શું બાઇબલ આજે પણ તમારું જીવન બદલી રહ્યું છે?
‘તમારાં મનથી પૂર્ણ રીતે રૂપાંતર પામો.’—રોમ. ૧૨:૨.
૧-૩. (ક) બાપ્તિસ્મા પછી કયા ફેરફારો કરવા અઘરા લાગી શકે? (ખ) આપણા ધાર્યા પ્રમાણે ફેરફારો ન કરી શકીએ ત્યારે, કયા સવાલો પર વિચાર કરવો જોઈએ? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
ઘણાં વર્ષો સુધી કેવિન[1] ભાઈ જુગાર રમતા, ધૂમ્રપાન કરતા, ખૂબ જ દારૂ પીતા અને ડ્રગ્સનું સેવન કરતા. સમય જતાં, તે યહોવા વિશે શીખ્યા. તેમને યહોવાના સેવક બનવું હતું. પણ, એ માટે તેમણે જીવનમાં મોટા મોટા ફેરફારો કરવાના હતા. યહોવા અને તેમના શબ્દ, બાઇબલની મદદથી તે એમ કરી શક્યા.—હિબ્રૂ ૪:૧૨.
૨ બાપ્તિસ્મા લીધા પછી પણ કેવિને પોતાના સ્વભાવમાં અમુક ફેરફારો કરવાના હતા, જેથી તે વધારે સારા ઈશ્વરભક્ત બની શકે. (એફે. ૪:૩૧, ૩૨) દાખલા તરીકે, તેમને નાની નાની વાતમાં પણ ગુસ્સો આવી જતો. તેમને એ જાણીને નવાઈ લાગી કે પોતાના ગુસ્સાને કાબૂ કરવો કેટલું અઘરું છે! કેવિને કહ્યું કે, બાપ્તિસ્મા પહેલાં પોતે જે ખોટાં કામો કરતા હતાં એને છોડવાં અઘરું હતું. પરંતુ, ગુસ્સાને કાબૂમાં કરવો તો એનાથી પણ અઘરું હતું. જોકે, યહોવા પાસે પ્રાર્થનામાં મદદ માંગીને અને બાઇબલનો ઊંડો અભ્યાસ કરીને તે પોતાના ગુસ્સા પર કાબૂ કરી શક્યા.
૩ બાપ્તિસ્મા લીધા પહેલાં આપણામાંના ઘણાએ પોતાના જીવનમાં મોટા મોટા ફેરફારો કર્યા હશે, જેથી બાઇબલ સિદ્ધાંતો પ્રમાણે પોતાનું જીવન ઢાળી શકે. હમણાં પણ આપણે જોઈ શકીએ છીએ કે, ઈશ્વર અને ખ્રિસ્તને અનુસરવા આપણને નાના નાના ફેરફારો કરવાની જરૂર છે. (એફે. ૫:૧, ૨; ૧ પીત. ૨:૨૧) દાખલા તરીકે, કદાચ આપણે બહુ ફરિયાદ કરતા હોઈએ અથવા બીજાઓ વિશે અફવાઓ અને ખોટી વાતો ફેલાવતા હોઈએ. અથવા, માણસોનો ડર આપણા પર હાવી થઈ જતો હોય. બની શકે કે, અમુક ફેરફારો કરવા વર્ષોથી પ્રયત્નો કરતા હોઈએ અને હજીયે આપણાથી એ ભૂલ વારંવાર થઈ જતી હોય. તેથી, આપણને કદાચ આવા સવાલો થઈ શકે: “અગાઉ મોટા મોટા ફેરફારો તો કર્યા છે. હવે, આ નાના-સૂના ફેરફારો કરવા મને કેમ અઘરા લાગે છે? મારા સ્વભાવમાં સુધારો કરવા બાઇબલની સલાહ લાગુ પાડી શકું એ માટે મારે શું કરવું જોઈએ?”
આપણે યહોવાને ખુશ કરી શકીએ છીએ
૪. આપણે શા માટે યહોવાને દરેક વખતે ખુશ કરી શકતા નથી?
૪ આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને પૂરા દિલથી તેમને ખુશ કરવા ચાહીએ છીએ. પણ દુઃખની વાત છે કે, અપૂર્ણ હોવાથી આપણે દરેક વખતે તેમને ખુશ કરી શકતા નથી. આપણને ઘણી વાર પ્રેરિત પાઊલ જેવું લાગી શકે, જેમણે કહ્યું હતું: “હું સારું કરવાની ઇચ્છા રાખું છું પણ તે પ્રમાણે કરી શકતો નથી.”—રોમ. ૭:૧૮, IBSI; યાકૂ. ૩:૨.
૫. બાપ્તિસ્મા લીધા પહેલાં આપણે કેવાં કામો છોડ્યાં હતાં અને કેવી નબળાઈઓનો કદાચ હજી સામનો કરવો પડે છે?
૫ મંડળનો ભાગ બન્યા એ પહેલાં આપણે એવાં ઘણાં ખોટાં કામો છોડ્યાં હતાં, જેને યહોવા નફરત કરે છે. (૧ કોરીં. ૬:૯, ૧૦) જોકે, હજી આપણે અપૂર્ણ છીએ. (કોલો. ૩:૯, ૧૦) એટલે, આપણાથી ભૂલો તો થવાની, પછી ભલેને આપણે વર્ષોથી બાપ્તિસ્મા પામેલા કેમ ન હોઈએ. વખતો વખત આપણામાં ખોટી ઇચ્છાઓ અને લાગણીઓ આવી શકે અથવા કોઈ નબળાઈને કાબૂમાં રાખવી આપણા માટે અઘરું થઈ શકે. બની શકે કે, એ નબળાઈ સામે આપણે કદાચ વર્ષો સુધી લડવું પડે.
૬, ૭. (ક) અપૂર્ણ હોવા છતાં યહોવાના દોસ્ત બનવું આપણા માટે કઈ રીતે શક્ય બન્યું છે? (ખ) યહોવા પાસે માફી માંગવા આપણે શા માટે અચકાવું ન જોઈએ?
૬ અપૂર્ણ હોવા છતાં, આપણે યહોવાના મિત્ર બની શકીએ છીએ અને તેમની ભક્તિ કરી શકીએ છીએ. હંમેશાં એ યાદ રાખો કે, તમે પ્રથમ કઈ રીતે યહોવાના મિત્ર બન્યા હતા. તેમણે તમારામાં કંઈક સારું જોયું હતું અને તેમની ઇચ્છા હતી કે તમે તેમના વિશે જાણો. (યોહા. ૬:૪૪) તેમને ખબર હતી કે તમારામાં અમુક ખામીઓ અને નબળાઈઓ છે અને તમે ભૂલો કરશો. તોપણ, યહોવા ચાહતા હતા કે તમે તેમના મિત્ર બનો.
૭ યહોવાએ આપણને એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે આપણને એક અનમોલ ભેટ આપી. તેમણે પોતાના વહાલા દીકરા ઈસુને પૃથ્વી પર મોકલ્યા, જેથી તે આપણાં પાપો માટે છુટકારાની કિંમત ચૂકવી શકે. (યોહા. ૩:૧૬) ભૂલ થઈ જાય ત્યારે, આપણે યહોવા પાસે માફી માંગી શકીએ છીએ. આપણે ખાતરી રાખી શકીએ કે, ઈસુના બલિદાનને આધારે યહોવા આપણાં પાપ માફ કરશે અને તેમની સાથેની મિત્રતામાં કોઈ તિરાડ નહિ પડે. (રોમ. ૭:૨૪, ૨૫; ૧ યોહા. ૨:૧, ૨) યાદ રાખો, પસ્તાવો કરનાર પાપીઓ માટે ઈસુ મરણ પામ્યા હતા. ભલે આપણને લાગતું હોય કે આપણે માફીને લાયક નથી, તોય પ્રાર્થનામાં યહોવા પાસે માફી માંગવાનું બંધ ન કરવું જોઈએ. જો આપણે આપણા પાપો માટે માફી ન માંગીએ, તો એ જાણે ગંદા હાથને ધોવાનો નકાર કરવા જેવું થશે. આપણે બધા અપૂર્ણ છીએ, છતાં યહોવાએ આપણા માટે તેમની સાથે મિત્રતા બાંધવી શક્ય બનાવી છે. એ માટે આપણે તેમના કેટલા આભારી છીએ!—૧ તીમોથી ૧:૧૫ વાંચો.
૮. આપણે શા માટે આપણી નબળાઈઓને નજરઅંદાજ ન કરવી જોઈએ?
૮ ખરું કે, આપણે આપણી નબળાઈઓને નજરઅંદાજ નથી કરી શકતા અથવા એને લઈને બહાનાં નથી બનાવી શકતા. યહોવાએ આપણને જણાવ્યું છે કે, તે કેવા લોકોને પોતાના મિત્રો બનાવવા ચાહે છે. (ગીત. ૧૫:૧-૫) તેથી, જો આપણે તેમના મિત્ર બનવા માંગતા હોઈએ, તો આપણે તેમને અને તેમના દીકરાને અનુસરવા પ્રયત્નો કરવા જ જોઈએ. તેમ જ, આપણી ખોટી ઇચ્છાઓને કાબૂમાં રાખવા પણ પ્રયત્નો કરવા જોઈએ. બની શકે કે, આપણે એમાંની અમુક ખોટી ઇચ્છાઓને કાબૂમાં રાખતા શીખી જઈએ. ભલે આપણે ગમે એટલાં વર્ષોથી બાપ્તિસ્મા પામેલા હોઈએ, આપણે દરેકે પોતાનો સ્વભાવ સુધારતા રહેવું જ જોઈએ.—૨ કોરીં. ૧૩:૧૧.
૯. આપણે કઈ રીતે જાણી શકીએ કે, નવું માણસપણું પહેરવા આપણે હંમેશાં પ્રયત્નો કરવા પડે છે?
૯ પ્રેરિત પાઊલે પહેલી સદીના ખ્રિસ્તીઓને જણાવ્યું હતું: ‘ખરાબ ઇચ્છાઓથી ભ્રષ્ટ થતું તમારા અગાઉના સ્વભાવનું જૂનું માણસપણું દૂર કરો અને તમારા મનના વિચારોને નવા કરતા રહો; અને નવું માણસપણું જે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે ન્યાયીપણામાં તથા સત્યની પવિત્રતામાં સર્જાયેલું છે તે પહેરી લો.’ (એફે. ૪:૨૨-૨૪) એનો મતલબ થાય કે આપણે ‘નવું માણસપણું પહેરી લેવા’ અને એમાં ફેરફાર લાવવા મહેનત કરતા રહેવું જોઈએ. ભલે આપણે લાંબા સમયથી યહોવાની સેવા કરતા હોઈએ, તોપણ આપણે હંમેશાં તેમના ગુણો વિશે વધારે ને વધારે શીખી શકીએ છીએ. પછી, આપણા જીવનમાં ફેરફાર કરતા રહીને એ ગુણો કેળવવા બાઇબલ આપણને મદદ કરશે.
એ શા માટે અઘરું છે?
૧૦. બાઇબલની મદદથી ફેરફારો કરતા રહેવા આપણે શું કરવાની જરૂર છે? આપણને કયા સવાલો થઈ શકે?
૧૦ આપણે બધા લોકો બાઇબલની સલાહ પાળવા માંગીએ છીએ. પણ, જો આપણે જીવનમાં ફેરફારો કરતા રહેવું હોય, તો ખૂબ પ્રયત્નો કરવા પડશે. શા માટે પ્રયત્નો કરવા જરૂરી છે? શું યહોવા આપણા માટે ફેરફારો કરવાનું સહેલું ન બનાવી શકે?
૧૧-૧૩. ઈશ્વર શા માટે ચાહે છે કે આપણે ખોટી ઇચ્છાઓને કાબૂમાં રાખવા મહેનત કરીએ?
૧૧ વિશ્વ અને એમાંની વસ્તુઓનો વિચાર કરીએ છીએ ત્યારે, આપણા મનમાં કોઈ શંકા રહેતી નથી કે, યહોવા પોતાની મહાન શક્તિથી કંઈ પણ કરી શકે છે. દાખલા તરીકે, યહોવાએ સૂર્ય બનાવ્યો છે, જે ઘણો શક્તિશાળી છે. દરેક સેકન્ડે એમાંથી પુષ્કળ પ્રમાણમાં પ્રકાશ અને ગરમી નીકળે છે. પૃથ્વી પર જીવનને ટકાવી રાખવા એ શક્તિનો બહુ થોડો જ ભાગ જરૂરી છે. (ગીત. ૭૪:૧૬; યશા. ૪૦:૨૬) યહોવા પોતાના ભક્તોને પણ જરૂરી શક્તિ આપે છે. (યશા. ૪૦:૨૯) તેથી, એ સ્પષ્ટ છે કે જો યહોવા ચાહે, તો આપણા માટે નબળાઈઓ સામે લડવાનું અને ખોટી ઇચ્છાઓ પર કાબૂ રાખવાનું સહેલું બનાવી શકે છે. તો પછી, શા માટે તે એમ નથી કરતા?
૧૨ યહોવાએ આપણને પસંદગી કરવાની છૂટ આપી છે. તેમની ભક્તિ કરવા તે આપણા પર બળજબરી કરતા નથી. આપણે યહોવાને આધીન રહેવાનું પસંદ કરીને તેમની ઇચ્છા પૂરી કરવા મહેનત કરીએ છીએ ત્યારે, તેમને ખુશ કરીએ છીએ. તેમ જ, તેમના પરનો પ્રેમ જાહેર કરીએ છીએ. શેતાન કહે છે કે, યહોવાને રાજ કરવાનો કોઈ હક નથી. પણ, આપણે યહોવાને આધીન રહીને બતાવીએ છીએ કે તે આપણા રાજા છે. આપણે ખાતરી રાખી શકીએ કે, પ્રેમાળ પિતા યહોવાને આધીન રહેવા આપણે જે પણ પ્રયત્ન કરીએ છીએ, એની તે કદર કરે છે. (અયૂ. ૨:૩-૫; નીતિ. ૨૭:૧૧) અઘરું હોય તોપણ નબળાઈઓને કાબૂમાં રાખવા મહેનત કરીએ છીએ ત્યારે, આપણે યહોવાને વફાદાર રહીએ છીએ અને બતાવીએ છીએ કે તે આપણા રાજા છે.
૧૩ યહોવા જણાવે છે કે, તેમના ગુણો અનુસરવા આપણે સખત મહેનત કરવી જોઈએ. (૨ પીતર ૧:૫-૭ વાંચો; કોલો. ૩:૧૨) તે એ પણ ચાહે છે કે આપણે આપણાં વિચારો અને લાગણીઓને કાબૂમાં રાખવા મહેનત કરીએ. (રોમ. ૮:૫; ૧૨:૯) જ્યારે આપણે ફેરફાર કરવા મહેનત કરીએ છીએ અને આપણી મહેનત રંગ લાવે છે, ત્યારે આપણને કેટલી ખુશી થાય છે!
બાઇબલની અસર પોતાના પર થવા દો
૧૪, ૧૫. યહોવાને પસંદ છે એવા ગુણો કેળવવા કેવા પ્રયત્નો કરી શકીએ? (“બાઇબલ અને પ્રાર્થનાએ તેઓનું જીવન બદલ્યું” બૉક્સ જુઓ.)
૧૪ યહોવાને ગમતા ગુણો કેળવવા આપણે શું કરવું જોઈએ? ફેરફાર કરવા કયાં પગલાં ભરીશું, એનો નિર્ણય જાતે લેવાને બદલે આપણે ઈશ્વરનું માર્ગદર્શન સ્વીકારવું જોઈએ. રોમનો ૧૨:૨ કહે છે: “આ જગતનું રૂપ તમે ન ધરો; પણ તમારાં મનથી નવીનતાને યોગે તમે પૂર્ણ રીતે રૂપાંતર પામો, જેથી ઈશ્વરની સારી તથા માન્ય તથા સંપૂર્ણ ઇચ્છા શી છે, તે તમે પારખી શકો.” તેથી, યહોવાની ઇચ્છા પારખવા આપણે તેમની મદદ પર આધાર રાખવો જોઈએ. આપણે દરરોજ બાઇબલ વાંચવું જોઈએ અને જે વાંચીએ એના પર મનન કરવું જોઈએ. તેમ જ, પવિત્ર શક્તિ માટે યહોવાને પ્રાર્થના કરવી જોઈએ. (લુક ૧૧:૧૩; ગલા. ૫:૨૨, ૨૩) એ રીતો દ્વારા યહોવા આપણને મદદ કરશે, જેથી તેમને શું ગમે છે એ સમજી શકીએ અને તેમની જેમ વિચારી શકીએ. પરિણામે, આપણાં વિચારો અને વાણી-વર્તનથી યહોવાને ખુશ કરી શકીશું. તેમ જ, આપણી નબળાઈઓ પર કાબૂ રાખવાનું પણ શીખી શકીશું. જોકે, એ શીખ્યા પછી પણ આપણે નબળાઈઓ સામે સતત લડતા રહેવું પડશે.—નીતિ. ૪:૨૩.
૧૫ દરરોજ બાઇબલ વાંચવાની સાથે સાથે આપણે બાઇબલનો અભ્યાસ પણ કરવાની જરૂર છે. એ માટે આપણે ચોકીબુરજ અને સજાગ બનો! જેવાં સાહિત્યનો ઉપયોગ કરી શકીએ. આ મૅગેઝિનના ઘણા લેખો શીખવે છે કે, આપણે કઈ રીતે યહોવાના ગુણોને અનુસરી શકીએ અને નબળાઈઓ સામે લડી શકીએ. આપણને કદાચ અમુક કલમો અથવા લેખ મળે, જે આપણને ઘણા મદદરૂપ હોય. આપણે એ કલમોની યાદી બનાવી શકીએ અને એ લેખોને સાચવી રાખી શકીએ, જેથી સમયે સમયે એને વાંચી શકીએ.
૧૬. યહોવા જેવા ગુણો કેળવવા સમય લાગે તોપણ, શા માટે આપણે હિંમત ન હારવી જોઈએ?
૧૬ યહોવા જેવા ગુણો કેળવવા ઘણો સમય લાગી શકે. તેથી, જો તમને લાગે કે જોઈએ એટલા ફેરફાર તમે નથી કર્યા, તો હિંમત ન હારશો. શરૂઆતમાં, બાઇબલની સલાહ લાગુ પાડવા તમારે કદાચ પોતાને ફરજ પાડવી પડે. પણ, તમે યહોવા જેવું વિચારતા રહેશો અને તેમના બતાવેલા માર્ગ પર ચાલતા રહેશો તો, યહોવા જેવા ગુણો કેળવવાનું અને ખરું છે એ કરવાનું સહેલું બનશે.—ગીત. ૩૭:૩૧; નીતિ. ૨૩:૧૨; ગલા. ૫:૧૬, ૧૭.
સુંદર ભાવિનો વિચાર કરો
૧૭. જો આપણે યહોવાને વફાદાર રહીશું, તો આપણું ભાવિ કેવું હશે?
૧૭ આપણે એ સમયની આતુરતાથી રાહ જોઈ રહ્યા છીએ, જ્યારે આપણે સંપૂર્ણ હોઈશું અને હંમેશ માટે યહોવાની સેવા કરીશું. એ સમયે આપણે નબળાઈઓ સામે લડવું નહિ પડે અને યહોવાને માર્ગે ચાલવું આપણા માટે સહેલું હશે. જોકે, અત્યારે પણ આપણે યહોવાની ભક્તિ કરી શકીએ છીએ, કારણ કે તેમણે આપણા માટે પોતાના દીકરાના બલિદાનની ભેટ આપી છે. અપૂર્ણ હોવા છતાં, જો આપણે ફેરફારો કરવા મહેનત કરીશું અને બાઇબલની સલાહ પ્રમાણે ચાલીશું, તો આપણે તેમને ખુશ કરી શકીશું.
૧૮, ૧૯. આપણે કઈ રીતે ખાતરીપૂર્વક કહી શકીએ કે બાઇબલમાં આપણા જીવનને બદલવાની શક્તિ છે?
૧૮ શરૂઆતમાં આપણે કેવિન વિશે વાત કરી. પોતાના ગુસ્સાને કાબૂમાં રાખવા તેમણે બનતું બધું કર્યું. બાઇબલમાંથી તે જે વાંચતા એના પર તેમણે મનન કર્યું અને જીવનમાં ફેરફારો લાવવા સખત મહેનત કરી. તેમણે સાથી ભાઈ-બહેનોની સલાહ પણ લાગુ પાડી. જોકે, સુધારો કરવા કેવિનને અમુક વર્ષો લાગ્યાં, તોપણ સમય જતાં તે સેવકાઈ ચાકર તરીકે સેવા આપી શક્યા. છેલ્લાં ૨૦ વર્ષથી તે વડીલ તરીકે સેવા આપી રહ્યા છે. જોકે, તે જાણે છે કે પોતાની નબળાઈઓ સામે તેમણે આજે પણ લડવાની જરૂર છે.
૧૯ કેવિનની જેમ આપણે પણ આપણા સ્વભાવમાં સુધારો કરતા રહી શકીએ. જો આપણે એમ કરીશું, તો યહોવાની વધુ નજીક જઈશું. (યાકૂ. ૪:૮) તેમ જ, જો યહોવાને ખુશ કરવા જીવનમાં ફેરફારો કરતા રહીશું, તો તે આપણને સફળ થવા મદદ કરશે. આપણે ખાતરી રાખી શકીશું કે, બાઇબલની મદદથી આપણે જીવનમાં ફેરફારો કરતા રહી શકીએ છીએ.—ગીત. ૩૪:૮.
^ [૧] (ફકરો ૧) નામ બદલ્યું છે.