શું તમે જાણો છો?
સતાવણી વખતે સ્તેફન કઈ રીતે શાંત રહી શક્યા?
સ્તેફન પર હિંસક ટોળાએ હુમલો કર્યો હતો. યહુદી ન્યાયસભા, ઇઝરાયેલની સર્વોચ્ચ અદાલત હતી. એના ૭૧ ન્યાયાધીશો દેશના સૌથી શક્તિશાળી માણસો ગણાતા હતા. તેઓને પ્રમુખ યાજક કાયાફાસે ભેગા કર્યા હતા. થોડા મહિના અગાઉ ઈસુને મોતની સજા ફટકારવામાં આવી ત્યારે, કાયાફાસ ન્યાયસભાની દેખરેખ રાખતો હતો. (માથ. ૨૬:૫૭, ૫૯; પ્રે.કા. ૬:૮-૧૨) એક પછી એક જૂઠા સાક્ષીઓ આવતા હતા. ન્યાયસભાના સભ્યોએ સ્તેફન તરફ નજર કરી ત્યારે, તેઓને નવાઈ લાગી. કેમ કે, તેમનો ચહેરો “દૂતના ચહેરા” જેવો લાગતો હતો.—પ્રે.કા. ૬:૧૩-૧૫.
આવા કપરા સંજોગોમાં સ્તેફન કઈ રીતે શાંત રહી શક્યા? સેવાકાર્ય કરતા હતા ત્યારે પવિત્ર શક્તિએ તેમને મદદ કરી હતી. (પ્રે.કા. ૬:૩-૭) મુકદ્દમો ચાલી રહ્યો હતો, એ સમયે પણ એ જ શક્તિ તેમને દિલાસો આપી રહી હતી. ઉપરાંત, શાસ્ત્રવચનો યાદ કરવા મદદ આપી રહી હતી. (યોહા. ૧૪:૧૬, ફૂટનોટ) સ્તેફન હિંમતથી પોતાના બચાવ માટે બોલ્યા હતા. પ્રેરિતોનાં કાર્યો પુસ્તકના ૭મા અધ્યાયમાં એ વિશે નોંધવામાં આવ્યું છે. એમાં જણાવ્યું છે કે, પવિત્ર શક્તિએ તેમને હિબ્રૂ શાસ્ત્રવચનોમાંથી ૨૦ કરતાં વધારે અહેવાલો યાદ અપાવ્યા હતા. (યોહા. ૧૪:૨૬) સ્તેફને દર્શનમાં ઈશ્વરના જમણા હાથે ઈસુને જોયા ત્યારે, તેમની શ્રદ્ધા વધુ મજબૂત થઈ હતી.—પ્રે.કા. ૭:૫૪-૫૬, ૫૯, ૬૦.
આપણે પણ કોઈ વાર ધમકી કે સતાવણીનો સામનો કરવો પડી શકે છે. (યોહા. ૧૫:૨૦) બાઇબલનો નિયમિત અભ્યાસ કરીશું અને સેવાકાર્યમાં નિયમિત ભાગ લઈશું તો, ઈશ્વરની શક્તિ આપણા પર કામ કરશે. એવા વિરોધ સામે ટકી રહેવા આપણને હિંમત અને મનની શાંતિ મળશે.—૧ પીત. ૪:૧૨-૧૪.