પહેલો શમુએલ
૧ હવે એફ્રાઈમના પહાડી વિસ્તારના+ રામાથાઈમ-સોફીમમાં+ એક માણસ* રહેતો હતો. તેનું નામ એલ્કાનાહ+ હતું અને તે એફ્રાઈમી હતો. તે યરોહામનો દીકરો હતો, યરોહામ અલીહૂનો દીકરો, અલીહૂ તોહૂનો દીકરો અને તોહૂ સૂફનો દીકરો હતો. ૨ એલ્કાનાહને બે પત્નીઓ હતી, એકનું નામ હાન્ના અને બીજીનું નામ પનિન્ના. પનિન્નાને બાળકો હતાં, પણ હાન્નાને કોઈ બાળક ન હતું. ૩ એલ્કાનાહ દર વર્ષે સૈન્યોના ઈશ્વર યહોવાની* ભક્તિ* કરવા અને બલિદાન ચઢાવવા પોતાના શહેરથી શીલોહ જતો.+ ત્યાં એલીના બે દીકરા હોફની અને ફીનહાસ,+ યહોવાના* યાજકો* તરીકે સેવા આપતા હતા.+
૪ એક દિવસ એલ્કાનાહે બલિદાન ચઢાવ્યું ત્યારે, તેણે પોતાની પત્ની પનિન્ના અને તેનાં દીકરા-દીકરીઓને એમાંથી ભાગ વહેંચી આપ્યા.+ ૫ તેણે હાન્નાને ખાસ ભાગ આપ્યો, કેમ કે તે તેને બહુ પ્રેમ કરતો હતો. પણ યહોવાએ તેને બાળક વગરની રાખી હતી.* ૬ યહોવાએ હાન્નાને કોઈ બાળક આપ્યું ન હોવાથી, પનિન્ના* તેને દુઃખી કરવા વારંવાર મહેણાં મારતી. ૭ પનિન્ના દર વર્ષે એવું કરતી. હાન્ના યહોવાના મુલાકાતમંડપે* જતી ત્યારે,+ પનિન્ના તેને એટલાં મહેણાં-ટોણાં મારતી કે તે બસ રડ્યા જ કરતી અને કંઈ ખાતી નહિ. ૮ હાન્નાના પતિ એલ્કાનાહે તેને કહ્યું: “તું કેમ રડે છે? તું કેમ ખાતી નથી? શા માટે આટલી ઉદાસ છે?* શું તારા માટે હું દસ દીકરાઓ કરતાં વધારે નથી?”
૯ શીલોહમાં તેઓ ખાઈ-પી રહ્યા ત્યારે, હાન્ના ત્યાંથી ઊઠી. એ વખતે યહોવાના મંદિરની*+ બારસાખ પાસે એલી યાજક આસન પર બેઠો હતો. ૧૦ હાન્ના બહુ દુઃખી હોવાથી* યહોવાને પ્રાર્થના કરવા લાગી+ અને ધ્રૂસકે ને ધ્રૂસકે રડવા લાગી. ૧૧ તેણે આ સમ ખાધા: “હે સૈન્યોના ઈશ્વર યહોવા, તમારી આ દાસીનું દુઃખ જુઓ. મને યાદ રાખો, તમારી આ દાસીને ભૂલશો નહિ. હે યહોવા, જો તમે મને એક દીકરો આપશો,+ તો હું તેને જીવનભર તમારી સેવામાં આપી દઈશ. તેના માથાના વાળ કદી કાપવામાં નહિ આવે.”*+
૧૨ હાન્નાએ લાંબો સમય યહોવા આગળ પ્રાર્થના કરી. એ સમયે એલી તેનું મોં જોયા કરતો હતો. ૧૩ હાન્ના મનમાં ને મનમાં જ બોલતી હતી. તેના હોઠ ફફડતા હતા, પણ અવાજ સંભળાતો ન હતો. એલીને લાગ્યું કે તે પીધેલી છે. ૧૪ એલીએ તેને કહ્યું: “તું ક્યાં સુધી પીધેલી રહીશ? દ્રાક્ષદારૂ પીવાનું બંધ કર.” ૧૫ હાન્નાએ કહ્યું: “ગુરુજી, મેં કોઈ દ્રાક્ષદારૂ કે શરાબ નથી પીધો. હું બહુ દુઃખી છું.* એટલે યહોવા આગળ મારું હૈયું ઠાલવી રહી હતી.+ ૧૬ તમારી આ દાસીને ખરાબ ન ગણો. હું ઘણી દુઃખી અને હતાશ હોવાથી અત્યાર સુધી પ્રાર્થના કરતી હતી.” ૧૭ એલીએ તેને કહ્યું: “શાંતિથી જા. ઇઝરાયેલના ઈશ્વર તારી વિનંતી સાંભળે.”+ ૧૮ હાન્નાએ કહ્યું: “આ દાસી પર તમારી કૃપા રહે.” પછી તે ત્યાંથી ચાલી ગઈ. તેણે ખાધું અને તેનો ચહેરો ફરી ઉદાસ રહ્યો નહિ.
૧૯ એલ્કાનાહનું કુટુંબ વહેલી સવારે ઊઠ્યું અને તેઓએ યહોવા આગળ નમન કર્યું. ત્યાર બાદ તેઓ પોતાના ઘરે રામા શહેર પાછા આવ્યા.+ એલ્કાનાહે પોતાની પત્ની હાન્ના સાથે જાતીય સંબંધ બાંધ્યો અને યહોવાએ હાન્નાને યાદ કરી.*+ ૨૦ એક વર્ષની અંદર* હાન્ના ગર્ભવતી થઈ અને તેણે દીકરાને જન્મ આપ્યો. તેણે તેનું નામ શમુએલ* પાડ્યું,+ કેમ કે તેણે કહ્યું: “આ દીકરો મેં યહોવા પાસેથી માંગી લીધો છે.”
૨૧ થોડા સમય પછી, એલ્કાનાહ દર વર્ષની જેમ પોતાના આખા કુટુંબ સાથે યહોવાને બલિદાન ચઢાવવા+ અને માનતા-અર્પણ* કરવા ગયો. ૨૨ પણ હાન્ના ગઈ નહિ.+ તેણે પોતાના પતિને કહ્યું: “દીકરાને ધાવણ છોડાવ્યા પછી, હું તેને યહોવા આગળ લઈ જઈશ. ત્યાર બાદ તે હંમેશ માટે ત્યાં જ રહેશે.”+ ૨૩ એલ્કાનાહે તેને કહ્યું: “તને જે સારું લાગે એ કર. તેનું ધાવણ છોડાવે ત્યાં સુધી ઘરે જ રહે. યહોવા તારા બોલ સાચા પાડે.” હાન્ના ઘરે જ રહી અને તેના દીકરાનું ધાવણ છોડાવે ત્યાં સુધી તેની સંભાળ રાખી.
૨૪ હાન્નાએ દીકરાનું ધાવણ છોડાવ્યું, એ પછી તે તરત જ તેને શીલોહ લઈ ગઈ. તે પોતાની સાથે ત્રણ વર્ષનો વાછરડો, એક એફાહ* લોટ અને એક કુંજો દ્રાક્ષદારૂ પણ લઈ ગઈ.+ તે પોતાના નાનકડા દીકરાને લઈને શીલોહમાં યહોવાના મંડપમાં આવી.+ ૨૫ પછી તેઓએ વાછરડો કાપ્યો અને દીકરાને એલી પાસે લાવ્યા. ૨૬ હાન્નાએ કહ્યું: “ગુરુજી, હું તમારા સમ ખાઈને કહું છું કે જે સ્ત્રી તમારી પાસે અહીં ઊભી રહીને યહોવાને પ્રાર્થના કરતી હતી,+ એ હું જ છું. ૨૭ મેં આ બાળક માટે પ્રાર્થના કરી હતી. મારી વિનંતી સાંભળીને યહોવાએ મારી પ્રાર્થનાનો જવાબ આપ્યો છે.+ ૨૮ બદલામાં હું મારો દીકરો યહોવાને આપું છું.* તે જીવનભર યહોવાનો થશે.”
પછી એલ્કાનાહે યહોવા આગળ નમન કર્યું.