માર્ચ—જીવન અને સેવાકાર્ય સભા પુસ્તિકા માટે સંદર્ભો
માર્ચ ૪-૧૦
બાઇબલમાં રહેલો ખજાનો | રોમનો ૧૨-૧૪
“ખ્રિસ્ત જેવો પ્રેમ બતાવો—એનો શું અર્થ થાય?”
(રોમનો ૧૨:૧૦) ભાઈઓની જેમ એકબીજા પર પ્રેમ રાખો. એકબીજાને માન આપવામાં પહેલ કરો.
it-૧-E ૫૫
ગાઢ પ્રેમ
ભાઈઓની જેમ પ્રેમ બતાવવો (ગ્રીક, ફિલાદેલ્ફિયા, મૂળ અર્થ “ભાઈ માટે હોય એવો ગાઢ પ્રેમ”). મંડળના દરેક સભ્યમાં એવો પ્રેમ હોવો જોઈએ. (રોમ ૧૨:૧૦; હિબ્રૂ ૧૩:૧; ૧પી ૩:૮ પણ જુઓ.) જેમ કુટુંબમાં હોય છે તેમ, મંડળમાં પણ દરેકનો એકબીજા સાથે સારો સંબંધ અને ગાઢ પ્રેમ હોવો જોઈએ. ભલે મંડળમાં દરેક સભ્ય એમ કરતા હોય, તોપણ અહીં કલમ ઉત્તેજન આપે છે કે હજુ વધારે પ્રેમ બતાવતા રહીએ.—૧થે ૪:૯, ૧૦.
આ કલમમાં મૂળ ગ્રીક શબ્દ ફિલોસ્ટોર્ગોસ પણ વપરાયો છે, જેનો અર્થ થાય, ‘કોઈના માટે જાગતી કોમળ લાગણી.’ એ શબ્દમાંથી નીકળેલો બીજો શબ્દ છે, સ્ટેર્ગો, જે કુટુંબીજનો વચ્ચે જોવા મળતી પ્રેમાળ લાગણીને દર્શાવવા અવારનવાર વપરાયો છે. પ્રેરિત પાઊલે ઈસુના અનુયાયીઓને અરસપરસ એવી જ લાગણી બતાવવા ઉત્તેજન આપ્યું હતું. (રોમ ૧૨:૧૦) પાઊલે એમ પણ લખ્યું હતું કે છેલ્લા દિવસોમાં લોકો મોટા ભાગે ‘પ્રેમભાવ વગરના હશે’ (ગ્રીક, એસ્ટોર્ગોઈ) અને એવા લોકો મરણની સજાને લાયક છે.—૨તિ ૩:૩; રોમ ૧:૩૧, ૩૨.
(રોમનો ૧૨:૧૭-૧૯) ભૂંડાઈનો બદલો ભૂંડાઈથી ન વાળો. બધાની નજરમાં જે સારું હોય એના પર ધ્યાન આપો. ૧૮ જો શક્ય હોય તો બધા લોકો સાથે હળીમળીને રહેવા તમારાથી બનતું બધું કરો. ૧૯ વહાલાઓ, તમે બદલો લેશો નહિ, ઈશ્વરના કોપ માટે એ છોડી દો; કેમ કે લખેલું છે: “યહોવા કહે છે, ‘વેર વાળવું એ મારું કામ છે, હું બદલો લઈશ.’”
‘સઘળા સાથે હળીમળીને રહો’
૩ રૂમી ૧૨:૧૭ વાંચો. પાઊલ સમજાવે છે કે કોઈ આપણો વિરોધ કરે ત્યારે, આપણે સામે બદલો ન લેવો જોઈએ. ખાસ કરીને કુટુંબમાં કોઈ સત્યમાં ન હોય ત્યારે, આ સલાહ પાળવી ખૂબ જરૂરી છે. દાખલા તરીકે, લગ્નસાથી સત્યમાં ન હોય અને ખરાબ વર્તન કરે તો, સત્યમાં છે તેણે સારું વર્તન રાખવું જોઈએ. ‘ભૂંડાઈને બદલે ભૂંડું કરવાથી’ કંઈ સારું થતું નથી, પણ વાત વધારે બગડે છે.
‘જેવા સાથે તેવા’ ન થાવ
૧૨ ઈશ્વરના ભક્તોએ બધા સાથે સારી રીતે વર્તવું જોઈએ. પાઊલે કહ્યું હતું કે “જે ભૂંડું છે તેને ધિક્કારો.” બૂરાઈને સખત નફરત કરો. જો આપણે બૂરાઈને નફરત કરતા હોઈશું તો ‘જેવા સાથે તેવા’ નહિ થઈએ. પછી ભલેને કોઈ વ્યક્તિ યહોવાહને ભજે કે ના ભજે, ભલે એ ગમે એટલી ખરાબ હોય. એ ‘ઢોંગ વગરનો પ્રેમ’ કહેવાય. એટલે જ પછી પાઊલે કહ્યું કે “ભૂંડાઈને બદલે ભૂંડું ન કરો. સઘળાં માણસોની નજરમાં જે શોભે છે, તે કરવાને કાળજી રાખો.” (રૂમી ૧૨:૯, ૧૭) આપણે કઈ રીતે એમ કરી શકીએ?
૧૩ પાઊલે કોરીંથના ભાઈ-બહેનોને પણ પત્ર લખ્યો. ઈશ્વરભક્તોએ કેવી કેવી તકલીફો સહી, એ તેમણે જણાવ્યું: ‘અમે જગતની, દૂતોની તથા માણસોની નજરે જાણે તમાશાના જેવા થયા છીએ. અપમાન થયેલા છતાં અમે આશીર્વાદ આપીએ છીએ; સતાવણી પામ્યા છતાં સહન કરીએ છીએ; બદનામ થયેલા છતાં આજીજી કરીએ છીએ.’ (૧ કોરીંથી ૪:૯-૧૩) આજે બધાની નજર આપણા પર છે. ભલે અન્યાય થાય, અપમાન થાય, આપણે સહન કરી લઈએ. એ જોઈને કદાચ લોકો યહોવાહ વિષે સાંભળવા તૈયાર થાય પણ ખરા.—૧ પીતર ૨:૧૨.
(રોમનો ૧૨:૨૦, ૨૧) પરંતુ, “જો તારો દુશ્મન ભૂખ્યો હોય તો તેને ખવડાવ; જો તરસ્યો હોય તો તેને કંઈક પીવા આપ; કેમ કે આમ કરીને તું તેના માથા પર ધગધગતા અંગારાનો ઢગલો કરીશ.” ૨૧ ભૂંડાઈ સામે હારી ન જાઓ, પણ સારાથી ભૂંડાઈ પર જીત મેળવતા રહો.
એકબીજાને દિલથી માફ કરો
૧૩ કોઈ વાર એવું બને કે યહોવાને ન ભજતી કોઈ વ્યક્તિ આપણી સાથે ખરાબ રીતે વર્તે. એવા સંજોગોમાં, કદાચ તમે વ્યક્તિને બાઇબલનાં શિક્ષણમાં રસ કેળવવા મદદ કરી શકો. પ્રેરિત પાઊલે લખ્યું: “જો તારો વૈરી ભૂખ્યો હોય તો તેને ખવાડ; જો તરસ્યો હોય તો તેને પાણી પા; કેમ કે એવું કરવાથી તું તેના માથા ઉપર ધગધગતા અંગારાના ઢગલા કરીશ. ભૂંડાથી તું હારી ન જા, પણ સારાથી ભૂંડાનો પરાજય કર.” (રોમ. ૧૨:૨૦, ૨૧) વ્યક્તિના ગુસ્સા સામે મીઠાશથી વર્તીશું તો, તેનો કડક સ્વભાવ પણ નરમ થશે અને તેના સારા ગુણો બહાર આવશે. ખોટું લગાડનાર પ્રત્યે સમજદારી, હમદર્દી અને દયાથી વર્તીશું તો, તેને બાઇબલમાંથી યહોવા વિશે શીખવી શકીશું. ભલે કોઈ પણ સંજોગો હોય, નમ્ર રીતે વર્તીશું તો વ્યક્તિને આપણા સારા વર્તન વિશે વિચારવાની તક મળશે.—૧ પીતર ૨:૧૨; ૩:૧૬.
કીમતી રત્નો શોધીએ
(રોમનો ૧ ૨ :૧) તેથી ભાઈઓ, ઈશ્વરની કરુણાથી હું તમને વિનંતી કરું છું કે પોતાના શરીરોનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ હોય એવું અર્પણ કરો; આમ, તમે પોતાની સમજ-શક્તિથી ઈશ્વરની પવિત્ર સેવા કરી શકશો.
સારું મનોરંજન કેવી રીતે પસંદ કરશો?
૫ કોઈ વ્યક્તિ જે કંઈ કરે એની અસર યહોવાની ભક્તિ પર પડે છે. આ હકીકત રોમના ભાઈ-બહેનોના દિલમાં ઉતારવા પાઉલે લખ્યું હતું કે ‘તમે તમારાં શરીરોનું જીવતું, પવિત્ર અને ઈશ્વરને પસંદ પડે એવું અર્પણ કરો; એ તમારી બુદ્ધિપૂર્વકની સેવા છે.’ (રોમનો ૧૨:૧) અહીં શરીરમાં દિલ, દિમાગ અને શક્તિ બધું જ આવી જાય છે, જે આપણે યહોવાની ભક્તિમાં વાપરીએ છીએ. (માર્ક ૧૨:૩૦) તન-મનથી કરેલી આવી ભક્તિને પાઉલ અર્પણ સાથે સરખાવે છે. અહીં “અર્પણ” શબ્દ પાછળ ચેતવણી પણ રહેલી છે. કઈ રીતે? એ સમયનો વિચાર કરો જ્યારે ખુદ યહોવાએ મૂસા દ્વારા અર્પણ વિષે નિયમો આપ્યા હતા. એ નિયમો પ્રમાણે જો અર્પણમાં કોઈ ખોડ હોય તો યહોવા એને સ્વીકારતા નહિ. (લેવીય ૨૨:૧૮-૨૦) એ જ રીતે, જો આપણે એવાં કામો કરીશું જેને યહોવા નફરત કરે છે, તો આપણી ભક્તિ ફોગટ જશે. યહોવા એવી ભક્તિ કદી નહિ સ્વીકારે. ચાલો એ વિષે વધારે જોઈએ.
૬ પાઉલે રોમના ભાઈ-બહેનોને લખેલા પત્રમાં ચેતવણી આપી કે ‘તમારાં અંગો પાપને ન સોંપો.’ તેમણે એમ પણ કહ્યું કે “શરીરનાં કામોને મારી નાખો.” (રોમનો ૬:૧૨-૧૪; ૮:૧૩) પાઉલે ‘શરીરનાં કામો’ વિષે અગાઉ અમુક ઉદાહરણો આપ્યાં હતાં. તેમણે પાપી મનુષ્યો વિષે કહ્યું કે ‘તેઓનું મોં શાપથી ભરેલું છે.’ “તેઓના પગ રક્ત વહેવડાવવામાં ઉતાવળા છે.” “તેઓની આંખ આગળ ઈશ્વરનું ભય નથી.” (રોમનો ૩:૧૩-૧૮) આજે પણ જો યહોવાનો કોઈ ભક્ત આવાં કામો કરવા પોતાનાં ‘અંગ’ વાપરે, તો તે પોતાના શરીરને ભ્રષ્ટ કરે છે. દાખલા તરીકે, જો કોઈ જાણીજોઈને અશ્લીલતા કે મારફાડ બતાવતી ફિલ્મો અથવા કાર્યક્રમો જુએ, તો તે ‘પોતાની આંખ પાપને સોંપે’ છે. પછી, યહોવાની ભક્તિમાં તે જે કંઈ કરે, એ ખોડવાળા અર્પણ જેવું બની જાય છે. એવી ભક્તિ યહોવા સ્વીકારતા નથી. (પુનર્નિયમ ૧૫:૨૧; ૧ પિતર ૧:૧૪-૧૬; ૨ પિતર ૩:૧૧) યોગ્ય મનોરંજન પસંદ ન કરવાની તેણે કેવી ભારે કિંમત ચૂકવવી પડે છે!
(રોમનો ૧૩:૧) દરેક માણસ ઉચ્ચ અધિકારીઓને આધીન રહે, કેમ કે ઈશ્વર તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી. હમણાંના અધિકારીઓને ઈશ્વરે તેઓના સ્થાને રહેવા દીધા છે.
રૂમીઓને પત્રના મુખ્ય વિચારો
૧૩:૧—કયા અર્થમાં ઈશ્વરે ‘ઉચ્ચ અધિકારીઓને તેઓના સ્થાને રહેવા દીધા છે?’ યહોવાહ, અધિકારીઓને તેના સ્થાને બેસાડે છે. દુન્યવી શાસકો માત્ર પરમેશ્વરની પરવાનગીથી જ અસ્તિત્વ ધરાવે છે. ઘણાં કિસ્સાઓમાં, યહોવાહે માનવી શાસકો વિષે અગાઉથી ભવિષ્યવાણી કરી હતી. એ ભવિષ્યવાણી બાઇબલમાં જોવા મળે છે.
બાઇબલ વાંચન
માર્ચ ૧૧-૧૭
બાઇબલમાં રહેલો ખજાનો | રોમનો ૧૫-૧૬
“ધીરજ અને દિલાસો મેળવવા યહોવા તરફ મીટ માંડીએ”
(રોમનો ૧૫:૪) કેમ કે જે કંઈ અગાઉ લખવામાં આવ્યું હતું, એ આપણા શિક્ષણને માટે લખવામાં આવ્યું હતું. પવિત્ર શાસ્ત્ર આપણને ધીરજ રાખવા મદદ કરે છે અને દિલાસો આપે છે, જેથી આપણને આશા મળે.
“રડનારાઓની સાથે રડો”
૧૧ લાજરસના મૃત્યુથી ઈસુને ખૂબ દુઃખ થયું હતું. જોકે, એ અહેવાલથી આપણને દિલાસો મળે છે. બાઇબલમાં એવા અનેક અહેવાલો છે. એમાં કોઈ નવાઈ નથી, કે “જે કંઈ અગાઉ લખવામાં આવ્યું હતું, એ આપણા શિક્ષણને માટે લખવામાં આવ્યું હતું. પવિત્ર શાસ્ત્ર આપણને ધીરજ રાખવા મદદ કરે છે અને દિલાસો આપે છે, જેથી આપણને આશા મળે.” (રોમ. ૧૫:૪) જો તમે પણ શોકમાં હો, તો તમને પણ આ કલમોમાંથી દિલાસો મળી શકે છે:
▪ ‘આશાભંગ થએલાઓની પાસે યહોવા છે, અને ભાંગી પડેલાઓને તે તારે છે.’—ગીત. ૩૪:૧૮, ૧૯.
▪ ‘મારા અંતરમાં પુષ્કળ ચિંતા થાય છે ત્યારે તારા [યહોવાના] દિલાસાઓ મને ખુશ કરે છે.’—ગીત. ૯૪:૧૯.
▪ “ઈશ્વર આપણા પિતા આપણને પ્રેમ કરે છે અને અપાર કૃપા દ્વારા હંમેશ માટેનો દિલાસો અને અદ્ભુત આશા આપે છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે તે અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે તમારા હૃદયોને દિલાસો આપે અને તમને દૃઢ કરે.”—૨ થેસ્સા. ૨:૧૬, ૧૭.
(રોમનો ૧૫:૫) ધીરજ અને દિલાસો આપનાર ઈશ્વર, તમને બધાને ખ્રિસ્ત ઈસુ જેવું મન રાખવા મદદ કરે.
“ધીરજને પોતાનું કામ પૂરેપૂરું કરવા દો”
૫ યહોવા પાસે સહનશક્તિ માંગો. યહોવા ‘ધીરજ તથા દિલાસો આપનાર’ છે. (રોમ. ૧૫:૬) ફક્ત તે જ આપણાં સંજોગો, લાગણીઓ અને આપણો ઉછેર પૂરેપૂરી રીતે સમજે છે. તેથી, તેમને બરોબર ખબર છે કે ધીરજથી સહન કરવા આપણને શાની જરૂર છે. બાઇબલ જણાવે છે કે, ‘યહોવા પોતાના ભક્તોની ઇચ્છા તૃપ્ત કરે છે; તેઓનો પોકાર પણ સાંભળે છે અને તેઓને તારે છે.’ (ગીત. ૧૪૫:૧૯) પરંતુ, સહનશક્તિ માટે કરેલી પ્રાર્થનાનો જવાબ યહોવા કઈ રીતે આપશે?
(રોમનો ૧૫:૧૩) તમે તેમના પર ભરોસો રાખ્યો છે, એટલે આશા આપનાર ઈશ્વર તમને પુષ્કળ આનંદ અને શાંતિથી ભરપૂર કરે, જેથી પવિત્ર શક્તિ દ્વારા તમારી આશા વધતી ને વધતી જાય.
‘યહોવા તારા ઈશ્વર પર પ્રેમ કર’
૧૧ યહોવાએ આપણને ‘આનંદ અને શાંતિથી’ ભરી દેતી આશા આપી છે. (રોમ. ૧૫:૧૩) એ આશાને લીધે વિશ્વાસની કસોટીમાં ટકી રહેવું શક્ય બને છે. અભિષિક્તો જ્યારે ‘મરણ સુધી વિશ્વાસુ રહે છે ત્યારે તેઓને સ્વર્ગમાં જીવનનો મુગટ’ મળે છે. (પ્રકટી. ૨:૧૦) પૃથ્વીની આશા રાખનારા ભક્તો પણ અંત સુધી વફાદાર રહેશે તો, સુંદર ધરતી પર કાયમ જીવવાનો આનંદ માણશે. (લુક ૨૩:૪૩) એવા ભાવિ વિશે તમને કેવું લાગે છે? સાચે જ, આપણને ખુશી અને શાંતિ મળે છે. તેમ જ, ‘દરેક ઉત્તમ અને સંપૂર્ણ દાન’ આપનાર ઈશ્વર માટે આપણું દિલ પ્રેમથી ઊભરાય છે.—યાકૂ. ૧:૧૭.
કીમતી રત્નો શોધીએ
(રોમનો ૧૫:૨૭) હા, તેઓ એમ કરવા રાજી છે; ખરું જોતાં, તેઓ પવિત્ર જનોના દેવાદાર છે, કેમ કે જો ઈશ્વર પાસેથી મળેલી વસ્તુઓમાં પવિત્ર જનોએ તેઓને ભાગીદાર બનાવ્યા છે, તો તેઓની પણ ફરજ છે કે પોતાની વસ્તુઓથી પવિત્ર જનોની સેવા કરે.
w૮૯-E ૧૨/૧ ૨૪ ¶૩
‘તમારો પ્રેમ ખરો છે કે નહિ એની કસોટી’
તેઓને દુઃખી જોઈને બિનયહુદીમાંથી ખ્રિસ્તી બનેલાં ભાઈ-બહેનોએ મદદ કરવા આગળ આવવાની જરૂર હતી. અને કેમ નહિ, આખરે યરૂશાલેમનાં ખ્રિસ્તી ભાઈ-બહેનોનું તેઓ પર જાણે એક ખાસ ‘દેવું’ હતું. કયું? જરા યાદ કરો, આ બિનયહુદી ખ્રિસ્તીઓને જીવનનો સંદેશો કોણે આપેલો? યરૂશાલેમનાં ભાઈ-બહેનોએ. તેથી જ પાઊલ લખે છે, “ખરું જોતાં, તેઓ પવિત્ર જનોના દેવાદાર છે, કેમ કે જો ઈશ્વર પાસેથી મળેલી વસ્તુઓમાં પવિત્ર જનોએ તેઓને ભાગીદાર બનાવ્યા છે, તો તેઓની પણ ફરજ છે કે પોતાની વસ્તુઓથી પવિત્ર જનોની સેવા કરે.”—રોમનો ૧૫:૨૭.
(રોમનો ૧૬:૨૫) હું જાહેર કરું છું એ ખુશખબર અને ઈસુ ખ્રિસ્ત વિશેનો સંદેશો બતાવે છે કે ઈશ્વર તમને દૃઢ કરી શકે છે. ઈશ્વરે જે પવિત્ર રહસ્ય જાહેર કર્યું, એના વિશે આ ખુશખબર છે. આ રહસ્ય ઘણા લાંબા સમયથી ગુપ્ત રાખવામાં આવ્યું હતું
it-૧-E ૮૫૮ ¶૫
અગાઉથી જાણ હોય એવું, અગાઉથી નક્કી કરી રાખેલું
મસીહ અથવા ખ્રિસ્ત એ જ સંતાન હતા, જેમના વિશે વચન આપવામાં આવ્યું હતું. તેમના દ્વારા જ પૃથ્વી પર મનુષ્ય કુટુંબોમાં દરેક નેક વ્યક્તિને આશીર્વાદ મળવાનો હતો. (ગલા ૩:૮, ૧૪) એ “સંતાન” વિશે સૌપ્રથમ ઉલ્લેખ એદન બાગમાં થયેલ બંડ પછી અને હાબેલના જન્મ પહેલાં જોવા મળે છે. (ઉત ૩:૧૫) મસીહી “સંતાન”ની સ્પષ્ટ ઓળખ દ્વારા “પવિત્ર રહસ્ય” ખુલ્યું, એના આશરે ૪,૦૦૦ વર્ષ પહેલાં એ ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. આ અર્થમાં એને “ઘણા લાંબા સમયથી ગુપ્ત રાખવામાં આવ્યું હતું.”—રોમ ૧૬:૨૫-૨૭; એફે ૧:૮-૧૦; ૩:૪-૧૧.
બાઇબલ વાંચન
માર્ચ ૧૮-૨૪
બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કોરીંથીઓ ૧-૩
“શું તમે દુનિયાની સંગે ચાલો છો કે ઈશ્વરની દોરવણી પ્રમાણે?”
(૧ કોરીંથીઓ ૨:૧૪) પરંતુ, દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ ઈશ્વરની શક્તિ દ્વારા આવતી વાતોનો સ્વીકાર કરતો નથી, કેમ કે એ તેના માટે મૂર્ખતા છે; અને એ વાતોને તે સમજી શકતો નથી, કેમ કે પવિત્ર શક્તિની મદદથી જ એ પારખી શકાય છે.
ઈશ્વરની શક્તિથી દોરવાયેલા—એનો શો અર્થ થાય?
૪ દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ કેવો હોય છે? એવો માણસ દુનિયાનું વલણ અપનાવે છે. દુનિયાના વલણનો મુખ્ય ભાગ તો સ્વાર્થી ઇચ્છાઓ છે. પાઊલે જણાવ્યું કે, “આજ્ઞા ન માનનારાઓમાં આ વલણની અસર દેખાઈ આવે છે.” (એફે. ૨:૨) આવા વલણને લીધે લોકો પોતાની આસપાસના લોકોને અનુસરવા લાગે છે. તેઓને ઈશ્વરનાં ધોરણોની જરાય પડી નથી, તેઓમાંના ઘણા તો બસ પોતાના મનનું કહ્યું કરે છે. દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ ફક્ત દુનિયાની વાતો પર ધ્યાન આપે છે. તેને લાગે છે કે બીજા કશાય કરતાં પોતાનો હોદ્દો, પૈસા કે પોતાનો હક સૌથી વધારે મહત્ત્વનો છે.
૫ દુનિયાના વિચારો પ્રમાણે જીવનાર માણસ એવાં કામો કરે છે, જેને બાઇબલ “શરીરનાં કામો” કહે છે. (ગલા. ૫:૧૯-૨૧) કોરીંથના પહેલા પત્રમાં પાઊલે એવી બીજી બાબતો પણ જણાવી છે, જે દુનિયાના લોકોમાં જોવા મળે છે. મતભેદો ઊભા થાય ત્યારે તેઓ કોઈ એકનો પક્ષ લે છે, લોકોમાં ભાગલા પાડે છે, લોકોને બંડ પોકારવા ઉશ્કેરે છે, એકબીજાને અદાલતમાં ઘસડી જાય છે, કુટુંબના શિરને માન આપતા નથી અને ખાવા-પીવાને વધારે પડતું મહત્ત્વ આપે છે. એવી વ્યક્તિ કોઈ લાલચ આવે ત્યારે એ ટાળી શકતી નથી. (નીતિ. ૭:૨૧, ૨૨) યહુદાએ જણાવ્યું હતું કે, એવા લોકો પર દુનિયાનું વલણ પકડ જમાવી દેશે. પરિણામે, તેઓ ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલશે નહિ.—યહુ. ૧૮, ૧૯.
(૧ કોરીંથીઓ ૨:૧૫, ૧૬) જોકે, ઈશ્વરની શક્તિથી દોરવાયેલો માણસ બધું પારખે છે, પણ એ માણસની પરખ બીજો કોઈ માણસ કરી શકતો નથી. ૧૬ પવિત્ર લખાણો કહે છે: “યહોવાનું મન કોણ જાણી શક્યું છે કે કોઈ તેમને સલાહ આપે?” પણ, આપણી પાસે તો ખ્રિસ્ત ઈસુનું મન છે.
ઈશ્વરની શક્તિથી દોરવાયેલા—એનો શો અર્થ થાય?
૬ એનાથી તદ્દન વિરુદ્ધ, ઈશ્વરની શક્તિથી દોરવાયેલો માણસ ઈશ્વર સાથેની પોતાની મિત્રતાને મહત્ત્વની ગણે છે. તે ઈશ્વરની દોરવણી પ્રમાણે ચાલે છે. ઉપરાંત, તે યહોવાનું અનુકરણ કરે છે. (એફે. ૫:૧) યહોવાની જેમ વિચારવાની અને બાબતોને યહોવાની નજરે જોવાની તે કોશિશ કરે છે. તે ઈશ્વર સાથે પાકી મિત્રતા કેળવે છે. ઈશ્વરની શક્તિથી દોરવાયેલો માણસ જીવનના દરેક પાસામાં યહોવાનાં ધોરણો લાગુ પાડવાની કોશિશ કરે છે. (ગીત. ૧૧૯:૩૩; ૧૪૩:૧૦) તે “શરીરનાં કામો” કરતો નથી, પણ તે “પવિત્ર શક્તિથી ઉત્પન્ન થતા ગુણ” કેળવવાનો પ્રયાસ કરે છે. (ગલા. ૫:૨૨, ૨૩) ઈશ્વરની બાબતો પર ધ્યાન આપનાર ઈશ્વરની શક્તિથી દોરવાયેલો માણસ ગણાય છે.
ઈશ્વરની શક્તિથી દોરવાયેલા—એનો શો અર્થ થાય?
૧૫ આપણે કઈ રીતે ખ્રિસ્તને અનુસરી શકીએ? ૧ કોરીંથીઓ ૨:૧૬ જણાવે છે કે આપણે “ખ્રિસ્તનું મન” રાખવું જોઈએ. રોમનો ૧૫:૫માં આપણને બધાને “ખ્રિસ્ત ઈસુ જેવું મન” કેળવવાનું યાદ અપાવવામાં આવ્યું છે. ઈસુ જેવા બનવા આપણે તેમની જેમ વિચારવાનું, અનુભવવાનું અને વર્તવાનું શીખવું જોઈએ. ઈસુએ યહોવા સાથેના પોતાના સંબંધને સૌથી મહત્ત્વનો ગણ્યો. તેથી, ઈસુનું અનુકરણ કરીને આપણે યહોવાને અનુસરી શકીએ છીએ. એટલા જ માટે, ઈસુના વિચારો કેળવવાનું શીખીએ, એ ઘણું જ મહત્ત્વનું છે.
કીમતી રત્નો શોધીએ
(૧ કોરીંથીઓ ૧:૨૦) આ દુનિયાના બુદ્ધિશાળી માણસો ક્યાં છે? શાસ્ત્રીઓ ક્યાં છે? દલીલો કરનારા ક્યાં છે? શું ઈશ્વરે બતાવી આપ્યું નથી કે આ દુનિયાનું ડહાપણ મૂર્ખતા છે?
it-૨-E ૧૧૯૩ ¶૧
ડહાપણ
ઈશ્વરે ખ્રિસ્ત દ્વારા જે જોગવાઈ કરી, એનો બુદ્ધિશાળી ગણાતી દુનિયાએ નકાર કર્યો. ભલે દુનિયાના શાસકો કાબેલ અને સમજદાર ગણાતા હતા, તેઓએ ‘મહિમાવંત પ્રભુને વધસ્તંભે ચઢાવીને મારી નાંખ્યા’ અને આમ તેઓએ ઈશ્વરની જોગવાઈને મૂર્ખતા ગણી. (૧કો ૧:૧૮; ૨:૭, ૮) પરંતુ ઈશ્વરે જવાબમાં સાબિત કરી આપ્યું કે તેઓની બુદ્ધિ, તેઓનું ડહાપણ નરી મૂર્ખતા છે. ‘લોકો જેને ઈશ્વરની મૂર્ખતા ગણતા હતા’ એનો ઉપયોગ કરીને ઈશ્વરે જગતના જ્ઞાનીઓને શરમાવી નાખ્યા છે. એટલું જ નહિ, પણ જેઓને તેઓ ‘મૂર્ખ, નબળા અને હલકી જાતના’ ગણતા હતા તેઓને ઈશ્વરે પોતાના મહત્ત્વના હેતુને પૂરો કરવા માટે પસંદ કર્યા. (૧કો ૧:૧૯-૨૮) પાઊલે કોરીંથના ખ્રિસ્તીઓને યાદ અપાવ્યું કે ‘આ દુનિયાના ડહાપણ અને આ દુનિયાના શાસકોના ડહાપણનો’ નાશ થવાનો છે. એટલે આવું ડહાપણ ઈશ્વરના એ સંદેશાનો ભાગ ન હતું, જે પાઊલે જણાવ્યો હતો. (૧કો ૨:૬, ૧૩) તેમણે કોલોસીના ખ્રિસ્તીઓને ચેતવ્યા કે આવા ડહાપણના ફાંદામાં ન પડે. તેમણે લખ્યું, “કોઈ તમને ફિલસૂફી [ફિલોસોફિયાસ, મૂળ, જ્ઞાન માટેનો પ્રેમ] અને છેતરામણી વાતોથી ફસાવે નહિ. એ તો માણસોની માન્યતાઓ અને દુનિયાનાં પાયારૂપી ધોરણો પ્રમાણે છે.”—કોલો ૨:૮; કલમો ૨૦-૨૩ સરખાવો.
(૧ કોરીંથીઓ ૨:૩-૫) હું તમારી પાસે કમજોર હાલતમાં, ડર અને ઘણી કંપારી સાથે આવ્યો; ૪ મેં તમને ડહાપણની વાતોથી આકર્ષવાની કોશિશ કરી ન હતી, પણ મારી વાત અને મારો પ્રચાર તો પવિત્ર શક્તિ અને સામર્થ્યની સાબિતી આપતા હતા, ૫ જેથી તમારી શ્રદ્ધા મનુષ્યના ડહાપણ પર નહિ, પણ ઈશ્વરના સામર્થ્ય પર હોય.
કોરીંથીઓને પત્રોના મુખ્ય વિચારો
૨:૩-૫. કોરીંથ શહેર વિદ્વાનો અને ફિલસૂફોનું શહેર હતું. પાઊલને થયું હશે કે તેઓને સત્ય સમજાવી શકાશે કે કેમ. તોપણ કોઈ નબળાઈ કે ડરના ગુલામ થયા વગર તેમણે હિંમતથી પ્રચાર કર્યો. આપણે પણ પ્રચાર કરતા ગભરાવું ન જોઈએ. પાઊલની જેમ યહોવાહ પાસેથી મદદ માગવી જોઈએ.
બાઇબલ વાંચન
માર્ચ ૨૫-૩૧
બાઇબલમાં રહેલો ખજાનો | ૧ કોરીંથીઓ ૪-૬
“થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે”
(૧ કોરીંથીઓ ૫:૧, ૨) મને સાચે જ એવી ખબર મળી છે કે તમારામાં વ્યભિચાર થાય છે. એ પણ એવો વ્યભિચાર જે દુનિયાના લોકોમાં થતો નથી; એટલે કે, તમારામાંથી કોઈ માણસે પોતાની સાવકી માને રાખી છે. ૨ શું તમને એનો ગર્વ થાય છે? એના બદલે, શું તમારે શોક ન કરવો જોઈએ અને જે માણસે આવું કામ કર્યું છે, તેને તમારી વચ્ચેથી દૂર ન કરવો જોઈએ?
(૧ કોરીંથીઓ ૫:૫-૮) ત્યારે તમે એવા માણસને નાશ માટે શેતાનના હાથમાં સોંપી દો, જેથી પ્રભુના દિવસે મંડળનું યોગ્ય વલણ જળવાઈ રહે. ૬ તમારો ગર્વ ખોટો છે. શું તમે નથી જાણતા કે થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે? ૭ જૂના ખમીરને દૂર કરો, જેથી તમે નવો બાંધેલો લોટ બની શકો. ખરું જોતાં તમે ખમીર વગરના છો જ, કેમ કે ખ્રિસ્ત જે આપણા પાસ્ખાનું ઘેટું છે, તેમનું બલિદાન સાચે જ અપાઈ ગયું છે. ૮ તેથી, ચાલો આપણે તહેવાર ઊજવીએ, પણ જૂના ખમીરથી નહિ અથવા બૂરાઈ અને દુષ્ટતાના ખમીરથી નહિ; પરંતુ, ખરા ભાવ અને સત્યની બેખમીર રોટલીથી ઊજવીએ.
(૧ કોરીંથીઓ ૫:૧૩) મંડળની બહારના લોકોનો ન્યાય શું ઈશ્વર નથી કરતા? પવિત્ર લખાણો કહે છે: “તમારી વચ્ચેથી દુષ્ટ માણસને દૂર કરો.”
it-૨-E ૨૩૦
ખમીર
પ્રેરિત પાઊલે એક વ્યભિચારી માણસને બહિષ્કૃત કરવા કોરીંથ મંડળના ખ્રિસ્તીઓને આજ્ઞા આપી ત્યારે, એ સમજાવવા ખમીરનો દાખલો આપ્યો હતો. તેમણે લખ્યું: “શું તમે નથી જાણતા કે થોડું ખમીર બાંધેલા આખા લોટને ફુલાવે છે? જૂના ખમીરને દૂર કરો, જેથી તમે નવો બાંધેલો લોટ બની શકો. ખરું જોતાં તમે ખમીર વગરના છો જ, કેમ કે ખ્રિસ્ત જે આપણા પાસ્ખાનું ઘેટું છે, તેમનું બલિદાન સાચે જ અપાઈ ગયું છે.” અહીં ખમીરનો અર્થ સ્પષ્ટ રીતે સમજાવતા તેમણે કહ્યું: “તેથી, ચાલો આપણે તહેવાર ઊજવીએ, પણ જૂના ખમીરથી નહિ અથવા બૂરાઈ અને દુષ્ટતાના ખમીરથી નહિ; પરંતુ, ખરા ભાવ અને સત્યની બેખમીર રોટલીથી ઊજવીએ.” (૧કો ૫:૬-૮) પાસ્ખાપર્વ પછી તરત ઊજવાતા બેખમીર રોટલીના યહુદી પર્વનું ચિત્ર ઊભું કરીને પાઊલ અહીંયા બોધપાઠ આપી રહ્યા હતા. જરાક અમથું ખમીર આખા લોટને ફુલાવી દે છે, ખમીરવાળું કરી દે છે. એ જ રીતે, મંડળમાં એક પણ ખરાબ વ્યક્તિને ચલાવી લેવાથી એની સંગતમાં આખું મંડળ ખરાબ કામોમાં સપડાઈ શકે ને યહોવાની નજરે અશુદ્ધ બની જઈ શકે. તેથી, જેમ ઇઝરાયેલીઓ પર્વ દરમિયાન ઘરમાંથી ખમીર દૂર કરતા હતા, તેમ તેઓએ “ખમીર” જેવી અસર કરનારને પોતાની વચ્ચેથી દૂર કરવા યોગ્ય પગલાં ભરવાનાં હતાં.
it-૨-E ૮૬૯-૮૭૦
શેતાન
વ્યક્તિને ‘નાશ માટે શેતાનના હાથમાં સોંપી દેવાનો’ શો અર્થ થાય?
કોરીંથ મંડળમાં એક સભ્ય પોતાની સાવકી મા જોડે સંબંધ બાંધીને અધમ વ્યભિચારનું પાપ કરી રહ્યો હતો. પાઊલે તેની સામે પગલાં ભરવા કહ્યું અને લખ્યું: “એવા માણસને નાશ માટે શેતાનના હાથમાં સોંપી દો.” (૧કો ૫:૫) એ માણસને મંડળમાંથી કાઢી મૂકવાની આજ્ઞા હતી. તેની સાથે કોઈ પ્રકારનો વ્યવહાર રાખવાનો ન હતો. (૧કો ૫:૧૩) તેને આ જગતના દેવ અને શાસક શેતાનના હાથમાં સોંપી દેવાનો હતો, એ માટે તેને મંડળમાંથી બહાર કાઢી મૂકવાનો હતો. એ માણસ લોટના આખા લોંદામાં જરાક અમથા “ખમીર” જેવો હતો. ઈશ્વરની દિલથી શુદ્ધ ભક્તિ કરનાર મંડળ આવા વ્યભિચારી માણસને પોતાની વચ્ચેથી દૂર કરીને જાણે ભ્રષ્ટ અસર દૂર કરતું હતું. (૧કો ૫:૬, ૭) પાઊલે એ જ અર્થમાં હુમનાયસ અને એલેકઝાંડરને શેતાનના હાથમાં સોંપી દીધા હતા, કેમ કે તેઓએ શ્રદ્ધા અને સારા અંતઃકરણને બાજુ પર મૂકી દીધા હતા, જેના લીધે તેઓની શ્રદ્ધાનું વહાણ ભાંગી પડ્યું હતું.—૧તિ ૧:૨૦.
(૧ કોરીંથીઓ ૫:૯-૧૧) મેં મારા પત્રમાં તમને લખ્યું હતું કે વ્યભિચારી લોકો સાથે હળવા-મળવાનું બંધ કરો. ૧૦ એનો મતલબ એ નથી કે આ દુનિયાના વ્યભિચારી કે લોભી કે જોરજુલમથી પૈસા પડાવનાર કે મૂર્તિપૂજક સાથે જરાય હળો-મળો નહિ; નહિતર, તમારે દુનિયા છોડી દેવી પડે. ૧૧ પરંતુ, હવે હું તમને લખું છું કે જો કોઈ ભાઈ વ્યભિચારી કે લોભી કે મૂર્તિપૂજક કે અપમાન કરનાર કે દારૂડિયો કે જોરજુલમથી પૈસા પડાવનાર હોય, તો તેની સાથે હળવા-મળવાનું બંધ કરો; અરે, એવા માણસ સાથે ખાવું પણ નહિ.
lv ૨૩૭-૨૩૮
બહિષ્કૃત થયેલાઓ સાથે કઈ રીતે વર્તવું?
કોઈ વાર મંડળના અમુક ભાઈ કે બહેન સાથે બિલકુલ સોબત ન રાખવાનું આપણને કહેવામાં આવે છે. એનાં અનેક કારણો હોઈ શકે. જેમ કે, એ વ્યક્તિએ ઈશ્વરની કોઈ આજ્ઞા તોડી હોય અને એનો કોઈ પસ્તાવો પણ કરતી ન હોય. અથવા તે જૂઠી માન્યતાઓ શીખવીને યહોવાનો વિરોધ કરતી હોય. એમ પણ બને કે તે વ્યક્તિ પોતાની મરજીથી મંડળમાં રહેવા માગતી ન હોય. બાઇબલ સ્પષ્ટ જણાવે છે કે “એવાની સોબત તમારે કરવી નહિ.” (૧ કરિંથી ૫:૧૧-૧૩; ૨ યોહાન ૯-૧૧) બીજું, પાપ કરનારની સંગત ન રાખવાથી આપણું પોતાનું અને મંડળનું રક્ષણ થાય છે. એવી વ્યક્તિના ખરાબ વલણની અસર બધા પર પડતી નથી અને મંડળનું નામ બદનામ થતું નથી. (૧ કરિંથી ૫:૬) વ્યક્તિને બહિષ્કૃત કરવાથી તેને ‘ભાનમાં’ આવવા મદદ મળે કે પસ્તાવો કરીને તે યહોવા તરફ પાછા ફરવા પગલાં ભરે.—લૂક ૧૫:૧૭, IBSI.
▸ પ્રકરણ ૩, ફકરો ૧૯
કીમતી રત્નો શોધીએ
(૧ કોરીંથીઓ ૪:૯) મને એવું લાગે છે કે અમને પ્રેરિતોને જાહેર પ્રદર્શન માટે ઈશ્વરે છેલ્લા રાખ્યા છે, કેમ કે અમે મોતની સજા પામેલા માણસો જેવા છીએ; દુનિયા, દૂતો અને મનુષ્યોની નજરમાં અમે તમાશારૂપ બન્યા છીએ.
“સેવા કરનારા” સ્વર્ગદૂતો
૧૬ કસોટીમાં આપણે ‘દૂતોની તથા માણસોની નજરે તમાશાના જેવા થઈએ છીએ.’ (૧ કોરીં. ૪:૯) આપણે યહોવાહને વળગી રહીએ ત્યારે, દૂતોને ઘણો જ સંતોષ થાય છે. કોઈ પાપી પસ્તાવો કરે ત્યારે, દૂતોમાં આનંદ થાય છે. (લુક ૧૫:૧૦) દૂતો મંડળની બહેનોના વાણી-વર્તન પણ જુએ છે. બાઇબલ કહે છે કે “દૂતોને લીધે પણ સ્ત્રીએ પોતાનું માથું ઢાંકવું જોઈએ.” (૧ કોરીંથી ૧૧:૩, ૧૦, કોમન લેંગ્વેજ) એ રીતે બધાય ભક્તો યહોવાહને આધીન રહે છે, એ જોઈને દૂતો ઘણા ખુશ થાય છે. તેઓ માટે એ સારો દાખલો છે.
(૧ કોરીંથીઓ ૬:૩) શું તમે જાણતા નથી કે આપણે દૂતોનો ન્યાય કરીશું? તો પછી, આ જીવનની વાતોનો ન્યાય કેમ નહિ?
it-૨-E ૨૧૧
નિયમ
દૂતો માટેનો નિયમ: દૂતો દેખીતી રીતે માણસો કરતાં ચઢિયાતા છે. ઈશ્વરના નિયમો અને આજ્ઞાઓ દૂતોને પણ લાગુ પડે છે. (હિબ્રૂ ૧:૭, ૧૪; ગી ૧૦૪:૪) યહોવાએ તેમના દુશ્મન શેતાનને પણ હુકમ કર્યો હતો અને પોતાને તાબે રહેવા તેને કહ્યું હતું. (અયૂ ૧:૧૨; ૨:૬) પ્રમુખ દૂત મીખાએલે યહોવા ઈશ્વરને સર્વોચ્ચ ન્યાયાધીશ તરીકે સ્વીકારીને માન આપ્યું હતું. જેમ કે, શેતાન સાથેના વિવાદમાં તેમણે કહ્યું: “યહોવા તને ધમકાવે.” (યહુ ૯; ઝખા ૩:૨ સરખાવો.) ઈસુ ખ્રિસ્તને મહિમાવંત કર્યા પછી, યહોવાએ બીજા બધા દૂતોને ઈસુના અધિકાર હેઠળ મૂક્યા છે. (હિબ્રૂ ૧:૬; ૧પી ૩:૨૨; માથ ૧૩:૪૧; ૨૫:૩૧; ફિલિ ૨:૯-૧૧) એટલે જ ઈસુએ અધિકારથી એક દૂતને સંદેશ લઈને યોહાન પાસે મોકલ્યો. (પ્રક ૧:૧) પહેલો કોરીંથીઓ ૬:૩માં પ્રેરિત પાઊલે ખ્રિસ્તના અભિષિક્ત ભાઈઓ વિશે એમ જણાવ્યું હતું કે તેઓને દૂતોનો ન્યાય કરવા માટે નિયુક્ત કરવામાં આવ્યા છે. દુષ્ટ દૂતોનો ન્યાય કરવામાં તેઓ અમુક રીતે ભાગ લેવાના છે. એટલે પાઊલે એમ કહ્યું હતું.
બાઇબલ વાંચન