ઈસુને પગલે ચાલતા રહો
“જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે.” —યોહાન ૧૩:૧૫.
૧. આપણે શા માટે ઈસુને પગલે ચાલવું જોઈએ?
શાસ્ત્ર કહે છે કે “પાપ ન કરે એવું માણસ કોઇ નથી.” (૧ રાજાઓ ૮:૪૬; રૂમી ૩:૨૩.) માણસજાતની શરૂઆતથી આજ સુધી આપણે બધા ઈશ્વરની નજરમાં અધૂરા છીએ. પણ ઈસુ પાપ કર્યા વગર જીવ્યા હતા. તેમણે આપણા માટે એક સંપૂર્ણ દાખલો બેસાડ્યો હતો. ઈસુનું મોત થયું એ પહેલાં, તેમને શિષ્યોને કહ્યું: “જેવું મેં તમને કર્યું, તેવું તમે પણ કરો, એ માટે મેં તમને નમૂનો આપ્યો છે.” (યોહાન ૧૩:૧૫) ઈસુએ આ શબ્દો નીસાન ૧૪, ૩૩ની સાલમાં કહ્યા હતા. તેમના જીવનની આખરી રાતે ઈસુએ શિષ્યોને સમજાવ્યું કે તેઓ કઈ રીતે તેમના પગલાંમાં ચાલી શકે. આ લેખમાં આપણે એ વિષે વધુ જોઈશું.
ઘમંડથી દૂર રહો
૨, ૩. ઈસુએ કઈ કઈ બાબતોમાં નમ્ર રહ્યા?
૨ ઈસુ ખૂબ નમ્ર હતા. તે ચાહતા હતા કે ફક્ત તેમના શિષ્યો જ નહિ, પણ સર્વ ખ્રિસ્તીઓ નમ્ર રહે. નીસાન ૧૪ની રાતે તેમણે નમ્રતાથી તેમના શિષ્યોના પગ ધોયા. પછી તેમણે કહ્યું: “પ્રભુએ તથા ગુરુએ જો તમારા પગ ધોયા, તો તમારે પણ એકબીજાના પગ ધોવા જોઈએ.” (યોહાન ૧૩:૧૪) ઈસુએ આપણા માટે કેટલો સારો દાખલો બેસાડ્યો. તેમણે શિષ્યોને અને આપણને નમ્ર રહેવાનું શીખવ્યું અને એકબીજાને સેવા કરવાની અરજ કરી.
૩ ઈસુ કેટલી હદ સુધી નમ્ર રહ્યા? પ્રેષિત પાઊલે કહ્યું કે તે ‘પોતે દેવના રૂપમાં છતાં તેણે દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને મરણને, હા, વધસ્તંભના મરણને, આધીન થઈને, પોતાને નમ્ર કર્યો.’ (ફિલિપી ૨:૬-૮) વિચાર કરો, યહોવાહ પરમેશ્વર છે. પછી આવે ઈસુ. ઈસુની નીચે સ્વર્ગદૂતો અને માણસો હતા. પણ તે એટલા નમ્ર હતા કે તે આ ઊંચી પદવી છોડીને પૃથ્વી પર આવ્યા. આવ્યા તો ખરા પણ કોઈ શૂરવીર રાજાની જેમ ન આવ્યા, પણ એક બાળક તરીકે જન્મ્યા. તેમના માબાપ ભૂલને પાત્ર હતા, તોપણ તે તેઓને આધીન રહ્યા. છેવટે, તેમને એક ગુનેગાર તરીકે મોતની સજા મળી. (કોલોસી ૧:૧૫, ૧૬; હેબ્રી ૨:૬, ૭) જો ઈસુ નમ્ર ન હોત, તો શું તે આ બધું કર્યું હોત? ના, જરાય નહિ. પણ પ્રશ્ન એ છે કે શું આપણે ‘ઈસુનું જેવું વલણ’ બતાવીને ‘નમ્ર ભાવે’ જીવી શકીએ? (ફિલિપી ૨:૩-૫) હા, પણ એમ જીવવું સહેલું નથી.
૪. આજે લોકો કયા કારણોને લીધે ઘમંડી બની જાય છે? આપણે શા માટે એવા વલણથી દૂર રહેવું જોઈએ?
૪ જો વ્યક્તિ નમ્ર ન રહે, તો તે ઘમંડી બની શકે છે. (નીતિવચનો ૬:૧૬-૧૯) શેતાનનો વિચાર કરો. (૧ તીમોથી ૩:૬) જો આપણા દિલમાં ઘમંડ હોય, તો એને કાઢવો ખૂબ અઘરો છે. એની અસર દુનિયા ફરતે જોવા મળે છે. આજે લોકો દેશપ્રેમી કે તેઓની જાતિના લીધે અહંકારી બને છે. બીજાઓ અમીર કે ભણેલા-ગણેલા હોવાથી ઘમંડી બને છે. ઘણા આજે છાતી ફૂલાવીને કહે છે કે ‘કામ-ધંધો, સ્પોર્ટસ કે સમાજમાં આપણું બહું મોટું નામ છે.’ અરે, અમુક તો ફિલ્મી સ્ટાર જેવા ખૂબસૂરત હોય છે ને એના લીધે ભપકો મારતા હોય છે. પણ યહોવાહને આ ઉપર-છેલ્લા દેખાવમાં કંઈ રસ નથી. (૧ કોરીંથી ૪:૭) યહોવાહ ફક્ત આપણું દિલ જુએ છે. પણ જો આપણે ઘમંડી થવા માંડીએ, તો આપણે યહોવાહથી દૂર ચાલ્યા જઈશું. બાઇબલ કહે છે: “યહોવાહ મહાન છે, તોપણ તે દીન જનો પર લક્ષ રાખે છે; પણ ગર્વિષ્ઠોને તો તે વેગળેથી [દૂરથી] ઓળખે છે.”—ગીતશાસ્ત્ર ૧૩૮:૬; નીતિવચનો ૮:૧૩.
મંડળમાં નમ્ર રહો
૫. વડીલોને શા માટે નમ્ર રહેવું જોઈએ?
૫ આપણે ધ્યાન રાખવું જોઈએ કે આપણે મંડળમાં પોતાની ડંફાસ મારવા ન માંડીએ. એ કઈ રીતે થઈ શકે? આપણે કોઈ જવાબદારી મેળવીને વિચારી શકીએ કે ‘હવે હું કંઈક છું.’ (૧ કાળવૃત્તાંત ૨૯:૧૪; ૧ તીમોથી ૬:૧૭, ૧૮) હકીકત એ છે કે મંડળમાં આપણી જવાબદારી વધે તેમ, આપણે વધુ નમ્ર રહેવાની જરૂર છે. પ્રેષિત પીતરે વડીલોને સલાહ આપી: “તનને સોંપેલા ટોળા પર ધણી તરીકે નહિ, પણ તમે તે ટોળાને આદર્શરૂપ થાઓ.” (૧ પીતર ૫:૩) વડીલો, મંડળના શેઠ નથી, પણ દાસો છે. તેથી, નમ્ર રહીને સર્વ માટે સારો દાખલો બેસાડવો જોઈએ.—લુક ૨૨:૨૪-૨૬; ૨ કોરીંથી ૧:૨૪.
૬. જીવનમાં આપણે ખાસ કરીને કયા સંજોગોમાં નમ્ર રહેવું જોઈએ?
૬ ફક્ત વડીલોને જ નહિ, પણ યુવાન પુરુષોએ પણ નમ્રતા કેળવી જોઈએ. નહિતર, તેઓ ઘમંડી બનીને વિચારી શકે કે ‘મને તો ઘણું આવડે છે. હું ઘરડા વડીલોના કરતાં એ કામ વધારે સારું કરી શકું છું.’ પીતરે લખ્યું: “એજ પ્રમાણે જુવાનો, તમે વડીલોને આધીન થાઓ. અને તમે સઘળા એકબીજાની સેવા કરવાને સારૂ નમ્રતા પહેરી લો; કેમકે દેવ ગર્વિષ્ઠોની વિરૂદ્ધ છે, પણ તે નમ્ર માણસો પર કૃપા રાખે છે.” (૧ પીતર ૫:૫) આપણે સર્વએ નમ્ર રહેવું જોઈએ. જો આપણે ન રહીએ, તો આપણે ક્યાંથી પ્રચાર કરવાના છીએ! નમ્ર રહેવાથી આપણે એકબીજાની સલાહ સ્વીકારીશું. દીન રહેવાથી આપણે રહેણી-કરણીમાં પણ ફેરફારો કરીશું જેથી આપણે પ્રચારમાં વધુ કરી શકીએ. જો આપણે નમ્ર હોઈએ તો આપણે હિંમત ને શ્રદ્ધાથી પ્રચાર કરતા રહીશું. પછી ભલેને લોકો આપણા વિષે જૂઠાણું ફેલાવે કે આપણને સતાવે.—૧ પીતર ૫:૬.
૭, ૮. આપણે કઈ રીતે નમ્રતા કેળવી શકીએ?
૭ જો વ્યક્તિ થોડી-ઘણી ઘમંડી હોય, તો શું તે નમ્ર બની શકે છે? હા, જો તે સલાહ પાળે કે, ‘નમ્ર ભાવથી પોતાના કરતાં બીજાઓને ઉત્તમ ગણો.’ (ફિલિપી ૨:૩) ઈસુ હંમેશા વિચારતા કે ‘યહોવાહને કેવો સ્વભાવ ગમે છે?’ નમ્ર રહીને તેમણે શિષ્યોને કહ્યું: “અમે નકામા ચાકરો છીએ; કેમકે જે કરવાની અમારી ફરજ હતી તેજ અમે કર્યું છે.” (લુક ૧૭:૧૦) આપણે કદીયે ઈસુના જેવા મહાન કામો કરીશું નહિ. તો પછી, ગર્વ બતાવવાનું આપણી પાસે શું કારણ હોય શકે છે?
૮ જો આપણે યહોવાહને વિનંતી કરીએ તો, તે ચોક્કસ આપણને નમ્ર બનવા મદદ કરશે. ચાલો આપણે ગીતશાસ્ત્રના એક કવિની જેમ કહીએ: “મને સારો વિવેક તથા ડહાપણ શીખવ; કેમકે મેં તારી આજ્ઞાઓ પર વિશ્વાસ રાખ્યો છે.” (ગીતશાસ્ત્ર ૧૧૯:૬૬) યહોવાહની મદદ કરશે જેથી આપણે ‘બસ હું જ કંઈક છું!’ એવા વિચારોને દાબી શકીએ. ઈસુએ કહ્યું: “જે કોઈ પોતાને ઊંચો કરશે, તે નીચો કરાશે; અને જે કોઈ પોતાને નીચો કરશે, તે ઊંચો કરાશે.” (માત્થી ૨૩:૧૨) નમ્રતા કેળવવાથી યહોવાહ આપણને ખૂબ આશીર્વાદો દેશે.—નીતિવચનો ૧૮:૧૨.
ઈસુની જેમ ભલું-ભૂંડું પારખી લો
૯. ઈસુ પાપથી કઈ રીતે દૂર રહી શક્યા?
૯ ઈસુનો જન્મ થયો એ પહેલાં શાસ્ત્રમાં લખ્યું હતું કે તે ‘ન્યાયીપણા પર પ્રીતિ રાખશે, અને દુષ્ટતા પર દ્વેષ કરશે.’ (ગીતશાસ્ત્ર ૪૫:૭; હેબ્રી ૧:૯) એ શબ્દો સો ટકા સાચા પડ્યા. ઈસુ આ ધરતી પર ૩૩ વર્ષ સુધી મનુષ્યો સાથે જીવ્યા, પણ તેમણે કદીયે ‘પાપ’ કર્યું નહિ. (હેબ્રી ૪:૧૫) તે કઈ રીતે એ કરી શક્યા? તે ભલું-ભૂંડું પારખી શકતા. એટલું જ નહિ, તે ખરાબ કામોને નફરત કરતા ને સારા કામો જ કરતા. (આમોસ ૫:૧૫) જો આપણે પણ એમ જ કરીએ તો, આપણે પોતાની વાસનાઓ પર જીત મેળવીશું.—ઉત્પત્તિ ૮:૨૧; રૂમી ૭:૨૧-૨૫.
૧૦. જો આપણે ‘ભૂંડા’ કામો કરતા રહીએ, તો આપણે કોની સામે થઈએ છીએ?
૧૦ એક વખતે ઈસુએ નીકોદેમસ નામના ફરોશીને કહ્યું: “જે કોઈ ભૂંડું કરે છે તે અજવાળાનો દ્વેષ કરે છે, અને પોતાનાં કામ ન વખોડાય માટે અજવાળા પાસે આવતો નથી. પણ જે સત્ય કરે છે તે પોતાનાં કામ દેવથી કરાયાં છે એ પ્રગટ થાય માટે અજવાળા પાસે આવે છે.” (યોહાન ૩:૨૦, ૨૧) પ્રેષિત યોહાને કહ્યું કે ઈસુ ‘ખરૂં અજવાળું છે, જે જગતમાં હરેક માણસને પ્રકાશ આપે’ છે. (યોહાન ૧:૯, ૧૦) આજે લોકો અજવાળાને, એટલે ઈસુને નફરત કરે છે. એ કઈ રીતે બની શકે? કેમ કે તેઓ જાણી-જોઈને યહોવાહની નજરે ‘ભૂંડું કરતા’ હોય છે.
ઈસુની જેમ ભલું ચાહો ને ભૂંડા કામોની નફરત કરો
૧૧. આપણે કઈ રીતે ઈસુ અને યહોવાહની જેમ ખરા-ખોટા કામોને પારખી શકીએ?
૧૧ શેતાન ખૂબ ચાલાક છે. (૨ કોરીંથી ૧૧:૧૪) તે આપણને એવી રીતે ભમાવી શકે કે આપણને લાગે કે ખરાબ કામો ખરેખર સારા છે. તો આપણે કઈ રીતે ઈસુ અને યહોવાહની જેમ ખરા-ખોટા કામોને પારખી શકીએ? આપણે બાઇબલ વાંચવું જોઈએ અને સમજણ માટે એમાં શોધ-ખોદ કરવી જોઈએ. આપણે યહોવાહને વિનંતી કરવી જોઈએ કે, “હે યહોવાહ, તારા માર્ગ મને બતાવ, તારા રસ્તા વિષે મને શીખવ.” (ગીતશાસ્ત્ર ૨૫:૪) આપણને “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” તરફથી મળેલા માર્ગદર્શને પણ તરત જ સ્વીકારવું જોઈએ. (માત્થી ૨૪:૪૫-૪૭) જો આપણે બાઇબલમાં તપાસ કરીએ અને પ્રાર્થના ને મનન સાથે સમજણ મેળવીએ તો શું પરિણમશે? આપણે સારું કરવા ચાહીશું, ને ભૂંડા કામોને નફરત કરીશું. છેવટે આપણે એવા ભક્તો જેવા બનીશું “જેઓની ઇંદ્રિયો ખરૂંખોટું પારખવામાં કેળવાએલી છે.”—હેબ્રી ૫:૧૪.
૧૨. ખરાબ કામોથી દૂર રહેવા શાસ્ત્ર કેવી સલાહ આપે છે?
૧૨ જો આપણે ભૂંડા કામોને નફરત કરીએ, તો આપણી પાપી વાસનાઓ દિલમાં ઉગશે નહિ. પ્રેષિત યોહાને લખ્યું: “જગત પર અથવા જગતમાંનાં વાનાં પર પ્રેમ ન રાખો, જો કોઈ જગત પર પ્રેમ રાખે તો તેનામાં પિતા પરનો પ્રેમ નથી. કેમકે જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા તથા જીવનનો અહંકાર તે પિતાથી નથી, પણ જગતથી છે.”—૧ યોહાન ૨:૧૫, ૧૬.
૧૩, ૧૪. (ક) જો આપણે દુનિયાના લોકો જેવા બનવા ચાહીએ તો શું થશે? (ખ) આપણે કઈ રીતે દુનિયાની લાલચથી દૂર રહી શકીએ?
૧૩ જો આપણે જગત પાછળ ચાલવા ચાહીએ, તો આપણે ચોક્કસ ખાડામાં પડવાના છીએ. (૧ તીમોથી ૬:૯, ૧૦) દુનિયાનું વાતાવરણ ખૂબ ખરાબ છે. જો આપણે એવી ફિલ્મો કે ટીવી પ્રોગ્રામ જોઈએ જેમાં લોકો માલ-મિલકત પાછળ દોડતા હોય, કે જેમાં મારા-મારી હોય કે સેક્સ હોય, તો ટૂંકમાં આપણામાં પણ એવી વાસનાઓ જાગશે. પછી આપણે એમ પણ વિચારવા મંડશું કે ‘એમાં શું ખોટું છે.’ જો આપણે દુનિયાના લોકો સાથે દોસ્તી બાંધીએ તો આપણે પણ સમાજ કે ધંધામાં નામ કમાવવા મંડશું. છેવટે, આપણે જીવનના માર્ગ પરથી ફંટાઈ જઈશું. (માત્થી ૬:૨૪; ૧ કોરીંથી ૧૫:૩૩) પણ અમુક લોકો કહે છે કે ‘દુનિયામાં બધી વસ્તુ ખરાબ તો નથી હોતી.’ ભલે એ સાચું હોય, જો આપણે ધ્યાન ન રાખીએ તો એ બાબતો આપણને ફસાવી શકે. છેવટે આપણે યહોવાહની ભક્તિ કરવાનું મૂકી દઈશું. ફક્ત થોડાક જ મેળવણથી દૂધ દહીં બની જાય છે. કદી ન ભૂલો, દુનિયામાં એવું કંઈ નથી જે આપણને યહોવાહ સાથે ચાલવા મદદ કરશે.
૧૪ બાઇબલ આપણા દિલમાં હોવું જોઈએ. જો હોય તો, આપણને ખબર પડશે કે દુનિયામાં જે ઊજળું છે તે દૂધ નથી. “જગતમાં જે સર્વ છે, એટલે દૈહિક વાસના તથા આંખોની લાલસા” ખરેખર નકામી છે. દુનિયા સાથે દોસ્તી બાંધવાને બદલે, ચાલો આપણે યહોવાહના ભક્તો સાથે હળી-મળીએ. તેઓ આપણને જીવનમાં યહોવાહની ભક્તિ પ્રથમ રાખવા મદદ કરશે. તેઓની સંગતમાં રહીને આપણે ખરાબ કામોથી દૂર રહીશું ને સારા કામો કરીશું.—ગીતશાસ્ત્ર ૧૫:૪; નીતિવચનો ૧૩:૨૦.
૧૫. ઈસુએ જિંદગીભર શું કર્યું? આપણને શું કરવું જોઈએ ને શા માટે?
૧૫ ઈસુ ભૂંડા કામોને નફરત કરતા ને પૂરા દિલથી સારા કામો કરતા હતા. તે હંમેશાં “પોતાની આગળ મૂકેલા આનંદને” નજર સામે રાખીને જીવ્યા. (હેબ્રી ૧૨:૨) આપણે પણ એમ જ કરવું જોઈએ. આપણને ખબર છે કે આ દુનિયા આપણને ફક્ત બે પલ માટે જ ખુશ રાખી શકે છે. નજીકમાં “જગત તથા તેની લાલસા જતાં” રહેશે. “પણ જે દેવની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.” (૧ યોહાન ૨:૧૭) યહોવાહનું કહ્યું કરવાથી ઈસુએ આપણને સદા માટેના જીવનનું વરદાન આપ્યું છે. (૧ યોહાન ૫:૧૩) એ વરદાન મેળવવા, ચાલો આપણે ઈસુને પગલે ચાલીએ.
ઈસુની જેમ શાંતિથી સતાવણીને સહન કરો
૧૬. ઈસુએ શા માટે આપણને કહ્યું કે તમે એકબીજાને ખૂબ ચાહો?
૧૬ આપણે બીજી કઈ રીતે ઈસુને પગલે ચાલી શકીએ? ઈસુએ કહ્યું: “મારી આજ્ઞાઓ એ છે, કે જેમ મેં તમારા પર પ્રેમ રાખ્યો છે, તેમ તમે એકબીજા પર પ્રેમ રાખો.” (યોહાન ૧૫:૧૨, ૧૩, ૧૭) પણ જગતમાં લોકો આપણી ખૂબ નફરત કરે છે. ઈસુએ કહ્યું: ‘જો જગત તમારા પર દ્વેષ રાખે છે તો તમારા અગાઉ તેણે મારા પર દ્વેષ રાખ્યો છે. દાસ પોતાના શેઠથી મોટો નથી. જો તેઓ મારી પૂઠે પડ્યા, તો તેઓ તમારી પૂઠે પણ પડશે.’ (યોહાન ૧૫:૧૮, ૨૦) ભલે દુનિયા આપણી નફરત કરે, ચાલો આપણે ઈસુની માફક એકબીજાને ખૂબ ચાહીએ. નહિતર, સતાવણી આવે ત્યારે મંડળમાં ભાગલા પડી જશે.
૧૭. દુનિયાના લોકો શા માટે આપણી નફરત કરે છે?
૧૭ પણ દુનિયા શા માટે આપણી નફરત કરે છે? કેમ કે ઈસુની માફક આપણે “જગતના નથી.” (યોહાન ૧૭:૧૪, ૧૬) આપણે જગતના લોકોના જેમ ફોજમાં જોડતા નથી. આપણે રાજકાજમાં માથું મારતા નથી. આપણે ઑપરેશન વખતે લોહી લેતા નથી. આપણે તેઓની જેમ ગંદું જીવન જીવતા નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૫:૨૮, ૨૯; ૧ કોરીંથી ૬:૯-૧૧) અમીર બનવાના બદલે આપણે યહોવાહની ભક્તિ આગળ મૂકીએ છીએ. આપણે “જગતના વહેવારમાં તલ્લીન [ડૂબી] થઈ ગએલા જેવા” નથી. એટલે લોકો આપણી નફરત કરે છે. (૧ કોરીંથી ૭:૩૧) પણ ઊંચા ધોરણોને જાળવી રાખવાથી, અમુક વાર આપણી તારીફ પણ થાય છે. આપણે ફક્ત તારીફ મેળવવા માટે આવું જીવન જીવતા નથી. આપણે બસ ઈસુના પગલે ચાલવા ચાહીએ છીએ. દુનિયાના લોકો આ સમજી શકતા નથી.
૧૮, ૧૯. સતાવણી સામે આપણે શું કરવું જોઈએ અને શા માટે?
૧૮ અમુક લોકો ઈસુને ખૂબ નફરત કરતા હતા. તેઓએ ઈસુને પકડીને ક્રૂર રીતે મારી નાખ્યા. પણ આ સંજોગોમાં ઈસુ શાંત રહ્યા. તે અહિંસામાં માનતા હતા. દાખલા તરીકે, જ્યારે ઈસુ ગેથસેમાનેના બાગમાં હતા ત્યારે તેમના દુશ્મનો તેમને પકડવા આવ્યા. પીતર તરત જ તલવાર લઈને ઈસુનું રક્ષણ કરવા ગયા. પણ ઈસુએ પીતરને કહ્યું: “તારી તરવાર તેના મ્યાનમાં પાછી ઘાલ; કેમકે જેટલા તરવાર પકડે છે તેઓ સર્વ તરવારથી નાશ પામશે.” (માત્થી ૨૬:૫૨; લુક ૨૨:૫૦, ૫૧) ઈસુએ શા માટે એમ કહ્યું? વર્ષો પહેલાં ‘શું ઈસ્રાએલી લોકો તલવાર લઈને દુશ્મનો સામે લડતા ન હતા?’ હા, પણ દિવસો હવે બદલ્યા હતા. એ ઈસ્રાએલીઓ દેશનું રક્ષણ કરવા માટે લડતા. પણ ઈશ્વરનું રાજ્ય ‘જગતનું ન હતું.’ (યોહાન ૧૮:૩૬) એ રાજ્ય સ્વર્ગમાં હતું. પીતર અને બીજા ભક્તો ત્યાં જવાના હતા એટલે તલવાર લઈને એનું રક્ષણ કરવામાં કોઈ ફાયદો ન હતો. (ગલાતી ૬:૧૬; ફિલિપી ૩:૨૦, ૨૧) આમાંથી આપણે શું શીખીએ છીએ? આપણે કોઈ પણ દુશ્મન સાથે લડવું ન જોઈએ. ઈસુની જેમ, હિંમતવાન બનીને આપણે શાંતિ રાખવી જોઈએ. ઈસુની જેમ આપણે યહોવાહ પર શ્રદ્ધા રાખવી જોઈએ કે તે આપણને શક્તિ આપશે ને દુશ્મનોનો બદલો લેશે.—લુક ૨૨:૪૨.
૧૯ પીતરે ઈસુની સલાહ દિલમાં ઉતારી. વર્ષો પછી તેણે લખ્યું: “ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેને પગલે ચાલો, માટે તેણે તમોને નમૂનો આપ્યો છે. તેણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહિ; દુઃખો સહન કરીને ધમકી આપી નહિ; પણ ન્યાય કરનારા ઈશ્વરને પોતાને સોંપી દીધો.” (૧ પીતર ૨:૨૧-૨૩) યહોવાહના અમુક ભક્તોને વર્ષોથી ખૂબ સતાવણી સહેવી પડી છે. પણ ઈસુ અને તેમના શિષ્યોની માફક, તેઓ દુશ્મનો સામે લડ્યા નથી. તેઓએ હિંમતથી અને શાંતિથી બધું સહન કર્યું છે. (પ્રકટીકરણ ૨:૯, ૧૦) જો આપણા પર કોઈ કસોટી આવે, તો ચાલો આપણે ઈસુની જેમ અને બીજા હિંમતવાન સાક્ષીઓની જેમ વર્તીએ.—૨ તીમોથી ૩:૧૨.
“ઈસુ ખ્રિસ્તને પહેરી લો”
૨૦-૨૨. ‘ઈસુને પહેરી લેવાનો’ અર્થ શું થાય છે? આપણે શું કરવું જોઈએ?
૨૦ પાઊલે રોમના મંડળને કહ્યું: “તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો, અને દેહને માટે, એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે, ચિંતન ન કરો.” (રૂમી ૧૩:૧૪) ‘ઈસુને પહેરી લેવાનો’ અર્થ શું થાય છે? જેમ આપણે સારા કપડાં પહેરીને દેખાવમાં સુંદર બનીએ, તેમ આપણે ઈસુ જેવા સદ્ગુણો કેળવવા જોઈએ જેથી આપણો સ્વભાવ સુંદર બને. ભલે આપણામાં પાપના ડાઘા છે, આપણે બને તેમ ઈસુની જેમ વાણી-વર્તનમાં સુંદર બનવું જોઈએ.—૧ થેસ્સાલોનીકી ૧:૬.
૨૧ ‘ઈસુને પહેરી લેવામાં’ બીજું શું આવી જાય છે? પ્રથમ તો, આપણે બાઇબલમાંથી તેમના વિષે શીખવું જોઈએ. પછી જીવનમાં તેમની જેમ વર્તવું જોઈએ. આપણે એકબીજાને પ્રેમ બતાવો જોઈએ ને નમ્ર રહેવું જોઈએ. આપણે ભૂંડા કામોની નફરત કરવી જોઈએ, ને સારા કામો કરવા પાછળ દોડવું જોઈએ. આપણે દુનિયાથી અલગ રહેવું જોઈએ. શાંતિ અને હિંમતથી સતાવણી સહેવી જોઈએ. આપણે દુનિયામાં નામ ન કમાવું જોઈએ, કે ન પોતાની ‘વાસનાઓને’ સંતોષવી જોઈએ. (રૂમી ૧૩:૧૪) દરરોજ નાના-મોટા નિર્ણયો લેતી વખતે શું આપણે મન ફાવે તેમ કરીએ છીએ? કે પછી વિચારીએ છીએ કે ‘જો ઈસુ અહીંયા હોત તો તે શું કરત?’ ચાલો આપણે બધી રીતે ઈસુના જેમ વર્તીએ.
૨૨ ઈસુની જેમ બનવા માટે, આપણે “રાજ્યની સુવાર્તા પ્રગટ” કરવી પણ જોઈએ. (માત્થી ૪:૨૩; ૧ કોરીંથી ૧૫:૫૮) જો આપણે આ બધી બાબતો બને તેમ કરીએ, તો ખરેખર આપણે ઈસુને પગલે ચાલીએ છીએ. આવતા અઠવાડિયાનો લેખ એની વધારે ચર્ચા કરશે.
તમે સમજાવી શકો છો?
• આપણે શા માટે નમ્ર રહેવું જોઈએ?
• આપણે કઈ રીતે ખરું-ખોટું પારખી શકીએ?
• ઈસુની જેમ આપણે સતાવણી સામે શું કરવું જોઈએ?
• આપણે કઈ રીતે ‘ઈસુ ખ્રિસ્તને પહેરી’ શકીએ?
[પાન ૭ પર ચિત્ર]
ઈસુએ નમ્ર રહીને આપણા માટે સારો દાખલો બેસાડ્યો
[પાન ૮ પર ચિત્ર]
ઈસુના પગલાંમાં ચાલવા માટે અને પ્રચાર કરવા માટે આપણને નમ્ર રહેવાની જરૂર છે
[પાન ૯ પર ચિત્ર]
શેતાનના ફાંદામાં ફસાઈને આપણે વિચારી શકીએ કે ‘આ ફિલ્મ એટલી ખરાબ તો નથી’
[પાન ૧૦ પર ચિત્ર]
જો આપણી વચ્ચે પ્રેમનું અતૂટ બંધન હોય, તો આપણે સતાવણી સામે હિંમતવાન બનીશું