જીવન તથા શાંતિ મેળવવા ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલીએ
‘દેહ પ્રમાણે નહિ પણ ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલીએ.’—રોમ. ૮:૪.
૧, ૨. (ક) વાહન ચલાવતી વખતે ધ્યાન ફંટાવાથી શું થઈ શકે? (ખ) ભક્તિમાંથી ધ્યાન ફંટાઈ જાય તો શું જોખમ રહેલું છે?
અમેરિકાના વાહન-વ્યવહાર વિભાગના સેક્રેટરીએ એક સર્વે વિષે જણાવ્યું, ‘વાહન ચલાવતી વખતે વ્યક્તિનું ધ્યાન ફંટાવું એક ગંભીર સમસ્યા બની ગઈ છે. આ સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે.’ ધ્યાન ફંટાવાનું મુખ્ય કારણ મોબાઇલ છે. એ સર્વેમાં ૩૩ ટકાથી વધારે લોકોએ જણાવ્યું કે મોબાઇલ વાપરતા લોકોને લીધે પોતે અથડાયાં છે કે અથડાતાં રહી ગયા છે. ઘણા લોકોને લાગે છે કે વાહન ચલાવતી વખતે મોબાઇલ વાપરશે, તો તેઓનો ઘણો સમય બચી જશે. પણ એનું પરિણામ જીવલેણ બની શકે.
૨ વાહનચાલકનું ધ્યાન ફંટાયેલું હશે, તો તે તરત જોખમને પારખી નહિ શકે. એવી જ રીતે વ્યક્તિનું ધ્યાન ભક્તિમાંથી ફંટાઈ જશે, તો તે જોખમને પારખી નહિ શકે. પ્રેરિત પાઊલે જણાવ્યું કે જેમ એક વહાણ તૂટી જઈ શકે એવી જ રીતે આપણો વિશ્વાસ પણ તૂટી જઈ શકે. (૧ તીમો. ૧:૧૮, ૧૯) પાઊલે રોમના ભાઈ-બહેનોને આ જોખમ વિષે ચેતવતા કહ્યું: ‘દૈહિક મન તે મરણ છે; પણ ઈશ્વરની શક્તિની દોરવણી પર મન લગાડવું તે જીવન તથા શાંતિ છે.’ (રોમ. ૮:૬) પાઊલ અહીંયા શું કહેવા માંગતા હતા? આપણે કઈ રીતે ‘દૈહિક બાબતો’ પર મન લગાડવાનું ટાળી શકીએ અને ‘ઈશ્વરની શક્તિની દોરવણી’ પર મન લગાડી શકીએ?
તેઓને કોઈ ‘દંડ થતો નથી’
૩, ૪. (ક) પાઊલે કેવા સંઘર્ષ વિષે લખ્યું? (ખ) આપણે કેમ પાઊલના સંજોગો વિષે વિચારવું જોઈએ?
૩ રોમનોને લખેલા પત્રમાં પાઊલે પોતાના શરીરની ઇચ્છા અને મન વચ્ચે થતા સંઘર્ષ વિષે લખ્યું છે. (રોમનો ૭:૨૧-૨૩ વાંચો.) જોકે પાઊલ પોતાની ભૂલો માટે બહાના કાઢતા ન હતા, કે પોતાને લાચાર ગણતા ન હતા. તે એવું બતાવવા માંગતા ન હતા કે પોતે પાપના ભાર નીચે એટલા દબાઈ ગયા છે કે કંઈ કરી શકતા નથી. તે તો ઘણા સમજદાર હતા, અને ઈશ્વરની શક્તિથી ‘વિદેશીઓના પ્રેરિત’ તરીકે પસંદ કરાયેલા હતા. (રોમ. ૧:૧; ૧૧:૧૩) તો પછી પાઊલે શા માટે પોતાના એ સંઘર્ષ વિષે લખ્યું?
૪ પાઊલે સ્વીકાર્યું કે પોતે ચાહે છે એટલી હદે, ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરી શકતા નથી. શા માટે નહિ? એનું કારણ આપતા તેમણે કહ્યું: ‘સઘળાએ પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિષે સઘળા અધૂરા રહે છે.’ (રોમ. ૩:૨૩) આદમના વંશજ હોવાથી પાઊલના શરીરમાં પાપની અસર હતી. આપણે પણ તેમની જેમ અનુભવીએ છીએ, કેમ કે આપણામાં પણ પાપની અસર છે. આપણે પણ રોજબરોજના જીવનમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વધુમાં જીવનમાં એવી ઘણી બાબતો આવે છે, જે આપણું ધ્યાન ‘જીવનના સાંકડા માર્ગ’ પરથી ફંટાવી શકે. (માથ. ૭:૧૪) જોકે એવા સંજોગોમાં પાઊલ પાસે આશા હતી, જે આપણી પાસે પણ છે.
૫. પાઊલને ક્યાંથી મદદ અને રાહત મળી?
૫ પાઊલે લખ્યું: ‘કોણ મને મુક્ત કરશે? આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હું ઈશ્વરની ઉપકારસ્તુતિ કરું છું.’ (રોમ. ૭:૨૪, ૨૫) પછી તેમણે “ખ્રિસ્ત ઈસુમાં” જોડાયેલા અભિષિક્તો સાથે વાત કરી. (રોમનો ૮:૧, ૨ વાંચો.) યહોવાહે તેઓને પોતાની શક્તિથી દીકરાઓ તરીકે દત્તક લીધા છે, અને “ખ્રિસ્તની સંઘાતે વારસાના ભાગીદાર” ગણ્યા છે. (રોમ. ૮:૧૪-૧૭) પાઊલે જણાવેલ સંઘર્ષ પર શું અભિષિક્તો જીત મેળવી શકે છે? હા, ઈશ્વરની શક્તિની મદદથી અને ઈસુના બલિદાનમાં ભરોસો મૂકવાથી જીત મેળવી શકે છે. જીત મેળવી લે છે ત્યારે તેઓને કોઈ ‘દંડ થતો નથી,’ અને “પાપના તથા મરણના નિયમથી મુક્ત” થાય છે. આ જાણવાથી અભિષિક્તોને રાહત મળી હતી.
૬. શા માટે ઈશ્વરના બધા ભક્તોએ પાઊલના શબ્દો પર ધ્યાન આપવું જોઈએ?
૬ ઈશ્વરની શક્તિ અને ઈસુના બલિદાન વિષે પાઊલે જે લખ્યું એ અભિષિક્તો માટે હતું. તોપણ એના પર ધ્યાન આપવાથી પૃથ્વી પરની આશા રાખનારાને પણ લાભ થઈ શકે છે. પાઊલે ઈશ્વરપ્રેરણાથી જે લખ્યું એ સમજવા આપણે પ્રયત્ન કરવો જોઈએ, અને એમાંથી લાભ મેળવવો જોઈએ.
ઈશ્વરે કઈ રીતે ‘દેહમાં પાપને દંડ ફરમાવ્યો’?
૭, ૮. (ક) ક્યા અર્થમાં “દેહને લીધે નિયમ નિર્બળ હતો”? (ખ) ઈશ્વરે પોતાની શક્તિ અને ઈસુના બલિદાનથી શું કર્યું?
૭ રોમનોના સાતમા અધ્યાયમાં પાઊલ સ્વીકારે છે કે પાપની અસર મનુષ્ય પર થાય છે. આઠમા અધ્યાયમાં તે ઈશ્વરની શક્તિની અસર વિષે વાત કરે છે. તે સમજાવે છે કે ઈશ્વરની શક્તિ આપણને પાપની અસર સામે લડવા મદદ કરે છે. એ મદદથી આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જીવી શકીએ છીએ અને તેમની કૃપા મેળવી શકીએ છીએ. પાઊલે સમજાવ્યું કે ઈશ્વરે પોતાની શક્તિ અને ઈસુના બલિદાન દ્વારા જે હાંસલ કર્યું, એ મુસાના નિયમ દ્વારા શક્ય બન્યું ન હોત.
૮ મુસાને આપેલા નિયમમાં ઘણી આજ્ઞાઓ હતી, જે પાપીઓને દોષિત ઠરાવતી હતી. એ નિયમ હેઠળ ઈસ્રાએલના સર્વ પ્રમુખ યાજકો પણ પાપી ગણાતા હતા. તેથી તેઓએ ચઢાવેલું કોઈ પણ અર્પણ મનુષ્યના પાપને દૂર કરી શકતું ન હતું. એટલે કહી શકીએ કે પાપી “દેહને લીધે નિયમ નિર્બળ હતો.” પણ ઈશ્વરે “પોતાના દીકરાને પાપી દેહની સમાનતામાં” મોકલ્યા. તેમણે ઈસુનું બલિદાન આપીને ‘દેહમાં પાપને દંડ ફરમાવ્યો.’ એટલે કે ઈસુના બલિદાનથી યહોવાહે લોકોને પાપમાંથી મુક્ત કર્યા. અભિષિક્તો ઈસુના બલિદાનમાં વિશ્વાસ મૂકે છે, એટલે યહોવાહ તેઓને ન્યાયી ગણે છે. પાઊલે અભિષિક્ત ખ્રિસ્તીઓને અરજ કરી કે ‘દેહ પ્રમાણે નહિ પણ ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલો.’ (રોમનો ૮:૩, ૪ વાંચો.) તેઓ પોતાના જીવનના અંત સુધી એમ કરશે તો સ્વર્ગમાં “જીવનનો મુગટ” મેળવશે.—પ્રકટી. ૨:૧૦.
૯. રોમનો ૮:૨માં આપેલ “નિયમ” શબ્દનો અર્થ શું થાય?
૯ પાઊલે બીજા બે નિયમોની પણ વાત કરી: ‘ઈશ્વરની શક્તિનો નિયમ’ અને ‘પાપ તથા મરણનો નિયમ.’ (રોમ. ૮:૨) આ નિયમો શું છે? અહીંયા “નિયમ” શબ્દ કોઈ લેખિત નિયમને રજૂ કરતો નથી, જેમ કે મુસાને આપેલા નિયમો. બાઇબલનો એક જ્ઞાનકોષ જણાવે છે: ‘અહીંયા નિયમ માટે વપરાયેલ ગ્રીક શબ્દનો અર્થ થાય કે વ્યક્તિના સારા કે ખરાબ કાર્યો એ નિયમો જેવા છે, જે વ્યક્તિને કાબૂમાં રાખે છે. એ શબ્દ એ પણ બતાવે છે કે વ્યક્તિ કેવા ધોરણો પ્રમાણે જીવે છે.’
૧૦. આપણે કઈ રીતે પાપ અને મરણના નિયમ હેઠળ છીએ?
૧૦ પાઊલે લખ્યું: ‘એક માણસથી જગતમાં પાપ પ્રવેશ્યું, ને પાપથી મરણ; અને સઘળાંએ પાપ કર્યું, તેથી સઘળાં માણસોમાં મરણનો પ્રસાર થયો.’ (રોમ. ૫:૧૨) આપણે બધા જ આદમના વંશજો હોવાથી પાપ અને મરણના નિયમ હેઠળ છીએ. આપણો પાપી દેહ એવી બાબતો કરવા ઉશ્કેરે છે, જે ઈશ્વરને જરાય ગમતી નથી. એવા કાર્યો આપણને મરણ તરફ લઈ જાય છે. ગલાતીઓના પત્રમાં પાઊલે એવા કાર્યો અને વલણને “દેહનાં કામ” કહ્યા. તેમણે એમ પણ કહ્યું ‘જેઓ એવાં કામ કરે છે તેઓ ઈશ્વરના રાજ્યનો વારસો પામશે નહિ.’ (ગલા. ૫:૧૯-૨૧) જે લોકો આવું જીવન જીવે છે, તેઓ ‘દેહ પ્રમાણે’ ચાલે છે. તેઓ પોતાની વાસનાઓ સંતોષવા પર જ ધ્યાન આપે છે. (રોમ. ૮:૪) એ વાસનાઓ જાણે તેમના પર કાબૂ કરે છે. પણ જેઓ વ્યભિચાર, મૂર્તિપૂજા અને મેલીવિદ્યા જેવા ઘોર પાપ કરે છે, શું ફક્ત તેઓ જ ‘દેહ પ્રમાણે’ ચાલે છે? ના. દેહના કામોમાં ઈર્ષા, ક્રોધ, કુસંપ અને અદેખાઈ પણ આવી જાય છે. અમુક લોકો તો એવી બાબતોને સામાન્ય નબળાઈઓ જ ગણે છે. આપણે હંમેશાં એવી પાપી ઇચ્છાઓ વિરુદ્ધ લડવું જોઈએ.
૧૧, ૧૨. પાપ અને મરણના નિયમમાંથી આપણને મુક્ત કરવા યહોવાહે કેવી ગોઠવણ કરી છે? આશીર્વાદો મેળવવા આપણે શું કરવું જોઈએ?
૧૧ આપણે કેટલા ખુશ છીએ કે યહોવાહે આપણા માટે પાપ અને મરણના નિયમમાંથી મુક્ત થવાનું શક્ય બનાવ્યું છે. ઈસુએ કહ્યું: ‘ઈશ્વરે જગત પર એટલી પ્રીતિ કરી કે તેમણે પોતાનો એકાકીજનિત દીકરો આપ્યો, એ માટે કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય, પણ તે અનંતજીવન પામે.’ વારસામાં મળેલા પાપને લીધે જે સજા થઈ છે, એમાંથી છુટકારો મેળવવા શું કરવું જોઈએ? ઈશ્વરે બતાવેલા પ્રેમને સ્વીકારવો જોઈએ અને ઈસુના બલિદાનમાં વિશ્વાસ મૂકવો જોઈએ. (યોહા. ૩:૧૬-૧૮) ઈશ્વરે કરેલી આ ગોઠવણને લીધે આપણે પણ પાઊલની જેમ કહી શકીએ છીએ: ‘આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા હું ઈશ્વરની ઉપકારસ્તુતિ કરું છું.’
૧૨ માની લો કે તમને ગંભીર બીમારી છે. તમે શું કરશો? સાજા થવા ડૉક્ટર જે કહે એ પ્રમાણે જ કરશો ખરું ને. આપણા હાલના સંજોગો પણ એવા જ છે. ઈસુના બલિદાનમાં ભરોસો મૂકવાથી આપણે પાપ અને મરણના નિયમમાંથી છૂટી શકીએ છીએ. પણ હજી આપણામાં પાપનો વારસો તો છે જ. એટલે ઈશ્વર સાથે ગાઢ સંબંધ જાળવી રાખવા અને આશીર્વાદો મેળવતા રહેવા વધારે કંઈક કરવાની જરૂર છે. જો આપણે પાપની બીમારીમાંથી સાજા થવું હોય, તો પાઊલના કહ્યા મુજબ ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલતા રહેવું જોઈએ.
ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલવા શું કરવું?
૧૩. ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલવા શું કરવું જોઈએ?
૧૩ આપણે જ્યારે ચાલીએ છીએ ત્યારે કોઈ એક દિશા કે ધ્યેય તરફ આગળ વધીએ છીએ. એવી જ રીતે સત્યમાં પ્રગતિ કરવા ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલવું જોઈએ. (૧ તીમો. ૪:૧૫) ભલે એમ કરવું સહેલું નથી, પણ આપણે દિવસે ને દિવસે બનતો પ્રયત્ન કરવો જોઈએ. જો ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ‘ચાલીશું,’ તો આપણે ઈશ્વરના આશીર્વાદ મેળવી શકીશું.—ગલા. ૫:૧૬.
૧૪. જેઓ “દૈહિક બાબતો ઉપર મન લગાડે છે” તેઓનું વલણ કેવું છે?
૧૪ રોમના ભાઈ-બહેનોને લખેલા પત્રમાં પાઊલે બે પ્રકારના લોકોની વાત કરી હતી, જેઓનું વિચારવું સાવ વિરોધાભાસ હતું. (રોમનો ૮:૫ વાંચો.) અહીંયા “દેહ” શબ્દ જરૂરી નથી કે શરીરને લાગુ પડતો હોય. બાઇબલમાં અમુક વાર “દેહ” શબ્દ વ્યક્તિના પાપી અને ભૂલભરેલા વલણને રજૂ કરે છે. આવા વલણના લીધે વ્યક્તિના શરીર અને મન વચ્ચે સંઘર્ષ થાય છે, જે વિષે પાઊલે આગળ વાત કરી હતી. પાઊલે પોતાની ખોટી ઇચ્છાઓ સામે ખૂબ સંઘર્ષ કર્યો હતો. જ્યારે કે આજે ઘણા લોકો ‘દૈહિક બાબતોનો’ જ વિચાર કરે છે. તેઓ જરાય વિચારતા નથી કે ઈશ્વર તેઓ પાસેથી શું ઇચ્છે છે. ઈશ્વર જે મદદ પૂરી પાડે છે એ સ્વીકારવાને બદલે તેઓ “દૈહિક બાબતો ઉપર મન લગાડે છે.” તેઓ ફક્ત પોતાની વાસના સંતોષવા પર જ ધ્યાન આપે છે. પણ તેઓથી સાવ અલગ, જેઓ ‘ઈશ્વરની શક્તિની બાબતો ઉપર મન લગાડે છે’ તેઓ ભક્તિમાં જ પોતાનું ધ્યાન લગાડે છે.
૧૫, ૧૬. (ક) વ્યક્તિ પોતાના વિચારો પર મન લગાડશે તો શું થશે? (ખ) આજે મોટા ભાગના લોકો શાના પર મન લગાડે છે?
૧૫ રોમનો ૮:૬ વાંચો. વ્યક્તિ સારું કે ખરાબ કરે એ પહેલાં તેને જે ગમે એ બાબતો પર મન લગાડે છે. જો તે પાપી ઇચ્છાઓ પર મન લગાડશે, તો જરૂર એ વિચારો પ્રમાણે જ કરશે. આમ તેનું મન અને લાગણીઓ પાપી કાર્યો કરવામાં ડૂબી જશે.
૧૬ આજે મોટા ભાગના લોકો શાના પર મન લગાડે છે? એ વિષે પ્રેરિત યોહાને લખ્યું: “જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.” (૧ યોહા. ૨:૧૬) દૈહિક વાસના તથા આંખોની લાલસામાં શાનો સમાવેશ થાય છે? વ્યભિચારી જીવન જીવવાનો, પદવી મેળવવા પાછળ પડવાનો અને માલમિલકત ભેગી કરવા જેવી બાબતોનો સમાવેશ થાય છે. પુસ્તકો, મૅગેઝિનો, ન્યૂઝપેપર, ફિલ્મો, સિરિયલો અને ઇન્ટરનેટ પર આવી માહિતી પુષ્કળ પ્રમાણમાં પીરસવામાં આવે છે. દુનિયાના લોકો એવી દૈહિક બાબતો પર મન લગાડે છે, અને એ પ્રમાણે જ કરે છે. જોકે બાઇબલ કહે છે કે “દૈહિક મન તે મરણ છે.” કઈ રીતે? એક તો વ્યક્તિનો ઈશ્વર સાથેનો સંબંધ કપાઈ જશે, તેમ જ તે ભાવિમાં હંમેશ માટેનું જીવન ગુમાવશે. બાઇબલ કહે છે, ‘દૈહિક મન તે ઈશ્વર પર વૈર છે; કેમ કે તે ઈશ્વરના નિયમને આધીન નથી, અને થઈ શકતું પણ નથી. જેઓ દૈહિક છે તેઓ ઈશ્વરને પ્રસન્ન કરી શકતા નથી.’—રોમ. ૮:૭, ૮.
૧૭, ૧૮. ઈશ્વરની શક્તિની દોરવણી પર મન લગાડવા શું કરવું જોઈએ? એમ કરવાથી શું પરિણામ આવશે?
૧૭ બાઇબલ કહે છે, ‘ઈશ્વરની શક્તિની દોરવણી પર મન લગાડવું તે જીવન તથા શાંતિ છે.’ કઈ રીતે? એક તો ઈશ્વર સાથે સારો સંબંધ બાંધવાથી વ્યક્તિને મનની શાંતિ મળે છે, તેમ જ ભાવિમાં હંમેશ માટેનું જીવન મળશે. તો સવાલ થાય કે ‘ઈશ્વરની શક્તિની દોરવણી પર મન લગાડવા’ આપણે શું કરવું જોઈએ? નિયમિત રીતે ઈશ્વર તરફથી મળતા માર્ગદર્શન પર ધ્યાન આપવું જોઈએ. તેમની શક્તિથી દોરાવું જોઈએ. આમ કરવાથી ઈશ્વરને પસંદ પડે એવા વિચારો અને વલણ કેળવી શકીશું. “ઈશ્વરના નિયમને આધીન” રહેવાથી, તેમની ઇચ્છાના સુમેળમાં જીવી શકીશું. જ્યારે લાલચો આવે ત્યારે, ખરી પસંદગી કરી શકીશું. એવી પસંદગી જે ઈશ્વરની શક્તિની દોરવણી મુજબ હશે.
૧૮ તેથી ઈશ્વરભક્તિ પર મન લગાડવું આપણા જીવનમાં સૌથી મહત્ત્વનું હોવું જોઈએ. એ માટે આપણે નિયમિત પ્રાર્થના કરવી જોઈએ, બાઇબલ વાંચવું જોઈએ અને એના પર મનન કરવું જોઈએ. નિયમિત રીતે સભામાં જવું જોઈએ. ઈશ્વરનો સંદેશો ફેલાવવામાં ભાગ લેવો જોઈએ. (૧ પીત. ૧:૧૩) શરીરની ઇચ્છાઓ આપણું ધ્યાન ફંટાવી ન નાખે એનું ધ્યાન રાખીએ. હંમેશાં ઈશ્વરની શક્તિથી દોરાઈએ અને ઈશ્વર જેવું મન કેળવીએ. એમ કરીશું તો આપણને ઘણા આશીર્વાદો મળશે. ચાલો આપણે ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે ચાલીએ અને હંમેશ માટેનું જીવન તથા શાંતિ મેળવીએ!—ગલા. ૬:૭, ૮. (w11-E 11/15)
તમે સમજાવી શકો?
• મુસાનો નિયમ શું હાંસલ કરી શકતો ન હતો? એ હાંસલ કરવા ઈશ્વરે શું કર્યું?
• ‘પાપ તથા મરણનો નિયમ’ શું છે? એમાંથી આપણે કઈ રીતે છુટકારો મેળવી શકીએ?
• ‘ઈશ્વરની શક્તિની દોરવણી પર મન લગાડવા’ આપણે શું કરવું જોઈએ?
[પાન ૧૬ પર ચિત્રો]
શું તમે શરીરની ઇચ્છાઓ પ્રમાણે ચાલો છો કે ઈશ્વરની શક્તિની દોરવણી પ્રમાણે?