જેવો પોતાના પર તેવો પડોશી પર પ્રેમ રાખો
‘જેવો પોતાના પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ રાખ.’—માથ. ૨૨:૩૯.
ગીતો: ૮ (51), ૧૪ (117)
૧, ૨. બાઇબલ કઈ રીતે પ્રેમના ગુણનું મહત્ત્વ બતાવે છે?
યહોવાનો સૌથી આગવો ગુણ પ્રેમ છે. (૧ યોહા. ૪:૧૬) યહોવાએ સૌથી પહેલાં ઈસુને બનાવ્યા. ઈસુએ સ્વર્ગમાં પોતાના પિતા યહોવા સાથે યુગોના યુગો વિતાવ્યા. એ દરમિયાન, તેમણે જોયું કે યહોવા પ્રેમના સાગર છે. (કોલો. ૧:૧૫) સ્વર્ગનું જીવન હોય કે પછી પૃથ્વી પરનું, ઈસુએ હંમેશાં પોતાના પિતા યહોવા જેવો પ્રેમ બતાવ્યો. તેથી, આપણે પૂરી ખાતરી રાખી શકીએ કે યહોવા અને ઈસુ હંમેશાં પ્રેમાળ રીતે રાજ કરશે.
૨ જ્યારે કોઈકે ઈસુને સવાલ કર્યો કે સૌથી મોટી આજ્ઞા કઈ છે, ત્યારે ઈસુએ કહ્યું: ‘યહોવા તારા ઈશ્વર પર તું તારા પૂરા હૃદયથી, ને તારા પૂરા જીવથી, ને તારા પૂરા મનથી પ્રેમ કર. પહેલી ને મોટી આજ્ઞા એ છે. અને બીજી આજ્ઞા એના જેવી જ છે, એટલે જેવો પોતાના પર તેવો પોતાના પડોશી પર તું પ્રેમ રાખ.’—માથ. ૨૨:૩૭-૩૯.
૩. આપણા “પડોશી”માં કોનો કોનો સમાવેશ થાય?
૩ ભલે કોઈ પણ સંબંધ હોય, એને ટકાવી રાખવા પ્રેમ બતાવવો ખૂબ જરૂરી છે. ઈસુએ કહ્યું કે આપણે યહોવાને અને આપણા “પડોશી”ને પ્રેમ કરવો જ જોઈએ. પણ સવાલ થાય કે આપણા પડોશીઓમાં કોનો કોનો સમાવેશ થાય છે? પરણેલાઓ માટે તેમનું લગ્નસાથી જ તેમનો સૌથી નજીકનો પડોશી છે. ઉપરાંત, મંડળનાં ભાઈ-બહેનો પણ આપણા પડોશીઓ છે. એટલું જ નહિ, પ્રચારમાં મળતા લોકો પણ આપણા પડોશીઓ છે. આ લેખમાં આપણે જોઈશું કે પડોશીઓ પ્રત્યે કઈ રીતે પ્રેમ બતાવવો જોઈએ.
તમારા લગ્નસાથીને પ્રેમ બતાવો
૪. મનુષ્યો અપૂર્ણ હોવા છતાં કઈ રીતે પોતાનું લગ્નજીવન સુખી બનાવી શકે?
૪ આદમ-હવાને બનાવ્યાં પછી, યહોવાએ તેઓને લગ્નબંધનમાં જોડ્યાં. માનવ ઇતિહાસનું એ સૌથી પહેલું લગ્ન હતું. ઈશ્વર ચાહતા હતા કે તેઓનું લગ્નજીવન સદા સુખી રહે અને તેઓનાં સંતાનોથી આખી પૃથ્વી ભરાઈ જાય. (ઉત. ૧:૨૭, ૨૮) પરંતુ, અફસોસની વાત છે કે તેઓએ યહોવાનું કહ્યું માન્યું નહિ! એટલે, તેઓનું લગ્નજીવન તકલીફોથી ભરાઈ ગયું અને તેઓએ વારસામાં બધાને પાપ અને મરણ આપ્યું. (રોમ. ૫:૧૨) જોકે, આજે પણ લગ્નજીવન સુખી બનાવવું શક્ય છે. મનુષ્યોમાં લગ્નજીવનની શરૂઆત કરનાર ઈશ્વર યહોવાએ, પતિ અને પત્ની માટે બાઇબલમાં ઉત્તમ સલાહ લખાવી છે.—૨ તીમોથી ૩:૧૬, ૧૭ વાંચો.
૫. લગ્નજીવનમાં પ્રેમ કેટલો મહત્ત્વનો છે?
૫ બાઇબલ જણાવે છે કે સંબંધોમાં આનંદ જાળવી રાખવા, હૂંફ અને પ્રેમની કોમળ લાગણી હોવી ખૂબ જરૂરી છે. એ વાત પતિ-પત્ની વચ્ચેના સંબંધમાં પણ એટલી જ સાચી છે. પ્રેરિત પાઊલે સાચા પ્રેમનું વર્ણન આ રીતે કર્યું: “પ્રીતિ સહનશીલ તથા પરોપકારી છે; પ્રીતિ અદેખાઈ કરતી નથી; પ્રીતિ આપવડાઈ કરતી નથી, ફૂલાઈ જતી નથી, અયોગ્ય રીતે વર્તતી નથી, પોતાનું જ હિત જોતી નથી, ખિજવાતી નથી, અપકારને લેખવતી નથી; અન્યાયમાં હરખાતી નથી, પણ સત્યમાં હરખાય છે; સઘળું ખમે છે, સઘળું ખરું માને છે, સઘળાની આશા રાખે છે, સઘળું સહન કરે છે. પ્રીતિ કદી ખૂટતી નથી.” (૧ કોરીં. ૧૩:૪-૮) પાઊલના એ શબ્દો પર મનન કરવાથી અને એને લાગુ પાડવાથી લગ્નજીવન પણ ખુશહાલ બની શકે છે.
૬, ૭. (ક) કુટુંબના શિર વિશે બાઇબલ શું જણાવે છે? (ખ) ઈશ્વરના સેવક તરીકે પતિએ પોતાની પત્ની સાથે કઈ રીતે વર્તવું જોઈએ?
૬ યહોવાએ કુટુંબમાં પતિને શિર તરીકે નીમ્યો છે. પાઊલે સમજાવ્યું: “હું તમને જણાવવા ઇચ્છું છું કે દરેક પુરુષનું શિર ખ્રિસ્ત છે અને સ્ત્રીનું શિર પુરુષ છે; અને ખ્રિસ્તનું શિર ઈશ્વર છે.” (૧ કોરીં. ૧૧:૩) યહોવા ચાહે છે કે પતિઓ મતલબી કે જુલમી નહિ, પણ એક પ્રેમાળ શિર બને. યહોવા પોતે એક દયાળુ અને નિઃસ્વાર્થ શિર છે. એના લીધે, યહોવાના પ્રેમાળ અધિકારને ઈસુ માન આપે છે. ઈસુએ કહ્યું: ‘હું પિતા પર પ્રેમ રાખું છું.’ (યોહા. ૧૪:૩૧) જો યહોવા એક જુલમી શિર હોત તો શું ઈસુએ એ શબ્દો કહ્યા હોત?
૭ ખરું કે પતિ પોતાની પત્નીનું શિર છે. તેમ છતાં, બાઇબલ જણાવે છે કે પતિએ ‘પત્નીને માન આપવું જોઈએ.’ (૧ પીત. ૩:૭) એમ કરવા પતિ શું કરી શકે? પોતાની પત્નીને શાની જરૂર છે એનો પતિએ વિચાર કરવો જોઈએ અને પત્નીની પસંદગીઓને માન આપવું જોઈએ. બાઇબલ જણાવે છે: ‘પતિઓ, જેમ ખ્રિસ્તે મંડળી પર પ્રેમ રાખ્યો અને તેની ખાતર પોતાનું સ્વાર્પણ કર્યું. તેમ તમે પોતાની પત્ની પર પ્રેમ રાખો.’ (એફે. ૫:૨૫) હા, ઈસુએ પોતાના અનુયાયીઓ માટે પોતાનું જીવન પણ કુરબાન કરી દીધું! ઈસુની જેમ જો પતિ એક પ્રેમાળ શિર બનશે, તો તેની પત્ની તેને પ્રેમ અને માન આપશે. પતિના નિર્ણયોને આધીન રહેવું પત્ની માટે સહેલું બનશે.—તીતસ ૨:૩-૫ વાંચો.
મંડળનાં ભાઈ-બહેનો પર પ્રેમ રાખો
૮. ભાઈ-બહેનો માટે આપણને કેવી લાગણી હોવી જોઈએ?
૮ આજે, દુનિયા ફરતે લાખો લોકો યહોવાની ભક્તિ કરી રહ્યા છે. આપણાં એ બધાં ભાઈ-બહેનો માટે આપણને કેવી લાગણી હોવી જોઈએ? બાઇબલ એનો જવાબ આપે છે: “માટે જેમ પ્રસંગ મળે તેમ આપણે બધાંઓનું અને વિશેષે કરીને વિશ્વાસના કુટુંબનાં જે છે તેઓનું સારું કરીએ.” (ગલા. ૬:૧૦; રોમનો ૧૨:૧૦ વાંચો.) પ્રેરિત પીતરે લખ્યું કે જો આપણે “સત્યને આધીન” હોઈશું, તો ભાઈ-બહેનો માટે “ખરા અંતઃકરણથી” પ્રેમ રાખીશું. પીતરે સાથી ભાઈ-બહેનોને એમ પણ જણાવ્યું કે “વિશેષે કરીને તમે એકબીજા પર આગ્રહથી પ્રીતિ કરો.”—૧ પીત. ૧:૨૨; ૪:૮.
૯, ૧૦. યહોવાના લોકોમાં શા માટે એકતા જોવા મળે છે?
૯ દુનિયા ફરતે ફેલાયેલું આપણું સંગઠન ખરેખર અજોડ છે! કારણ કે આપણે ભાઈ-બહેનો માટે દિલથી પ્રેમ બતાવીએ છીએ. વધુ મહત્ત્વનું, આપણે યહોવાને પ્રેમ કરીએ છીએ અને તેમની આજ્ઞાઓ પાળીએ છીએ. એટલે તે આપણને પોતાની શક્તિ પૂરી પાડે છે, જે વિશ્વનું સૌથી મોટું બળ છે. આમ, ઈશ્વરની શક્તિને લીધે જગત ફરતેનાં ભાઈ-બહેનો માટે આપણે કુટુંબ જેવો પ્રેમ અને સંપ જાળવી શકીએ છીએ.—૧ યોહાન ૪:૨૦, ૨૧ વાંચો.
૧૦ ભાઈ-બહેનો પ્રત્યેનો પ્રેમ કેટલો મહત્ત્વનો છે, એના પર ભાર મૂકતા પ્રેરિત પાઊલે લખ્યું: “પવિત્ર તથા વહાલાઓ, ઈશ્વરના પસંદ કરેલાને ઘટે તેમ, દયાળુ હૃદય, મમતા, નમ્રતા, વિનય તથા સહનશીલતા પહેરો. એકબીજાનું સહન કરો, ને જો કોઈને કોઈની સાથે કજિયો હોય તો તેને ક્ષમા કરો, જેમ ખ્રિસ્તે તમને ક્ષમા આપી તેમ તમે પણ કરો; વળી એ સઘળાં ઉપરાંત પ્રીતિ જે સંપૂર્ણતાનું બંધન [“એકતાનું સંપૂર્ણ બંધન,” NW] છે તે પહેરી લો.” (કોલો. ૩:૧૨-૧૪) ભલે આપણે ગમે તે દેશ કે સમાજના હોઈએ, પણ આપણામાં પ્રેમ જોવા મળે છે, જે “એકતાનું સંપૂર્ણ બંધન” છે. એ માટે આપણે યહોવાના કેટલા આભારી છીએ!
૧૧. ઈશ્વરનું સંગઠન શાના પરથી ઓળખાઈ આવે છે?
૧૧ ખરો પ્રેમ અને એકતા યહોવાના ભક્તોની ઓળખ છે, જે સાબિત કરે છે કે તેઓ સાચો ધર્મ પાળે છે. ઈસુએ કહ્યું હતું: “જો તમે એકબીજા પર પ્રેમ રાખો, તો તેથી સર્વ માણસો જાણશે કે તમે મારા શિષ્યો છો.” (યોહા. ૧૩:૩૪, ૩૫) ઉપરાંત, પ્રેરિત યોહાને લખ્યું: “ઈશ્વરનાં છોકરાં તથા શેતાનનાં છોકરાં ઓળખાઈ આવે છે: જે કોઈ ન્યાયીપણું કરતો નથી, અને જે કોઈ પોતાના ભાઈ પર પ્રેમ રાખતો નથી, તે ઈશ્વરનો નથી. કેમ કે જે સંદેશો તમે પ્રથમથી સાંભળ્યો છે તે એ જ છે, કે આપણે એકબીજા પર પ્રેમ રાખીએ.” (૧ યોહા. ૩:૧૦, ૧૧) પ્રેમ અને એકતા હોવાને લીધે યહોવાના સાક્ષીઓ, ઈસુના સાચા અનુયાયીઓ તરીકે ઓળખાઈ આવે છે. યહોવા તેઓનો ઉપયોગ કરીને દુનિયાના ખૂણે ખૂણે ખુશખબર ફેલાવી રહ્યા છે.—માથ. ૨૪:૧૪.
“મોટી સભા” ભેગી કરવામાં આવી રહી છે
૧૨, ૧૩. “મોટી સભા”ના લોકો અત્યારે શું કરે છે અને જલદી જ તેઓ કયા બનાવોનો અનુભવ કરશે?
૧૨ યહોવાના મોટા ભાગના સેવકો “મોટી સભા”નો ભાગ છે. એ “મોટી સભા”ના લોકો જુદાં જુદાં દેશના છે અને ઈશ્વરના રાજ્યને ટેકો આપે છે. “જેઓ મોટી વિપત્તિમાંથી આવ્યા તેઓ એ છે.” તેઓએ ઈસુના બલિદાનમાં વિશ્વાસ બતાવીને, ‘પોતાનાં વસ્ત્ર ધોયાં છે અને હલવાનના રક્તમાં ઊજળાં કર્યાં છે.’ મોટી સભાના લોકો યહોવા અને તેમના પુત્ર ઈસુને પ્રેમ કરે છે. તેઓ ‘રાત-દિવસ’ યહોવાની ભક્તિ કરે છે.—પ્રકટી. ૭:૯, ૧૪, ૧૫.
૧૩ યહોવા જલદી જ “મોટી વિપત્તિ” દ્વારા આ દુષ્ટ દુનિયાનો અંત લાવશે. (માથ. ૨૪:૨૧; યિર્મેયા ૨૫:૩૨, ૩૩ વાંચો.) જ્યારે કે તે પોતાના લોકોનું રક્ષણ કરશે અને તેઓને નવી દુનિયામાં લઈ જશે. કેમ કે, તે તેઓને ખૂબ પ્રેમ કરે છે. આજથી આશરે ૨,૦૦૦ વર્ષ પહેલાં તેમણે જે વચન આપ્યું હતું, એ પ્રમાણે તે કરશે: ‘યહોવા તેઓની આંખોમાંનું દરેક આંસુ લૂછી નાખશે; મરણ ફરીથી થનાર નથી; તેમ જ શોક કે રૂદન કે દુઃખ ફરીથી થનાર નથી.’ દુષ્ટતા, દુઃખ-તકલીફ અને મરણનો અંત આવ્યા પછી, બાગ જેવી નવી દુનિયામાં જીવન કેટલું સુંદર હશે! શું તમે એ જીવનની ઝંખના રાખો છો?—પ્રકટી. ૨૧:૪.
૧૪. મોટી સભાના લોકોમાં આજે કેટલો વધારો થયો છે?
૧૪ વર્ષ ૧૯૧૪થી છેલ્લા દિવસોની શરૂઆત થઈ ચૂકી છે. એ સમયે યહોવાના સેવકોની સંખ્યા ફક્ત અમુક હજાર હતી. ખુશખબર ફેલાવવા અભિષિક્ત ભાઈ-બહેનોના એ નાના સમૂહને ઘણા પડકારોનો સામનો કરવો પડ્યો. છતાં, તેઓએ યહોવાની શક્તિની મદદથી અને પડોશીઓ માટેના પ્રેમથી પ્રેરાઈને એ કામ ચાલુ રાખ્યું. એનું શું પરિણામ આવ્યું? પૃથ્વીની આશા ધરાવતા લોકોની મોટી સભા ભેગી થઈ શકી છે. આજે, યહોવાના સાક્ષીઓની સંખ્યા લગભગ ૮૦ લાખ જેટલી થઈ ગઈ છે. દુનિયા ફરતે તેઓનાં ૧,૧૫,૪૦૦થી વધુ મંડળો છે. એ સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. દાખલા તરીકે, ૨૦૧૪ના સેવાવર્ષમાં ૨,૭૫,૫૦૦થી વધુ લોકો બાપ્તિસ્મા પામીને યહોવાના સાક્ષી બન્યા છે. એનો અર્થ થાય કે દર અઠવાડિયે લગભગ ૫,૩૦૦ લોકો બાપ્તિસ્મા લે છે.
૧૫. આજે ખુશખબર કેટલી હદે ફેલાઈ છે?
૧૫ રાજ્યની ખુશખબર જે હદે ફેલાઈ છે, એ જોઈને ઘણી નવાઈ લાગે. આજે, ૭૦૦થી વધુ ભાષાઓમાં આપણું સાહિત્ય મળી રહે છે. આપણું ચોકીબુરજ દુનિયાનું સૌથી વધુ વિતરણ થતું સામયિક છે. દર મહિને એની ૫ કરોડ અને ૨૦ લાખથી વધુ પ્રતો છપાય છે. એ સામયિક ૨૪૭ ભાષામાં બહાર પાડવામાં આવે છે. લોકોને બાઇબલમાંથી શીખવવા આપણે પવિત્ર બાઇબલ શું શીખવે છે? પુસ્તક વાપરીએ છીએ. એનું ભાષાંતર ૨૫૦થી વધુ ભાષાઓમાં કરવામાં આવ્યું છે. અત્યાર સુધીમાં ૨૦ કરોડથી વધુ પ્રતો છપાઈ ચૂકી છે.
૧૬. યહોવાનું સંગઠન શા માટે પ્રગતિ કરી રહ્યું છે?
૧૬ આપણું સંગઠન દિવસેને દિવસે પ્રગતિ કરી રહ્યું છે. કેમ કે, આપણને ઈશ્વરમાં અને તેમની પ્રેરણાથી લખાયેલા બાઇબલમાં પૂરેપૂરો વિશ્વાસ છે. (૧ થેસ્સા. ૨:૧૩) શેતાન ભલે ગમે તેટલી નફરત કે વિરોધ કરે, આપણે તો યહોવાના આશીર્વાદોનો આનંદ માણી રહ્યા છીએ!—૨ કોરીં. ૪:૪.
બીજાઓ પર હંમેશાં પ્રેમ રાખો
૧૭, ૧૮. યહોવાની ભક્તિ ન કરતા લોકો પ્રત્યે આપણને કેવી લાગણી હોવી જોઈએ?
૧૭ આપણે ખુશખબર જણાવીએ છીએ ત્યારે, અમુક લોકો એને સ્વીકારે છે તો અમુક એને ધિક્કારે છે. યહોવાની ભક્તિ ન કરતા લોકો પ્રત્યે આપણને કેવી લાગણી હોવી જોઈએ? એ વિશે યહોવા શું ઇચ્છે છે? ભલે લોકો ખુશખબર પ્રત્યે ગમે તેવું વલણ બતાવે, આપણે તો બાઇબલની આ સલાહ પ્રમાણે કરીશું: “તમારું બોલવું હંમેશાં કૃપાયુક્ત સલૂણું હોય, કે જેથી દરેકને યોગ્ય ઉત્તર આપવો એ તમે જાણો.” (કોલો. ૪:૬) લોકોને આપણી માન્યતા વિશે ખુલાસો આપીએ છીએ ત્યારે, આપણે તેઓને “નમ્રતાથી અને આદરભાવથી” જવાબ આપીએ છીએ. કેમ કે, આપણે પડોશીઓ પર પ્રેમ રાખીએ છીએ.—૧ પીત. ૩:૧૫, કોમન લેંગ્વેજ.
૧૮ પરંતુ, લોકો સંદેશો સાંભળીને આપણા પર ગુસ્સે થાય અથવા આપણું અપમાન કરે ત્યારે શું? એવા સમયે પણ આપણે ઈસુને અનુસરીને પડોશીઓને પ્રેમ બતાવીએ છીએ. ઈસુએ ‘નિંદા સહન કરીને સામી નિંદા કરી નહિ અને દુઃખો સહન કરીને ધમકી આપી નહિ.’ એના બદલે, ઈસુએ યહોવા પર ભરોસો રાખ્યો. (૧ પીત. ૨:૨૩) આપણે પણ દરેક સમયે નમ્રતા બતાવીએ અને આ સલાહ લાગુ પાડીએ: ‘બૂરાઈને બદલે બૂરાઈ અને નિંદાને બદલે નિંદા ન કરો, પણ એનાથી ઊલટું આશીર્વાદ આપો.’—૧ પીત. ૩:૮, ૯.
૧૯. આપણે આપણા “વૈરીઓ” સાથે કઈ રીતે વર્તવું જોઈએ?
૧૯ જો આપણે નમ્રતા બતાવીશું, તો ઈસુએ આપેલો એક મહત્ત્વનો સિદ્ધાંત પાળવો આપણા માટે આસાન બનશે. તેમણે જણાવ્યું હતું, ‘તમે આમ કહેલું સાંભળ્યું છે: “તું તારા પડોશી પર પ્રેમ કર અને તારા વૈરીને દ્વેષ કર.” પણ હું તમને કહું છું કે તમે તમારા વૈરીઓ પર પ્રેમ રાખો અને જેઓ તમારી પાછળ પડે છે તેઓ માટે પ્રાર્થના કરો. એ માટે કે તમે સ્વર્ગમાંના તમારા પિતાના દીકરા થાઓ. કારણ કે તે પોતાના સૂરજને ભલા તથા ભૂંડા પર ઉગાવે છે અને ન્યાયી તેમજ અન્યાયી પર વરસાદ વરસાવે છે.’ (માથ. ૫:૪૩-૪૫) યહોવાના સેવકો હોવાને લીધે, આપણે ‘આપણા વૈરીઓ પર પ્રેમ રાખીશું,’ પછી ભલે તેઓ આપણી સાથે ગમે એ રીતે વર્તે!
૨૦. આપણે શા માટે કહી શકીએ કે આખી પૃથ્વી પર યહોવા અને પડોશી પ્રત્યેનો પ્રેમ છવાઈ જશે? (શરૂઆતનું ચિત્ર જુઓ.)
૨૦ આપણા જીવનના દરેક પાસામાં યહોવા અને પડોશીઓ માટેનો આપણો પ્રેમ દેખાઈ આવવો જોઈએ. ભલે લોકો આપણો કે પછી ખુશખબરનો વિરોધ કરે, તોપણ આપણે તેઓની જરૂરિયાતના સમયે તેઓને મદદ કરીશું. પ્રેરિત પાઊલે જણાવ્યું, “એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો; કેમ કે જે કોઈ બીજા ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમને પૂરેપૂરો પાળ્યો છે. કારણ કે તારે વ્યભિચાર ન કરવો, ખૂન ન કરવું, ચોરી ન કરવી, લોભ ન રાખવો, ઈત્યાદિ જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાએલો છે, કે તારે જેવો પોતાના પર પ્રેમ છે તેવો પોતાના પડોશી પર પ્રેમ રાખવો. પ્રેમ પોતાના પડોશીનું કંઈ ભૂંડું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમનું સંપૂર્ણ પાલન છે.” (રોમ. ૧૩:૮-૧૦) શેતાનની આ દુનિયા કુસંપ, હિંસા અને દુષ્ટતાથી ભરેલી હોવા છતાં યહોવાના સાક્ષીઓ પોતાના પડોશીઓ પર દિલથી પ્રેમ રાખે છે. (૧ યોહા. ૫:૧૯) યહોવા જલદી જ શેતાનનો, તેના દૂતોનો અને આ દુષ્ટ જગતનો વિનાશ કરશે. એ પછી, આખી પૃથ્વી પર પ્રેમ છવાઈ જશે. બધા મનુષ્યો એકબીજાને અને યહોવાને પ્રેમ કરનારા હશે. એ કેટલો મોટો આશીર્વાદ હશે!