રાજાઓ પાસેથી શીખો
“તે પોતાને સારૂ . . . આ નિયમની નકલ પુસ્તકમાં ઊતારે; અને તે તેની પાસે રહે, ને તે તેના આયુષ્યના સર્વ દિવસો પર્યંત તેમાંથી વાંચે.”—પુનર્નિયમ ૧૭:૧૮, ૧૯.
તમે કદી રાજા કે રાણી બનવાનાં સપનાં જોયાં નહિ હોય. તેમ જ, બાઇબલમાં પૂરા દિલથી માનનારા તેમના ભક્તોએ કદી કલ્પના પણ નહિ કરી હોય, કે પોતે વિશ્વાસુ રાજાઓ દાઊદ, યોશીયાહ, હિઝકીયાહ કે યહોશાફાટની જેમ જીવશે. તોપણ, એક એવી રીત છે, જેમાં તમે તેઓના જેવા બની શકો છો. હા, તમારે એવા બનવું જ જોઈએ. એ કઈ રીતે? વળી, શા માટે તમારે એ રીતે તેઓના જેવા બનવું જોઈએ?
૨ ઈસ્રાએલીઓ માટે યહોવાહે કોઈ રાજાને રાજ કરવાની મંજૂરી આપી એ પહેલાંની આ વાત છે. મુસાના સમયમાં, યહોવાહે અગાઉથી પારખ્યું કે પોતાના લોકો રાજાની માંગણી જરૂર કરશે. તેથી તેમણે મુસાને, નિયમ કરાર વિષે જરૂરી માહિતી લખવા પ્રેરણા આપી. આ સૂચનાઓ ખાસ રાજાઓ માટે હતી.
૩ યહોવાહે પોતે કહ્યું: “યહોવાહ તારો દેવ જે દેશ તને આપે છે તેમાં જ્યારે તું પહોંચે, . . . ને એમ કહે કે મારી આસપાસની સર્વ દેશજાતિઓની માફક હું મારે માથે રાજા ઠરાવીશ; તો જેને યહોવાહ તારો દેવ પસંદ કરે તેને જ તારે રાજા ઠરાવવો; . . . તે તેના રાજ્યાસને બેસે ત્યારે એમ થાય કે તે પોતાને સારૂ . . . આ નિયમની નકલ પુસ્તકમાં ઊતારે; અને તે તેની પાસે રહે, ને તે તેના આયુષ્યના સર્વ દિવસો પર્યંત તેમાંથી વાંચે; કે તે યહોવાહનો ડર રાખતાં શીખીને આ નિયમનાં સર્વ વચનો તથા આ વિધિઓ પાળે ને તેમનો અમલ કરે.”—પુનર્નિયમ ૧૭:૧૪-૧૯.
૪ એ નિયમશાસ્ત્ર આજે આપણા બાઇબલમાં પણ મળી આવે છે. યહોવાહ જે રાજાને પોતાના સેવકો માટે પસંદ કરે, તેણે ખરેખર પોતે નિયમશાસ્ત્રની નકલ ઉતારી પોતાની પાસે રાખવાની હતી. પછી, રાજાએ દરરોજ એ નકલ વાંચવાની હતી. એ કંઈ પોપટની જેમ ગોખવાની ન હતી. પરંતુ, યહોવાહની કૃપા મેળવવા, રાજાએ નિયમ વાંચીને એના પર ઊંડુ મનન કરવાની જરૂર હતી. જેથી, તે દિલથી સારું વલણ કેળવીને એ પ્રમાણે વર્તે. તેમ જ, એમ કરવાથી તે સારો અને સફળ રાજા પણ બની શકે.—૨ રાજાઓ ૨૨:૮-૧૩; નીતિવચનો ૧:૧-૪.
રાજાઓની જેમ શીખો
૫ દાઊદ ઈસ્રાએલ પર રાજા બન્યા ત્યારે, તેમણે કઈ કઈ બાબતો કરવાની હતી? એક તો એ કે તેમણે પંચગ્રંથની (એટલે કે ઉત્પત્તિ, નિર્ગમન, લેવીય, ગણના, પુનર્નિયમની) નકલ કરવાની હતી. જરા વિચારો કે દાઊદ પોતાની આંખોથી વાંચીને, પોતાના હાથથી નિયમની નકલ કરતા હશે તેમ, તેમના મન અને દિલ પર કેવી ઊંડી અસર પડી હશે. મોટે ભાગે મુસાએ, અયૂબનું પુસ્તક અને ગીતશાસ્ત્રના ૯૦ અને ૯૧ અધ્યાયો પણ લખ્યા હતા. શું રાજા દાઊદે એની પણ નકલ ઉતારી હશે? એ શક્ય છે. તેમ જ, તેમની પાસે યહોશુઆ, ન્યાયાધીશો અને રૂથનાં પુસ્તકો પણ હતાં. આમ, તમે જોઈ શકો કે રાજા દાઊદ પાસે બાઇબલનો મોટો ભાગ હતો, જે તેમણે વાંચવાનો અને એના પર મનન કરવાનું હતું. યહોવાહના નિયમ વિષે રાજા દાઊદને કેવું લાગ્યું? એના વિષે તેમણે જે ઊંડી કદર બતાવી, એ આજે બાઇબલમાં ગીતશાસ્ત્ર ૧૯:૭-૧૧માં મળી આવે છે.
૬ દાઊદના દીકરા, મહાન દાઊદ ઈસુએ પણ એ જ રીત અપનાવી. દર અઠવાડિયે સભાસ્થાનમાં જવાનો ઈસુનો રિવાજ હતો. તે ત્યાં જઈને શાસ્ત્રનું વાંચન અને એની સમજણ ધ્યાનથી સાંભળતા હતા. એટલું જ નહિ, પણ અમુક પ્રસંગે ઈસુએ પોતે લોકોને શાસ્ત્ર વાંચી સંભળાવ્યું, અને એની સમજણ આપી. (લુક ૪:૧૬-૨૧) તમે જોઈ શકો કે તે શાસ્ત્રવચનોથી સારી રીતે જાણકાર હતા. જો તમે માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકો વાંચશો, તો જાણવા મળશે કે ઈસુએ ઘણી વખત કહ્યું કે “એમ લખેલું છે.” તેમ જ, પોતાના પ્રવચનોમાં તેમણે એક કે બીજી રીતે શાસ્ત્રવચનમાંથી અમુક ભાગોનો ઉલ્લેખ કર્યો. દાખલા તરીકે, માત્થીના પુસ્તકમાં મળી આવતા, તેમના પહાડ પરના ઉપદેશમાં જ ઈસુએ ૨૧ વખત હેબ્રી શાસ્ત્રવચનોનો ઉલ્લેખ કર્યો છે.—માત્થી ૪:૪-૧૦; ૭:૨૯; ૧૧:૧૦; ૨૧:૧૩; ૨૬:૨૪, ૩૧; યોહાન ૬:૩૧, ૪૫; ૮:૧૭.
૭ ઈસુએ ગીતશાસ્ત્ર ૧:૧-૩ની સલાહ માની: “જે માણસ દુષ્ટોની સલાહ પ્રમાણે ચાલતો નથી, . . . તેને ધન્ય છે! પણ યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે; અને રાતદિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. . . . વળી જે કંઇ તે કરે છે તે સફળ થાય છે.” ઈસુ પોતાના સમયના ધર્મગુરુઓથી કેટલા જુદા હતા, જેઓ ‘મુસાના આસન પર બેસતા હતા’ ખરા, પણ ‘યહોવાહનું નિયમશાસ્ત્ર’ પાળતા ન હતા!—માત્થી ૨૩:૨-૪.
૮ જો કે, કોઈ બાઇબલમાંથી યોહાન ૫:૩૯, ૪૦ વાંચીને મૂંઝાઈ શકે. એ વાંચીને એમ લાગી શકે કે ઈસુ બાઇબલનો અભ્યાસ કરવાનું ઉત્તેજન આપતા નથી. એ કલમોમાં ઈસુએ પોતાના સમયના અમુક લોકોને કહ્યું હતું: “તમે પવિત્રશાસ્ત્રનો ખંતથી અભ્યાસ કરો છો, કેમ કે તમે માનો છો કે તેમાંથી જ તમને અનંતજીવન મળશે. એ પવિત્રશાસ્ત્ર પણ મારે વિશે સાક્ષી આપે છે. તેમ છતાં તમે અનંતજીવન પામવા માટે મારી પાસે આવતા નથી.” (IBSI) આમ કહીને, ઈસુ પોતાને સાંભળી રહેલા યહુદીઓને શાસ્ત્રનો અભ્યાસ કરવાની ના પાડતા ન હતા. એને બદલે, તે તો તેઓનો ઢોંગ ખુલ્લો પાડતા હતા. એ યહુદીઓ જાણતા હતા કે શાસ્ત્રવચનો જ તેઓને કાયમી જીવનનો માર્ગ બતાવી શકે છે. પરંતુ, એ જ શાસ્ત્રવચનો તેઓને મસીહ, ઈસુ વિષે પણ શીખવતાં હતાં. પરંતુ એ માનવાની તેઓ ઘસીને ના પાડતા હતા. તેથી, શાસ્ત્રનો અભ્યાસ કરવાનો તેઓને શું લાભ, કેમ કે તેઓ ઢોંગી હતા, અને શિક્ષણ લેવા માટે નમ્ર ન હતા.—પુનર્નિયમ ૧૮:૧૫; લુક ૧૧:૫૨; યોહાન ૭:૪૭, ૪૮.
૯ ઈસુના શિષ્યો અને યહુદી ધર્મગુરુઓમાં આભ-જમીનનો ફરક હતો! ઈસુના શિષ્યોએ ‘વિશ્વાસ દ્વારા તારણને સારૂ જ્ઞાન આપતા પવિત્ર શાસ્ત્રનો’ અભ્યાસ કર્યો. (૨ તીમોથી ૩:૧૫) આમ, તેઓ અગાઉના પ્રબોધકો જેવા હતા, જેઓએ શાસ્ત્રમાં “ખંતથી તપાસીને શોધ” કરી. એ પ્રબોધકોએ ઉત્સાહી થઈને, એ શોધ ફક્ત થોડા મહિના કે અમુક વર્ષો જ કરી નહિ. પરંતુ પ્રેષિત પીતરે કહ્યું કે કાયમ ‘તેઓ તપાસ કરતા હતા.’ ખાસ કરીને ખ્રિસ્ત વિષે, એટલે કે મનુષ્યોને બચાવવા તે શું કરવાના હતા અને એ પછીના મહિમા વિષે તેઓ કાયમ શોધ કરતા હતા. પ્રેષિત પીતરે પોતાના પહેલા પત્રમાં, બાઇબલનાં દસ પુસ્તકોનો ૩૪ વાર ઉલ્લેખ કર્યો.—૧ પીતર ૧:૧૦, ૧૧.
૧૦ દેખીતું છે કે અગાઉના ઈસ્રાએલના રાજાઓની ફરજ હતી કે, તેઓ યહોવાહના વચનોનો ઊંડો અભ્યાસ કરે. ઈસુએ પણ એમ જ કર્યું. ઈસુ ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજા બનનારાઓની પણ એ જ ફરજ કે જવાબદારી છે. (લુક ૨૨:૨૮-૩૦; રૂમી ૮:૧૭; ૨ તીમોથી ૨:૧૨; પ્રકટીકરણ ૫:૧૦; ૨૦:૬) વળી, પૃથ્વી પર આવનારા આશીર્વાદોની રાહ જોનારા સર્વની પણ એ જ ફરજ છે.—માત્થી ૨૫:૩૪, ૪૬.
રાજાઓની અને તમારી ફરજ
૧૧ ખરેખર આપણે કહી શકીએ કે યહોવાહના દરેક સેવકે, બાઇબલની તપાસ કરવી જોઈએ. શરૂઆતમાં યહોવાહના લોકો સાથે બાઇબલનો અભ્યાસ કરીએ, ત્યારે જ ફક્ત એમ કરવું ન જોઈએ. પ્રેષિત પાઊલના સમયમાં એવા લોકો હતા, જેઓએ થોડા સમય પછી શાસ્ત્રનો અભ્યાસ કરવામાં ઢીલ મૂકી. તેઓ “ઈશ્વરનાં વચનોના મૂળભૂત સિદ્ધાંતો,” જેમ કે “ખ્રિસ્તના સિદ્ધાંતના પ્રાથમિક શિક્ષણની” વાતો શીખ્યા. પરંતુ, પછી તેઓએ આગળ શીખવાનું ચાલુ રાખ્યું નહિ, અને ‘આત્મિક શિક્ષણમાં આગળ વધીને સમજણમાં દૃઢ બન્યા’ નહિ. (હેબ્રી ૫:૧૨–૬:૩, IBSI) ચાલો આપણે દરેક પાક્કો નિર્ણય કરીએ કે તેઓના જેવા બનીએ નહિ. આપણે આવા પ્રશ્નો પર વિચાર કરીએ: ‘ભલે હું યહોવાહના માર્ગમાં નવો છું કે વર્ષોથી સેવા આપું છું, છતાં બાઇબલનો ઊંડો અભ્યાસ કરવા વિષે મને શું લાગે છે?’ પાઊલે પોતાના ભાઈ-બહેનો માટે વિનંતી કરી કે તેઓ ‘દેવ વિષેના જ્ઞાનમાં વધતા જાય.’ ‘શું મારા દિલની પણ એવી જ ઇચ્છા છે?’—કોલોસી ૧:૯, ૧૦.
૧૨ અભ્યાસ કરવાની સારી ટેવ પાડવાની ચાવી એ છે, કે પૂરા દિલથી બાઇબલ માટે પ્રેમ કેળવીએ. ગીતશાસ્ત્ર ૧૧૯:૧૪-૧૬ જણાવે છે કે, એ માટે બાઇબલમાંથી નિયમિત, ચોક્કસ ધ્યેયથી મનન કરવું બહુ જ જરૂરી છે. તમે વર્ષોથી યહોવાહના ભક્ત હોવ, તોપણ આ બહુ જ જરૂરી છે. એના પર ભાર મૂકવા, તીમોથીનું ઉદાહરણ યાદ કરો. તે પોતે વડીલ હતા અને “ખ્રિસ્ત ઈસુના સારા સૈનિક” તરીકે સેવા આપી રહ્યા હતા. તેમ છતાં, પાઊલે તેમને અરજ કરી કે તે “સત્યનાં વચન સ્પષ્ટતાથી સમજાવનાર” સેવક થવા પૂરી મહેનત કરે. (૨ તીમોથી ૨:૩, ૧૫; ૧ તીમોથી ૪:૧૫) ખરેખર, નિયમિત અભ્યાસ કરવા પણ, સખત પ્રયત્ન કરવો પડે છે.
૧૩ નિયમિત અભ્યાસની ટેવ પાડવા, એના માટે ચોક્કસ સમય નક્કી કરવો જોઈએ. તમારા વિષે શું? તમારા દિલને પૂછો કે શું તમે બાઇબલનું જ્ઞાન લેવામાં હજુ વધારે સમય આપીને લાભ મેળવી શકો? તમને થશે કે, ‘કઈ રીતે હું વધારે સમય આપી શકું?’ કેટલાક સવારે જરાક વહેલા ઊઠીને, શાંત મને ફક્ત ૧૫ મિનિટ બાઇબલ વાંચે છે, અથવા એને લગતો અભ્યાસ કરે છે. વળી, અઠવાડિયાના કાર્યક્રમમાં થોડો ફેરફાર કરવા વિષે તમને કેવું લાગે છે? દાખલા તરીકે, તમે મોટા ભાગે દરરોજ છાપું વાંચતા હશો કે ટીવી પર સમાચાર કે બીજા કાર્યક્રમો જોતા હશો. શું તમે અઠવાડિયામાં ફક્ત એક દિવસ એમ ન કરીને, એ સમય બાઇબલનું વધારે શિક્ષણ લેવા વાપરી શકો? દાખલા તરીકે, જો તમે આ રીતે ફક્ત એક દિવસ સમાચાર જોવાને બદલે, ૩૦ મિનિટ બચાવીને બાઇબલનું વધારે જ્ઞાન લેશો, તો તમે વર્ષના ૨૫ કલાક એમ વધારે કરી શકશો. જરા કલ્પના કરો કે ૨૫ કલાક બાઇબલનો વધારે લાભ લેવાના કેવા ફાયદા થઈ શકે! એક બીજી રીત પણ છે: આવતા અઠવાડિયે, દરરોજ સાંજે વિચારો કે એ દિવસે તમે શું કર્યું. પછી, જુઓ કે એવી કોઈ બાબત છે, જેની પાછળ કાઢેલો સમય તમે બાઇબલ વાંચવા કે એનું વધારે શિક્ષણ લેવામાં ઉપયોગ કરી શકો.—એફેસી ૫:૧૫, ૧૬.
૧૪ બીજી કઈ રીત છે, જે બાઇબલ શીખવાનું વધારે સહેલું બનાવી શકે? ધ્યેય બાંધવો. એવા કયા ધ્યેય બાંધી શકાય, જે તમે પૂરા કરી શકો? ઘણા માટે, પહેલો ધ્યેય આખું બાઇબલ વાંચવાનો હોય શકે, જે ઘણો સારો ધ્યેય છે. હમણાં સુધીમાં તમે બાઇબલના અલગ અલગ ભાગો વાંચ્યા હશે અને એનાથી લાભ પામ્યા હશો. તો પછી, કેમ નહિ કે હવે આખું બાઇબલ વાંચવાનો ધ્યેય બાંધવો? કદાચ એમ કરવા માટે, તમે માત્થી, માર્ક, લુક અને યોહાનનાં પુસ્તકોથી શરૂઆત કરી શકો. પછી, ગ્રીક શાસ્ત્રવચનોનાં બાકીનાં પુસ્તકો વાંચી શકો. તમે એનો લાભ લઈને આનંદ માણી લો એટલે પછી બીજો ધ્યેય બાંધો. તમે મુસાના લખેલાં પુસ્તકો અને ઇતિહાસ વિષેનાં પુસ્તકો એક પછી એક એસ્તેર સુધી વાંચી શકો. એ થઈ જાય એટલે, તમે જોશો કે હવે બાકીનું બાઇબલ પણ વાંચવું જોઈએ. એક બહેન યહોવાહની સાક્ષી બની ત્યારે, ૬૫ વર્ષની હતી. તેણે બાઇબલ વાંચવાનું શરૂ કર્યું ત્યારે, આગળના કવરની અંદર તારીખ લખી લીધી. પછી જ્યારે તેણે આખું બાઇબલ વાંચી લીધું ત્યારની તારીખ પણ લખી લીધી. અત્યાર સુધીમાં તેણે પાંચ વખત બાઇબલ વાંચી લીધું છે! (પુનર્નિયમ ૩૨:૪૫-૪૭) વળી, કૉમ્પ્યુટર પરથી નહિ, પણ સીધેસીધા બાઇબલમાંથી તેણે વાંચ્યું.
૧૫ કેટલાકે આખું બાઇબલ વાંચવાનો ધ્યેય પૂરો કરી લીધો છે. તેથી, બાઇબલનો ‘કીમતી ખજાનો’ મેળવવા તેઓ હજુ વધારે શોધ કરે છે. એની એક રીત એ છે કે બાઇબલનું દરેક પુસ્તક વાંચતા પહેલાં, એના પરની માહિતી ભેગી કરીને વાંચવી. તેમ જ, (અંગ્રેજી પુસ્તકો) “ઓલ સ્ક્રીપ્ચર્સ ઈઝ ઈન્સ્પાયર્ડ ઓફ ગોડ એન્ડ બેનીફિશિયલ” અને ઇન્સાઈટ ઓન ધ સ્ક્રીપ્ચર્સ આપણને બહુ જ જરૂરી માહિતી આપે છે.a એમાં બાઇબલના દરેક પુસ્તકનો ઇતિહાસ, એની રીત અને એનાથી થતા લાભો વિષે પુષ્કળ માહિતી મળે છે.
૧૬ બાઇબલનું જ્ઞાન લેવાનો તમારો ધ્યેય, ઘણા પંડિતો જેવો ન રાખો. તેઓ બાઇબલનાં લખાણને એ રીતે તપાસે છે, જાણે કે એ કોઈ માનવે લખ્યું હોય. કેટલાક નક્કી કરી લે છે કે, બાઇબલનાં અમુક પુસ્તકો અમુક લોકો માટે છે. તેમ જ, જાણે કે કોઈ પુસ્તક લખતી વખતે વ્યક્તિ એક જ ધ્યેય કે વલણ રાખે એમ બાઇબલનાં પુસ્તકો વિષે પણ તેઓ માને છે. આવા વિચારોની આપણા પર પણ અસર પડી શકે. આપણે પણ બાઇબલનાં અમુક પુસ્તકોને ઇતિહાસ કે પછી ફક્ત ધાર્મિક વિચારો તરીકે માની બેસીએ. બીજા અમુક પંડિતો તો વળી બાઇબલ સાહિત્ય પર ફિલસૂફી વાંચતા હોય, એમ એના શબ્દોનો અભ્યાસ કરવા બેસી જાય છે. તેઓ યહોવાહના સંદેશા પર ધ્યાન આપવાને બદલે, શબ્દોના મૂળ અર્થ અને હેબ્રી તથા ગ્રીક સમજણ આપવામાં ડૂબી જાય છે. શું તમને લાગે છે કે એ બધું કરવાથી આપણો વિશ્વાસ વધારે દૃઢ બનશે અને આપણને પ્રેરણા મળશે?—૧ થેસ્સાલોનીકી ૨:૧૩.
૧૭ ખરેખર, શું એવા મહાપંડિતોનું માનવું યોગ્ય છે કે, બાઇબલનાં દરેક પુસ્તકનો એક જ ધ્યેય છે અને અમુક જ લોકોને લાગુ પડે છે? (૧ કોરીંથી ૧:૧૯-૨૧) હકીકત તો એ છે કે, યહોવાહે આપેલું બાઇબલ નાના-મોટા કે કોઈ પણ નાત-જાતના લોકો માટે કીમતી ખજાના સમાન છે. ભલે તીમોથી કે તીતસ જેવી એક વ્યક્તિને, અથવા ગલાતી કે ફિલિપીઓ જેવા મંડળોને સંબોધીને પુસ્તક લખાયું હોય, છતાં એ પુસ્તકોનો સંદેશો આપણને સર્વને લાભ કરે છે. હા, બાઇબલ આપણા બધા માટે લખાયું છે. એમાંનું કોઈ પણ પુસ્તક એક કરતાં વધારે વિષયની ચર્ચા કરી શકે છે, અને જુદા જુદા લોકોને લાગુ પડી શકે છે. ખરેખર, બાઇબલનો સંદેશો આખી દુનિયાના લોકો માટે છે, એટલે જ એનું ઘણી બધી ભાષાઓમાં ભાષાંતર કરવામાં આવ્યું છે.—રૂમી ૧૫:૪.
લાભ લો અને લાભ આપો
૧૮ તમે બાઇબલનું વધારે શિક્ષણ લો ત્યારે, તમને સમજણ પડશે કે કઈ રીતે એમાંની માહિતી એકબીજા સાથે બંધબેસે છે. એમ કરવાથી તમને પોતાને ઘણો લાભ થશે. (નીતિવચનો ૨:૩-૫; ૪:૭) યહોવાહ પરમેશ્વરે બાઇબલમાં જે જણાવ્યું છે, એ આપણને તેમના હેતુઓ સ્પષ્ટ જણાવે છે. તેથી, તમે બાઇબલ વાંચો તેમ એની માહિતી અને સલાહ તેમના હેતુઓ સાથે જોડો. મનન કરો કે કઈ રીતે એ બનાવ, વિચાર કે ભવિષ્યવાણી યહોવાહના હેતુઓ સાથે સંબંધ ધરાવે છે. તમે આવા પ્રશ્ન પર વિચાર કરી શકો: ‘યહોવાહ વિષે એ મને શું શીખવે છે? યહોવાહના રાજ્ય દ્વારા તેમનો હેતુ પૂરો કરવા વિષે એ શું જણાવે છે?’ વળી, ‘આ શિક્ષણનો ઉપયોગ હું કઈ રીતે કરી શકું? બીજાઓને શીખવતી કે મદદ કરતી વખતે, કઈ રીતે હું બાઇબલમાંથી એ માહિતી વાપરી શકું?’—યહોશુઆ ૧:૮.
૧૯ બીજાઓ વિષે વિચાર કરવાથી બીજો એક લાભ પણ થાય છે. તમે બાઇબલનું વધારે શિક્ષણ લો તેમ, નવી નવી બાબતો શીખશો. તમારા કુટુંબ અને બીજાઓ સાથે વાતો કરો ત્યારે, એવી ઉત્તેજન આપતી બાબતો તેઓને પણ જણાવો. જો તમે યોગ્ય સમયે અને યોગ્ય રીતે એમ કરશો, તો એ ખરેખર આશીર્વાદો લાવશે. તમે જે શીખ્યા અને જેનાથી ઉત્તેજન મળ્યું છે, એવી વાતો નમ્રપણે, ઉત્સાહથી તમે જણાવશો તેમ બીજાઓ પર એની ઊંડી અસર પડશે. સૌથી વધારે તો એનાથી તમને લાભ મળશે. એ કઈ રીતે? અનુભવી લોકોનું કહેવું છે કે તમે જે વાંચો કે શીખો, એ મનમાં તાજું હોય ત્યારે, એના વિષે વાત કરો, જેથી એ લાંબા સમય સુધી યાદ રહેશે.b
૨૦ તમે જ્યારે જ્યારે બાઇબલ વાંચો, ત્યારે તમને જરૂર કંઈક નવું શીખવા મળશે. બાઇબલના અમુક ભાગો વાંચીને તમને લાગશે કે, ‘પહેલાં તો મને આ ખબર ન હતી.’ હવે એનો તમારે માટે કંઈ ખાસ અર્થ થાય છે. એ જ બતાવે છે કે આજના કોઈ પણ સાહિત્ય કરતાં, બાઇબલનાં પુસ્તકો એવો અમૂલ્ય ખજાનો છે, જે ખાસ તમારા માટે છે. જેથી, તમે એને વારંવાર વાંચીને એનો લાભ મેળવી શકો. યાદ કરો કે દાઊદ જેવા રાજાઓએ પણ ‘આયુષ્યના સર્વ દિવસો પર્યંત તેમાંથી વાંચવાનું હતું.’
૨૧ ખરેખર, બાઇબલ વાંચીને એનું વધારે શિક્ષણ લેતા રહે છે તેઓને ઘણા જ લાભ થાય છે. તેઓને આત્મિક રીતે ‘ખજાનો’ મળે છે. તેઓ યહોવાહની સાથે અતૂટ સંબંધ બાંધે છે. વળી, તેઓ પોતાના કુટુંબને, મંડળના ભાઈ-બહેનોને, અને હજુ યહોવાહના ભક્તો બન્યા નથી, તેઓને બહુ જ મદદરૂપ થાય છે.—રૂમી ૧૦:૯-૧૪; ૧ તીમોથી ૪:૧૬.
[ફુટનોટ્સ]
a બાઇબલનું શિક્ષણ લેવા મદદરૂપ આ પુસ્તકો યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યાં છે, અને એ બીજી ભાષાઓમાં પણ છે.
b ચોકીબુરજ, ઑગસ્ટ ૧, ૧૯૯૩, પાન ૨૧-૨૨ જુઓ.
તમને યાદ છે?
• ઈસ્રાએલના રાજાઓએ શું કરવાનું હતું?
• બાઇબલનું શિક્ષણ લેવા વિષે ઈસુ અને પ્રેષિતોએ કેવું ઉદાહરણ બેસાડ્યું?
• બાઇબલનો વધારે અભ્યાસ કરવા માટે તમે કેવા ફેરફારો કરશો?
• બાઇબલનું વધારે શિક્ષણ લેવા પાછળ તમારો કયો ધ્યેય હોવો જોઈએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. આપણે કોના જેવા બનવા ચાહીશું?
૨, ૩. યહોવાહે અગાઉથી રાજા વિષે શું જોયું, અને એ રાજાઓએ શું કરવાનું હતું?
૪. રાજાઓ માટે યહોવાહે કયું માર્ગદર્શન આપ્યું હતું?
૫. રાજા દાઊદ પાસે બાઇબલના કયા ભાગો હતા કે જેની નકલ કરીને તેમણે વાંચવાના હતા, અને તેમને એ વિષે કેવું લાગ્યું?
૬. કઈ રીતે કહી શકાય કે ઈસુને પણ પોતાના બાપદાદા દાઊદની જેમ શાસ્ત્રવચનોમાં બહુ જ રસ હતો?
૭. ઈસુ પોતાના સમયના ધર્મગુરુઓથી કઈ રીતે અલગ હતા?
૮. યહુદી ધર્મગુરુઓ શાસ્ત્રનો અભ્યાસ કરે એ કેમ નકામું હતું?
૯. પ્રેષિતો અને પ્રબોધકોએ કયું સરસ ઉદાહરણ બેસાડ્યું?
૧૦. આપણે દરેકે શા માટે બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ?
૧૧. (ક) બાઇબલનો અભ્યાસ કરવા વિષે, આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ? (ખ) આપણે કયા પ્રશ્નો વિચારવા જોઈએ?
૧૨. શા માટે બાઇબલને દિલથી ચાહવું જોઈએ?
૧૩. (ક) બાઇબલનું શિક્ષણ લેવા માટે વધારે સમય કઈ રીતે કાઢી શકાય? (ખ) બાઇબલનો પૂરો લાભ લેવા તમે કેવા ફેરફારો કરશો?
૧૪, ૧૫. (ક) આપણે બાઇબલનું વધારે શિક્ષણ લેવા શા માટે ધ્યેયો બાંધવાની જરૂર છે? (ખ) બાઇબલ વાંચવા કયા ધ્યેયો બાંધી શકાય?
૧૬. બાઇબલનું જ્ઞાન લેતી વખતે આપણે કોના જેવા ન બનવું જોઈએ?
૧૭. આપણે શા માટે કહીએ છીએ કે બાઇબલ સર્વ માટે છે?
૧૮. બાઇબલ વાંચો તેમ, તમારે શાના પર મનન કરવું જોઈએ?
૧૯. તમે શીખ્યા છો એ બીજાઓને જણાવવાથી કોને કોને લાભ થાય છે?
૨૦. શા માટે બાઇબલને વારંવાર વાંચવાથી વધારે લાભ થાય છે?
૨૧. બાઇબલનું વધારે શિક્ષણ લેતા રહેવાથી તમને કયા લાભો મળશે?
[પાન ૧૫ પર બોક્સ]
‘હાથમાં રાખો’
‘જો આપણને બાઇબલ શબ્દોની લાંબી યાદી જોઈતી હોય તો, તમે એ ઇન્ટરનેટથી મેળવી શકો. પણ જો આપણે બાઇબલ વાંચવું હોય, જ્ઞાન લેવું હોય, વિચાર કે મનન કરવું હોય, તો એ આપણા હાથમાં હોવું જોઈએ. એ જ એક રીત છે, જેનાથી એને આપણા દિલો-દિમાગમાં ઉતારી શકીએ.’—ગરટ્રુડ હિમ્મેલફાર્બ, નિવૃત્ત પ્રોફેસર, સીટી યુનિવર્સિટી, ન્યૂ યૉર્ક.