ખ્રિસ્તીઓ યહોવાહનું ગૌરવ પ્રગટ કરે છે
“તમારી આંખોને ધન્ય છે, કેમ કે તેઓ જુએ છે; અને તમારા કાનોને ધન્ય છે, કેમ કે તેઓ સાંભળે છે.”—માત્થી ૧૩:૧૬.
૧. સિનાય પર્વત આગળ ઈસ્રાએલીઓએ મુસાને જોઈને શું કર્યું, અને કયો પ્રશ્ન ઊભો થાય છે?
સિનાય પર્વત આગળ એકઠા થયેલા ઈસ્રાએલીઓ પાસે યહોવાહ સાથે ગાઢ સંબંધ રાખવાને ઘણા કારણો હતા. થોડા વખત પહેલાં જ, યહોવાહે તેઓને મિસરમાંથી છોડાવ્યા હતા. તેઓ અરણ્યમાં હતા ત્યારે યહોવાહે તેઓની પાણી અને ખોરાકની જરૂરિયાતો પૂરી પાડી હતી. અમાલેકના ફોજે તેઓ પર હુમલો કર્યો, ત્યારે યહોવાહે તેઓને જીત અપાવી. (નિર્ગમન ૧૪:૨૬-૩૧; ૧૬:૨–૧૭:૧૩) ઈસ્રાએલીઓ સિનાય પર્વત આગળ હતા ત્યારે તેઓ ખૂબ ડરી ગયા, કેમ કે આકાશમાંથી ગર્જના અને વીજળી થતી હતી. પછી, તેઓએ મુસાને પર્વત પરથી નીચે ઊતરતા જોયા. તેમનો ચહેરો યહોવાહના ગૌરવથી ચમકતો હતો. આ રીતે, યહોવાહનું ગૌરવ વિષે જોઈને ઈસ્રાએલીઓ ખુશ થયા નહિ, પણ મુસાથી દૂર ચાલ્યા ગયા. કેમ કે, “તેઓ તેની [મુસા] પાસે આવતાં બીધા.” (નિર્ગમન ૧૯:૧૦-૧૯; ૩૪:૩૦) જોકે, યહોવાહે ઈસ્રાએલીઓ માટે ઘણું કર્યું હતું. તો પછી, શા માટે તેઓએ મુસાના ચહેરા પર ઈશ્વરનું ગૌરવ જોઈને ગભરાઈ ગયા?
૨. મુસાના ચહેરા પર યહોવાહનું ગૌરવ જોઈને ઈસ્રાએલીઓ શા માટે ગભરાઈ ગયા હશે?
૨ આ બનાવના થોડા સમય પહેલાં, ઈસ્રાએલીઓને બીજો એક અનુભવ થયો હતો. કદાચ એને લીધે તેઓ યહોવાહથી ડરી ગયા. એ વખતે, તેઓએ યહોવાહની આજ્ઞા તોડી હતી. તેઓએ જાણીજોઈને સોનાનું એક વાછરડું બનાવીને એની પૂજા કરી. આથી, યહોવાહે તેઓને સજા કરી હતી. (નિર્ગમન ૩૨:૪, ૩૫) યહોવાહની સજા સ્વીકાર્યા પછી શું તેઓ એમાંથી કંઈ શીખ્યા? ના, મોટા ભાગના લોકો કંઈ શીખ્યા નહિ. મુસાએ પોતાના મરણ પહેલાં ઈસ્રાએલીઓને યાદ કરાવ્યું કે સોનાના વાછરડાની પૂજા કરીને તેમ જ બીજા કિસ્સાઓમાં તેઓએ યહોવાહની આજ્ઞા તોડી હતી. તેમણે લોકોને કહ્યું: “તમે યહોવાહ તમારા દેવની આજ્ઞા વિરૂદ્ધ ફિતૂર કર્યું, ને તમે તેના પર વિશ્વાસ કર્યો નહિ, તેમ જ તેની વાણી પણ સાંભળી નહિ. જ્યારથી મારે તમારી સાથે ઓળખાણ થઈ ત્યારથી યહોવાહની સામે તમે બંડખોર ઠરી ચૂક્યા છો.”—પુનર્નિયમ ૯:૧૫-૨૪.
૩. મુસા ક્યારે પોતાનો ચહેરો ઢાંકતા અને ક્યારે ન ઢાંકતા?
૩ ઈસ્રાએલીઓને ડરી ગયેલા જોઈને મુસાએ શું કર્યું? બાઇબલ અહેવાલ કહે છે: “અને જ્યારે મુસા તેમની સાથે વાત કરી રહ્યો ત્યારે તેણે પોતાના મોં ઉપર ઘૂંઘટ નાખ્યો. પણ જ્યારે જ્યારે મુસા [મંડપમાં] યહોવાહની સાથે વાત કરવા સારૂ તેની હજૂરમાં જતો, ત્યારે ત્યારે તે બહાર આવે ત્યાં સુધી તે ઘૂંઘટ કાઢી નાખતો; પછી તે બહાર આવતો, ને જે આજ્ઞા તેને મળતી હતી તે તે ઇસ્રાએલપુત્રોને કહી સંભળાવતો; અને ઈસ્રાએલપુત્રોએ મુસાની સામે જોયું, તો મુસાનો ચહેરો પ્રકાશતો હતો; અને મુસા તેની સાથે વાત કરવાને માટે માંહે જતો ત્યાં સુધી તે પોતાના મુખ ઉપર ફરીથી ઘૂંઘટ રાખતો.” (નિર્ગમન ૩૪:૩૩-૩૫) મુસા શા માટે અમુક વાર પોતાના ચહેરાને ઢાંકી દેતા હતા? એમાંથી આપણે શું શીખી શકીએ? આ પ્રશ્નોના જવાબ મેળવીને આપણે જોઈ શકીશું કે યહોવાહ સાથેનો આપણો સંબંધ કેવો છે.
સારી તક ગુમાવે છે
૪. પાઊલના જણાવ્યા મુજબ, મુસાએ કેમ ચહેરો ઢાંકવો પડતો હતો?
૪ પ્રેરિત પાઊલે સમજાવ્યું કે ઈસ્રાએલીઓના મન અને હૃદયને લીધે મુસાએ ચહેરો ઢાંકવો પડતો. પાઊલે લખ્યું: ‘ઈસ્રાએલપુત્રો મુસાના મુખ પરનું તેજ જોઈ શક્યા નહિ; પણ તેઓનાં મન કઠણ થયાં.’ (૨ કોરીંથી ૩:૭, ૧૪) કેવો અફસોસ! ઈસ્રાએલીઓ તો યહોવાહની પસંદ કરેલી પ્રજા હતી. યહોવાહ ચાહતા હતા કે તેઓ તેમની સંગમાં રહે. (નિર્ગમન ૧૯:૪-૬) પરંતુ, ઈસ્રાએલીઓ યહોવાહનું ગૌરવ જોવા તૈયાર ન હતા. દિલ અને મનથી યહોવાહની ભક્તિ કરવાને બદલે, તેઓ તેમનાથી દૂર ચાલ્યા ગયા.
૫, ૬. (ક) મુસાના દિવસોના ઈસ્રાએલીઓ અને પ્રથમ સદીના લોકો કઈ રીતે સરખા હતા? (ખ) ઈસુને સાંભળનારા અને ન સાંભળનારા વચ્ચે કયો ફરક હતો?
૫ પ્રથમ સદીમાં પણ આવું જ કંઈક બન્યું. પાઊલ ખ્રિસ્તી બન્યા ત્યારે મુસાનો નિયમ જૂનો થઈ ગયો હતો. મુસાથી વધુ મહાન ઈસુએ લોકોને એક નવો કરાર આપ્યો હતો. ઈસુએ વાણી અને વર્તનથી યહોવાહનું ગૌરવ પૂરી રીતે પ્રગટ કર્યું. સજીવન થયેલા ઈસુ વિષે પાઊલે કહ્યું: “તે તેના [ઈશ્વરના] ગૌરવનું તેજ તથા તેના સત્ત્વની આબેહૂબ પ્રતિમા છે.” (હેબ્રી ૧:૩) યહુદીઓ પાસે કેટલી સારી તક હતી! અનંતજીવન વિષેની બાબતો તેઓ ઈશ્વરના પુત્ર પાસેથી શીખી શક્યા હોત! અફસોસની વાત છે કે મોટા ભાગના લોકોએ ઈસુનું સાંભળ્યું નહિ. તેઓ વિષે ઈસુએ યહોવાહથી આવેલી યશાયાહની ભવિષ્યવાણી ટાંકતા કહ્યું: “લોકોનાં મન જડ થઈ ગયાં છે, ને તેઓના કાન બહેર મારી ગયા છે, ને તેઓએ પોતાની આંખો મીંચેલી છે; રખેને તેઓને આંખે સૂઝે, ને તેઓ કાને સાંભળે, ને મનથી સમજે, ને ફરે; અને હું તેઓને સાજા કરૂં.”—માત્થી ૧૩:૧૫; યશાયાહ ૬:૯, ૧૦.
૬ યહુદીઓ અને ઈસુના શિષ્યો વચ્ચે એક મોટો ફરક હતો. શિષ્યો વિષે ઈસુએ કહ્યું: “તમારી આંખોને ધન્ય છે, કેમ કે તેઓ જુએ છે; અને તમારા કાનોને ધન્ય છે, કેમ કે તેઓ સાંભળે છે.” (માત્થી ૧૩:૧૬) સાચા ખ્રિસ્તીઓ યહોવાહ વિષે શીખવા અને તેમની સેવા કરવા તલપે છે. બાઇબલ સમજાવે છે એ પ્રમાણે તેઓ ખુશીથી ઈશ્વરની સેવા કરે છે. એટલે અભિષિક્ત ખ્રિસ્તીઓ નવા કરારની સેવાથી યહોવાહનું ગૌરવ પ્રગટ કરે છે અને બીજાં ઘેટાંઓ પણ તેઓની સાથે છે.—૨ કોરીંથી ૩:૬, ૧૮.
સુવાર્તા શા માટે ઢંકાયેલી છે
૭. મોટા ભાગના લોકો સુવાર્તાનો ઇન્કાર કરે ત્યારે આપણને કેમ નવાઈ ન લાગવી જોઈએ?
૭ આપણે જોયું તેમ, ઈસુના જમાનામાં અને મુસાના જમાનામાં પણ, મોટા ભાગના ઈસ્રાએલીઓએ સારી તક ગુમાવી. આપણા દિવસોમાં પણ એ જ બને છે. આપણે સુવાર્તા ફેલાવીએ ત્યારે મોટા ભાગના લોકો એનો ઇન્કાર કરે છે. એનાથી આપણને નવાઈ લાગવી ન જોઈએ. પાઊલે કહ્યું: “પણ જો અમારી સુવાર્તા ઢંકાએલી હોય, તો તે નાશ પામનારાઓને સારૂ ઢંકાએલી છે; તેઓમાં આ જગતના દેવે અવિશ્વાસીઓનાં મન આંધળાં કર્યાં છે.” (૨ કોરીંથી ૪:૩, ૪) શેતાન સુવાર્તાને ઢાંકવા માગે છે. તેમ જ, આજે મોટા ભાગના લોકો તેઓના ચહેરા ઢાંકે છે જેથી તેઓ એ જોઈ ન શકે.
૮. આજે કઈ રીતે અનેક લોકો આંધળા છે? આપણે તેઓના જેવા ન બનવા શું કરવું જોઈએ?
૮ ઘણા લોકો સુવાર્તાની અવગણના કરે છે. તેઓ જાણે આંધળા છે. બાઇબલ દેશ-વિદેશના લોકો વિષે કહે છે કે ‘તેઓની બુદ્ધિ અંધકારમય થએલી હોવાથી, અને પોતામાં જે અજ્ઞાન છે, તેણે કરીને તેઓ દેવના જીવનથી દૂર છે.’ (એફેસી ૪:૧૮) પાઊલ ખ્રિસ્તી બન્યા પહેલાં, નિયમના એક વિદ્વાન હતા. પણ તે મનની આંખોથી આંધળા હતા. એટલા માટે તે ઈશ્વરના મંડળને સતાવતા હતા. (૧ કોરીંથી ૧૫:૯) યહોવાહે તેમને સત્ય સમજાવ્યું. એટલે પાઊલે કહ્યું: “અનંતજીવનને સારૂ જેઓ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે, તેઓને માટે હું નમૂનારૂપ થાઉં, માટે મારા પર દયા કરવામાં આવી, કે તેથી તે પોતાની પૂરી સહનશીલતા મારા સંબંધમાં પ્રગટ કરે.” (૧ તીમોથી ૧:૧૬) પાઊલની જેમ, અનેક લોકો પહેલાં ઈશ્વરના સત્યનો વિરોધ કરતા હતા, પણ હવે તેમની ભક્તિ કરે છે. આ કારણને લીધે આપણે પ્રચાર કરતા રહેવું જોઈએ. અરે, આપણા વિરોધીઓને પણ સાક્ષી આપવી જોઈએ. સાથે સાથે, નિયમિત બાઇબલ અભ્યાસ કરીને એનો અર્થ સમજવો મહત્ત્વનું છે. એમ કરવાથી આપણે મનથી આંધળા લોકો જેવું વિચારીશું નહિ. આપણે યહોવાહને નાખુશ પણ નહિ કરીએ.
૯, ૧૦. (ક) પ્રથમ સદીના યહુદીઓએ કઈ રીતે બતાવ્યું કે તેઓ શીખવા તૈયાર ન હતા? (ખ) આજે ચર્ચના લોકોમાં શું જોવા મળે છે?
૯ ઘણા લોકો ભક્તિને લગતી બાબતો સમજી શકતા નથી કેમ કે તેઓ શીખીને પોતાના વિચારો બદલવા તૈયાર નથી. ઘણા યહુદીઓએ ઈસુ અને તેમના શિક્ષણનો ઇન્કાર કર્યો અને હઠીલા બનીને મુસાના નિયમને જ વળગી રહ્યા. પણ બધા એવા ન હતા. દાખલા તરીકે, ઈસુના સજીવન થયા પછી “ઘણા યાજકો પણ વિશ્વાસને આધીન થયા.” (પ્રેરિતોનાં કૃત્યો ૬:૭) તેમ છતાં, મોટા ભાગના યહુદીઓ વિષે પાઊલે લખ્યું: “પણ આજ સુધી જ્યારે મુસાનાં પુસ્તક વાંચવામાં આવે છે, ત્યારે તેઓનાં હૃદય પર મુખપટ હોય છે.” (૨ કોરીંથી ૩:૧૫) વધુમાં, પાઊલ એ પણ જાણતા હતા કે ઈસુએ યહુદી ધર્મગુરુઓને શું કહ્યું હતું: “તમે શાસ્ત્ર તપાસી જુઓ છો, કેમ કે તેઓથી તમને અનંતજીવન છે, એમ તમે ધારો છો; અને મારે વિષે શાહેદી આપનાર તે એ જ છે.” (યોહાન ૫:૩૯) જે શાસ્ત્ર તેઓ ખૂબ ધ્યાનથી તપાસતા હતા, એ જ તેઓને બતાવતા હતા કે ઈસુ આપણા મસીહ છે, મુક્તિદાતા છે. યહુદીઓ એ સમજવા તૈયાર ન હતા. ઈશ્વરના પુત્રએ અનેક ચમત્કારો કર્યા, પણ તેઓનું મન બદલાયું નહિ.
૧૦ જગતના ચર્ચમાં પણ એવું જ જોવા મળે છે. પ્રથમ સદીના યહુદીઓની જેમ, “દેવ ઉપર તેઓની આસ્થા છે ખરી, પણ તે જ્ઞાન વગરની છે.” (રૂમી ૧૦:૨) અમુક તો બાઇબલમાંથી અભ્યાસ કરે છે, પણ એમાં જે લખેલું છે એ માનવા તૈયાર નથી. તેઓ સ્વીકારતા નથી કે યહોવાહ વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકરના અભિષિક્ત ખ્રિસ્તીઓ દ્વારા સત્ય શીખવે છે. (માત્થી ૨૪:૪૫) આપણે સમજીએ છીએ કે યહોવાહ તેમના લોકોને શીખવી રહ્યા છે અને સત્યની સમજણ હંમેશાં ચોખ્ખી બનતી જાય છે. (નીતિવચનો ૪:૧૮) યહોવાહ તરફથી જ્ઞાન મેળવીને આપણે તેમનો હેતુ અને ઇચ્છા શીખી શક્યા છીએ.
૧૧. અમુક લોકો મન ફાવે એવી જ બાબતો માને ત્યારે સત્યના સંદેશને શું થાય છે?
૧૧ બીજાઓ પણ મનની આંખોથી આંધળા છે. કેમ કે તેઓ મન ફાવે એવી બાબતો જ માને છે. શાસ્ત્રએ ભવિષ્યવાણી કરી હતી કે અમુક લોકો ઈશ્વરભક્તોની અને ઈસુની હાજરી વિષેના તેઓના સંદેશાની મશ્કરી કરશે. પ્રેરિત પીતરે લખ્યું: “કેમ કે તેઓ જાણીજોઈને આ ભૂલી જાય છે” કે ઈશ્વર નુહના જમાનામાં દુનિયા પર જળપ્રલય લાવ્યા. (૨ પીતર ૩:૩-૬) એ જ રીતે, આજે પોતાને ખ્રિસ્તી ગણતા ઘણા લોકો માને છે કે યહોવાહ દયાના સાગર છે, કરુણા બતાવે છે અને ક્ષમા કરવા તૈયાર રહે છે. તેમ છતાં, તેઓ માનવા તૈયાર નથી કે યહોવાહ દુષ્ટોને સજા આપવામાં જરાય વાર કરતા નથી. (નિર્ગમન ૩૪:૬, ૭) સાચા ખ્રિસ્તીઓએ ધ્યાન રાખવું જોઈએ કે તેઓ બાઇબલનું શિક્ષણ પૂરી રીતે સમજે.
૧૨. લોકો રીતરિવાજોથી કઈ રીતે આંધળા થઈ ગયા છે?
૧૨ ચર્ચમાં જનારા ઘણા લોકો રીતરિવાજોથી આંધળા થઈ ગયા છે. ઈસુએ તેમના દિવસોના ધર્મગુરુઓને કહ્યું: “તમે તમારા સંપ્રદાયથી [રીતરિવાજોથી] દેવની આજ્ઞા રદ કરી છે.” (માત્થી ૧૫:૬) યહુદીઓએ બાબેલોનમાંથી નીકળીને ઉત્સાહથી સાચી ભક્તિ ફરી શરૂ કરી. પરંતુ, યાજકો ઘમંડી ને ઢોંગી બન્યા. ધાર્મિક તહેવારો દિલથી નહિ, પણ ફરજથી પાળવા લાગ્યા. (માલાખી ૧:૬-૮) ઈસુ પૃથ્વી પર આવ્યા ત્યાં સુધીમાં તો શાસ્ત્રીઓ અને ફરોશીઓએ મુસાના નિયમ સાથે બીજા અનેક રીતરિવાજો જોડી દીધા હતા. ઈસુએ આ માણસોને ઢોંગી કહીને ખુલ્લા પાડ્યા. કેમ કે તેઓએ ઈશ્વરના નિયમના સાચા સિદ્ધાંતો છોડી દીધા હતા. (માત્થી ૨૩:૨૩, ૨૪) સાચા ખ્રિસ્તીઓએ ધ્યાન રાખવું જોઈએ કે માણસે બનાવેલા કોઈ પણ ધાર્મિક રીતરિવાજ તેઓને યહોવાહની સાચી ભક્તિથી દૂર ન લઈ જાય.
“જાણે તે અદૃશ્યને જોતો હોય”
૧૩. મુસાએ કઈ બે રીતોએ ઈશ્વરનું ગૌરવ જોયું?
૧૩ પર્વત પર મુસાએ યહોવાહનું ગૌરવ જોવાની વિનંતી કરી હતી. યહોવાહે તેમને પોતાના ગૌરવની એક ઝલક જોવા દીધી. મુસા મંડપમાં જતા ત્યારે તેમણે પોતાનો ચહેરો ઢાંકવો પડતો ન હતો. મુસા ઈશ્વર પર ખૂબ શ્રદ્ધા રાખતા અને તેમનામાં ઈશ્વરની સેવા કરવાની તમન્ના હતી. ભલે તેમને યહોવાહના ગૌરવની એક ઝલક જોવાની તક મળી, એના પહેલાં પણ મુસાએ વિશ્વાસને લીધે જાણે ઈશ્વરનું દર્શન જોયું હતું. બાઇબલ કહે છે કે મુસા ‘જાણે અદૃશ્યને જોતા હોય એમ અડગ રહ્યા.’ (હેબ્રી ૧૧:૨૭; નિર્ગમન ૩૪:૫-૭) તેમણે થોડાક સમય માટે પોતાના ચહેરા પરથી નીકળતા કિરણોથી જ યહોવાહનું ગૌરવ પ્રગટ કર્યું નહિ. પરંતુ, ઈસ્રાએલીઓને યહોવાહ વિષે શીખવીને તેમની સેવા કરવામાં તેઓને મદદ કરવા ઘણી મહેનત કરીને ઈશ્વરનું ગૌરવ પ્રગટ કર્યું.
૧૪. ઈસુએ કઈ રીતે ઈશ્વરનું ગૌરવ જોયું અને તેમને શું કરવું ગમતું?
૧૪ વિશ્વનું સર્જન થયું એના પહેલાં પણ ઈસુ લાખો વર્ષોથી સ્વર્ગમાં ઈશ્વરનું ગૌરવ જોતા આવ્યા હતા. (નીતિવચનો ૮:૨૨, ૩૦) આ સમય દરમિયાન, તેઓ બંને વચ્ચે અતૂટ પ્રેમનો નાતો બંધાયો. યહોવાહે તેમના પ્રથમ પ્યારા પુત્ર ઈસુ માટે ખૂબ લાગણી બતાવી. એ પ્રેમ અનુભવીને ઈસુએ પોતે તેમના સરજનહારને કેટલો પ્રેમ બતાવ્યો! (યોહાન ૧૪:૩૧; ૧૭:૨૪) પિતા અને પુત્ર વચ્ચે સાચે જ પ્રેમનું અતૂટ બંધન હતું. મુસાની જેમ જ, ઈસુ પણ જે કંઈ શીખવતા એમાં ખુશી ખુશી યહોવાહનું ગૌરવ પ્રગટ કરતા હતા.
૧૫. ખ્રિસ્તીઓ કઈ રીતે ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરે છે?
૧૫ મુસા અને ઈસુની જેમ, આજે યહોવાહના સાક્ષીઓ ઉત્સાહથી તેમનું ગૌરવ પ્રગટ કરે છે. તેઓ રાજ્યની ખુશખબરીનો નકાર કરતા નથી. પ્રેરિત પાઊલે લખ્યું: “જ્યારે તે લોક પ્રભુની [સેવા કરવા તેમની] ભણી ફરશે, ત્યારે તે મુખપટ દૂર કરવામાં આવશે.” (૨ કોરીંથી ૩:૧૬) આપણે બાઇબલ તપાસીએ છીએ કેમ કે આપણે ઈશ્વરની ઇચ્છા પૂરી કરવા ચાહીએ છીએ. યહોવાહના પુત્ર અને અભિષિક્ત રાજા ઈસુના ચહેરા પર જે ગૌરવ પ્રગટ થાય છે એની આપણે કદર કરીએ છીએ. તેમણે બેસાડેલા દાખલાને અનુસરવાની કોશિશ કરીએ છીએ. મુસા અને ઈસુની જેમ, આપણને મહાન યહોવાહ તરફથી પ્રચાર કરવાની સોંપણી મળી છે. તેમના વિષે બીજાઓને શીખવવાની જવાબદારી મળી છે.
૧૬. સત્ય જાણવાથી આપણને કેવો આશીર્વાદ મળે છે?
૧૬ ઈસુએ પ્રાર્થનામાં કહ્યું: ‘ઓ બાપ, હું તારી સ્તુતિ કરૂં છું, કેમ કે જ્ઞાનીઓ તથા તર્કશાસ્ત્રીઓથી તેં એ વાતો ગુપ્ત રાખી, ને બાળકોની આગળ પ્રગટ કરી છે.’ (માત્થી ૧૧:૨૫) યહોવાહ નિખાલસ અને નમ્ર દિલવાળા લોકોને તેમના હેતુ અને સ્વભાવ વિષે સમજણ આપે છે. (૧ કોરીંથી ૧:૨૬-૨૮) આપણે તેમનું રક્ષણ મેળવ્યું છે. વળી, જીવનમાંથી આપણે પૂરો લાભ મેળવીએ એ માટે તે આપણને શીખવે છે. યહોવાહે આપણને તેમના વિષે શીખવવા અનેક ગોઠવણો કરી છે જેથી તેમની વધુ નજીક જઈ શકીએ. ચાલો આપણે એ માટે તેમનો ઉપકાર માનીએ અને આ ગોઠવણો દ્વારા તેમની નજીક જવા દરેક તકનો સારો ઉપયોગ કરીએ.
૧૭. આપણે કઈ રીતે યહોવાહના ગુણો વધારે સારી રીતે જાણી શકીએ?
૧૭ પાઊલે અભિષિક્ત ખ્રિસ્તીઓને લખ્યું: “આપણે સર્વ ખુલ્લા ચહેરે, પ્રભુના ગૌરવને પ્રતિબિંબિત કરીએ છીએ. અને પ્રભુ પવિત્ર આત્મા પાસેથી આવતું એ જ ગૌરવ તેમની પ્રતિમામાં આપણું પરિવર્તન કરીને આપણને વિશેષ ગૌરવવાન બનાવે છે.” (૨ કોરીંથી ૩:૧૮, પ્રેમસંદેશ) ભલે આપણી આશા સ્વર્ગમાં જવાની હોય કે પૃથ્વી પર રહેવાની હોય, જો આપણે બાઇબલમાંથી યહોવાહના ગુણો અને સ્વભાવ વિષે વધુ શીખીશું, તો આપણે તેમના જેવા બનીશું. જો આપણે ઈસુ ખ્રિસ્તનું જીવન, તેમનું પ્રચાર કામ અને શિક્ષણની કદર કરીએ, એના પર ખૂબ વિચાર કરીએ તો, આપણે યહોવાહના ગુણો વધારે સારી રીતે પ્રગટ કરીશું. આપણને એ જાણીને કેટલો આનંદ થાય છે કે ઈશ્વરને અનુસરવાથી આપણે તેમની સ્તુતિ કરીએ છીએ અને તેમનું ગૌરવ પ્રગટ કરીએ છીએ!
તમને યાદ છે?
• ઈસ્રાએલીઓ શા માટે મુસાના ચહેરા પર ચમકતું ઈશ્વરનું ગૌરવ જોવાથી ડરતા હતા?
• પ્રથમ સદીમાં સુવાર્તા કઈ રીતે “ઢંકાએલી” હતી? આજે પણ કઈ રીતે ઢંકાએલી છે?
• આપણે કઈ રીતે ઈશ્વરનું ગૌરવ પ્રગટ કરીએ છીએ?
[પાન ૧૯ પર ચિત્ર]
ઈસ્રાએલીઓ મુસાનો ચહેરો જોવાથી ડરતા હતા
[પાન ૨૧ પર ચિત્ર]
પાઊલની જેમ, શરૂઆતમાં ઘણા લોકો ઈશ્વરના સત્યનો વિરોધ કરતા હતા, પણ હવે તેમની સેવા કરે છે
[પાન ૨૩ પર ચિત્ર]
યહોવાહના સેવકો ખુશી ખુશી તેમનું ગૌરવ પ્રગટ કરે છે