આ છેલ્લા સમયમાં તમારી સંગત વિશે સાવધ રહો
“દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.”—૧ કોરીં. ૧૫:૩૩.
ગીતો: ૮ (51), ૧૬ (224)
૧. આપણે કયા સમયમાં જીવી રહ્યા છીએ?
આપણે “સંકટના વખતો”માં જીવી રહ્યા છીએ. વર્ષ ૧૯૧૪થી “છેલ્લા સમય”ની શરૂઆત થઈ ચૂકી છે. એના લીધે, દુનિયાની હાલત પહેલાં કરતાં ખૂબ જ ખરાબ થઈ ગઈ છે. (૨ તીમો. ૩:૧-૫) આપણને પૂરી ખાતરી છે કે દુનિયાની હાલત હજીયે ખરાબ થશે. કારણ કે બાઇબલની ભવિષ્યવાણી જણાવે છે કે ‘દુષ્ટ માણસ તથા ધુતારાઓ વધુ ને વધુ ખરાબ બનતા જશે.’—૨ તીમો. ૩:૧૩.
૨. આજે લોકો કેવું મનોરંજન પસંદ કરે છે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૨ આજે ઘણા લોકો મનોરંજન માટે એવી બાબતો જુએ છે અથવા કરે છે, જે બાઇબલની વિરુદ્ધ છે. જેમ કે, હિંસા, જાતીય અનૈતિકતા, જાદુમંતર કે ભૂત-પ્રેતથી ભરપૂર મનોરંજન. આજે ઇન્ટરનેટ, ટી.વી. કાર્યક્રમો, ફિલ્મો, પુસ્તકો અને મૅગેઝિનમાં હિંસા અને અનૈતિકતા એ રીતે રજૂ કરવામાં આવે છે કે જાણે એમાં કંઈ જ ખોટું નથી. બીજું કે, થોડાં વર્ષો અગાઉ જે વર્તનથી લોકો ચોંકી ઊઠતા હતા, આજે એવા વર્તનથી તેઓને કોઈ વાંધો નથી. અરે, અમુક જગ્યાઓમાં તો કાયદાએ પણ એવા ખોટાં વર્તનને પરવાનગી આપી દીધી છે. પણ એનો અર્થ એવો નથી કે યહોવા એવા વર્તનને મંજૂરી આપે છે.—રોમનો ૧:૨૮-૩૨ વાંચો.
૩. ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવતા લોકો વિશે દુનિયાના લોકોને કેવું લાગે છે?
૩ પ્રથમ સદીમાં પણ લોકો અશ્લીલ અને હિંસક મનોરંજન જોતા હતા. પણ, ઈસુના શિષ્યો એવી બાબતોથી દૂર રહ્યા, કેમ કે તેઓ ઈશ્વરનાં ધોરણો પાળતાં હતાં. એ જોઈને બીજાઓને ‘આશ્ચર્ય થતું.’ એટલે, તેઓ ખ્રિસ્તીઓની મજાક ઉડાવતા અને સતાવણી કરતા. (૧ પીત. ૪:૪) આજે પણ એવું જ જોવા મળે છે. ઈશ્વરનાં ધોરણો પ્રમાણે જીવતા લોકોને જોઈને ઘણાને આશ્ચર્ય થાય છે. એમ પણ બાઇબલમાં પહેલેથી જણાવ્યું છે કે ખ્રિસ્તને અનુસરનારા “સઘળા પર સતાવણી થશે જ.”—૨ તીમો. ૩:૧૨.
“દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે”
૪. શા માટે આપણે આ જગત પર પ્રેમ ન રાખવો જોઈએ?
૪ જો આપણે ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરવા ચાહતા હોઈએ, તો આપણે આ ‘જગત પર અથવા જગતમાંની વસ્તુઓ’ પર પ્રેમ ન રાખી શકીએ. (૧ યોહાન ૨:૧૫, ૧૬ વાંચો.) આખી દુનિયા શેતાનની મુઠ્ઠીમાં છે, જે ‘આ જગતનો દેવ’ છે. લોકોને ખોટા માર્ગે દોરવા તે ધર્મો, સરકારો અને વેપારી સંગઠનોનો ઉપયોગ કરે છે. ઉપરાંત, તે પ્રસાર માધ્યમો, જેમ કે ઇન્ટરનેટ, ટી.વી. કાર્યક્રમો, ન્યૂઝપેપર અને મૅગેઝિનનો પણ ઉપયોગ કરે છે. (૨ કોરીં. ૪:૪; ૧ યોહા. ૫:૧૯) પરંતુ, આપણે આ દુનિયાના રંગમાં રંગાઈ જવા માંગતા નથી. એટલે આપણે ખરાબ સંગતથી દૂર રહેવું જોઈએ. બાઇબલ સાફ ચેતવણી આપે છે: ‘ભૂલશો નહિ, દુષ્ટ સોબત સદાચરણને બગાડે છે.’—૧ કોરીં. ૧૫:૩૩.
૫, ૬. આપણે કોની સંગત ન રાખવી જોઈએ અને શા માટે?
૫ આપણે યહોવા સાથેની મિત્રતા ગુમાવવા માંગતા નથી. તેથી, આપણે એવા લોકોની સંગત નહિ કરીએ, જેઓ ખરાબ કામો કરે છે. પછી, ભલે એ લોકો પોતાને યહોવાના ભક્તો કેમ ન કહેવડાવતા હોય. એવી વ્યક્તિ જ્યારે ગંભીર પાપ કરે છે અને પસ્તાવો બતાવતી નથી, ત્યારે આપણે તેની સંગત છોડી દઈએ છીએ.—રોમ. ૧૬:૧૭, ૧૮.
૬ સ્વાભાવિક રીતે, લોકો પોતાના મિત્રોને ખુશ કરવા માંગતા હોય છે. તેમજ, મિત્રો તેઓનો સાથ ન છોડે એવું ઇચ્છશે. એટલે જો આપણે પણ ઈશ્વરની આજ્ઞા ન માનતા લોકોની સંગતમાં રહીશું, તો તેઓનાં જેવાં કામ કરવાં લલચાઈ શકીએ. દાખલા તરીકે, જો આપણે અનૈતિક કામો કરનારા લોકોની સંગત રાખીશું, તો આપણે તેઓનાં જેવાં કામ કરવાં લાગીશું. કેટલાંક ભાઈ-બહેનો સાથે એવું બન્યું છે. અરે, જેઓએ એવી ભૂલોનો પસ્તાવો બતાવ્યો નથી, તેઓ બહિષ્કૃત થયા છે. (૧ કોરીં. ૫:૧૧-૧૩) તેઓ પાપનો પસ્તાવો નહિ કરે તો, તેઓની હાલત એવા લોકો જેવી થઈ શકે, જેઓના વિશે પીતરે જણાવ્યું છે.—૨ પીતર ૨:૨૦-૨૨ વાંચો.
૭. આપણે કોની સાથે ગાઢ મિત્રતા કરવી જોઈએ?
૭ ખરું કે, આપણે બધા લોકો સાથે પ્રેમથી વર્તવાનું છે. પરંતુ, ઈશ્વરની આજ્ઞા ન પાળતા લોકો સાથે ગાઢ મિત્રતા બાંધવી ન જોઈએ. આ સંજોગનો વિચાર કરો: આપણા કોઈ ભાઈ કે બહેન એવી વ્યક્તિ સાથે ડેટિંગ કરે છે, જે યહોવાને સમર્પિત નથી, તેમને વફાદાર નથી અને તેમનાં ઉચ્ચ ધોરણોને ગણકારતી નથી. એવી વ્યક્તિ સાથે ડેટિંગ કરવી, એટલે કે લગ્નના ઇરાદાથી હળવું-મળવું કેટલું ખોટું કહેવાશે! આપણા માટે યહોવાને ખુશ કરવા વધુ મહત્ત્વનું છે, લોકોને નહિ. આપણે ફક્ત એવા લોકો સાથે જ ગાઢ મિત્રતા કરવી જોઈએ, જેઓ યહોવાની ઇચ્છા પ્રમાણે કરે છે. ઈસુએ કહ્યું હતું: “જે કોઈ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરશે તે જ મારો ભાઈ તથા મારી બહેન તથા મારી મા છે.”—માર્ક ૩:૩૫.
૮. ખરાબ સંગતને લીધે ઈસ્રાએલીઓ સાથે શું બન્યું?
૮ ખરાબ લોકોની સંગત કરવાથી નુકસાનકારક પરિણામો આવે છે. ઈસ્રાએલીઓનો વિચાર કરો. તેઓ વચનના દેશમાં પ્રવેશે એ પહેલાં યહોવાએ તેઓને એ દેશના લોકોથી સાવધ રહેવા કહ્યું હતું. યહોવાએ ચેતવણી આપી હતી કે ‘તેઓના દેવો આગળ તું ન નમીશ ને તેઓની સેવા ન કરીશ, ને તેઓનાં કામ પ્રમાણે ન કરીશ; પણ તેઓને તું તદ્દન તોડી પાડ, ને તેઓના સ્તંભોના ચૂરેચૂરા કર. તમારે તમારા ઈશ્વર યહોવાની સેવા કરવી.’ (નિર્ગ. ૨૩:૨૪, ૨૫) પણ મોટા ભાગના ઈસ્રાએલીઓ યહોવાની આજ્ઞા પાળવામાં નિષ્ફળ ગયા અને યહોવાને વફાદાર રહ્યા નહિ. (ગીત. ૧૦૬:૩૫-૩૯) એનું કેવું પરિણામ આવ્યું? યહોવાએ ઈસ્રાએલી પ્રજાનો નકાર કર્યો. તેઓની જગ્યાએ યહોવાએ ખ્રિસ્તી મંડળને પોતાની પ્રજા તરીકે પસંદ કર્યું.—માથ. ૨૩:૩૮; પ્રે.કૃ. ૨:૧-૪.
જે વાંચો છો અને જુઓ છો એ વિશે સાવધ રહો
૯. આજના જગતમાં મળી રહેતી માહિતી શા માટે જોખમી બની શકે?
૯ આજે ટી.વી. કાર્યક્રમો, ઇન્ટરનેટ અને સાહિત્યમાં પીરસવામાં આવતી માહિતી, યહોવા સાથેની આપણી મિત્રતાને નુકસાન પહોંચાડી શકે. એ માહિતીને એવી રીતે તૈયાર કરવામાં આવતી નથી કે યહોવામાં અને તેમના વચનોમાં આપણી શ્રદ્ધા મજબૂત કરે. એને બદલે, એ તો શેતાનના દુષ્ટ જગતમાં લોકોને ભરોસો મૂકવા ઉત્તેજન આપે છે. તેથી, શેતાનના જગતની “વિષયવાસના,” એટલે કે દુનિયાની ઇચ્છાઓ આપણામાં ન આવી જાય એનું ધ્યાન રાખીએ. (તીત. ૨:૧૨) તેથી, આપણે શું વાંચીએ છીએ, શું જોઈએ છીએ અથવા શું સાંભળીએ છીએ એ વિશે બહુ સાવધ રહેવું જોઈએ.
૧૦. દુનિયામાં મળી રહેતી વાંચવા અને જોવા માટેની માહિતીનું શું થશે?
૧૦ જલદી જ શેતાનના જગતનો નાશ કરવામાં આવશે. તેમજ, એમાં મળી રહેતી વાંચવા અને જોવા માટેની માહિતીનો પણ નાશ થશે. બાઇબલ જણાવે છે: ‘જગત તથા એની લાલસા જતાં રહે છે; પણ જે ઈશ્વરની ઇચ્છા પૂર્ણ કરે છે તે સદા રહે છે.’ (૧ યોહા. ૨:૧૭) તેમજ, બાઇબલ જણાવે છે કે ‘દુષ્ટ કામો કરનારાઓનો નાશ થશે.’ એ પણ જણાવે છે કે “નમ્ર લોકો દેશનું વતન પામશે અને પુષ્કળ શાંતિમાં તેઓ આનંદ કરશે.” કેટલા સમય સુધી? બાઇબલ જણાવે છે: ‘ન્યાયીઓ દેશનો વારસો પામશે અને એમાં તેઓ સદાકાળ રહેશે.’—ગીત. ૩૭:૯, ૧૧, ૨૯.
૧૧. યહોવા સાથેનો આપણો સંબંધ મજબૂત બની રહે એ માટે તેમણે કઈ મદદ આપી છે?
૧૧ યહોવાનું સંગઠન શેતાનની દુનિયાથી સાવ જ અલગ છે. એ તો આપણને હંમેશ માટેનું જીવન મળે એ રીતે જીવવા મદદ કરે છે. ઈસુએ યહોવાને પ્રાર્થનામાં કહ્યું હતું: ‘અનંતજીવન એ છે કે તેઓ તમને એકલા ખરા ઈશ્વરને તથા ઈસુ ખ્રિસ્ત જેમને તમે મોકલ્યા છે તેમને ઓળખે.’ (યોહા. ૧૭:૩) યહોવા પોતાના સંગઠન દ્વારા ઘણી બધી માહિતી આપે છે. એનાથી આપણે તેમને વધુ સારી રીતે ઓળખી શકીએ છીએ. જેમ કે, મૅગેઝિન, નાની પુસ્તિકાઓ, પુસ્તકો, વીડિયો અને આપણી વેબસાઇટ. એ બધી માહિતી આપણને ભક્તિમાં લાગુ રહેવા પણ મદદ કરે છે. ઉપરાંત, જગત ફરતે આપણાં ૧ લાખ ૧૦ હજાર કરતાં વધુ મંડળો છે. યહોવાનું સંગઠન એ બધાં મંડળોમાં નિયમિત સભાઓની ગોઠવણ કરે છે. એ બધી સભાઓમાં અને સંમેલનોમાં આપણે બાઇબલમાંથી શીખીએ છીએ. એ શિક્ષણ યહોવા અને તેમનાં વચનોમાં આપણો ભરોસો મજબૂત કરે છે.—હિબ્રૂ ૧૦:૨૪, ૨૫.
‘ફક્ત પ્રભુમાં’ લગ્ન કરો
૧૨. ‘ફક્ત પ્રભુમાં’ લગ્ન કરવાની સલાહનો શો અર્થ થાય? સમજાવો.
૧૨ આપણા જે ભાઈ કે બહેન લગ્ન કરવાની ઇચ્છા રાખે છે, તેમણે પોતાની સંગત વિશે ખાસ ધ્યાન રાખવું જોઈએ. બાઇબલ ચેતવણી આપે છે: “અવિશ્વાસીઓની સાથે અઘટિત સંબંધ ન રાખો, કેમ કે ન્યાયીપણાની અન્યાયીપણાની સાથે સોબત કેમ હોય? અજવાળાને અંધકારની જોડે શી સંગત હોય?” (૨ કોરીં. ૬:૧૪) બાઇબલ દ્વારા યહોવા પોતાના સેવકોને ‘ફક્ત પ્રભુમાં’ લગ્ન કરવાની સલાહ આપે છે. એટલે કે એવી વ્યક્તિ સાથે લગ્ન કરવા જણાવે છે, જેણે બાપ્તિસ્મા લીધું હોય અને યહોવાનાં ધોરણો પ્રમાણે ચાલતી હોય. (૧ કોરીં. ૭:૩૯) યહોવાને પ્રેમ કરનાર વ્યક્તિ સાથે લગ્ન કરવાથી, તમને એવો સાથી મળે છે, જે યહોવાને વફાદાર રહેવામાં તમને મદદ કરશે.
૧૩. લગ્ન વિશે યહોવાએ ઈસ્રાએલીઓને કઈ આજ્ઞા આપી હતી?
૧૩ યહોવા જાણે છે કે આપણું ભલું શામાં છે. યહોવા હંમેશાંથી ચાહતા હતા કે તેમના ભક્તો ‘ફક્ત પ્રભુમાં’ લગ્ન કરે. દાખલા તરીકે, યહોવાએ ઈસ્રાએલીઓને બીજી પ્રજાઓ વિશે જે કહ્યું એના પર ધ્યાન આપો. યહોવાએ મુસા દ્વારા તેઓને આમ કહ્યું: ‘તારે તેઓની સાથે લગ્નવ્યવહાર રાખવો નહિ; તારે તારી દીકરીઓ તેઓના દીકરાઓને ન આપવી, તેમજ તેઓની દીકરીઓ તારા દીકરાઓની સાથે પરણાવવી નહિ. કેમ કે તે તારા દીકરાઓને મારા માર્ગમાંથી ભટકાવી દેશે, એ માટે કે તેઓ બીજા દેવદેવીઓની સેવા કરે; એનાથી તો યહોવા તમારા પર કોપાયમાન થશે અને તે જલદી તમારો નાશ કરશે.’—પુન. ૭:૩, ૪.
૧૪, ૧૫. યહોવાની આજ્ઞા ન પાળવાને લીધે સુલેમાન સાથે શું બન્યું?
૧૪ ઈસ્રાએલના રાજા બન્યા એના થોડા સમય પછી, સુલેમાને ડહાપણ માટે યહોવાને પ્રાર્થના કરી. યહોવાએ તેમની પ્રાર્થના સાંભળી. સુલેમાન એક સફળ રાષ્ટ્રના બુદ્ધિમાન રાજા તરીકે પ્રસિદ્ધ થયા. અરે, શેબાની રાણી તો સુલેમાનના ડહાપણથી એટલી બધી પ્રભાવિત થઈ કે તેણે કહ્યું: ‘જે કીર્તિ મેં સાંભળી હતી એ કરતાં તમારું જ્ઞાન અને તમારી સમૃદ્ધિ વિશેષ છે.’ (૧ રાજા. ૧૦:૭) પરંતુ, સુલેમાનનો દાખલો આપણને એક ચેતવણી પણ આપે છે. એ જ કે, એક સાક્ષી ભાઈ કે બહેન યહોવાની આજ્ઞા અવગણીને, સત્ય બહાર લગ્ન કરે છે ત્યારે કેવાં પરિણામો આવે છે!—સભા. ૪:૧૩.
૧૫ યહોવાએ સુલેમાન પર અઢળક આશીર્વાદો વરસાવ્યા હતા. છતાં, યહોવાએ આપેલી સ્પષ્ટ આજ્ઞા પાળવામાં સુલેમાન નિષ્ફળ ગયા. રાજા સુલેમાન એવી “ઘણી પરદેશી સ્ત્રીઓ”ના પ્રેમમાં પડ્યા, જેઓ યહોવાની સેવા કરતી ન હતી. અરે, સમય જતાં તેમણે એવી ૭૦૦ પત્નીઓ અને ૩૦૦ ઉપપત્નીઓ કરી. એનું કેવું પરિણામ આવ્યું? રાજા સુલેમાન વૃદ્ધ થયા ત્યારે ‘તેમની સ્ત્રીઓએ તેમનું હૃદય અન્ય દેવો તરફ ફેરવી નાખ્યું. અને તેમણે યહોવાની નજરમાં જે ભૂંડું હતું તે કર્યું.’ (૧ રાજા. ૧૧:૧-૬) ખોટી સોબતને લીધે તેમણે યહોવાની ભક્તિ કરવાનું છોડી દીધું. જો રાજા સુલેમાન સાથે આવું બની શકે, તો કોઈની પણ સાથે એવું બની શકે. તેથી, યહોવાને પ્રેમ ન કરનાર વ્યક્તિ સાથે લગ્ન કરવાનું આપણે વિચારતા પણ નથી!
૧૬. જેઓને લગ્ન પછી સત્ય મળ્યું હોય, તેઓ માટે બાઇબલ કઈ સલાહ આપે છે?
૧૬ જોકે, એવી વ્યક્તિ વિશે શું જેને લગ્ન પછી સત્ય મળ્યું હોય? બાઇબલ સલાહ આપે છે: ‘પત્નીઓ, તમે તમારા પતિઓને આધીન રહો, જેથી જો કોઈ પતિ સુવાર્તાનાં વચન માનનાર ન હોય, તો તે પોતાની પત્નીનાં આચરણથી, એક પણ શબ્દ બોલ્યા વગર મેળવી લેવાય.’ (૧ પીત. ૩:૧, ૨) એ સલાહ એવા પતિઓને પણ લાગુ પડે છે, જેઓની પત્ની સત્યમાં નથી. ઈશ્વરની સલાહ સ્પષ્ટ છે: સારા લગ્નસાથી બનો અને લગ્નજીવનમાં યહોવાનાં ધોરણો પાળો. એમ કરવાથી તમારામાં આવેલા સારાં બદલાણને તમારું લગ્નસાથી ધ્યાનમાં લેશે. એ પછી, તેમને પણ યહોવાની સેવા કરવાની ઇચ્છા થશે. ઘણાં યુગલોને એવો અનુભવ થયો છે.
યહોવાને ચાહનારાઓ સાથે સંગત રાખીએ
૧૭, ૧૮. નુહ શાના લીધે જળપ્રલયમાંથી બચી શક્યા? પ્રથમ સદીના ખ્રિસ્તીઓ શાના લીધે વિનાશમાંથી બચી શક્યા?
૧૭ ખરાબ સંગતને લીધે આપણે યહોવાની આજ્ઞા પાળવાનું ચૂકી જઈ શકીએ. જ્યારે કે સારી સંગતથી આપણે યહોવાને વફાદાર રહી શકીશું. નુહનો વિચાર કરો. તેમના સમયમાં ‘માણસની ભૂંડાઈ પૃથ્વીમાં ઘણી થઈ અને તેઓનાં હૃદયના વિચારની હરેક કલ્પના નિરંતર ભૂંડી હતી.’ (ઉત. ૬:૫) લોકો એટલા ખરાબ થઈ ગયા કે યહોવાએ તેઓનો નાશ કરવાનો નિર્ણય લીધો. પરંતુ, નુહ એ લોકો કરતાં અલગ હતા. બાઇબલ જણાવે છે કે ‘નુહ ન્યાયી તથા સીધા માણસ હતા અને તે ઈશ્વરની સાથે ચાલતા હતા.’—ઉત. ૬:૭-૯.
૧૮ નુહ એવા લોકોની સંગતથી દૂર રહ્યા, જેઓ યહોવાને પ્રેમ કરતા ન હતા. તે અને તેમનું કુટુંબ વહાણ બનાવવાના કામમાં પરોવાયેલાં રહ્યાં. એક “ન્યાયીપણાના ઉપદેશક” તરીકે નુહ કામ કરતા રહ્યા. (૨ પીત. ૨:૫) નુહ, તેમના પત્ની અને તેમનાં ત્રણ દીકરા અને તેઓની પત્નીઓએ એકબીજા સાથે સારી સંગત રાખી. તેઓ એવાં કામમાં લાગુ રહ્યાં, જેનાથી યહોવાને ખુશી મળે. એટલા માટે તેઓ જળપ્રલયમાંથી બચી ગયાં. નુહ અને તેમના કુટુંબે યહોવાની આજ્ઞા પાળી અને સારી સંગત રાખી, એ માટે આપણે તેમના કેટલા આભારી હોવા જોઈએ! કેમ કે, તેઓના વંશજો તરીકે આજે આપણને જીવવાનો મોકો મળ્યો છે. પ્રથમ સદીના ખ્રિસ્તીઓ પણ એવા લોકોની સંગતથી દૂર રહ્યા, જેઓ યહોવાને પ્રેમ કરતા ન હતા. તેઓએ યહોવાની આજ્ઞા પાળી અને ઈ.સ. ૭૦માં જ્યારે યરુશાલેમનો વિનાશ થયો ત્યારે બચી ગયા.—લુક ૨૧:૨૦-૨૨.
૧૯. યહોવાને વફાદાર રહેવા આપણને શું મદદ કરશે?
૧૯ નુહ, તેમનું કુટુંબ અને પ્રથમ સદીના ખ્રિસ્તીઓની જેમ, આપણે પણ એવા લોકોથી દૂર રહીએ જેઓ યહોવાને ચાહતા નથી. દુનિયા ફરતે આપણાં લાખો ભાઈ-બહેનો છે, જેઓ યહોવાને વફાદાર છે. આપણે તેઓમાંથી મિત્રો પસંદ કરીએ. આ સંકટના સમયમાં તેઓ આપણને “વિશ્વાસમાં દૃઢ” રહેવા મદદ કરશે. (૧ કોરીં. ૧૬:૧૩; નીતિ. ૧૩:૨૦) જરા વિચારો કે આ દુષ્ટ દુનિયાના અંતમાંથી બચીને યહોવાની નવી દુનિયામાં જવું કેટલું અદ્ભુત હશે! તેથી, એ કેટલું જરૂરી છે કે આ છેલ્લા સમયમાં આપણે ખરાબ સંગતથી દૂર રહીએ!