પ્રકરણ ૯૫
છૂટાછેડા વિશે અને બાળકોને પ્રેમ કરવા વિશે શિક્ષણ
માથ્થી ૧૯:૧-૧૫ માર્ક ૧૦:૧-૧૬ લુક ૧૮:૧૫-૧૭
ઈસુ છૂટાછેડા વિશે ઈશ્વરના વિચારો જણાવે છે
કુંવારા રહેવાનું દાન
બાળકો જેવા થવું જરૂરી છે
ઈસુ અને તેમના શિષ્યોએ ગાલીલથી યરદન નદી પાર કરી અને પેરીઆ થઈને દક્ષિણ તરફ ગયા. ઈસુ અગાઉ પેરીઆમાં હતા ત્યારે, તેમણે છૂટાછેડા વિશે ફરોશીઓને ઈશ્વરનું ધોરણ જણાવ્યું હતું. (લુક ૧૬:૧૮) હવે, તેઓએ ઈસુની પરીક્ષા કરવા એ મુદ્દો ફરીથી ઉપાડ્યો.
મુસાએ લખ્યું હતું કે સ્ત્રીમાં કંઈ “નાલાયક વાત” કે બૂરાઈ જોવા મળે તો, તેને છૂટાછેડા આપી શકાય. (પુનર્નિયમ ૨૪:૧) છૂટાછેડા શાના આધારે આપવા જોઈએ એ વિશે લોકોના અલગ અલગ વિચારો હતા. અમુકને લાગતું કે નાનાં નાનાં કારણોને લીધે પણ છૂટાછેડા આપી શકાય. એટલે, ફરોશીઓએ પૂછ્યું: “શું એ ખરું છે કે પુરુષ તેની પત્નીને કોઈ પણ કારણથી છૂટાછેડા આપી શકે?”—માથ્થી ૧૯:૩.
ઈસુએ માણસોના વિચારોને ટેકો આપવાને બદલે, ઈશ્વરે કરેલી લગ્નની ગોઠવણ તરફ કુશળતાથી ધ્યાન દોર્યું: “શું તમે નથી વાંચ્યું કે જેમણે મનુષ્યનું સર્જન કર્યું, તેમણે શરૂઆતથી તેઓને પુરુષ અને સ્ત્રી બનાવ્યા અને કહ્યું: ‘આ કારણે માણસ પોતાનાં માતાપિતાને છોડીને પોતાની પત્ની સાથે રહેશે અને તેઓ બંને એક શરીર થશે’? એ માટે હવેથી તેઓ બે નહિ, પણ એક શરીર છે. તેથી, ઈશ્વરે જેને જોડ્યું છે તેને કોઈ માણસે જુદું પાડવું નહિ.” (માથ્થી ૧૯:૪-૬) ઈશ્વરે જ્યારે આદમ અને હવાને લગ્નના બંધનમાં બાંધ્યા ત્યારે, એને તોડી નાખવાની કોઈ ગોઠવણ કરી ન હતી.
આ મુદ્દો ઈસુ પાસે લઈ જતા ફરોશીઓએ પૂછ્યું: “તો પછી, મુસાએ કેમ છૂટાછેડા લખી આપીને પત્નીને છૂટાછેડા આપવાની આજ્ઞા કરી હતી?” (માથ્થી ૧૯:૭) ઈસુએ તેઓને જવાબ આપ્યો: “મુસાએ તમારા હૃદયની કઠણતાને લીધે તમારી પત્નીઓને છૂટાછેડા આપવાની રજા આપી હતી, પણ શરૂઆતથી એવું ન હતું.” (માથ્થી ૧૯:૮) “શરૂઆત” શબ્દ મુસાના દિવસોને નહિ, પણ એદનમાં ઈશ્વરે લગ્નની શરૂઆત કરી એ સમયને બતાવતો હતો.
પછી, ઈસુએ આ મહત્ત્વનું સત્ય જણાવ્યું: “હું તમને કહું છું કે જે પોતાની પત્નીને વ્યભિચાર [ગ્રીક, પોર્નિયા] સિવાય બીજા કોઈ કારણથી છૂટાછેડા આપે છે અને બીજી કોઈને પરણે છે, તે લગ્ન બહાર જાતીય સંબંધ બાંધે છે.” (માથ્થી ૧૯:૯) આમ, બાઇબલ ફક્ત વ્યભિચારના કારણને લીધે જ છૂટાછેડાની મંજૂરી આપે છે.
એ સાંભળીને શિષ્યોએ કહ્યું: “જો પતિ-પત્ની વચ્ચે આવું થતું હોય, તો ન પરણવું વધારે સારું.” (માથ્થી ૧૯:૧૦) ખરેખર, લગ્નનો વિચાર કરતી વ્યક્તિએ એને હંમેશ માટેના બંધન તરીકે જોવું જોઈએ!
કુંવારાપણા વિશે ઈસુએ સમજાવ્યું કે અમુક લોકો જન્મથી નપુંસક હોવાથી લગ્ન-સંબંધ માટે સક્ષમ હોતા નથી. બીજા અમુકને નપુંસક બનાવી દેવામાં આવ્યા હોવાથી જાતીય સંબંધ બાંધી શકતા નથી. અમુક એવા પણ છે, જેઓ પોતાની જાતીય ઇચ્છાઓને દબાવી દે છે, જેથી ઈશ્વરના રાજ્યની વાતો પર પૂરેપૂરું મન લગાડી શકે. ઈસુએ સાંભળનારાઓને અરજ કરતા કહ્યું: “[કુંવારાપણું] જે પાળી શકે એ પાળે.”—માથ્થી ૧૯:૧૨.
પછી, લોકો પોતાનાં બાળકોને ઈસુ પાસે લઈ આવ્યા. પરંતુ, શિષ્યોએ લોકોને ધમકાવ્યા, કેમ કે તેઓ ચાહતા ન હતા કે બાળકો ઈસુને હેરાન કરે. એ જોઈને ઈસુ નાખુશ થયા અને તેઓને કહ્યું: “બાળકોને મારી પાસે આવવા દો; તેઓને રોકવાનો પ્રયત્ન કરશો નહિ, કેમ કે ઈશ્વરનું રાજ્ય આ બાળકો જેવાં લોકોનું છે. હું તમને સાચે જ કહું છું, નાના બાળકની જેમ, જે કોઈ ઈશ્વરના રાજ્યને સ્વીકારતું નથી, તે કોઈ પણ રીતે એમાં પ્રવેશશે નહિ.”—માર્ક ૧૦:૧૪, ૧૫; લુક ૧૮:૧૫.
કેવો સુંદર બોધપાઠ! ઈશ્વરના રાજ્યમાં પ્રવેશવા આપણે બાળકો જેવાં નમ્ર અને નવું નવું શીખવા આતુર હોવા જોઈએ. પછી, ઈસુએ બાળકોને પોતાની ગોદમાં લીધા અને તેઓને આશીર્વાદ આપીને પ્રેમ વરસાવ્યો. ‘નાના બાળકની જેમ, જે કોઈ ઈશ્વરના રાજ્યને સ્વીકારે’ છે, તે દરેક માટે ઈસુના દિલમાં એવો જ પ્રેમ છે.—લુક ૧૮:૧૭.