“અમે તારી સાથે આવીશું”
“અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.”—ઝખા. ૮:૨૩.
૧, ૨. (ક) આપણા સમયમાં થનાર કઈ બાબત વિશે યહોવાએ જણાવ્યું હતું? (ખ) આપણે આ લેખમાં કયા પ્રશ્નોના જવાબ મેળવીશું? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
યહોવાએ જણાવ્યું હતું કે આપણા સમયમાં “દરેક ભાષા બોલનારી પ્રજાઓમાંથી દસ માણસો કોઈ એક યહુદી માણસની ચાળ [ઝભ્ભાની કોર] પકડીને કહેશે કે, અમે તારી સાથે આવીશું, કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.” (ઝખા. ૮:૨૩) એ યહુદી માણસ તો યહોવાએ પવિત્ર શક્તિ દ્વારા અભિષિક્ત કરેલા સેવકોને રજૂ કરે છે. તેઓ “ઈશ્વરના ઈસ્રાએલ” તરીકે પણ ઓળખાય છે. (ગલા. ૬:૧૬) દસ માણસો તો ધરતી પર હંમેશાં રહેવાની આશા ધરાવતા લોકોને રજૂ કરે છે. તેઓ જાણે છે કે યહોવાએ અભિષિક્તોના સમૂહને આશીર્વાદ આપ્યો છે. તેમ જ, તેઓને અહેસાસ છે કે એ સમૂહ સાથે રહીને યહોવાની ભક્તિ કરવી એ એક સન્માનની વાત છે.
૨ ઝખાર્યા પ્રબોધકની જેમ ઈસુએ પણ કહ્યું હતું કે ઈશ્વરના લોકો હંમેશાં એક થઈને સંપમાં રહેશે. સ્વર્ગની આશા રાખનાર લોકોને ઈસુએ “નાની ટોળી” તરીકે ઉલ્લેખ્યા અને પૃથ્વીની આશા રાખનાર લોકોને “બીજાં ઘેટાં” કહ્યા. જોકે, ઈસુએ કહ્યું હતું કે એ બધા લોકો “એક ટોળું” થઈને રહેશે અને તેઓ “એક ઘેટાંપાળક”ને એટલે કે ફક્ત ઈસુને અનુસરશે. (લુક ૧૨:૩૨; યોહા. ૧૦:૧૬) આમ, ઈશ્વરભક્તોના બે સમૂહ હોવાથી કોઈને આ પ્રશ્નો થઈ શકે: (૧) શું બીજાં ઘેટાંના સભ્યોએ આજના બધા અભિષિક્તોનાં નામ જાણવાં જરૂરી છે? (૨) અભિષિક્તોએ પોતાના વિશે કેવું વિચારવું જોઈએ? (૩) તમારા મંડળમાં જો કોઈ સ્મરણપ્રસંગે રોટલી ખાવામાં અથવા દ્રાક્ષદારૂ પીવામાં ભાગ લે, તો તેમની સાથે કઈ રીતે વર્તવું જોઈએ? (૪) સ્મરણપ્રસંગે રોટલી અને દ્રાક્ષદારૂ ખાનાર-પીનારની સંખ્યા વધતી જોઈને, શું આપણે ચિંતા કરવાની જરૂર છે? આ લેખમાં એ બધા પ્રશ્નોના જવાબ મેળવીશું.
શું બધાં અભિષિક્તોનાં નામ જાણવાં જરૂરી છે?
૩. ૧,૪૪,૦૦૦માં કોણ કોણ હશે, એ સચોટ રીતે જાણવું આપણા માટે કેમ શક્ય નથી?
૩ શું બીજાં ઘેટાંના સભ્યોએ આજે પૃથ્વી પરના બધા અભિષિક્તોનાં નામ જાણવાની જરૂર છે? ના, એવું નથી. શા માટે? કારણ કે, તેઓમાંથી કોને કોને સ્વર્ગનું ઇનામ મળશે, એ કોઈ પણ પૂરી ખાતરીથી કહી શકતું નથી.[1] ખરું કે, ઈશ્વરે તેઓને સ્વર્ગમાં જવા આમંત્રણ આપ્યું છે. પરંતુ, તેઓ વફાદાર બની રહેશે તો જ યહોવા તરફથી ઇનામ મેળવી શકશે. શેતાનને આ વાતની ખબર છે, એટલે તે તેઓને “જૂઠા પ્રબોધકો” દ્વારા ‘ભમાવવાʼનો પ્રયત્ન કરે છે. (માથ. ૨૪:૨૪) જ્યાં સુધી યહોવા પોતે એ અભિષિક્તોને વફાદાર ન ઠરાવે, ત્યાં સુધી તેઓ પોતે પણ પૂરી ખાતરીથી ન કહી શકે કે પોતે ઇનામ મેળવશે જ મેળવશે. યહોવાની એ આખરી મંજૂરી અથવા આખરી મુદ્રા, તેઓ મરણ પહેલાં મેળવે છે અથવા “મોટી વિપત્તિ” શરૂ થયાના થોડા સમય પહેલાં મેળવશે.—પ્રકટી. ૨:૧૦; ૭:૩, ૧૪.
૪. જો પૃથ્વી પરના બધા અભિષિક્તોનાં નામ જાણવાં શક્ય ન હોય, તો બીજાં ઘેટાં તેઓ “સાથે” કઈ રીતે જઈ શકે?
૪ જો પૃથ્વી પરના બધા અભિષિક્તોનાં નામ જાણવાં શક્ય ન હોય, તો બીજાં ઘેટાં તેઓ “સાથે” કઈ રીતે જઈ શકે? બાઇબલ જણાવે છે કે દસ માણસો ‘કોઈ એક યહુદી માણસના ઝભ્ભાની કોર પકડીને કહેશે કે, અમે તારી સાથે આવીશું કેમ કે અમે સાંભળ્યું છે કે ઈશ્વર તમારી સાથે છે.’ ખરું કે, કલમમાં એક યહુદીનો ઉલ્લેખ થયો છે. છતાં, એમાં વપરાયેલા “તારી” અને “તમારી” જેવા શબ્દો એક કરતાં વધારે વ્યક્તિઓને રજૂ કરે છે. આ બતાવે છે કે “એક યહુદી” કોઈ એક વ્યક્તિને નહિ પણ અભિષિક્તોના આખા સમૂહને દર્શાવે છે. બીજાં ઘેટાં એ હકીકત જાણે છે અને એટલે તેઓ એ સમૂહની સાથે ભેગા મળીને યહોવાની સેવા કરે છે. તેઓ સમજે છે કે એ સમૂહમાંના દરેકનું નામ જાણવું કે પછી એમાંની કોઈ એક વ્યક્તિને અનુસરવું જરૂરી નથી. કેમ કે, આપણા આગેવાન તો ઈસુ છે અને બાઇબલ જણાવે છે કે આપણે તેમને જ અનુસરવાની જરૂર છે.—માથ. ૨૩:૧૦.
અભિષિક્તોએ પોતાના વિશે કેવું વિચારવું જોઈએ?
૫. અભિષિક્તોએ કઈ ચેતવણી ગંભીરતાથી લેવી જોઈએ અને શા માટે?
૫ પહેલો કોરીંથી ૧૧:૨૭-૨૯માં જણાવેલી ચેતવણીને અભિષિક્તોએ ગંભીરતાથી લેવી જોઈએ. (વાંચો.) સ્મરણપ્રસંગે કોઈ અભિષિક્ત કઈ રીતે રોટલી અને દ્રાક્ષદારૂને “અયોગ્ય રીતે” ખાવા-પીવા લાગી શકે? જો તે યહોવાને વફાદાર ન રહે અને છતાં સ્મરણપ્રસંગે ખાવા-પીવામાં ભાગ લે, તો એવું બની શકે. આ રીતે ખાવા-પીવામાં ભાગ લઈને એ વ્યક્તિ અનાદર બતાવે છે. (હિબ્રૂ. ૬:૪-૬; ૧૦:૨૬-૨૯) આ ગંભીર ચેતવણી અભિષિક્તોને એક જરૂરી વાત યાદ રાખવા મદદ કરે છે. એ જ કે ખ્રિસ્ત ઈસુ દ્વારા ઈશ્વર તરફથી મળેલા “સ્વર્ગીય આમંત્રણના ઇનામ”ને મેળવવા અભિષિક્તોએ વફાદાર રહેવું જ જોઈએ.—ફિલિ. ૩:૧૩-૧૬.
૬. અભિષિક્તોએ પોતાના વિશે કેવું વિચારવું જોઈએ?
૬ પાઊલે અભિષિક્ત ખ્રિસ્તીઓને કહ્યું હતું: “હું, પ્રભુને માટે બંદીવાન, તમને વિનંતી કરું છું, કે તમને તેડવામાં આવ્યા છે તે તેડાને યોગ્ય થઈને ચાલો.” તેઓ એ કઈ રીતે કરી શકે? એ વિશે પાઊલ જણાવે છે: ‘સંપૂર્ણ દીનતા, નમ્રતા તથા સહનશીલતા રાખીને પ્રેમથી એકબીજાનું સહન કરો; શાંતિના બંધનમાં પવિત્ર શક્તિ દ્વારા મળતી એકતા રાખવાને યત્ન કરો.’ (એફે. ૪:૧-૩) યહોવાની પવિત્ર શક્તિ તેમના સેવકોને નમ્ર બનવા મદદ કરે છે, અભિમાની નહિ! (કોલો. ૩:૧૨) તેથી, અભિષિક્તો પોતાને બીજાઓ કરતાં ચઢિયાતા નથી ગણતા. તેઓ જાણે છે કે યહોવા અભિષિક્તોને બીજા સેવકો કરતાં વધારે પવિત્ર શક્તિ આપે એવું જરૂરી નથી. તેઓ એમ પણ નથી માનતા કે અભિષિક્ત હોવાથી તેઓ બીજાઓની સરખામણીમાં બાઇબલ સત્યને વધારે ઊંડી રીતે સમજી શકે છે. એટલું જ નહિ, તેઓ બીજા કોઈને અભિષિક્ત માનીને ક્યારેય રોટલી અને દ્રાક્ષદારૂ ખાવા-પીવાનું આમંત્રણ નહિ આપે. એને બદલે, અભિષિક્તો નમ્ર બનીને સ્વીકારે છે કે સ્વર્ગનું આમંત્રણ તો યહોવા સિવાય બીજું કોઈ ન આપી શકે.
૭, ૮. અભિષિક્ત ખ્રિસ્તીઓ શાની અપેક્ષા રાખતા નથી અને કેમ?
૭ ખરું કે, અભિષિક્તો સ્વર્ગના આમંત્રણને એક સન્માન ગણે છે. પરંતુ, તેઓ બીજા લોકો પાસેથી કોઈ ખાસ પ્રકારના વ્યવહારની અપેક્ષા રાખતા નથી. (એફે. ૧:૧૮, ૧૯; ફિલિપી ૨:૨, ૩ વાંચો.) તેઓ એ પણ જાણે છે કે યહોવાએ તેઓને અભિષિક્ત કર્યા ત્યારે, તેમણે કંઈ બધા લોકોને એની જાહેરાત કરી ન હતી. તેથી, તેઓનું અભિષિક્ત હોવું જો કોઈના માનવામાં તરત ન આવે, તો અભિષિક્તોને એ જોઈને નવાઈ લાગતી નથી. તેઓ તો સારી રીતે જાણે છે કે બાઇબલ શું સલાહ આપે છે. બાઇબલ જણાવે છે કે, પોતાને ઈશ્વર તરફથી એક ખાસ જવાબદારી મળી છે, એવું જો કોઈ કહે તો તરત માની લેવું જોઈએ નહિ. (પ્રકટી. ૨:૨) અભિષિક્ત વ્યક્તિ ક્યારેય બીજાઓનું ધ્યાન ખેંચવા માંગતી નથી. તેથી, કોઈને પહેલી વાર મળતાની સાથે તે ઢંઢેરો નહિ પીટે કે પોતે અભિષિક્ત છે. અરે હકીકતમાં તો, તે કોઈને કદાચ એ વાતની જાણ પણ થવા દેશે નહિ. અભિષિક્તો પોતે સ્વર્ગમાં જે અદ્ભુત બાબતો કરવાના છે, એની બડાઈ તેઓ ક્યારેય કોઈની આગળ હાંકશે નહિ.—૧ કોરીં. ૧:૨૮, ૨૯; ૧ કોરીંથી ૪:૬-૮ વાંચો.
૮ અભિષિક્તો એવું નથી માનતા કે તેઓએ ફક્ત અભિષિક્તો સાથે જ સમય વિતાવવો જોઈએ. જાણે તેઓની એક અલગ ટોળી હોય એવી રીતે તેઓ વર્તશે નહિ. ટોળું બનાવીને બાઇબલમાંથી ચર્ચા કરવા કે પછી અભિષિક્ત થવાના અનુભવની આપલે કરવા તેઓ બીજા અભિષિક્તોને શોધવાનો પ્રયત્ન કરશે નહિ. (ગલા. ૧:૧૫-૧૭) જો અભિષિક્તો એવું કંઈ કરે, તો મંડળમાં સંપ રહેશે નહિ. એમ કરવું તો પવિત્ર શક્તિની વિરુદ્ધ કામ કરવું ગણાશે. કેમ કે, પવિત્ર શક્તિ તો ઈશ્વરના લોકોને સંપ અને શાંતિ રાખવા મદદ કરે છે.—રોમનો ૧૬:૧૭, ૧૮ વાંચો.
અભિષિક્તો પ્રત્યે તમારે કઈ રીતે વર્તવું જોઈએ?
૯. સ્મરણપ્રસંગે રોટલી ખાનાર અને દ્રાક્ષદારૂ પીનાર સાથેના વર્તનમાં શા માટે કાળજી રાખવી જોઈએ? (આ બૉક્સ જુઓ: “‘પ્રીતિ અયોગ્ય રીતે વર્તતી નથી’”)
૯ અભિષિક્ત ભાઈ કે બહેન સાથે તમારે કઈ રીતે વર્તવું જોઈએ? ઈસુએ શિષ્યોને કહ્યું: “તમે સઘળા ભાઈઓ છો.” એ પછી તેમણે કહ્યું, “જે કોઈ પોતાને ઊંચો કરશે, તે નીચો કરાશે; અને જે કોઈ પોતાને નીચો કરશે, તે ઊંચો કરાશે.” (માથ. ૨૩:૮-૧૨) તેથી, કોઈ પણ વ્યક્તિની વધારે પડતી વાહવાહ કરવી ખોટી કહેવાશે, પછી ભલેને એ અભિષિક્ત કેમ ન હોય! વડીલો વિશે જ્યારે બાઇબલ કંઈ જણાવે છે, ત્યારે એ આપણને તેઓના વિશ્વાસને અનુસરવાનું ઉત્તેજન આપે છે. પરંતુ, કોઈ મનુષ્યને આપણા આગેવાન તરીકે ઊંચો કરવાની આજ્ઞા બાઇબલ કદીયે આપતું નથી. (હિબ્રૂ ૧૩:૭) ખરું કે, બાઇબલ એવા કેટલાક વિશે જણાવે છે જેઓ “બમણા માનપાત્ર” છે. પણ, ધ્યાન આપો કે બાઇબલ માન આપવાનું શું કારણ જણાવે છે. ‘ઉપદેશ કરવામાં તથા શિક્ષણ આપવામાં શ્રમ લેતા હોવાથી અને સારી રીતે અધિકાર ચલાવતા હોવાથી’ એવા ભાઈઓને માન આપવાનું છે, એ માટે નહિ કે તેઓ અભિષિક્ત છે. (૧ તીમો. ૫:૧૭) એટલું જ નહિ, આપણે અભિષિક્તોની બહુ વાહવાહ કરીશું કે મહત્ત્વ આપીશું, તો આપણા લીધે તેઓ શરમમાં મુકાઈ જશે. અથવા એથીયે ખરાબ, કદાચ આપણે તેઓને અભિમાની બનાવી દઈશું. (રોમ. ૧૨:૩) આપણામાંનું કોઈ પણ નહિ ચાહે કે પોતે ખ્રિસ્તના ભાઈઓને એવી કોઈ ગંભીર ભૂલ કરવા તરફ લઈ જાય.—લુક ૧૭:૨.
૧૦. અભિષિક્ત સેવકોને આપણે માન આપીએ છીએ એવું કઈ રીતે બતાવી શકીએ?
૧૦ યહોવાએ અભિષિક્ત કરેલા સેવકોને આપણે માન આપીએ છીએ એવું કઈ રીતે બતાવી શકીએ? આપણે તેઓને નહિ પૂછીએ કે તેઓ કઈ રીતે અભિષિક્ત થયા. એ એક અંગત બાબત છે, જેને જાણવાનો આપણી પાસે કોઈ અધિકાર નથી. (૧ થેસ્સા. ૪:૧૧) એટલું જ નહિ, આપણે એમ પણ નહિ પૂછીએ કે તેમના પતિ અથવા પત્ની, કે પછી માબાપ અથવા બીજાં કુટુંબીજનો પણ અભિષિક્ત છે કે નહિ. યાદ રાખીએ કે વ્યક્તિને ભાવિ જીવનની આશા કંઈ વારસામાં મળતી નથી. (૧ થેસ્સા. ૨:૧૨) આપણે બીજાઓને મનદુઃખ કરે એવા પ્રશ્નો પૂછવાનું પણ ટાળવું જોઈએ. દાખલા તરીકે, કોઈ અભિષિક્ત ભાઈના પત્નીને આપણે એમ નહિ પૂછીએ, કે પતિ વગર આ પૃથ્વી પર હંમેશાં જીવવું તેમને કેવું લાગશે. આપણે જાણીએ છીએ કે નવી દુનિયામાં યહોવા ‘સર્વ સજીવોની ઇચ્છા તૃપ્ત કરશે.’—ગીત. ૧૪૫:૧૬.
૧૧. ‘ખુશામત કરવાનું’ ટાળવાથી કઈ રીતે આપણું રક્ષણ થાય છે?
૧૧ અભિષિક્તોને બીજાઓ કરતાં વધારે મહત્ત્વના ન ગણીને આપણે પોતાનું રક્ષણ પણ કરીએ છીએ. કઈ રીતે? બાઇબલ જણાવે છે કે મંડળમાં “દંભી ભાઈઓ” હોય શકે, જેઓ અભિષિક્ત હોવાનો દાવો કરે. (ગલા. ૨:૪, ૫; ૧ યોહા. ૨:૧૯) બીજું કે, અમુક અભિષિક્તો કદાચ વફાદાર ન પણ રહે. (માથ. ૨૫:૧૦-૧૨; ૨ પીત. ૨:૨૦, ૨૧) એટલે જો આપણે ‘ખુશામત કરવાનું’ ટાળતા હોઈશું, તો લોકોને અનુસરનારા નહિ બનીએ. પછી, ભલે તેઓ અભિષિક્તો હોય, કે લોકપ્રિય ભાઈ-બહેનો હોય, કે પછી લાંબા સમયથી યહોવાની ભક્તિ કરનારા હોય. આમ, જો એવા લોકો વફાદારી ન જાળવે અને સંગઠન છોડી દે, તોપણ આપણે પોતાની શ્રદ્ધા મક્કમ રાખી શકીશું અને યહોવાની સેવા કરવાનું છોડીશું નહિ.—યહુ. ૧૬.
તેઓની વધતી જતી સંખ્યા શું ચિંતાનો વિષય હોવો જોઈએ?
૧૨, ૧૩. સ્મરણપ્રસંગે ખાવા-પીવામાં ભાગ લેનારાઓની સંખ્યાને લઈને, આપણે શા માટે ચિંતા ન કરવી જોઈએ?
૧૨ ઘણાં વર્ષો સુધી જોવા મળ્યું કે સ્મરણપ્રસંગે રોટલી ખાનારા અને દ્રાક્ષદારૂ પીનારાઓની સંખ્યા ઘટી રહી હતી. પરંતુ, તાજેતરમાં એમાં દર વર્ષે વધારો જોવા મળી રહ્યો છે. શું એને લઈને આપણને ચિંતા થવી જોઈએ? ના. ચાલો એનાં કારણો જોઈએ.
૧૩ ‘જે પોતાનાં છે તેઓને યહોવા ઓળખે છે.’ (૨ તીમો. ૨:૧૯) યહોવાને બરાબર ખબર છે કે કોણ કોણ અભિષિક્ત છે. જોકે, સ્મરણપ્રસંગે ખાવા-પીવામાં ભાગ લેતા લોકોની ગણતરી જે ભાઈઓ કરે છે, તેઓ નથી જાણતા કે કોણ ખરેખર અભિષિક્ત છે. જોઈ શકાય કે, એ સંખ્યામાં એવાઓનો પણ સમાવેશ થાય છે, જેઓને ફક્ત લાગે છે કે પોતે અભિષિક્ત છે, પણ તેઓ ખરેખર અભિષિક્ત નથી. દાખલા તરીકે, અગાઉ ખાવા-પીવામાં ભાગ લેનાર ઘણાએ હવે એમ કરવાનું બંધ કર્યું છે. બીજા કેટલાક લાગણીમય કે માનસિક તકલીફને લીધે, એમ માની લે છે કે તેઓ ખ્રિસ્ત સાથે સ્વર્ગમાં રાજ કરશે. આમ, દેખીતું છે કે, પૃથ્વી પર હકીકતમાં કેટલા અભિષિક્તો બાકી રહ્યા છે, એ વિશે સચોટ રીતે કંઈ કહી શકાય નહિ.
૧૪. મોટી વિપત્તિ શરૂ થાય ત્યારે પૃથ્વી પર અભિષિક્તો કેટલી સંખ્યામાં હશે, એ વિશે બાઇબલ શું જણાવે છે?
૧૪ ઈસુ જ્યારે અભિષિક્તોને સ્વર્ગમાં લઈ જવા આવશે, ત્યારે અભિષિક્તો પૃથ્વી પર જુદી જુદી જગ્યાએ રહેતા હશે. બાઇબલ જણાવે છે કે “રણશિંગડાના મોટા અવાજ સહિત તે [ઈસુ] પોતાના દૂતોને મોકલશે, ને તેઓ ચારે દિશામાંથી, આકાશના એક છેડાથી તે બીજા છેડા સુધી, તેના પસંદ કરેલાઓને એકઠા કરશે.” (માથ. ૨૪:૩૧) બાઇબલ એમ પણ બતાવે છે કે છેલ્લા દિવસોમાં પૃથ્વી પર બહુ થોડા અભિષિક્તો બાકી રહ્યા હશે. (પ્રકટી. ૧૨:૧૭) જોકે, બાઇબલ એ નથી જણાવતું કે મોટી વિપત્તિ શરૂ થાય ત્યારે, અભિષિક્તોમાંના કેટલા પૃથ્વી પર હશે.
૧૫, ૧૬. યહોવાએ પસંદ કરેલા ૧,૪૪,૦૦૦ સેવકો વિશે આપણે શું સમજવાની જરૂર છે?
૧૫ અભિષિક્તોને ક્યારે પસંદ કરવા એ યહોવા નક્કી કરે છે. (રોમ. ૮:૨૮-૩૦) ઈસુ સજીવન થયા એ પછી, યહોવાએ અભિષિક્તોને પસંદ કરવાનું શરૂ કર્યું. એવું લાગે છે કે પ્રથમ સદીમાં બધા જ સાચા ખ્રિસ્તીઓ અભિષિક્ત હતા. જોકે, એ પછીની ઘણી સદીઓ સુધી મોટા ભાગે એવા લોકો હતા, જેઓ પોતાને ખ્રિસ્તી કહેવડાવતા પણ ખ્રિસ્તને અનુસરતા ન હતા. તેમ છતાં, એ સમયગાળામાં ઈસુને પગલે ચાલનાર અમુક ખ્રિસ્તીઓને યહોવાએ અભિષિક્ત કર્યા હતા. ઈસુએ કહ્યું હતું તેમ તેઓ જાણે ઘઉં હતા જેઓ કડવા દાણા મધ્યે વૃદ્ધિ પામવાના હતા. (માથ. ૧૩:૨૪-૩૦) છેલ્લા દિવસો દરમિયાન ૧,૪૪,૦૦૦નો ભાગ બનાવવા માટે યહોવાએ લોકોને પસંદ કરવાનું કામ ચાલુ રાખ્યું છે.[2] ૧,૪૪,૦૦૦નો ભાગ બનાવવા યહોવા કદાચ અમુકને જગતના અંતના થોડા સમય પહેલાં પણ પસંદ કરે. જો તેમણે એવું નક્કી કર્યું હોય, તો આપણે ક્યારેય એવી શંકા નહિ કરીએ કે એમ કરવું યોગ્ય છે કે નહિ. (યશા. ૪૫:૯; દાની. ૪:૩૫; રોમનો ૯:૧૧, ૧૬ વાંચો.)[3] આપણે ચોક્કસ સાવધ રહીશું કે બાઇબલના એક દૃષ્ટાંતમાં જણાવેલા મજૂરો જેવા ન બનીએ. છેલ્લા પહોરમાં કામ શરૂ કરનારાઓ સાથે માલિક જે રીતે વર્ત્યા, એને લઈને મજૂરોએ ફરિયાદ કરી હતી. આપણે તેઓની જેમ ફરિયાદ કરનારા ન બનીએ.—માથ્થી ૨૦:૮-૧૫ વાંચો.
૧૬ સ્વર્ગના જીવનની આશા રાખતા બધા ભક્તો કંઈ “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર”નો ભાગ નથી. (માથ. ૨૪:૪૫-૪૭) પહેલી સદીની જેમ, યહોવા અને ઈસુ આજે પણ બહુ થોડા લોકોનો ઉપયોગ કરીને ઘણાઓને ખવડાવે છે, એટલે કે શીખવે છે. એટલું જ નહિ, પહેલી સદીમાં ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનો લખાવી લેવાં બહુ થોડા અભિષિક્તોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આજે પણ, ઈશ્વરના લોકોને “વખતસર ખાવાનું” આપવાની જવાબદારી બહુ થોડા અભિષિક્તોને સોંપવામાં આવી છે.
૧૭. આ લેખમાંથી આપણે શું શીખ્યા?
૧૭ આ લેખમાંથી આપણે શું શીખ્યા? યહોવાએ પોતાના મોટા ભાગના સેવકોને પૃથ્વી પર હંમેશાંનું જીવન આપવાનું નક્કી કર્યું છે. જ્યારે કે ઈસુ સાથે સ્વર્ગમાં રાજ કરવા માટે તેમણે અમુકને પસંદ કર્યા છે. યહોવા પોતાના બધા જ ભક્તોને ઇનામ આપે છે, ભલે એ “એક યહુદી” હોય કે “દસ માણસો” હોય. એ બંને સમૂહ પાસેથી યહોવા એક સરખી વફાદારી અને નિયમપાલનની અપેક્ષા રાખે છે. બધા ભક્તો નમ્ર હોવા જ જોઈએ. બધાએ યહોવાની ભક્તિ સંપીને કરવી જોઈએ. બધાએ મંડળની શાંતિ જાળવી રાખવા પોતાનો ભાગ અચૂક ભજવવો જોઈએ. અંત નજીક આવે છે તેમ, ચાલો આપણે યહોવાની ભક્તિ કરતા રહીએ અને એક ટોળું બનીને ઈસુ ખ્રિસ્તને અનુસરતા રહીએ.
^ [૧] (ફકરો ૩) ગીતશાસ્ત્ર ૮૭:૫, ૬ પ્રમાણે, ભવિષ્યમાં ઈશ્વર કદાચ એ બધા જ ભક્તોના નામ જાહેર કરે, જેઓ ઈસુ સાથે સ્વર્ગમાંથી રાજ કરી રહ્યા છે.—રોમ. ૮:૧૯.
^ [૨] (ફકરો ૧૫) ખરું કે, પ્રેરિતોનાં કૃત્યો ૨:૩૩ બતાવે છે કે કોઈ વ્યક્તિને અભિષિક્ત કરવામાં ઈસુ પણ ભાગ ભજવે છે. પરંતુ, એ વ્યક્તિને આમંત્રણ તો યહોવા જ આપે છે.
^ [૩] (ફકરો ૧૫) વધુ માહિતી માટે જાન્યુઆરી ૧, ૨૦૦૮ના ચોકીબુરજમાં પાન ર૩-૨૫ ઉપરના ફકરા ૧૩-૧૮ જુઓ.