળ જોઈ ગયા તેમ, જીવનમાં પ્રથમ રાખેલી બાબતો પરથી જોવા મળશે કે આપણું દિલ કેવું છે. આપણે યહોવાની સેવા પૂરા દિલથી કરવા માંગીએ છીએ. તેથી સાવધ રહીએ કે પાછળ છોડી દીધેલી બાબતો અથવા શેતાનની ચાલાકીઓ આપણો એ નિર્ણય કમજોર ન બનાવે. (લુક ૨૧:૧૯, ૩૪-૩૬ વાંચો.) તેથી દાઊદની જેમ આપણે પણ યહોવાને વિનંતી કરતા રહીએ કે ભક્તિ માટે “સંપૂર્ણ સમર્પિત હૃદય આપો.”—૧ કાળ. ૨૯:૧૯, ઈઝી-ટુ-રીડ વર્ઝન. (w12-E 04/15)
[પાન ૨૨ પર બોક્સ]
હૃદયને અસર કરતી ત્રણ બાબતો
પોતાના હૃદયની સંભાળ રાખવા જરૂરી પગલાં ભરવા જોઈએ. ચાલો જોઈએ કે આપણે કયા પગલાં ભરવા જોઈએ.
૧ ખોરાક: આપણા શારીરિક હૃદયને પૂરતા પ્રમાણમાં સારા ખોરાકની જરૂર પડે છે. એવી જ રીતે, પૂરા દિલથી યહોવાની ભક્તિ કરવા માટે તેમની પાસેથી ખોરાક મેળવવાની જરૂર પડે છે. એ ખોરાક આપણને નિયમિત અભ્યાસ કરવાથી, મનન કરવાથી અને સભાઓમાં જવાથી મળે છે.—ગીત. ૧:૧, ૨; નીતિ. ૧૫:૨૮; હિબ્રૂ ૧૦:૨૪, ૨૫.
૨ કામ: આપણે કામ કરીએ છીએ ત્યારે શારીરિક હૃદયના ધબકારા વધે છે. એનાથી આપણી તબિયત સારી રહે છે. એવી જ રીતે, ઉત્સાહથી પ્રચારકામ અને ભક્તિને લગતા બીજા કામો કરીશું તો, આપણું દિલ યહોવા પ્રત્યે સારું રહેશે.—લુક ૧૩:૨૪; ફિલિ. ૩:૧૨.
૩ માહોલ: દુનિયાના ખરાબ માહોલમાં કામ કરવાથી અને રહેવાથી આપણા શારીરિક હૃદય અને યહોવા પ્રત્યેના દિલ ઉપર તણાવ આવે છે. એ તણાવને ઓછો કરવા આપણે મંડળના ભાઈ-બહેનો સાથે સંગત રાખીએ. તેઓ પણ પૂરા દિલથી યહોવાની ભક્તિ કરે છે અને આપણી ચિંતા કરે છે.—ગીત. ૧૧૯:૬૩; નીતિ. ૧૩:૨૦.