યુવાનો પૂછે છે . . .
મારે કેવા લોકોની સોબત ન રાખવી જોઈએ?
‘સ્કૂલમાં મારી એક બહેનપણી હતી. તે ડ્રગ્સ ન લેતી. ખરાબ પાર્ટીમાં ન જતી. સંસ્કાર પણ સારા. ક્લાસમાં તેના ટોપ માર્ક્સ. તોપણ તેની સોબત મારા માટે બૂરી હતી.’—બેવરલી.a
બેવરલીને કેમ તેની બહેનપણીની સોબત બૂરી લાગી? બેવરલીને ખબર પડી કે તેની બહેનપણી તેને ખોટે રસ્તે ચડાવતી હતી. બેવરલી કહે છે કે “તેની સોબતને લીધે, ધીમે ધીમે મને મેલીવિદ્યાનાં પુસ્તકો ગમવાં લાગ્યાં. અરે, મેં તો એવી એકાદ વાર્તા પણ લખી નાખી.”
મેલની નામની છોકરીને તો યહોવાહના લોકોમાંથી જ કોઈએ ખોટે રસ્તે ચડાવી દીધી! એટલે સવાલ થાય કે કોઈની સોબત સારી કે ખરાબ, એ કઈ રીતે ખબર પડે? શું યહોવાહને ન માનનારા કાયમ ખરાબ હોય શકે? શું યહોવાહના લોકોમાં આંખો બંધ કરીને ફ્રેન્ડ્ઝ બનાવી શકાય?
કોઈ છોકરા-છોકરીની દોસ્તી વિષે શું? કઈ રીતે કોઈ સારા જીવનસાથીની તલાશ કરી શકે? ચાલો આમાં બાઇબલની મદદ લઈએ.
સારા દોસ્તો કેવા હોવા જોઈએ?
બેવરલીએ તેની બહેનપણી કેમ છોડી દીધી? એટલા માટે કે તે યહોવાહની ભક્તિ કરતી ન હતી? ના, યહોવાહના ભક્તો એમ માનતા નથી કે પોતાના સિવાય બીજા બધા ખરાબ છે. તોપણ દોસ્તી બાંધવાની વાત આવે ત્યારે, આપણે ધ્યાન રાખવું જ જોઈએ. ઈશ્વર ભક્ત પાઊલે પહેલી સદીના કોરીંથી મંડળને ચેતવણી આપી કે “બૂરી સોબત સારા ચારિત્રને બગાડે છે.” (૧ કરિંથ ૧૫:૩૩, સંપૂર્ણ) પાઊલનો કહેવાનો શું અર્થ થાય?
શક્ય છે કે કોરીંથના અમુક ભાઈ-બહેનો એવા લોકોની દોસ્તી રાખતા હતા, જેઓ ગ્રીક ફિલસૂફ એપીક્યુરિઅસને માનતા. જોકે, એ ફિલસૂફે તો પોતાના ચેલાઓને શીખવ્યું હતું કે સારા સંસ્કાર પાળો. હિંમત રાખો. ન્યાયથી વર્તો. તન-મન પર કાબૂ રાખો. તેણે એ પણ શીખવ્યું કે કોઈ જુએ કે ન જુએ, પાપ ન કરો. તો પછી એપીક્યુરિઅસના ચેલાઓ અને મંડળમાં જે ભાઈ-બહેનો તેનું થોડું-ઘણું માનતા હતા, તેઓને પાઊલે કેમ “બૂરી સોબત” ગણ્યા?
એપીક્યુરિઅસના ચેલાઓ યહોવાહના ભક્તો ન હતા. તેઓ માનતા કે જીવનમાં જે જલસા કરવા હોય, હમણાં જ કરો. ગુજરી ગયા પછી કોઈ જ આશા નથી. (પ્રેરિતોનાં કૃત્યો ૧૭:૧૮, ૧૯, ૩૨) તેઓની સોબત રાખનારા ભાઈ-બહેનોને પણ શક થવા લાગ્યો હતો કે ગુજરી ગયેલાને ઈશ્વર સજીવન કરશે કે કેમ. એટલે જ પહેલા કોરીંથીના પંદરમા અધ્યાયમાં પાઊલે ખરાબ સોબત સામે ચેતવણી આપી. પણ સાથે સાથે એ અધ્યાય ત્યારના ભાઈ-બહેનોને પૂરી ખાતરી કરાવવા માટે હતો કે ગુજરી ગયેલાને ઈશ્વર ફરીથી જીવન આપશે, એમાં કોઈ શંકા જ નથી.
આમાંથી શું શીખી શકાય? એ જ કે જે લોકો ધાર્મિક નથી, તેઓ સારા સંસ્કાર પાળતા હોય શકે. પણ તેઓની દોસ્તીની અસર આપણા વાણી, વર્તન, વિચારો અને ભક્તિ પર જરૂર પડશે. ઈશ્વર ભક્ત પાઊલે કોરીંથીઓને જણાવ્યું કે “અન્યધર્મી સાથે તેમના જેવા બની કાર્ય કરવાનો પ્રયત્ન ન કરો.”—૨ કોરીંથી ૬:૧૪-૧૮, પ્રેમસંદેશ.
ફ્રેડ નામના ૧૬ વર્ષના ભાઈનો વિચાર કરો. તેને પાઊલની સલાહથી મદદ મળી. ફ્રેડ સ્કૂલના એક વધારાના પ્રોજેક્ટમાં જોડાયો. એમાં તેણે ગરીબ દેશમાં જઈને બાળકોને ભણાવવાનું હતું. પણ ફ્રેડ અને ક્લાસના બીજા છોકરાઓ તેની તૈયારી કરવા લાગ્યા તેમ, ફ્રેડનો વિચાર બદલાયો. ફ્રેડનું કહેવું છે કે “તેઓ સાથે લાંબો સમય રહેવાથી મારી ભક્તિ પર કેવી ખરાબ અસર પડશે, એ હું જોઈ શક્યો.” ફ્રેડે એ પ્રોજેક્ટ પડતો મૂક્યો, પણ બીજી રીતે લોકોને મદદ કરવાનું પસંદ કર્યું.
યહોવાહના લોકોમાં દોસ્તી
યહોવાહના લોકોમાં જ ફ્રેન્ડ બનાવવામાં કંઈ વાંધો છે? યુવાન તીમોથીને પાઊલે ચેતવણી આપી કે “મોટા ઘરમાં કેવળ સોનારૂપાનાં જ નહિ, પણ લાકડાંનાં તથા માટીનાં પાત્રો પણ હોય છે; તેઓમાંનાં કેટલાંક ઉત્તમ કાર્યોને માટે ને કેટલાંક હલકાં કાર્યોને માટે હોય છે. એ માટે જો કોઈ પાછલાંથી પોતાને દૂર રાખીને શુદ્ધ રહે, તો તે ઉત્તમ કાર્યને સારૂ પવિત્ર કરેલું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારાં કામને માટે તૈયાર કરેલું પાત્ર થશે.” (૨ તીમોથી ૨:૨૦, ૨૧) પાઊલે સાફ શબ્દોમાં કહ્યું કે યહોવાહના લોકોમાં બધા જ સારા હશે એવું નથી. તેમણે તીમોથીને સલાહ આપી કે કોની દોસ્તી ન કરવી જોઈએ.
તો શું આપણે ભાઈ-બહેનો પર શંકા કરવી જોઈએ? ના. પણ આપણે એવું ધારી લેવું ન જોઈએ કે મંડળમાં કોઈ કદી ભૂલ નહિ કરે. (સભાશિક્ષક ૭:૧૬-૧૮) એમ પણ ન વિચારવું જોઈએ કે કોઈ વ્યક્તિ મિટિંગમાં આવે છે અથવા તેનાં માબાપ મંડળમાં બહુ જોશીલાં છે, એટલે તેની સાથે દોસ્તી બાંધવી ખોટું નથી.
નીતિવચનો ૨૦:૧૧ જણાવે છે કે “બાળક પણ પોતાના આચરણથી ઓળખાય છે, કે તેનું કામ શુદ્ધ અને સારૂં છે કે નહિ.” એટલે વિચારો કે શું તેના જીવનમાં યહોવાહની ભક્તિ પહેલા આવે છે કે છેલ્લે? એ પણ વિચારો, તેના સ્વભાવમાં “જગતનો આત્મા” છે, એટલે કે દુનિયાના વિચારો છે? (૧ કોરીંથી ૨:૧૨; એફેસી ૨:૨) શું તેના ફ્રેન્ડ બનવાથી તમને યહોવાહની વધારે ભક્તિ કરવા મદદ મળશે?
એવા ફ્રેન્ડની પસંદગી કરો, જે યહોવાહને દિલોજાનથી ચાહતા હોય. એનાથી એક તો, તમે મુશ્કેલીમાં નહિ આવો. બીજું કે તમને પણ યહોવાહની ભક્તિમાં હોંશ જાગશે. પાઊલે તીમોથીને કહ્યું કે “પ્રભુનું નામ શુદ્ધ હૃદયથી લેનારાઓની સાથે ન્યાયીપણું, વિશ્વાસ, પ્રેમ તથા શાંતિ પ્રાપ્ત કરવાને યત્ન કર.”—૨ તીમોથી ૨:૨૨.
છોકરા-છોકરીની દોસ્તી વિષે શું?
તમે ઉંમરલાયક થાવ ત્યારે, જીવનસાથી પસંદ કરવા આ સલાહ કઈ રીતે મદદ કરી શકે? માનો કે તમને કોઈ બહુ ગમે છે. પણ વિચારો કે તે યહોવાહને કેટલું ચાહે છે?
બાઇબલ કહે છે કે “કેવળ પ્રભુમાં” પરણો. એ વારંવાર ચેતવણી આપે છે કે જેઓ યહોવાહના ભક્તો નથી, તેઓને ન પરણો. (૧ કોરીંથી ૭:૩૯; પુનર્નિયમ ૭:૩, ૪; નહેમ્યાહ ૧૩:૨૫) બની શકે કે યહોવાહને ન ભજનાર પણ સારી રીતે જવાબદારી ઉપાડતા હોય. તેના સંસ્કાર સારા હોય અને બહુ પ્રેમાળ હોય. તોપણ તે તમારી જેમ, પોતાના સ્વભાવમાં હજુ સુધારો કરતા રહેશે અને કાયમ તમારા જીવનસાથી બની રહેશે, એવું નથી.
જ્યારે કે યહોવાહની તન-મનથી ભક્તિ કરનાર, ગમે એવા સંજોગોમાં, પોતાનો સ્વભાવ સુધારતા રહેશે. તે જાણે છે કે યહોવાહના આશીર્વાદ જોઈતા હોય તો પોતાના જીવનસાથીને દિલથી ચાહવા જોઈએ. (એફેસી ૫:૨૮, ૩૩; ૧ પીતર ૩:૭) એટલે જે પતિ-પત્ની યહોવાહનું દિલ જીતી લેવા માંગે છે, તેઓ એકબીજાનું દિલ પણ જીતી લેશે.
શું એનો અર્થ એમ કે યહોવાહના લોકોમાં લગ્ન કરો, એટલે સુખી થઈ જશો? ના, એવું નથી. વિચારો કે તમે કોઈ એવી વ્યક્તિ સાથે લગ્ન કરો, જે ફક્ત નામ પૂરતી જ યહોવાહની ભક્તિ કરતી હોય. એવી વ્યક્તિને શું થઈ શકે? દુનિયાના દબાણ સામે લડવા તૈયાર ન હોવાથી, ધીમે ધીમે તે યહોવાહથી દૂર ચાલી જશે. (ફિલિપી ૩:૧૮; ૧ યોહાન ૨:૧૯) જરા વિચારો કે તમારા જીવનસાથી પાછા ‘દુન્યવી માર્ગોમાં’ ફસાઈ જાય તો, તમારી જિંદગી કેટલી કઠિન બની શકે છે.—૨ પિતર ૨:૨૦, IBSI.
એટલે કોઈની સાથે લગ્ન કરવાનું નક્કી કરો એ પહેલાં વિચારો કે શું એ યહોવાહને તન-મનથી ચાહે છે? શું તે ખ્રિસ્તના પગલે ચાલે છે? સત્યમાં એનાં મૂળ ઊંડાં ઊતરેલાં છે કે હજુ વાર છે? શું તમને પૂરી ખાતરી છે કે તે યહોવાહ માટે કંઈ પણ કરવા તૈયાર છે? ખરું કે લોકોમાં તેની સારી શાખ હોય, એ તો વધારે સારું. તોપણ, તમારે પોતે ખાતરી કરવી પડશે કે તે યહોવાહને દિલોજાનથી ચાહે છે. તે તમને જીવનભર સાથ આપશે.
એ પણ ખરું છે કે ‘ખરાબ લોકો’, બૂરી આદતો કે મોજશોખ જેવી ખરાબ ચીજો તરફ જ ખેંચાય છે. એ જ રીતે, સારા લોકો સારી આદતો તરફ ખેંચાય છે. યહોવાહના લોકોમાંના સારા યુવાનો બૂરી સોબત પસંદ નહિ કરે. તમે પોતાના દિલમાં ડોકિયું કરો કે ‘હું કેવો છું?’
જો તમને લાગે કે સુધારો કરવાની જરૂર છે, તો નિરાશ ન થાવ. તમે તમારું દિલ કેળવી શકો છો. (નીતિવચનો ૨૩:૧૨) ખાસ તો એ નક્કી કરો કે તમારું દિલ ખરેખર શું કરવા ચાહે છે? શું તમારે સારું જીવન જીવવું છે? યહોવાહની મદદથી તમે ચોક્કસ એવું જ દિલ કેળવી શકો છો. (ગીતશાસ્ત્ર ૯૭:૧૦) તમારા દિલને ખરું-ખોટું પારખતા શીખવો. પછી સારા ફ્રેન્ડ્ઝ શોધવાનું સહેલું બનશે.—હેબ્રી ૫:૧૪. (g05 8/22)
[ફુટનોટ]
a નામ બદલ્યાં છે.
[પાન ૧૪ પર ચિત્ર]
સારી સોબતથી યહોવાહની ભક્તિમાં હોંશ જાગશે