પ્રકરણ ૧૦૦
ચાંદીના ૧,૦૦૦ સિક્કાનું ઉદાહરણ
ઈસુ ચાંદીના ૧,૦૦૦ સિક્કાનું ઉદાહરણ આપે છે
ઈસુની મંજિલ યરૂશાલેમ હતી. પણ તે કદાચ હજુ પોતાના શિષ્યો સાથે જાખ્ખીના ઘરે હતા. તેઓ માનતા હતા કે “ઈશ્વરનું રાજ્ય” જલદી જ સ્થપાશે અને ઈસુ એના રાજા હશે. (લુક ૧૯:૧૧) જેમ ઈસુના મરણ વિશે તેઓને ગેરસમજ થઈ હતી, તેમ આ બાબત પણ તેઓ સમજ્યા નહિ. એટલે, રાજ્ય આવવામાં હજુ ઘણી વાર છે એ સમજાવવા ઈસુએ તેઓને બીજું ઉદાહરણ જણાવ્યું.
તેમણે કહ્યું: “રાજવી ખાનદાનનો એક માણસ દૂર દેશ ગયો, જેથી પોતાના માટે રાજસત્તા મેળવીને પાછો ફરે.” (લુક ૧૯:૧૨) એવી મુસાફરી ઘણો સમય માંગી લે છે. એ સ્પષ્ટ છે કે, ઉદાહરણમાં જણાવેલા ‘રાજવી ખાનદાનના માણસ’ ઈસુ પોતે હતા. તે “દૂર દેશ” એટલે કે સ્વર્ગમાં ગયા, જ્યાં તેમના પિતા તેમને રાજસત્તા આપવાના હતા.
ઉદાહરણમાં ‘રાજવી ખાનદાનના માણસે’ દૂર દેશ જતા પહેલાં, દસ ચાકરોને બોલાવ્યા અને દરેકને ચાંદીના ૧,૦૦૦ સિક્કા આપીને કહ્યું: “હું પાછો આવું ત્યાં સુધી આનાથી વેપાર કરો.” (લુક ૧૯:૧૩) ચાંદીના સિક્કાનું મૂલ્ય ઘણું હતું. ત્રણ મહિના ખેતરમાં મજૂરી કરવાથી મળતા વેતન જેટલું એ સિક્કાઓનું મૂલ્ય હતું.
શિષ્યો કદાચ સમજી ગયા કે તેઓ ઉદાહરણમાંના દસ ચાકરો જેવા છે, કેમ કે ઈસુએ તેઓને અગાઉ કાપણીના મજૂરો પણ કહ્યા હતા. (માથ્થી ૯:૩૫-૩૮) ખરું કે, ઈસુએ તેઓને કાપણીની ફસલ લાવવાનું જણાવ્યું ન હતું. પણ, ફસલ એવા શિષ્યોને રજૂ કરતી હતી, જેઓને ઈશ્વરના રાજ્યમાં સ્થાન મળવાનું હતું. આમ, શિષ્યોએ પોતાનાં સમય, શક્તિ અને સંપત્તિ ખર્ચીને રાજ્ય માટે વધારે વારસદારો ભેગા કરવાના હતા.
ઈસુએ ઉદાહરણમાં બીજું શું જણાવ્યું? તેમણે જણાવ્યું: “પ્રજા [રાજવી ખાનદાનના માણસને] ધિક્કારતી હતી અને તેને આમ કહેવા એલચીઓની ટુકડી મોકલી કે, ‘તું અમારો રાજા થાય, એવું અમે નથી ઇચ્છતા.’” (લુક ૧૯:૧૪) શિષ્યો જાણતા હતા કે યહુદીઓ ઈસુને સ્વીકારતા નથી, અરે અમુક તો તેમને મારી નાખવા માંગે છે. ઈસુ મરણ પામ્યા અને સ્વર્ગમાં ગયા એ પછી, યહુદીઓએ પોતાનો અણગમો બતાવવા ઈસુના શિષ્યોની સતાવણી કરી. એ વિરોધીઓએ બતાવી આપ્યું કે તેઓ ઈસુને રાજા તરીકે સ્વીકારવા માંગતા નથી.—યોહાન ૧૯:૧૫, ૧૬; પ્રેરિતોનાં કાર્યો ૪:૧૩-૧૮; ૫:૪૦.
“રાજવી ખાનદાનનો” માણસ “રાજસત્તા મેળવીને પાછો ફરે” ત્યાં સુધી, દસ ચાકરોએ પોતાને મળેલા ચાંદીના સિક્કાઓનો કેવો ઉપયોગ કર્યો? ઈસુએ જણાવ્યું: “છેવટે, તે રાજસત્તા મેળવીને પાછો આવ્યો ત્યારે, જે ચાકરોને તેણે સિક્કા આપ્યા હતા તેઓને બોલાવ્યા, જેથી તેને ખબર પડે કે તેઓ વેપાર કરીને કેટલું કમાયા. એટલે, પહેલો ચાકર આગળ આવ્યો અને કહ્યું, ‘માલિક, તમારા ચાંદીના ૧૦૦ સિક્કાથી ૧,૦૦૦ સિક્કા કમાયો.’ તેણે તેને કહ્યું: ‘શાબાશ, સારા ચાકર! તું ઘણી નાની બાબતમાં વિશ્વાસુ સાબિત થયો હોવાથી, દસ શહેરો ઉપર અધિકાર ચલાવ.’ હવે, બીજો આવ્યો અને કહ્યું, ‘માલિક, તમારા ચાંદીના ૧૦૦ સિક્કાથી ૫૦૦ સિક્કા કમાયો.’ તેણે એને પણ કહ્યું, ‘તું પાંચ શહેરો પર અધિકારી થા.’”—લુક ૧૯:૧૫-૧૯.
શિષ્યો સમજી ગયા કે ઉદાહરણમાંના ચાકરો તેઓ પોતે હતા. જો તેઓ વધુ શિષ્યો બનાવવા પોતાનાં સમય, શક્તિ અને સંપત્તિનો પૂરો ઉપયોગ કરે, તો ઈસુ તેઓથી ચોક્કસ ખુશ થશે. તેઓ ભરોસો રાખી શકે કે ઈસુ તેઓની અથાક મહેનતનો બદલો જરૂર આપશે. ખરું કે, ઈસુના બધા શિષ્યોના સંજોગો એકસરખા નથી. તેઓ પાસે એકસરખી તક કે આવડત પણ નથી. તેમ છતાં, “રાજસત્તા” મેળવનાર ઈસુ, પોતાના શિષ્યોએ પૂરી નિષ્ઠાથી કરેલા પ્રયત્નોને જોશે અને આશીર્વાદ આપશે.—માથ્થી ૨૮:૧૯, ૨૦.
હવે, ઈસુએ ઉદાહરણમાં છેલ્લે શું કહ્યું એના પર ધ્યાન આપો: “પરંતુ, બીજા [એક ચાકરે] આવીને કહ્યું, ‘માલિક, આ રહ્યા તમારા ૧૦૦ સિક્કા, એને મેં કપડામાં સંતાડી રાખ્યા હતા. જુઓ, હું તમારાથી ડરતો હતો, કેમ કે તમે કઠોર માણસ છો; જે તમે જમા કર્યું નથી એ લઈ લો છો અને જે તમે વાવ્યું નથી એ લણો છો.’ તેણે તેને કહ્યું, ‘દુષ્ટ ચાકર, તારા જ શબ્દોથી હું તારો ન્યાય કરું છું. તું જાણતો હતો ને કે હું કઠોર માણસ છું, જે મેં જમા કર્યું નથી એ હું લઈ લઉં છું અને જે વાવ્યું નથી એ લણું છું? તો પછી, તેં શા માટે મારા પૈસા શાહુકાર પાસે ન મૂક્યા? એમ કર્યું હોત તો, મેં આવીને એ વ્યાજ સાથે પાછા મેળવ્યા હોત.’ જેઓ પાસે ઊભા હતા, તેઓને તેણે કહ્યું, ‘તેની પાસેથી ચાંદીના ૧૦૦ સિક્કા લઈ લો અને જેની પાસે ૧,૦૦૦ સિક્કા છે તેને આપો.’”—લુક ૧૯:૨૦-૨૪.
આ ચાકરે માલિકના રાજ્યની સંપત્તિ વધારવા કોઈ કામ ન કર્યું. એટલે, ચાકરને નુકસાન થયું. ઈશ્વરના રાજ્યમાં ઈસુ રાજા તરીકે રાજ કરે એની પ્રેરિતો રાહ જોતા હતા. એટલે, ઈસુએ આ છેલ્લા ચાકર વિશે જે કહ્યું એના પરથી તેઓ સમજી ગયા કે જો તેઓ દિલથી મહેનત નહિ કરે, તો ઈશ્વરના રાજ્યમાં સ્થાન મેળવી નહિ શકે.
ઈસુના શબ્દોથી તેમના વફાદાર શિષ્યોને વધારે મહેનત કરવા ઉત્તેજન મળ્યું. અંતમાં, તેમણે કહ્યું: “હું તમને કહું છું, જેની પાસે છે તે દરેકને વધારે આપવામાં આવશે, પણ જેની પાસે નથી તેની પાસે જે કંઈ છે એ પણ લઈ લેવાશે.” તેમણે ઉમેર્યું, તેમના જે દુશ્મનો ‘નથી ઇચ્છતા કે તે રાજા’ થાય, તેઓને મારી નાખવામાં આવશે. પછી, ઈસુ યરૂશાલેમ જવા આગળ વધ્યા.—લુક ૧૯:૨૬-૨૮.