“સમય આવ્યો છે!”
“આ જગતમાંથી બાપની પાસે જવાનો સમય આવ્યો છે.”—યોહાન ૧૩:૧.
ઈસુએ ૨૯ સી.ઈ.માં બાપ્તિસ્મા લીધું. એ સમયથી તેમના મરણ, સજીવન તથા મહિમાવંત થવાનો “સમય” શરૂ થયો. હવે ૩૩ સી.ઈ.ની વસંતઋતુ છે. યહુદીઓની ઉચ્ચ અદાલતે ઈસુને મારી નાખવાની મસલત કરી, એને ફક્ત થોડા જ સપ્તાહ થયા છે. તેઓનો ઇરાદો જાણીને, ઈસુ યરૂશાલેમ છોડી યરદનને પેલે પાર જાય છે. તેમને આ કાવતરા વિષે નીકોદેમસે જણાવ્યું હોય શકે. તે સાન્હેડ્રીનના સભ્ય હતા, અને ઈસુ પ્રત્યે તેમને ઘણી લાગણી હતી. પાસ્ખાપર્વ નજીક આવે છે તેમ, ઘણા લોકો ગામડાંમાંથી યરૂશાલેમ આવે છે. તેઓ ઈસુની ઘણી વાતો કરે છે: “તમને શું લાગે છે? શું પર્વમાં તે આવવાનો નથી?” મુખ્ય યાજકો અને ફરોશીઓએ જાહેર કર્યું હતું કે એની કોઈને ખબર પડે તો તરત જ જણાવવું.—યોહાન ૧૧:૪૭-૫૭.
૨ પાસ્ખાપર્વના લગભગ છ દિવસ પહેલાં, એટલે કે નીસાન ૮ના રોજ ઈસુ બેથાનીઆમાં પાછા આવે છે. એ યરૂશાલેમથી ત્રણેક કિલોમીટર દૂર આવેલું છે. તે પોતાના મિત્ર લાજરસ અને તેની બહેનો મારથા અને મરિયમના ઘરે રહે છે. એ શુક્રવારની સાંજ હોવાથી ઈસુ સાબ્બાથનો દિવસ ત્યાં પસાર કરે છે. બીજા દિવસે સાંજે મરિયમે સૌથી મોંઘું અત્તર લઈને તેમના પર લગાડ્યું. આ જોઈને શિષ્યો એને વઢે છે. પણ ઈસુ વચ્ચે પડે છે: “એને રહેવા દો. ભલે તે એમ કરે. તેણે મારે દફનની તૈયારી રૂપે અત્તરનો અભિષેક કર્યો છે. ગરીબો તો હંમેશા તમારી સાથે છે. પણ હું તમારી સાથે લાંબો સમય રહેનાર નથી.” (યોહાન ૧૨:૧-૮, IBSI; માત્થી ૨૬:૬-૧૩) ઈસુ જાણે છે કે ‘તેમની આ જગતમાંથી પિતા પાસે જવાની ઘડી આવી ગઇ છે.’ (યોહાન ૧૩:૧) ફક્ત પાંચ દિવસમાં તે “ખંડણીને સારૂ પોતાનો જીવ” આપશે. (માર્ક ૧૦:૪૫) તેથી, તે હરેક ઘડી બોધ તથા સેવાથી ભરે છે. આપણે આ દુષ્ટ જગતના અંતની રાહ જોઈએ છીએ ત્યારે, એ આપણા માટે કેવો સારો દાખલો બેસાડે છે! હવે, જુઓ કે બીજા જ દિવસે ઈસુને શું થાય છે.
ઈસુનો રાજા તરીકે પ્રવેશ
૩ નીસાન ૯ના રવિવારે ઈસુ યરૂશાલેમમાં રાજા તરીકે પ્રવેશ કરે છે. ઝખાર્યાહ ૯:૯માં ભાખ્યા પ્રમાણે તે વછેરા પર સવાર થઈને આવે છે. ભેગા થયેલા લોકો ઈસુની આગળ જાજમ તરીકે પોતાનાં વસ્ત્ર પાથરે છે, બીજા લોકો ડાળીઓ કાપીને પાથરે છે. તેઓ પોકારે છે, “પ્રભુ [યહોવાહ]ને નામે જે રાજા આવે છે તેને ધન્ય છે!” આ સાંભળીને ફરોશીઓ ઇચ્છે છે કે ઈસુ શિષ્યોને અટકાવે. પરંતુ ઈસુએ જવાબ આપ્યો: “હું તમને કહું છું કે જો એઓ છાના રહેશે તો પથરા પોકારી ઊઠશે.”—લુક ૧૯:૩૮-૪૦; માત્થી ૨૧:૬-૯.
૪ થોડાં જ સપ્તાહ પહેલાં, ઈસુએ લાજરસનેસજીવન કર્યા, એ ટોળામાંના ઘણા લોકોએ જોયું હતું. તેઓ આ ચમત્કાર વિષે બીજા લોકોને જણાવે છે. તેથી ઈસુ જેવા યરૂશાલેમમાં પ્રવેશે છે કે આખા શહેરમાં ધમાલ મચી જાય છે. લોકોને ઈસુમાં ખૂબ રસ છે. અમુક પૂછે છે, “એ કોણ છે?” લોકો કહે છે: “ઈસુ પ્રબોધક, જે ગાલીલના નાઝારેથનો, તે એ છે.” એ જોઈને, ફરોશીઓને ઈર્ષા થાય છે: “આખું જગત તેની પાછળ ગયું છે.”—માત્થી ૨૧:૧૦, ૧૧; યોહાન ૧૨:૧૭-૧૯.
૫ ઈસુ યરૂશાલેમ આવતા ત્યારે મંદિરમાં સુંદર રીતે શીખવતા. આંધળા અને લુલા તેમની પાસે સાજા થવા માટે આવે છે. ઈસુ તેઓને સાજા કરે છે એ મુખ્ય યાજકો અને શાસ્ત્રીઓ જુએ છે. મંદિરમાં બાળકોને મોટે ઘાંટે “દાઊદના દીકરાને હોસાના” કહેતા સાંભળે છે ત્યારે, બહુ ગુસ્સે થાય છે. તેઓએ કહ્યું: “એઓ શું કહે છે, તે શું તું સાંભળે છે?” ઈસુ તેઓને જવાબ આપે છે, “હા, બાળકોનાં તથા ધાવણાંઓનાં મોંથી તે સ્તુતિ સંપૂર્ણ કરાવી છે, એ શું તમે કદી નથી વાંચ્યું?” એ જ સમયે મંદિરમાં શું ચાલી રહ્યું છે, એ પણ ઈસુ જુએ છે.—માત્થી ૨૧:૧૫, ૧૬; માર્ક ૧૧:૧૧.
૬ છ મહિના પહેલાં ઈસુ ‘જાહેરમાં તો નહિ, પણ છાની રીતે’ પ્રતિષ્ઠા પર્વ માટે યરૂશાલેમમાં આવે છે. (યોહાન ૭:૧૦) ઈસુનું જીવન જોખમમાં હોય ત્યારે, તે તરત જ ત્યાંથી નીકળી જતા હતા. પરંતુ આ વખતે તેમને પકડી લેવાનો હુકમ આપવામાં આવ્યો છે એવા શહેરમાં તે ખુલ્લેઆમ પ્રવેશે છે! અગાઉ, ઈસુ પોતાને મસીહ તરીકે પ્રગટ કરતા ન હતા, તેમના વિષે વાતો ફેલાય એવું તે ઇચ્છતા ન હતા. (યશાયાહ ૪૨:૨; માર્ક ૧:૪૦-૪૪) હવે, લોકો ઈસુને રાજા અને મસીહ તરીકે જાહેર કરે છે, ત્યારે યહુદી ગુરુઓ તેઓને ચૂપ રાખવાની માંગણી કરે છે. પરંતુ, ઈસુ ના પાડે છે. ઈસુમાં શા માટે આટલો મોટો ફરક આવ્યો? ઈસુએ અગાઉના દિવસે જણાવ્યું તેમ, “માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે.”—યોહાન ૧૨:૨૩.
હિંમત બતાવે છે
૭ ઈસુ નીસાન ૧૦ના સોમવારે મંદિરમાં આવે છે, અને અગાઉના દિવસે જે જોયું હતું એના પર પગલાં લે છે. તેમણે ‘મંદિરમાંથી વેચનારાઓને તથા ખરીદનારાઓને કાઢી મૂક્યા, ને નાણાવટીઓનાં બાજટ તથા કબૂતર વેચનારાઓના આસનો ઉંધા વાળ્યાં; અને કોઈને મંદિરમાં થઈને કંઈ વાસણ લઈ જવા દીધું નહિ.’ તેઓને તે કહે છે: “શું એમ લખેલું નથી, કે મારૂં ઘર સર્વ દેશનાઓને સારૂ પ્રાર્થનાનું ઘર કહેવાશે? પણ તમે તેને લૂંટારાઓનું કોતર કર્યું છે.”—માર્ક ૧૧:૧૫-૧૭.
૮ ઈસુએ ૩ વર્ષ પહેલાં, એટલે કે ૩૦ સી.ઈ.ના પર્વમાં પણ એમ જ કર્યું હતું. પરંતુ, આ વખતે તે વધારે ગુસ્સે ભરાયા છે, અને મંદિરના વેપારીઓને “લૂંટારાઓ” કહે છે. (લુક ૧૯:૪૫, ૪૬; યોહાન ૨:૧૩-૧૬) તેઓ એવા જ હતા કારણ કે બલિદાનનાં પ્રાણી ખરીદનાર પાસેથી વધારે પૈસા પડાવતા હતા. ઈસુ જે કરતા હતા, એ મુખ્ય યાજકો, શાસ્ત્રીઓ અને લોકોના મુખીઓ સાંભળે છે, અને ફરીથી તેમને મારી નાખવાની તક શોધે છે. તોપણ, તેઓને સમજ પડતી ન હતી કે કઈ રીતે એમ કરવું, કેમ કે લોકો ધ્યાનથી ઈસુનું સાંભળતા હતા.—માર્ક ૧૧:૧૮; લુક ૧૯:૪૭, ૪૮.
૯ ઈસુ મંદિરમાં શીખવવાનું ચાલુ રાખે છે: “માણસના દીકરાને મહિમાવાન થવાની ઘડી આવી છે.” તે જાણે છે કે પોતે હવે ફક્ત થોડા જ દિવસ માનવ તરીકે જીવશે. ઘઉંનો એક દાણો ભોંયમાં પડીને મરી જાય તો એમાંથી ઘણા દાણા થાય છે. એ જ રીતે, તે પોતે મરણ પામીને બીજાઓને કાયમી જીવન આપવાના છે. એ સમજાવ્યા પછી, ઈસુ તેઓને કહે છે: “જો કોઈ મારી સેવા કરતો હોય, તો તેણે મારી પાછળ ચાલવું; અને જ્યાં હું છું, ત્યાં મારો સેવક પણ હશે; જો કોઈ મારી સેવા કરતો હોય, તો બાપ તેને માન આપશે.”—યોહાન ૧૨:૨૩-૨૬.
૧૦ ચાર દિવસ પછી પોતે જે પીડાકારક મરણ પામશે, એ વિષે ઈસુ કહે છે: “હવે મારો જીવ વ્યાકુળ થયો છે; હું શું કહું? હે બાપ, મને આ ઘડીથી બચાવ.” પરંતુ ઈસુ પર જે વીતવાનું હતું, એ ટાળી શકાય એમ ન હતું. છતાં, તે કહે છે, “પણ એજ કારણને લીધે તો હું આ ઘડી સુધી આવ્યો છું.” હા, પોતાનું જીવન આપવાની બાબતમાં પણ ઈસુ યહોવાહની ઇચ્છા પ્રમાણે જ કરે છે. (યોહાન ૧૨:૨૭) પરમેશ્વરને આધીન રહેવામાં આપણા માટે કેવું સરસ ઉદાહરણ!
૧૧ પોતાના મરણથી પિતાની શાખને કેવી અસર થશે એ વિષે ચિંતા કરતા, ઈસુ પ્રાર્થના કરે છે: “હે બાપ, તારા નામનો મહિમા પ્રગટ કર.” તરત જ, મંદિરમાં ભેગા થયેલા લોકોએ સ્વર્ગમાંથી વાણી સાંભળી કે, “મેં તેનો મહિમા પ્રગટ કર્યો છે, અને ફરી કરીશ.” હવે, ઈસુ લોકોને શીખવે છે કે, શા માટે સ્વર્ગમાંથી વાણી થઈ, અને તેમના મરણનું શું પરિણામ આવશે. તેમ જ, શા માટે એ લોકોએ વિશ્વાસ કરવાની જરૂર છે. (યોહાન ૧૨:૨૮-૩૬) છેલ્લા બે દિવસથી ઈસુ કપરી હાલતમાં છે, પણ એ મહત્ત્વનો દિવસ આવવાનો હજુ બાકી છે.
આરોપનો દિવસ
૧૨ નીસાન ૧૧ના મંગળવારે, ઈસુ ફરીથી મંદિરમાં શીખવવા માટે જાય છે. વિરોધીઓ ત્યાં આવી પહોંચે છે. ગઈ કાલે ઈસુએ લીધેલા પગલાં વિષે વાત કરતાં, મુખ્ય યાજકો અને વડીલો તેમને પૂછે છે: “તું કયા અધિકારથી એ કામો કરે છે? અને એ અધિકાર તને કોણે આપ્યો?” ઈસુ પોતાના જવાબથી તેઓને ગૂંચવણમાં મૂકી દે છે. તે ત્રણ ઉદાહરણ દ્વારા તેઓની દુષ્ટતા ખુલ્લી પાડે છે. એમાંના બે ઉદાહરણો દ્રાક્ષાવાડીના અને એક લગ્નના જમણ વિષેનું છે. યહુદી ગુરુઓ એ સાંભળીને અતિ ક્રોધે ભરાય છે અને તેમને પકડવાનો પ્રયત્ન કરે છે. પરંતુ તેઓ લોકોથી બીવે છે, કેમ કે તેઓ ઈસુને પ્રબોધક માને છે. તેથી તેઓ તેમને કપટથી પકડવા ઇચ્છે છે. પરંતુ ઈસુનો જવાબ તેઓને શાંત પાડી દે છે.—માત્થી ૨૧:૨૩-૨૨:૪૬.
૧૩ શાસ્ત્રીઓ અને ફરોશીઓ પરમેશ્વરના નિયમો પાળવાનો દાવો કરતા હોવાથી, ઈસુ ટોળાને કહે છે: “જે કંઈ તેઓ તમને ફરમાવે, તે કરો તથા પાળો; પણ તેઓનાં કામ પ્રમાણે ન કરો, કેમકે તેઓ કહે છે ખરા, પણ કરતા નથી.” (માત્થી ૨૩:૧-૩) કેવું કડવું સત્ય! છતાં, ઈસુ હિંમતથી તેઓનો ઢોંગ ખુલ્લો પાડે છે. મંદિરમાં આ તેમનો છેલ્લો દિવસ છે.
૧૪ ઈસુ છઠ્ઠી વખત કહે છે, “ઓ શાસ્ત્રીઓ તથા ફરોશીઓ, ઢોંગીઓ, તમને અફસોસ છે!” તેઓ ખરેખર ઢોંગીઓ હતા! ઈસુએ કહ્યું તેમ, તેઓ લોકોની સામે સ્વર્ગનું રાજ્ય બંધ કરે છે. તેઓ પોતે તેમાં પેસતા નથી અને જેઓ ચાહે છે તેઓને પણ પેસવા દેતા નથી. આ ઢોંગીઓ આખું જગત ફરીને એક શિષ્ય બનાવે છે, અને તેને પોતા કરતાં બમણો નરકનો ભાગીદાર બનાવે છે. તેઓ “નિયમશાસ્ત્રની મોટી વાતો, એટલે ન્યાયકરણ તથા દયા તથા વિશ્વાસ,” પડતા મૂકે છે. પરંતુ, તેઓ દસમો ભાગ આપવાને મહત્ત્વ આપે છે. હકીકતમાં તેઓ ‘થાળીવાટકો બહારથી સાફ કરે છે, પણ તેઓની માંહે જુલમ તથા અન્યાય ભરેલા છે.’ તેઓ બહારથી ધાર્મિકતા બતાવે છે પણ અંદરથી તો સડેલા અને ભ્રષ્ટાચારી છે. તેઓ પ્રબોધકો માટે કબરો બાંધીને એને શણગારે છે, અને દેખાડો કરે છે. પરંતુ ખરી રીતે તેઓ “પ્રબોધકોને મારી નાખનારાઓના દીકરા” છે.—માત્થી ૨૩:૧૩-૧૫, ૨૩-૩૧.
૧૫ આ વિરોધીઓની અનીતિ ખુલ્લી પાડતા ઈસુ કહે છે, “ઓ આંધળા દોરનારાઓ, તમને અફસોસ છે!” તેઓ ‘આંધળા’ છે કારણ કે તેઓ મંદિરમાં ભક્તિ કરવાને બદલે, મંદિરના સોનાને વધારે મૂલ્યવાન ગણે છે. ઈસુ કડક શબ્દોથી કહે છે, “ઓ સર્પો, સાપોના વંશ, નરકના દંડથી તમે કેવી રીતે બચશો?” ઈસુ તેઓને કહે છે કે દુષ્ટ માર્ગમાં રહેવાથી તેઓનો કાયમી નાશ થશે. (માત્થી ૨૩:૧૬-૨૨, ૩૩) આપણે પણ જૂઠા ધર્મોને ખુલ્લા પાડીને રાજ્ય સંદેશો હિંમતથી પ્રચાર કરીએ.
૧૬ ઈસુ હવે મંદિર છોડીને જાય છે. સાંજ પડવા આવે છે ત્યારે, તે પોતાના પ્રેષિતો સાથે જૈતુનના પહાડ પર જાય છે. ત્યાં બેઠા હોય છે ત્યારે, ઈસુ તેઓને મંદિરના વિનાશ, તેમની હાજરી, અને દુષ્ટ જગતના અંતની નિશાની આપે છે. એ આપણા સમયમાં લાગુ પડે છે. એ સાંજે તે પોતાના શિષ્યોને એ પણ કહે છે કે, “તમે જાણો છો કે બે દહાડા પછી પાસ્ખા પર્વ છે; અને માણસનો દીકરો વધસ્તંભે જડાવા સારૂ પરસ્વાધીન કરાય છે.”—માત્થી ૨૪:૧-૧૪; ૨૬:૧, ૨.
ઈસુએ અંત સુધી શિષ્યો પર પ્રેમ રાખ્યો
૧૭ નીસાન ૧૨ અને ૧૩ના રોજ ઈસુ મંદિરમાં દેખાયા નહિ. યહુદી ગુરુઓ તેમને મારી નાખવા માટે શોધે છે. તેથી, ઈસુ ચાહતા નથી કે પોતાના શિષ્યો સાથે પાસ્ખાપર્વની ઉજવણીમાં કોઈ દખલગીરી કરે. નીસાન ૧૪ના ગુરુવારનો સૂર્યાસ્ત શરૂ થાય છે, જે પૃથ્વી પર ઈસુના જીવનનો છેલ્લો દિવસ છે. એ સાંજે, ઈસુ અને તેમના શિષ્યો યરૂશાલેમમાં એક ઘરમાં ભેગા થાય છે જ્યાં પાસ્ખાપર્વની ઉજવણીની તૈયારી કરવામાં આવી છે. પાસ્ખાપર્વની ઉજવણી પહેલાં, ઈસુ પોતાના શિષ્યોના પગ ધોઈને નમ્રતાનું સુંદર ઉદાહરણ બેસાડે છે. યહુદા ઇસ્કારીઓત, જે ૩૦ ચાંદીના સિક્કા માટે ઈસુનો વિશ્વાસઘાત કરવાનો છે તેને કાઢી મૂક્યા પછી, તે પોતાના મરણના સ્મરણપ્રસંગની ઉજવણી કરે છે. એ સિક્કાનું મૂલ્ય મુસાના નિયમ પ્રમાણે ફક્ત એક દિવસનો પગાર હતો.—નિર્ગમન ૨૧:૩૨; માત્થી ૨૬:૧૪, ૧૫, ૨૬-૨૯; યોહાન ૧૩:૨-૩૦.
૧૮ સ્મરણપ્રસંગની શરૂઆત કર્યા પછી, શિષ્યો વિવાદ કરે છે કે, તેઓમાં કોણ સૌથી મહાન બનશે. ઠપકો આપ્યા વગર, ઈસુ શાંતિથી તેઓને એકબીજાની સેવા કરવાનું શીખવે છે. શિષ્યો સતાવણીના સમયમાં ઈસુની સાથે રહ્યા છે. તેથી, તે પોતે તેઓ સાથે રાજ્યનો કરાર કરે છે. (લુક ૨૨:૨૪-૩૦) ઈસુએ તેઓ પર જેવો પ્રેમ કર્યો, એવો પ્રેમ એકબીજા પર કરવાની તેઓને આજ્ઞા આપી. (યોહાન ૧૩:૩૪) એ ઓરડામાં તેઓ લાંબો સમય રહે છે તેમ, તેઓને પોતાના આવનાર મરણ વિષે તૈયાર કરે છે. તે તેઓને પોતાના સાથની ખાતરી આપે છે અને વિશ્વાસ રાખવાનું ઉત્તેજન આપે છે. તે તેઓને પવિત્ર આત્મા આપવાનું વચન આપે છે. (યોહાન ૧૪:૧-૧૭; ૧૫:૧૫) એ ઘરમાંથી નીકળતા પહેલાં, ઈસુ પોતાના પિતાને વિનંતી કરે છે: “હે બાપ, સમય આવ્યો છે; તું તારા દીકરાને મહિમાવાન કર, કે દીકરો તને મહિમાવાન કરે.” ઈસુ શિષ્યોને પોતાના મરણ વિષે તૈયાર કરે છે તેમ, તે સાચે જ અંત સુધી તેઓ પર પ્રેમ રાખે છે.—યોહાન ૧૩:૧; ૧૭:૧.
૧૯ ઈસુ અને તેમના ૧૧ વિશ્વાસુ પ્રેષિતો ગેથસેમાનેની વાડીમાં પહોંચે છે ત્યારે, અડધી રાત થઈ હોય શકે. તે પોતાના પ્રેષિતો સાથે ત્યાં ઘણીવાર જતા. (યોહાન ૧૮:૧, ૨) થોડા જ કલાકોમાં, ઈસુએ એક ગુનેગારની જેમ મરવાનું છે. એ દુઃખ અને પોતાનું મરણ જે પરમેશ્વરના નામ પર દોષ લાવી શકે, એનાથી તે એટલી પીડા અનુભવે છે કે પ્રાર્થના કરતા કરતા તેમનો પસીનો લોહી બનીને નીકળે છે. (લુક ૨૨:૪૧-૪૪) ઈસુ પ્રેષિતોને કહે છે કે “ઘડી આવી પહોંચી છે . . . મને જે પરસ્વાધીન કરે છે તે પાસે આવ્યો છે.” તે તેઓ સાથે વાત કરી રહ્યા હતા એવામાં જ, યહુદા ઇસ્કારીઓત, મશાલ અને હથિયાર સાથે એક મોટા ટોળાને લઈ આવી પહોંચે છે. તેઓ ઈસુને પકડવા આવ્યા છે. ઈસુ એનો વિરોધ કરતા નથી. તે સમજાવે છે, “ધર્મલેખોમાં જે લખેલું છે કે એવું થવું જ જોઈએ, તે કેવી રીતે પૂરૂં થશે?”—માર્ક ૧૪:૪૧-૪૩; માત્થી ૨૬:૪૮-૫૪.
માણસનો દીકરો મહિમાવંત થાય છે!
૨૦ ઈસુને પકડ્યા પછી, તેમના પર જૂઠા સાક્ષીઓ તહોમતો મૂકે છે. ન્યાયાધીશો પક્ષપાત કરીને તેમને ગુનેગાર સાબિત કરે છે. પંતિઅસ પીલાતે સજા ફટકારી. પછી, સૈનિકો, લોકો અને યાજકો તેમની મશ્કરી કરે છે. (માર્ક ૧૪:૫૩-૬૫; ૧૫:૧, ૧૫; યોહાન ૧૯:૧-૩) શુક્રવારના બપોર સુધીમાં, ઈસુને વધસ્થંભ પર જડવામાં આવે છે. પોતાના શરીરના વજનને લીધે હાથપગમાં ઘોંચેલા ખીલા માંસ ફાડે છે, એની ખૂબ જ પીડા સહન કરે છે. (યોહાન ૧૯:૧૭, ૧૮) લગભગ બપોરના ત્રણ વાગે ઈસુ પોકારી ઊઠે છે: “સંપૂર્ણ થયું.” હા, તે પૃથ્વી પર જે કરવા આવ્યા હતા, એ પૂરું કરે છે. તે પોતાનું જીવન પરમેશ્વરના હાથમાં સોંપીને માથું નમાવીને મરણ પામે છે. (યોહાન ૧૯:૨૮, ૩૦; માત્થી ૨૭:૪૫, ૪૬; લુક ૨૩:૪૬) પછી, ત્રીજા દિવસે યહોવાહ પોતાના દીકરાને સજીવન કરે છે. (માર્ક ૧૬:૧-૬) તેમને સજીવન કર્યાના ૪૦ દિવસ પછી, ઈસુ સ્વર્ગમાં ચઢી જાય છે અને મહિમાવાન કરાય છે.—યોહાન ૧૭:૫; પ્રેરિતોનાં કૃત્યો ૧:૩, ૯-૧૨; ફિલિપી ૨:૮-૧૧.
૨૧ આપણે કઈ રીતે ઈસુને “પગલે” ચાલી શકીએ? (૧ પીતર ૨:૨૧) આપણે પ્રચાર અને શિષ્યો બનાવવાના કાર્યમાં સખત મહેનત કરીએ. તેમ જ પરમેશ્વરનું સત્ય હિંમતથી જણાવીએ. (માત્થી ૨૪:૧૪; ૨૮:૧૯, ૨૦; પ્રેરિતોનાં કૃત્યો ૪:૨૯-૩૧; ફિલિપી ૧:૧૪) આપણે કદી પણ આ જગતમાં ડૂબી ન જઈએ. એકબીજા પર પ્રેમ રાખવા અને સારા કામમાં વ્યસ્ત રહીએ. (માર્ક ૧૩:૨૮-૩૩; હેબ્રી ૧૦:૨૪, ૨૫) ચાલો આપણે યહોવાહ પરમેશ્વરની ઇચ્છા પ્રમાણે જીવીએ અને “છેક અંતના સમય” વિષે સજાગ રહીએ.—દાનીયેલ ૧૨:૪.
તમે કઈ રીતે સમજાવશો?
• પોતાનું મરણ નજીક છે, એ જાણતા ઈસુએ યરૂશાલેમના મંદિરમાં કેવી રીતે પ્રચાર કર્યો?
• કઈ રીતે કહી શકાય કે ઈસુએ અંત સુધી શિષ્યો પર પ્રેમ રાખ્યો?
• પૃથ્વી પરના છેલ્લા થોડા કલાકો ઈસુ વિષે શું શીખવે છે?
• આપણે ઈસુનું કઈ રીતે અનુકરણ કરી શકીએ?
[અભ્યાસ પ્રશ્નો]
૧. યરૂશાલેમમાં ૩૩ સી.ઈ.નું પાસ્ખાપર્વ નજીક આવે છે તેમ લોકો કેવી વાતો કરે છે, અને શા માટે?
૨. મરિયમે શું કર્યું જેનાથી વિવાદ થયો, અને તેના બચાવમાં ઈસુએ જે કહ્યું એ કઈ રીતે બતાવે છે કે તે “સમય” વિષે સજાગ હતા?
૩. (ક) ઈસુ યરૂશાલેમમાં કેવી રીતે પ્રવેશે છે, અને લોકો તેમને કેવો આવકાર આપે છે? (ખ) ફરોશીઓ ટોળા વિષે ફરિયાદ કરે છે ત્યારે ઈસુ કેવો જવાબ આપે છે?
૪. ઈસુ યરૂશાલેમમાં પ્રવેશે છે ત્યારે કેવી ધમાલ મચે છે?
૫. ઈસુ મંદિરમાં જાય છે ત્યારે શું બને છે?
૬. ઈસુમાં હવે કયો ફરક આવ્યો, અને શા માટે?
૭, ૮. ઈસુએ નીસાન ૧૦, ૩૩ સી.ઈ.ના રોજ મંદિરમાં જે કર્યું, એ અગાઉના કયા બનાવની યાદ આપે છે?
૯. હવે ઈસુ શું શીખવે છે, અને સાંભળી રહેલા લોકોને શું કરવાનું કહે છે?
૧૦. પોતાના આવી રહેલા મરણ વિષે ઈસુ શું કહે છે?
૧૧. સ્વર્ગમાંથી થયેલી વાણી સાંભળી, એ લોકોને ઈસુ શું શીખવે છે?
૧૨. નીસાન ૧૧ના મંગળવારે, યહુદી ગુરુઓ કઈ રીતે ઈસુને પકડવાનો પ્રયત્ન કરે છે, અને શું બને છે?
૧૩. ઈસુ લોકોને શાસ્ત્રીઓ અને ફરોશીઓ સંબંધી કઈ સલાહ આપે છે?
૧૪, ૧૫. ઈસુ શાસ્ત્રીઓ અને ફરોશીઓ પર કયા આરોપો મૂકે છે?
૧૬. જૈતુન પહાડ પર, ઈસુ પોતાના શિષ્યોને કઈ મહત્ત્વની ભવિષ્યવાણી જણાવે છે?
૧૭. (ક) નીસાન ૧૪ના પાસ્ખાપર્વમાં, ઈસુ પોતાના ૧૨ શિષ્યો માટે કયો સુંદર નમૂનો બેસાડે છે? (ખ) યહુદા ઇસ્કારીઓતના ગયા પછી, ઈસુ શાની ઉજવણી કરે છે?
૧૮. ઈસુ પોતાના ૧૧ વિશ્વાસુ પ્રેષિતોને બીજું શું શીખવે છે, અને કઈ રીતે તે તેઓને પોતાના આવનાર મરણ માટે તૈયાર કરે છે?
૧૯. ગેથસેમાનેની વાડીમાં ઈસુને શા માટે પીડા થાય છે?
૨૦. (ક) ઈસુને પકડ્યા પછી તેમની સાથે કેવું વર્તન થયું? (ખ) પોતાના મરણની ફક્ત થોડી પળો પહેલાં, શા માટે ઈસુ, “સંપૂર્ણ થયું” એમ પોકારી ઊઠે છે?
૨૧. આપણે કઈ રીતે ઈસુને ‘પગલે’ ચાલી શકીએ?
[પાન ૧૮ પર ચિત્ર]
ઈસુએ અંત સુધી શિષ્યો પર પ્રેમ રાખ્યો