પહેલો રાજાઓ
૧૧ રાજા સુલેમાન ઇજિપ્તના રાજાની દીકરી+ ઉપરાંત ઘણી પરદેશી સ્ત્રીઓના+ પ્રેમમાં પડ્યો હતો. તે મોઆબી,+ આમ્મોની,+ અદોમી, સિદોની+ અને હિત્તી+ સ્ત્રીઓના પ્રેમમાં હતો. ૨ તેઓ એ પ્રજાઓમાંથી હતી, જેઓના વિશે યહોવાએ ઇઝરાયેલીઓને કહ્યું હતું: “તમારે તેઓ સાથે હળવું-મળવું નહિ* અને તેઓ તમારી સાથે હળે-મળે નહિ, કેમ કે તેઓ ચોક્કસ તમારું દિલ પોતાના દેવો તરફ વાળી દેશે.”+ તોપણ સુલેમાન તેઓના પ્રેમમાં ડૂબેલો રહ્યો. ૩ તેને ૭૦૦ પત્નીઓ હતી, જેઓ રાજવંશની હતી અને ૩૦૦ ઉપપત્નીઓ હતી. તેની પત્નીઓ ધીરે ધીરે તેનું દિલ ઈશ્વરથી દૂર લઈ ગઈ.* ૪ સુલેમાનના ઘડપણમાં+ તેની પત્નીઓએ તેનું દિલ બીજા દેવોની ભક્તિ તરફ વાળી દીધું.+ તેણે પૂરા દિલથી ઈશ્વર યહોવાની ભક્તિ કરી નહિ, જેમ તેના પિતા દાઉદે કરી હતી. ૫ સુલેમાને સિદોનીઓની દેવી આશ્તોરેથની+ અને આમ્મોનીઓના ધિક્કારપાત્ર દેવ મિલ્કોમની+ પૂજા કરી. ૬ યહોવાની નજરમાં જે ખરાબ હતું એ સુલેમાને કર્યું. જેમ તેનો પિતા દાઉદ પૂરા દિલથી યહોવાને માર્ગે ચાલ્યો હતો, તેમ તે ચાલ્યો નહિ.+
૭ સુલેમાને યરૂશાલેમ સામેના પહાડ પર મોઆબના ધિક્કારપાત્ર દેવ કમોશ માટે ભક્તિ-સ્થળ બાંધ્યું.+ ત્યાં તેણે આમ્મોનીઓના+ ધિક્કારપાત્ર દેવ મોલેખ*+ માટે પણ ભક્તિ-સ્થળ બાંધ્યું. ૮ તેણે પોતાની બધી પરદેશી પત્નીઓ માટે ભક્તિ-સ્થળો બાંધ્યાં. ત્યાં તેઓ પોતાના દેવોને આગમાં બલિદાનો ચઢાવતી.
૯ યહોવાનો ગુસ્સો સુલેમાન પર સળગી ઊઠ્યો. તેનું દિલ ઇઝરાયેલના ઈશ્વર યહોવાથી+ દૂર થઈ ગયું હતું, જેમણે બે વાર સપનામાં તેને દર્શન આપ્યું હતું.+ ૧૦ તેમણે ખાસ ચેતવણી આપી હતી કે સુલેમાને બીજા દેવોની ભક્તિ કરવી નહિ.+ તોપણ તેણે યહોવાની એ આજ્ઞા પાળી નહિ. ૧૧ યહોવાએ સુલેમાનને કહ્યું: “એવું કરીને તેં મારો કરાર પાળ્યો નથી. જે નિયમો પાળવાની મેં આજ્ઞા આપી હતી એ નિયમો પાળ્યા નથી. હું ચોક્કસ તારી પાસેથી રાજ્ય ઝૂંટવીને તારા એક સેવકને આપી દઈશ.+ ૧૨ પણ તારા પિતા દાઉદને લીધે હું તારા જીવન દરમિયાન એમ કરીશ નહિ. હું તારા દીકરાના હાથમાંથી રાજ્ય ઝૂંટવી લઈશ.+ ૧૩ હું આખું રાજ્ય ઝૂંટવી લઈશ નહિ.+ મારા સેવક દાઉદને લીધે અને મેં પસંદ કરેલા યરૂશાલેમને લીધે+ હું તારા દીકરાને એક કુળ આપીશ.”+
૧૪ યહોવાએ સુલેમાન સામે એક વિરોધી ઊભો કર્યો.+ એ અદોમી હદાદ હતો, જે અદોમના રાજવી કુટુંબનો હતો.+ ૧૫ જ્યારે દાઉદે અદોમને હરાવ્યું+ અને સેનાપતિ યોઆબ કતલ થયેલા પોતાના લોકોને દફનાવવા ગયો, ત્યારે યોઆબે અદોમના દરેક પુરુષને* મારી નાખવાની કોશિશ કરી હતી. ૧૬ (અદોમના દરેક પુરુષની કતલ ન થાય ત્યાં સુધી, યોઆબ અને બધા ઇઝરાયેલી માણસો છ મહિના ત્યાં રહ્યા હતા.) ૧૭ હદાદ પોતાના પિતાના અમુક અદોમી સેવકો સાથે નાસી છૂટ્યો અને તેઓ ઇજિપ્ત જતા રહ્યા. એ સમયે હદાદ નાનો છોકરો હતો. ૧૮ તેઓ મિદ્યાનથી નીકળીને પારાન આવ્યા. તેઓએ પારાનથી+ માણસો લીધા અને ઇજિપ્ત આવ્યા. તેઓ ઇજિપ્તના રાજા ફારુનને* મળ્યા અને તેણે હદાદને ઘર આપ્યું, ભરણપોષણ કર્યું અને જમીન આપી. ૧૯ હદાદ પર ઇજિપ્તના રાજાની કૃપા હતી. અરે, રાજાએ ખુદ પોતાની પત્ની તાહપનેસ રાણીની બહેન સાથે હદાદના લગ્ન કરાવ્યા. ૨૦ સમય જતાં, તાહપનેસની બહેનને હદાદથી એક દીકરો થયો, જેનું નામ ગનુબાથ હતું. તાહપનેસે તેનો ઉછેર રાજમહેલમાં કર્યો.* રાજાના દીકરાઓ સાથે ગનુબાથ રાજમહેલમાં રહેતો.
૨૧ ઇજિપ્તમાં હદાદને સાંભળવા મળ્યું કે દાઉદ ગુજરી ગયો છે+ અને સેનાપતિ યોઆબ પણ મરણ પામ્યો છે.+ હદાદે ઇજિપ્તના રાજાને કહ્યું: “મને રજા આપો કે હું મારા વતન પાછો જાઉં.” ૨૨ રાજાએ તેને કહ્યું: “અહીં તને શું ખોટ છે કે તારે વતન પાછા જવું છે?” હદાદે કહ્યું: “એવું કંઈ નથી. પણ કૃપા કરીને મને પાછો જવા દો.”
૨૩ ઈશ્વરે સુલેમાન સામે બીજો એક વિરોધી પણ ઊભો કર્યો,+ જે એલ્યાદાનો દીકરો રઝોન હતો. તે પોતાના માલિક હદાદએઝેર+ પાસેથી નાસી છૂટ્યો હતો, જે સોબાહનો રાજા હતો. ૨૪ જ્યારે દાઉદે સોબાહના લોકોને હરાવ્યા,*+ ત્યારે રઝોને માણસો ભેગા કર્યા અને લુટારાઓની ટોળકીનો આગેવાન બની બેઠો. તેઓ દમસ્ક+ ગયા અને ત્યાં વસ્યા. તેઓ દમસ્ક પર રાજ કરવા લાગ્યા. ૨૫ સુલેમાનની જિંદગીભર રઝોને ઇઝરાયેલનો વિરોધ કર્યો. સિરિયા પર પોતાના રાજ દરમિયાન રઝોને ઇઝરાયેલને સખત નફરત કરી. હદાદે ઊભી કરેલી મુસીબતોમાં રઝોને વધારો કર્યો.
૨૬ નબાટનો દીકરો યરોબઆમ+ પણ રાજા સામે બળવો કરવા લાગ્યો.+ યરોબઆમ સરેદાહનો એફ્રાઈમી હતો અને સુલેમાનનો સેવક+ હતો. તેની માનું નામ સરૂઆહ હતું, જે વિધવા હતી. ૨૭ યરોબઆમે રાજા સામે બળવો પોકાર્યો હતો એનો આ અહેવાલ છે: સુલેમાને ગઢ* બાંધ્યો હતો+ અને પોતાના પિતાના દાઉદનગરનો કોટ બાંધ્યો હતો.+ ૨૮ યરોબઆમ કાબેલ યુવાન હતો. તેની મહેનત જોઈને સુલેમાને તેને યૂસફના કુળના કામદારોનો ઉપરી બનાવી દીધો.+ ૨૯ એ સમયે યરોબઆમ યરૂશાલેમથી બહાર નીકળ્યો. તેને રસ્તામાં શીલોહનો પ્રબોધક અહિયા+ મળ્યો. અહિયાએ નવો જ ઝભ્ભો પહેરેલો હતો. તેઓ બંને ત્યાં એકલા હતા, બીજું કોઈ ન હતું. ૩૦ અહિયાએ પોતાનો નવો ઝભ્ભો ઉતારીને ફાડ્યો અને એના ૧૨ ટુકડા કર્યા. ૩૧ તેણે યરોબઆમને કહ્યું:
“તારા માટે દસ ટુકડા લઈ લે, કેમ કે ઇઝરાયેલના ઈશ્વર યહોવા આમ કહે છે: ‘હું સુલેમાનના હાથમાંથી રાજ્ય ઝૂંટવી લઈશ અને તને દસ કુળ આપીશ.+ ૩૨ પણ મારા સેવક દાઉદને લીધે+ અને ઇઝરાયેલનાં બધાં કુળોમાંથી+ મેં પસંદ કરેલા યરૂશાલેમ શહેરને લીધે, એક કુળ સુલેમાન પાસે રહેશે.+ ૩૩ ઇઝરાયેલીઓ મને ભૂલી ગયા હોવાથી હું એવું કરીશ.+ તેઓ સિદોનીઓની દેવી આશ્તોરેથ, મોઆબના દેવ કમોશ અને આમ્મોનના દેવ મિલ્કોમની ભક્તિ કરે છે. સુલેમાનનો પિતા દાઉદ મારા માર્ગમાં ચાલ્યો હતો તેમ, તેઓ ચાલ્યા નથી. મારી નજરમાં જે ખરું છે એ તેઓએ કર્યું નથી, મારા નિયમો અને ન્યાયચુકાદાઓ પાળ્યા નથી. ૩૪ તોપણ હું તેના હાથમાંથી આખું રાજ્ય ઝૂંટવી નહિ લઉં. તેની આખી જિંદગી હું તેને આગેવાન રાખીશ. મેં પસંદ કરેલા મારા સેવક દાઉદને લીધે હું એમ કરીશ,+ કેમ કે તેણે મારી આજ્ઞાઓ અને મારા નિયમો પાળ્યાં હતાં. ૩૫ હું તેના દીકરાના હાથમાંથી રાજસત્તા ઝૂંટવી લઈશ અને દસ કુળો તને આપીશ.+ ૩૬ તેના દીકરાને હું એક કુળ આપીશ, જેથી યરૂશાલેમમાં મારી આગળ મારા સેવક દાઉદનો દીવો કદી હોલવાશે નહિ.*+ એ શહેર તો મેં મારા નામ માટે પસંદ કર્યું છે. ૩૭ હું તને ઇઝરાયેલના રાજા તરીકે પસંદ કરીશ. તું ચાહે એ બધા પર રાજ કરજે. ૩૮ મારા સેવક દાઉદની જેમ+ તું મારા કહેવા પ્રમાણે જ કરજે. મારા માર્ગોમાં ચાલજે, મારાં નિયમો અને આજ્ઞાઓ પાળજે. મારી નજરમાં જે ખરું છે એ જ કરજે. જો તું એમ કરીશ તો હું સદા તારી સાથે રહીશ. દાઉદની જેમ હું તારા વંશજોની રાજગાદી લાંબો સમય ટકાવી રાખીશ.+ હું ઇઝરાયેલને તારા હાથમાં સોંપી દઈશ. ૩૯ દાઉદના વંશજોનાં ખરાબ કામોને લીધે હું તેઓને નીચું જોવડાવીશ,+ પણ કાયમ માટે નહિ.’”+
૪૦ એટલે સુલેમાને યરોબઆમને મારી નાખવાનો પ્રયત્ન કર્યો. યરોબઆમ ઇજિપ્ત નાસી છૂટ્યો. તે ત્યાંના રાજા શીશાક+ પાસે ગયો અને સુલેમાનના મરણ સુધી ઇજિપ્તમાં જ રહ્યો.
૪૧ સુલેમાનનો બાકીનો ઇતિહાસ, તેણે જે કંઈ કર્યું અને તેની બુદ્ધિ વિશેની વાતો સુલેમાનના ઇતિહાસના પુસ્તકમાં લખ્યાં છે.+ ૪૨ સુલેમાને યરૂશાલેમમાંથી આખા ઇઝરાયેલ પર ૪૦ વર્ષ રાજ કર્યું. ૪૩ સુલેમાન મરણ પામ્યો* અને તેને પોતાના પિતાના દાઉદનગરમાં દફનાવવામાં આવ્યો. તેનો દીકરો રહાબઆમ+ તેની જગ્યાએ રાજા બન્યો.