જાન્યુઆરી—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
જાન્યુઆરી ૭-૧૩
બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોનાં કાર્યો ૨૧-૨૨
“યહોવાની ઇચ્છા પ્રમાણે થાઓ”
bt-E ૧૭૭-૧૭૮ ¶૧૫-૧૬
“યહોવાની ઇચ્છા પ્રમાણે થાઓ”
૧૫ પાઊલ ફિલિપની સાથે રહેતા હતા, ત્યારે આગાબાસ નામની એક વ્યક્તિ મળવા આવી. લોકો તેમનો ખૂબ આદર કરતા. ફિલિપના ઘરે ભેગા થયેલા લોકો આગાબાસને પ્રબોધક તરીકે ઓળખતા હતા. ક્લોદિયસના રાજ દરમિયાન આગાબાસે ભાખ્યું હતું કે ભયંકર દુકાળ પડવાનો છે. (પ્રે.કા. ૧૧:૨૭, ૨૮) એટલે તેમને જોઈને તેઓને થયું હશે, ‘આગાબાસ કેમ આવ્યા છે? શું તે કોઈ સંદેશો લાવ્યા છે?’ તેઓ ટગરટગર આગાબાસને જોઈ રહ્યા. આગાબાસે પાઊલનો કમરપટ્ટો લીધો. એ સમયમાં લોકો પૈસા કે બીજી કોઈ નાનીસૂની વસ્તુઓ કાપડના લાંબા કમરપટ્ટામાં સાચવીને કમરે બાંધતા. પાઊલના કમરપટ્ટાથી આગાબાસે પોતાના હાથ-પગ બાંધ્યા. પછી તેમણે એક ગંભીર સંદેશો આપ્યો. તેમણે કહ્યું: “પવિત્ર શક્તિ આમ કહે છે, ‘આ પટ્ટો જે માણસનો છે, તેને યરૂશાલેમમાં યહુદીઓ આ રીતે બાંધશે અને બીજી પ્રજાના હાથમાં સોંપી દેશે.’”—પ્રે.કા. ૨૧:૧૧.
૧૬ ભવિષ્યવાણી પરથી ખાતરી થઈ કે પાઊલ યરૂશાલેમ જશે. આ ભવિષ્યવાણી એ પણ બતાવતી હતી કે ત્યાં યહુદીઓ સાથેની વાતચીત વખતે તેમની ધરપકડ કરવામાં આવશે. પછી, તેમને ‘બીજી પ્રજાના હાથમાં સોંપવામાં આવશે.’ ફિલિપના ઘરે ભેગા થયેલા બધાને એ સંદેશો સાંભળીને આઘાત લાગ્યો અને મૂંઝવણમાં મૂકાઈ ગયા. લુક લખે છે, ‘અમે આ સાંભળ્યું ત્યારે, અમે અને ત્યાં હાજર લોકો પાઊલને આજીજી કરવા લાગ્યા કે તે યરૂશાલેમ જાય નહિ.’ પાઊલે જવાબ આપ્યો: “આ શું કરો છો? તમે રડીને મારો નિર્ણય કેમ ડગમગાવો છો? હું તો ફક્ત બંધાવા જ નહિ, પણ પ્રભુ ઈસુના નામને લીધે યરૂશાલેમમાં મરવા પણ તૈયાર છું.”—પ્રે.કા. ૨૧:૧૨, ૧૩.
bt-E ૧૭૮ ¶૧૭
“યહોવાની ઇચ્છા પ્રમાણે થાઓ”
૧૭ આ દૃશ્યની કલ્પના કરો: લુક અને બીજા ભાઈઓ પાઊલને આજીજી કરી રહ્યા છે કે તે ન જાય. અમુક તો રડે છે. તેઓને પાઊલની ઘણી ચિંતા છે. પાઊલે તેઓને પ્રેમથી કહે છે, તમે ‘મારું હૃદય નબળું પાડો છો.’ એ માટે વપરાયેલા ગ્રીક શબ્દોનો અમુક બાઇબલમાં આવો અનુવાદ થયો છે: તેઓ ‘તેમનું હૃદય ભાંગી નાખે છે.’ પણ તેમનું મન મક્કમ હતું. અગાઉ પાઊલ તૂરમાં ભાઈઓને મળ્યા હતા ત્યારે પણ તેઓનો આગ્રહ કે આંસુઓ જોઈને પોતાના નિર્ણયમાં ઢીલા પડ્યા ન હતા. તેમણે તો ભાઈઓને સમજાવ્યું કે ત્યાં જવું શા માટે જરૂરી છે. સાચે જ, પાઊલે જોરદાર હિંમત બતાવીને મક્કમ નિર્ણય લીધો. ઈસુની જેમ પાઊલ પણ યરૂશાલેમ જવાના પોતાના ધ્યેયમાં મક્કમ રહ્યા. (હિબ્રૂ ૧૨:૨) એવું નથી કે પાઊલ શહીદ થવા ઇચ્છતા હતા. પણ ઈસુ ખ્રિસ્તના શિષ્ય બન્યા હોવાથી, એવું થાય, તોય તે મરવા તૈયાર હતા. તેમને મને એ મોટા આદરની વાત હતી.
bt-E ૧૭૮ ¶૧૮
“યહોવાની ઇચ્છા પ્રમાણે થાઓ”
૧૮ તેમના નિર્ણય વિશે ભાઈઓને કેવું લાગ્યું? તેઓએ પાઊલનું માન જાળવ્યું. કલમ જણાવે છે: ‘જ્યારે પાઊલ માન્યા નહિ, ત્યારે ભાઈઓ આમ કહીને ચૂપ થઈ ગયા: “યહોવાની ઇચ્છા પ્રમાણે થાઓ.”’ (પ્રે.કા. ૨૧:૧૪) જે ભાઈઓ પાઊલને યરૂશાલેમ ન જવા મનાવી રહ્યા હતા, તેઓએ પોતાની વાત પકડી ન રાખી. તેઓએ પાઊલનું સાંભળ્યું અને તેમના નિર્ણયને માન આપ્યું. તેઓ જોઈ શક્યા કે અઘરું લાગે તોપણ યહોવાની મરજી પ્રમાણે ચાલવું જરૂરી છે. પાઊલે લીધેલો નિર્ણય આખરે તેમને મોતના મોંમાં ધકેલી દેવાનો હતો. તોપણ તે ચાહતા હતા કે ભાઈ-બહેનો તેમની હિંમત તોડવાને બદલે હિંમત બાંધે તો સારું.
કીમતી રત્નો શોધીએ
bt-E ૧૮૪-૧૮૫ ¶૧૦-૧૨
‘મારી દલીલ સાંભળો’
૧૦ પાઊલ એવા લોકો સાથે સમજદારીથી વર્ત્યા, જેઓને સાબ્બાથ જેવા યહુદી રિવાજો પાળવાનું યોગ્ય લાગતું. જેમ કે સાબ્બાથના દિવસે કામ કરવું નહિ અથવા અમુક ખોરાક ખાવો નહિ. (રોમ. ૧૪:૧-૬) તેમજ તેમણે સુન્નત વિશે કોઈ નવા નિયમો ઘડ્યા નહિ. પાઊલે તો તિમોથીને પણ સુન્નત કરાવવાનું કહ્યું, જેથી યહુદીઓ તેમના પર ભરોસો મૂકે. કેમ કે તિમોથીના પિતા યહુદી નહિ પણ ગ્રીક હતા. (પ્રે.કા. ૧૬:૩) સુન્નત કરવી કે નહિ એ નિર્ણય વ્યક્તિએ પોતે લેવાનો હતો. પાઊલે ગલાતી ભાઈઓને કહ્યું: “સુન્નત કરાવવી કે ન કરાવવી એનું કોઈ મહત્ત્વ નથી, પણ પ્રેમથી પ્રેરાયેલી શ્રદ્ધાનું મહત્ત્વ છે.” (ગલા. ૫:૬) પણ જો કોઈ નિયમશાસ્ત્રને આધીન થવા સુન્નત કરાવતું હોય, અથવા યહોવાની કૃપા પામવા સુન્નત કરાવવી જરૂરી છે એમ શીખવતું હોય તો, એનાથી જોવા મળતું હતું કે વ્યક્તિમાં શ્રદ્ધાની ખામી છે.
૧૧ ભલે ને અફવાઓમાં કોઈ દમ ન હતો, તોપણ યહુદી ભાઈ-બહેનો એ સાંભળીને મૂંઝાઈ ગયા. એ કારણે, વડીલોએ પાઊલને આમ કરવા જણાવ્યું: “અમારી સાથે એવા ચાર માણસો છે, જેઓએ માનતા લીધી છે. એ માણસોને તારી સાથે લઈ જા અને નિયમ પ્રમાણે તું પણ તેઓ સાથે પોતાને શુદ્ધ કર. તું તેઓનો ખર્ચો ઉઠાવજે, જેથી તેઓ માથા મૂંડાવે. પછી, બધા લોકોને ખબર પડશે કે તું નિયમશાસ્ત્ર પાળે છે અને એ પ્રમાણે ચાલે છે; અને તેઓએ તારા વિશે જે અફવાઓ સાંભળી હતી, એ ખોટી છે.”—પ્રે.કા. ૨૧:૨૩, ૨૪.
૧૨ પાઊલે ચાહ્યું હોત તો વાંધો ઉઠાવી શક્યા હોત કે, તેમના વિશેની અફવાઓમાં કંઈ દમ નથી. તે કહી શક્યા હોત કે યહુદી ભાઈ-બહેનોને જે તકલીફ પહોંચી એનું કારણ તેઓ પોતે જ છે, કેમ કે તેઓ મુસાના નિયમશાસ્ત્રને ચુસ્ત રીતે વળગી રહેવાનું ઉત્તેજન આપતા હતા. પણ પાઊલે એવું ન કર્યું. ઈશ્વરનાં ધોરણોમાં તડજોડ કરવી ન પડે ત્યાં સુધી પાઊલ કંઈ પણ કરવા તૈયાર હતા. તેમણે અગાઉ લખ્યું હતું: “ભલે હું પોતે નિયમશાસ્ત્રને આધીન નથી, પણ નિયમશાસ્ત્રને આધીન લોકો માટે હું નિયમશાસ્ત્રને આધીન રહેનારા જેવો બન્યો, જેથી તેઓને જીતી શકું.” (૧ કોરીં. ૯:૨૦) આ પ્રસંગે પાઊલે યરૂશાલેમના વડીલોનું કહેવું માન્યું અને ‘નિયમશાસ્ત્રને આધીન રહેનારા જેવા’ બન્યા. આમ તેમણે આપણા માટે સરસ દાખલો બેસાડ્યો. આપણે પણ વડીલો કહે એ પ્રમાણે કરવા તૈયાર રહેવું જોઈએ અને પોતાનો જ કક્કો ખરો કરવાનું વલણ ટાળવું જોઈએ.—હિબ્રૂ. ૧૩:૧૭.
nwtsty પ્રેકા ૨૨:૧૬ અભ્યાસ માહિતી
તેમના નામમાં વિનંતી કરીને તારાં પાપ ધોઈ નાખ: અથવા “તારાં પાપ ધોઈ નાખ અને તેમના નામે વિનંતી કર.” બાપ્તિસ્માના પાણીથી વ્યક્તિનાં પાપ ધોવાઈ જતાં નથી, પણ ઈસુના નામે વિનંતી કરવાથી પાપ દૂર થાય છે. એ માટે વ્યક્તિએ ઈસુ પર શ્રદ્ધા રાખવાની જરૂર છે અને એ તેનાં કાર્યોથી દેખાઈ આવવું જોઈએ.—પ્રેકા ૧૦:૪૩; યાકૂ ૨:૧૪, ૧૮.
બાઇબલ વાંચન
જાન્યુઆરી ૧૪-૨૦
બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોના કાર્યો ૨૩-૨૪
“પાઊલ બધી આફતોનું મૂળ છે અને બળવો કરવા ઉશ્કેરે છે એવો આરોપ”
bt-E ૧૯૧ ¶૫-૬
“હિંમત રાખ!”
૫ પાઊલને ખરા સમયે ઉત્તેજન મળ્યું. બીજા જ દિવસે ૪૦થી વધુ યહુદી માણસોએ “કાવતરું ઘડ્યું. અને તેઓએ સોગંદ લીધા કે જ્યાં સુધી તેઓ પાઊલને મારી નહિ નાખે, ત્યાં સુધી ખાશે કે પીશે નહિ.” આ રીતે ‘સોગંદથી બંધાઈને કાવતરું ઘડવું’ દર્શાવે છે કે પાઊલને મારી નાખવા યહુદીઓએ મનમાં ગાંઠ વાળી હતી. તેઓનું માનવું હતું, કે જો તેઓ પોતાના ઇરાદામાં સફળ નહિ થાય તો તેઓ શાપિત ગણાશે અથવા તેઓ પર કોઈ ખરાબ આફત આવશે. (પ્રે.કા. ૨૩:૧૨-૧૫) તેઓની યોજના એ હતી કે પાઊલને વધારે પૂછપરછ માટે યહુદી ન્યાયસભામાં લાવવાની માંગ કરે, જાણે કે તેઓ પાઊલ વિશે પૂરેપૂરી તપાસ કરવા માંગતા હોય. પણ હકીકતમાં પાઊલ ન્યાયસભામાં પહોંચે એ પહેલાં જ રસ્તામાં તેઓ છૂપો હુમલો કરીને તેમને પતાવી દેવા માંગતા હતા. તેઓની એ યોજનાને મુખ્ય યાજકો અને વડીલોએ મંજૂરી આપી હતી.
૬ તેઓએ જે કાવતરું ઘડ્યું હતું એ વાત પાઊલનો ભાણેજ સાંભળી ગયો અને પાઊલને એ ખબર આપી દીધી. પાઊલે તેને એ કાવતરા વિશે રોમન સેનાપતિ ક્લોદિયસ લુસિયસને જણાવવા કહ્યું. (પ્રે.કા. ૨૩:૧૬-૨૨) પાઊલના એ ભાણેજનું નામ બાઇબલ જણાવતું નથી. પણ એક વાત ચોક્કસ કે તેણે પાઊલને બચાવવા પોતાનો જીવ જોખમમાં મૂક્યો. આજે, તેની જેમ ઘણા યુવાનો ઈશ્વરના રાજ્યને પ્રથમ રાખવા અને ઈશ્વરભક્તોને મદદ કરવા બનતું બધું કરે છે. ચોક્કસ, એ બધાની યહોવા દિલથી કદર કરે છે.
bt-E ૧૯૨ ¶૧૦
“હિંમત રાખ!”
૧૦ ફરિયાદીઓ યરૂશાલેમથી કાઈસારીઆ આવે ત્યાં સુધી, પાઊલને “હેરોદના મહેલમાં પહેરા નીચે રાખવામાં” આવ્યા. (પ્રે.કા. ૨૩:૩૫) પાંચ દિવસ પછી ફરિયાદીઓ આવ્યા, જેમાં પ્રમુખ યાજક અનાન્યા, તેર્તુલુસ નામે વકીલ, અને કેટલાક વડીલો હતા. તેર્તુલુસે પહેલાં તો ફેલિક્સની કૃપા પામવા તેની ખુશામત કરી કે તે યહુદીઓ માટે ઘણું સારું કરે છે. પછી પોતાના મૂળ મુદ્દા પર આવતા તેણે કહ્યું કે પાઊલ “બધી આફતોનું મૂળ છે. તે આખી દુનિયાના બધા યહુદીઓને બળવો કરવા ઉશ્કેરે છે. તે નાઝારી પંથનો આગેવાન છે. તેણે મંદિરને અપવિત્ર કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, એટલે અમે તેને પકડ્યો.” પછી, ‘આ વાતો સાચી છે, એવો દાવો કરીને બીજા યહુદીઓ પણ વિરોધ કરવામાં તેની સાથે જોડાયા.’ (પ્રે.કા. ૨૪:૫, ૬, ૯) બળવો કરવા ઉશ્કેરનાર, ખતરનાક નાઝારી પંથનો આગેવાન અને મંદિરને અપવિત્ર કરવાનો પ્રયત્ન કરનાર, એ બધા ખૂબ જ ગંભીર આરોપો હતા. એવા આરોપો પુરવાર થાય તો વ્યક્તિને મોતની સજા થતી.
bt-E ૧૯૩-૧૯૪ ¶૧૩-૧૪
“હિંમત રાખ!”
૧૩ પાઊલે આપણા માટે હિંમતનો સારો દાખલો બેસાડ્યો છે. કદાચ આપણને પણ યહોવાની ભક્તિને વળગી રહેવા માટે અધિકારીઓ સામે લાવવામાં આવે. આપણા પર આવા ખોટા આરોપો મૂકવામાં આવે કે આપણે બળવો કરવા ઉશ્કેરીએ છીએ, રાજદ્રોહી છીએ અથવા ‘ખતરનાક પંથના’ સભ્ય છીએ. રાજ્યપાલથી પાઊલ ગભરાયા નહિ કે તેર્તુલુસની જેમ ખુશામતનો સહારો લીધો નહિ. પાઊલે તેમને માન આપ્યું અને શાંત રહ્યા. ખોટું ન લાગે એ રીતે સ્પષ્ટ અને ખરી માહિતી આપી. પાઊલે જણાવ્યું કે, ‘આસિયા પ્રાંતના કેટલાક યહુદીઓએ’ મારા પર મંદિરને અપવિત્ર કરવાનો આરોપ મૂક્યો છે. તેઓ હાજર નથી અને કાયદા પ્રમાણે હું તેઓના આરોપો મોઢામોઢ સાંભળવા ચાહું છું.—પ્રે.કા. ૨૪:૧૮, ૧૯.
૧૪ એ નોંધપાત્ર છે કે પાઊલ પોતાની માન્યતાઓ વિશે જણાવવાથી જરાય અચકાયા નહિ. એ જ માન્યતાને લઈને અગાઉ આખી યહુદી ન્યાયસભામાં ખળભળાટ મચી ગયો હતો. પાઊલે ફરી વાર ફેલિક્સને હિંમતથી જણાવ્યું કે પોતે સજીવન થવાની આશામાં માને છે. (પ્રે.કા. ૨૩:૬-૧૦) પાઊલે પોતાના બચાવમાં સજીવન થવાની માન્યતા પર કેમ ભાર મૂક્યો? કેમ કે તે ઈસુ વિશે અને ઈસુને જીવતા કરવામાં આવ્યા છે એ વિશે સાક્ષી આપી રહ્યા હતા. આ એવી માન્યતા હતી જેમાં વિરોધીઓ ક્યારેય સહમત થતા ન હતા. (પ્રે.કા. ૨૬:૬-૮, ૨૨, ૨૩) હા, મૂળ વિવાદ એ જ હતો કે ગુજરી ગયેલાઓને જીવતા કરવામાં આવશે કે નહિ. બીજા શબ્દોમાં કહીએ તો, સવાલ એ હતો કે ઈસુમાં શ્રદ્ધા મૂકવી કે નહિ. મરણ પછી તેમને ખરેખર જીવતા કરવામાં આવ્યા હતા કે કેમ. આ વાત જ સળગતો વિવાદ બની ગયો હતો.
કીમતી રત્નો શોધીએ
nwtsty પ્રેકા ૨૩:૬ અભ્યાસ માહિતી
હું ફરોશી છું: મુકદ્દમો ચાલતો હતો ત્યારે ત્યાં હાજર લોકોમાંના અમુક પાઊલને ઓળખતા હતા. (પ્રેકા ૨૨:૫) તેઓ સમજી ગયા કે પોતાને ફરોશીઓનો દીકરો કહીને પાઊલ એમ કહેવા માંગતા હતા કે હું પણ તમારામાંનો એક છું. ન્યાયસભાના ફરોશીઓ જાણતા હતા કે પોતાને ફરોશી તરીકે ઓળખાવીને પાઊલ ખોટી ઓળખ આપતા ન હતા. તેઓને ખબર હતી કે હવે પાઊલ જોશીલા ખ્રિસ્તી બની ગયા છે. પણ આ સંદર્ભમાં પાઊલ બીજા એક અર્થમાં પોતાને ફરોશી કહેતા હતા. તે કહેવા માંગતા હતા કે પોતે ફરોશીઓ જેવું માને છે, સાદુકીઓ જેવું નહિ. બીજા શબ્દોમાં, પાઊલ પણ ફરોશીઓની એ માન્યતામાં માનતા હતા કે ગુજરી ગયેલાઓને સજીવન કરવામાં આવશે. એમ કરીને પાઊલે ત્યાં હાજર ફરોશીઓ અને પોતાની માન્યતા એક છે એમ બતાવ્યું. દેખીતું છે કે પાઊલ આ વિવાદ ઊભો કરીને પોતાની દલીલ મજબૂત કરી રહ્યા હતા. તે ન્યાયસભાના અમુક સભ્યોની સહાનુભૂતિ મેળવવા એમ કરી રહ્યા હતા. અને તેમનો પ્રયત્ન સફળ પણ થયો. (પ્રેકા ૨૩: ૭-૯) પાઊલે પ્રેકા ૨૩:૬માં જે કહ્યું, એના જ સુમેળમાં પછી અગ્રીપા સામે પોતાના બચાવમાં દલીલ કરી હતી. (પ્રેકા ૨૬:૫) વધુમાં, રોમથી ફિલિપીઓને પત્ર લખ્યો એમાં પણ પાઊલે પોતાનો ફરોશી તરીકે ઉલ્લેખ કર્યો હતો. (ફિલિ ૩:૫) ફરોશીમાંથી ખ્રિસ્તી બનેલા અમુક ભાઈઓનો પાઊલે પ્રેકા ૧૫:૫માં જે રીતે ઉલ્લેખ કર્યો, એ પણ નોંધવા જેવું છે.—પ્રેકા ૧૫:૫ અભ્યાસ માહિતી જુઓ.
nwtsty પ્રેકા ૨૪:૨૪ અભ્યાસ માહિતી જુઓ
દ્રુસિલા: પ્રેકા ૧૨:૧માં ઉલ્લેખ થયેલ હેરોદ અગ્રીપા પહેલાંની, ત્રીજી અને સૌથી નાની દીકરી. દ્રુસિલા આશરે સાલ ૩૮માં જન્મી હતી અને અગ્રીપા બીજો તેમજ બરનીસની બહેન હતી. (પ્રેકા ૨૫:૧૩ પરની અભ્યાસ માહિતી અને શબ્દસૂચિમાં “હેરોદ” જુઓ.) રાજ્યપાલ ફેલિક્સ તેનો બીજો પતિ હતો. અગાઉ તે એમેસાના આઝીઝસને પરણી હતી, જે સિરિયાનો રાજા હતો. તેણે સાલ ૫૪માં અથવા તે ૧૬ વર્ષની હતી ત્યારે આઝીઝસને છૂટાછેડા આપ્યા અને ફેલિક્સને પરણી. ફેલિક્સ આગળ જ્યારે પાઊલ ‘સત્યના માર્ગ, સંયમ અને આવનાર ન્યાયચુકાદા વિશે’ વાત કરી રહ્યા હતા ત્યારે બની શકે કે દ્રુસિલા પણ ત્યાં હાજર હતી. (પ્રેકા ૨૪:૨૫) ફેલિક્સની જગ્યાએ પોર્કિયુસ ફેસ્તુસ આવ્યો ત્યારે, તે યહુદીઓને ખુશ કરવા માંગતો હોવાથી પાઊલને કેદમાં જ છોડી ગયો. અમુકનું કહેવું છે કે પોતાની યહુદી પત્નીને ખુશ કરવા તેણે એમ કર્યું હતું.—પ્રેકા ૨૪:૨૭.
બાઇબલ વાંચન
જાન્યુઆરી ૨૧-૨૭
બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોના કાર્યો ૨૫-૨૬
“પાઊલ સમ્રાટ પાસે ન્યાય માંગે છે અને રાજા અગ્રીપાને સાક્ષી આપે છે”
bt-E ૧૯૮ ¶૬
“હું સમ્રાટ પાસે ન્યાય માંગું છું!”
૬ યહુદીઓને રીઝવવાની ફેસ્તુસની ઇચ્છા પાઊલ માટે ભારે પડી હોત, તે જોખમમાં પણ આવી પડત. એટલે, પાઊલ પોતાની રોમન નાગરિકતાનો ઉપયોગ કરીને ફેસ્તુસને આમ કહે છે, ‘હું સમ્રાટના ન્યાયાસન આગળ ઊભો છું, જ્યાં મારો ન્યાય થવો જોઈએ. અને મેં યહુદીઓનું કંઈ બગાડ્યું નથી, એ તમે પણ સારી રીતે જાણો છો. હું સમ્રાટ પાસે ન્યાય માંગું છું!’ એક વાર આવી માંગ કર્યા પછી એ પાછી ખેંચી ન શકાય. પછી, ફેસ્તુસે ભાર દઈને કહ્યું: “તેં સમ્રાટ પાસે ન્યાય માંગ્યો છે; એટલે, તું સમ્રાટ પાસે જઈશ.” (પ્રે.કા. ૨૫:૧૦-૧૨) એક અધિકારી પાસેથી ન્યાય મળ્યો ન હોવાથી ઉચ્ચ અધિકારી પાસે દાદ માંગીને પાઊલે ખ્રિસ્તીઓ માટે એક સરસ નમૂનો બેસાડ્યો. ખુશખબર ફેલાવવાના આપણા કામને રોકવા વિરોધીઓ “કાયદાની આડમાં” તકલીફો ઊભી કરે ત્યારે, યહોવાના સાક્ષીઓ એનું રક્ષણ કરવા કાયદાનો સહારો લે છે.—ગીત. ૯૪:૨૦.
bt-E ૧૯૮-૨૦૧ ¶૧૦-૧૬
“હું સમ્રાટ પાસે ન્યાય માંગું છું!”
૧૦ પાઊલને પૂરા માનથી પોતાના બચાવ કરવાની તક આપી એ માટે, તેમણે રાજા અગ્રીપાનો આભાર માન્યો. તેમણે સ્વીકાર્યું કે યહુદીઓના બધા રીતરિવાજો અને વાદ-વિવાદો વિશે રાજા જાણકાર છે. પછી પાઊલે પોતાના અગાઉના જીવન વિશે જણાવતા કહ્યું: “અમારા ધર્મના સૌથી ચુસ્ત પંથ પ્રમાણે, હું ફરોશી તરીકે જીવતો હતો.” (પ્રે.કા. ૨૬:૫) ફરોશી તરીકે પાઊલ મસીહના આવવાની રાહ જોતા હતા. હવે તે ઈસુના શિષ્ય બન્યા પછી પૂરી હિંમતથી કહે છે કે સદીઓથી લોકો જે મસીહની રાહ જોતા હતા એ ઈસુ ખ્રિસ્ત જ છે. પાઊલ અને તેમના વિરોધીઓ બંને માનતા હતા કે વર્ષો પહેલાં ઈશ્વરે તેમના પૂર્વજોને જે વચન આપ્યું હતું એ જરૂર પૂરું થશે. એ કારણથી જ પાઊલ પર મુકદમો ચલાવવામાં આવ્યો હતો. આ જાણીને અગ્રીપાને પાઊલની વાતમાં વધુ રસ પડ્યો.
૧૧ વીતી ગયેલા સમયમાં પાઊલે પોતે ઈસુના શિષ્યોની કેવી આકરી સતાવણી કરી એ યાદ કરતા તેમણે અગ્રીપાને જણાવ્યું: ‘હું પોતે એવું માનતો હતો કે નાઝરેથના ઈસુના નામની વિરુદ્ધ મારે ઘણું કરવું જોઈએ. મને તેઓ પર [ઈસુના શિષ્યો પર] એટલો બધો ગુસ્સો હતો કે હું તેઓની સતાવણી કરવા બીજાં શહેરોમાં પણ જતો.’ (પ્રે.કા. ૨૬:૯-૧૧) પાઊલ કંઈ વાતનું વતેસર કરીને બોલી રહ્યા ન હતા. ઘણા લોકો જાણતા હતા કે તેમણે ઈસુના શિષ્યોની કેવી વલે કરી હતી. (ગલા. ૧:૧૩, ૨૩) અગ્રીપા વિચારતો હશે, “આવો સખત વિરોધી કઈ રીતે સમર્થક બન્યો હશે?”
૧૨ પાઊલે પછી જે કહ્યું એમાં એનો જવાબ હતો: “હું મુખ્ય યાજકો પાસેથી અધિકાર અને હુકમ લઈને દમસ્ક જતો હતો. હે રાજા, બપોરના સમયે રસ્તા પર મેં મારી આસપાસ અને મારી સાથે મુસાફરી કરનારાઓની આસપાસ, આકાશમાંથી સૂર્યથી પણ વધારે ઝળહળતો પ્રકાશ જોયો. અને અમે બધા જમીન પર પડી ગયા ત્યારે, હિબ્રૂ ભાષામાં એક વાણી મેં સાંભળી, જે મને કહેતી હતી: ‘શાઊલ, શાઊલ, તું શા માટે મારા પર જુલમ કરે છે? આરને લાત મારીને તું પોતાને જ નુકસાન પહોંચાડે છે.’ પરંતુ, મેં કહ્યું: ‘પ્રભુ, તમે કોણ છો?’ પ્રભુએ કહ્યું: ‘હું ઈસુ છું, જેના પર તું જુલમ કરી રહ્યો છે.’—પ્રે.કા. ૨૬:૧૨-૧૫.
૧૩ આ ચમત્કારિક બનાવ બન્યો એ પહેલાં પાઊલ જાણે અમુક રીતે ‘આરને લાત મારી’ રહ્યા હતા. અણીદાર ખીલીવાળી લાકડી સામે લાત મારીને જેમ પશુ પોતાને જ નુકસાન કરે છે, તેમ પાઊલ ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ જઈ રહ્યા હતા. આમ તે પોતાને જ નુકસાન પહોંચાડી રહ્યા હતા. પાઊલના દિલમાં કોઈ પાપ ન હતું પણ તેમને ખોટે માર્ગે દોરવામાં આવ્યા હતા. પાઊલ દમસ્ક જઈ રહ્યા હતા ત્યારે સજીવન થયેલા ઈસુએ તેમને દર્શન આપ્યું અને તેમના વિચારો સુધાર્યા.—યોહા. ૧૬:૧,૨.
૧૪ પાઊલે પોતાના જીવનમાં મોટા ફેરફારો કર્યા હતા. તેમણે એના વિશે અગ્રીપાને જણાવતા કહ્યું: “હે રાજા અગ્રીપા, મેં સ્વર્ગમાંથી થયેલા દર્શનની આજ્ઞા માની. અને પહેલા દમસ્ક, પછી યરૂશાલેમ તથા યહુદિયાના આખા પ્રદેશમાં અને બીજી પ્રજાઓના લોકોમાં પણ હું ગયો. ત્યાં હું સંદેશો આપતો હતો કે તેઓ પસ્તાવો કરે અને પોતાનાં કામો દ્વારા પસ્તાવાની સાબિતી આપીને ઈશ્વર તરફ ફરે.” (પ્રે.કા. ૨૬:૧૯, ૨૦) ભરબપોરે ઈસુ ખ્રિસ્તે આપેલી સોંપણીમાં પાઊલ વર્ષો સુધી લાગુ રહ્યા. એનું કેવું પરિણામ આવ્યું? પાઊલે જણાવેલી ખુશખબર જેઓએ સ્વીકારી અને પસ્તાવો કર્યો, તેઓએ પોતાનાં ખોટાં કામો, બેઈમાની, ખરાબ વર્તન છોડી દીધા અને ઈશ્વરની ભક્તિ કરવા લાગ્યા. તેઓ સારા નાગરિકો બન્યા અને કાયદા-કાનૂન પ્રમાણે જીવવા લાગ્યા.
૧૫ પાઊલના યહુદી વિરોધીઓને એની કંઈ પડી ન હતી. પાઊલે કહ્યું: “એટલા માટે, યહુદીઓએ મને મંદિરમાં પકડ્યો અને મને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. જોકે, ઈશ્વર તરફથી મને જે મદદ મળે છે, એના લીધે હું આ દિવસ સુધી નાના-મોટા સર્વને સાક્ષી આપી રહ્યો છું.”—પ્રે.કા. ૨૬:૨૧, ૨૨.
૧૬ ઈસુના સાચા શિષ્યો તરીકે આપણી ‘શ્રદ્ધા વિશે ખુલાસો આપવા આપણે હંમેશાં તૈયાર રહેવું જોઈએ.’ (૧ પીત. ૩:૧૫) આપણી શ્રદ્ધા વિશે ન્યાયાધીશો અને શાસકોને જણાવી રહ્યા હોય ત્યારે પાઊલની રીત અપનાવી શકીએ. એનાથી સારાં પરિણામો આવી શકે. પાઊલે પૂરા માનથી ફેસ્તુસ અને અગ્રીપાને જણાવ્યું કે બાઇબલના શિક્ષણથી લોકોનું જીવન સુધર્યું છે. એવી જ રીતે આપણે પણ કહી શકીએ કે બાઇબલ સત્ય જાણ્યા પછી આપણા જીવનમાં કેટલા સુધારા થયા છે. ફક્ત પોતાના જ નહિ, પણ જેઓએ બાઇબલનો સંદેશો સ્વીકાર્યો છે તેઓના જીવનમાં પણ ઘણા સુધારા થયા છે. કદાચ એ જાણીને અધિકારીઓનું વર્તન બદલાઈ પણ શકે.
bt-E ૨૦૨ ¶૧૮
“હું સમ્રાટ પાસે ન્યાય માંગું છું!”
૧૮ પાઊલે રાજ્યપાલને જવાબ આપ્યો: ‘“માનનીય ફેસ્તુસ, હું ગાંડો નથી થઈ ગયો, પણ સત્ય અને સમજદારીની વાતો કરું છું. હકીકતમાં, જે રાજા આગળ હું આટલી છૂટથી બોલું છું, તે આ બધું સારી રીતે જાણે છે. રાજા અગ્રીપા, શું તમે પ્રબોધકોમાં માનો છો? હું જાણું છું કે તમે માનો છો.” પરંતુ, અગ્રીપાએ પાઊલને કહ્યું: “જો હું તને સાંભળતો રહીશ, તો થોડા સમયમાં તું મને પણ ખ્રિસ્તી બનવા મનાવી લઈશ.”’ (પ્રે.કા. ૨૬:૨૫-૨૮) રાજા અગ્રીપાએ એ શબ્દો દિલથી કહ્યા કે કેમ એ જાણતા નથી. પણ એક વાત ચોક્કસ છે કે પાઊલે આપેલી સાક્ષીની રાજા પર ઊંડી અસર પડી હતી.
કીમતી રત્નો શોધીએ
nwtsty પ્રેકા ૨૬:૧૪ અભ્યાસ માહિતી
આરને લાત મારવી: ધાતુની અણીવાળી લાંબી લાકડી, જે ખેડૂતો જાનવરને ઘોંચવા વાપરતા. (ન્યા ૩:૩૧) ‘આરને લાત મારવી’ એ કહેવત ગ્રીક સાહિત્યમાં જોવા મળે છે. આરને લાત મારવી એ એવા અડિયલ આખલા પરથી ઊતરી આવ્યું છે, જે પોતાને આર ન વાગે માટે એને લાત મારે છે. પણ એનાથી તો એને પોતાને જ ઇજા પહોંચે છે. ઈસુના શિષ્ય બન્યા એ પહેલાં પાઊલ કંઈક એવું જ કરી રહ્યા હતા. પાઊલ ઈસુના શિષ્યોનો વિરોધ કરતા હતા એટલે તે ઈશ્વરની ઇચ્છા વિરુદ્ધ જઈ રહ્યા હતા. આમ તે પોતાને જ નુકસાન પહોંચાડી રહ્યા હતા. (સરખાવો પ્રેકા ૫:૩૮, ૩૯; ૧તિ ૧:૧૩, ૧૪) સભા ૧૨:૧૧માં ‘આરને’ સમજુ માણસના શબ્દો સાથે સરખાવી છે, જે સાંભળનારને એ સારી સલાહ પ્રમાણે કરવા પ્રેરે છે.
nwtsty બાઇબલ શબ્દસૂચિ
આર: ધાતુની અણીવાળી લાંબી લાકડી, જે ખેડૂતો જાનવરને ઘોંચવા વાપરતા. આરને સમજુ માણસના શબ્દો સાથે સરખાવી છે, જે સાંભળનારને એ સારી સલાહ પ્રમાણે કરવા પ્રેરે છે. ‘આરને લાત મારવી’ એ એવા અડિયલ આખલા પરથી ઊતરી આવ્યું છે, જે પોતાને આર ન વાગે માટે એને લાત મારે છે, પણ એનાથી તો એને પોતાને જ ઇજા પહોંચે છે.—પ્રેકા ૨૬:૧૪; ન્યા ૩:૩૧.
યહોવાહના સેવકો બનવા લોકોને મદદ કરો
૧૪ પાઊલ જાણતા હતા કે આગ્રીપા કહેવા પૂરતો જ યહુદી હતો. પરંતુ, આગ્રીપાને યહુદી ધર્મનું સારું જ્ઞાન હતું. “પ્રબોધકો તથા મુસા જે જે બનાવો બનવા વિષે બોલ્યા હતા,” એ વિષે તે જાણતો હતો. તેથી પાઊલે સમજાવ્યું કે પોતે એ જ મસીહના મરણ અને સજીવન થવા વિષે જણાવે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૨, ૨૩) પછી, પાઊલે આગ્રીપાને સીધો સવાલ પૂછ્યો: “આગ્રીપા રાજા, આપ શું પ્રબોધકોની વાતો પર વિશ્વાસ કરો છો?” હવે આગ્રીપા મુશ્કેલીમાં આવી ગયો. જો તે કહે કે તે પ્રબોધકોમાં માનતો નથી, તો યહુદીઓમાં તેની આબરૂના કાંકરા થઈ જાય. પરંતુ, જો તે પાઊલની હામાં હા ભણે, તો તેને ખ્રિસ્તી કહેવામાં આવે. તેથી, પાઊલ પોતે જ જવાબ આપે છે: “હા, હું જાણું છું કે આપ વિશ્વાસ કરો છો.” આ સાંભળીને શું આગ્રીપા ચૂપચાપ બેસી રહ્યો? ના, તે બોલી ઊઠ્યો: “થોડા પ્રયાસથી તું મને ખ્રિસ્તી કરવા માગે છે.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૬:૨૭, ૨૮) તેમ છતાં, આગ્રીપા ખ્રિસ્તી તો ન બન્યો. પણ પાઊલે જે રીતે સંદેશો આપ્યો, એની તેના દિલ પર જોરદાર અસર પડી.—હેબ્રી ૪:૧૨.
બાઇબલ વાંચન
જાન્યુઆરી ૨૮–ફેબ્રુઆરી ૩
બાઇબલમાં રહેલો ખજાનો | પ્રેરિતોના કાર્યો ૨૭-૨૮
“પાઊલ વહાણમાં રોમ જાય છે”
bt-E ૨૦૮ ¶૧૫
‘તમારામાંથી કોઈ પોતાનું જીવન ગુમાવશે નહિ’
૧૫ દેખીતું છે કે ‘ઈશ્વરે જે વચનો આપ્યાં છે એની આશા’ વિશે પાઊલે વહાણમાં સવાર થયેલા ઘણા લોકોને જણાવ્યું. (પ્રે.કા. ૨૬:૬, કોલો. ૧:૫) હવે વહાણના તૂટવાની શક્યતા હોવાથી પાઊલે તેઓને આશા આપતી ખુશખબર પર ભરોસો મૂકવા માટે આમ કહ્યું: “દૂત રાતે મારી બાજુમાં ઊભો રહ્યો હતો અને કહ્યું હતું: ‘પાઊલ, ડરીશ નહિ. તારે સમ્રાટ આગળ ઊભા રહેવાનું છે. અને જો! તારી સાથે મુસાફરી કરનારા બધાના જીવન ઈશ્વર તારા લીધે બચાવવાના છે.’” પછી પાઊલે તેઓને આમ અરજ કરી: “એ માટે દોસ્તો, હિંમત રાખો, કેમ કે મને ઈશ્વરમાં પૂરો ભરોસો છે કે મને જે કહેવામાં આવ્યું હતું, એ પ્રમાણે જ થશે. જોકે, આપણું વહાણ કોઈ ટાપુના કિનારે અથડાશે.”—પ્રે.કા. ૨૭:૨૩-૨૬.
bt-E ૨૦૯ ¶૧૮
‘તમારામાંથી કોઈ પોતાનું જીવન ગુમાવશે નહિ’
૧૮ અકસ્માતથી વહાણ તૂટી ગયું. બચી ગયેલા લોકો તણાઈને સીસીલીના દક્ષિણમાં આવેલા માલ્ટા ટાપુના દરિયા કિનારે પહોંચ્યા. અજાણ્યા હોવા છતાં ત્યાંના રહેવાસીઓ તેઓ સાથે “ઘણી ભલાઈથી વર્ત્યા.” (પ્રે.કા. ૨૮:૨) તેઓ વરસાદથી ભીંજાઈ ગયેલા અને ઠંડીથી ધ્રૂજતા હોવાથી ટાપુના રહેવાસીઓએ તાપણું કર્યું. આમ આ માણસોને ગરમાવો મળવાથી રાહત મળી. તાપણાને લીધે એક ચમત્કાર પણ થયો.
bt-E ૨૧૦ ¶૨૧
‘તમારામાંથી કોઈ પોતાનું જીવન ગુમાવશે નહિ’
૨૧ માલ્ટામાં પબ્લિયુસ નામનો એક ધનવાન માણસ રહેતો. તે કદાચ માલ્ટામાં મુખ્ય રોમન અધિકારી હતો. લુક તેને “ટાપુનો મુખ્ય માણસ” તરીકે વર્ણવે છે. માલ્ટાના બે શિલાલેખોમાં તેનું એ જ ખિતાબથી વર્ણન કરવામાં આવ્યું છે. તેણે ત્રણ દિવસ પાઊલ અને તેમના સાથેના લોકોની ઉદારતાથી મહેમાનગતિ કરી. તેના પિતા બીમાર હતા. લુકે ફરી એકવાર બીમારીનું સચોટ વર્ણન કરતા લખ્યું કે, ‘તેમને તાવ અને મરડો થયો હોવાથી તે પથારીવશ હતા.’ પાઊલે પ્રાર્થના કરી, તેના પર હાથ મૂક્યો ને તેને સાજો કર્યો. એ ચમત્કાર જોઈને ટાપુ પરના લોકો નવાઈ પામ્યા. પછી તેઓ બીજા બીમાર લોકોને પાઊલ પાસે લાવ્યા અને તેમણે તેઓને સાજા કર્યા. તેઓએ પાઊલ અને તેમના સાથીદારોને કામ આવે એવી ભેટો આપીને તેઓની જરૂરિયાતો પૂરી પાડી.—પ્રે.કા. ૨૮:૭-૧૦.
bt-E ૨૧૩ ¶૧૦
“પૂરેપૂરી સાક્ષી આપી”
૧૦ આખરે, એ મુસાફરો રોમ પહોંચ્યા ત્યારે, “પાઊલને સૈનિકના પહેરા નીચે એકલા રહેવાની છૂટ મળી.” (પ્રે.કા. ૨૮:૧૬) આવી હળવી કેદમાં, સૈનિક આરોપીને પોતાની જોડે સાંકળથી બાંધી રાખતો, જેથી તે ભાગી ન જાય. આવી કેદ પણ પાઊલને ચુપ રાખી ન શકી. કેમ કે પાઊલ તો ખુશખબરના પ્રચારક હતા. ત્રણ દિવસ પછી મુસાફરીનો થાક ઊતરી ગયો કે તરત પાઊલે યહુદીઓના મુખ્ય માણસોને બોલાવ્યા, જેથી તેઓને પોતાની ઓળખ આપી શકે અને સત્ય વિશે સાક્ષી આપી શકે.
કીમતી રત્નો શોધીએ
nwtsty પ્રેકા ૨૭:૯ અભ્યાસ માહિતી
પ્રાયશ્ચિત્તના દિવસનો ઉપવાસ: અથવા “પાનખરનો ઉપવાસ,” મૂળ હિબ્રૂ ભાષામાં “ઉપવાસ.” ઉપવાસ માટેનો ગ્રીક શબ્દ એવા ઉપવાસને સૂચવે છે, જેના વિશે મુસાના નિયમશાસ્ત્રમાં જ આજ્ઞા આપવામાં આવી હતી. એ હતો વર્ષમાં એક વાર પ્રાયશ્ચિતના દિવસે રાખવામાં આવતો ઉપવાસ. એ દિવસને યોમ કિપુર પણ કહેવાતો (હિબ્રૂમાં યોહમ હાકીપુરીમ, “ઢાંકવાનો દિવસ”). (લેવી ૧૬:૨૯-૩૧; ૨૩:૨૬-૩૨; ગણ ૨૯:૭; શબ્દસૂચિ જુઓ, “પ્રાયશ્ચિત્તનો દિવસ.”) પ્રાયશ્ચિતના દિવસના સંદર્ભમાં વપરાતા શબ્દો, “આત્મકષ્ટ કરો” એટલે કે, પોતાનાં પાપ માટે દુઃખ વ્યક્ત કરો. સામાન્ય રીતે, દુઃખ વ્યક્ત કરવાનો અર્થ થાય કે પોતાને ઘણી વસ્તુઓથી દૂર રાખો અને ઉપવાસ કરો. (લેવી ૧૬:૨૯) અહીં પ્રેકા ૨૭:૯માં વપરાયેલો “ઉપવાસ” શબ્દ સૂચવે છે કે પ્રાયશ્ચિતના દિવસે લોકો પોતાને ઘણી વસ્તુઓથી દૂર રાખતા. એટલે ઉપવાસ કરતા. પ્રાયશ્ચિતના દિવસનો ઉપવાસ લગભગ સપ્ટેમ્બરના અંત અથવા ઑક્ટોબરના પહેલા ભાગમાં આવે છે.
nwtsty પ્રેકા ૨૮:૧૧ અભ્યાસ માહિતી
ઝિયૂસના દીકરાઓ: ગ્રીક અને રોમન દંતકથા પ્રમાણે, “ઝિયૂસના દીકરાઓ,” (ગ્રીક ભાષામાં, ધી-ઑસ-કુરી) કેસ્ટર અને પોલુક્ષ હતા. તેઓ જોડિયા ભાઈઓ હતા. તેઓ ઝિયૂસ (જુપિટર) દેવતા અને સ્પાર્ટન રાણી લીડાના જોડિયા દીકરાઓ હતા. એ બંને વિશે એવી માન્યતા હતી કે તેઓ નાવિકો અને સમુદ્ર ખેડનારાઓને રક્ષણ આપતા અને ખતરનાક દરિયાઈ તોફાનમાંથી તેઓને બચાવતા. વહાણની આગળના ભાગમાં આ નિશાની વિશે એ જ માણસ લખી શકે જેણે વહાણ નજરે જોયું હોય. તેથી કહી શકાય કે આ અહેવાલ લખનાર વ્યક્તિ ત્યાં હાજર હતી.
બાઇબલ વાંચન