અભ્યાસ લેખ ૪૩
હિંમત ન હારીએ!
“સારું કરવાનું પડતું ન મૂકીએ.”—ગલા. ૬:૯.
ગીત ૪૪ સંદેશો બધે વાવીએ
ઝલકa
૧. (ક) આપણને કયો લહાવો મળ્યો છે? (ખ) આપણને શાનાથી ખુશી થાય છે?
આપણને યહોવાના સાક્ષી બનવાનો કેટલો મોટો લહાવો મળ્યો છે! આપણે એ નામથી ઓળખાઈએ છીએ, એટલે લોકોને યહોવાના નામ વિશે જણાવીએ છીએ અને તેઓને શીખવીએ છીએ. “જેઓનું દિલ સારું” છે તેઓને શિષ્ય બનવા મદદ કરીએ છીએ ત્યારે આપણને ઘણી ખુશી થાય છે. (પ્રે.કા. ૧૩:૪૮) ઈસુને પણ એવી ખુશી થઈ હતી. શિષ્યોએ પ્રચારમાં થયેલા સારા અનુભવો વિશે ઈસુને જણાવ્યું ત્યારે ‘તેમની ખુશીનો પાર રહ્યો નહિ.’—લૂક ૧૦:૧, ૧૭, ૨૧.
૨. કઈ રીતે બતાવી શકીએ કે પ્રચારકામ આપણા માટે મહત્ત્વનું છે?
૨ પ્રેરિત પાઉલે તિમોથીને કહ્યું, ‘તારા પોતાના પર અને તારા શિક્ષણ પર હંમેશાં ધ્યાન આપજે. એમ કરવાથી તું પોતાને અને તારી વાત સાંભળનાર લોકોને બચાવી લઈશ.’ (૧ તિમો. ૪:૧૬) આપણા માટે પ્રચારકામ ખૂબ મહત્ત્વનું છે, કેમ કે એનાથી લોકોનું જીવન બચે છે. આપણે ઈશ્વરના રાજ્યની પ્રજા છીએ, એટલે હંમેશાં પોતાના પર ધ્યાન આપવું જોઈએ. આપણાં કાર્યોથી યહોવાને મહિમા મળવો જોઈએ. આપણે એ રીતે જીવન જીવવું જોઈએ, જેનાથી દેખાઈ આવે કે આપણે જે શીખવીએ છીએ એ પ્રમાણે કરીએ પણ છીએ. (ફિલિ. ૧:૨૭) આપણે ‘પોતાના શિક્ષણ પર ધ્યાન આપવું જોઈએ.’ કઈ રીતે? પ્રચારમાં જતા પહેલાં આપણે સારી તૈયારી કરવી જોઈએ. પ્રાર્થનામાં યહોવા પાસે મદદ માંગવી જોઈએ.
૩. શું બધા લોકો સંદેશામાં રસ બતાવશે? સમજાવો.
૩ અમુક વાર એવું બને કે ઘણી મહેનત કરવા છતાં આપણા વિસ્તારમાં કોઈ વ્યક્તિ સંદેશામાં રસ ન બતાવે. ચાલો, ભાઈ જ્યોર્જ લિન્ડલનો વિચાર કરીએ. તેમણે ૧૯૨૯થી ૧૯૪૭ સુધી આઇસલૅન્ડના અલગ અલગ વિસ્તારોમાં એકલા પ્રચાર કર્યો. તેમણે હજારો પુસ્તકો અને મૅગેઝિન આપ્યાં, પણ એકેય વ્યક્તિએ રસ ન બતાવ્યો. તેમણે કહ્યું, “અમુક વિરોધ કરતા હતા પણ મોટા ભાગના લોકોને સંદેશો સાંભળવામાં કોઈ જ રસ ન હતો.” પછી અમુક મિશનરીને ત્યાં મોકલવામાં આવ્યા. તેઓએ પણ ઘણાં વર્ષો સુધી પ્રચાર કર્યો, પણ કોઈએ બાપ્તિસ્મા ન લીધું. નવ વર્ષ પછી અમુક લોકો યહોવાના સાક્ષી બન્યા.b
૪. લોકો બાઇબલ વિશે શીખવામાં રસ ન બતાવે ત્યારે આપણને કેવું લાગે છે?
૪ પાઉલના ઉદાહરણ પર ધ્યાન આપીએ. મોટા ભાગના યહૂદીઓએ ઈસુનો ખ્રિસ્ત તરીકે સ્વીકાર કર્યો નહિ ત્યારે પાઉલે કહ્યું, “મારા દિલમાં ભારે શોક છે, એવી વેદના છે જે દૂર થતી જ નથી.” (રોમ. ૯:૧-૩) લોકોને બાઇબલ શીખવામાં રસ ન હોય ત્યારે આપણને પણ પાઉલની જેમ દુઃખ થઈ શકે. અમુક વાર વિદ્યાર્થીને શીખવવા આપણે ઘણી મહેનત કરીએ, પ્રાર્થનાઓ કરીએ છતાં તે જીવનમાં કોઈ ફેરફાર ન કરે. આખરે તેનો અભ્યાસ બંધ કરવો પડે. અથવા એવું બને કે આપણો કોઈ વિદ્યાર્થી બાપ્તિસ્મા ન લે. એવા સંજોગોમાં આપણે કદાચ નિરાશ થઈ જઈએ. શું આપણે એવું વિચારીશું કે પ્રચારમાં આપણી મહેનત નકામી ગઈ અને યહોવા આપણાથી ખુશ નથી? આ લેખમાં આપણે બે સવાલોની ચર્ચા કરીશું: (૧) આપણા પ્રચારકામને શું સફળ બનાવે છે? (૨) પ્રચાર કરતી વખતે શું યાદ રાખવું જોઈએ?
આપણા પ્રચારકામને શું સફળ બનાવે છે?
૫. અમુક વાર આપણે ચાહીએ એવું કેમ થતું નથી?
૫ બાઇબલમાં લખ્યું છે કે જે વ્યક્તિ ઈશ્વરની ઇચ્છા પ્રમાણે કરે છે, “તે દરેક કામમાં સફળ થશે.” (ગીત. ૧:૩) પણ એનો અર્થ એવો નથી કે આપણે ચાહીએ એવું જ હંમેશાં થાય. આપણે ભૂલો કરીએ છીએ અને આપણું જીવન “મુશ્કેલીઓથી ભરપૂર છે.” (અયૂ. ૧૪:૧) એટલે યહોવાની સેવામાં આપણે જેટલું ચાહીએ એટલું ન કરી શકીએ. વધુમાં વિરોધીઓ આપણા કામને અટકાવવાનો પ્રયત્ન કરે છે. (૧ કોરીં. ૧૬:૯; ૧ થેસ્સા. ૨:૧૮) તો પછી પ્રચારકામમાં આપણી સફળતાને યહોવા કઈ રીતે જુએ છે? ચાલો એ વિશે જોઈએ.
૬. યહોવાની નજરમાં આપણું પ્રચારકામ ક્યારે સફળ બને છે?
૬ યહોવા આપણી મહેનત અને ધગશ જુએ છે. આપણે તેમને કેટલો પ્રેમ કરીએ છીએ અને તેમની સેવામાં કેટલી મહેનત કરીએ છીએ એ તે જુએ છે. લોકો આપણો સંદેશો ન સ્વીકારે તોપણ યહોવાની નજરમાં આપણું પ્રચારકામ સફળ છે. પાઉલે કહ્યું, “ઈશ્વર એવા અન્યાયી નથી કે તમારાં કામોને અને તેમના નામ માટે તમે બતાવેલા પ્રેમને ભૂલી જાય. તમે પવિત્ર જનોની જે સેવા કરી છે અને હજુ કરી રહ્યા છો એ ઈશ્વર ક્યારેય નહિ ભૂલે.” (હિબ્રૂ. ૬:૧૦) ભલે આપણો બાઇબલ વિદ્યાર્થી બાપ્તિસ્મા ન લે તોપણ યહોવા આપણા પ્રયત્નો ભૂલતા નથી. આપણી મહેનત રંગ ન લાવે ત્યારે પાઉલે કોરીંથીઓને કહેલા આ શબ્દો યાદ રાખીએ: “ઈશ્વરની સેવામાં તમારી મહેનત નકામી નથી.”—૧ કોરીં. ૧૫:૫૮.
૭. પ્રેરિત પાઉલે જે કહ્યું એમાંથી આપણે શું શીખી શકીએ?
૭ પ્રેરિત પાઉલ એક સારા પ્રચારક હતા. તેમણે ઘણાં શહેરોમાં મંડળો શરૂ કર્યાં. જોકે અમુક લોકોએ આરોપ મૂક્યો કે તે સારા શિક્ષક નથી. એ સમયે પાઉલે એવું ન કહ્યું કે તેમણે ઘણા લોકોને ખ્રિસ્તી બનવા મદદ કરી હતી. પણ તેમણે કહ્યું, ‘મેં ખૂબ મહેનત કરી છે.’ (૨ કોરીં. ૧૧:૨૩) આપણે પણ યાદ રાખવું જોઈએ કે યહોવાની નજરમાં આપણી મહેનત અને ધગશ વધારે મહત્ત્વની છે.
૮. પ્રચારકામ વિશે આપણે કઈ વાત યાદ રાખવી જોઈએ?
૮ આપણા પ્રચારકામથી યહોવા ખુશ થાય છે. ઈસુએ ૭૦ શિષ્યોને પ્રચારમાં મોકલ્યા ત્યારે તેઓ “ખુશ થતાં થતાં પાછા આવ્યા.” તેઓએ કહ્યું, “માલિક, તમારા નામથી દુષ્ટ દૂતો પણ અમને આધીન થયા.” ઈસુએ તેઓના વિચારો સુધાર્યા અને કહ્યું, “દુષ્ટ દૂતો તમને આધીન કરવામાં આવ્યા છે એ માટે ખુશ ન થાઓ, પણ તમારાં નામ સ્વર્ગમાં લખાયેલાં છે એ માટે ખુશ થાઓ.” (લૂક ૧૦:૧૭-૨૦) ઈસુ જાણતા હતા કે શિષ્યોને પ્રચારમાં દર વખતે સારાં પરિણામ મળશે નહિ. શિષ્યોએ જેઓને પ્રચાર કર્યો એ બધા ખ્રિસ્તી બન્યા કે નહિ એની આપણને ખબર નથી. પણ એક વાત ચોક્કસ શીખી શકીએ કે યહોવા આપણી મહેનતથી ખુશ થાય છે. એ વાત યાદ રાખીશું તો પ્રચારમાં આપણો આનંદ જળવાઈ રહેશે.
૯. પ્રચારકામમાં લાગુ રહેવાથી કેવો ફાયદો થશે?
૯ પ્રચારકામમાં લાગુ રહેવાથી હંમેશાંનું જીવન મળશે. જ્યારે આપણે પૂરા દિલથી સત્યનું બી રોપીએ છીએ ત્યારે ‘પવિત્ર શક્તિ પ્રમાણે વાવીએ પણ છીએ.’ એનો અર્થ કે આપણે પવિત્ર શક્તિને પોતાના પર કામ કરવા દઈએ છીએ. એનાથી આપણે પ્રચારમાં જોશીલા બનીએ છીએ. ભલે આપણી મહેનતથી કોઈ સત્યમાં આવે કે ન આવે, આપણે “સારું કરવાનું પડતું ન મૂકીએ” અથવા “આપણે થાકીએ નહિ.” એમ કરીશું તો યહોવા વચન આપે છે કે આપણને હંમેશાંનું જીવન આપશે.—ગલાતીઓ ૬:૭-૯ વાંચો.
પ્રચાર કરતી વખતે શું યાદ રાખવું જોઈએ?
૧૦. લોકો સંદેશો સ્વીકારશે કે નહિ એનો આધાર શાના પર છે?
૧૦ લોકો સંદેશો સ્વીકારશે કે નહિ એનો આધાર તેઓ પર છે. એ સમજાવવા ઈસુએ એક ઉદાહરણ આપ્યું. બી વાવનાર અલગ અલગ પ્રકારની જમીન પર બી વાવે છે. પણ સારી જમીન પર વાવેલું બી ફળ આપે છે. (લૂક ૮:૫-૮) બી “ઈશ્વરનો સંદેશો” છે અને જમીન લોકોનું દિલ છે. (લૂક ૮:૧૧-૧૫) બી ઊગશે કે નહિ એ બી વાવનારના હાથમાં નથી. એવી જ રીતે કોઈ આપણો સંદેશો સ્વીકારશે કે નહિ એ આપણા હાથમાં નથી. આપણું કામ પ્રચાર કરતા રહેવાનું છે. પ્રેરિત પાઉલે કહ્યું કે દરેકને “પોતાની મહેનતનું ફળ મળશે,” નહિ કે એના પરિણામનું ફળ.—૧ કોરીં. ૩:૮.
૧૧. શા પરથી કહી શકાય કે યહોવા નૂહથી ખુશ હતા? (પહેલા પાનનું ચિત્ર જુઓ.)
૧૧ ઇતિહાસનાં પાનાં ફેરવીએ તો જોવા મળે છે કે પહેલાં પણ લોકોએ ઈશ્વરભક્તોનું સાંભળ્યું ન હતું. ચાલો નૂહનો દાખલો જોઈએ. તેમણે ૪૦-૫૦ વર્ષ સુધી ‘સત્યનો માર્ગ જાહેર કર્યો.’ (૨ પિત. ૨:૫) નૂહને આશા હતી કે લોકો તેમની વાત સાંભળશે. પણ કેટલા લોકો સાંભળશે એ વિશે યહોવાએ કંઈ જણાવ્યું ન હતું. યહોવાએ નૂહને વહાણ બનાવવાની આજ્ઞા આપી ત્યારે કહ્યું, “તું વહાણમાં જા. તારી સાથે તારી પત્ની, તારા દીકરાઓ અને તારા દીકરાઓની પત્નીઓને પણ લઈ જા.” (ઉત. ૬:૧૮) યહોવાએ વહાણનું જે માપ આપ્યું એનાથી નૂહને ખ્યાલ આવી ગયો હશે કે બધા તો નહિ, પણ થોડા ઘણા લોકો તેમનું સાંભળશે. (ઉત. ૬:૧૫) એટલે તે પ્રચાર કરતા રહ્યા, પણ એકેય વ્યક્તિએ તેમનું સાંભળ્યું નહિ. (ઉત. ૭:૭) શું એનો અર્થ એવો કે નૂહ સફળ ન થયા? ના, એવું નથી. યહોવા તેમનાથી ખુશ હતા, કારણ કે તેમણે એ જ કર્યું જે યહોવાએ કહ્યું.—ઉત. ૬:૨૨.
૧૨. યર્મિયા પ્રબોધક કઈ રીતે ખુશી ખુશી પ્રચાર કરી શક્યા?
૧૨ ચાલો યર્મિયા પ્રબોધકનું ઉદાહરણ જોઈએ. તે આશરે ૪૦ વર્ષ સુધી પ્રચાર કરતા રહ્યા. લોકો તેમનું સાંભળતા ન હતા અને વિરોધ કરતા. લોકોએ તેમનું ‘અપમાન કર્યું અને મજાક ઉડાવી.’ તે એટલા નિરાશ થઈ ગયા કે તેમણે પ્રચાર બંધ કરી દેવાનું વિચાર્યું. (યર્મિ. ૨૦:૮, ૯) શું યર્મિયા હિંમત હારી ગયા? ના, તે ખુશી ખુશી પ્રચાર કરતા રહ્યા. તેમણે બે મહત્ત્વની વાતો યાદ રાખી. પહેલી, તે જે સંદેશો જણાવી રહ્યા હતા એનાથી લોકોને “ઉજ્જવળ ભાવિ અને આશા” મળવાનાં હતાં. (યર્મિ. ૨૯:૧૧) બીજી, યહોવાએ તેમને સંદેશો જણાવવા પસંદ કર્યા હતા. (યર્મિ. ૧૫:૧૬) આપણે પણ લોકોને સારા ભાવિ વિશે જણાવીએ છીએ. એ માટે યહોવાએ આપણને પસંદ કર્યા છે. જો આપણે એ બંને વાતો યાદ રાખીશું તો આનંદથી પ્રચાર કરી શકીશું, પછી ભલે લોકો સાંભળે કે ન સાંભળે.
૧૩. માર્ક ૪:૨૬-૨૯માં આપેલા ઉદાહરણથી શું શીખવા મળે છે?
૧૩ બાઇબલ વિદ્યાર્થી ધીરે ધીરે શ્રદ્ધા કેળવે છે. એ વાત સમજાવવા ઈસુએ એક ખેડૂતનું ઉદાહરણ આપ્યું. તે વાવણી કર્યા પછી ઊંઘી જાય છે. (માર્ક ૪:૨૬-૨૯ વાંચો.) આજે બી વાવ્યું અને કાલે ફળ આવે એવું થતું નથી. ખેડૂતે રાહ જોવી પડે છે. એવી જ રીતે એક બાઇબલ વિદ્યાર્થી ધીરે ધીરે શ્રદ્ધા કેળવીને ફેરફારો કરે છે. એમ કરવા આપણે તેને દબાણ કરી શકતા નથી. તેના ફેરફારો કદાચ તરત ન દેખાય, એટલે હિંમત ન હારીએ પણ ધીરજ રાખીએ.—યાકૂ. ૫:૭, ૮.
૧૪. ઉદાહરણથી સમજાવો કે લોકોને સંદેશો સ્વીકારતા વાર લાગી શકે.
૧૪ અમુક વિસ્તારોમાં વર્ષોથી પ્રચાર થાય છે, તોપણ કોઈ બાપ્તિસ્મા લેતું નથી. એવું જ કેનેડાના એક નાના શહેરમાં બન્યું. ૧૯૫૯માં બે સગી બહેનો ગ્લેડ્સ અને રૂબી એલન ત્યાં નિયમિત પાયોનિયર હતાં.c ત્યાંના લોકોને પડોશીઓ અને પાદરીઓની ઘણી બીક લાગતી હતી. એટલે તેઓ એ બંનેનું સાંભળતા ન હતા. ગ્લેડ્સબહેને કહ્યું, “અમે રોજ આઠ કલાક પ્રચાર કરતા. એવું અમે બે વર્ષ સુધી કર્યું, તોપણ કોઈએ ન સાંભળ્યું. અમને જોઈને તેઓ દરવાજો પણ ન ખોલતા. પણ અમે હિંમત ન હાર્યાં, એ કામ ચાલુ જ રાખ્યું.” પછીથી લોકોના વિચારોમાં ફેરફાર થવા લાગ્યો. તેઓ સાક્ષીઓનો સંદેશો સાંભળવા તૈયાર થયા. આજે ત્યાં ત્રણ મંડળો છે.—યશા. ૬૦:૨૨.
૧૫. શિષ્ય બનાવવા વિશે ૧ કોરીંથીઓ ૩:૬, ૭માંથી શું શીખી શકીએ?
૧૫ ઘણા લોકોની મહેનતથી એક વ્યક્તિ યહોવાની સાક્ષી બને છે. મંડળનાં બધાં ભાઈ-બહેનો એક વ્યક્તિને બાપ્તિસ્મા લેવા મદદ કરી શકે. (૧ કોરીંથીઓ ૩:૬, ૭ વાંચો.) દાખલા તરીકે એક ભાઈ કોઈને પત્રિકા કે મૅગેઝિન આપે છે. પત્રિકા આપ્યા પછી તે કોઈ કારણસર એ વ્યક્તિને મળી શકતા નથી. એટલે તે બીજા ભાઈને એ વ્યક્તિ સાથે વાત કરવાનું કહે છે. એ ભાઈ તેની સાથે બાઇબલ અભ્યાસ શરૂ કરે છે. તે અભ્યાસમાં અલગ અલગ ભાઈ-બહેનોને લઈ જાય છે. તેઓ બધાં એ વિદ્યાર્થીનો ઉત્સાહ વધારવા અને શ્રદ્ધા મજબૂત કરવા મદદ કરે છે. પછી એ વિદ્યાર્થી બાપ્તિસ્મા લે છે ત્યારે અભ્યાસ લેનાર અને મદદ કરનાર બધાંને ખુશી થાય છે.—યોહા. ૪:૩૫-૩૮.
૧૬. પ્રચારમાં વધારે કરી શકતા ન હોઈએ તો ખુશ રહેવા શું મદદ કરશે?
૧૬ બની શકે કે આપણે પ્રચારમાં વધારે કરી શકતા ન હોઈએ. કદાચ આપણામાં પહેલાં જેટલી શક્તિ ન હોય અથવા આપણે બીમાર રહેતા હોઈએ. પણ આપણે ખુશ રહી શકીએ છીએ. એ સમજવા દાઉદ રાજા અને તેમના માણસોનો વિચાર કરીએ. અમાલેકીઓએ તેઓનું બધું જ લૂંટી લીધું. તેઓની પત્નીઓ અને બાળકોને પણ લઈ ગયા. દાઉદ અને તેમના માણસો તેઓની પાછળ લડવા ગયા. રસ્તામાં ૨૦૦ માણસો એટલા થાકી ગયા કે તેઓ દાઉદની સાથે આગળ જઈ ન શક્યા. તેઓએ ત્યાં રોકાઈને સામાનની દેખરેખ રાખી. યુદ્ધ જીત્યા પછી દાઉદે લૂંટનો સામાન એ ૨૦૦ માણસો સાથે પણ વહેંચ્યો. (૧ શમુ. ૩૦:૨૧-૨૫) શિષ્યો બનાવવાનું કામ પણ એવું જ કંઈક છે. આપણે ચાહીએ એટલું ન કરી શકીએ, પણ જે કંઈ કરીએ એ દિલથી કરીએ. એટલે કોઈ વ્યક્તિ બાપ્તિસ્મા લે ત્યારે આપણે બધાં તેની સાથે ખુશ થઈ શકીએ છીએ.
૧૭. આપણને કઈ વાતની ખુશી છે?
૧૭ આપણે કેટલા ખુશ છીએ કે યહોવા આપણી મહેનત અને ધગશ પર ધ્યાન આપે છે. એ માટે તે આપણને ઇનામ પણ આપે છે. તે જાણે છે કે આપણે કોઈને સત્ય શીખવા દબાણ કરી શકતા નથી. યહોવાની સેવામાં ચાહીએ એટલું ન કરી શકીએ ત્યારે, તે આપણને ખુશ રહેતા શીખવે છે. (યોહા. ૧૪:૧૨) એટલે ચાલો હિંમત ન હારીએ અને યહોવાના દિલને ખુશ કરતા રહીએ.
ગીત ૪૭ ખુશખબર જણાવીએ
a કોઈ વ્યક્તિ બાઇબલ અભ્યાસ માટે તૈયાર થાય ત્યારે આપણને ખુશી થાય છે. પણ જો તે ના પાડે તો ઘણું દુઃખ થાય છે. ઘણી વખત વ્યક્તિ અભ્યાસ તો શરૂ કરે છે પણ જીવનમાં ફેરફાર કરતી નથી. અમુક વાર આપણે ઘણા લોકોને શીખવીએ છીએ, પણ કોઈ બાપ્તિસ્મા લેતું નથી. તો શું એનો અર્થ એવો થાય કે આપણી મહેનત નકામી ગઈ? આ લેખમાં જોઈશું કે લોકો સાંભળે કે ન સાંભળે આપણે કઈ રીતે પ્રચારમાં સફળ થઈ શકીએ અને ખુશ રહી શકીએ.
c ગ્લેડ્સ એલનની જીવન સફર વાંચવા સપ્ટેમ્બર ૧, ૨૦૦૨ ચોકીબુરજનો આ લેખ જુઓ: “હું બદલાઈશ નહીં!”