વાચકો તરફથી પ્રશ્નો
મંડળોમાં વડીલો અને સેવકાઈ ચાકરોને કઈ રીતે નીમવામાં આવે છે?
પ્રથમ સદીમાં, પ્રેરિત પાઊલે એફેસી મંડળના વડીલોને કહ્યું, ‘તમે પોતાના સંબંધી અને જે ટોળા ઉપર પવિત્ર શક્તિએ તમને વડીલો નીમ્યા છે તે સર્વ સંબંધી સાવધાન રહો, જેથી ઈશ્વરની જે મંડળી ઈસુએ પોતાના લોહીથી ખરીદી છે એનું તમે પાલન કરો.’ (પ્રે.કૃ. ૨૦:૨૮) આજે, વડીલો અને સેવકાઈ ચાકરોની નિમણૂકમાં પવિત્ર શક્તિ કઈ રીતે ભૂમિકા ભજવે છે?
પહેલી કે, વડીલો અને સેવકાઈ ચાકરો માટેની લાયકાતો નોંધવાની પ્રેરણા બાઇબલ લેખકોને પવિત્ર શક્તિએ આપી હતી. વડીલો તરીકે નિમાવવા માટેની ૧૬ જુદી જુદી લાયકાતો પહેલો તીમોથી ૩:૧-૭માં જોવા મળે છે. ઉપરાંત, તીતસ ૧:૫-૯ અને યાકૂબ ૩:૧૭, ૧૮માં પણ કેટલીક લાયકાતોનો ઉલ્લેખ થયો છે. સેવકાઈ ચાકર માટેની લાયકાતો પહેલો તીમોથી ૩:૮-૧૦, ૧૨, ૧૩માં આપવામાં આવી છે. બીજી કે, નિમણૂક અને એની ભલામણ કરનારા ભાઈઓ માર્ગદર્શન માટે પ્રાર્થનામાં યહોવાની શક્તિ માંગે છે. એમ કરવાથી, કોઈ ભાઈ એ લાયકાતો વાજબી પ્રમાણમાં બતાવે છે કે નહીં એનો નિર્ણય વડીલો લઈ શકે છે. ત્રીજી કે, જે ભાઈની ભલામણ કરવામાં આવે તે પોતે પણ પવિત્ર શક્તિના ફળ પ્રમાણે ગુણો જીવનમાં બતાવે. (ગલા. ૫:૨૨, ૨૩) આમ, નિમણૂકના દરેક પાસામાં ઈશ્વરની પવિત્ર શક્તિની દોરવણી સામેલ હોય છે.
એ નિમણૂક કોણ હાથ ધરે છે? સપ્ટેમ્બર ૧, ૨૦૧૪ પહેલાં દરેક ભલામણ શાખા કચેરીને મોકલવામાં આવતી. ત્યાં, નિમણૂક માટે નિર્ણય લેવાની જવાબદારી નિયામક જૂથ દ્વારા અમુક ભાઈઓને આપવામાં આવી હતી. એ ભાઈઓ દરેક ભલામણની પરખ કરતા અને યોગ્ય જણાય તો નવી નિમણૂક કરતા. ત્યાર બાદ, શાખા કચેરી મંડળના વડીલોને એ નવી નિમણૂક વિશે જાણ કરતી. પછી વડીલો, એ ભાઈને તેમની નિમણૂક વિશે જણાવતા. ભાઈને પૂછવામાં આવતું કે શું તે નવી સોંપણી માટે પોતાને યોગ્ય ગણે છે અને એને ખુશીથી સ્વીકારવા ઇચ્છે છે. જો ભાઈ સોંપણી સ્વીકારે તો, નવી નિમણૂક થઈ છે એવી જાહેરાત મંડળમાં કરવામાં આવતી.
પહેલી સદીમાં એવી નિમણૂક કઈ રીતે કરવામાં આવતી? અમુક વાર, પ્રેરિતો કેટલાક ભાઈઓને સીધેસીધી સોંપણી આપતા હતા. જેમ કે, વિધવાઓમાં ખોરાકની વહેંચણી કરવા પ્રેરિતોએ ૭ ભાઈઓને નીમ્યા. (પ્રે.કૃ. ૬:૧-૬) જોકે, એ ભાઈઓ પહેલાંથી વડીલ તરીકે સેવા આપતા હોય શકે. ખોરાકની વહેંચણી કદાચ તેઓની વધારાની જવાબદારી હતી.
ખરું કે, દરેક નિમણૂક કઈ રીતે હાથ ધરવામાં આવતી એની બધી વિગતો બાઇબલમાં નથી. છતાં, એ વિશે અમુક માહિતી મળી રહે છે. દાખલા તરીકે, પહેલી મિશનરી મુસાફરીથી ઘરે પાછા ફરી રહ્યા હતા ત્યારે પાઊલ અને બાર્નાબાસે દરેક મંડળમાં ‘તેઓ માટે વડીલો નીમ્યા અને ઉપવાસ સહિત પ્રાર્થના કરીને તેમને પ્રભુ યહોવાને સોંપ્યા, જેમના પર તેઓને વિશ્વાસ હતો.’ (પ્રે.કૃ. ૧૪:૨૩) વર્ષો બાદ, પાઊલે તેમની સાથે મુસાફરી કરનાર તીતસને લખ્યું, “જે કામો અધૂરાં છે તે તું વ્યવસ્થિત કરે, અને તને મેં જે આજ્ઞા આપી હતી એ પ્રમાણે તું નગરેનગર વડીલો ઠરાવે, માટે મેં તને ક્રીતમાં રાખ્યો.” (તીત. ૧:૫) એવી જ રીતે, પાઊલ સાથે ઘણી મુસાફરી કરનાર તીમોથીને પણ નવી નિમણૂક કરવાની જવાબદારી આપવામાં આવી હતી. (૧ તીમો. ૫:૨૨) સાફ દેખાઈ આવે છે કે એવી નિમણૂક, એ સમયના પ્રવાસી નિરીક્ષકો દ્વારા કરવામાં આવતી, પ્રેરિતો અને યરૂશાલેમના વડીલો દ્વારા નહિ.
બાઇબલનો એ અહેવાલ ધ્યાનમાં રાખીને, યહોવાના સાક્ષીઓના નિયામક જૂથે એક ફેરફાર કર્યો છે. સપ્ટેમ્બર ૧, ૨૦૧૪થી, વડીલો અને સેવકાઈ ચાકરોની નિમણૂક આ રીતે થશે: દરેક ભલામણ સરકીટ નિરીક્ષકને આપવામાં આવશે. તે એને ધ્યાનથી તપાસીને મંડળોની મુલાકાત વખતે એ ભાઈઓને વધારે ઓળખવાનો પ્રયત્ન કરશે. બની શકે તો, એ ભાઈઓ સાથે સાક્ષીકાર્યમાં જશે. તે એ ભલામણો વિશે મંડળના વડીલો સાથે ચર્ચા કરશે. પછી, નવા વડીલ અને સેવકાઈ ચાકરની નિમણૂક કરશે. આમ, નિમણૂક કરવાની જવાબદારી હવેથી સરકીટ નિરીક્ષકની રહેશે. વડીલ અને સેવકાઈ ચાકરની નિમણૂક કરવા પ્રથમ સદીની રીત અપનાવવામાં આવશે.
નિમણૂકમાં દરેકની ભૂમિકા પર દેખરેખ કોણ રાખશે? હંમેશાંની જેમ, ઘરનાને ખોરાક પૂરો પાડવાની જવાબદારી “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર”ની છે. (માથ. ૨૪:૪૫-૪૭) એમાં, પવિત્ર શક્તિની મદદથી બાઇબલનું માર્ગદર્શન શોધવાનો સમાવેશ પણ થાય છે. એ માર્ગદર્શનથી, બાઇબલના સિદ્ધાંતો કઈ રીતે લાગુ પાડી શકાય એ સમજવા મદદ મળે છે. આમ, જગત ફરતે આપણાં મંડળોને બાઇબલ સિદ્ધાંતોના આધારે એક સરખી વ્યવસ્થામાં રાખવામાં આવે છે. શાખા સમિતિના સભ્યો અને સરકીટ નિરીક્ષકની નિમણૂક પણ “વિશ્વાસુ ચાકર” કરે છે. એ પછી, નિયામક જૂથના માર્ગદર્શનને લાગુ પાડવામાં શાખા કચેરી મંડળોને મદદ આપે છે. કોઈ ભાઈની ભલામણ કરતા પહેલા વડીલોનું જૂથ પરખ કરે છે કે એ ભાઈ બાઇબલમાં જણાવેલી લાયકાતો ધરાવે છે કે નહિ. એ એક ગંભીર જવાબદારી છે. દરેક સરકીટ નિરીક્ષકે મંડળના વડીલોએ આપેલી ભલામણોને પ્રાર્થનાપૂર્વક અને ખૂબ કાળજીથી તપાસવી જોઈએ. ત્યાર પછી જ, તે મંડળમાં યોગ્ય વ્યક્તિની નિમણૂક કરશે.
આપણે જોઈ ગયા તેમ, નિમણૂકના દરેક પાસામાં યહોવાની પવિત્ર શક્તિ મુખ્ય ભાગ ભજવે છે. એ માટે આપણે, યહોવાના ખૂબ આભારી છીએ! એના લીધે, મંડળમાં નિમાયેલા ભાઈઓ પર આપણો ભરોસો અને માન વધે છે.—હિબ્રૂ ૧૩:૭, ૧૭.
પ્રકટીકરણ અધ્યાય ૧૧માં જણાવેલ બે શાહેદો કોણ છે?
પ્રકટીકરણ ૧૧:૩ જણાવે છે: “બે શાહેદો તાટ પહેરીને એક હજાર બસો સાઠ દિવસ સુધી પ્રબોધ કરે.” એ અહેવાલ આગળ બતાવે છે કે એક જંગલી જાનવર, એ બે શાહેદો એટલે કે સાક્ષીઓને “જીતશે અને તેઓને મારી નાખશે.” પણ “સાડાત્રણ દિવસ પછી,” એ બે શાહેદોને જીવતા કરવામાં આવશે અને જોનારાઓને ઘણી નવાઈ લાગશે.—પ્રકટી. ૧૧:૭, ૧૧.
એ બે શાહેદો કોણ છે? તેઓને ઓળખવા, ચાલો એ અહેવાલની વિગતો તપાસીએ. એ અહેવાલમાં તેઓને ‘જૈતુનનાં બે ઝાડ અને બે દીવી’ કહેવામાં આવ્યા છે. (પ્રકટી. ૧૧:૪) ઝખાર્યાની ભવિષ્યવાણીમાં પણ દીવી અને જૈતુનના બે ઝાડનો ઉલ્લેખ થયો છે. જૈતુનનાં વૃક્ષો ‘બે અભિષિક્તોને’ એટલે કે સૂબેદાર ઝરૂબ્બાબેલ અને પ્રમુખ યાજક યહોશુઆને રજૂ કરે છે. તેઓ “આખી પૃથ્વીના સ્વામી પાસે ઊભા” છે. (ઝખા. ૪:૧-૩, ૧૪) ઉપરાંત, એમ પણ જણાવ્યું છે કે એ બે શાહેદો, મુસા અને એલીયાની જેમ મોટાં કાર્યો કરે છે.—પ્રકટીકરણ ૧૧:૫, ૬ની કલમોને ગણના ૧૬:૧-૭, ૨૮-૩૫ અને ૧ રાજાઓ ૧૭:૧; ૧૮:૪૧-૪૫ની કલમો સાથે સરખાવો.
એ કલમોના અહેવાલોમાં એક વાત સરખી છે. દરેક અહેવાલમાં ઈશ્વરના એ અભિષિક્તોની વાત થઈ છે, જેઓએ સંકટ અને પરીક્ષણના સમયોમાં આગેવાની લીધી છે. આમ, પ્રકટીકરણ ૧૧મા અધ્યાયમાં જણાવેલ “શાહેદો” પણ એવા અભિષિક્ત ભાઈઓને રજૂ કરે છે, જેઓએ ૧૯૧૪ના કપરા સમયમાં આગેવાની લીધી. એ વર્ષે સ્વર્ગમાં ઈશ્વરના રાજ્યની સ્થાપના થઈ અને આગેવાની લેનાર અભિષિક્ત ભાઈઓએ જાણે “તાટ પહેરીને” સાડાત્રણ વર્ષો સાક્ષીકાર્ય કર્યું.
સાડાત્રણ વર્ષના સાક્ષીકાર્યના અંતે એ અભિષિક્ત ભાઈઓને થોડાક સમય માટે કેદ કરવામાં આવ્યા. એ થોડાક સમયને સાડાત્રણ દિવસો જેવો ટૂંકો સમયગાળો કહી શકાય. આમ, બે શાહેદો જાણે એ થોડાક સમય માટે મારી નાંખવામાં આવ્યા. દુશ્મનોની નજરે, ઈશ્વરના લોકોનો અને તેઓનાં કામનો અંત આવ્યો. તેથી, દુશ્મનોએ આનંદ માણ્યો અને ઉજવણી કરી.—પ્રકટી. ૧૧:૮-૧૦.
પરંતુ, ભવિષ્યવાણીમાં જણાવ્યું હતું તેમ સાડાત્રણ દિવસો પછી એ બે શાહેદોને જીવતા કરવામાં આવ્યા. એ બનાવને સરખાવીએ તો, અભિષિક્ત ભાઈઓ પણ કેદમાંથી છૂટ્યા ત્યારે જાણે જીવતા થયા. ઉપરાંત, એ અને બીજા વફાદાર અભિષિક્ત ભાઈઓને ઈશ્વરે ઈસુ દ્વારા એક ખાસ સોંપણી આપી. વર્ષ ૧૯૧૯માં જે “વિશ્વાસુ અને બુદ્ધિમાન ચાકર” ભાઈઓની નિમણૂક થઈ તેઓમાં આ ભાઈઓ પણ સામેલ હતા. એ “ચાકર”ને અંતના સમયમાં ઈશ્વરના લોકોને સત્યનું જ્ઞાન પૂરું પાડવાની સોંપણી મળી.—માથ. ૨૪:૪૫-૪૭; પ્રકટી. ૧૧:૧૧, ૧૨.
નોંધવા જેવું છે કે, શાહેદોને લગતા બનાવો અને પ્રકટીકરણ ૧૧:૧, ૨ના બનાવો એક સમયગાળામાં બને છે. પ્રકટીકરણ ૧૧:૧, ૨ના જણાવ્યા પ્રમાણે મંદિરનું માપ કાઢવામાં આવે છે, એટલે કે સેવકો ભક્તિમાં કેવું કરી રહ્યા છે એની ચકાસણી કરવામાં આવે છે. માલાખી અધ્યાય ૩માં પણ મંદિરની ચકાસણીનો અને એને શુદ્ધ કરવાના બનાવનો ઉલ્લેખ થયો છે. (માલા. ૩:૧-૪) ચકાસણી અને શુદ્ધ કરવાનું કામ કેટલા સમય સુધી ચાલ્યું? ૧૯૧૪થી લઈને ૧૯૧૯ની શરૂઆતના સમય સુધી ચાલ્યું. એ સમયગાળામાં ૧,૨૬૦ દિવસોનો (૪૨ મહિના) અને પ્રકટીકરણના ૧૧મા અધ્યાયમાં જણાવેલ સાડાત્રણ દિવસોનો પણ સમાવેશ થાય છે.
યહોવાએ એ બધી ગોઠવણો કરી, જેથી પોતાના ખાસ લોકોને શુદ્ધ કરીને સારાં કામ કરવાને માટે તૈયાર કરે. એ કેટલી ખુશીની વાત છે! (તીત. ૨:૧૪) આપણે એ અભિષિક્ત ભાઈઓની વફાદારીની કદર કરીએ છીએ. તેઓએ સંકટ અને પરીક્ષણોના સમયોમાં પણ આગેવાની લીધી અને “બે શાહેદો” તરીકે સેવા આપી.a
a વધુ માહિતી માટે, જુલાઈ ૧૫, ૨૦૧૩ના ચોકીબુરજના પાન ૨૨નો ફકરો ૧૨ જુઓ.