પ્રેરિતો પાસેથી જાગતા રહેવાનું શીખીએ
“મારી સાથે જાગતા રહો.”—માથ. ૨૬:૩૮.
૧-૩. પૃથ્વી પર ઈસુની છેલ્લી રાતે પ્રેરિતોએ શું ભૂલ કરી હતી? શું બતાવે છે કે તેઓ પોતાની ભૂલમાંથી શીખ્યા?
ઈસુના જીવનની આખરી રાતના બનાવની કલ્પના કરો. તેમના પર ખૂબ જ દબાણ છે. એટલે પ્રાર્થના કરવા તે શાંત જગ્યા શોધે છે. યરૂશાલેમની પૂર્વ દિશામાં આવેલા પોતાના મનપસંદ ગેથસેમાને બાગમાં ઈસુ જાય છે. પોતાના વિશ્વાસુ પ્રેરિતોને પણ તે સાથે લઈ જાય છે.—માથ. ૨૬:૩૬; યોહા. ૧૮:૧, ૨.
૨ ઈસુ પોતાની સાથે પીતર, યાકૂબ અને યોહાનને બાગની અંદરના ભાગમાં લઈ જાય છે. પછી ઈસુ તેઓને કહે છે: “અહીં રહીને મારી સાથે જાગતા રહો.” એમ કહીને તે પ્રાર્થના કરવા થોડે દૂર જાય છે. થોડા સમય પછી તે શિષ્યોની પાસે આવે છે ત્યારે તેઓ ભરઊંઘમાં હોય છે. ઈસુ ફરીથી તેઓને આગ્રહ કરે છે કે “જાગતા રહો.” છતાં તેઓ ફરીથી બે વાર ઊંઘી જાય છે! એ રાત્રે જે થવાનું હતું એ માટે શિષ્યો સાવધ રહ્યા નહિ. અરે, તેઓ ઈસુને છોડીને નાસી ગયા!—માથ. ૨૬:૩૮, ૪૧, ૫૬.
૩ પ્રેરિતોને ચોક્કસ પછીથી પસ્તાવો થયો હશે કે તેઓ જાગતા રહ્યા નહિ. તેમ જ તેઓ પોતાની ભૂલમાંથી ઘણું શીખ્યા હશે. પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકમાં જોવા મળે છે કે તેઓ પછીથી યહોવાની ભક્તિમાં બહુ જોશીલા બન્યા. તેઓને જોઈને મંડળના ભાઈ-બહેનો પણ જરૂર ઉત્સાહી બન્યા હશે. આપણે પણ પહેલાં કરતાં વધારે જાગૃત રહેવાની જરૂર છે. (માથ. ૨૪:૪૨) ચાલો હવે આપણે પ્રેરિતોનાં કૃત્યોમાંથી જાગતા રહેવા માટે ત્રણ બોધપાઠ મેળવીએ.
ક્યાં સંદેશો ફેલાવવો એ માટે માર્ગદર્શનની રાહ જોઈ
૪, ૫. પાઊલ અને તેમના સાથીઓને પવિત્ર શક્તિએ કઈ રીતે માર્ગદર્શન આપ્યું?
૪ ક્યાં સંદેશો ફેલાવવો જોઈએ એ માટેના માર્ગદર્શન માટે પ્રેરિતો જાગતા રહ્યા. એક અહેવાલમાં આપણે જોઈશું કે યહોવાની શક્તિથી ઈસુએ કેવી રીતે પાઊલ અને તેમના સાથી ભાઈઓને માર્ગદર્શન આપ્યું હતું. (પ્રે.કૃ. ૨:૩૩) ચાલો તેઓનો વિચાર કરીએ.—પ્રેરિતોનાં કૃત્યો ૧૬:૬-૧૦ વાંચો.
૫ પાઊલ, સીલાસ અને તીમોથીએ દક્ષિણ ગલાતીમાં આવેલું લુસ્ત્રા છોડ્યું. ચાલતા ચાલતા થોડા દિવસો પછી તેઓ રોમની સડક પાસે પહોંચ્યા, જે પશ્ચિમમાં આવેલા આસિયા તરફ જતી હતી. એ વિસ્તારમાં વસ્તી ઘણી હતી. પાઊલ અને તેમના સાથીઓ એ વિસ્તારમાં જઈને ઈસુ વિષે હજારો લોકોને જણાવવા માંગતા હતા. પરંતુ, એ રસ્તાઓ પર આગળ જતાં તેઓને કંઈક રોકતું હતું. છઠ્ઠી કલમ જણાવે છે: ‘ઈશ્વરની શક્તિએ તેઓને આસિયામાં સુવાર્તાનો બોધ કરવાની મના કરી હતી, તેથી તેઓ ફ્રુગિયા તથા ગલાતીઆના પ્રદેશમાં ફર્યા.’ જોકે, બાઇબલ જણાવતું નથી કે ઈશ્વરે કેવી રીતે પાઊલ અને તેમના સાથીઓને આસિયામાં સંદેશો ફેલાવતા રોક્યા. પણ યહોવાની શક્તિ દ્વારા ઈસુએ તેઓને બીજી દિશામાં જવા માર્ગદર્શન આપ્યું.
૬, ૭. (ક) બીથુનીઆ નજીક પાઊલ અને તેમના સાથીઓને શું થયું? (ખ) પ્રેરિતોએ શું નિર્ણય લીધો અને શું પરિણામ આવ્યું?
૬ પછી એ ઉત્સાહી મુસાફરો ક્યાં ગયા? સાતમી કલમ જણાવે છે: ‘તેઓએ મુસિયાની સરહદ સુધી આવીને બીથુનીઆ જવાનો પ્રયત્ન કર્યો; પણ ઈસુએ તેઓને જવા ન દીધા.’ આસિયામાં ઈસુનો સંદેશો જણાવવામાં ન આવે માટે પાઊલ અને તેમના સાથીદારોને રોકવામાં આવ્યા. તેથી, તેઓએ ઉત્તરમાં આવેલા બીથુનીઆ શહેરમાં સંદેશો જણાવવાનું વિચાર્યું. પણ તેઓ એ શહેર પાસે પહોંચ્યા ત્યારે ઈસુએ ફરીથી યહોવાની શક્તિ દ્વારા તેઓને રોક્યા. ચોક્કસ તેઓ એનાથી મૂંઝાઈ ગયા હશે. તેઓ જાણતા હતા કે લોકોને શું જણાવવું જોઈએ અને કઈ રીતે જણાવવું જોઈએ. પરંતુ, તેઓ એ જાણતા ન હતા કે ક્યાં જઈને સંદેશો જણાવવો જોઈએ. આપણે કદાચ કહી શકીએ કે તેઓએ આસિયાનું બારણું ખખડાવ્યું, પણ ખુલ્યું નહિ. બીથુનીઆમાં જઈને બારણું ખખડાવ્યું અને એ પણ ન ખુલ્યું. શું તેઓ હિંમત હારી ગયા અને સંદેશો જણાવવાનું પડતું મૂક્યું? ના, તેઓએ પૂરા ઉત્સાહથી કામ ચાલુ રાખ્યું!
૭ એ પછી તેઓએ જે નિર્ણય લીધો, એ કદાચ અજુગતો લાગી શકે. કલમ આઠ જણાવે છે: “માટે તેઓ મુસિયાને બાજુએ મૂકીને ત્રોઆસ આવ્યા.” એટલે તેઓએ પશ્ચિમ દિશામાં આશરે ૫૫૦ કિલોમીટર મુસાફરી કરી. રસ્તામાં આવતાં બધાં શહેરો પસાર કરીને તેઓ ત્રોઆસ બંદરે પહોંચ્યા. ત્યાંથી મકદોનિયા જઈ શકાતું હતું. પાઊલે ત્રીજી વાર દરવાજો ખખડાવ્યો. પછી શું થયું? આ વખતે ખુશખબર ફેલાવવા માટેનું મોટું દ્વાર ઉઘડી ગયું. નવમી કલમ જણાવે છે: “રાત્રે પાઊલને એવું દર્શન થયું કે મકદોનિયાના એક માણસે ઊભા રહીને તેને વિનવીને કહ્યું કે મકદોનિયા આવીને અમને સહાય કર.” આખરે પાઊલને ખબર પડી કે ક્યાં જઈને સંદેશો જણાવવો જોઈએ. મોડું કર્યા વગર તેઓ વહાણમાં બેસીને મકદોનિયા ગયા.
૮, ૯. પાઊલની મુસાફરીમાંથી આપણે શું શીખી શકીએ?
૮ આ બનાવમાંથી આપણે શું શીખી શકીએ? પાઊલ અને તેમના સાથીઓ આસિયા જવા નીકળ્યા, ત્યાર પછી જ યહોવાએ પોતાની શક્તિ દ્વારા તેઓને માર્ગદર્શન આપવાનું શરૂ કર્યુ. પાઊલ બીથુનીઆ પાસે પહોંચ્યા ત્યાર પછી જ ઈસુએ તેમને માર્ગદર્શન આપ્યું કે આગળ શું કરવું. પાઊલ ત્રોઆસ પહોંચ્યા એ પછી જ ઈસુએ તેમને મકદોનિયા જવા કહ્યું. ઈસુ મંડળીના શિર હોવાથી આપણને પણ કદાચ એ રીતે માર્ગદર્શન આપે. (કોલો. ૧:૧૮) દાખલા તરીકે, એવું બની શકે કે તમે પાયોનિયરીંગ શરૂ કરો અથવા જરૂર છે એવી જગ્યાએ જાવ, એ પછી જ ઈશ્વરની શક્તિ વડે ઈસુ તમને માર્ગદર્શન આપે. આ જાણે ગાડી ચલાવવા જેવું છે: જો ગાડી આગળ ચાલતી હોય તો જ ડ્રાઇવર એને ડાબી કે જમણી બાજુ વાળી શકે. એવી જ રીતે, યહોવાની ભક્તિમાં વધારે કરવાનું શરૂ કરીએ એ પછી જ ઈસુ આપણને જરૂરી માર્ગદર્શન આપે.
૯ જો મહેનતનાં ફળ તરત ન મળે તો શું કરશો? શું એમ વિચારશો કે ‘યહોવા માર્ગદર્શન આપતા નથી એટલે એ કામ છોડી દઉં’? યાદ રાખો કે પાઊલે પણ અનેક નડતરોનો સામનો કર્યો હતો. તોપણ ખુશખબર ફેલાવવા માટેનું દ્વાર ખુલે નહિ ત્યાં સુધી ખખડાવતા રહ્યા. એવી જ રીતે આપણે પણ ખખડાવતા રહીશું તો આપણા માટે પણ ‘દ્વાર ઉઘાડવામાં આવશે.’—૧ કોરીં. ૧૬:૯.
તેઓ પ્રાર્થનામાં લાગુ રહ્યા
૧૦. શું બતાવે છે કે જાગતા રહેવા માટે પ્રાર્થનામાં લાગુ રહેવું જરૂરી છે?
૧૦ ચાલો જાગતા રહેવા માટેના બીજા બોધપાઠનો વિચાર કરીએ. આપણને પહેલી સદીના ભાઈ-બહેનો પાસેથી પ્રાર્થનામાં લાગુ રહેવાનું શીખવા મળે છે. (૧ પીત. ૪:૭) પ્રાર્થનામાં લાગુ રહીશું તો જ યહોવાની ભક્તિમાં જાગતા રહી શકીશું. યાદ કરો કે ગેથસેમાને બાગમાં ઈસુને પકડવામાં આવ્યા એ પહેલાં ત્રણ શિષ્યોને તેમણે શું કહ્યું હતું: “જાગતા રહો ને પ્રાર્થના કરો.”—માથ. ૨૬:૪૧.
૧૧, ૧૨. શા માટે અને કેવી રીતે હેરોદે પીતર અને બીજા ખ્રિસ્તીઓ સાથે ખરાબ વર્તન કર્યું?
૧૧ એ ત્રણ શિષ્યોમાં પીતર પણ એક હતા. સમય જતાં, પ્રાર્થનામાં લાગુ રહેવાથી મળતી શક્તિનો તેમણે અનુભવ કર્યો. (પ્રેરિતોનાં કૃત્યો ૧૨:૧-૬ વાંચો.) આ અહેવાલની શરૂઆતમાં, આપણને જોવા મળે છે કે યહુદીઓને પોતાના કરી લેવા હેરોદ રાજા ખ્રિસ્તીઓ સાથે ખરાબ રીતે વર્તે છે. તેણે કદાચ જાણ્યું હશે કે પ્રેરિત યાકૂબ પર ઈસુને ઘણો લગાવ હતો. એટલે બીજી કલમ કહે છે કે હેરોદે “યોહાનના ભાઈ યાકૂબને તરવારથી મારી નંખાવ્યો.” એ સમયના મંડળે એક હિંમતવાન અને વફાદાર પ્રેરિત ગુમાવ્યો. એનાથી ભાઈ-બહેનો પર કેટલી આકરી કસોટી આવી હશે!
૧૨ પછી હેરોદે શું કર્યું? એ ત્રીજી કલમમાં જણાવ્યું છે: “યહુદીઓને એ વાત ગમે છે એમ જોઈને તેણે પીતરને પણ પકડ્યો.” અગાઉ પણ કેટલાક પ્રેરિતોને કેદમાં પૂરવામાં આવ્યા હતા, એમાં પીતર પણ એક હતા. પરંતુ તેઓનો ચમત્કારિક રીતે છુટકારો થયો હતો. (પ્રે.કૃ. ૫:૧૭-૨૦) હેરોદને એ બનાવની સારી જાણ હતી. એટલે પીતર કેદમાંથી છટકી ન જાય એની ગોઠવણ કરી. ચોથી કલમ જણાવે છે કે ‘તેણે પીતરને પકડીને બંદીખાનામાં નાખ્યો. તેની ચોકી કરવા સારૂ ચાર સિપાઈઓની ચાર ટુકડીઓને સોંપ્યો, અને પાસ્ખા પર્વ પછી લોકોની પાસે તેને બહાર લાવવાનો ઇરાદો રાખ્યો.’ કલ્પના કરો, હેરોદે પીતરને સાંકળે બાંધીને બે ચોકીદાર વચ્ચે રાખ્યા છે. તે છટકી ન જાય માટે ૧૬ ચોકીદારો વારાફરતી રાત-દિવસ ચોકી કરે છે. હેરોદ ચાહતો હતો કે પાસ્ખા પર્વ પછી પીતરને લોકોની પાસે લાવવામાં આવે અને મારી નંખાવે, જેથી લોકોની વાહવાહ મળે. આવી સ્થિતિમાં મંડળના ભાઈ-બહેનોએ પીતર માટે શું કર્યું?
૧૩, ૧૪. (ક) પીતરને કેદમાં પૂરવામાં આવ્યા ત્યારે ભાઈ-બહેનોએ શું કર્યું? (ખ) પીતરના સમયમાં ભાઈ-બહેનોએ જે દાખલો બેસાડ્યો એમાંથી આપણે શું શીખી શકીએ?
૧૩ મંડળ સારી રીતે જાણતું હતું કે હવે શું કરવું. પાંચમી કલમ જણાવે છે: ‘પીતરને બંદીખાનામાં રાખ્યો પણ મંડળી તેને સારું આગ્રહથી ઈશ્વરને પ્રાર્થના કરતી હતી.’ પીતર માટે ભાઈ-બહેનોએ દિલથી અને આગ્રહથી પ્રાર્થના કરી હતી. યાકૂબને મારી નાખવામાં આવ્યા હતા, એનાથી તેઓની શ્રદ્ધા ડગી ન હતી. તેઓએ એવું ન વિચાર્યું કે પ્રાર્થના કરવાનો કોઈ ફાયદો નથી. તેઓ જાણતા હતા કે યહોવાને મન પોતાના ભક્તોની પ્રાર્થનાઓ બહુ કીમતી છે. જો તેમની ઇચ્છા પ્રમાણે પ્રાર્થના કરવામાં આવે તો તે જરૂર એનો જવાબ આપે છે.—હિબ્રૂ ૧૩:૧૮, ૧૯; યાકૂ. ૫:૧૬.
૧૪ ભાઈ-બહેનોએ પીતર માટે જે કર્યું એમાંથી આપણે શું શીખી શકીએ? જાગતા રહેવા પોતાના માટે તો પ્રાર્થના કરવી જ જોઈએ, સાથે સાથે ભાઈ-બહેનો માટે પણ કરવી જોઈએ. (એફે. ૬:૧૮) શું તમે એવા કોઈ ભાઈ-બહેનોને ઓળખો છો, જેઓ કસોટીઓ વેઠી રહ્યા છે? અમુક ભાઈ-બહેનો સતાવણીનો સામનો કરે છે. વળી, અમુક એવા દેશમાં રહેતા હશે જ્યાં આપણા કામ પર પ્રતિબંધ છે. જ્યારે કેટલાક કુદરતી આફતનો ભોગ બન્યા છે. કેમ નહિ કે આપણે એવા ભાઈ-બહેનો માટે દિલથી પ્રાર્થના કરીએ? કદાચ તમે એવા ભાઈ-બહેનોને જાણતા હશો જેઓની તકલીફો તરત કોઈના ધ્યાનમાં ન આવે. જેમ કે, કુટુંબમાં તેઓનો વિરોધ થયો હોય, કોઈ કારણને લીધે નિરાશ થઈ ગયા હોય અથવા કોઈ બીમારી લાગી હોય. પ્રાર્થના કરતા પહેલાં કેમ નહિ કે એવા ભાઈ-બહેનોનો વિચાર કરો. પ્રાર્થનામાં તેઓનું નામ લઈને યહોવા પાસે મદદ માગી શકો, જે “પ્રાર્થનાના સાંભળનાર” છે.—ગીત. ૬૫:૨.
૧૫, ૧૬. (ક) સમજાવો કે કેવી રીતે યહોવાના દૂતે પીતરને કેદમાંથી છોડાવ્યા? (ચિત્ર જુઓ.) (ખ) યહોવાએ જે રીતે પીતરને છોડાવ્યા એના પર મનન કરવાથી આપણો વિશ્વાસ કઈ રીતે મજબૂત થાય છે?
૧૫ પીતરનું પછી શું થયું? તે જેલમાં બે ચોકીદારો વચ્ચે ભરઊંઘમાં હતા. એ રાતે પીતરે એક પછી એક અનેક બાબતો અનુભવી. (પ્રેરિતોનાં કૃત્યોના ૧૨:૭-૧૧ વાંચો.) ત્યાં જે બન્યું એની કલ્પના કરો: પીતર જ્યાં કેદ હતા એ કોટડી અચાનક પ્રકાશથી ભરાઈ જાય છે. એક સ્વર્ગદૂત ત્યાં આવે છે, પણ ચોકીદારો જોઈ શકતા નથી. પછી સ્વર્ગદૂત પીતરને જગાડે છે. પીતરના હાથની સાંકળો ખરી પડે છે. બાકીના ચોકીદારોની આગળથી સ્વર્ગદૂત પીતરને કોટડીમાંથી બહાર લઈ જાય છે. શહેરમાં લઈ જતા લોઢાના દરવાજા પાસે તેઓ આવે છે, ત્યારે એ દરવાજા “પોતાની મેળે” ખુલી જાય છે. તેઓ રસ્તા પર આવે છે, એ પછી સ્વર્ગદૂત ત્યાંથી અદૃશ્ય થઈ જાય છે. પીતર આઝાદ થઈ જાય છે!
૧૬ યહોવા પોતાના ભક્તોને છોડાવવાને શક્તિમાન છે. એના પર મનન કરવાથી શું આપણી શ્રદ્ધા વધતી નથી? ખરું કે આજે આપણે આશા રાખતા નથી કે યહોવા પોતાના ભક્તોને ચમત્કારથી બચાવશે. છતાં, આપણને અતૂટ શ્રદ્ધા છે કે યહોવા આજે પણ પોતાના ભક્તો માટે પોતાની શક્તિનો ઉપયોગ કરે છે. (૨ કાળ. ૧૬:૯) એ શક્તિની મદદથી તે આપણને કોઈ પણ પરીક્ષણનો સામનો કરવા મદદ કરી શકે છે. (૨ કોરીં. ૪:૭; ૨ પીત. ૨:૯) યહોવા જલદી જ પોતાના પુત્ર ઈસુને શક્તિ આપશે, જેથી તે અસંખ્ય લોકોને મરણની કેદમાંથી છોડાવે. (યોહા. ૫:૨૮, ૨૯) યહોવાનાં વચનોમાં ભરોસો હોવાથી કસોટીઓમાં ટકી રહેવા આપણને હિંમત મળે છે.
નડતરો છતાં ખુશખબર જણાવતા રહ્યા
૧૭. અગત્ય જાણીને અને ઉત્સાહ રાખીને પ્રચાર કરવા માટે પાઊલે કેવો દાખલો બેસાડ્યો?
૧૭ ચાલો હવે આપણે જાગતા રહેવા માટેના ત્રીજા બોધપાઠનો વિચાર કરીએ. નડતરો આવી છતાં પ્રેરિતો સર્વ લોકોને ઈશ્વરનો સંદેશો જણાવતા રહ્યા. તેઓની જેમ ઉત્સાહથી પ્રચાર કરીશું તો આપણે જાગૃત રહી શકીશું. એમ કરવું ખૂબ જ અગત્યનું છે. એમ કરવામાં પ્રેરિત પાઊલે સરસ દાખલો બેસાડ્યો. તેમણે દૂર દૂર દેશોમાં ઉત્સાહથી ઈશ્વર વિષે જણાવ્યું અને ઘણાં મંડળો ઊભાં કર્યાં. અનેક તકલીફો વેઠીને પણ તે સંદેશો જણાવતા રહ્યા. તેમણે પોતાનો ઉત્સાહ કદી ઠંડો પડવા દીધો નહિ.—૨ કોરીં. ૧૧:૨૩-૨૯.
૧૮. નજરકેદ હતા તોપણ પાઊલે કઈ રીતે સાક્ષી આપવાનું ચાલુ રાખ્યું?
૧૮ છેલ્લી વાર પ્રેરિત પાઊલ વિષે આપણને પ્રેરિતોનાં કૃત્યોના ૨૮ અધ્યાયમાં વાંચવા મળે છે. ન્યાય માગવા માટે પાઊલ રોમના શહેનશાહ નીરો પાસે જાય છે. પણ તે પાઊલને નજરકેદ કરે છે. કદાચ તેમને ચોકીદાર સાથે સાંકળથી બાંધ્યા હતા. તોપણ, સાંકળો પાઊલનો ઉત્સાહ શાંત પાડી ન શકી! તે કોઈને કોઈ રીતે ઈશ્વર વિષે લોકોને જણાવતા રહ્યા. (પ્રેરિતોનાં કૃત્યો ૨૮:૧૭, ૨૩, ૨૪ વાંચો.) ત્રણ દિવસ બાદ પાઊલે યહુદીઓના મુખ્ય માણસોને બોલાવ્યા, જેથી તેઓને યહોવા વિષે જણાવી શકે. નક્કી કરેલા દિવસે તેઓ આવ્યા ત્યારે, પાઊલે તેઓને જોરદાર સાક્ષી આપી. નોંધ કરો ૨૩મી કલમ શું જણાવે છે: “તેઓએ [રોમમાં રહેતા યહુદીઓએ] તેને સારુ એક દિવસ મુકરર કર્યો, તે દિવસે ઘણા માણસો તેની પાસે તેના ઉતારામાં આવ્યા; તેઓને તેણે પ્રમાણો આપીને ઈશ્વરના રાજ્ય વિષેની સાક્ષી આપી, અને સવારથી સાંજ સુધી મુસાના નિયમશાસ્ત્ર તથા પ્રબોધકો ઉપરથી ઈસુ વિષેની વાત તેઓને સમજાવી.”
૧૯, ૨૦. (ક) પાઊલ કેમ સરસ રીતે લોકોને સંદેશો આપી શક્યા? (ખ) બધાએ સંદેશો સ્વીકાર્યો નહિ છતાં પાઊલ શું કરતા રહ્યા?
૧૯ પાઊલ કેમ સરસ રીતે લોકોને સંદેશો આપી શક્યા? કલમ ત્રેવીસમાં એના અનેક કારણો છે. (૧) તેમનો સંદેશો ઈશ્વરના રાજ્ય અને ઈસુ ખ્રિસ્ત પર ખાસ ધ્યાન દોરતું હતો. (૨) તેમણે સાંભળનારાને શાસ્ત્રમાંથી “પ્રમાણો” કે પુરાવાઓ આપીને વિચાર કરવા ઉત્તેજન આપ્યું. (૩) તેમણે શાસ્ત્રમાંથી લોકોને સમજાવ્યું. (૪) “સવારથી સાંજ સુધી” સંદેશો જણાવીને પાઊલે બતાવ્યું કે તેમને લોકોની વધારે ચિંતા હતી. પાઊલે જોરદાર પ્રવચન આપ્યું, છતાંય બધા લોકોએ એ સંદેશો સ્વીકાર્યો નહિ. કલમ ચોવીસ જણાવે છે: “જે વાતો કહેવામાં આવી તે કેટલાંકે માની લીધી અને કેટલાંકે માની નહિ.” પરિણામે, લોકોમાં ભાગલા પડ્યા હોવાથી તેઓ ચાલ્યા ગયા.
૨૦ બહુ થોડા લોકોએ સંદેશો સાંભળ્યો, તેથી શું પાઊલ નિરાશ થઈ ગયા? જરાય નહિ! ચાલો ત્રીસ અને એકત્રીસ કલમ વાંચીએ: ‘પાઊલ પોતાના ભાડાના ઘરમાં પૂરાં બે વરસ રહ્યા અને જેઓ તેમને ત્યાં આવતા તેઓ સર્વનો તે આદરસત્કાર કરતા હતા. તે પૂરેપૂરી હિંમતથી તથા અચકાયા વગર ઈશ્વરના રાજ્ય વિષે ઉપદેશ કરતા, તથા પ્રભુ ઈસુ ખ્રિસ્ત વિષેની વાતોનો બોધ કરતા હતા.’ આ ઉત્તેજનભર્યા શબ્દોથી પ્રેરિતોનાં કૃત્યોનું પુસ્તક પૂરું થાય છે.
૨૧. નજરકેદ થયા હતા તોપણ પાઊલે આપણા માટે કેવી રીતે સરસ દાખલો બેસાડ્યો છે?
૨૧ પાઊલના દાખલામાંથી આપણે શું શીખી શકીએ? પાઊલ નજરકેદ હોવાથી તે ઘરે ઘરે જઈને લોકોને યહોવા વિષે જણાવી શકતા ન હતા. જોકે તે જરાય નિરાશ ન થયા. જે લોકો તેમને મળવા આવતા તેઓને પાઊલ સંદેશો જણાવતા. આજે ઘણા ભાઈ-બહેનોને ભક્તિના કારણ માટે અન્યાયી રીતે કેદ કરવામાં આવે છે. તોપણ તેઓ પાઊલની જેમ ઉત્સાહથી લોકોને ઈશ્વર વિષે જણાવે છે. આપણા ઘણા ભાઈ-બહેનો બીમારી કે ઉંમરને લીધે ઘરની બહાર નીકળી શકતા નથી. છતાં, યહોવાની ભક્તિ માટેનો તેઓનો પ્રેમ ઠંડો પડ્યો નથી. સંજોગો પ્રમાણે તેઓ ડૉક્ટરને અને મળવા આવનાર લોકોને રાજ્યનો સંદેશો જણાવે છે. તેઓ બધાને ઈશ્વરના રાજ્યની ખુશખબર જણાવવા ચાહે છે. આવા ભાઈ-બહેનોની આપણે ખૂબ જ કદર કરીએ છીએ, ખરું ને!
૨૨. (ક) પ્રેરિતોનાં કૃત્યોના અહેવાલમાંથી લાભ મેળવવા આપણને કયું પુસ્તક મદદ કરશે? (ઉપરનું બૉક્સ જુઓ.) (ખ) આ દુષ્ટ દુનિયાના અંતની રાહ જોતી વખતે તમે શું કરવાનો નિર્ણય કર્યો છે?
૨૨ પ્રેરિતોનાં કૃત્યોના પુસ્તકમાંથી આપણને પ્રેરિતો અને પહેલી સદીના ભાઈ-બહેનો વિષે ઘણું જાણવા મળે છે. જાગતા રહેવા આપણે તેઓ પાસેથી ઘણું શીખી શકીએ છીએ. આ દુષ્ટ જગતના અંતની રાહ જોઈએ એ દરમિયાન પ્રેરિતોને અનુસરીએ. ચાલો તેઓની જેમ પૂરી હિંમતથી અને ઉત્સાહથી ઈશ્વરનો સંદેશો જાહેર કરતા રહીએ. ઈશ્વરના રાજ્યની ખુશખબર ફેલાવવાના લહાવા કરતાં બીજો મોટો લહાવો શું કોઈ હોઈ શકે!—પ્રે.કૃ. ૨૮:૨૩. (w12-E 01/15)
[પાન ૧૭ પર બોક્સ]
‘પ્રેરિતોનાં કૃત્યોનું પુસ્તક હવે મારા માટે પહેલાં જેવું નથી રહ્યું’
“બેરિંગ થરો વિટનેસ” અબાઉટ ગોડ્સ કિંગ્ડમ પુસ્તક વાંચ્યા પછી એક પ્રવાસી નિરીક્ષક પોતાની લાગણી જણાવે છે: ‘પ્રેરિતોનાં કૃત્યોનું પુસ્તક હવે મારા માટે પહેલાં જેવું નથી રહ્યું. મેં ઘણી વાર બાઇબલમાંથી પ્રેરિતોનાં કૃત્યોનું પુસ્તક વાંચ્યું છે. પરંતુ, હવે આ નવું પુસ્તક વાંચ્યા પછી હું પ્રેરિતોનાં કૃત્યોમાંથી વધારે લાભ મેળવી શક્યો છું.’
[પાન ૧૬ પર ચિત્ર]
સ્વર્ગદૂત પીતરને લોખંડના દરવાજામાંથી બહાર લઈ જાય છે