આત્મ-ત્યાગી વલણ —શા માટે?
બીલ લગભગ પચાસ વર્ષની ઉંમરના છે અને તેમને કુટુંબ છે. તેમ જ તે બાંધકામ શીખવે છે. તે આખા વર્ષમાં ઘણા અઠવાડિયા પોતાના ખર્ચે યહોવાહના સાક્ષીઓની સભા માટે ભેગા મળવાના હૉલ બાંધવામાં મદદ કરે છે. ઍમા ભણેલી-ગણેલી છે, અને ૨૨ વર્ષની યુવતી છે. તે ફક્ત પોતાના જ જીવન અને મોજમઝામાં રહેવાના બદલે, દર મહિને સીત્તેરથી વધારે કલાક લોકોને બાઇબલ વિષે શીખવવામાં કાઢે છે. મોરીસ અને બૅટી બંને રિટાયર્ડ છે. તેઓ આરામ કરવાના બદલે બીજા દેશમાં ગયા, જેથી તેઓ લોકોને પરમેશ્વરના હેતુ વિષે શીખવા મદદ કરી શકે.
આલોકો પોતાને કંઈ મહાન સમજતા નથી. તેઓ સામાન્ય લોકો છે, અને તેઓની પસંદગીથી એમ કરે છે. તેઓ શા માટે પોતાનો સમય, શક્તિ, આવડત અને પૈસા બીજા લોકો માટે વાપરે છે? શાનાથી પરમેશ્વર અને પડોશી માટે તેઓનો પ્રેમ એટલો ઉભરાઈ આવે છે? ખરું જોતા, તેઓમાં પ્રેમ હોવાથી, તેઓ ખરેખર આત્મ-ત્યાગી બન્યા છે!
આત્મ-ત્યાગી બનવાનો શું અર્થ થાય? આત્મ-ત્યાગી બનવાનો અર્થ એમ નથી થતો કે, સંન્યાસી તરીકે જીવવું. એનો અર્થ એમ પણ નથી થતો કે પોતાનો નકાર કરવો. એમ કરવાથી તો આપણે જીવનનો આનંદ અને સંતોષ પણ ગુમાવી બેસીશું. ધ શોર્ટર ઓક્સફર્ડ ઇંગ્લીશ ડિક્ષનરી આ રીતે સમજાવે છે: “બીજાના હિતો માટે પોતાના હિતો, સુખ અને ઇચ્છાઓનો ત્યાગ કરવો.”
ઈસુ ખ્રિસ્તનું સુંદર ઉદાહરણ
પરમેશ્વરના એકનાએક દીકરા ઈસુ ખ્રિસ્ત આત્મ-ત્યાગનું સુંદર ઉદાહરણ છે. તેમનું સ્વર્ગીય જીવન સંતોષ આપનારું અને ખુશીથી ભરેલું હતું. વળી, તેમના પિતા અને બીજા સ્વર્ગ-દૂતો તેમનું કુટુંબ હતા. એ ઉપરાંત, પરમેશ્વરના દીકરાએ પોતાની આવડતનો ઉત્તેજન આપતી પ્રવૃત્તિમાં “કુશળ કારીગર” તરીકે ઉપયોગ કર્યો. (નીતિવચન ૮:૩૦, ૩૧) દુનિયાના કોઈ પણ ધનવાન કરતાં, આનંદથી ભરેલું તેમનું સ્વર્ગનું જીવન હતું. સ્વર્ગમાં પરમેશ્વર પછીનું તેમનું સ્થાન હતું.
છતાં, પરમેશ્વરના દીકરાએ “દાસનું રૂપ ધારણ કરીને, એટલે માણસોના રૂપમાં આવીને પોતાને ખાલી કર્યો.” (ફિલિપી ૨:૭) તે સ્વેચ્છાથી પોતાનું સ્વર્ગીય જીવન છોડીને મનુષ્ય તરીકે પૃથ્વી પર આવ્યા. આમ તેમણે શેતાને કરેલું નુકસાન દૂર કરવા ખંડણી તરીકે પોતાનું જીવન આપી દીધું. (ઉત્પત્તિ ૩:૧-૭; માર્ક ૧૦:૪૫) એટલે કે શેતાનની સત્તા હેઠળ પાપી જગતમાં, તે મનુષ્યો સાથે રહ્યા. (૧ યોહાન ૫:૧૯) એનો એ પણ અર્થ થાય કે, દુઃખ સહન કરીને કોઈ પણ કિંમતે તે જીવ્યા. પછી ભલેને તેમને ગમે તે કિંમત આપવી પડે છતાં, ઈસુ ખ્રિસ્ત પોતાના પિતાની ઇચ્છા પ્રમાણે જીવ્યા. (માત્થી ૨૬:૩૯; યોહાન ૫:૩૦; ૬:૩૮) આમ ઈસુના પ્રેમ અને વફાદારીની કસોટી થઈ. તે કેટલી હદ સુધી સહન કરવા તૈયાર હતા? પ્રેષિત પાઊલે કહ્યું કે, “વધસ્તંભના મરણને, આધીન થઈને, પોતાને નમ્ર કર્યો.”—ફિલિપી ૨:૮.
ખ્રિસ્ત જેવું મન રાખો
ઈસુના પગલે ચાલવા આપણને ઉત્તેજન આપવામાં આવ્યું છે. પાઊલે આગ્રહ કરતા કહ્યું, “ખ્રિસ્ત ઈસુનું મન જેવું હતું, તેવું તમે પણ રાખો.” (ફિલિપી ૨:૫) આપણે આમ કઈ રીતે કરી શકીએ? એક રીત એ છે કે “દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર લક્ષ રાખે.” (ફિલિપી ૨:૪) સાચો પ્રેમ ‘પોતાનું જ હિત જોતો નથી.’—૧ કોરીંથી ૧૩:૫.
પ્રેમાળ વ્યક્તિઓ હંમેશા બીજાઓને નિઃસ્વાર્થથી મદદ કરતા હોય છે. જો કે આજે જગતમાં સ્વાર્થી વલણ જોવા મળે છે. પરંતુ, આપણે જગતના વલણથી દૂર રહેવું જોઈએ, નહિતર આપણે પણ તેઓના જેવા થઈ જઈશું અને મન ફાવે તેમ કરવા લાગીશું. આમ આપણો સમય, શક્તિ અને મિલકત સ્વાર્થી રીતે વાપરવા લાગીશું. તેથી આપણે આ પ્રકારની અસર વિરુદ્ધ સખત લડત કરવી જોઈએ.
અરે સારી સલાહ પણ આપણને અમુક વખતે નિરુત્સાહી બનાવી શકે છે. ઈસુ આત્મા-ત્યાગી હોવાથી તે શું કરવા તૈયાર છે એ પ્રેષિત પીતર જોઈ શક્યા ત્યારે, તેમણે કહ્યું: “પ્રભુ, એ તારાથી દૂર રહે.” (માત્થી ૧૬:૨૨) દેખીતી રીતે જ તેમને એ સ્વીકારવું અઘરું લાગ્યું કે, ઈસુ સ્વેચ્છાએ પોતાના પિતાની સર્વોપરિતા અને માણસજાતના તારણ માટે મરણ પામે. તેથી તેમણે ઈસુને એમ કરતા અટકાવવાનો પ્રયત્ન કર્યો.
“પોતાનો નકાર કરવો”
પછી ઈસુએ શું કર્યું? અહેવાલ આગળ જણાવે છે: “પણ તેણે પાછળ ફરીને તથા પોતાના શિષ્યોને જોઈને પીતરને ઠપકો આપ્યો, કે શેતાન, મારી પછવાડે જા; કેમકે તું દેવની વાતો પર નહિ, પણ માણસોની વાતો પર ચિત્ત લગાડે છે. અને તેણે પોતાના શિષ્યો સુદ્ધાં લોકોને પાસે બોલાવીને તેઓને કહ્યું, કે જો કોઈ મારી પાછળ આવવા ચાહે તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ ચાલવું.”—માર્ક ૮:૩૩, ૩૪.
પીતરને પણ એ સલાહની સમજણ પડી, અને લગભગ ૩૦ વર્ષ પછી તેમણે આત્મ-ત્યાગ વિષે ભાઈઓને લખ્યું. તેથી, તેમણે ખ્રિસ્તી ભાઈઓને આરામ કરવાનું નહિ, પણ સખત મહેનત કરવાનું ઉત્તેજન આપ્યું. પીતરે તેઓને કહ્યું કે તમે પોતાના મનની કમર બાંધીને સાવધ રહો અને આ જગત પ્રમાણે ન વર્તો. સતાવણી છતાં, તેઓને પરમેશ્વરની ઇચ્છા પોતાના જીવનમાં પ્રથમ મૂકવાનું ઉત્તેજન આપ્યું.—૧ પીતર ૧:૬, ૧૩, ૧૪; ૪:૧, ૨.
આપણે પોતાને યહોવાહને સોંપી દઈને ઈસુ ખ્રિસ્તના પગલે ચાલીને પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવું એ સૌથી સારો માર્ગ છે. આ બાબતમાં પાઊલે આપણી માટે સારો દાખલો બેસાડ્યો. તે જોઈ શક્યા કે એ ખૂબ જ જરૂરી છે. તેથી, તેમણે યહોવાહના આભારી થઈને, દુન્યવી માર્ગ છોડી દીધો, અને પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે જીવવા લાગ્યો. તેમણે કહ્યું, બીજાઓ માટે “હું . . . ઘણી ખુશીથી મારૂં સર્વસ્વ ખરચીશ તથા હું પંડે પણ ખરચાઈ જઈશ.” (૨ કોરીંથી ૧૨:૧૫) પાઊલે પોતાની બધી જ આવડતનો ઉપયોગ કર્યો જેથી તે પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે જીવે.—પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૨૪; ફિલિપી ૩:૮.
આપણું વલણ પાઊલ જેવું છે કે નહિ એ આપણે કેવી રીતે તપાસી શકીએ? આપણે પોતાને પૂછવું જોઈએ: હું મારો સમય, શક્તિ, આવડત અને પૈસા કઈ રીતે વાપરું છું? શું હું આ વસ્તુઓ અને મારી આવડતો ફક્ત મારા માટે જ વાપરું છું કે પછી બીજાને મદદ કરવા વાપરું છું? શું હું જીવન બચાવનાર પરમેશ્વરનું જ્ઞાન લોકોને શીખવવા ઇચ્છું છું, જેમ કે પૂરા સમયના પ્રચારક તરીકે? શું હું રાજ્યગૃહનું બાંધકામ અને એની દેખરેખ રાખવા વધારે ભાગ લઉં છું? શું હું બીજાઓને મદદ કરવાની તક શોધું છું? શું હું યહોવાહ પરમેશ્વરની સેવામાં બનતું બધું જ કરું છું?—નીતિવચન ૩:૯.
“આપવામાં વધારે ધન્યતા”
તોપણ, શું આત્મ-ત્યાગી બનવું ખરેખર વાજબી છે? હા ખરેખર છે! પ્રેષિત પાઊલ પોતાના અનુભવથી જાણતા હતા કે એનાથી ઘણા લાભો છે. એનાથી તેમણે ઘણું સુખ અને સંતોષ મેળવ્યો. પોતે એફેસસના વડીલોને મળ્યા ત્યારે એ સમજાવતા કહ્યું: “કેવી રીતે ઉદ્યોગ કરીને તમારે નબળાઓને સહાય કરવી જોઈએ તે મેં બધી વાતે તમને કરી બતાવ્યું છે, અને ‘લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે’ એ પ્રભુ ઈસુનું વચન જે તેણે પોતે કહ્યું છે, એ તમારે યાદ રાખવું જોઈએ.” (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) લાખો લોકોએ અનુભવ્યું છે કે એવા વર્તનથી તેઓને ઘણો આનંદ થયો છે. એવી જ રીતે ભાવિમાં પણ તેઓને આનંદ થશે, જ્યારે યહોવાહ પરમેશ્વર તેઓના નિઃસ્વાર્થ માટે તેઓને આશીર્વાદ આપશે.—૧ તીમોથી ૪:૮-૧૦.
બીલને પૂછવામાં આવ્યું કે, તે શા માટે બીજાઓને રાજ્યગૃહ બાંધવામાં મદદ કરે છે? તેમણે કહ્યું કે, “બીજાઓના લાભમાં મારી આવડતોનો ઉપયોગ કરવાનું મને ગમે છે. નાના મંડળોને આ રીતે મદદ કરવાથી મને સંતોષ મળે છે.” શા માટે ઍમા પોતાની શક્તિ અને સમય બીજાઓને બાઇબલ સત્ય શીખવવા વાપરે છે? “એના જેવું સરસ કામ બીજું શું હોય શકે? હું યુવાન છું ત્યારે, મારાથી થઈ શકે તેટલું કરીને, યહોવાહ પરમેશ્વરની કૃપા મેળવવા ચાહું છું. તેમ જ બીજા લોકોને મદદ કરવા ચાહું છું. ભૌતિક બાબતો જતી કરવી એ મારા માટે કંઈ મોટી વાત નથી. યહોવાહ પરમેશ્વરે મારા માટે ઘણું કર્યું છે, તેથી મારે કરવું જોઈએ તે જ હું કરું છું.”
મોરીસ અને બૅટીએ કુટુંબ ઉછેરવામાં સખત મહેનત કરી હતી. રિટાયર્ડ થયા પછી આરામનું જીવન ન જીવ્યા તેનો તેઓને કોઈ પસ્તાવો થતો નથી. તેઓ પોતાનું જીવન હજુ વધારી સારી રાતે વાપરવા ઇચ્છે છે. તેઓએ કહ્યું, “અમે બેસીને આરામ કરવા ઇચ્છતા નથી. પરદેશમાં યહોવાહ પરમેશ્વર વિષે લોકોને શીખવામાં મદદ કરવાથી અમને આનંદ થાય છે.”
શું તમે આત્મ-ત્યાગી બનવા ચાહો છો? જો કે એ સહેલું નથી. આપણે અપૂર્ણ હોવાથી હંમેશાં પરમેશ્વરને ખુશ કરી શકતા નથી. પરમેશ્વરને ખુશ કરવા આપણે સતત લડત કરવી પડે છે. (રૂમી ૭:૨૧-૨૩) પરંતુ, જો આપણે પરમેશ્વર યહોવાહની દોરવણી હેઠળ ચાલીશું તો વાંધો નહિ આવે. (ગલાતી ૫:૧૬, ૧૭) તે આપણું કામ વીસરી નહિ જાય અને આપણને ભરપૂર આશીર્વાદ આપશે. ખરેખર, યહોવાહ પરમેશ્વર ‘આકાશની બારીઓ ખોલી નાખીને સમાવેશ કરવાને પૂરતી જગા નહિ હોય એટલો બધો આશીર્વાદ આપણા પર મોકલી દેશે.’—માલાખી ૩:૧૦; હેબ્રી ૬:૧૦.
[પાન ૨૩ પર ચિત્ર]
ઈસુ આત્મ-ત્યાગી હતા. શું તમે છો?
[પાન ૨૪ પર ચિત્રો]
પાઊલે પ્રચાર કાર્યને વધારે મહત્ત્વ આપ્યું