બીજો શમુએલ
૧૬ દાઉદ પર્વતના શિખરથી થોડે આગળ ગયો ત્યારે,+ તેને સીબા+ મળ્યો, જે મફીબોશેથનો+ ચાકર હતો. તેની સાથે બે ગધેડાં હતાં. એના પર ૨૦૦ રોટલીઓ, સૂકી દ્રાક્ષનાં ૧૦૦ ચકતાં, અંજીર અને ખજૂરનાં ૧૦૦ ચકતાં અને એક મોટો કુંજો ભરીને દ્રાક્ષદારૂ હતાં.+ ૨ રાજાએ સીબાને પૂછ્યું: “તું આ બધું કેમ લાવ્યો?” સીબાએ જવાબ આપ્યો: “રાજાના કુટુંબ માટે આ ગધેડાં છે, જેથી તેઓ એના પર સવારી કરી શકે. રોટલીઓ અને ફળો યુવાનોના ખાવા માટે છે. વેરાન પ્રદેશમાં થાકી જનારાઓને પીવા માટે દ્રાક્ષદારૂ છે.”+ ૩ રાજાએ પૂછ્યું: “તારા માલિકનો દીકરો* ક્યાં છે?”+ સીબાએ રાજાને જવાબ આપ્યો: “તે તો યરૂશાલેમમાં છે, કેમ કે તેમણે કહ્યું: ‘આજે ઇઝરાયેલનું ઘર મને મારા પિતાની રાજગાદી પાછી આપશે.’”+ ૪ રાજાએ સીબાને કહ્યું: “જે કંઈ મફીબોશેથનું છે એ બધું તારું થાય.”+ સીબાએ કહ્યું: “હે રાજા, મારા માલિક, હું તમારી આગળ નમન કરું છું. તમારી કૃપા મારા પર રહો.”+
૫ રાજા દાઉદ બાહૂરીમ પહોંચ્યો. ત્યાં શાઉલના ઘરના કુટુંબનો એક માણસ રાજાને શ્રાપ દેતો દેતો બહાર આવ્યો.+ તેનું નામ શિમઈ+ હતું અને તે ગેરાનો દીકરો હતો. ૬ તે દાઉદ રાજા અને તેના બધા સેવકો પર પથ્થર ફેંકતો હતો. રાજાની જમણી અને ડાબી બાજુ ચાલતા બધા લોકો અને શૂરવીર માણસો પર પણ તે પથ્થર ફેંકતો હતો. ૭ શ્રાપ દેતાં દેતાં શિમઈ કહેતો હતો: “ઓ ખૂની અને બદમાશ માણસ! ચાલ્યો જા, અહીંથી ચાલ્યો જા! ૮ તેં શાઉલના ઘરનાને મારી નાખ્યા, તેઓના લોહીનો દોષ યહોવા તારા માથે લાવ્યા છે. શાઉલનું રાજ્ય તેં પચાવી પાડ્યું, પણ યહોવાએ એ રાજ્ય તારા દીકરા આબ્શાલોમના હાથમાં સોંપી દીધું છે. હવે તારા પર આફત ઊતરી આવી છે, કારણ કે તું ખૂની છે!”+
૯ સરૂયાના+ દીકરા અબીશાયે રાજાને કહ્યું: “હે રાજા, મારા માલિક, આ મરેલા કૂતરાની+ એટલી હિંમત કે તમને શ્રાપ આપે!+ કૃપા કરીને મને જવા દો અને હું તેનું માથું ધડથી છૂટું પાડી દઉં.”+ ૧૦ રાજાએ કહ્યું: “ઓ, સરૂયાના દીકરાઓ,+ મારે ને તમારે શું લેવાદેવા? તે ભલે મને શ્રાપ દેતો,+ કેમ કે યહોવાએ તેને કહ્યું છે:+ ‘દાઉદને શ્રાપ દે!’ તો પછી તેને કોણ પૂછી શકે કે ‘તું શું કામ શ્રાપ આપે છે?’” ૧૧ દાઉદે અબીશાય અને પોતાના બધા સેવકોને કહ્યું: “જો મારું પોતાનું લોહી,* મારો સગો દીકરો મારો જીવ લેવા માંગતો હોય,+ તો બિન્યામીનનો માણસ+ આવું કરે એમાં શી નવાઈ! તેને રહેવા દો, તે ભલે મને શ્રાપ દેતો, કેમ કે યહોવાએ તેને એમ કરવાનું જણાવ્યું છે. ૧૨ કદાચ યહોવા મારાં દુઃખ-દર્દ જુએ+ અને આજે મારા પર આવતા શ્રાપને બદલે યહોવા મારા પર ભલાઈ વરસાવે.”+ ૧૩ દાઉદ અને તેના માણસો પોતાને રસ્તે આગળ વધ્યા. શિમઈ પર્વતના ઢોળાવ પર રહીને તેઓની સાથે સાથે ચાલતો હતો. ચાલતાં ચાલતાં તે દાઉદને શ્રાપ દેતો,+ પથ્થર ફેંકતો અને ધૂળ નાખતો હતો.
૧૪ આખરે રાજા અને તેની સાથેના બધા લોકો પોતાના મુકામે પહોંચ્યા. તેઓ થાકીને લોથપોથ થઈ ગયા હોવાથી ત્યાં આરામ કર્યો.
૧૫ એ દરમિયાન આબ્શાલોમ અને ઇઝરાયેલના બધા માણસો યરૂશાલેમ આવી પહોંચ્યા. અહીથોફેલ+ તેની સાથે હતો. ૧૬ દાઉદનો દોસ્ત* હૂશાય+ આર્કી+ આબ્શાલોમની આગળ આવ્યો. હૂશાયે આબ્શાલોમને કહ્યું: “હે રાજા, જુગ જુગ જીવો!+ રાજાજી, જુગ જુગ જીવો!” ૧૭ એ સાંભળીને આબ્શાલોમે હૂશાયને કહ્યું: “તું તારા દોસ્ત સાથે કેમ ન ગયો? ક્યાં ગઈ તારી વફાદારી?”* ૧૮ હૂશાયે આબ્શાલોમને કહ્યું: “ના, એમ નહિ. યહોવાએ, આ લોકોએ અને ઇઝરાયેલના બધા માણસોએ જેમને પસંદ કર્યા છે, તેમની સાથે હું રહીશ. હું તો તેમના પક્ષે જ રહીશ. ૧૯ હું ફરીથી કહું છું કે મારે કોની સેવા કરવી જોઈએ? શું રાજાના દીકરાની નહિ? જેમ મેં તમારા પિતાની સેવા કરી છે, તેમ હું તમારી પણ સેવા કરીશ.”+
૨૦ પછી આબ્શાલોમે અહીથોફેલને પૂછ્યું: “હવે આપણે શું કરવું, એ વિશે તારી શું સલાહ છે?”+ ૨૧ અહીથોફેલે આબ્શાલોમને કહ્યું: “તમારા પિતા જે ઉપપત્નીઓને મહેલની સંભાળ રાખવા મૂકી ગયા છે,+ તેઓની આબરૂ લો.+ આખા ઇઝરાયેલમાં જાણ થશે કે તમે તમારા પિતા સાથે દુશ્મની વહોરી લીધી છે. એટલે તમને સાથ આપનારાઓની હિંમત વધશે.” ૨૨ તેઓએ આબ્શાલોમ માટે ધાબા પર+ તંબુ બાંધ્યો. આખા ઇઝરાયેલની નજર આગળ+ આબ્શાલોમે પોતાના પિતાની ઉપપત્નીઓની આબરૂ લીધી.+
૨૩ એ દિવસોમાં અહીથોફેલે+ આપેલી સલાહ સાચા ઈશ્વરની વાણી ગણાતી.* દાઉદ અને આબ્શાલોમ બંને અહીથોફેલની બધી સલાહને એટલું જ માન આપતા.