પ્રેરિતોનાં કાર્યો
૨૪ પાંચ દિવસ પછી, પ્રમુખ યાજક અનાન્યા+ કેટલાક વડીલો અને તેર્તુલુસ નામના એક વકીલને* લઈને આવ્યો. તેઓએ રાજ્યપાલ ફેલિક્સ આગળ પાઉલ વિરુદ્ધ મુકદ્દમો રજૂ કર્યો.+ ૨ જ્યારે તેર્તુલુસને બોલાવવામાં આવ્યો, ત્યારે તેણે આમ કહીને પાઉલ પર આરોપ મૂકવાનું શરૂ કર્યું:
“માનનીય ફેલિક્સ, તમારા લીધે અમે સુખચેનથી જીવીએ છીએ અને તમે કરેલી સારી સારી યોજનાઓને લીધે આ દેશમાં સુધારા થઈ રહ્યા છે. ૩ એનો ફાયદો અમને દરેક સમયે અને દરેક જગ્યાએ થઈ રહ્યો છે. અમે તમારો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. ૪ હું તમારો વધારે સમય લેવા નથી માંગતો. મારી અરજ છે કે તમે કૃપા કરીને અમને થોડી વાર સાંભળો. ૫ અમે જાણીએ છીએ કે આ માણસ બધી આફતોનું મૂળ* છે.+ તે આખી દુનિયાના બધા યહૂદીઓને બળવો કરવા ઉશ્કેરે છે.+ તે નાઝારી* પંથનો આગેવાન છે.+ ૬ તેણે મંદિરને અપવિત્ર કરવાનો પણ પ્રયત્ન કર્યો હતો, એટલે અમે તેને પકડ્યો.+ ૭ *— ૮ જ્યારે તમે પોતે તેની તપાસ કરશો, ત્યારે તેના પર મૂકેલા બધા આરોપોની તમને ખબર પડશે.”
૯ ત્યારે યહૂદીઓ પણ પાઉલનો વિરોધ કરવા લાગ્યા અને કહેવા લાગ્યા કે એ વાતો સાચી છે. ૧૦ રાજ્યપાલે માથું હલાવીને ઇશારો કર્યો અને પાઉલને બોલવાની રજા આપી. પાઉલે કહ્યું:
“હું સારી રીતે જાણું છું કે તમે વર્ષોથી આ પ્રજા પર ન્યાયાધીશ છો. એટલે હું ખુશીથી મારા બચાવમાં બોલું છું.+ ૧૧ હું યરૂશાલેમ ભક્તિ કરવા ગયો હતો. એ વાતને ૧૨ કરતાં વધારે દિવસો થયા નથી.+ તમે ચાહો તો આ વાતની તપાસ કરી શકો છો. ૧૨ તેઓએ મને મંદિરમાં કોઈની સાથે દલીલ કરતા જોયો નથી. તેઓએ મને સભાસ્થાનોમાં કે શહેરની કોઈ પણ જગ્યાએ ટોળાને ઉશ્કેરતા પણ જોયો નથી. ૧૩ તેઓ હમણાં જે વાતોનો મારા પર આરોપ મૂકે છે, એ પણ તેઓ સાબિત કરી શકતા નથી. ૧૪ પણ હું તમારી આગળ આટલું કબૂલ કરું છું કે, જે માર્ગને તેઓ પંથ કહે છે એ પ્રમાણે હું મારા બાપદાદાઓના ઈશ્વરની ભક્તિ કરું છું.+ આ બધી વાતો નિયમશાસ્ત્રમાં અને પ્રબોધકોનાં પુસ્તકોમાં લખેલી છે, જે હું માનું છું.+ ૧૫ આ લોકોની જેમ હું પણ ઈશ્વરમાં ભરોસો* રાખું છું કે, સારા લોકો અને ખરાબ લોકોને*+ મરણમાંથી ઉઠાડવામાં* આવશે.+ ૧૬ એટલે હું હંમેશાં ઈશ્વર અને માણસો આગળ શુદ્ધ* મન રાખવા સખત પ્રયત્ન કરું છું.+ ૧૭ ઘણાં વર્ષો પછી, હું મારી પ્રજાને દાન આપવા+ અને ઈશ્વરને અર્પણ ચઢાવવા યરૂશાલેમ આવ્યો હતો. ૧૮ હું આ બધું કરી રહ્યો હતો ત્યારે, તેઓએ મને મંદિરમાં શુદ્ધ થયેલો જોયો.+ પણ હું ટોળા સાથે ન હતો કે કોઈ ધાંધલ મચાવતો ન હતો. ત્યાં આસિયા પ્રાંતના કેટલાક યહૂદીઓ પણ હતા. ૧૯ જો તેઓ પાસે ખરેખર મારી વિરુદ્ધ કંઈક હોય, તો તેઓએ એ વાત લઈને તમારી આગળ હાજર થવું જોઈતું હતું.+ ૨૦ અથવા અહીં હાજર માણસો જણાવે કે તેઓએ ન્યાયસભામાં મારો ન્યાય કર્યો ત્યારે, તેઓને મારામાં કયો દોષ દેખાયો હતો. ૨૧ તેઓ મારા પર એક જ વાતનો આરોપ મૂકી શકે એમ છે. હું ન્યાયસભા આગળ પોકારી ઊઠ્યો હતો: ‘ગુજરી ગયેલા જીવતા થશે એવી આશાને લીધે મારા પર મુકદ્દમો ચલાવવામાં આવી રહ્યો છે!’”+
૨૨ ફેલિક્સ સત્યના માર્ગ*+ વિશે બરાબર જાણતો હતો, એટલે તેણે એ લોકોને ટાળવા માટે કહ્યું: “લશ્કરી ટુકડીનો સેનાપતિ લુસિયાસ અહીં આવશે ત્યારે, હું તમારા મુકદ્દમાનો ફેંસલો કરીશ.” ૨૩ તેણે લશ્કરી અધિકારીને હુકમ કર્યો કે આ માણસને પહેરા નીચે રાખવામાં આવે, પણ તેને થોડીક છૂટછાટ આપવી. તેના મિત્રોને તેની મદદ કરતા રોકવા નહિ.
૨૪ કેટલાક દિવસો પછી, ફેલિક્સ પોતાની પત્ની દ્રુસિલાને લઈને આવ્યો, જે યહૂદી હતી. ફેલિક્સે પાઉલને બોલાવ્યો અને તેની પાસેથી ખ્રિસ્ત ઈસુમાં શ્રદ્ધા રાખવા વિશે સાંભળ્યું.+ ૨૫ પણ સત્યના માર્ગ, સંયમ અને આવનાર ન્યાયચુકાદા+ વિશે પાઉલ વાત કરવા લાગ્યો ત્યારે, ફેલિક્સ ગભરાયો અને તેણે કહ્યું: “હમણાં જા, મારી પાસે સમય હશે ત્યારે હું તને ફરી બોલાવીશ.” ૨૬ તે આશા રાખતો હતો કે પાઉલ તેને પૈસા આપશે. એ કારણે તે વારંવાર તેને બોલાવતો અને તેની સાથે વાત કરતો. ૨૭ આમ ને આમ બે વર્ષ વીતી ગયાં. પછી ફેલિક્સની જગ્યાએ પોર્કિયુસ ફેસ્તુસ આવ્યો. ફેલિક્સ યહૂદીઓને ખુશ કરવા માંગતો હતો,+ એટલે તેણે પાઉલને કેદમાં જ રાખ્યો.