“તમે આ વાતો જાણો છો અને જો એ પાળશો, તો તમે સુખી થશો”
“મને મોકલનારની ઇચ્છા પ્રમાણે કરવું અને તેમનું કામ પૂરું કરવું, એ જ મારો ખોરાક છે.”—યોહા. ૪:૩૪.
૧. દુનિયાનું સ્વાર્થી વલણ કઈ રીતે આપણને અસર કરી શકે?
બાઇબલમાંથી જે શીખીએ એ લાગુ પાડવું કેમ અઘરું છે? એનું એક કારણ છે કે, જે ખરું છે એ કરવા નમ્રતા બતાવવાની જરૂર પડે છે. “છેલ્લા દિવસોમાં” નમ્ર રહેવું ઘણું અઘરું છે. કારણ કે, મોટા ભાગના ‘લોકો સ્વાર્થી, પૈસાના પ્રેમી, બડાઈખોર, ઘમંડી અને સંયમ ન રાખનારા’ બની ગયા છે. (૨ તિમો. ૩:૧-૩) ઈશ્વરભક્તો તરીકે આપણે જાણીએ છીએ કે એવું વલણ ખોટું છે. પરંતુ, કોઈ વાર આપણને લાગે કે એવું વલણ રાખનારાઓ જીવનમાં સફળતાનો આનંદ માણે છે અને ખુશીથી જીવે છે. (ગીત. ૩૭:૧; ૭૩:૩) આપણને કદાચ વિચાર આવે: ‘બીજાઓનો પહેલાં વિચાર કરવાથી શું ખરેખર ફાયદો થાય છે? હું નમ્રતાથી વર્તીશ તોપણ શું લોકો મને માન આપશે?’ (લુક ૯:૪૮) દુનિયાના સ્વાર્થી વલણની આપણા પર અસર થવા દઈશું તો, ભાઈ-બહેનો સાથેનો આપણો સંબંધ જોખમમાં આવી પડશે. છેવટે બીજાઓ આપણને ઈશ્વરભક્ત ગણશે નહિ. પરંતુ, નમ્ર ઈશ્વરભક્તો વિશે શીખીશું અને તેઓના દાખલાને અનુસરીશું તો, એનું સારું પરિણામ આવશે.
૨. અગાઉના વફાદાર ઈશ્વરભક્તો પાસેથી આપણે શું શીખી શકીએ?
૨ અગાઉના વફાદાર ઈશ્વરભક્તો પાસેથી આપણે ઘણું શીખી શકીએ છીએ. યહોવાના મિત્રો બનવા તેઓને કઈ બાબતે મદદ કરી હતી? તેઓ કઈ રીતે યહોવાની કૃપા મેળવી શક્યા? જે ખરું છે એ કરવા તેઓને ક્યાંથી હિંમત મળી? બાઇબલમાંથી તેઓ વિશે વાંચીને એના પર મનન કરીશું તો આપણી શ્રદ્ધા દૃઢ થશે.
શ્રદ્ધાને અડગ રાખતી બાબતો
૩, ૪. (ક) યહોવા કઈ રીતે આપણને શીખવે છે? (ખ) શ્રદ્ધા દૃઢ રાખવા જ્ઞાન લેવા ઉપરાંત બીજું શું કરવાની જરૂર છે?
૩ શ્રદ્ધા દૃઢ કરવા જરૂરી બધી બાબતો યહોવા પૂરી પાડે છે. બાઇબલ, આપણું સાહિત્ય, આપણી વેબસાઇટ, JW બ્રૉડકાસ્ટિંગ, સભા અને સંમેલનો દ્વારા તે આપણને સલાહ અને તાલીમ આપે છે. પરંતુ, ઈસુએ સમજાવ્યું કે ફક્ત જ્ઞાન લેવું જ પૂરતું નથી. તો પછી, બીજું શું કરવાની જરૂર છે? ઈસુએ કહ્યું હતું: “મને મોકલનારની ઇચ્છા પ્રમાણે કરવું અને તેમનું કામ પૂરું કરવું, એ જ મારો ખોરાક છે.”—યોહા. ૪:૩૪.
૪ ઈશ્વરની ઇચ્છા પૂરી કરવી એ ઈસુ માટે ખોરાક સમાન હતું. પૌષ્ટિક ખોરાક ખાવાથી તન-મન મજબૂત થાય છે, એવી જ રીતે ઈશ્વરની ઇચ્છા પૂરી કરવાથી આપણી શ્રદ્ધા મજબૂત થાય છે. દાખલા તરીકે, ઘણી વાર પ્રચારની સભામાં જાઓ ત્યારે તમે થાકેલા-પાકેલા હો છો. પરંતુ, ઘરે પાછા ફરો ત્યારે તમે ખુશી અને તાજગી અનુભવો છો, ખરું ને?
૫. સમજુ બનવાથી કઈ રીતે ફાયદો થાય છે?
૫ યહોવા જે ચાહે છે, એ આપણે નમ્રતાથી કરીશું તો આપણે સમજુ કહેવાઈશું. (ગીત. ૧૦૭:૪૩) સમજણથી વર્તનાર વ્યક્તિને ઘણો ફાયદો થાય છે. બાઇબલ કહે છે, “તારી મનગમતી કોઈ પણ વસ્તુ તેની બરાબરી કરી શકે નહિ. . . . જેઓ તે ગ્રહણ કરે છે તેઓનું તે જીવનવૃક્ષ છે; જેઓ તેને પકડી રાખે છે તે દરેકને ધન્ય છે.” (નીતિ. ૩:૧૩-૧૮) ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું હતું: “હવે, તમે આ વાતો જાણો છો અને જો એ પાળશો, તો તમે સુખી થશો.” (યોહા. ૧૩:૧૭) ઈસુએ કહેલી બાબતો શિષ્યો પાળતા રહે, ત્યાં સુધી તેઓ સુખી રહેશે. તેઓએ ઈસુનાં શિક્ષણ અને દાખલા પ્રમાણે જીવન જીવવું જોઈએ.
૬. જે શીખીએ એ શા માટે લાગુ પાડતા રહેવું જોઈએ?
૬ આપણે પણ જે શીખીએ એને લાગુ પાડતા રહેવું જોઈએ. એ સમજવા એક મિકૅનિકનો દાખલો જોઈએ. તેની પાસે સાધન-સામગ્રી અને જાણકારી છે. જો તે એનો ઉપયોગ કરશે, તો જ એ સારો મિકૅનિક બની શકશે. ભલે તેની પાસે વર્ષોનો અનુભવ હોય, પણ પોતે જે શીખ્યો એનો ઉપયોગ કરતા રહેવું પડશે. એવી જ રીતે, સત્ય શીખ્યા ત્યારે આપણે ખુશ હતા કેમ કે શીખેલી બાબતો આપણે જીવનમાં લાગુ પાડતા હતા. પરંતુ, કાયમી ખુશી મેળવવા માટે યહોવા જે શીખવે છે એ બાબતો આપણે દરરોજ લાગુ પાડતા રહેવું જોઈએ.
૭. બાઇબલમાં આપેલા દાખલાઓમાંથી આપણે શું શીખી શકીએ?
૭ આ લેખમાં આપણે અમુક સંજોગોની ચર્ચા કરીશું, જેમાં નમ્રતા બતાવવી અઘરું પડી શકે છે. આપણે એ પણ શીખીશું કે, અગાઉના વફાદાર ભક્તો એવા સંજોગોમાં કઈ રીતે નમ્ર રહી શક્યા હતા. પરંતુ, એ માટે માહિતી વાંચી જવી જ પૂરતી નથી. આપણે એના પર મનન કરવું જોઈએ અને પછી એ માહિતીને પોતાના જીવનમાં લાગુ પાડવી જોઈએ.
પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ન ગણીએ
૮, ૯. પ્રેરિતોનાં કાર્યો ૧૪:૮-૧૫ના અહેવાલ પરથી પાઊલની નમ્રતા વિશે શું શીખવા મળે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૮ ઈશ્વર ચાહે છે કે, “બધા પ્રકારના લોકોનો ઉદ્ધાર થાય અને તેઓ સત્યનું ચોકસાઈભર્યું જ્ઞાન મેળવે.” (૧ તિમો. ૨:૪) જેઓ સત્ય શીખ્યા નથી, એવા લોકોને તમે કઈ નજરે જુઓ છો? પ્રેરિત પાઊલ એવા યહુદીઓને ખુશખબર જણાવતા, જેઓ યહોવા વિશે થોડું-ઘણું જાણતા હતા. એટલું જ નહિ, તેમણે એવા લોકોને પણ ખુશખબર જણાવી જેઓ જૂઠા દેવોને પૂજતા હતા. એવા લોકોને ખુશખબર જણાવવામાં પાઊલની નમ્રતાની કસોટી થઈ હતી. કઈ રીતે?
૯ પ્રથમ મિશનરી મુસાફરી દરમિયાન પાઊલ અને બાર્નાબાસ લુસ્ત્રા ગયા હતા. લુકોનિયાના લોકોએ પાઊલ અને બાર્નાબાસ વિશે કહ્યું કે દેવતાઓ માણસોનો અવતાર લઈને આવ્યા છે. લોકો તેઓને ઝિયૂસ અને હર્મેસ નામથી બોલાવવા લાગ્યા, જે તેઓના દેવતાઓના નામ હતા. શું પાઊલ અને બાર્નાબાસ એ સાંભળીને રાજીના રેડ થઈ ગયા? બીજા શહેરોમાં તેઓએ સતાવણી સહી હતી. શું હવે તેઓને એવું લાગ્યું કે આ તેઓ માટે સારો ફેરફાર છે? શું તેઓએ એવું વિચાર્યું કે વધુ લોકો સુધી ખુશખબર ફેલાવવાનો આ સારો મોકો છે? ના, જરાય નહિ! તેઓ તો દુઃખી થયા અને મોટેથી કહેવા લાગ્યા: “તમે શા માટે આવું કરો છો? અમે પણ તમારી જેમ માટીના માણસો જ છીએ.”—પ્રે.કા. ૧૪:૮-૧૫.
૧૦. શા માટે પાઊલ અને બાર્નાબાસ લુકોનિયાના લોકો કરતાં પોતાને ચઢિયાતા ગણતા ન હતા?
૧૦ પાઊલ અને બાર્નાબાસે કહ્યું હતું કે તેઓ પણ લુકોનિયાના લોકો જેવા માણસો છે. તેઓ એમ કહેવા માંગતા હતા કે પોતે અપૂર્ણ છે અને ભૂલો કરે છે. પણ, તેઓના કહેવાનો અર્થ એમ ન હતો કે, તેઓ લુકોનિયાના લોકોની જેમ દેવતાઓની ભક્તિ કરે છે. પાઊલ અને બાર્નાબાસને ઈશ્વરે મિશનરી તરીકે મોકલ્યા હતા. (પ્રે.કા. ૧૩:૨) તેઓને પવિત્ર શક્તિ દ્વારા અભિષિક્ત કરવામાં આવ્યા હતા અને તેઓ પાસે અદ્ભુત આશા હતી. પણ એ કારણને લીધે તેઓએ પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા ગણવાના ન હતા. તેઓ જાણતા હતા કે લુકોનિયાના લોકો ખુશખબર સ્વીકારે તો, તેઓને પણ સ્વર્ગના જીવનની આશા મળવાની હતી.
૧૧. સેવાકાર્ય દરમિયાન આપણે કઈ રીતે પાઊલની જેમ નમ્ર બની શકીએ?
૧૧ ચાલો, નમ્રતા બતાવવાની પહેલી રીત પર ધ્યાન આપીએ. પ્રચારની સોંપણી કે યહોવાની મદદથી મળેલી કોઈ સફળતા માટે પોતાને ચઢિયાતા ગણીએ નહિ. આપણે તો પાઊલના દાખલાને અનુસરવું જોઈએ. આપણે પોતાને પૂછી શકીએ: ‘મારા વિસ્તારના લોકો વિશે હું કેવું વિચારું છું? શું હું અમુક લોકો માટે પૂર્વગ્રહ રાખું છું?’ દુનિયાભરમાં યહોવાના સાક્ષીઓ એવા લોકોને શોધે છે, જેઓ ખુશખબર સાંભળવા માંગે છે. દુનિયાના લોકો જેઓને નીચી નજરે જુએ છે, તેઓ સુધી પહોંચવા અમુક સાક્ષીઓ તો નવી ભાષા કે રીતભાત શીખે છે. પરંતુ, ક્યારેય પોતાને તેઓ કરતાં ચઢિયાતા ગણતા નથી. એને બદલે, તેઓ તો દરેક વ્યક્તિને સમજવાનો પ્રયત્ન કરે છે, જેથી રાજ્યનો સંદેશો તેના દિલ સુધી પહોંચાડી શકે.
નામ લઈને બીજાઓ માટે પ્રાર્થના કરીએ
૧૨. એપાફ્રાસે કઈ રીતે બતાવ્યું કે તે બીજાઓની ચિંતા કરે છે?
૧૨ નમ્રતા બતાવવાની બીજી રીત છે કે ભાઈ-બહેનો માટે પ્રાર્થના કરીએ. એટલે કે, ‘આપણી જેમ જેઓએ અનમોલ શ્રદ્ધા મેળવી છે,’ તેઓ માટે પ્રાર્થના કરીએ. (૨ પીત. ૧:૧) એપાફ્રાસે એવું જ કર્યું હતું. પાઊલ રોમમાં નજરકેદ હતા ત્યારે, તેમણે કોલોસીના ખ્રિસ્તીઓને પત્ર લખ્યો હતો. એમાં તેમણે એપાફ્રાસ વિશે લખ્યું હતું: “તે હંમેશાં તમારા માટે ખંતથી પ્રાર્થના કરે છે.” (કોલો. ૪:૧૨) એપાફ્રાસ ભાઈ-બહેનોને સારી રીતે ઓળખતા હતા અને દિલથી તેઓ માટે ચિંતા કરતા હતા. પાઊલે કહ્યું હતું કે તે “મારી જેમ કેદમાં” છે. એટલે, સમજી શકાય કે એપાફ્રાસના સંજોગો પણ સારા ન હતા. (ફિલે. ૨૩) તેમ છતાં, તે બીજાઓની જરૂરિયાતો વિશે ચિંતા કરતા. કેવી નિસ્વાર્થ ભાવના! ઈશ્વરભક્તો માટે પ્રાર્થના કરીશું તો એની ખાસ અસર થશે. ખાસ કરીને ભાઈ-બહેનોના નામ લઈને પ્રાર્થના કરવાથી એની જોરદાર અસર પડશે.—૨ કોરીં. ૧:૧૧; યાકૂ. ૫:૧૬.
૧૩. પ્રાર્થના કરવામાં તમે કઈ રીતે એપાફ્રાસને અનુસરી શકો?
૧૩ તમે કોના માટે નામ લઈને પ્રાર્થના કરી શકો, એનો વિચાર કરો. તમે કદાચ મંડળનાં ભાઈ-બહેનો કે કુટુંબો માટે પ્રાર્થના કરી શકો, જેઓ પડકારોનો સામનો કરી રહ્યાં છે. કદાચ તેઓએ અઘરા નિર્ણયો લેવાના હોય કે પછી લાલચોનો સામનો કરવાનો હોય. તમે કદી મળ્યા નથી એવાં ભાઈ-બહેનો માટે પણ પ્રાર્થના કરી શકો, જેઓનાં નામ jw.org વેબસાઇટ પર જોવા મળે છે.a ઉપરાંત, તમે આવા લોકો માટે પ્રાર્થના કરી શકો: જેઓના સ્નેહીજન મરણ પામ્યા છે, જેઓ કુદરતી આફત કે યુદ્ધમાંથી બચી ગયા છે કે પછી જેઓ પૈસાની તંગી સહી રહ્યા છે. એવાં ઘણાં ભાઈ-બહેનો છે જેઓને આપણી પ્રાર્થનાની જરૂર છે. તેઓ માટે પ્રાર્થના કરીને બતાવી આપીએ છીએ કે, આપણે પોતાનો જ નહિ, બીજાઓનો પણ વિચાર કરીએ છીએ. (ફિલિ. ૨:૪) યહોવા એવી પ્રાર્થનાઓ સાંભળે છે!
“સાંભળવામાં આતુર” બનીએ
૧૪. યહોવા કઈ રીતે સૌથી સારા સાંભળનાર છે?
૧૪ નમ્રતા બતાવવાની બીજી એક રીત છે કે આપણે ધ્યાનથી સાંભળીએ. યાકૂબ ૧:૧૯ કહે છે કે “સાંભળવામાં આતુર” બનો. સૌથી સારા સાંભળનાર તો યહોવા છે. (ઉત. ૧૮:૩૨; યહો. ૧૦:૧૪) દાખલા તરીકે, નિર્ગમન ૩૨:૧૧-૧૪ (વાંચો.) વાંચો ત્યારે એમાં લખેલી વાતચીત પર ધ્યાન આપો. મુસાની વાત સાંભળવા યહોવા બંધાયેલા ન હતા, તોપણ તેમણે મુસાને પોતાની લાગણી વ્યક્ત કરવા દીધી. શું તમે એવી વ્યક્તિને ધીરજથી સાંભળશો, જેની વાત ખોટી પડતી હોય? શું તમે તેનું સૂચન અમલમાં મૂકશો? ધ્યાન આપો કે, જેઓ શ્રદ્ધાથી યહોવાને પોકારે છે, એ દરેકની વાત યહોવા ધીરજથી સાંભળે છે.
૧૫. બીજાઓને આદર આપવામાં હું યહોવાને કઈ રીતે અનુસરી શકું?
૧૫ યહોવાએ નમ્રતાથી ઈબ્રાહીમ, રાહેલ, યહોશુઆ, માનોઆહ, એલિયા અને હિઝકિયાનું સાંભળ્યું હતું. આજે પણ તે લોકોની વાત એ જ રીતે સાંભળે છે. આપણે પોતાને પૂછી શકીએ: “શું હું યહોવાને અનુસરવાનો પ્રયત્ન કરું છું? શું હું ભાઈ-બહેનોનાં સૂચનો સાંભળું છું અને શક્ય હોય ત્યારે, એ પ્રમાણે કરીને તેઓને આદર આપું છું? મંડળ કે કુટુંબમાં એવું કોણ છે, જેને હું મદદ કરી શકું? એ માટે હું શું કરી શકું?”—ઉત. ૩૦:૬; ન્યા. ૧૩:૯; ૧ રાજા. ૧૭:૨૨; ૨ કાળ. ૩૦:૨૦.
‘કદાચ યહોવા મારી સાથે થયેલા અન્યાય પર ધ્યાન આપશે’
૧૬. શિમઈએ અપમાન કર્યું ત્યારે રાજા દાઊદ કઈ રીતે વર્ત્યા?
૧૬ નમ્રતા બતાવવાની ચોથી રીત છે કે બીજાઓ આપણી સાથે ખરાબ રીતે વર્તે ત્યારે સંયમ રાખીએ. (એફે. ૪:૨) ૨ શમૂએલ ૧૬:૫-૧૩માં (વાંચો.) એક સરસ દાખલો જોવા મળે છે. શાઊલનો સગો શિમઈ, રાજા દાઊદ અને તેમના ચાકરોને શાપ આપતો હતો અને તેઓ પર પથ્થરો ફેંકતો હતો. દાઊદ શિમઈને ચૂપ કરાવી શક્યા હોત, પણ એને બદલે તેમણે ધીરજ રાખી અને અપમાન સહન કર્યું. દાઊદ કઈ રીતે સંયમ રાખી શક્યા? ચાલો, એનો જવાબ જાણવા ગીતશાસ્ત્રનો ત્રીજો અધ્યાય જોઈએ.
૧૭. સંયમ રાખવા દાઊદને ક્યાંથી મદદ મળી અને આપણે તેમને કઈ રીતે અનુસરી શકીએ?
૧૭ દાઊદ રાજાનો દીકરો આબ્શાલોમ તેમને મારી નાખવાનો પ્રયત્ન કરતો હતો, એ સમયે તેમણે ગીતશાસ્ત્રનું ત્રીજું ગીત રચ્યું હતું. એવા અઘરા સંજોગોમાં શિમઈ તેમની સાથે ખરાબ રીતે વર્ત્યો તોપણ દાઊદ શાંત રહ્યા. એ માટે તેમને ક્યાંથી મદદ મળી? ગીતશાસ્ત્ર ૩:૪માં દાઊદે લખ્યું છે: “હું મારી વાણીથી યહોવાને વિનંતી કરું છું, ત્યારે તે પોતાના પવિત્ર પર્વત પરથી મને ઉત્તર આપે છે.” આપણી સાથે કોઈ ખરાબ રીતે વર્તે ત્યારે, આપણે દાઊદની જેમ પ્રાર્થના કરવી જોઈએ. એ સમયે, યહોવા આપણને પવિત્ર શક્તિની મદદ આપશે. કોઈ તમારી સાથે ખરાબ રીતે વર્તે ત્યારે શું તમે વધારે સંયમ બતાવી શકો કે સહેલાઈથી તેને માફ કરી શકો? શું તમને પૂરી ખાતરી છે કે એવા સમયે યહોવા તમારા દુઃખ પર ધ્યાન આપશે અને તમને મદદ તથા આશીર્વાદ પૂરાં પાડશે?
“જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે”
૧૮. યહોવાના માર્ગદર્શન પ્રમાણે ચાલવાથી કઈ રીતે આપણને ફાયદો થશે?
૧૮ જે ખરું છે એ કરીશું તો, આપણે સમજુ બનીશું અને યહોવા આશીર્વાદોનો વરસાદ વરસાવશે. નીતિવચનો ૪:૭માં લખ્યું છે: “જ્ઞાન એ જ મુખ્ય વસ્તુ છે.” જોકે, ડહાપણનો મુખ્ય આધાર જ્ઞાન છે, તોપણ એમાં હકીકતો સમજવા કરતાં કંઈક વધુ સમાયેલું છે. આપણે જે નિર્ણયો લઈએ છીએ એનો પણ એમાં સમાવેશ થાય છે. અરે, કીડીમાં પણ ડહાપણ હોય છે. તે જે રીતે ઉનાળામાં ખોરાક ભેગો કરે છે, એમાં તેનું ડહાપણ જોવા મળે છે. (નીતિ. ૩૦:૨૪, ૨૫) ખ્રિસ્તને “ઈશ્વરનું ડહાપણ” કહેવામાં આવે છે, કારણ કે તે હંમેશાં એવાં કામો કરે છે જેનાથી તેમના પિતા ખુશ થાય. (૧ કોરીં. ૧:૨૪; યોહા. ૮:૨૯) આપણે પણ નમ્ર રહીશું અને જે ખરું છે એ પસંદ કરવામાં ડહાપણ બતાવીશું તો, ઈશ્વર એનો ભરપૂર બદલો આપશે. (માથ્થી ૭:૨૧-૨૩ વાંચો.) તેથી ચાલો, તનતોડ મહેનત કરીને મંડળમાં એવો માહોલ ઊભો કરીએ, જેથી બધા નમ્રતાથી યહોવાની ભક્તિ કરી શકે. જે ખરું છે એ લાગુ પાડવામાં સમય લાગશે અને ધીરજની જરૂર પડશે. પરંતુ, એમ કરતા રહીશું તો નમ્રતા બતાવી શકીશું. નમ્રતા બતાવવાથી આપણને હમણાં તો ખુશી મળશે, સાથે સાથે ભાવિમાં પણ હંમેશ માટે ખુશી મળશે.
a NEWSROOM > LEGAL DEVELOPMENTS વિભાગમાં આ લેખ જુઓ: “જેહોવાઝ વિટ્નેસીસ ઇમપ્રિઝન્ડ ફોર ધેર ફેઇથ—બાય લોકેશન.”