કોરીંથીઓને બીજો પત્ર
૩ શું અમારે ફરીથી પોતાની ઓળખ આપવાની જરૂર છે? શું અમારે અમુક લોકોની જેમ તમારા પર લખેલા કે તમારી પાસેથી મળેલા ભલામણપત્રોની જરૂર છે? ૨ તમે પોતે અમારો પત્ર છો,+ જે અમારા દિલ પર લખાયેલો છે અને જેને બધા લોકો જાણે છે અને વાંચે છે. ૩ કેમ કે એ દેખીતું છે કે તમે ખ્રિસ્તનો પત્ર છો, જે અમે સેવકોએ લખ્યો છે.+ એ શાહીથી નહિ, પણ જીવતા ઈશ્વરની શક્તિથી લખાયેલો છે. એ પથ્થરની પાટીઓ+ પર નહિ, પણ દિલ પર લખાયેલો છે.+
૪ ખ્રિસ્ત દ્વારા ઈશ્વર પર અમને એવો ભરોસો છે. ૫ એવું નથી કે અમે અમારી શક્તિથી આ કામ કરી શકીએ છીએ, અમે તો ઈશ્વરની મદદથી આ કામ કરીએ છીએ.+ ૬ ઈશ્વરે સાચે જ અમને નવા કરારના*+ સેવકો થવા લાયક બનાવ્યા છે. તેમણે અમને લેખિત નિયમોના નહિ,+ પવિત્ર શક્તિના સેવકો બનાવ્યા છે, કેમ કે લેખિત નિયમો મોતની સજા માટે દોષિત ઠરાવે છે,+ પણ પવિત્ર શક્તિ જીવન આપે છે.+
૭ મરણ લાવનાર નિયમો પથ્થરની પાટીઓ પર લખીને+ મૂસાને આપવામાં આવ્યા હતા. એ એટલા ગૌરવ સાથે અપાયા હતા કે ઇઝરાયેલીઓ મૂસાના ચહેરા પરના ગૌરવને લીધે તેમની સામે જોઈ શકતા ન હતા.+ મૂસાના ચહેરા પરનું એ ગૌરવ જતું રહેવાનું હતું. ૮ જો એ નિયમો ગૌરવ સાથે આપવામાં આવ્યા હોય, તો શું પવિત્ર શક્તિ વધારે ગૌરવ સાથે આપવામાં નહિ આવે?+ ૯ જો દોષિત ઠરાવતા નિયમો+ ગૌરવશાળી હતા,+ તો નેક* ઠરાવતી સેવા કેટલી વધારે ગૌરવશાળી હશે!+ ૧૦ હકીકતમાં, એ નિયમો એક સમયે ઘણા ગૌરવશાળી હતા. પણ હવે એનું ગૌરવ જતું રહ્યું છે, કેમ કે નવો કરાર એનાથી પણ વધારે ગૌરવશાળી છે.+ ૧૧ જે નિયમો જતા રહેવાના હતા જો એને ગૌરવશાળી બનાવવામાં આવ્યા હોય,+ તો કાયમ ટકનારો નવો કરાર કેટલો વધારે ગૌરવશાળી હશે!+
૧૨ આપણી પાસે એવી આશા હોવાથી+ આપણે સંકોચ વિના* બોલીએ છીએ ૧૩ અને મૂસાએ જેમ કર્યું એમ આપણે કરતા નથી. મૂસા પડદાથી પોતાનો ચહેરો ઢાંકી દેતા હતા,+ જેથી જે જતું રહેવાનું હતું, એનું ગૌરવ ઇઝરાયેલીઓ ન જુએ. ૧૪ પણ તેઓનાં મન જડ થઈ ગયાં હતાં.+ કેમ કે આજ સુધી જૂનો કરાર વાંચવામાં આવે છે ત્યારે, એ પડદો પડેલો જ રહે છે.+ એ પડદો ફક્ત ખ્રિસ્ત દ્વારા જ હટાવવામાં આવે છે.+ ૧૫ હકીકતમાં, આજ સુધી જ્યારે મૂસાનાં લખાણો વાંચવામાં આવે છે,+ ત્યારે તેઓનાં હૃદય પર પડદો પડેલો હોય છે.+ ૧૬ પણ જ્યારે વ્યક્તિ યહોવા* તરફ ફરે છે, ત્યારે પડદો હટાવી દેવામાં આવે છે.+ ૧૭ હવે યહોવા* તો અદૃશ્ય છે+ અને જ્યાં યહોવાની* પવિત્ર શક્તિ છે, ત્યાં આઝાદી છે.+ ૧૮ આપણા બધાના ચહેરા પડદાથી ઢંકાયેલા નથી અને આપણે અરીસાની જેમ યહોવાના* ગૌરવનું પ્રતિબિંબ પાડીએ છીએ. એમ કરતાં કરતાં આપણે પણ બદલાઈને તેમના જેવા બનીએ છીએ અને આપણું ગૌરવ વધતું ને વધતું જાય છે. આમ, અદૃશ્ય યહોવા* આપણને જેવા બનાવવા માંગે છે, એવા જ આપણે બનતા જઈએ છીએ.+