પ્રકરણ ૯
ખુશખબર જણાવવાની રીતો
ઈસુએ પૂરા ઉત્સાહથી ખુશખબર ફેલાવી અને પોતાના શિષ્યો માટે સરસ દાખલો બેસાડ્યો. તે લોકો પાસે જઈને તેઓને ખુશખબર જણાવતા હતા. તે લોકોના ઘરે જઈને અને જાહેર જગ્યાએ લોકો સાથે વાત કરતા હતા અને તેઓને શીખવતા હતા. (માથ. ૯:૩૫; ૧૩:૩૬; લૂક ૮:૧) ઈસુ અમુક વાર એક વ્યક્તિને મળીને શીખવતા, તો કોઈક વાર હજારો લોકોના ટોળાને શીખવતા. તે અમુક વાર શિષ્યોને અલગથી પણ શીખવતા. (માર્ક ૪:૧૦-૧૩; ૬:૩૫-૪૪; યોહા. ૩:૨-૨૧) તેમને જ્યારે પણ તક મળતી ત્યારે તે લોકોને ઉત્તેજન આપતા અને આશાનો સંદેશો જણાવતા. (લૂક ૪:૧૬-૧૯) તેમને આરામની જરૂર હોય એવા સમયે પણ ખુશખબર જણાવવાની તક જવા ન દેતા. (માર્ક ૬:૩૦-૩૪; યોહા. ૪:૪-૩૪) બાઇબલમાં ઈસુના સેવાકાર્ય વિશે વાંચીને આપણને પણ મન થાય છે કે તેમની જેમ ખુશખબર જણાવવાના કામમાં દિલ રેડી દઈએ. પ્રેરિતોએ પણ એવું જ કર્યું હતું.—માથ. ૪:૧૯, ૨૦; લૂક ૫:૨૭, ૨૮; યોહા. ૧:૪૩-૪૫.
૨ ઈસુ ખ્રિસ્તે લગભગ ૨,૦૦૦ વર્ષ અગાઉ ખુશખબર જણાવવાની શરૂઆત કરી હતી. આજે તેમના બધા શિષ્યો માટે એ કામ કરવાની અનેક તક રહેલી છે. ચાલો એના પર વિચાર કરીએ.
ઘરે ઘરે પ્રચાર કરીએ
૩ યહોવાના સાક્ષીઓ તરીકે આપણે જાણીએ છીએ કે વ્યવસ્થિત રીતે ઘરે ઘરે જઈને ખુશખબર જણાવવી કેટલું મહત્ત્વનું છે. ઘર ઘરનો પ્રચાર કરવાની રીત આપણે એટલી વાપરી છે કે એ માટે આપણે જાણીતા છીએ. ઓછા સમયમાં લાખો લોકો સુધી પહોંચવા, આ રીત સૌથી સારી છે. એનાં સારાં પરિણામોથી એ સાબિત થયું છે. (માથ. ૧૧:૧૯; ૨૪:૧૪) ઘરે ઘરે પ્રચાર કરીને બતાવીએ છીએ કે આપણે યહોવાને અને પડોશીઓને ખૂબ પ્રેમ કરીએ છીએ.—માથ. ૨૨:૩૪-૪૦.
૪ યહોવાના સાક્ષીઓએ ઘર ઘરનો પ્રચાર કંઈ હમણાંથી શરૂ નથી કર્યો, પણ એ તો પહેલી સદીથી થતો આવ્યો છે. જેમ કે, પ્રેરિત પાઉલે જણાવ્યું હતું કે તે લોકોના ઘરે જઈને શીખવતા. તેમણે પોતાના પ્રચાર વિશે એફેસસ મંડળના વડીલોને કહ્યું: ‘આસિયા પ્રાંતમાં મેં પગ મૂક્યો એ દિવસથી તમારા માટે જે વાતો લાભકારક છે એ કહેવાનું હું ચૂક્યો નથી. તમને ઘરે ઘરે શીખવતા હું અચકાયો નથી.’ આ અને બીજી અનેક રીતે પાઉલે “યહૂદીઓ અને ગ્રીકોને પૂરેપૂરી સાક્ષી આપી છે કે તેઓ ઈશ્વર આગળ પસ્તાવો કરે અને આપણા માલિક ઈસુમાં શ્રદ્ધા મૂકે.” (પ્રે.કા. ૨૦:૧૮, ૨૦, ૨૧) એ સમયે રોમના સમ્રાટો બીજાઓને મૂર્તિપૂજા કરવાનું ઉત્તેજન આપતા હતા અને ઘણા લોકો જૂઠા “દેવોનો ડર રાખનારા” હતા. એટલે એ ખૂબ જરૂરી હતું કે લોકો એ ઈશ્વરને ઓળખે, જેમણે “દુનિયા અને એમાંની બધી વસ્તુઓ રચી છે” અને જે “દરેક જગ્યાએ બધા લોકોને જણાવી રહ્યા છે કે તેઓ પસ્તાવો કરે.”—પ્રે.કા. ૧૭:૨૨-૩૧, ફૂટનોટ.
૫ આજે લોકોને ખુશખબર જણાવવી એ સૌથી મહત્ત્વનું કામ છે. આ દુષ્ટ દુનિયાનો અંત ઝડપથી નજીક આવી રહ્યો છે. એટલે આપણે ખુશખબર ફેલાવવામાં વધારે મહેનત કરવી જોઈએ. જે લોકોને સત્યની ભૂખ છે તેઓને શોધવાની સૌથી સારી રીત છે, ઘર ઘરનો પ્રચાર. એ રીતથી ઈસુ અને પ્રેરિતોના સમયમાં જેટલો ફાયદો થતો હતો એટલો આજે પણ થાય છે.—માર્ક ૧૩:૧૦.
૬ શું તમે ઘર ઘરના પ્રચારમાં પૂરેપૂરો ભાગ લો છો? જો એમ હોય તો ખાતરી રાખો કે યહોવા તમારાથી ખુશ છે. (હઝકિ. ૯:૧૧; પ્રે.કા. ૨૦:૩૫) ઘર ઘરનું પ્રચારકામ કદાચ તમારા માટે સહેલું નહિ હોય. કદાચ તમારી તબિયત સારી ન હોય કે શરીર સાથ આપતું ન હોય. અથવા તમે એવા વિસ્તારમાં સંદેશો જણાવતા હો, જ્યાં મોટા ભાગના લોકો સાંભળવા માંગતા ન હોય. બની શકે કે સરકારે આપણા કામ પર અમુક પ્રતિબંધ મૂક્યા હોય. કદાચ તમે શરમાળ સ્વભાવના હો અને અજાણ્યાઓ સાથે વાત કરવી તમને ખૂબ અઘરું લાગતું હોય. એટલે તમે જ્યારે પણ ઘર ઘરના પ્રચારમાં જાઓ છો, ત્યારે તમને અમુક ચિંતા ઘેરી વળે છે, પણ નિરાશ ન થતા. (નિર્ગ. ૪:૧૦-૧૨) દુનિયા ફરતે અનેક ભાઈ-બહેનો તમારા જેવા જ સંજોગોમાંથી પસાર થઈ રહ્યાં છે.
૭ ઈસુએ તેમના શિષ્યોને વચન આપ્યું હતું: “જુઓ! દુનિયાના અંત સુધી હું હંમેશાં તમારી સાથે છું.” (માથ. ૨૮:૨૦) એ વચન પર વિચાર કરવાથી આપણને શિષ્યો બનાવવાનું કામ કરવા હિંમત મળે છે. આપણે પણ પ્રેરિત પાઉલ જેવું જ અનુભવીએ છીએ. તેમણે કહ્યું: “ઈશ્વર મને બળ આપે છે અને તેમની મદદથી મને બધું કરવાની શક્તિ મળે છે.” (ફિલિ. ૪:૧૩) ઘર ઘરના પ્રચાર માટે મંડળે કરેલી ગોઠવણોમાં તમે બની શકે એટલો વધારે ભાગ લો. બીજાઓ સાથે કામ કરવાથી તમને ઉત્તેજન મળશે અને આ કામમાં કુશળ બનવા મદદ મળશે. ભલે તમારી સામે ગમે એવી મુશ્કેલીઓ આવે, એનો સામનો કરવા પ્રાર્થના કરો અને ખુશખબર ફેલાવવા તનતોડ મહેનત કરો.—૧ યોહા. ૫:૧૪.
૮ જ્યારે લોકોને ખુશખબર જણાવો છો, ત્યારે “તમે જે આશા રાખો છો એ વિશે” જણાવવાની તમને તક મળે છે. (૧ પિત. ૩:૧૫) જે લોકો પાસે ઈશ્વરના રાજ્યની આશા છે અને જેઓ પાસે આશા નથી, તેઓ વચ્ચેનો ફરક તમે સાફ જોઈ શકશો. (યશા. ૬૫:૧૩, ૧૪) ઈસુએ આજ્ઞા આપી હતી, ‘તમારું અજવાળું પ્રકાશવા દો.’ એ આજ્ઞા પાળીને તમને ખુશી મળશે. એટલું જ નહિ ખુશખબર જાહેર કરીને તમને અનેરી તક મળે છે. તમે લોકોને યહોવા વિશે શીખવી શકો છો. તેઓને હંમેશ માટેનું જીવન મેળવવા મદદ કરી શકો છો.—માથ. ૫:૧૬; યોહા. ૧૭:૩; ૧ તિમો. ૪:૧૬.
૯ શનિ-રવિ અને અઠવાડિયા દરમિયાન પણ ઘર ઘરના પ્રચારની ગોઠવણો કરવામાં આવે છે. અમુક વિસ્તારોમાં લોકો દિવસે ઘરે મળતા નથી, એટલે અમુક મંડળો સાંજે પ્રચાર કરવાની ગોઠવણ કરે છે. લોકો પાસે સવારને બદલે બપોરે કે સાંજે નવરાશનો સમય વધારે હોય છે, એટલે કદાચ તેઓ વાતચીત કરવા તૈયાર થાય.
યોગ્ય લોકોને શોધીએ
૧૦ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું કે તેઓ યોગ્ય લોકોની ‘તપાસ કરે.’ (માથ. ૧૦:૧૧) યોગ્ય લોકોને શોધવા ઈસુ ફક્ત ઘરે ઘરે જ પ્રચાર કરતા ન હતા. તે તો જ્યાં પણ લોકો મળે, ત્યાં તેઓને ખુશખબર જણાવતા હતા. (લૂક ૮:૧; યોહા. ૪:૭-૧૫) પ્રેરિતોએ પણ જુદી જુદી જગ્યાઓએ ખુશખબર જણાવી હતી.—પ્રે.કા. ૧૭:૧૭; ૨૮:૧૬, ૨૩, ૩૦, ૩૧.
આપણે ચાહીએ છીએ કે દરેક વ્યક્તિને ખુશખબર જણાવવા બનતું બધું કરીએ
૧૧ આજે આપણે પણ ચાહીએ છીએ કે દરેક વ્યક્તિને ખુશખબર જણાવવા બનતું બધું કરીએ. એ માટે જરૂરી છે કે આપણે શિષ્યો બનાવવાના કામમાં ઈસુ અને તેમના પ્રેરિતોની રીત અપનાવીએ. સમય બદલાતો રહે છે અને લોકોના સંજોગો પણ બદલાતા રહે છે, એટલે આપણે ખુશખબર જણાવવાની નવી નવી રીતો વાપરીએ. (૧ કોરીં. ૭:૩૧) દાખલા તરીકે, વેપારી વિસ્તારમાં ખુશખબર જણાવવાથી પ્રકાશકોને સારાં પરિણામો મળ્યાં છે. ઘણા દેશોમાં જાહેર માર્ગો પર, બાગ-બગીચાઓમાં, વાહનો પાર્ક કરવાની જગ્યાએ કે પછી જ્યાં પણ લોકો મળે ત્યાં ખુશખબર જણાવવામાં આવે છે. અમુક મંડળો પોતાના પ્રચાર વિસ્તારમાં ટેબલ અથવા ટ્રોલી રાખીને પ્રચાર કરે છે. વધુમાં શાખા કચેરી મોટાં શહેરોમાં જાહેરમાં પ્રચારની ખાસ ગોઠવણ કરી શકે છે. એ માટે એવી જગ્યા પસંદ કરવામાં આવે છે જ્યાં વધારે ભીડ હોય. એમાં અનેક મંડળો ભાગ લે છે. આમ એવા લોકોને પણ ખુશખબર જણાવી શકાય છે જેઓ ઘરે નથી મળતા.
૧૨ જાહેર જગ્યાએ ખુશખબર જણાવતી વખતે જો કોઈ વ્યક્તિ રસ બતાવે, તો તેની જરૂરિયાત પ્રમાણે યોગ્ય સાહિત્ય આપી શકો. તેની સાથે વધારે વાતચીત કરવા તમારો ફોન નંબર આપી શકો. તમે તેને ફરી મળવા માટે સમય નક્કી કરી શકો, jw.org વિશે જણાવી શકો અથવા નજીકના પ્રાર્થનાઘરનું સરનામું આપી શકો, જેથી તે સભાઓમાં જઈ શકે. આ રીતે જાહેર જગ્યાઓએ લોકોને ખુશખબર જણાવીને તમને ઘણી મજા આવશે અને વધારે પ્રચાર કરવાનું મન થશે.
૧૩ ખુશખબર ફેલાવવી જ પૂરતું નથી, બીજું પણ કંઈક કરવાની જરૂર છે. જો તમે ચાહતા હો કે લોકો બાઇબલનું સાચું શિક્ષણ સ્વીકારે અને હંમેશ માટેનું જીવન મેળવે, તો તમારે રસ ધરાવતા લોકોને વારંવાર મળવું જોઈએ. એનાથી તેઓ પ્રગતિ કરી શકશે અને ઈસુના ખરા શિષ્ય બની શકશે.
ફરી મુલાકાતો કરીએ
૧૪ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું: ‘તમે પૃથ્વીના છેડા સુધી મારા સાક્ષી થશો.’ (પ્રે.કા. ૧:૮) તેમણે તેઓને એમ પણ કહ્યું હતું: ‘એ માટે જાઓ, બધા દેશના લોકોને શિષ્યો બનાવો. મેં તમને જે આજ્ઞાઓ આપી છે, એ બધી પાળવાનું તેઓને શીખવો.’ (માથ. ૨૮:૧૯, ૨૦) ફરી મુલાકાતો કરવાથી આપણને ઘણી ખુશી મળી શકે છે. જે લોકોએ પહેલી મુલાકાત વખતે ખુશખબરમાં રસ બતાવ્યો હોય, તેઓને તમે ફરી મળવા જશો તો તેઓને કદાચ વધારે સાંભળવું ગમશે. તમે બાઇબલ વિશે વધારે માહિતી જણાવીને ઈશ્વરમાં તેઓની શ્રદ્ધા મજબૂત કરી શકો છો. તેમ જ તેઓને અહેસાસ કરાવી શકો છો કે તેઓએ ઈશ્વર વિશે વધારે શીખવાની જરૂર છે. (માથ. ૫:૩) જો તમે ફરી મુલાકાત માટે સારી તૈયારી કરશો અને ઘરમાલિકને ફાવે એવા સમયે મળવાનું નક્કી કરશો, તો કદાચ તેમની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરી શકશો. ફરી મુલાકાતોનો ધ્યેય એ જ હોવો જોઈએ કે તમે બાઇબલ અભ્યાસ શરૂ કરો. આપણે ફક્ત સત્યનું બી વાવતા નથી, એમાં સમયે સમયે પાણી પણ પાઈએ છીએ.—૧ કોરીં. ૩:૬.
૧૫ અમુકને ફરી મુલાકાતો કરવી અઘરું લાગે છે. કદાચ તમને પણ એવું લાગતું હશે. તમે થોડા શબ્દોમાં ખુશખબર જણાવવાનું શીખી ગયા હશો અને એમાં તમને મજા પણ આવતી હશે. પણ ઘરમાલિકને ફરી મળીને બાઇબલ વિશે ચર્ચા કરવાના વિચારથી જ તમને ગભરામણ થતી હશે. પણ જો તમે સારી તૈયારી કરશો, તો ગભરાયા વગર ઘરમાલિક સાથે વાત કરી શકશો. અઠવાડિયા દરમિયાન થતી સભામાં મળતાં સૂચનો લાગુ પાડો. તમે ફરી મુલાકાત માટે પોતાની સાથે કોઈ અનુભવી ભાઈ કે બહેનને લઈ જઈ શકો.
બાઇબલ અભ્યાસ ચલાવીએ
૧૬ એક માણસ જેણે યહૂદી ધર્મ અપનાવ્યો હતો, તે શાસ્ત્ર વાંચતો હતો. તેને જોઈને પ્રચારક ફિલિપે પૂછ્યું: “તમે જે વાંચો છો શું એ ખરેખર સમજો છો?” તેણે કહ્યું: “કોઈના શીખવ્યા વિના હું કેવી રીતે સમજી શકું?” પ્રેરિતોનાં કાર્યો અધ્યાય ૮નો અહેવાલ જણાવે છે કે પછી શું થયું. એ માણસ શાસ્ત્રનો જે ભાગ વાંચી રહ્યો હતો, એ વિશે ફિલિપે સમજાવ્યું અને પછી ‘ઈસુ વિશેની ખુશખબર જણાવી.’ (પ્રે.કા. ૮:૨૬-૩૬) આપણે એ જાણતા નથી કે ફિલિપે એ માણસ સાથે કેટલો સમય વિતાવ્યો, પણ એ જાણીએ છીએ કે ફિલિપે તેને એકદમ સારી રીતે સમજાવ્યું. એટલે એ માણસે ખુશખબર સ્વીકારી અને કહ્યું કે તે બાપ્તિસ્મા લેવા માંગે છે. આ રીતે તે ઈસુ ખ્રિસ્તનો શિષ્ય બન્યો.
૧૭ આજે ઘણા લોકો બાઇબલ વિશે કંઈ જ જાણતા નથી. એટલે કદાચ એવા લોકોની ઘણી વાર ફરી મુલાકાતો કરવી પડે. કદાચ અઠવાડિયાઓ, મહિનાઓ, વર્ષ કે એનાથી પણ વધારે સમય તેઓ સાથે બાઇબલ અભ્યાસ કરવો પડે. એ પછી જ કદાચ તેઓની શ્રદ્ધા મજબૂત થશે અને બાપ્તિસ્મા માટે યોગ્ય બનશે. ઈસુના શિષ્ય બનવા લોકોને પ્રેમથી અને ધીરજથી શીખવીશું તો, આપણને ખુશી મળશે. ઈસુએ પણ કહ્યું હતું કે “લેવા કરતાં આપવામાં વધારે ખુશી છે.”—પ્રે.કા. ૨૦:૩૫.
૧૮ તમે એવા સાહિત્યમાંથી અભ્યાસ ચલાવી શકો, જે ખાસ બાઇબલ અભ્યાસ ચલાવવા માટે તૈયાર કરવામાં આવ્યું છે. અઠવાડિયા દરમિયાન થતી સભામાં બાઇબલ અભ્યાસ ચલાવવા માટે સૂચનો આપવામાં આવે છે, તમે એ લાગુ પાડી શકો. મંડળનાં અનુભવી ભાઈ-બહેનો સાથે તેઓના બાઇબલ અભ્યાસમાં જઈ શકો. એવું કરવાથી તમે બાઇબલ અભ્યાસ સારી રીતે ચલાવી શકશો અને બીજાઓને ઈસુના શિષ્ય બનવા મદદ કરી શકશો.
૧૯ કદાચ તમને બાઇબલ અભ્યાસ શરૂ કરવા કે એને ચલાવવા કોઈની મદદની જરૂર પડે. એવા સમયે તમે કોઈ વડીલની અથવા કોઈ ભાઈ કે બહેનની મદદ લઈ શકો, જે બાઇબલ અભ્યાસ સારી રીતે ચલાવી શકે છે. જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકામાં આપેલાં સૂચનોથી અને એ સભામાં બતાવવામાં આવતાં દૃશ્યોથી પણ તમને ઘણી મદદ મળી શકે. યહોવા પર ભરોસો રાખો અને મદદ માટે તેમને પ્રાર્થના કરો. (૧ યોહા. ૩:૨૨) તમે કદાચ કુટુંબના કોઈ સભ્ય સાથે બાઇબલ અભ્યાસ કરતા હશો, પણ એની સાથે બીજા કોઈનો પણ અભ્યાસ ચલાવવાનો ધ્યેય રાખો. બાઇબલ અભ્યાસ ચલાવવાથી પ્રચારકામમાં તમને વધારે મજા આવશે.
વિદ્યાર્થીને યહોવાના સંગઠન તરફ દોરીએ
૨૦ જ્યારે આપણે લોકોને યહોવા વિશે શીખવીએ છીએ અને ઈસુ ખ્રિસ્તના શિષ્ય બનવા મદદ કરીએ છીએ, ત્યારે તેઓ મંડળનો ભાગ બની શકે છે. વિદ્યાર્થી યહોવાની ભક્તિમાં આગળ વધે અને પરિપક્વ બને એ માટે જરૂરી છે કે તે યહોવાના સંગઠનને ઓળખે અને એના માર્ગદર્શન પ્રમાણે ચાલે. એટલે આપણે તેને સંગઠન વિશે પણ શીખવવું જોઈએ. એ માટે યહોવા ઈશ્વરની ઇચ્છા આજે કોણ પૂરી કરે છે? મોટી પુસ્તિકા અને ઘણા વીડિયો તૈયાર કરવામાં આવ્યાં છે. એ મોટી પુસ્તિકાના પ્રકરણ ૪માં આપેલી માહિતીથી પણ તમને મદદ મળશે.
૨૧ બાઇબલ વિદ્યાર્થીને પહેલેથી જ એ સમજવા મદદ કરો કે યહોવાનું એક સંગઠન છે. આજે પૃથ્વી પર પ્રચારકામ પૂરું કરવા યહોવા એ સંગઠનનો ઉપયોગ કરી રહ્યા છે. તેને એ જોવા મદદ કરો કે જે સાહિત્યમાંથી બાઇબલ અભ્યાસ કરીએ છીએ એ કેટલાં અનમોલ છે. તેને એ પણ જણાવો કે સ્વયંસેવકો કઈ રીતે એ બધાં સાહિત્ય તૈયાર કરે છે અને આખી દુનિયામાં પહોંચાડે છે. તમારા બાઇબલ વિદ્યાર્થીને પ્રાર્થનાઘરમાં થતી સભાઓમાં આવવા આમંત્રણ આપો અને સમજાવો કે સભાઓ કઈ રીતે ચલાવવામાં આવે છે. તેને ભાઈ-બહેનોની ઓળખાણ કરાવો. તમે સંમેલનો અને મહાસંમેલનોમાં તેને બીજાં ભાઈ-બહેનોની પણ ઓળખાણ કરાવી શકો. આવી સભાઓમાં અને બીજા પ્રસંગોએ વિદ્યાર્થી જોઈ શકશે કે યહોવાના લોકો વચ્ચે કેટલો પ્રેમ છે, જે સાચા ખ્રિસ્તીઓની ઓળખ છે. (યોહા. ૧૩:૩૫) વિદ્યાર્થીના દિલમાં યહોવાના સંગઠન માટે કદર વધતી જશે તેમ, તે યહોવાની વધારે નજીક આવશે.
બાઇબલનું શિક્ષણ આપતાં સાહિત્યનો ઉપયોગ કરીએ
૨૨ પહેલી સદીના ખ્રિસ્તીઓ ઈશ્વરનો સંદેશો ઉત્સાહથી જણાવતા હતા. તેઓ શાસ્ત્રની નકલો બનાવતા, જેથી પોતે અભ્યાસ કરી શકે અને મંડળમાં પણ શીખવી શકે. તેઓ બીજાઓને શાસ્ત્રમાંથી અભ્યાસ કરવા ઉત્તેજન આપતા. તેઓ પાસે હાથે લખેલી શાસ્ત્રની નકલો બહુ ઓછી હતી અને તેઓ એને ખૂબ સંભાળીને રાખતા હતા. (કોલો. ૪:૧૬; ૨ તિમો. ૨:૧૫; ૩:૧૪-૧૭; ૪:૧૩; ૧ પિત. ૧:૧) આજે યહોવાના સાક્ષીઓ છાપકામની નવી રીતો વાપરીને કરોડો બાઇબલ અને એને લગતું સાહિત્ય બહાર પાડે છે. એમાં સેંકડો ભાષાઓમાં પત્રિકાઓ, મૅગેઝિનો, પુસ્તકો અને મોટી પુસ્તિકાઓનો સમાવેશ થાય છે.
૨૩ તમે લોકોને ખુશખબર જણાવો ત્યારે, યહોવાના સંગઠને તૈયાર કરેલાં સાહિત્યનો ઉપયોગ કરો. તમને પોતાને એ સાહિત્ય વાંચીને અને એનો અભ્યાસ કરીને ઘણો ફાયદો થયો હશે. બીજાઓને પણ ફાયદો થાય એટલે તેઓને પણ એ સાહિત્ય આપો.—હિબ્રૂ. ૧૩:૧૫, ૧૬.
૨૪ આજે મોટા ભાગના લોકો માહિતી મેળવવા સૌથી પહેલા ઇન્ટરનેટ પર જુએ છે. ખુશખબર ફેલાવવા છાપેલાં સાહિત્યની સાથે સાથે આપણી ઑફિશિયલ વેબસાઇટ jw.org દ્વારા પણ ઘણો ફાયદો થયો છે. આખી દુનિયામાં લોકો કોમ્પ્યુટર કે મોબાઇલ વાપરીને બાઇબલ અને આપણાં સાહિત્ય સેંકડો ભાષાઓમાં વાંચી શકે છે અથવા એનું રેકોર્ડિંગ સાંભળી શકે છે. અમુક લોકો આપણી સાથે વાત કરતા અચકાય છે અથવા એવા વિસ્તારોમાં રહે છે, જ્યાં યહોવાના સાક્ષીઓ સાથે વાત કરવાની તક નથી મળતી. તેઓ ઘરે બેઠા jw.org વેબસાઇટ પર આપણી માન્યતાઓ વિશે વધારે જાણી શકે છે.
૨૫ આપણને જ્યારે પણ તક મળે છે, ત્યારે લોકોને jw.org વેબસાઇટ વિશે જણાવીએ છીએ. જો કોઈ આપણી માન્યતાઓ વિશે સવાલ પૂછે, તો એ જ સમયે આપણે મોબાઇલ કે ટેબ્લેટમાંથી જવાબ આપી શકીએ. જો કોઈ બીજી ભાષાની વ્યક્તિ મળે, પછી ભલે એ સાઇન લેંગ્વેજ વાપરતી હોય, આપણે વેબસાઇટ તરફ તેનું ધ્યાન દોરી શકીએ. વેબસાઇટ પર તે પોતાની ભાષામાં બાઇબલ અને આપણું સાહિત્ય જોઈ શકે છે. ઘણા પ્રકાશકોએ વેબસાઇટ પરથી કોઈ વીડિયો બતાવીને બાઇબલ વિશે ચર્ચા શરૂ કરી છે.
તક મળે ત્યારે પ્રચાર કરીએ
૨૬ ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, ‘તમે દુનિયાનું અજવાળું છો. તમારું અજવાળું લોકો આગળ પ્રકાશવા દો, જેથી તેઓ તમારાં સારાં કાર્યો જુએ અને સ્વર્ગમાંના તમારા પિતાને મહિમા આપે.’ (માથ. ૫:૧૪-૧૬) એ શિષ્યોએ ઈસુને પગલે ચાલીને બતાવી આપ્યું કે તેઓ ઈશ્વરના માર્ગે ચાલી રહ્યા છે. ઈસુએ એમ પણ કહ્યું, “હું દુનિયાનો પ્રકાશ છું.” તેમણે શીખવ્યું કે “જીવનનો પ્રકાશ” કઈ રીતે ફેલાવી શકાય, જેથી સંદેશો સાંભળનારને ફાયદો થાય.—યોહા. ૮:૧૨.
૨૭ પ્રેરિત પાઉલે પણ આપણા માટે સારો દાખલો બેસાડ્યો છે. (૧ કોરીં. ૪:૧૬; ૧૧:૧) તે એથેન્સમાં હતા ત્યારે દરરોજ બજારમાં જે કોઈ મળે તેને ખુશખબર જણાવતા. (પ્રે.કા. ૧૭:૧૭) ફિલિપીના ખ્રિસ્તીઓ તેમના દાખલાને અનુસર્યા. એટલે પાઉલે તેઓને લખ્યું, ‘તમે દુષ્ટ અને આડી પેઢી વચ્ચે રહો છો, છતાં ઝળહળતા પ્રકાશ જેવા છો.’ (ફિલિ. ૨:૧૫) જો આપણે વાણી-વર્તન સારાં રાખીશું અને લોકોને ખુશખબર જણાવીશું, તો સત્યનો પ્રકાશ ફેલાવી શકીશું. આપણે નેક અને પ્રામાણિક છીએ એટલે લોકો જોઈ શકે છે કે આપણે દુનિયાના લોકોથી અલગ છીએ. પણ તેઓને ખુશખબર જણાવીશું ત્યારે તેઓ સમજી શકશે કે આપણે કેમ બીજા લોકોથી અલગ છીએ.
૨૮ ઘણાં ભાઈ-બહેનો કામની જગ્યાએ, સ્કૂલમાં, બસ કે ટ્રેનમાં અથવા રોજબરોજનાં કામો કરતી વખતે લોકોને ખુશખબર જણાવે છે. આપણે મુસાફરી કરતા હોઈએ ત્યારે, આસપાસ બેઠેલા લોકોને ખુશખબર જણાવી શકીએ. લોકો સાથે સામાન્ય વાતચીત કરતી વખતે, તેઓને ખુશખબર જણાવવાની કોશિશ કરીએ. ચાલો તક મળે ત્યારે લોકોને પ્રચાર કરવા હંમેશાં તૈયાર રહીએ!
૨૯ આપણે ખુશખબર ફેલાવીને આપણા સર્જનહારની સ્તુતિ કરીએ છીએ અને તેમના નામને મહિમા આપીએ છીએ. એ હકીકત ધ્યાનમાં રાખીશું તો, આપણે દિલથી પ્રચાર કરવા પ્રેરાઈશું. વધુમાં આપણે નેક દિલના લોકોને મદદ કરી શકીશું, જેથી તેઓ યહોવાને સારી રીતે ઓળખી શકે, તેમની સેવા કરી શકે અને ઈસુ ખ્રિસ્તમાં શ્રદ્ધા મૂકીને હંમેશ માટેના જીવનની આશા મેળવી શકે. આપણી મહેનત જોઈને યહોવા ખુશ થાય છે અને તે એને પવિત્ર સેવા ગણે છે.—હિબ્રૂ. ૧૨:૨૮; પ્રકટી. ૭:૯, ૧૦.
પ્રચાર વિસ્તાર
૩૦ યહોવાની ઇચ્છા છે કે શહેરેશહેર, ગામેગામ, હા, આખી દુનિયામાં ખુશખબર જણાવવામાં આવે. એ માટે શાખા કચેરી મંડળોને અને છૂટાછવાયા વિસ્તારોમાં સેવા આપતાં ભાઈ-બહેનોને પ્રચાર માટે વિસ્તાર સોંપે છે. (૧ કોરીં. ૧૪:૪૦) પહેલી સદીમાં પણ ઈશ્વરના માર્ગદર્શન પ્રમાણે એવી જ ગોઠવણ કરવામાં આવી હતી. (૨ કોરીં. ૧૦:૧૩; ગલા. ૨:૯) આ છેલ્લા દિવસોમાં ખુશખબર ફેલાવવાનું કામ પૂરઝડપે આગળ વધી રહ્યું છે. એટલે મંડળો આ કામ વ્યવસ્થિત રીતે કરે છે ત્યારે, એનાં સારાં પરિણામો મળે છે.
૩૧ મંડળમાં સેવા નિરીક્ષકના માર્ગદર્શન નીચે પ્રચાર વિસ્તારની ગોઠવણ કરવામાં આવે છે. પણ પ્રકાશકોને પ્રચાર વિસ્તાર આપવાનું કામ કોઈ એક સહાયક સેવક કરી શકે છે. પ્રચાર વિસ્તાર બે પ્રકારના હોય છે, ગ્રૂપ માટે પ્રચાર વિસ્તાર અને કોઈ વ્યક્તિને આપેલો પ્રચાર વિસ્તાર. પ્રચાર વિસ્તાર પૂરતો ન હોય એવાં મંડળોમાં, ગ્રૂપ નિરીક્ષક ગ્રૂપ માટે પ્રચાર વિસ્તાર લેશે અને એ ગ્રૂપનાં ભાઈ-બહેનો એમાં ખુશખબર જણાવશે. પણ જો પ્રચાર વિસ્તાર ખૂબ મોટો હોય, તો મંડળોમાં પ્રકાશકો પોતાના માટે પ્રચાર વિસ્તાર લઈ શકે છે.
૩૨ એક વ્યક્તિ પાસે પોતાનો પ્રચાર વિસ્તાર હોય તો, તે એવા સમયે ત્યાં પ્રચાર કરી શકે જ્યારે પ્રચારની સભા રાખી ન હોય અથવા પ્રચાર ગ્રૂપમાં જવું મુશ્કેલ હોય. દાખલા તરીકે, અમુક પ્રકાશકો પોતાના કામની જગ્યાની આસપાસ પ્રચાર વિસ્તાર લે છે. તેઓ રિસેસમાં કે કામેથી છૂટ્યા પછી ત્યાં પ્રચાર કરે છે. અમુક કુટુંબો પોતાના ઘરની આસપાસ પ્રચાર વિસ્તાર લે છે અને ત્યાં કોઈક વાર સાંજના પ્રચાર કરે છે. પોતાને ફાવે એવો પ્રચાર વિસ્તાર લેવાથી પ્રકાશક ખુશખબર ફેલાવવામાં વધારે સમય આપી શકે છે. તે પોતાની સાથે બીજા પ્રકાશકોને એ વિસ્તારમાં લઈ જઈ શકે. ગ્રૂપ સાથે પ્રચારની સભામાં હાજર રહ્યા પછી તે ચાહે તો કોઈને લઈ જઈ શકે. જો તમે પોતાના માટે પ્રચાર વિસ્તાર લેવા માંગતા હો, તો પ્રચાર વિસ્તાર સેવકને પૂછી શકો.
૩૩ ભલે ગ્રૂપ નિરીક્ષક ગ્રૂપ માટે કે પ્રકાશક પોતાના માટે પ્રચાર વિસ્તાર લે, તેમણે દરેક ઘરે ખુશખબર જણાવવાનો પૂરો પ્રયત્નો કરવો જોઈએ. પ્રચાર વિસ્તારને આવરવા ડેટા સુરક્ષાના નિયમોને આધારે ગોઠવણ કરવી જોઈએ. પ્રચાર વિસ્તાર લીધા પછી, ગ્રૂપ નિરીક્ષકે અથવા પ્રકાશકે એને ૪ મહિનામાં આવરવા પૂરો પ્રયત્ન કરવો જોઈએ. એ આવરી લીધા પછી, તેમણે પ્રચાર વિસ્તાર સેવકને જણાવવું જોઈએ. સંજોગોને ધ્યાનમાં રાખીને ગ્રૂપ નિરીક્ષક અથવા પ્રકાશક પ્રચાર વિસ્તાર પોતાની પાસે રાખી શકે અને ત્યાં ફરીથી પ્રચાર કરી શકે. જો તે ચાહે તો એ વિસ્તાર પ્રચાર વિસ્તાર સેવકને પાછો આપી શકે.
૩૪ મંડળનાં બધાં ભાઈ-બહેનો સાથ-સહકાર આપશે તો, આખો પ્રચાર વિસ્તાર સારી રીતે આવરી શકીશું. તેમ જ, પ્રકાશકો વારંવાર એક જ વિસ્તારમાં જઈને ખુશખબર જણાવવાનું ટાળી શકશે, જેથી ઘરમાલિક ગુસ્સે ન થાય. આમ આપણે ભાઈ-બહેનોને અને પ્રચાર વિસ્તારમાં રહેતા લોકોને આદર આપીએ છીએ.
બધી ભાષાના લોકોને ખુશખબર જણાવવા સહકાર આપીએ
૩૫ દરેક વ્યક્તિએ યહોવા ઈશ્વર, તેમના દીકરા અને રાજ્ય વિશે શીખવાની જરૂર છે. (પ્રકટી. ૧૪:૬, ૭) આપણે બધી ભાષાના લોકોને મદદ કરવા માંગીએ છીએ, જેથી તેઓ ઉદ્ધાર મેળવવા યહોવાનું નામ લઈ શકે અને ખ્રિસ્ત જેવો સ્વભાવ કેળવી શકે. (રોમ. ૧૦:૧૨, ૧૩; કોલો. ૩:૧૦, ૧૧) એક જ વિસ્તારમાં જુદી જુદી ભાષા બોલતા લોકો રહેતા હોય ત્યારે, ખુશખબર જણાવવામાં અમુક પડકારો આવી શકે છે. ચાલો જોઈએ કે એ પડકારોનો કઈ રીતે સામનો કરી શકીએ, જેથી વધુ ને વધુ લોકો તેઓની ભાષામાં સંદેશો સાંભળી શકે.—રોમ. ૧૦:૧૪.
૩૬ જે ભાષામાં સભાઓ થતી હોય એ ભાષા પ્રમાણે મંડળોને પ્રચાર વિસ્તાર વહેંચી આપવામાં આવે છે. અમુક વિસ્તારોમાં જુદી જુદી ભાષા બોલાય છે. એટલે એ વિસ્તારમાં એકથી વધારે મંડળો પ્રચાર કરે છે. એવા સંજોગોમાં, પ્રકાશકોએ પોતાના મંડળની ભાષા બોલતા લોકોને જ પ્રચાર કરવા પર ધ્યાન આપવું જોઈએ. દર વર્ષે ખાસ આમંત્રણ માટેની ઝુંબેશો વખતે પણ આ લાગુ પડે છે. પણ જાહેરમાં કે તક મળે ત્યારે પ્રચાર કરતી વખતે પ્રકાશક કોઈ પણ ભાષાની વ્યક્તિ સાથે વાત કરી શકે છે અને કોઈ પણ ભાષામાં સાહિત્ય આપી શકે છે.
૩૭ બીજી ભાષાનાં અમુક મંડળોનો વિસ્તાર દૂર દૂર સુધી ફેલાયેલો હોય છે. એટલે તેઓ નિયમિત રીતે ત્યાં ખુશખબર જાહેર કરી શકતા નથી. એવા સંજોગોમાં એ વિસ્તારનાં મંડળોના સેવા નિરીક્ષકોએ એકબીજા સાથે વાતચીત કરવી જોઈએ. તેઓએ એવી ગોઠવણ કરવી જોઈએ, જેથી એ વિસ્તાર સારી રીતે આવરી શકાય. એમ કરશે તો, દરેકને ખુશખબર સાંભળવાની તક મળશે અને એકથી વધારે મંડળના પ્રકાશકો એક જ ઘરે વારંવાર નહિ જાય.—નીતિ. ૧૫:૨૨.
૩૮ ઘર ઘરના પ્રચારમાં બીજી ભાષા બોલતી વ્યક્તિ મળે તો શું કરવું જોઈએ? આપણે એમ ધારી ન લેવું જોઈએ કે એ વ્યક્તિની ભાષા બોલતા કોઈ ભાઈ કે બહેન તેની મુલાકાત લેશે. અમુક પ્રકાશકો બીજી ભાષામાં સાદી રજૂઆત શીખ્યા છે, કેમ કે એ ભાષાના લોકો તેઓને પ્રચારમાં વારંવાર મળે છે. આપણે એ વ્યક્તિને બતાવી શકીએ કે તે કઈ રીતે jw.org વેબસાઇટ પર તેની ભાષામાં સાહિત્ય વાંચી શકે કે એને ડાઉનલોડ કરી શકે અથવા તેને કહી શકીએ કે ફરી મળવા આવીશું ત્યારે, તેની ભાષામાં સાહિત્ય લઈને આવીશું.
૩૯ જો વ્યક્તિ રસ બતાવે, તો આપણે શું કરવું જોઈએ? તેની ભાષા બોલતા હોય એવા કોઈ પ્રકાશકને આપણે શોધવા જોઈએ, જે તેને મદદ કરી શકે. આપણે એ પણ જણાવી શકીએ કે તેની ભાષામાં નજીકમાં ક્યાં સભાઓ થાય છે. આપણે તેને જણાવી શકીએ કે jw.org પર તે પોતાનું સરનામું અને બીજી માહિતી ભરી શકે, જેથી તેની ભાષા બોલતા કોઈ ભાઈ કે બહેન તેને મળવા આવી શકે. પછી શાખા કચેરી જાણવાની કોશિશ કરશે કે કયું ગ્રૂપ, મંડળ કે પ્રકાશક એ વ્યક્તિની નજીક રહે છે અને તેને મદદ કરી શકે છે.
૪૦ રસ ધરાવતી વ્યક્તિને જ્યાં સુધી તેની ભાષા બોલતા પ્રકાશક ન મળે ત્યાં સુધી આપણે તેને મળતા રહેવું જોઈએ. કોઈ વાર શાખા કચેરી વડીલોને જણાવે કે રસ ધરાવતી વ્યક્તિની ભાષા બોલતા કોઈ પણ પ્રકાશક નજીકમાં નથી. એવા સંજોગોમાં, એ વ્યક્તિનો રસ વધારવા આપણે બનતું બધું જ કરવું જોઈએ. શક્ય હોય તો, તેની ભાષામાં અભ્યાસ માટેનું સાહિત્ય વાપરીને બાઇબલમાંથી શીખવી શકીએ. એ સાહિત્યમાં આપેલાં ચિત્રોથી સમજાવી શકીએ અને એમાં આપેલી કલમો તેને વાંચવાનું કહી શકીએ. એમ કરીશું તો અમુક હદે તે બાઇબલનું શિક્ષણ સમજી શકશે. જો એ વ્યક્તિના કુટુંબમાંથી કોઈને તેની ભાષા અને આપણી ભાષા આવડતી હોય, તો તે બંને માટે અનુવાદક બની શકે.
૪૧ આપણે ચાહીએ છીએ કે રસ ધરાવતી વ્યક્તિ ઈશ્વરના સંગઠન વિશે જાણે. એ માટે જરૂરી છે કે આપણે તેને સભાઓમાં આવવા આમંત્રણ આપીએ, પછી ભલેને તેને ત્યાં કદાચ થોડું ઘણું જ સમજાય. જો તેની ભાષામાં બાઇબલ હોય, તો કલમો વાંચવામાં આવે ત્યારે તેને એમાંથી શોધવા મદદ કરી શકીએ. મંડળમાં બીજાઓ સાથે હળવા-મળવાથી તેનો ઉત્સાહ વધી શકે છે અને યહોવાની ભક્તિમાં આગળ વધવા મદદ મળી શકે છે.
૪૨ શરૂઆતી ગ્રૂપ (પ્રીગ્રૂપ): અમુક મંડળોમાં એવા ઘણા પ્રકાશકો છે, જેઓ મંડળની ભાષા સિવાય બીજી ભાષામાં ખુશખબર જણાવે છે. એ ભાષામાં સભા ચલાવવા માટે કોઈ યોગ્ય વડીલ કે સહાયક સેવક નથી. એવાં ભાઈ-બહેનોના ગ્રૂપને શરૂઆતી ગ્રૂપ કહેવામાં આવે છે. નીચે જણાવેલી બાબતો ધ્યાનમાં રાખીને શાખા કચેરી નક્કી કરે છે કે એક મંડળમાં શરૂઆતી ગ્રૂપ ચાલુ કરવું કે નહિ:
(૧) એ વિસ્તારમાં મંડળની ભાષા સિવાય જે ભાષામાં શરૂઆતી ગ્રૂપ ચાલુ કરવા માંગતા હોય એ ભાષા બોલતા ઘણા લોકો હોય.
(૨) થોડા ઘણા પ્રકાશકોને એ ભાષા આવડતી હોય અથવા એ ભાષા શીખવા તૈયાર હોય.
(૩) વડીલોનું જૂથ એ ભાષાના લોકોને પ્રચાર કરવાની ગોઠવણ કરવા તૈયાર હોય.
વડીલોનું જૂથ શરૂઆતી ગ્રૂપની દેખરેખ રાખવા તૈયાર હોય તો તેઓએ સરકીટ નિરીક્ષકને જણાવવું જોઈએ. સરકીટ નિરીક્ષકને કદાચ ખબર હોય કે બીજાં કયાં મંડળો એ ભાષામાં પ્રચાર કરવાની કોશિશ કરે છે. એટલે તે જણાવી શકે છે કે કયું મંડળ શરૂઆતી ગ્રૂપની સારી દેખરેખ રાખી શકે છે. એક વાર નક્કી થઈ જાય કે કયું મંડળ શરૂઆતી ગ્રૂપની દેખરેખ રાખશે, પછી એ મંડળના વડીલો શાખા કચેરીને પત્ર લખશે. તેઓ એ પત્રમાં શરૂઆતી ગ્રૂપની દેખરેખ રાખવાની મંજૂરી માંગશે.
૪૩ ગ્રૂપ: આગળ જણાવેલી બાબતો ધ્યાનમાં રાખીને શાખા કચેરી નક્કી કરશે કે એક મંડળમાં બીજી ભાષાનું ગ્રૂપ શરૂ કરવું કે નહિ:
(૧) મંડળના વિસ્તારમાં એ ભાષાના ઘણા લોકો સંદેશામાં રસ બતાવતા હોય અને વધારો થવાની આશા હોય.
(૨) અમુક પ્રકાશકો એ ભાષા બોલતા હોય કે શીખી રહ્યા હોય.
(૩) એક યોગ્ય વડીલ કે સહાયક સેવક હોય, જે ગ્રૂપની આગેવાની લે અને એ ભાષામાં દર અઠવાડિયે ઓછામાં ઓછી એક સભા ચલાવે. અથવા એ ભાષામાં સભાનો કોઈ એક ભાગ હાથ ધરે. જેમ કે, જાહેર પ્રવચન કે ચોકીબુરજ અભ્યાસ.
જો ઉપર જણાવેલી જરૂરિયાતો પૂરી થતી હોય, તો વડીલોનું જૂથ શાખા કચેરીને પત્ર લખશે. એમાં વડીલો ગ્રૂપ વિશે બધી માહિતી આપશે અને ગ્રૂપ શરૂ કરવા વિનંતી કરશે. જો ગ્રૂપની જવાબદારી વડીલને સોંપવામાં આવે, તો તેમને “ગ્રૂપ નિરીક્ષક” કહેવામાં આવશે અને સહાયક સેવકને સોંપવામાં આવે, તો તે “ગ્રૂપ સેવક” તરીકે ઓળખાશે.
૪૪ ગ્રૂપ શરૂ થયા પછી વડીલોનું જૂથ નક્કી કરશે કે સભાઓમાં કયા કયા ભાગ ચલાવવામાં આવશે. વડીલો એ પણ નક્કી કરશે કે મહિનામાં કેટલી વાર સભા રાખવામાં આવશે. એ ગ્રૂપ માટે અલગથી પ્રચારની સભા પણ રાખી શકાય. જે વડીલોનું જૂથ ગ્રૂપની આગેવાની લે છે, એની દેખરેખ નીચે ગ્રૂપનાં બધાં ભાઈ-બહેનો કામ કરે છે. વડીલો ગ્રૂપને યોગ્ય માર્ગદર્શન આપશે અને એની દેખરેખ રાખશે. જ્યારે સરકીટ નિરીક્ષક મંડળની મુલાકાતે આવે, ત્યારે તે ગ્રૂપ સાથે પણ પ્રચાર કરશે. ગ્રૂપની પ્રગતિ વિશે અને એની ખાસ જરૂરિયાતો વિશે તે શાખા કચેરીને નાનો રિપોર્ટ મોકલશે. અમુક સમય પછી એ ગ્રૂપ મંડળ બની શકે છે. જો બધાં ભાઈ-બહેનો સંગઠન તરફથી મળતા માર્ગદર્શન પ્રમાણે કરશે તો યહોવા ખુશ થશે.—૧ કોરીં. ૧:૧૦; ૩:૫, ૬.
મંડળે કરેલી પ્રચારની ગોઠવણ
૪૫ દરેક ઈશ્વરભક્તની જવાબદારી છે કે તે બીજાઓને ખુશખબર જણાવે. ખુશખબર જણાવવાની અલગ અલગ રીતો છે, પણ આપણામાંથી ઘણાને બીજાઓ સાથે મળીને પ્રચાર કરવામાં વધારે ખુશી મળે છે. (લૂક ૧૦:૧) એટલે મંડળો શનિ-રવિ અને અઠવાડિયા દરમિયાન પ્રચાર માટે ભેગાં થાય છે. રજાના દિવસે ઘણાં ભાઈ-બહેનોને કામ પર જવાનું ન હોવાથી, મંડળ સાથે ખુશખબર જણાવવાની ઘણી સારી તક મળે છે. મંડળ સેવા સમિતિ પ્રચારની સભા માટે ગોઠવણ કરે છે. એ સભા દિવસે કે સાંજે રાખવામાં આવે છે. એ સભા ભાઈ-બહેનોને ફાવે એવા સમયે અને જગ્યાએ રાખવામાં આવે છે.
૪૬ ભેગા મળીને પ્રચાર કરવાથી પ્રકાશકો એકબીજા સાથે કામ કરી શકે છે અને બધાને “અરસપરસ ઉત્તેજન” મળે છે. (રોમ. ૧:૧૨) નવા પ્રકાશકો અનુભવી ભાઈ-બહેનો સાથે પ્રચાર કરી શકે છે અને તેઓ પાસેથી ઘણું શીખી શકે છે. અમુક વિસ્તારોમાં સલામતીને ધ્યાનમાં રાખતા બે કે વધુ પ્રકાશકો સાથે કામ કરે તો સારું રહેશે. તમે એકલા પ્રચાર કરવાના હો, તોપણ પ્રચારની સભામાં હાજર રહેવાથી બધાને ઉત્તેજન મળશે. તમે ખુશખબર જણાવો છો એ જ વિસ્તારમાં બીજાઓ પણ પ્રચાર કરી રહ્યા છે, એ જાણીને જ તમને ઘણી હિંમત મળી શકે. પાયોનિયરો અને બીજાઓએ એવું ન વિચારવું જોઈએ કે મંડળે ગોઠવેલી પ્રચારની દરેક સભામાં તેઓએ જવું જ પડશે, એમાંય ખાસ કરીને જો એવી સભા દરરોજ રાખવામાં આવતી હોય. પણ જો તેઓ દર અઠવાડિયે પ્રચારની અમુક સભાઓમાં હાજરી આપશે તો સારું રહેશે.
૪૭ ચાલો આપણે બધા ઈસુ અને તેમના પ્રેરિતોના દાખલાને અનુસરીએ. આપણે ખુશખબર ફેલાવવાના કામમાં દિલ રેડી દઈએ. એમ કરીશું તો પૂરો ભરોસો રાખી શકીએ કે યહોવા આપણી મહેનત પર જરૂર આશીર્વાદ આપશે.—લૂક ૯:૫૭-૬૨.