બધી કસોટીઓમાં યહોવા દિલાસો આપે છે
“દિલાસો આપનાર ઈશ્વર. . .આપણી બધી કસોટીઓમાં આપણને દિલાસો આપે છે.”—૨ કોરીં. ૧:૩, ૪.
૧, ૨. યહોવા કઈ રીતે મુસીબતોમાં આપણને દિલાસો આપે છે અને બાઇબલમાં કયું વચન જોવા મળે છે?
એક કુંવારો યુવાન ૧ કોરીંથીઓ ૭:૨૮ના આ શબ્દો પર વિચાર કરી રહ્યો હતો: “જેઓ પરણે છે તેઓના જીવનમાં તકલીફો આવશે જ.” એ યુવાને મંડળના એક ઉંમરલાયક પરિણીત વડીલને પૂછ્યું: ‘આ “તકલીફો” શું છે અને જો હું લગ્ન કરું તો એનો સામનો કઈ રીતે કરી શકું?’ એ સવાલનો જવાબ આપતા પહેલાં વડીલે એ યુવાનને પ્રેરિત પાઊલના આ શબ્દો પર વિચાર કરવા કહ્યું: યહોવા “દિલાસો આપનાર ઈશ્વર છે. તે આપણી બધી કસોટીઓમાં [“મુસીબતોમાં,” ફૂટનોટ] આપણને દિલાસો આપે છે.”—૨ કોરીં. ૧:૩, ૪.
૨ આપણે જાણીએ છીએ કે, આપણા પિતા યહોવા આપણને ખૂબ પ્રેમ કરે છે અને મુશ્કેલ સંજોગોમાં દિલાસો આપે છે. તમને કદાચ એ સમય યાદ હશે, જ્યારે યહોવાએ તમને બાઇબલ દ્વારા મદદ અને માર્ગદર્શન પૂરાં પાડ્યાં હતાં. આપણે ખાતરી રાખી શકીએ કે, પ્રાચીન ઈશ્વરભક્તોની જેમ તે આપણને પણ સૌથી ઉત્તમ આપશે.—યિર્મેયા ૨૯:૧૧, ૧૨ વાંચો.
૩. આ લેખમાં આપણે કયા સવાલોની ચર્ચા કરીશું?
૩ એ સાચું છે કે, જો આપણે તકલીફો અને કસોટીઓનું કારણ જાણતા હોઈએ, તો એને સહન કરવી સહેલું બને છે. પણ સવાલ થાય કે, શા માટે લગ્નજીવનમાં અથવા કુટુંબમાં કસોટીઓ આવે છે? બાઇબલ સમયના અને હાલના સમયના કયા દાખલા આપણને દિલાસો આપી શકે? ચાલો એ સવાલોના જવાબ મેળવીએ અને જોઈએ કે મુશ્કેલીઓને કઈ રીતે સહન કરી શકીએ.
લગ્નજીવનમાં મુશ્કેલીઓ
૪, ૫. પતિ-પત્નીના જીવનમાં કઈ મુશ્કેલીઓ આવી શકે?
૪ પ્રથમ સ્ત્રીનું સર્જન કર્યા પછી, યહોવા તેને માણસ પાસે લાવ્યા અને તે તેની પત્ની બની. પછી યહોવાએ કહ્યું: “માણસ પોતાનાં માબાપને છોડીને, પોતાની વહુને વળગી રહેશે; અને તેઓ એક દેહ થશે.” (ઉત. ૨:૨૪) ખરું કે, આજે આપણે બધા અપૂર્ણ છીએ. (રોમ. ૩:૨૩) તેથી, એમાં કોઈ નવાઈ નથી કે સ્ત્રી-પુરુષ લગ્ન કરે ત્યારે તેઓના જીવનમાં તકલીફો આવે છે. દાખલા તરીકે, લગ્ન પહેલાં સ્ત્રી તેનાં માતા-પિતાને આધીન રહેતી હતી. પણ, શાસ્ત્ર પ્રમાણે લગ્ન પછી તેણે પતિને આધીન રહેવાનું છે. (૧ કોરીં. ૧૧:૩) શરૂઆતમાં, પતિને કદાચ પત્નીને માર્ગદર્શન આપવું અને પત્નીને એ સ્વીકારવું અઘરું લાગી શકે. તેમ જ, લગ્ન પછી સાસરીપક્ષના લોકો સાથે મતભેદો ઊભા થઈ શકે. પતિ-પત્ની માટે એ મોટી સમસ્યા બની શકે.
૫ હવે આનો વિચાર કરો. જ્યારે પતિ-પત્નીને જાણ થાય છે કે તેઓના જીવનમાં નવું મહેમાન આવવાનું છે, ત્યારે તેઓને કેવું લાગે છે. ખુશ થવાની સાથે સાથે તેઓને અમુક ચિંતા પણ થાય છે. જેમ કે, પ્રસૂતિ અને બાળકની તંદુરસ્તીની ચિંતા. તેઓ જાણે છે કે, હવે ખર્ચા વધશે. બાળકના જન્મ પછી યુગલે અમુક ફેરફારો પણ કરવા પડશે. હવે પત્નીનો મોટા ભાગનો સમય બાળકની સંભાળ પાછળ જશે. તેથી, પતિ-પત્ની કદાચ એકબીજા પર પહેલાં જેટલું ધ્યાન ન આપી શકે. પતિની જવાબદારીઓમાં પણ વધારો થાય છે. તેણે પત્ની અને બાળકની જરૂરિયાતો પૂરી કરવા ધ્યાન આપવાનું છે.
૬-૮. બાળકો ન થાય ત્યારે યુગલને કેવું લાગી શકે?
૬ અમુક યુગલોના જીવનમાં બીજી મુસીબતો હોય છે. બાળક માટેની તેઓની તમન્ના અધૂરી રહી જાય છે. એવા કિસ્સાઓમાં, પત્ની હતાશ થઈ જાય છે. (નીતિ. ૧૩:૧૨) બાઇબલ સમયમાં, વાંઝણી સ્ત્રીએ શરમજનક અને દુઃખદ પરિસ્થિતિનો સામનો કરવો પડતો. એટલે જ, પોતાની બહેનના બાળકોને જોઈને રાહેલે પોતાની વ્યથા પતિ યાકૂબ આગળ ઠાલવી. (ઉત. ૩૦:૧, ૨) આજે, અમુક દેશોમાં લોકો માને છે કે ઘણાં બાળકો હોવું ખૂબ જરૂરી છે. ઘણી વાર એ દેશમાં સેવા આપતા મિશનરીઓને પૂછવામાં આવે છે કે, તેઓને શા માટે બાળકો નથી. મિશનરીઓ એનું કારણ સમજાવે એ પછી પણ અમુક કહે છે: ‘બધું સારું થઈ જશે, અમે તમારા માટે પ્રાર્થના કરીશું.’
૭ બીજા એક દાખલાનો વિચાર કરો. ઇંગ્લૅન્ડમાં રહેતાં એક બહેનને બાળકની તીવ્ર ઇચ્છા હતી. જ્યારે તેમને ખ્યાલ આવ્યો કે તેમને બાળક નહિ થાય, ત્યારે તે ભાંગી પડ્યાં. પછી, તેમણે અને તેમનાં પતિએ બાળક દત્તક લેવાનું નક્કી કર્યું. તેમ છતાં, અમુક સમય સુધી તે દુઃખી રહ્યાં. તેમણે કહ્યું: ‘હું જાણું છું કે પોતાનું બાળક હોવું અને દત્તક લેવું, એમાં આભ-જમીનનો ફરક છે.’
૮ બાઇબલ જણાવે છે કે, “બાળકોને જન્મ આપીને સ્ત્રીઓ સલામત રહેશે.” (૧ તિમો. ૨:૧૫) પણ એનો અર્થ એ નથી કે, ફક્ત બાળકો હોવાને લીધે જ તેને કાયમનું જીવન મળી જશે. તો પછી, એ કલમ શું કહેવા માંગે છે? બાળકો અને કુટુંબની સંભાળ લેવામાં માતા ખૂબ વ્યસ્ત થઈ જાય છે. એનાથી તે ગપસપ કરતી નથી અને બીજાઓની બાબતોમાં માથું મારતી નથી. (૧તિ ૫:૧૩) જોકે, તેના લગ્નજીવનમાં અને કુટુંબમાં તકલીફો તો આવવાની જ.
૯. લગ્નજીવનમાં બીજી કેવી મુશ્કેલી આવી શકે?
૯ કોઈ એક લગ્નસાથીનું મરણ થાય ત્યારે, મોટી મુશ્કેલી સર્જાય છે. મોટા ભાગના લોકો વિચારતા હોય છે કે, તેઓના જીવનમાં એવો દિવસ ક્યારેય નહિ આવે. પણ, ઘણાએ એ દુઃખભરી પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. યહોવાના ભક્તોને સજીવન થવાની આશામાં પૂરો ભરોસો છે. તેથી એ આશાથી તેઓને ઘણો દિલાસો મળે છે. (યોહા. ૫:૨૮, ૨૯) આપણા પિતા યહોવાએ બાઇબલ દ્વારા એવાં ઘણાં વચનો આપ્યાં છે, જે મુશ્કેલ સમયમાં આપણને દિલાસો આપે છે. ચાલો હવે જોઈએ કે, યહોવાના અમુક ભક્તોને એ દિલાસો મેળવીને કેવું લાગ્યું અને એનાથી તેઓને કેવી મદદ મળી.
મુશ્કેલીઓમાં દિલાસો
૧૦. હાન્નાને કઈ રીતે દિલાસો મળ્યો? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૧૦ એલ્કાનાહની વહાલી પત્ની હાન્ના સાથે શું બન્યું એનો વિચાર કરો. તેમને બાળકો થતાં ન હતાં. જોકે, એલ્કાનાહની બીજી પત્ની પનિન્નાને ઘણાં બાળકો હતાં. (૧ શમૂએલ ૧:૪-૭ વાંચો.) હાન્નાનું દુઃખ ઓછું હોય તેમ, તેમનાં દુઃખમાં વધારો કરવા પનિન્ના તેમને મહેણાં-ટોણાં મારતી. અને એમ “વરસોવરસ” ચાલ્યું. એનાથી હાન્નાને ખૂબ દુઃખ થતું. દિલાસો મેળવવા તેમણે શું કર્યું? તેમણે યહોવાને પ્રાર્થના કરી. તે યહોવાના મંદિરે પણ ગયાં અને લાંબા સમય સુધી પ્રાર્થના કરી. તેમણે યહોવા પાસે દીકરો માંગ્યો અને ભરોસો રાખ્યો કે યહોવા ચોક્કસ તેમને મદદ કરશે. પ્રાર્થના કર્યા પછી તેમનું મન હળવું થઈ ગયું અને ‘ત્યાર પછી તેમનું મુખ ઉદાસ રહ્યું નહિ.’ (૧ શમૂ. ૧:૧૨, ૧૭, ૧૮) તે જાણતાં હતાં કે, યહોવા તેમને દીકરો આપશે અથવા બીજી કોઈ રીતે દિલાસો આપશે.
૧૧. પ્રાર્થના કઈ રીતે આપણને દિલાસો આપી શકે?
૧૧ આપણે બધા અપૂર્ણ છીએ અને શેતાનની દુષ્ટ દુનિયામાં જીવીએ છીએ, એટલે મુશ્કેલીઓ તો રહેવાની જ. (૧ યોહા. ૫:૧૯) પણ, આપણી પાસે મદદ પ્રાપ્ય છે. આપણે યહોવાને પ્રાર્થના કરી શકીએ છીએ, જે “દરેક પ્રકારનો દિલાસો આપનાર ઈશ્વર છે.” હાન્નાએ એમ જ કર્યું હતું. તેણે યહોવા આગળ પોતાની લાગણીઓ ઠાલવી અને મદદ માટે કાલાવાલા કર્યા. એવી જ રીતે, મુશ્કેલીઓનો સામનો કરીએ ત્યારે યહોવાને એ વિશે ફક્ત જણાવીએ જ નહિ, પણ કાલાવાલા કરીએ અને તેમની આગળ આપણી લાગણીઓ ઠાલવીએ.—ફિલિ. ૪:૬, ૭.
૧૨. મુશ્કેલીઓમાં ખુશ રહેવા હાન્નાને ક્યાંથી મદદ મળી?
૧૨ બાળકો ન હોવાને લીધે અથવા સ્નેહીજનને મરણમાં ગુમાવવાને લીધે આપણે કદાચ નિરાશ થઈ જઈએ. પણ, આપણને દિલાસો મળી શકે છે. ઈશ્વરભક્ત હાન્નાનો વિચાર કરો, જે ઈસુના સમયમાં થઈ ગયાં. લગ્નના સાત વર્ષ પછી તેમનાં પતિ ગુજરી ગયા હતા. કદાચ તેમને કોઈ બાળક પણ ન હતું. તેમને ક્યાંથી મદદ મળી? બાઇબલ જણાવે છે: ‘તે કદી પણ મંદિરે જવાનું ચૂકતા નહિ.’ તે ૮૪ વર્ષના વિધવા હતાં, છતાં પ્રાર્થના કરવા અને યહોવાની ભક્તિ કરવા નિયમિત મંદિરે જતાં. (લુક ૨:૩૭) એનાથી તેમને દિલાસો મળ્યો અને મુશ્કેલીઓમાં પણ ખુશ રહેવા મદદ મળી.
૧૩. સગાં-સંબંધી દિલાસો આપવાનું ચૂકી જાય ત્યારે, સાચા મિત્રો કઈ રીતે દિલાસો આપી શકે? દાખલો આપીને સમજાવો.
૧૩ મંડળનાં ભાઈ-બહેનો પાસેથી પણ આપણને દિલાસો મળી શકે. તેઓ તો આપણા સાચા મિત્રો છે. (નીતિ. ૧૮:૨૪) પૌલાનો દાખલો લો. તે ફક્ત પાંચ વર્ષની હતી ત્યારે, તેની મમ્મીએ યહોવાની ભક્તિ કરવાનું છોડી દીધું. એનાથી પૌલા ખૂબ દુઃખી થઈ ગઈ અને તેનું જીવન અઘરું બની ગયું. પછીથી, ઍન નામના એક પાયોનિયર બહેને તેને ઉત્તેજન આપ્યું અને તેની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કર્યો. પૌલા જણાવે છે: ‘બહેન ઍન અમારા સગાં ન હતાં, તેમ છતાં તેમણે જે રીતે મારી પ્રેમાળ કાળજી લીધી એનાથી મને દિલાસો મળ્યો અને યહોવાની સેવામાં લાગુ રહેવા મદદ મળી.’ સમય જતાં, તેની મમ્મી મંડળમાં પાછી ફરી અને એનાથી પૌલા બહુ ખુશ છે. ઍન પણ બહુ ખુશ છે, કારણ કે તે પૌલાને યહોવાની સેવામાં લાગુ રહેવા મદદ કરી શક્યાં.
૧૪. આપણે બીજાઓને દિલાસો આપીએ છીએ ત્યારે, આપણને કેવા ફાયદા થાય છે?
૧૪ બીજાઓનું ભલું કરીએ છીએ ત્યારે, ઘણી વાર આપણે આપણી મુશ્કેલીઓ ભૂલી જઈએ છીએ. દાખલા તરીકે, આપણી ઘણી કુંવારી અને પરિણીત બહેનો પ્રચાર કામમાં વ્યસ્ત રહે છે. એમ કરીને તેઓ યહોવા સાથે કામ કરે છે અને તેમની ઇચ્છા પૂરી કરે છે. એનાથી તેઓને ઘણી ખુશી મળે છે. હકીકતમાં, રાજ્યની ખુશખબર જણાવીને આપણે બતાવીએ છીએ કે, આપણને લોકોની ચિંતા છે. જ્યારે ભાઈ-બહેનોનું ભલું કરીએ છીએ, ત્યારે તેઓ સાથેનો સંબંધ વધુ ગાઢ બને છે. (ફિલિ. ૨:૪) પ્રેરિત પાઊલે એવું જ કર્યું હતું. “જેમ ધાવ મા પોતાના બાળક પર મમતા રાખે છે,” તેમ પાઊલે બીજાઓની કાળજી લીધી. અને જેવી રીતે “પિતા પોતાનાં બાળકો સાથે વર્તે” છે, એવી રીતે પાઊલે ભાઈઓને દિલાસો અને ઉત્તેજન આપ્યાં.—૧ થેસ્સાલોનિકીઓ ૨:૭, ૧૧, ૧૨ વાંચો.
કુટુંબમાં દિલાસો
૧૫. નાનાં બાળકોને યહોવા વિશે શીખવવાની જવાબદારી કોની છે?
૧૫ સભાઓમાં જઈએ ત્યારે આપણે બીજાં કુટુંબોને કઈ રીતે દિલાસો આપી શકીએ? અમુક સમયે, નવા લોકો તેઓનાં બાળકોને યહોવા વિશે શીખવવા અથવા તેઓનાં ભૂલકાં સાથે બાઇબલ અભ્યાસ કરવા કદાચ આપણી પાસે મદદ માંગે. જોકે, બાઇબલ જણાવે છે કે, બાળકોને શીખવવાની અને તાલીમ આપવાની જવાબદારી યહોવાએ માતા-પિતાને સોંપી છે. (નીતિ. ૨૩:૨૨; એફે. ૬:૧-૪) અમુક કિસ્સામાં કદાચ બીજાઓ મદદ કરે. તેમ છતાં, માતા-પિતા પોતાનાં બાળકોને શીખવે એ ખૂબ જરૂરી છે. એ માટે, માતા-પિતાએ બાળકો સાથે નિયમિત વાત કરવી જોઈએ અને તેઓને સારી રીતે ઓળખવા જોઈએ.
૧૬. બાળકોને મદદ કરીએ ત્યારે શું યાદ રાખવું જોઈએ?
૧૬ બાળકને યહોવા વિશે શીખવવા કોઈ માતા કે પિતા આપણી મદદ માંગે ત્યારે, યાદ રાખીએ કે, આપણી પાસે માતા-પિતા જેટલો અધિકાર નથી. અમુક વખતે આપણે કદાચ એવા બાળક સાથે અભ્યાસ કરતા હોઈએ, જેના માતા-પિતા સત્યમાં નથી. બીજાઓના બાળકો સાથે અભ્યાસ કરીએ ત્યારે, સારું રહેશે કે માતા-પિતાની હાજરીમાં કે અનુભવી સાક્ષીની હાજરીમાં અભ્યાસ ચલાવીએ; અથવા જાહેર જગ્યાએ અભ્યાસ ચલાવીએ. આમ, બીજાઓને આંગળી ચીંધવાનો મોકો નહિ આપીએ. આશા રાખી શકીએ કે, સમય જતાં માતા-પિતા પોતે બાળકોને યહોવા વિશે શીખવવાની જવાબદારી ઉપાડશે.
૧૭. બાળકો કઈ રીતે કુટુંબીજનોને દિલાસો આપી શકે?
૧૭ યહોવાને પ્રેમ કરતાં બાળકો પણ કુટુંબીજનોને દિલાસો અને ઉત્તેજન આપી શકે. કઈ રીતે? માતા-પિતાને માન આપીને અને ઘરનાં નાનાં-મોટાં કામમાં સહભાગી થઈને. ઉપરાંત, બાળકો યહોવાને વફાદાર રહે છે ત્યારે, આખા કુટુંબને ઉત્તેજન મળે છે. ઈશ્વરભક્ત લામેખ જળપ્રલય પહેલાં થઈ ગયા. તેમણે પોતાના દીકરા નુહ વિશે કહ્યું: “જે ભૂમિને યહોવાએ શાપ દીધો, તેમાં અમારાં કામ તથા હાથોના ઉદ્યોગ સંબંધી એ જ અમને દિલાસો આપશે.” જળપ્રલય પછી યહોવાએ ભૂમિ પરનો શાપ હટાવ્યો ત્યારે, એ ભવિષ્યવાણી પૂરી થઈ. (ઉત. ૫:૨૯; ૮:૨૧) આજે, જે બાળકો યહોવાને વફાદાર રહે છે, તેઓ પણ પોતાના કુટુંબને દિલાસો આપી શકે છે. તેઓ દરેક કુટુંબીજનને હાલની અને ભાવિની મુશ્કેલીઓનો સામનો કરવા મદદ કરી શકે છે.
૧૮. મુશ્કેલીઓનો સામનો કરવા ક્યાંથી મદદ મળી શકે?
૧૮ આજે, યહોવાના લોકોને પ્રાર્થના કરવાથી, બાઇબલ અહેવાલો પર મનન કરવાથી અને ભાઈ-બહેનો સાથે ગાઢ મિત્રતા બાંધવાથી દિલાસો મળે છે. (ગીતશાસ્ત્ર ૧૪૫:૧૮, ૧૯ વાંચો.) આપણને દિલાસો આપવા યહોવા હંમેશાં તૈયાર છે. ગમે એવી મુશ્કેલી આવે, પણ યહોવા આપણને ચોક્કસ મદદ કરશે!