પ્રકરણ ૮
ખુશખબર ફેલાવતા સેવકો
યહોવાએ પોતાના દીકરા ઈસુ ખ્રિસ્તને ધરતી પર મોકલ્યા. ઈસુએ આપણા માટે ઉત્તમ દાખલો બેસાડ્યો છે. (૧ પિત. ૨:૨૧) જ્યારે કોઈ ઈસુનો શિષ્ય બને છે, ત્યારે તે ઈશ્વરના સેવક તરીકે ખુશખબર જણાવે છે. ઈસુએ જણાવ્યું કે તેમના શિષ્યો બનવાથી તાજગી મળે છે, તેમણે કહ્યું: “ઓ થાકી ગયેલા અને બોજથી દબાયેલા લોકો! તમે બધા મારી પાસે આવો અને હું તમને તાજગી આપીશ. મારી ઝૂંસરી તમારા પર લો ને મારી પાસેથી શીખો. હું કોમળ સ્વભાવનો અને નમ્ર હૃદયનો છું. મારી પાસેથી તમને તાજગી મળશે.” (માથ. ૧૧:૨૮, ૨૯) જેઓએ એ આમંત્રણ સ્વીકાર્યું, તેઓને ઈસુના વચન પ્રમાણે તાજગી મળી છે!
૨ ઈસુ ખ્રિસ્ત ઈશ્વરના મુખ્ય સેવક છે. તેમણે અમુક લોકોને પોતાના શિષ્ય બનવા પસંદ કર્યાં હતા. (માથ. ૯:૯; યોહા. ૧:૪૩) તેમણે પોતે પ્રચાર કર્યો અને શિષ્યોને પણ પ્રચારની તાલીમ આપી. પછી તેમણે તેઓને પ્રચારમાં મોકલ્યા. (માથ. ૧૦:૧–૧૧:૧; ૨૦:૨૮; લૂક ૪:૪૩) થોડા સમય પછી તેમણે બીજા ૭૦ શિષ્યોને ખુશખબર જણાવવા મોકલ્યા. (લૂક ૧૦:૧, ૮-૧૧) એ શિષ્યોને મોકલતી વખતે ઈસુએ તેઓને કહ્યું: “જે કોઈ તમારું સાંભળે છે, તે મારું પણ સાંભળે છે. જે કોઈ તમારો સ્વીકાર કરતો નથી, તે મારો પણ સ્વીકાર કરતો નથી. જે કોઈ મારો સ્વીકાર કરતો નથી, તે મને મોકલનારનો પણ સ્વીકાર કરતો નથી.” (લૂક ૧૦:૧૬) આ રીતે ઈસુએ ભાર મૂક્યો કે શિષ્યોને સોંપાયેલી ખુશખબર ફેલાવવાની જવાબદારી કેટલી મહત્ત્વની છે. તેઓ સર્વોચ્ચ ઈશ્વર યહોવા અને ઈસુના પ્રતિનિધિ હતા! આજે જેઓ ઈસુનું આ આમંત્રણ સ્વીકારે છે: “આવ, મારો શિષ્ય બન,” તેઓની પણ એ જવાબદારી છે. (લૂક ૧૮:૨૨; ૨ કોરીં. ૨:૧૭) કેમ કે તેઓને ખુશખબર ફેલાવવાની અને શિષ્યો બનાવવાની આજ્ઞા મળી છે.—માથ. ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦.
૩ આપણે ઈસુના શિષ્ય બનવાનું આમંત્રણ સ્વીકાર્યું છે. એટલે આપણને યહોવા અને ઈસુ ખ્રિસ્તને ‘ઓળખવાનો’ લહાવો મળ્યો છે. (યોહા. ૧૭:૩) યહોવા ચાહે છે એ રીતે કામ કરવાનું આપણને શીખવવામાં આવ્યું છે. તેમની મદદથી આપણે વિચારોમાં ફેરફાર કરી શક્યા છીએ, નવો સ્વભાવ કેળવી શક્યા છીએ અને તેમનાં ધોરણો પ્રમાણે વાણી-વર્તન રાખવાનું શીખી શક્યા છીએ. (રોમ. ૧૨:૧, ૨; એફે. ૪:૨૨-૨૪; કોલો. ૩:૯, ૧૦) આપણે યહોવાની સાચા દિલથી કદર કરીએ છીએ. એટલે આપણે યહોવાને સમર્પણ કર્યું છે અને એ બધા આગળ જાહેર કરવા પાણીમાં બાપ્તિસ્મા લીધું છે. આપણે બાપ્તિસ્મા લઈને ઈશ્વરના સેવકો બનીએ છીએ.
૪ હંમેશાં યાદ રાખીએ કે ઈશ્વરની ભક્તિ સારાં વાણી-વર્તન અને સાફ દિલથી કરવી જોઈએ. (ગીત. ૨૪:૩, ૪; યશા. ૫૨:૧૧; ૨ કોરીં. ૬:૧૪–૭:૧) આપણે ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા રાખીને શુદ્ધ અંત:કરણ કેળવ્યું છે. (હિબ્રૂ. ૧૦:૧૯-૨૩, ૩૫, ૩૬; પ્રકટી. ૭:૯, ૧૦, ૧૪) પ્રેરિત પાઉલે ખ્રિસ્તીઓને સલાહ આપી કે બધું ઈશ્વરને મહિમા મળે એ રીતે કરવું જોઈએ, જેથી બીજાઓ ઠોકર ન ખાય. પ્રેરિત પિતરે પણ લખ્યું કે જો આપણાં વાણી-વર્તન સારાં હશે, તો લોકોને યહોવા વિશે શીખવાનું મન થશે. (૧ કોરીં. ૧૦:૩૧, ૩૩; ૧ પિત. ૩:૧) બીજાઓ ખુશખબર ફેલાવનાર સેવક બની શકે એ માટે તમે કઈ રીતે મદદ કરી શકો?
નવા પ્રકાશકો
૫ તમે કોઈ વ્યક્તિ સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરો, ત્યારથી જ તેને ઉત્તેજન આપો કે તે જે શીખે છે એ બીજાઓને પણ જણાવે. તેને જણાવો કે તક મળે ત્યારે તે સગાઓને, મિત્રોને, સાથે કામ કરનારાને અને બીજાઓને બાઇબલ વિશે જણાવે. તેને શીખવો કે એમ કરવું મહત્ત્વનું છે, કેમ કે એનાથી જ તે ખુશખબર ફેલાવનાર સેવક અને ઈસુ ખ્રિસ્તનો શિષ્ય બની શકશે. (માથ. ૯:૯; લૂક ૬:૪૦) સમય જતાં, બાઇબલ વિદ્યાર્થી ભક્તિમાં આગળ વધશે અને તક મળે ત્યારે પ્રચાર કરવાનું શીખશે. પછી તેને પોતે મંડળ સાથે ખુશખબર ફેલાવવાની ઇચ્છા થશે.
પ્રકાશક બનવા લાયકાતો કેળવવી
૬ વિદ્યાર્થી ઘર ઘરના પ્રચારમાં જોડાય એ પહેલાં, તમારે જોવું જોઈએ કે તેણે અમુક લાયકાતો કેળવી છે કે નહિ. તે આપણી સાથે પ્રચારમાં આવે છે ત્યારે, જાહેર કરે છે કે તે યહોવાના સાક્ષીઓ સાથે જોડાયેલો છે. એટલા માટે એ જરૂરી છે કે તે યહોવાનાં ખરાં ધોરણો પ્રમાણે જીવતો હોય અને બાપ્તિસ્મા ન પામેલો પ્રકાશક બનવા યોગ્ય હોય.
૭ જ્યારે તમે વિદ્યાર્થી સાથે અભ્યાસ કરો છો અને તેની સાથે બાઇબલ સિદ્ધાંતોની ચર્ચા કરો છો, ત્યારે તમને તેના સંજોગો વિશે વધારે જાણવા મળે છે. તમે કદાચ જોયું હશે કે તે જે શીખે છે એ પ્રમાણે જીવે પણ છે. પણ વિદ્યાર્થીના જીવનને લગતી અમુક બાબતો વિશે જાણવા વડીલો તમને મળશે. તમે અને વિદ્યાર્થી બંને હાજર હો એવા સમયે તેઓ વાત કરશે.
૮ વડીલોના જૂથના સેવક બે વડીલોની (જેમાંના એક સેવા સમિતિના સભ્ય હશે) ગોઠવણ કરશે. એ વડીલો તમારી સાથે અને તમારા બાઇબલ વિદ્યાર્થી સાથે ચર્ચા કરશે. બહુ ઓછા વડીલો હોય એવાં મંડળમાં, એક વડીલ અને એક યોગ્ય સહાયક સેવક તમને મળી શકે. જે ભાઈઓને પસંદ કરવામાં આવે તેઓએ તરત જ ચર્ચા કરવાની ગોઠવણ કરવી જોઈએ. જો વડીલોને સભામાં જાણવા મળે કે વિદ્યાર્થીને પ્રચારમાં જવાની ઇચ્છા છે, તો તેઓ કદાચ સભા પછી તરત તમારી અને તમારા વિદ્યાર્થી સાથે વાત કરી શકે. ભેગા મળો ત્યારે હળવો માહોલ રાખવો જોઈએ. વિદ્યાર્થીને બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક તરીકે મંજૂરી આપતા પહેલાં, વડીલોએ આ બાબતો પર ધ્યાન આપવું જોઈએ:
(૧) તે માને છે કે બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી લખવામાં આવ્યું છે.—૨ તિમો. ૩:૧૬.
(૨) તે બાઇબલનું મૂળ શિક્ષણ જાણે છે અને એમાં માને છે. એટલે જો તેને કોઈ સવાલ પૂછવામાં આવે, તો તે જૂઠા ધર્મોના શિક્ષણ કે પોતાના વિચારો પ્રમાણે નહિ, પણ બાઇબલ પ્રમાણે જવાબ આપશે.—માથ. ૭:૨૧-૨૩; ૨ તિમો. ૨:૧૫.
(૩) સંજોગો સાથ આપતા હોય તો, તે સભાઓમાં આવીને યહોવાના લોકો સાથે સંગત રાખવાની બાઇબલની આજ્ઞા પાળે છે.—ગીત. ૧૨૨:૧; હિબ્રૂ. ૧૦:૨૪, ૨૫.
(૪) વ્યભિચાર વિશે, એકથી વધુ પતિ કે પત્ની હોવા વિશે અને સજાતીય સંબંધો વિશે તે બાઇબલનું શિક્ષણ જાણે છે અને એ શિક્ષણ પ્રમાણે જીવે છે. જો સ્ત્રી અને પુરુષ સાથે રહેતા હોય અને એકબીજાનાં સગાં ન હોય તો બંનેએ લગ્ન કરેલા હોવા જોઈએ, જે કાયદાની નજરે માન્ય હોય.—માથ. ૧૯:૯; ૧ કોરીં. ૬:૯, ૧૦; ૧ તિમો. ૩:૨, ૧૨; હિબ્રૂ. ૧૩:૪.
(૫) દારૂડિયા ન બનવા વિશે બાઇબલની સલાહ તે પાળે છે. તે દવા તરીકે અપાયા ન હોય, એવા કોઈ પણ નશીલા કે મગજ પર અસર કરતા કુદરતી અથવા બનાવેલા પદાર્થોથી દૂર રહે છે.—૨ કોરીં. ૭:૧; એફે. ૫:૧૮; ૧ પિત. ૪:૩, ૪.
(૬) તે ખરાબ સંગતથી દૂર રહેવાનું મહત્ત્વ સમજે છે.—૧ કોરીં. ૧૫:૩૩.
(૭) તેણે જૂઠાં ધાર્મિક સંગઠનો સાથે બધા સંબંધો તોડી નાખ્યા છે, જેની સાથે તે પહેલાં જોડાયેલો હતો. તેઓની ભક્તિમાં કે બીજી કોઈ પ્રવૃત્તિઓમાં તે જતો નથી, ભાગ લેતો નથી કે કોઈ પણ રીતે ટેકો આપતો નથી.—૨ કોરીં. ૬:૧૪-૧૮; પ્રકટી. ૧૮:૪.
(૮) તેણે રાજકારણને પૂરેપૂરી રીતે છોડી દીધું છે.—યોહા. ૬:૧૫; ૧૫:૧૯; યાકૂ. ૧:૨૭.
(૯) તે યશાયા ૨:૪નો સિદ્ધાંત માને છે અને સેના કે યુદ્ધથી જોડાયેલાં કામોમાં ભાગ લેતો નથી.
(૧૦) તે ખરેખર યહોવાનો સાક્ષી બનવા માંગે છે.—ગીત. ૧૧૦:૩.
૯ ફકરા ૮માં જણાવેલા મુદ્દાઓ વિશે વિદ્યાર્થીને કેવું લાગે છે એ વડીલો પારખી શકતા ન હોય તો, તેઓએ એ વિશે તેને પૂછવું જોઈએ. તેઓ ચર્ચા માટે આપેલી કલમો વાપરી શકે. વિદ્યાર્થીએ એનું મહત્ત્વ સમજવું જોઈએ કે યહોવાના સાક્ષીઓ સાથે ખુશખબર ફેલાવતી વ્યક્તિનું જીવન શાસ્ત્રમાં જણાવેલી લાયકાતો પ્રમાણે હોવું જોઈએ. વિદ્યાર્થીના જવાબોથી વડીલો પારખી શકશે કે તે ઈશ્વરનું શિક્ષણ જાણે છે કે નહિ. તેમ જ પ્રચારમાં ભાગ લેવા માટે તેણે જરૂરી લાયકાત કેળવી છે કે નહિ.
૧૦ વડીલોએ વિદ્યાર્થીને એ જણાવવામાં મોડું ન કરવું જોઈએ કે તે મંડળ સાથે ખુશખબર ફેલાવવા જઈ શકે છે કે નહિ. મોટા ભાગના વિદ્યાર્થીઓને ચર્ચા પછી તરત એ જણાવી શકાય છે. જો વિદ્યાર્થી લાયકાત ધરાવતો હોય, તો વડીલો તેનો પ્રકાશક તરીકે પ્રેમથી આવકાર કરી શકે. (રોમ. ૧૫:૭, ફૂટનોટ) વડીલોએ તેને ઉત્તેજન આપવું જોઈએ કે બની શકે એટલું જલદી તે પ્રચારકામ શરૂ કરે અને મહિનાના અંતે પ્રચાર સેવા રિપોર્ટ આપે. વડીલો તેને સમજાવી શકે કે વિદ્યાર્થી બાપ્તિસ્મા ન પામેલો પ્રકાશક બને છે અને પહેલી વાર પ્રચારનો રિપોર્ટ આપે છે ત્યારે, તેના નામે મંડળના પ્રકાશકનો રેકોર્ડ બનાવવામાં આવે છે અને મંડળની ફાઈલમાં મૂકવામાં આવે છે. એ માટે વડીલો તેની પાસેથી અમુક માહિતી લે છે. એ માહિતીથી સંગઠનને આખી દુનિયામાં ચાલી રહેલા સાક્ષીઓના કામની દેખરેખ રાખવા મદદ મળે છે. એટલું જ નહિ, પ્રકાશક મંડળે કરેલી ગોઠવણોમાં ભાગ લઈ શકે છે અને વડીલો પાસેથી ઉત્તેજન અને માર્ગદર્શન મેળવી શકે છે. વડીલોએ નવા પ્રકાશકને એ પણ જણાવવું જોઈએ કે તેની માહિતીનો ઉપયોગ jw.org પર આપેલી આ પૉલિસીના આધારે કરવામાં આવશે: માહિતીના સંરક્ષણ અંગેની યહોવાના સાક્ષીઓની વૈશ્વિક નીતિ.
૧૧ જો આપણે નવા પ્રકાશકને સારી રીતે ઓળખીશું અને તે ખુશખબર ફેલાવવા જે મહેનત કરે છે એના વખાણ કરીશું, તો તેના પર સારી અસર પડશે. એનાથી તેને નિયમિત રીતે પ્રચારનો રિપોર્ટ આપવા અને યહોવાની ભક્તિમાં આગળ વધવા ઉત્તેજન મળશે.—ફિલિ. ૨:૪; હિબ્રૂ. ૧૩:૨.
૧૨ વડીલો નક્કી કરે કે વિદ્યાર્થી પ્રચારમાં જવા યોગ્ય છે, એ પછી તેને યહોવાની ઇચ્છા પૂરી કરતું સંગઠન પુસ્તક આપવું જોઈએ. વિદ્યાર્થી પહેલી વાર પ્રચાર સેવા રિપોર્ટ આપે ત્યારે, મંડળમાં નાની જાહેરાત કરવામાં આવશે કે તે હવે બાપ્તિસ્મા ન પામેલો પ્રકાશક છે.
બાળકોને મદદ કરવી
૧૩ બાળકો પણ પ્રકાશક બનીને ખુશખબર ફેલાવી શકે છે. ઈસુ બાળકોને પોતાની પાસે બોલાવતા હતા અને તેઓને આશીર્વાદ આપતા હતા. (માથ. ૧૯:૧૩-૧૫; ૨૧:૧૫, ૧૬) બાળકોને મદદ કરવાની જવાબદારી માતા-પિતાની છે. પણ જો બાળકો ખુશખબર ફેલાવવાના કામમાં ભાગ લેવા ચાહતાં હોય, તો મંડળનાં બીજાં ભાઈ-બહેનો પણ તેઓને મદદ કરી શકે. માતા-પિતાઓ, તમારા સારા ઉદાહરણને લીધે બાળકો પણ ખુશખબર ફેલાવવાના કામમાં ઉત્સાહથી ભાગ લેવા પ્રેરાશે. જો એક બાળકનાં વાણી-વર્તન સારાં હોય અને તે પોતાની શ્રદ્ધા વિશે બીજાઓને જણાવવા માંગતું હોય, તો તેને બીજી કઈ રીતે મદદ કરી શકાય?
૧૪ જો બાળક પ્રકાશક બનવા ચાહતું હોય તો મમ્મી કે પપ્પા સેવા સમિતિના એક વડીલને વાત કરી શકે. વડીલોના સેવક બે વડીલોની (જેમાંના એક સેવા સમિતિના સભ્ય હશે) ગોઠવણ કરશે. તેઓ બાળક સાથે ચર્ચા કરે ત્યારે તેના મમ્મી કે પપ્પા કે વાલી જો સત્યમાં હોય તો તે પણ હાજર રહેશે. જો બાળક બાઇબલનું મૂળ શિક્ષણ જાણતું હોય અને તે પ્રચારમાં ભાગ લેવા માંગતું હોય, તો એનાથી દેખાઈ આવે છે કે તે ભક્તિમાં સારું કરી રહ્યું છે. આ મુદ્દાઓ અને મોટાઓને (પુખ્ત ઉંમરના લોકોને) લાગુ પડતા બીજા મુદ્દાઓ પર વિચાર કર્યા પછી, બે વડીલો નક્કી કરશે કે બાળક બાપ્તિસ્મા ન પામેલું પ્રકાશક બની શકે કે નહિ. (લૂક ૬:૪૫; રોમ. ૧૦:૧૦) એક બાળક સાથે ચર્ચા કરતી વખતે એવા મુદ્દાઓ પર વાત કરવાની જરૂર નથી, જે ફક્ત મોટાઓને (પુખ્ત ઉંમરનાને) લાગુ પડતા હોય.
૧૫ ચર્ચા કરતી વખતે વડીલોએ બાળકના વખાણ કરવા જોઈએ કે તે ભક્તિમાં સારું કરી રહ્યું છે. તેઓએ તેને બાપ્તિસ્માનો ધ્યેય રાખવા ઉત્તેજન આપવું જોઈએ. વડીલોએ મમ્મી-પપ્પાની પણ કદર કરવી જોઈએ, કેમ કે તેઓએ બાળકના દિલમાં યહોવા માટે પ્રેમ કેળવવા અને તેને સત્ય શીખવવા ઘણી મહેનત કરી છે. વડીલોએ મમ્મી-પપ્પાનું ધ્યાન આ પુસ્તકના પાન ૧૭૯-૧૮૧ પર આપેલા “માતા-પિતા માટે સંદેશો” ભાગ પર દોરવું જોઈએ. એનાથી મમ્મી-પપ્પા પોતાનાં બાળકોને વધારે સારી મદદ આપી શકશે.
સમર્પણ અને બાપ્તિસ્મા
૧૬ એ બહુ ખુશીની વાત છે કે તમે યહોવા વિશે શીખો છો અને તેમને પ્રેમ કરો છો. તમે તેમનાં ધોરણો પ્રમાણે જીવો છો અને ખુશખબર પણ જણાવો છો. પણ યહોવા સાથેનો સંબંધ વધારે મજબૂત કરવા તમે શું કરી શકો? તમે તમારું જીવન યહોવાને સમર્પણ કરી શકો અને એને લોકો આગળ જાહેર કરવા પાણીમાં બાપ્તિસ્મા લઈ શકો.—માથ. ૨૮:૧૯, ૨૦.
૧૭ ઈશ્વરને સમર્પણ કરવાનો અર્થ થાય, પ્રાર્થનામાં ઈશ્વરને વચન આપવું કે આખી જિંદગી તેમની સેવા કરીશું અને તેમના માર્ગે ચાલીશું. ફક્ત તેમની જ ભક્તિ કરીશું. (પુન. ૫:૯) તમારે એકાંતમાં યહોવાને પ્રાર્થના કરીને સમર્પણ કરવું જોઈએ. બીજું કોઈ તમારા માટે એ નહિ કરી શકે.
૧૮ પ્રાર્થનામાં યહોવાને સમર્પણ કરવાની સાથે બીજું પણ કંઈક કરવાની જરૂર છે. તમે સમર્પણ કર્યું છે એ બીજાઓ આગળ જાહેર થાય એ માટે તમારે પાણીમાં બાપ્તિસ્મા લેવું જોઈએ, જેમ ઈસુએ લીધું હતું. (૧ પિત. ૨:૨૧; ૩:૨૧) જો તમે યહોવાની ભક્તિ કરવાનો પાકો નિર્ણય લીધો હોય અને બાપ્તિસ્મા લેવા માંગતા હો, તો તમારે શું કરવું જોઈએ? તમારે એ વિશે વડીલોના સેવકને જણાવવું જોઈએ. તે કેટલાક વડીલોને તમારી સાથે ચર્ચા કરવા મોકલશે. તેઓ નક્કી કરશે કે તમે બાપ્તિસ્મા માટે યોગ્ય છો કે નહિ. વધારે માહિતી માટે આ પુસ્તકના પાન ૧૮૨-૧૮૪ પર “બાપ્તિસ્મા ન પામેલા પ્રકાશક માટે સંદેશો” અને પાન ૧૮૫-૨૦૭ પર “બાપ્તિસ્મા લેવા ઇચ્છે છે તેઓ માટે સવાલો” જુઓ.
સેવાકાર્યમાં થઈ રહેલી પ્રગતિનો અહેવાલ
૧૯ દુનિયા ફરતે સાચી ભક્તિ મોટા પાયે ફેલાઈ રહી છે. એ વિશે અહેવાલ સાંભળીને યહોવાના લોકોને વર્ષોથી ઘણું ઉત્તેજન મળતું આવ્યું છે. ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું કે આખી દુનિયામાં ખુશખબર ફેલાવવામાં આવશે. એ સમયથી લઈને આજ સુધી સાચા ખ્રિસ્તીઓ જાણવા આતુર છે કે એ કામ કેવી રીતે પૂરું થશે.—માથ. ૨૮:૧૯, ૨૦; માર્ક ૧૩:૧૦; પ્રે.કા. ૧:૮.
૨૦ પ્રચારમાં મળેલી સફળતાના અહેવાલો સાંભળીને ઈસુના શરૂઆતના શિષ્યોને ઘણો આનંદ થતો હતો. (માર્ક ૬:૩૦) પ્રેરિતોનાં કાર્યોમાં જણાવ્યું છે કે ૩૩ની સાલમાં પચાસમા દિવસે શિષ્યો પર પવિત્ર શક્તિ રેડવામાં આવી ત્યારે, ત્યાં આશરે ૧૨૦ લોકો હાજર હતા. થોડા જ સમયમાં શિષ્યોની સંખ્યા વધીને આશરે ૩,૦૦૦ અને પછીથી આશરે ૫,૦૦૦ થઈ. બાઇબલમાં લખ્યું છે, “યહોવા દરરોજ લોકોને શિષ્યો બનવા દોરી લાવતા અને તેઓને બચાવતા હતા.” તેમ જ “ઘણા બધા યાજકોએ પણ શ્રદ્ધા મૂકી.” (પ્રે.કા. ૧:૧૫; ૨:૫-૧૧, ૪૧, ૪૭; ૪:૪; ૬:૭) એવા સરસ અહેવાલો સાંભળીને શિષ્યોને કેટલું ઉત્તેજન મળ્યું હશે! એનાથી તેઓને પ્રચારકામમાં પૂરા જોશથી આગળ વધવા મદદ મળી હશે. જ્યારે યહૂદી ધર્મગુરુઓએ તેઓની સખત સતાવણી કરી ત્યારે પણ તેઓ ખુશખબર જણાવતા રહ્યા.
૨૧ આશરે સાલ ૬૦-૬૧માં પાઉલે કોલોસીઓને લખેલા પત્રમાં જણાવ્યું કે “ખુશખબર આખી દુનિયામાં ફળ ઉત્પન્ન કરી રહી છે અને ફેલાઈ રહી છે.” એ ખુશખબર “આકાશ નીચેની સર્વ સૃષ્ટિને જાહેર કરવામાં આવી હતી.” (કોલો. ૧:૫, ૬, ૨૩) પહેલી સદીના શિષ્યોએ બાઇબલની આજ્ઞા પાળી અને તેઓને ખુશખબર જણાવવા પવિત્ર શક્તિથી હિંમત મળી. એટલે સાલ ૭૦માં યરૂશાલેમનો નાશ થયો એ પહેલાં તેઓ મોટા પાયે પ્રચાર કરી શક્યા. પ્રચારકામ કઈ રીતે આગળ વધી રહ્યું છે, એ વિશે સાંભળીને એ સમયના વફાદાર ખ્રિસ્તીઓને ઘણું ઉત્તેજન મળ્યું હશે!
અંત આવે એ પહેલાં શું તમે ખુશખબર ફેલાવવાના કામમાં પૂરા જોશથી ભાગ લઈ રહ્યા છો?
૨૨ આજે યહોવાનું સંગઠન પણ પ્રચારનો અહેવાલ રાખે છે. માથ્થી ૨૪:૧૪માં ભવિષ્યવાણી કરવામાં આવી હતી: “રાજ્યની આ ખુશખબર આખી દુનિયામાં જણાવવામાં આવશે, જેથી બધી પ્રજાઓને સાક્ષી મળે અને પછી જ અંત આવશે.” યહોવાના વફાદાર ભક્તો તરીકે આપણે એ કામને સૌથી મહત્ત્વનું ગણવું જોઈએ અને એ કામ કરવામાં ધીમા પડવું ન જોઈએ. અંત આવે એ પહેલાં આપણે ખુશખબર ફેલાવવાના કામમાં પૂરા જોશથી ભાગ લેવો જોઈએ. યહોવા આ કામને જરૂર પૂરું કરશે અને જો આપણે એમાં ભાગ લીધો હશે, તો યહોવા આપણાથી ચોક્કસ ખુશ થશે.—હઝકિ. ૩:૧૮-૨૧.
પ્રચાર સેવા રિપોર્ટ
૨૩ આપણે પ્રચારના રિપોર્ટમાં શું લખવું જોઈએ? પ્રચાર સેવા રિપોર્ટમાં જ જણાવ્યું હોય છે કે એમાં શું લખવું જોઈએ. નીચે આપેલી માહિતી એ માટે વધારે મદદ કરશે.
૨૪ “સાહિત્ય (છાપેલું અને ઇલેક્ટ્રોનિક)” ભાગમાં લખી શકો કે તમે બાપ્તિસ્મા ન પામેલા લોકોને કેટલું સાહિત્ય આપ્યું છે. એમાં છાપેલાં કે ઇલેક્ટ્રોનિક સાહિત્યનો સમાવેશ થાય છે. “બતાવેલા વીડિયો” ભાગમાં લખી શકો કે તમે કેટલી વાર લોકોને આપણા વીડિયો બતાવ્યા છે.
૨૫ બાપ્તિસ્મા ન લીધું હોય એવી રસ ધરાવનાર વ્યક્તિને ફરી મળો ત્યારે, એને “ફરી મુલાકાત” ભાગમાં લખી શકો. તમે વ્યક્તિને રૂબરૂ મળીને, પત્ર કે ફોનથી વાત કરીને, મેસેજ કે ઈ-મેઈલ મોકલીને કે કોઈ સાહિત્ય મોકલીને પણ ફરી મુલાકાત કરી શકો. તમે કોઈનો બાઇબલ અભ્યાસ ચલાવો ત્યારે ફરી મુલાકાત ગણી શકો. દર અઠવાડિયે કુટુંબ તરીકેની ભક્તિમાં બાપ્તિસ્મા ન પામેલું બાળક હાજર હોય તો, માતા કે પિતા એક ફરી મુલાકાત ગણી શકે.
૨૬ બાઇબલ અભ્યાસ મોટા ભાગે દર અઠવાડિયે ચલાવવામાં આવે છે. પણ મહિનાના અંતે ફક્ત એક જ અભ્યાસ ગણવામાં આવે છે. પ્રચાર સેવા રિપોર્ટમાં પ્રકાશકોએ એ મહિને ચલાવેલા જુદા જુદા કુલ બાઇબલ અભ્યાસો લખવા જોઈએ. જો તમે એવી વ્યક્તિ સાથે અભ્યાસ કરતા હો જેણે બાપ્તિસ્મા લીધું ન હોય, તો એને બાઇબલ અભ્યાસ ગણી શકો. મંડળ સેવા સમિતિના વડીલ તમને નિષ્ક્રિય (ઇનએક્ટિવ) ભાઈ કે બહેનનો અભ્યાસ લેવાનું કહી શકે. તમે એ બાઇબલ અભ્યાસને પણ રિપોર્ટમાં લખી શકો. વિદ્યાર્થીએ હાલમાં જ બાપ્તિસ્મા લીધું હોય પણ દુઃખ જશે, સુખ આવશે પુસ્તકનો અભ્યાસ પૂરો થયો ન હોય તો તમે તેની સાથે અભ્યાસ ચાલુ રાખી શકો અને એ રિપોર્ટમાં લખી શકો.
૨૭ એ જરૂરી છે કે આપણે “કલાકો” ભાગમાં જે સમય લખીએ, એ બરાબર ગણીને લખીએ. આપણે ઘર ઘરના પ્રચારમાં, ફરી મુલાકાતોમાં અને બાઇબલ અભ્યાસોમાં જે સમય આપીએ છીએ, એ લખી શકીએ. જો આપણે મંડળે કરેલી ગોઠવણ પ્રમાણે ખુશખબર ફેલાવવામાં અથવા તક મળે ત્યારે પ્રચાર કરવામાં સમય વિતાવ્યો હોય, તો એ સમય પણ રિપોર્ટમાં લખી શકીએ. બાપ્તિસ્મા ન લીધું હોય એવી વ્યક્તિ સાથે વાતચીત કરવા એ બધી રીતો વાપરીએ છીએ ત્યારે, એ સમયને રિપોર્ટમાં લખી શકીએ. જો બે પ્રકાશકો સાથે કામ કરતા હોય, તો તેઓ બંને એ સમય લખી શકે. પણ તેઓમાંથી કોઈ એક જ પ્રકાશક ફરી મુલાકાત કે બાઇબલ અભ્યાસ ગણી શકે. મમ્મી-પપ્પા બાળકોને કુટુંબ તરીકેની ભક્તિમાં શીખવે છે ત્યારે તેઓ બંને એ સમય રિપોર્ટમાં લખી શકે છે. પણ તેઓ વધુમાં વધુ અઠવાડિયાનો એક જ કલાક લખી શકે. ભાઈઓ જાહેર પ્રવચન આપે એનો સમય પણ ગણી શકે. જાહેર પ્રવચનનું ભાષાંતર કરનાર પણ એ સમય લખી શકે. એવાં કેટલાંક કામો છે, જેમાં વિતાવેલો સમય આપણે ગણતા નથી. જેમ કે, પ્રચાર માટે તૈયાર થવું, પ્રચારની સભામાં હાજર રહેવું, પ્રચાર દરમિયાન ખરીદી કે એના જેવા બીજા કોઈ કામ માટે જવું.
૨૮ દરેક પ્રકાશકે બાઇબલથી કેળવાયેલા અંતઃકરણ પ્રમાણે નક્કી કરવું જોઈએ કે પ્રચાર માટે રિપોર્ટમાં કેટલો સમય લખશે. તેણે એ સમજી-વિચારીને લખવું જોઈએ. કેટલાક પ્રકાશકો ભીડભાડવાળા વિસ્તારોમાં પ્રચાર કરે છે તો કેટલાક એવી જગ્યાએ પ્રચાર કરે છે, જ્યાં બહુ ઓછા લોકો રહે છે. એક વ્યક્તિ સાથે વાત કર્યા પછી, બીજી વ્યક્તિને મળવા ઘણી મુસાફરી કરવી પડે છે. પ્રચાર વિસ્તાર અલગ અલગ હોય છે. તેમ જ પ્રચારના કેટલા કલાકો ગણવા એ વિશે પણ દરેક પ્રકાશકના વિચારો અલગ અલગ હોય છે. પ્રચારમાં પસાર કરેલો સમય કેવી રીતે ગણવો, એ વિશે આખી દુનિયાનાં ભાઈ-બહેનો પર નિયામક જૂથ પોતાના નિયમો થોપી બેસાડતા નથી. અરે નિયામક જૂથે બીજા કોઈને પણ એ વિશે નિર્ણય લેવાનો અધિકાર આપ્યો નથી.—માથ. ૬:૧; ૭:૧; ૧ તિમો. ૧:૫.
૨૯ પ્રચારમાં વિતાવેલો સમય પૂરા કલાકોમાં લખવો જોઈએ, મિનિટોમાં નહિ. પણ કોઈ પ્રકાશક મોટી ઉંમર કે બીમારીને લીધે હરી-ફરી શકતા ન હોય, નર્સિંગ હોમ કે ઘરડાઘરમાં હોય કે બીજા કોઈ કારણને લીધે પ્રચારમાં વધારે કરી શકતા ન હોય તો શું? એવા કિસ્સામાં તે રિપોર્ટમાં ૧૫, ૩૦ કે ૪૫ મિનિટ લખી શકે. જો આખા મહિનામાં તે ફક્ત ૧૫ મિનિટ પ્રચાર કરે તોપણ એ લખવું જોઈએ. તે પણ નિયમિત પ્રકાશક ગણાશે. જે પ્રકાશકો કોઈ ગંભીર બીમારી કે ઈજાને લીધે એક-બે મહિના સુધી હરી-ફરી શકતા ન હોય, તેઓ પણ ૧૫ મિનિટનો રિપોર્ટ આપી શકે. આ ગોઠવણ ફક્ત એવા લોકો માટે છે જેઓ વધારે કરી શકવાની હાલતમાં નથી. સેવા સમિતિ નક્કી કરશે કે કયા પ્રકાશકો આ ગોઠવણનો લાભ લઈ શકે છે.
મંડળના પ્રકાશકનો રેકોર્ડ
૩૦ તમે દર મહિને પ્રચાર સેવા રિપોર્ટ આપો છો, એ મંડળના પ્રકાશકના રેકોર્ડમાં નોંધવામાં આવે છે. આ રેકોર્ડ સંભાળવાની જવાબદારી મંડળના વડીલોની છે. જો તમે બીજા મંડળમાં જવાનું વિચારતા હો, તો તમારા મંડળના વડીલોને જણાવો. તમારા મંડળના સેક્રેટરી તમારો રેકોર્ડ નવા મંડળમાં મોકલી આપશે. આમ નવા મંડળના વડીલો તમને આવકારી શકશે અને ભક્તિમાં મદદ આપી શકશે. જો તમે ત્રણ મહિનાથી ઓછા સમય માટે તમારા મંડળથી દૂર હો, તો તમારા પ્રચારનો રિપોર્ટ તમારા જ મંડળને મોકલતા રહો.
આપણે શા માટે પ્રચારનો રિપોર્ટ આપીએ છીએ?
૩૧ શું તમે કોઈ વાર પ્રચાર સેવા રિપોર્ટ આપવાનું ભૂલી જાવ છો? આપણે બધા જ કોઈક વાર ભૂલી જઈએ છીએ એટલે ભાઈઓએ યાદ દેવડાવવું પડે છે. જો આપણે એ સમજીશું કે પ્રચારનો રિપોર્ટ આપવો કેમ મહત્ત્વનું છે, તો રિપોર્ટ આપવાનું ભૂલી નહિ જઈએ.
૩૨ કેટલાકે પૂછ્યું છે: “યહોવા તો જાણે છે કે હું કેટલો પ્રચાર કરું છું, તો પછી મારે રિપોર્ટ આપવાની શું જરૂર છે?” ખરું કે યહોવાને ખબર છે કે આપણે કેટલો પ્રચાર કરીએ છીએ અને એ પણ ખબર છે કે તેમની ભક્તિ દિલથી કરીએ છીએ કે ખાલી કરવા ખાતર. પણ યાદ કરો, બાઇબલમાં યહોવાએ ઘણા આંકડા નોંધાવ્યા છે. જેમ કે, નૂહ વહાણમાં કેટલા દિવસો રહ્યા હતા અને ઇઝરાયેલીઓએ વેરાન પ્રદેશમાં કેટલાં વર્ષો વિતાવ્યાં હતાં. યહોવાએ એનો પણ અહેવાલ રાખ્યો કે કેટલા લોકો તેમને વફાદાર રહ્યા અને કેટલા નહિ. ઇઝરાયેલીઓએ કઈ રીતે કનાન દેશ પર ધીમે ધીમે કબજો કર્યો અને ઇઝરાયેલના વફાદાર ન્યાયાધીશોએ કેવાં પગલાં ભર્યાં એની પણ યહોવાએ નોંધ રાખી. હા, તેમણે પોતાના ભક્તોનાં કામો વિશે નાનામાં નાની માહિતી નોંધી છે. એટલું જ નહિ, તેમણે એ બધા બનાવો લખાવી પણ લીધા. આમ આપણે સમજી શકીએ છીએ કે સચોટ નોંધ રાખવી એ યહોવાની નજરે એકદમ મહત્ત્વની છે.
૩૩ બાઇબલમાં લખેલા અહેવાલોથી જાણવા મળે છે કે યહોવાના લોકો સચોટ અહેવાલ રાખતા હતા અને એમાં જણાવેલા આંકડાઓ પણ એકદમ સાચા હતા. ઘણા અહેવાલોમાં સચોટ માહિતી અને આંકડા આપવામાં આવ્યા છે એટલે એની આપણા પર ઊંડી અસર પડે છે. દાખલા તરીકે: ઉત્પત્તિ ૪૬:૨૭; નિર્ગમન ૧૨:૩૭; ન્યાયાધીશો ૭:૭; ૨ રાજાઓ ૧૯:૩૫; ૨ કાળવૃત્તાંત ૧૪:૯-૧૩; યોહાન ૬:૧૦; ૨૧:૧૧; પ્રેરિતોનાં કાર્યો ૨:૪૧; ૧૯:૧૯.
૩૪ ખરું કે યહોવાની ભક્તિમાં આપણે જે કંઈ કરીએ છીએ, એ બધું આ રિપોર્ટમાં જોવા મળતું નથી. પણ આપણા રિપોર્ટથી યહોવાના સંગઠનને ઘણી મદદ મળે છે. પહેલી સદીમાં પ્રેરિતો પ્રચાર કરીને પાછા આવ્યા ત્યારે, “તેઓએ જે કર્યું હતું અને જે શીખવ્યું હતું એ બધું” ઈસુને જણાવ્યું. (માર્ક ૬:૩૦) આજે આપણા રિપોર્ટથી પણ ઘણું બધું જાણવા મળે છે. એ આંકડાઓથી ખબર પડે છે કે કયાં પાસાઓમાં પ્રકાશકો સારું કરી રહ્યા છે અને કયાં પાસાઓમાં વધારે મહેનત કરવાની જરૂર છે. જેમ કે, પ્રકાશકોની સંખ્યા વધતી ન હોય, કદાચ ભાઈ-બહેનોને ઉત્તેજનની જરૂર હોય અથવા કોઈ મુશ્કેલી દૂર કરવાની જરૂર હોય. દેખરેખ રાખતા ભાઈઓ રિપોર્ટ પર ધ્યાન આપે છે ત્યારે, તેઓ પારખી શકે છે કે પ્રકાશક કે મંડળ સામે કેવાં નડતરો છે. પછી તેઓ એ નડતરો દૂર કરવા મદદ કરે છે.
૩૫ આપણા રિપોર્ટથી સંગઠનને એ નક્કી કરવા પણ મદદ મળે છે કે કઈ જગ્યાએ ખુશખબર ફેલાવવા વધારે પ્રકાશકોની જરૂર છે. કયા વિસ્તારોમાં પ્રકાશકોની સંખ્યા વધી રહી છે? કયા વિસ્તારોમાં પ્રકાશકોની સંખ્યા વધતી નથી? લોકોને સત્ય શીખવવા કયા સાહિત્યની જરૂર છે? રિપોર્ટથી સંગઠનને એ પણ જાણવા મળે છે કે દુનિયા ફરતે ચાલી રહેલા પ્રચારકામ માટે કેટલાં સાહિત્યની જરૂર પડશે. પછી એ માટે સંગઠન અગાઉથી ગોઠવણ કરી શકે છે.
૩૬ પ્રચારનો અહેવાલ જોઈને આપણા બધાનો જોશ વધે છે. આખી દુનિયામાં ખુશખબર ફેલાવવાં આપણાં ભાઈ-બહેનો જે મહેનત કરે છે, એ વિશે સાંભળીને આપણી ખુશી સમાતી નથી. રિપોર્ટથી જોઈ શકાય છે કે પ્રચારકામમાં કેટલો વધારો થઈ રહ્યો છે. એનાથી આપણે સંગઠનમાં થઈ રહેલી પ્રગતિ વિશે જાણી શકીએ છીએ. ભાઈ-બહેનોના અનુભવોથી આપણાં દિલને ખુશી મળે છે અને આપણો ઉત્સાહ વધે છે. તેમ જ ખુશખબર ફેલાવવાના કામમાં બનતું બધું કરવા ઉત્તેજન મળે છે. (પ્રે.કા. ૧૫:૩) એટલે આપણે બધાએ પ્રચારનો રિપોર્ટ આપવો જોઈએ. એમ કરીને આપણે ભાઈ-બહેનોની હિંમત વધારીએ છીએ. રિપોર્ટ આપવો કદાચ આપણને સામાન્ય વાત લાગે, પણ એનાથી બતાવીએ છીએ કે આપણે યહોવાના સંગઠનની ગોઠવણને આધીન છીએ.—લૂક ૧૬:૧૦; હિબ્રૂ. ૧૩:૧૭.
ધ્યેયો રાખીએ
૩૭ આપણે પોતાના પ્રચારકામને બીજાં ભાઈ-બહેનો સાથે ન સરખાવીએ. (ગલા. ૫:૨૬; ૬:૪) બધાના સંજોગો અલગ અલગ હોય છે. જો આપણે અમુક ધ્યેય રાખીશું તો ઘણો ફાયદો થશે. પણ આપણે એવા ધ્યેયો રાખીએ જે પૂરા કરી શકીએ. એનાથી જોઈ શકીશું કે આપણે ખુશખબર ફેલાવવાના કામમાં પ્રગતિ કરી રહ્યા છીએ. એ ધ્યેયો પૂરા કરીએ છીએ ત્યારે આપણને ખુશી મળે છે.
૩૮ સાફ દેખાઈ આવે છે કે યહોવા એવા લોકોને ભેગા કરવાનું કામ ઝડપથી કરી રહ્યા છે, જેઓને તે “મોટી વિપત્તિમાંથી” બચાવશે. આપણા સમયમાં યશાયાની આ ભવિષ્યવાણી પૂરી થઈ રહી છે: “થોડામાંથી હજાર બનશે અને નાનકડું ટોળું બળવાન પ્રજા બનશે. હું યહોવા યોગ્ય સમયે એ ઝડપથી કરીશ.” (પ્રકટી. ૭:૯, ૧૪; યશા. ૬૦:૨૨) આ છેલ્લા દિવસોમાં યહોવાના સેવકો તરીકે ખુશખબર ફેલાવવી સાચે જ એક મોટો લહાવો છે!—માથ. ૨૪:૧૪.