બાઇબલનું દૃષ્ટિબિંદુ
શું રમતોમાં સ્પર્ધા કરવી ખોટું છે?
એકપ્રકાશિત દિવસે, બે વયોવૃદ્ધ પુરુષો જાહેર બાગમાં બેઠા છે અને ચેસ રમે છે. બાજુમાં પક્કડ દાવ રમતાં બાળકોના અવાજો અને ચીસો સંભળાય છે. ત્યાંથી થોડે દૂર, યુવાનિયાઓનું એક વૃંદ બાસ્કેટ બોલ રમે છે. હા, રોજ આપણી ફરતે, નાનામોટાઓ રમતગમતોમાં આનંદ માણે છે. તેઓ એમાં ભાગ લે ત્યારે, મોટા ભાગના લોકો પોતાથી બનતી મહેનત કરે છે. સંભવિતપણે તમે પણ એમ જ કરતા હશો.
પરંતુ શું એમ કહી શકાય કે આવી મૈત્રીપૂર્ણ સ્પર્ધાના રૂપો ખોટાં છે? ગલાતી ૫:૨૬માંની પ્રેષિત પાઊલની સલાહથી ઘણા પરિચિત છે, જ્યારે તેમણે કહ્યું કે ખ્રિસ્તીઓએ ‘એકબીજા સાથે સ્પર્ધા ઉશ્કેરવી’ ન જોઈએ. એ દૃષ્ટિએ, શું મનોરંજક રમતગમતોમાં સ્પર્ધા કરવી ખ્રિસ્તીઓ માટે અયોગ્ય ગણાશે?
એનો ટૂંકો જવાબ છે, ના. શા માટે? એ પ્રશ્નનો જવાબ આપતા પહેલાં, ચાલો આપણે ટૂંકમાં રમતગમતનો ઇતિહાસ જોઈએ.
રમતગમતનો ઇતિહાસ
પ્રાચીન સમયોથી રમતગમતમાં ભાગ લેવામાં આવ્યો છે અને સમગ્ર ઇતિહાસ દરમ્યાન તે એક ચાલુ ક્રિયા રહી છે—જેમાં દેવના લોકોના ઇતિહાસનો પણ સમાવેશ થાય છે. બાઇબલમાં પણ ‘દડો’ શબ્દ મળી આવે છે. દુષ્ટ માણસો વિરુદ્ધ યહોવાહના આક્ષેપનો ઉલ્લેખ કરતાં યશાયાહ ૨૨:૧૮ કહે છે: ‘તે તેઓને દડાની પેઠે લપેટશે.’ અમુક આધુનિક દડાઓ—જેમ કે ગોલ્ફ કે બેઇઝ બૉલના દડાઓ—હજુ પણ પદાર્થોને કસીને લપેટીને બનાવવામાં આવે છે. કિંગ જેમ્સ બાઇબલ એ કલમનો આવો અનુવાદ કરે છે: “તે . . . દડાની માફક તને ઉછાડશે.” આ સરખાપણું અનુરૂપ થવા માટે, એ સમયોમાં રહેતા લોકો દડા વાપરતા હોવા જોઈએ.
વધુમાં, બાઇબલમાં એક દૂત સાથે કુસ્તી કરતા કુટુંબવડા યાકૂબનો કિસ્સો મળે છે. એ અહેવાલ યાકૂબે અગાઉ આચરી હોય એવી કળાનો નિર્દેશ કરે છે, કારણ કે એ અનિર્ણાયક સંઘર્ષ ઘણા કલાકો સુધી ચાલ્યો. (ઉત્પત્તિ ૩૨:૨૪-૨૬) રસપ્રદપણે, અમુક વિદ્વાનો અનુસાર, એ અહેવાલ એવું પણ દર્શાવી શકે કે યાકૂબ કૂસ્તીના નિયમો જાણતો હતો. ઈસ્રાએલીઓએ તો શક્યપણે ધનુર્વિદ્યામાં પણ ભાગ લીધો હતો—બીજી એક રમત જે મહાવરો અને કળા માગી લે છે. (૧ શમૂએલ ૨૦:૨૦; યિર્મેયાહનો વિલાપ ૩:૧૨) દોડવું બીજી એક અંગકસરત હતી જેના માટે પ્રાચીન માણસોને કેળવણી અને તાલીમ આપવામાં આવતી.—૨ શમૂએલ ૧૮:૨૩-૨૭; ૧ કાળવૃત્તાંત ૧૨:૮.
મન પરોવતી રમતો—જેમ કે ઉખાણા—દેખીતી રીતે ઘણી પ્રખ્યાત અને પ્રશંસનીય હતી. શામશૂને પલિસ્તીઓને કહેલો ઉખાણો કદાચ એક સૌથી નોંધપાત્ર દાખલો છે.—ન્યાયાધીશ ૧૪:૧૨-૧૮.
ખ્રિસ્તી ગ્રીક શાસ્ત્રવચનોમાં, રમતગમત અમુક વખતે ખ્રિસ્તી જીવન માટે રૂપકો તરીકે વાપરવામાં આવી હતી. દાખલા તરીકે, ૧ કોરીંથી ૯:૨૪, ૨૫માં, પાઊલ એક કસરતબાજની જોશીલી તાલીમને એક ખ્રિસ્તીની આત્મસંયમ અને સહનશક્તિની જરૂરિયાતને લાગુ પાડે છે. વળી, એ સ્પષ્ટ છે કે માણસ અને પ્રાણી રમવા માટે સમય કાઢે તેથી યહોવાહે પોતાની ઘણી ઉત્પત્તિમાં એક રમતિયાળ ગુણવત્તા મૂકી છે.—અયૂબ ૪૦:૨૦; ઝખાર્યાહ ૮:૫; સરખાવો હેબ્રી ૧૨:૧.
સ્પર્ધા હદબહાર જાય છે ત્યારે
તો પછી, પ્રેષિત પાઊલે સાથી ખ્રિસ્તીઓને કહ્યું કે તેઓએ ‘એકબીજા સાથે સ્પર્ધા ઉશ્કેરવી,’ ન જોઈએ ત્યારે, તે શું કહી રહ્યો હતો? (ગલાતી ૫:૨૬) જવાબ પૂર્વાપર સંબંધમાં મળે છે. પાઊલે એ વાક્યને તેઓ ‘એકબીજાને ખીજવીને નહિ’ એ પ્રસ્તાવથી જણાવ્યું, અથવા બીજા બાઇબલ તરજૂમાઓ વ્યક્ત કરે છે તેમ, “અભિમાની,” “ઘમંડી,” કે “ખાલી મહત્તા માટે ઇચ્છુક” બનીને નહિ. પાઊલના દિવસોના કસરતબાજોમાં કીર્તિ અને મહત્તા માટેની શોધ પ્રચલિત હતી.
આજના ડંફાશિયા જગતમાં પણ, વધુ ને વધુ કસરતબાજો આડંબરનો ઉપયોગ કરે છે અને પોતા તરફ તથા પોતાની આવડતો તરફ ધ્યાન દોરે છે. અમુક તો બીજાઓને હલકા પાડવાની હદ સુધી પણ જાય છે. મહેણાં મારવાં, દોષારોપણ કરવું, અને મૌખિક માનહાનિ કરવી, અથવા જેને અમુક કસરતબાજો “કચરાવાણી” કહે છે તે ઝડપથી સર્વસાધારણ બની ગયું છે. એ સઘળું ‘સ્પર્ધા ઉશ્કેરવી,’ કહેવાય, જે ગલાતી ૫:૨૬ના સમાપ્તિના ભાગમાં પાઊલે જેનો નિર્દેશ કર્યો તે—અદેખાઈ—તરફ દોરી જાય છે.
સૌથી ખરાબ તો, અસમતોલ સ્પર્ધા ઝગડા અને મૃત્યુ તરફ પણ દોરી જઈ શકે છે. શાઊલ અને દાઊદના માણસો ગિબઓનમાં એકત્ર થયા ત્યારે યોઆબ અને આબ્નેરે “જુવાનોને ઊઠીને [તેઓની] આગળ કંઈ ગમત કરવા”ની સંમતિ આપી તેનો વિચાર કરો. (૨ શમૂએલ ૨:૧૪-૩૨, તનખ) એ કોઈ પ્રકારની કુસ્તીની સ્પર્ધાનો નિર્દેશ કરે છે. એ કોઈક પ્રકારની સ્પર્ધા હતી છતાં, તે જલદી જ વણસીને એક હિંસક અને લોહીલુહાણ સંઘર્ષ બની ગઈ.
એક સમતોલ દૃષ્ટિ
આનંદપ્રમોદમય રમતગમત તાજગી આપતી હોવી જોઈએ—ઉદાસ કરે એવી નહિ. એ આપણે બાબતોને યોગ્ય દૃષ્ટિકોણમાં રાખીને સાધી શકીએ છીએ, અર્થાત્ એવું યાદ રાખીને કે દેવ અને સંગાથીઓની નજરમાં આપણી યોગ્યતાને રમતગમત સાથે કંઈ લેવાદેવા નથી.
શારીરિક કે માનસિક ક્ષમતાઓને હિસાબે પોતા વિષે ફુલાઇ જવું મૂર્ખાઈભર્યું ગણાશે. તેથી ચાલો આપણે પોતા તરફ ધ્યાન દોરતી અયોગ્ય દુન્યવી વૃત્તિ નિવારીએ, જેથી આપણે બીજાઓમાં ઈર્ષા ઊભી ન કરીએ, કારણ કે પ્રીતિ આપવડાઈ કરતી નથી. (૧ કોરીંથી ૧૩:૪; ૧ પીતર ૨:૧) અને એ વાજબી છે કે ટુકડીના સભ્યોમાં ઉશ્કેરાટ, અચાનક ઉત્સાહ પ્રગટ થવો, અને શાબાશીની અપેક્ષા રાખીએ છતાં, આપણે એ લાગણીઓને ઉગ્ર અને આડંબરી દેખાવ બનવા ન દઈએ.
આપણે કદી પણ બીજાઓની યોગ્યતા રમતગમતમાં તેઓની ક્ષમતાઓથી માપીશું નહિ. એજ રીતે, આપણે આવડતનો અભાવ ધરાવતા હોઈએ તો પોતાને હલકા ગણીશું નહિ. શું એનો અર્થ એવો થયો કે સ્કોર નોંધવો ખોટું છે? એવું જરૂરી નથી. પરંતુ કોઈ પણ રમત કેટલી મામૂલી છે એ આપણે યાદ રાખવું જોઈએ—લોકોની ખરી યોગ્યતા તેઓ કેટલું સારું રમે છે એના પર આધારિત નથી. ટુકડીવાળી રમતોમાં નિયમિતપણે દરેક પક્ષના ખેલાડીઓ બદલવા જેથી કોઈ એક ટુકડી કાયમ ન જીતે.
ખ્રિસ્તીઓએ લક્ષમાં રાખવું જોઈએ કે બાઇબલમાં રમતગમતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે ખરો પરંતુ બહુ ઓછી વાર કરવામાં આવ્યો છે. બાઇબલમાં રમતગમતનો માત્ર ઉલ્લેખ કરવામાં આવ્યો છે તેથી એ દરેક પ્રકારની રમતગમતને મંજૂરી આપે છે એમ ધારવું ભૂલભરેલું થશે. (૧ કોરીંથી ૯:૨૬ને ગીતશાસ્ત્ર ૧૧:૫ સાથે સરખાવો.) વધુમાં, પાઊલે નોધ્યું કે “શરીરની કસરત થોડી જ ઉપયોગી છે; પણ ઈશ્વરપરાયણતા તો સર્વ વાતે ઉપયોગી છે.”—૧ તીમોથી ૪:૮.
તો પછી, રમતગમતને એના યોગ્ય સ્થાને રાખવાથી એ આનંદ અને તાજગી આપી શકે છે. બાઇબલ સર્વ સ્પર્ધાઓને દોષિત ઠરાવતું નથી, પણ જે સ્પર્ધાઓ અહંકાર, હરીફાઈ, લોભ, અદેખાઈ, કે હિંસા ઉશ્કેરે છે એને દોષિત ઠરાવે છે. (g95 12/8)