પ્રકરણ ૮૭
અગાઉથી યોજના કરો—હોશિયારીથી વર્તો
બેઇમાન કારભારીનું ઉદાહરણ
પોતાની ધનસંપત્તિથી ‘મિત્રો બનાવો’
ઈસુએ ખોવાયેલા દીકરાનું ઉદાહરણ હાલમાં જ જણાવ્યું હતું. કર ઉઘરાવનારાઓ, શાસ્ત્રીઓ અને ફરોશીઓ એનાથી સમજી શક્યા હશે કે પસ્તાવો કરનાર પાપીઓને માફ કરવા ઈશ્વર તૈયાર છે. (લુક ૧૫:૧-૭, ૧૧) પછી, ઈસુ પોતાના શિષ્યો સાથે વાત કરવા લાગ્યા. તેમણે બીજું એક ઉદાહરણ આપ્યું. એમાં એક અમીર માણસને ખબર પડે છે કે તેના કારભારીએ બરાબર રીતે કામ કર્યું નથી.
ઈસુએ ઉદાહરણમાં જણાવ્યું કે કારભારી પર માલિકની વસ્તુઓ વેડફી દેવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો. એટલે, માલિકે તેને જણાવ્યું કે તેની પાસેથી કારભાર લઈ લેવામાં આવશે. કારભારીએ વિચાર્યું: “મારો માલિક મારી પાસેથી કારભાર લઈ લેશે તો, હું શું કરીશ? ખોદી શકું એટલો હું બળવાન નથી અને ભીખ માંગવાની મને શરમ આવે છે.” ભાવિ વિશે વિચારીને તેણે નક્કી કર્યું: “હું શું કરીશ એ મને ખબર છે, જેથી મારી પાસેથી કારભાર લઈ લેવામાં આવે ત્યારે, લોકો તેઓનાં ઘરોમાં મારો આવકાર કરે.” તેણે તરત દેવાદારોને બોલાવ્યા અને દરેકને પૂછ્યું: “તારે મારા માલિકને કેટલું દેવું ભરી આપવાનું છે?”—લુક ૧૬:૩-૫.
પહેલાએ જવાબ આપ્યો: “સો માપ જૈતૂન તેલ.” એ આશરે ૨,૨૦૦ લિટર તેલ હતું. કદાચ દેવાદાર પાસે મોટી જૈતૂન વાડી હતી અથવા તે જૈતૂન તેલનો વેપારી હતો. કારભારીએ તેને કહ્યું: “તારું કરારનામું પાછું લે અને બેસીને જલદી ૫૦ [૧,૧૦૦ લિટર] લખી નાખ.”—લુક ૧૬:૬.
કારભારીએ બીજા દેવાદારને પૂછ્યું: “હવે તું કહે, તારું દેવું કેટલું છે?” તેણે કહ્યું: “સો મોટાં માપ ઘઉં.” એટલે, આશરે ૨૨,૦૦૦ લિટર. કારભારીએ દેવાદારને કહ્યું: “તારું કરારનામું પાછું લે અને ૮૦ લખી નાખ.” આમ, કારભારીએ ૨૦ ટકા દેવું ઓછું કરી નાખ્યું.—લુક ૧૬:૭.
માલિકના વેપારની જવાબદારી હજુ કારભારી પાસે હતી. એટલે, દેવાદારોનું દેવું ઓછું કરવાનો તેની પાસે અધિકાર હતો. લોકોનું દેવું ઓછું કરીને તે તેઓને મિત્ર બનાવી રહ્યો હતો, જેથી તેની નોકરી છૂટી જાય ત્યારે, એ લોકો તેને મદદ કરે.
પછીથી, માલિકને ખબર પડી કે શું બન્યું હતું. કારભારીએ જે કર્યું એનાથી માલિકને નુકસાન થયું હતું. તોપણ, તેણે જે કર્યું એનાથી તે પ્રભાવિત થયો અને તેના વખાણ કર્યા. કેમ કે, તે “બેઇમાન” હોવા છતાં “હોશિયારીથી વર્ત્યો હતો.” ઈસુએ પછી કહ્યું: “આ દુનિયાના દીકરાઓ પોતાની પેઢી સાથેના વર્તનમાં પ્રકાશના દીકરાઓ કરતાં વધારે હોશિયાર છે.”—લુક ૧૬:૮.
ઈસુ કંઈ કારભારીએ વાપરેલી રીતને ટેકો આપતા ન હતા. વેપારમાં ચાલાકીઓ વાપરવાનું પણ ઉત્તેજન આપતા ન હતા. તો પછી, તે શું કહેવા માંગતા હતા? તેમણે શિષ્યોને અરજ કરી: “તમે આ બેઇમાન દુનિયાની સંપત્તિ વડે તમારા માટે મિત્રો બનાવી લો, જેથી સંપત્તિ પૂરી થઈ જાય ત્યારે, તેઓ હંમેશ માટેનાં ઘરોમાં તમારો આવકાર કરે.” (લુક ૧૬:૯) હા, ભાવિનો વિચાર કરવા અને હોશિયારીથી વર્તવા માટે આ ઉદાહરણમાંથી બોધપાઠ મળે છે. ઈશ્વરભક્તોએ એટલે કે ‘પ્રકાશના દીકરાઓએ’ હંમેશ માટેના ભાવિને ધ્યાનમાં રાખીને પોતાની ધનસંપત્તિનો સમજદારીપૂર્વક ઉપયોગ કરવો જોઈએ.
સ્વર્ગના રાજ્યમાં કે બાગ જેવી સુંદર દુનિયામાં કોણ પ્રવેશશે, એ વિશે ફક્ત યહોવા ઈશ્વર અને તેમના દીકરા જ નક્કી કરી શકે છે. આપણી બધી ધનસંપત્તિથી ઈશ્વરના રાજ્યને ટેકો આપીને તેઓ સાથે મિત્રતા કેળવવા આપણે બનતા બધા પ્રયાસો કરવા જોઈએ. પછી, જો સોનું, ચાંદી અને બીજી ધનસંપત્તિ નાશ પામે, તોપણ આપણે હંમેશ માટેનું જીવન મેળવી શકીશું.
ઈસુએ એમ પણ કહ્યું કે જેઓ પોતાના પૈસા કે માલમિલકતને સાચવવા અને વાપરવામાં વિશ્વાસુ છે, તેઓ વધારે મહત્ત્વની બાબતોમાં પણ વિશ્વાસુ સાબિત થશે. તેમણે આગળ કહ્યું: “એટલા માટે, જો તમે બેઇમાન દુનિયાની સંપત્તિ વિશે પોતાને વિશ્વાસુ સાબિત કરતા નથી, તો જે ખરી સંપત્તિ [જેમ કે, રાજ્યની બાબતો] છે એ વિશે તમારા પર કોણ વિશ્વાસ મૂકશે?”—લુક ૧૬:૧૧.
ઈસુ પોતાના શિષ્યોને જણાવતા હતા કે જો તેઓ ‘હંમેશ માટેનાં ઘરોમાં આવકાર’ મેળવવા માંગતા હોય, તો તેઓ પાસે ઘણી અપેક્ષા રાખવામાં આવશે. કોઈ પણ માણસ ઈશ્વરના ખરા ભક્ત બનવાની સાથે સાથે બેઇમાન દુનિયાની ધનસંપત્તિનો ગુલામ બની શકતો નથી. ઈસુએ પછી સમાપ્તિમાં કહ્યું: “કોઈ ચાકર બે માલિકની ચાકરી કરી શકતો નથી, કેમ કે તે એકને ધિક્કારશે અને બીજાને પ્રેમ કરશે અથવા તે એકને વળગી રહેશે અને બીજાનો તિરસ્કાર કરશે. તમે ઈશ્વરની અને ધનદોલતની એક સાથે ચાકરી કરી શકતા નથી.”—લુક ૧૬:૯, ૧૩.