પોતે શીખીએ પછી બીજાને શીખવીએ
“એ વાતોની ખંત રાખજે; તેઓમાં તલ્લીન રહેજે, કે તારી પ્રગતિ સર્વેના જાણવામાં આવે. તારે પોતાને વિષે તથા તારા ઉપદેશ વિષે સાવધ રહેજે.”—૧ તીમોથી ૪:૧૫, ૧૬.
બાઇબલ કહે છે કે દરેક કામ માટે “યોગ્ય સમય હોય છે.” (સભાશિક્ષક ૩:૧) જાતે બાઇબલનો અભ્યાસ કરવા વિષે પણ એ સાચું છે. ઘણા લોકોને ખોટી જગ્યા અથવા ખોટા સમયે પરમેશ્વરના શિક્ષણ વિષે મનન કરવાનું અઘરું લાગે છે. દાખલા તરીકે, તમે આખો દિવસ કામ કર્યા પછી સાંજે ઘરે આવ્યા છો. અને સાંજે પેટ ભરીને ખાધા પછી આરામ ખુરશીમાં બેઠા બેઠા ટીવી જોતા હોવ ત્યારે કોને અભ્યાસ કરવાનું ગમશે? એવા સમયે કદાચ આપણે અભ્યાસ કરવાનો વિચાર પણ નહિ કરીએ. તો પછી, એનો ઉપાય શું છે? એ માટે આપણે અગાઉથી નક્કી કરવાની જરૂર છે કે, આપણે ક્યારે અને ક્યાં અભ્યાસ કરીશું, જેથી એમાંથી સૌથી વધારે લાભ મેળવી શકીએ.
૨ ઘણા લોકો સવારે બાઇબલનો અભ્યાસ કરતા હોય છે. કારણ કે તેઓ સવારે અભ્યાસ કરવામાં સારી રીતે ધ્યાન આપી શકે છે. બીજાઓ બપોરે થોડો સમય અભ્યાસ કરતા હોય છે. અમુક લોકો પરમેશ્વરના શિક્ષણ પર ક્યારે મનન કરતા એની નોંધ લો. પ્રાચીન ઈસ્રાએલના રાજા દાઊદે લખ્યું: “મને સવારે તારી કૃપા જણાવ, કેમકે હું તારા પર ભરોસો રાખું છું; જે માર્ગે મારે ચાલવું જોઈએ તે મને બતાવ, કેમકે હું તારામાં મારૂં અંતઃકરણ લગાડું છું.” (ગીતશાસ્ત્ર ૧૪૩:૮) એવી જ રીતે, યશાયાહ પ્રબોધકે આમ કહ્યું: “હું થાકેલાઓને શબ્દથી આશ્વાસન આપતાં જાણું, માટે પ્રભુ યહોવાહે મને ભણેલાની જીભ આપી છે; તે દર સવારે મને જાગૃત કરે છે, તે મારા કાનને જાગૃત કરે છે કે હું ભણેલાની પેઠે સાંભળું.” અહીં આપણને જોવા મળે છે કે દિવસના કોઈ પણ સમયે અભ્યાસ થઈ શકે. તેમ જ, અભ્યાસ કરતા પહેલાં પ્રાર્થનામાં પરમેશ્વરની મદદ માંગવાની જરૂર છે.—યશાયાહ ૫૦:૪, ૫; ગીતશાસ્ત્ર ૫:૩; ૮૮:૧૩.
૩ એકદમ આરામથી બેસીને આપણે ધ્યાનથી અભ્યાસ કરી શકીશું નહીં. આપણે અભ્યાસ કરતા હોઈએ ત્યારે આપણું મગજ સારી રીતે કામ કરતું હોવું જોઈએ. વળી, જો આપણે ગાદી કે સોફા જેવી જગ્યા પર આરામથી બેસીને અભ્યાસ કરીશું તો, થોડી જ વારમાં ઊંઘ આવી જશે અને અભ્યાસમાં મન પરોવી શકાશે નહિ. તેમ જ, અભ્યાસ અને મનન કરવા માટે શાંત વાતાવરણની જરૂર છે. ટીવી-રેડિયો કે બાળકોનો અવાજ આવતો હોય ત્યાં, આપણે સારી રીતે અભ્યાસ કરીને લાભ મેળવી શકતા નથી. ઈસુએ મનન કરવા માટે શાંત જગ્યા શોધી હતી. તેમણે શિષ્યોને કહ્યું હતું કે પ્રાર્થના માટે પણ શાંત જગ્યા શોધવી જોઈએ.—માત્થી ૬:૬; ૧૪:૧૩; માર્ક ૬:૩૦-૩૨.
શીખવતા પહેલાં પોતે અભ્યાસ કરવો જરૂરી છે
૪ આપણે કોઈ વિષય પર ઊંડું સંશોધન કરીએ છીએ અને બાઇબલના પ્રકાશનોને વાંચીએ છીએ ત્યારે આપણને આનંદ મળે છે. ખાસ કરીને કોઈના પ્રશ્નનો જવાબ આપવા સંશોધન કરીએ ત્યારે, આપણને વધારે આનંદ મળે છે. (૧ તીમોથી ૧:૪; ૨ તીમોથી ૨:૨૩) બાઇબલમાં રસ ધરાવતી નવી વ્યક્તિઓ શરૂઆતમાં દેવ આપણી પાસે શું માંગે છે? પુસ્તિકાનો અભ્યાસ કરતા હોય છે.a આ પુસ્તિકા હવે ૨૬૧ ભાષાઓમાં છે. એ એકદમ સાદી અને સહેલી રીતે બાઇબલ સમજવા મદદ કરે છે. એ જણાવે છે કે, પરમેશ્વરને કેવી ભક્તિ સ્વીકાર્ય છે. જોકે, એમાં દરેક વિષયો પર ઊંડી ચર્ચા કરવામાં આવી નથી. તમે જેઓને બાઇબલમાંથી શીખવો છો તેઓ કોઈ વિષય પર વધારે પ્રશ્નો પૂછે તો, તમે એના જવાબો આપવા વધારે માહિતી ક્યાંથી શોધશો?
૫ જેઓ પાસે તેમની ભાષામાં વૉચટાવર લાઇબ્રેરી સીડી-રોમ પર હોય તેઓ કૉમ્પ્યુટર દ્વારા સહેલાઈથી સંશોધન કરી શકે છે. પરંતુ, જેઓ પાસે કૉમ્પ્યુટર ન હોય તેઓ વિષે શું? ચાલો આપણે માંગે છે પુસ્તિકામાંથી બે વિષયો પર ચર્ચા કરીએ, અને જોઈએ કે આપણે કઈ રીતે બાઇબલની વધારે સમજણ મેળવી શકીએ છીએ. એનાથી આપણે, પરમેશ્વર કોણ છે અને ઈસુ કોણ છે એવું કોઈ પૂછે તો, એના સારી રીતે જવાબ આપી શકીશું.—નિર્ગમન ૫:૨; લુક ૯:૧૮-૨૦; ૧ પીતર ૩:૧૫.
પરમેશ્વર કોણ છે?
૬ પરમેશ્વર કોણ છે? એનો જવાબ, માંગે છે પુસ્તિકાના બીજા પાઠમાં આપવામાં આવ્યો છે. ખરા પરમેશ્વરને જાણવા ખૂબ મહત્ત્વનું છે. કેમ કે, કોઈ પણ વ્યક્તિ ખરા પરમેશ્વરને ઓળખતી ન હોય અથવા માનતી ન હોય તો, કઈ રીતે તેમને ભજી શકે. (રૂમીઓને પત્ર ૧:૧૯, ૨૦; હેબ્રી ૧૧:૬) તોપણ, પરમેશ્વર વિષે આજે લોકોમાં ઘણી માન્યતાઓ છે. (૧ કોરીંથી ૮:૪-૬) તેમ જ, બધા લોકો એ પ્રશ્નનો જવાબ પોતાની રીતે આપે છે. જેમ કે, ચર્ચના ખ્રિસ્તીઓ મોટા ભાગે માને છે કે પરમેશ્વર ત્રૈક્ય છે. અમેરિકાના એક પ્રખ્યાત પાદરીએ આ વિષય પર ભાષણ આપ્યું: “શું તમે પરમેશ્વરને ઓળખો છો?” તેમણે પોતાના ભાષણમાં ઘણી વાર હેબ્રી શાસ્ત્રવચનોનો ઉપયોગ કર્યો હતો. તોપણ, તેમણે પરમેશ્વરનું નામ વાપર્યું ન હતું. તેમણે જે બાઇબલનો ઉપયોગ કર્યો એમાં, યહોવાહ કે યાહવેહને બદલે “પ્રભુ” વાપર્યું હતું.
૭ એ પાદરીએ યિર્મેયાહ ૩૧:૩૩, ૩૪ કલમો વાંચી ત્યારે ખાસ બાબત ભૂલી ગયા: “તે સમયે પ્રભુને [હેબ્રીમાં યહોવાહને] ઓળખવા માટે એકબીજાને શીખવવાની આવશ્યકતા રહેશે નહિ, કેમ કે ત્યારે નાનાથી માંડીને મોટા સુધી સર્વ મને સાચેસાચ ઓળખશે અને હું તેઓના પાપ માફ કરીશ તથા તેનું સ્મરણ ફરી કરીશ નહિ, એમ પ્રભુ [હેબ્રીમાં યહોવાહ] કહે છે,” (IBSI). તેમણે જે બાઇબલ વાપર્યું, એમાં પરમેશ્વરનું નામ યહોવાહ કાઢી નાખવામાં આવ્યું હતું.—ગીતશાસ્ત્ર ૧૦૩:૧, ૨.
૮ શા માટે યહોવાહના નામનો ઉપયોગ કરવો મહત્ત્વનું છે એ ગીતશાસ્ત્ર ૮:૯ બતાવે છે: “હે યહોવાહ, અમારા પ્રભુ, આખી પૃથ્વીમાં તારૂં નામ કેવું ઉત્તમ છે!” આ કલમની બીજા બાઇબલ ભાષાંતર સાથે સરખામણી કરો: “હે પ્રભુ, મારા હે ભગવાન! સકલ ધરા પર નામ તમારું કેવું ભવ્ય મહાન!” (સંપૂર્ણ બાઇબલ) ગયા લેખમાં જોયું તેમ, આપણે બાઇબલનો અભ્યાસ કરીને “દેવનું જ્ઞાન” મેળવી શકીશું. પરંતુ, પરમેશ્વરનું નામ શું છે અને એ જાણવું શા માટે મહત્ત્વનું છે એ વિષે કયા પ્રકાશનમાંથી જવાબ મળી શકે?—નીતિવચનો ૨:૧-૬.
૯ આપણે તમે પારાદેશ પૃથ્વી પર હંમેશ માટે જીવી શકો છો પુસ્તકમાં જોઈ શકીએ. આ પુસ્તક ૧૩૧ ભાષાઓમાં છપાયું છે.b એમાં “દેવ—તે કોણ છે?” (પાન ૪૦-૪૩) પ્રકરણ બતાવે છે કે મૂળ હેબ્રી બાઇબલમાં, પરમેશ્વરનું અસલ નામ લગભગ ૭૦૦૦ વાર જોવા મળે છે, જે ટેટ્રાગ્રમેટનથી ઓળખાય છે. એ ટેટ્રાગ્રમેટનને ગ્રીકમાં “ચાર અક્ષરો” કહે છે. તોપણ, પાદરીઓ તથા યહુદી અને ખ્રિસ્તી ધર્મના બાઇબલ ભાષાંતરકારોએ જાણી જોઈને બાઇબલમાંથી પરમેશ્વરનું નામ, યહોવાહ કાઢી નાખ્યું છે.c તેઓ પરમેશ્વરનું નામ જ ન વાપરતા હોય તો, કઈ રીતે કહી શકે કે તેઓ પરમેશ્વરના મિત્ર છે? તેમના નામનો અર્થ જ તેમના હેતુઓ અને તે કોણ છે એ સમજાવે છે. ઈસુએ પ્રાર્થના કરતા શીખવ્યું હતું કે, “ઓ આકાશમાંના અમારા બાપ, તારૂં નામ પવિત્ર મનાઓ.” જો પરમેશ્વરનું નામ ન વાપરીએ તો, એ પ્રાર્થનાનો શું અર્થ રહે છે?—માત્થી ૬:૯; યોહાન ૫:૪૩; ૧૭:૬.
ઈસુ ખ્રિસ્ત કોણ છે?
૧૦ “ઈસુ ખ્રિસ્ત કોણ છે?” એ વિષે માંગે છે પુસ્તિકાના ત્રીજા પાઠમાં માહિતી આપવામાં આવી છે. જેમ કે, તેમને કોણે બનાવ્યા અને પૃથ્વી પર આવવાનો તેમનો હેતુ શું હતો. એ વિષે એમાં છ ફકરામાં જ સમજાવવામાં આવ્યું છે. તમારે ઈસુના જીવન વિષે વધારે જાણવું હોય તો, સુવાર્તાના અહેવાલો સિવાય પણ એક પુસ્તક છે. એ સૌથી મહાન માણસ પુસ્તક છે, જે ૧૧૧ ભાષાઓમાં છપાયું છે.* એમાં માત્થી, માર્ક, લુક અને યોહાનના પુસ્તકમાંથી ઈસુના જીવન અને શિક્ષણ વિષે ક્રમવાર માહિતી આપવામાં આવી છે. એમાં ૧૩૩ પ્રકરણો છે. ઈસુ વિષે વધારે માહિતી માટે તમે ઈનસાઈટ ગ્રંથ ૨ના “ઈસુ ખ્રિસ્ત” મથાળા નીચે જોઈ શકો.
૧૧ ચર્ચના ખ્રિસ્તીઓમાં પણ ઘણા મતભેદો છે. કેટલાક માને છે કે, ઈસુ ‘પરમેશ્વરના પુત્ર છે. જ્યારે બીજાઓ તેમને ત્રૈક્યનો એક ભાગ ગણે છે. બીજા શબ્દોમાં, કૅથલિક ચર્ચની માન્યતા એવું જણાવે છે કે “ચર્ચની માન્યતા આપણી સમજણ બહાર છે.” પરંતુ, યહોવાહના સાક્ષીઓ કૅથલિકો જેવું માનતા નથી. યહોવાહના સાક્ષીઓ માને છે કે ઈસુને ઉત્પન્ન કરવામાં આવ્યા છે, તે પરમેશ્વર નથી. એના વિષે વધારે માહિતી, શું તમે ત્રૈક્યમાં માનો છો? પુસ્તિકામાં જોવા મળે છે, જે ૯૫ ભાષાઓમાં છપાઈ છે.d એમાં બાઇબલ આધારિત સ્પષ્ટ પુરાવાઓ આપવામાં આવ્યા છે કે પરમેશ્વર ત્રૈક્ય નથી. જેમ કે, માર્ક ૧૩:૩૨ અને ૧ કોરીંથી ૧૫:૨૪, ૨૮.
૧૨ આપણે પરમેશ્વર અને ઈસુ ખ્રિસ્ત વિષે ઉપર ઘણી રીતોએ ચર્ચા કરી, જેનો આપણે પોતાના અભ્યાસમાં ઉપયોગ કરી શકીએ. એમ કરીને આપણે એવા લોકોને મદદ કરી શકીશું જેઓ પાસે બાઇબલનું જ્ઞાન નથી. (યોહાન ૧૭:૩) પરંતુ, જેઓ વર્ષોથી સભાઓમાં આવે છે તેઓ વિષે શું? તેઓ પાસે તો બાઇબલનું પૂરતું જ્ઞાન છે. શું તેઓએ પણ બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ?
શા માટે ‘સાવધ રહેવું’ જોઈએ?
૧૩ જેઓ વર્ષોથી યહોવાહના સાક્ષીઓ છે તેઓએ શરૂઆતમાં બાઇબલનો અભ્યાસ કર્યો હતો. આજે ઘણી વખતે એમ બને છે કે તેઓ એ જ્ઞાન પર જ જીવતા હોય છે. તેઓ એમ માને છે: “નવા લોકોને જ વ્યક્તિગત અભ્યાસ કરવાની જરૂર છે. મેં તો ઘણી વાર બાઇબલ અને આપણા સાહિત્યોને વાંચ્યા છે.” એ આમ કહેવા બરાબર છે: “હું વર્ષોથી પૌષ્ટિક ખોરાક ખાતો આવ્યો છું. હવે મને એની કંઈ ખાસ જરૂર નથી.” આપણે જાણીએ છીએ કે તંદુરસ્ત રહેવા સારો ખોરાક જરૂરી છે. તો પછી, વિશ્વાસમાં દૃઢ રહેવા નિયમિત બાઇબલનો અભ્યાસ કરીએ એ કેટલું મહત્ત્વનું છે.—હેબ્રી ૫:૧૨-૧૪.
૧૪ આપણે કદાચ વર્ષોથી યહોવાહના સાક્ષીઓ હોઈશું. તેમ છતાં, પાઊલે તીમોથીને જે સલાહ આપી હતી એને આપણે ભૂલવી ન જોઈએ. એ સમયે તીમોથી વડીલ હતા તોપણ, પાઊલે આમ કહ્યું: “તારે પોતાને વિષે તથા તારા ઉપદેશ વિષે સાવધ રહેજે. આ બાબતોમાં ચુસ્ત રહેજે, કેમકે આ પ્રમાણે કરવાથી તું પોતાને તેમજ તારાં સાંભળનારાંઓને પણ તારીશ.” (૧ તીમોથી ૪:૧૫, ૧૬) આપણે શા માટે પાઊલની સલાહને ભૂલવી ન જોઈએ? પાઊલે એમ પણ કહ્યું કે આપણે શેતાનની કુયુક્તિઓ અને તેના દૂતોનો સામનો કરવાનો છે. એવી જ રીતે, પ્રેષિત પીતરે પણ કહ્યું: “શેતાન ગાજનાર સિંહની પેઠે કોઈ મળે તેને ગળી જવાને શોધતો ફરે છે.” આપણે સાવચેત ન રહીએ અને અભ્યાસ કરવા વિષે આળસુ બનીશું તો, શેતાનના શિકાર બની જઈશું. —એફેસી ૬:૧૧, ૧૨; ૧ પીતર ૫:૮.
૧૫ શેતાનથી રક્ષણ મેળવવું હોય તો, આપણે શું કરવું જોઈએ? પ્રેષિત પાઊલ આપણને યાદ દેવડાવે છે: ‘પરમેશ્વરના શસ્ત્રો હમણાં જ સજી લો! જેથી જ્યારે ભૂંડા દિવસો આવે ત્યારે દુશ્મનના હુમલાને અટકાવવા તમે શક્તિમાન થઈ શકો અને અંત સુધી લડાઈ કરીને તમે ઊભા રહી શકો.’ (એફેસી ૬:૧૩) આ કલમ પ્રમાણે, આપણે શરૂઆતની જેમ આજે પણ જ્ઞાન લેવાની જરૂર છે. એમ કરવાથી આપણે વિશ્વાસમાં દૃઢ રહી શકીશું. એ માટે આપણે બાઇબલના જે નવાં પુસ્તકો બહાર પડ્યાં છે એનો અભ્યાસ કરવાની અને નવી સમજણ મેળવતા રહેવાની જરૂર છે. બાઇબલ અને વિશ્વાસુ શાણા ચાકર દ્વારા, યહોવાહ આજે જે સમજણ પૂરી પાડે છે એનો પણ આપણે લાભ લેવો જોઈએ. હા, બાઇબલ અને આપણી સંસ્થાના સાહિત્યોનો નિયમિત અભ્યાસ કરવાથી, આપણો વિશ્વાસ બખ્તરની જેમ મજબૂત થશે.—માત્થી ૨૪:૪૫-૪૭; એફેસી ૬:૧૪, ૧૫.
૧૬ પાઊલે ભાર દેતા કહ્યું કે વિશ્વાસમાં દૃઢ રહેવા “ઢાલ” સજી લો. એનાથી આપણે બળતા ભાલા જેવા શેતાનના જૂઠા આરોપો અને ધર્મભ્રષ્ટ શિક્ષણને હોલવી શકીએ છીએ. (એફેસી ૬:૧૬) તેથી, એ મહત્ત્વનું છે કે આપણે વિશ્વાસની ઢાલની કાળજી રાખીએ જેથી એ જરાય નબળી ન થાય. દાખલા તરીકે, આપણે પોતાને પૂછી શકીએ: “શું હું બાઇબલનો તેમ જ ચોકીબુરજનો પણ સારી રીતે અભ્યાસ કરું છું? શું હું સભાઓ માટે એવી રીતે તૈયારી કરું છું કે સારી રીતે જવાબ આપી શકું અને ‘પ્રેમ રાખીને સારાં કામ કરી’ શકું? શું હું દરેક કલમો વાંચું છું? શું હું સભાઓમાં ભાગ લઈને બીજાઓને ઉત્તેજન આપું છું?” પરમેશ્વરનું શિક્ષણ લેવું એ ભારે ખોરાક છે. તેથી, એમાંથી લાભ મેળવવા આપણે પચાવતા શીખવું જોઈએ.—હેબ્રી ૫:૧૪; ૧૦:૨૪.
૧૭ શેતાન આપણી નબળાઈઓ સારી રીતે જાણે છે. પરંતુ, તેની ચાલાકી ખતરાભરી છે, એમાંની એક પોર્નોગ્રાફી છે. આજે ટીવી-વિડીયો, ઇંટરનેટ અને દુન્યવી મેગેઝિનોમાં પોર્નોગ્રાફી જોવા મળે છે. દુઃખની વાત છે કે અમુક ખ્રિસ્તી ભાઈબહેનો શેતાનના ફાંદામાં પડી ગયા છે. તેથી, તેઓ પાસેથી મંડળની જવાબદારીઓ લઈ લેવામાં આવી છે. એટલું જ નહિ, અમુકને તો મંડળમાંથી પણ બહાર કાઢવામાં આવ્યા છે. (એફેસી ૪:૧૭-૧૯) આપણે કઈ રીતે શેતાનની ચાલથી દૂર રહી શકીએ? તેના શિકાર ન બનવું હોય તો, આપણે નિયમિત બાઇબલનો અભ્યાસ કરવો જોઈએ, સભાઓમાં જવું જોઈએ. તેમ જ પરમેશ્વરનું બખ્તર સજી લેવું જોઈએ. આમ કરવાથી આપણે ખરું-ખોટું પારખી શકીશું અને પરમેશ્વર જે ધિક્કારે છે એ આપણે ધિક્કારતા શીખીશું.—ગીતશાસ્ત્ર ૯૭:૧૦; રૂમીઓને પત્ર ૧૨:૯.
૧૮ આપણે નિયમિત રીતે બાઇબલનો અભ્યાસ કરીશું તો, ખરેખર એનું સંપૂર્ણ જ્ઞાન મળશે. પરમેશ્વરનો શબ્દ બાઇબલ “જીવંત, સમર્થ તથા બેધારી તરવાર કરતાં પણ વિશેષ તીક્ષ્ણ છે, તે જીવ તથા આત્માને અને સાંધા તથા મજ્જાને જુદાં પાડે એટલે સુધી વીંધનારો છે, અને હૃદયના વિચારોને તથા ભાવનાઓને પારખનાર છે.” (એફેસી ૬:૧૭; હેબ્રી ૪:૧૨) આપણે તરવારની જેમ બાઇબલનો ઉપયોગ કરવામાં કુશળ હોઈશું તો, આપણી સામે લાલચો આવે ત્યારે એનો સામનો કરી શકીશું. પછી આપણને ગમતી હોય એવી કોઈ લાલચ આવે તોપણ, આપણે એનાથી દૂર રહીશું. એમ કરવાથી આપણે શેતાનની જાળમાં ફસાઈશું નહિ. બાઇબલનું જ્ઞાન આપણને ખરાબ કામો કરવાથી રોકશે. તેમ જ, સારાં કામો કરવા મદદ કરશે. તેથી આપણે પોતાને પૂછવું જોઈએ: ‘શું મારી તરવાર તીક્ષ્ણ છે કે કટાઈ ગઈ છે? મારા પર મુશ્કેલીઓ આવે ત્યારે, શું હું બાઇબલની કલમો યાદ કરીને એમાંથી દિલાસો મેળવી શકું છું?’ તો ચાલો, આપણે બાઇબલનો અભ્યાસ કરવાનું ચાલુ રાખીએ અને શેતાનને ધિક્કારતા શીખીએ.—એફેસી ૪:૨૨-૨૪.
૧૯ પછી પાઊલે લખ્યું: “પવિત્ર બાઇબલ ઈશ્વરની પ્રેરણાથી આપવામાં આવ્યું છે. જે સત્ય છે તે શીખવવામાં ખોટે માર્ગે જતા અટકાવવામાં, પ્રભુને જે પસંદ નથી તે જીવનમાંથી દૂર કરવામાં અને ન્યાયીપણાનું શિક્ષણ આપવામાં તે આપણને અતિ ઉપયોગી છે. પ્રત્યેકનું ભલું કરવા માટે આપણને સંપૂર્ણ સુસજ્જ કરવા અને પ્રત્યેક પરિસ્થિતિ માટે પૂરા તૈયાર કરવા અર્થે તે ઈશ્વરનું સાધન છે.” પાઊલે તીમોથીને જે સલાહ આપી એ આપણે યાદ રાખીશું તો, આપણે પણ પરમેશ્વરના શિક્ષણથી વિશ્વાસમાં દૃઢ થઈશું. તેમ જ આપણે પ્રચાર કાર્યમાં અસરકારક બનીશું. વડીલો અને સેવકાઈ ચાકરો મંડળ માટે ખૂબ જ ઉપયોગી બની શકે. હા, આપણે બધા વિશ્વાસમાં દૃઢ રહી શકીએ છીએ.—૨ તીમોથી ૩:૧૬, ૧૭ IBSI; માત્થી ૭:૨૪-૨૭.
[ફુટનોટ્સ]
a બાઇબલમાં રસ ધરાવતી નવી વ્યક્તિઓ શરૂઆતમાં માંગે છે પુસ્તિકાનો અભ્યાસ કરે છે. એ પછી જ્ઞાન જે અનંતજીવન તરફ દોરી જાય છે પુસ્તકનો અભ્યાસ કરે છે. એનો અભ્યાસ કરવાથી તેઓની અનેક નડતરો દૂર થશે, જેથી તેઓ પરમેશ્વરમાં ખરો વિશ્વાસ કેળવી શકશે. એ બંને પ્રકાશનો યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યાં છે.
b આ પુસ્તક યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે. જેઓ પાસે ઈનસાઈટ ઑન ધ સ્ક્રીપ્ચર્સ હોય તેઓ ગ્રંથ ૨ના “યહોવાહ” નામના મથાળા નીચે વધારે માહિતી મેળવી શકે.
c સ્પૅનિશ અને કેટલોનિયનના કેટલાક બાઇબલ ભાષાંતરકારોએ પરમેશ્વરના અસલ હેબ્રી નામને અલગ અલગ રીતોએ લખ્યું છે. જેમ કે “યાવા,” “યાહવેહ,” “જાહવે” અને “યેહોવા.”
d યહોવાહના સાક્ષીઓએ બહાર પાડ્યું છે.
શું તમને યાદ છે?
• કેવી જગ્યાએ અભ્યાસ કરવો જોઈએ?
• બાઇબલના ભાષાંતરકારોએ પરમેશ્વરના નામનું શું કર્યું છે?
• કઈ કલમો પુરાવો આપે છે કે પરમેશ્વર ત્રૈક્ય નથી?
• આપણે વર્ષોથી યહોવાહના સાક્ષી હોય તોપણ શેતાનની ચાલથી દૂર રહેવા શું કરવું જોઈએ?
[Questions]
૧. અભ્યાસ કરવા વિષે આપણે શું નક્કી કરવું જોઈએ?
૨. અભ્યાસ કરવાનો સૌથી સારો સમય કયો છે?
૩. અભ્યાસ કરવા કેવી જગ્યા શોધવી જોઈએ?
૪, ૫. માંગે છે પુસ્તિકા કઈ રીતોએ મદદ કરી શકે?
૬, ૭. (ક) પરમેશ્વરને લગતા કયા પ્રશ્નનો જવાબ મેળવવો મહત્ત્વનો છે? (ખ) એક પાદરીએ ભાષણ આપ્યું ત્યારે તેમણે શું વાપર્યું ન હતું?
૮. શું બતાવે છે કે પરમેશ્વરના નામનો ઉપયોગ કરવો મહત્ત્વનું છે?
૯. (ક) પરમેશ્વરના નામ વિષે કયું પુસ્તક વધારે માહિતી આપે છે? (ખ) બાઇબલના કેટલાક ભાષાંતરકારોએ પરમેશ્વરના નામનું શું કર્યું?
૧૦. ઈસુના જીવન અને શિક્ષણ વિષે બીજી માહિતી ક્યાંથી મળી શકે?
૧૧. (ક) યહોવાહના સાક્ષીઓ ઈસુ વિષે શું માને છે? (ખ) કઈ કલમો પુરાવો આપે છે કે પરમેશ્વર ત્રૈક્ય નથી અને એના વિષે કઈ પુસ્તિકા વધારે સમજણ આપે છે?
૧૨. આપણે પોતાને કેવા પ્રશ્નો પૂછવા જોઈએ?
૧૩. કેટલાક લોકો અભ્યાસ કરવા વિષે શું વિચારે છે?
૧૪. શા માટે આપણે અભ્યાસ કરવો જોઈએ?
૧૫. આપણે વિશ્વાસમાં મજબૂત રહેવા શું કરવાની જરૂર છે?
૧૬. વિશ્વાસની ઢાલ નબળી ન થાય એ માટે આપણે શું કરવું જોઈએ?
૧૭. (ક) શેતાન આપણને ફસાવવા કેવી રીતો વાપરે છે? (ખ) આપણે કઈ રીતે શેતાનની ચાલથી દૂર રહી શકીએ?
૧૮. કઈ રીતે યહોવાહનું વચન આપણને વિશ્વાસમાં દૃઢ રહેવા મદદ કરી શકે?
૧૯. આપણે પોતે અભ્યાસ કરીએ ત્યારે, કયા લાભ થાય છે?
[પાન ૧૯ પર ચિત્રો]
સારી રીતે અભ્યાસ કરવા આપણે શાંત જગ્યા શોધવી જોઈએ
[પાન ૨૩ પર ચિત્રો]
શું તમારી “તરવાર” તીક્ષ્ણ છે?