તન-મન પર જીત મેળવો!
“દરેક પહેલવાન સર્વ પ્રકારે સ્વદમન કરે [કડક શિસ્ત પાળે] છે.” —૧ કોરીંથી ૯:૨૫.
શું તમે યહોવાહના સેવક તરીકે બાપ્તિસ્મા પામ્યા છો? એમ હોય તો તમે એક એવી હરીફાઈમાં ઊતર્યા છો, જેનું ઇનામ હંમેશ માટેનું જીવન છે. તમે પોતે યહોવાહની સેવા કરવા અર્પણ થયા છો. એમ કર્યા પહેલાં, આપણામાંના ઘણાએ મોટા મોટા ફેરફારો કર્યા હશે. એટલે જ આપણે પ્રેષિત પાઊલની સલાહ માનવાની ખૂબ જ જરૂર છે: ‘પહેલાના જેવું જીવન જીવવા દોરી જનાર તમારા જૂના સ્વભાવથી અલગ થાઓ. ઈશ્વરની પ્રતિમા પ્રમાણે સર્જાયેલો યોગ્ય અને પવિત્ર, એવો સાચા જીવનમાં પ્રગટ થતો નવો સ્વભાવ પહેરી લો.’ (એફેસી ૪:૨૨-૨૪, પ્રેમસંદેશ) એટલે કે આપણા સ્વભાવમાં ફેરફારો કરીને, હવે યહોવાહના સેવકને શોભે એવો નવો સ્વભાવ કેળવીએ.
૨ બાઇબલ જણાવે છે કે યહોવાહના સેવકો બનવા કેવા કેવા ફેરફારો કરવા જ જોઈએ. પાઊલે એમાંના અમુક વિષે કોરીંથીઓના પત્રમાં લખ્યું: “વ્યભિચારીઓ, મૂર્તિપૂજકો, વિલાસીઓ, સજાતીય સમાગમ કરનારા, ચોર, લોભી, દારૂડિયા, નિંદાખોર કે ગૂંડાઓ કે એવા બીજા કોઈ ઈશ્વરના રાજમાં જઈ શકશે નહિ.” પછી તેમણે જણાવ્યું કે “તમારામાંના કેટલાક તો એવા હતા.” આ બતાવે છે કે પહેલી સદીમાં ભાઈ-બહેનોએ પોતાના સ્વભાવમાં ફેરફારો કર્યા હતા.—૧ કોરીંથી ૬:૯-૧૧, પ્રેમસંદેશ.
૩ પાઊલે એમ પણ જણાવ્યું કે એવા અને બીજા ફેરફારો કરતા રહેવાનું હતું. પાઊલ જણાવે છે: “સઘળી વસ્તુઓની મને છૂટ છે; પણ સઘળી લાભકારી નથી.” (૧ કોરીંથી ૬:૧૨) આ ખરું છે, કેમ કે આજે યહોવાહના સેવકો જોઈ શકે છે કે બાઇબલ પ્રમાણે એવી ઘણી ચીજો છે, જે કરવામાં કંઈ ખોટું નથી. પરંતુ, એનાથી કોઈ ફાયદો નથી, અરે એ તમારો ટાઈમ પણ ચોરી લઈ શકે છે. એ કારણે જે કાયમી લાભ કરનારી બાબતો છે, એ બીજા નંબરે જતી રહી શકે.
૪ આપણે પોતાની મરજીથી યહોવાહના સેવકો બનીએ છીએ, કોઈ મારી-મચકોડીને બનાવતું નથી. આપણને પ્રેષિત પાઊલની જેમ લાગે છે: ‘ખ્રિસ્ત ઈસુ મારા પ્રભુને લીધે મેં સઘળાનું નુકસાન સહન કર્યું, અને તેઓને કચરો જ ગણું છું, જેથી હું ખ્રિસ્તને પ્રાપ્ત કરૂં.’ (ફિલિપી ૩:૮) પાઊલે યહોવાહની સેવાને કિંમતી ખજાનો ગણીને, બીજી બધી બાબતોને કચરો જ ગણી.
૫ પાઊલે જીવનની દોડમાં તન-મન પર પૂરો કાબૂ રાખ્યો. તેથી તેમણે કહ્યું: “હું સારી લડાઈ લડ્યો છું, મેં દોડ પૂરી કરી છે, વિશ્વાસ રાખ્યો છે. હવે મારે સારૂ ન્યાયીપણાનો મુગટ રાખી મૂકેલો છે, તે તે દહાડે પ્રભુ જે અદલ ઈનસાફ કરનાર ન્યાયાધીશ છે તે મને આપશે; અને કેવળ મને નહિ, પણ જે સર્વે તેના પ્રગટ થવાની ઇચ્છા રાખે છે તેઓને પણ આપશે.” (૨ તીમોથી ૪:૭, ૮) શું એક દિવસ આપણે પણ એમ જ કહી શકીશું? ચોક્કસ. જો આપણે વિશ્વાસુ રહીએ અને તન-મન પર કાબૂ રાખીને જીવનની દોડ પૂરી દોડીએ, તો જરૂર આપણે હરીફાઈ જીતી જઈશું.
ભલું કરવા મન પર કાબૂ રાખો
૬ બાઇબલમાં “સંયમ” ભાષાંતર થયેલા હેબ્રી અને ગ્રીક શબ્દોનો અર્થ થાય કે, વ્યક્તિનો પોતાના પર કાબૂ હોવો. એવી વ્યક્તિ જે પોતાના વિચારો અને વર્તન પર પકડ રાખી શકતી હોય. પરંતુ, શું તમે જાણો છો કે કંઈક સારું કરવા માટે પણ તન-મન પર કાબૂ રાખવાની જરૂર પડે છે? આપણે આપોઆપ જ ખોટું કરવા પહેલા દોડી જઈએ છીએ, ખરું કે નહિ! (સભાશિક્ષક ૭:૨૯; ૮:૧૧) તેથી, એક તો આપણે કાબૂ રાખવો જોઈએ, જેથી કંઈ ખોટું ન કરીએ. બીજું કે એની સાથે સાથે સારાં કામો પણ કરતા રહીએ. જો આપણે બીજાનું ભલું કરવામાં બીઝી રહીશું, તો ખોટું કરવા દોડી જતા મન પર લગામ રાખી શકીશું.
૭ આપણે યહોવાહના પાક્કા મિત્ર બનવું હોય તો, તન-મન પર કાબૂ રાખવો બહુ જ જરૂરી છે. રાજા દાઊદની જેમ આપણે વિનંતી કરીએ: “હે દેવ, મારામાં શુદ્ધ હૃદય ઉત્પન્ન કર; અને મારા આત્માને નવો અને દૃઢ કર.” (ગીતશાસ્ત્ર ૫૧:૧૦) વિચારો કે યહોવાહના બતાવેલા માર્ગે ચાલીને, તન અને મનને ભ્રષ્ટ કરતી બાબતોથી દૂર રહીને કયા ફાયદા થાય છે. એ જ સમયે વિચારો કે એની ઝેરી હવામાં રહેવાથી શું થઈ શકે છે. તમે જાણીજોઈને રોગના ભોગ બની શકો, બીજા સાથેના સંબંધો બગડી શકે, અરે વહેલું મોત પણ આવી શકે! આપણે એ ન ભૂલીએ કે આપણું દિલ બહુ જ દગાખોર છે, એની પાસે જાણે બહાનાના ખિસ્સા ભરેલા છે. (યિર્મેયાહ ૧૭:૯) આપણે એના કોઈ બહાના ચલાવી ન લઈએ, નહિ તો યહોવાહે આપેલા સંસ્કાર પર પાણી ફરી વળશે.
૮ આપણને મોટા ભાગે અનુભવ થયો હશે કે જે સારું છે એ કરવા મન તૈયાર હોય તો તન તૈયાર નહિ હોય. પ્રચાર કાર્યનો વિચાર કરો. આપણે જીવનનો સંદેશો લોકોને જણાવીએ છીએ, એનાથી યહોવાહ બહુ જ રાજી થાય છે. (ગીતશાસ્ત્ર ૧૧૦:૩; માત્થી ૨૪:૧૪) પરંતુ, મોટા ભાગે શું આપણને પ્રચાર કામ સહેલું લાગે છે? ના, આપણે પોતાને એ માટે તૈયાર કરવા પડે છે. આપણા દેહના ગુલામ બનીને મન ફાવે એમ કરવાને બદલે, “દેહનું દમન” કરીને ‘તેને વશમાં રાખવું પડે છે.’—૧ કોરીંથી ૯:૧૬, ૨૭; ૧ થેસ્સાલોનીકી ૨:૨.
શું “સર્વ પ્રકારે” કાબૂ રાખવો?
૯ બાઇબલ કહે છે કે “સર્વે પ્રકારે” આપણે તન-મન પર કાબૂ રાખીએ. એટલે કે અહીં ફક્ત ગુસ્સા વિષે કે ચાલ-ચલગત વિષે જ વાત નથી થતી. તેથી, ‘મારે એ વિષે કોઈ પ્રોબ્લમ નથી,’ એમ કહીને બેસી ન રહીએ. વિચાર કરો કે જીવનમાં બીજી કઈ કઈ રીતે આપણે પોતાને કંટ્રોલમાં રાખવા જોઈએ. દાખલા તરીકે, તમારું કુટુંબ પૈસે-ટકે સુખી હોય શકે. શું તમે જેમ-તેમ પૈસા ઉડાવો છો? તમને કોઈ ચીજ-વસ્તુની જરૂર હોય કે ન હોય, પણ લઈ આવો છો? માબાપની ફરજ છે કે પોતાનાં બાળકોને એમ ન કરવા શીખવે. પરંતુ, છોકરા જોઈ-જોઈને શીખે છે, એટલે પહેલા તો માબાપે પોતે પૈસાની બાબતે સારું ઉદાહરણ બેસાડવું જોઈએ.—લુક ૧૦:૩૮-૪૨.
૧૦ અમુક ચીજ-વસ્તુ વગર ચલાવી લેવાથી, મન મક્કમ થાય છે. એનાથી આપણી પાસે જે હોય એની કદર કરતા શીખીએ છીએ. તેમ જ, જેઓ પાસે એ નથી તેઓના હમદર્દ થઈ શકીએ છીએ. ખરું કે આજની જાહેરાતો એવું જીવન સહેલું નહિ બનાવે, કેમ કે એ આપણી લાગણીઓને ઉશ્કેરે છે. પરંતુ, એની પાછળ તો તેઓનો પોતાનો સ્વાર્થ હોય છે, કેમ કે તેઓ આપણે પૈસે જ ખિસ્સા ભરે છે. આવી જાહેરાતો આપણે માટે અગ્નિ-પરીક્ષા સાબિત થઈ શકે. યુરોપના એક ધનવાન દેશના એક મેગેઝિને જણાવ્યું: “એક ટંકના રોટલા માટે ફાંફાં પડતા હોય, એવા ગરીબ દેશોમાં પણ એનાથી મન ડોલી જતું હોય છે. તો પછી, ધનવાન દેશોના લોકો કેટલી સહેલાઈથી એની જાળમાં ફસાઈ શકે!”
૧૧ તમને જેની જરૂર છે અને તમારા મનના જે સપના છે, એ બે વચ્ચેનો ફરક શું તમે પારખી શકો છો? હંમેશાં ખાસ ધ્યાન રાખીને પૈસા વાપરો. દાખલા તરીકે તમે બજારમાં જાવ અને જે વસ્તુ ગમી જાય એ લેવાનું મન થઈ જાય છે? તો મન પર લગામ રાખો અને ફક્ત જોઈતા પૈસા જ સાથે લઈ જાવ. પૈસા ઉધાર ન રાખો કે દેવું ન કરો, ફક્ત રોકડે પૈસે જ ખરીદો. પાઊલની સલાહ યાદ રાખો: ‘સંતોષ સહિતનો ભક્તિભાવ એ મોટો લાભ છે; કેમકે આપણે આ જગતમાં કંઈ લાવ્યા નથી, અને તેમાંથી કંઈ પણ લઈ જઈ શકતા નથી; પણ આપણને જે અન્નવસ્ત્ર મળે છે તેઓથી આપણે સંતોષી રહીએ.’ (૧ તીમોથી ૬:૬-૮) વિચારવા જેવું છે કે, ‘શું હું સંતોષી છું?’ કહેવત છે કે ‘સંતોષી નર સદા સુખી,’ પણ એ કંઈ આપોઆપ બનતું નથી. એના માટે તન અને મનને પકડમાં રાખવું પડે છે. પરંતુ, એ ખરેખર સુખી જીવન આપે છે.
૧૨ આપણી મિટિંગો અને સંમેલનો માટે તો મનને ખાસ કેળવવાની જરૂર પડે છે. દાખલા તરીકે, શું એવું બને છે કે આપણે મિટિંગમાં હાજર તો હોઈએ, પણ આપણું મન બીજે ક્યાંય ફરતું હોય? (નીતિવચનો ૧:૫) અથવા શું પ્રોગ્રામ ચાલુ હોય ત્યારે, તમને ગુસ-પુસ કરવાની ટેવ છે? એનાથી તો આપણે પોતે સાંભળતા નથી ને બીજાને પણ સાંભળવા દેતા નથી. વળી, મોડા નહિ પણ સમયસર આવી જવા પણ મનને કેળવવું પડે છે. તેમ જ, મિટિંગની તૈયારી કરવા સમય કાઢીને સભામાં ભાગ લેવા પણ મનને તૈયાર કરવું પડે છે.
૧૩ આપણે નાની-નાની વાતોમાં તન મન પર કાબૂ રાખી શકીશું, તો મોટી વાતોમાં પણ એમ જ કરી શકીશું. (લુક ૧૬:૧૦) ચાલો આપણે બાઇબલ અને એના પરનાં પુસ્તકો વાંચી, અને મનન કરવા માટે પણ એમ જ કરીએ! યહોવાહની સેવામાં એક એક પલ કિંમતી છે, કેમ કે વીતી ગયેલો સમય પાછો આવતો નથી! તેથી, આપણે અયોગ્ય રીતે નોકરી, દોસ્તો કે બેનપણીઓ, કે બીજી કોઈ મનગમતી બાબતો પાછળ સમય બરબાદ ન કરીએ. હકીકતમાં, આ કાંટાળી દુનિયાની મોહ-માયા છોડીને, યહોવાહના સંગઠનમાં આવવાથી જ ખરી સુખ-શાંતિ મળશે.
કાબૂ રાખતા શીખો
૧૪ આપણે નાના બાળકને નથી કહેતા કે તારા તન-મન પર કાબૂ રાખ. બાળકના સ્વભાવ વિષે એક પત્રિકા સમજાવે છે: “કોઈ પણ બાળક ઑટોમૅટિક અને તરત જ કાબૂ રાખવા માંડતું નથી. બાળકોને કાબૂ રાખતા માબાપ શીખવે છે. . . . માબાપની મદદ અને માર્ગદર્શનથી સ્કૂલમાં જતું બાળક મનને વધારે ને વધારે કેળવે છે.” ચાર વર્ષનાં બાળકો પર સંશોધન કરવામાં આવ્યું હતું. એના પરથી જણાયું કે જે બાળકો મન પર કાબૂ રાખતા શીખ્યા હતા, તેઓ મોટા થઈને “હળી-મળી જનારા, બીજાને ગમી જાય એવા, નવું-નવું શીખનારા, હોંશીલા, અને ભરોસો કરી શકાય એવા હતા.” જ્યારે કે કાબૂ રાખતા ન શીખ્યા હતા, તેઓ “મોટા ભાગે એકલા, નિરાશ, અને જિદ્દી હતા. તેઓને તરત જ ટેન્શન થઈ જતું અને કોઈ ચેલેંજ ઉપાડવા તૈયાર ન હતા.” ખરેખર, સારી રીતે જીવન જીવવા બાળકને નાનપણથી જ પોતાના પર કાબૂ રાખતા શીખવવું જોઈએ.
૧૫ એ જ રીતે, આપણે તન-મન પર કાબૂ રાખતા શીખીને, યહોવાહની સેવામાં આગળ ને આગળ વધીએ. નહિ તો આપણે બાળકો જેવા જ રહી જઈશું. બાઇબલ ઉત્તેજન આપે છે કે ‘સમજણમાં બાળક નહિ પણ પ્રૌઢ [અનુભવી] થાઓ.’ (૧ કોરીંથી ૧૪:૨૦) ચાલો આપણે ‘દેવના દીકરા પરના વિશ્વાસથી તથા તેના જ્ઞાનથી જે ઐક્ય થાય છે તે પ્રાપ્ત કરીએ, અને એમ પ્રૌઢ પુરુષત્વમાં [અનુભવી બનીને], એટલે ખ્રિસ્તની સંપૂર્ણતાની પાયરીએ પહોંચીએ; જેથી હવે પછી આપણે બાળકોના જેવા માણસોની ઠગાઈથી, ભ્રમણામાં નાખવાની કાવતરાં ભરેલી યુક્તિથી, દરેક ભિન્ન ભિન્ન મતરૂપી પવનથી ડોલાં ખાનારા તથા આમતેમ ફરનારા ન થઈએ.’ (એફેસી ૪:૧૩, ૧૪) ખરેખર, આપણે દરેકે મન કેળવવું જ જોઈએ!
તન-મન કેળવવા મદદ લો
૧૬ તન-મન પર કાબૂ રાખવા માટે આપણને યહોવાહની મદદ જરૂરી છે. એ આપણને બાઇબલમાંથી મળે છે. બાઇબલ જાણે અરીસાની જેમ બતાવે છે કે આપણે કયા કયા ફેરફારો કરવા જોઈએ. (યાકૂબ ૧:૨૨-૨૫) આપણા ભાઈ-બહેનો સાચા મિત્રો છે, જેઓ પણ મદદ કરે છે. આપણા વડીલો પણ સહાય કરવા તૈયાર છે. વળી, આપણે વિનંતી કરીએ તો, યહોવાહ પોતાની શક્તિથી હંમેશાં મદદ કરે છે. (લુક ૧૧:૧૩; રૂમીઓને પત્ર ૮:૨૬) ચાલો આપણે આ બધી મદદનો પૂરો ફાયદો ઉઠાવીએ. પાન ૨૧ પરનાં સૂચનો પણ આપણને જરૂર મદદ કરશે.
૧૭ આપણા દરેક પ્રયત્નોથી વિશ્વના રાજા, યહોવાહ બહુ જ રાજી થાય છે. એનાથી આપણને પ્રેરણા મળે છે કે આપણે પોતાના પર કાબૂ રાખતા શીખીએ. ભલેને આપણે કોઈ વાર ભૂલ પણ કરીએ, છતાં યહોવાહને જે ગમે છે એ કરવાનું બંધ ન કરીએ. “નેક માણસ સાતવાર પડી પડીને પણ પાછો ઊઠે છે.” (નીતિવચનો ૨૪:૧૬) જ્યારે જ્યારે આપણે સફળ થઈએ, ત્યારે આપણે પોતાને શાબાશી આપવી જોઈએ. ચોક્કસ, આપણે યહોવાહના મોં પર ખુશીના સ્માઇલની કલ્પના કરી શકીએ. એક ભાઈ યહોવાહના ભક્ત બનવા માટે, સિગારેટ પીવાનું બંધ કરવાના પ્રયત્નો કરતા હતા. તે કહે છે કે જ્યારે આખું અઠવાડિયું પોતે સફળ થયા, ત્યારે એ બચેલા પૈસામાંથી પોતાને માટે જરૂરી કંઈ વસ્તુ ખરીદી.
૧૮ ઈસુએ કહ્યું: “હું તમને કહું છું, કે સ્ત્રી ઉપર જે કોઈ ખોટી નજર કરે છે, તેણે એટલામાં જ પોતાના મનમાં તેની જોડે વ્યભિચાર કર્યો છે.” (માત્થી ૫:૨૮; યાકૂબ ૧:૧૪, ૧૫) આ બતાવે છે કે આપણે પોતાના મન અને લાગણી બંને પર સંયમ રાખીએ. એવું જ નહિ કે ફક્ત ખોટું ન કરીએ. ચાલો આપણે મનમાં ગાંઠ વાળીએ કે આપણે ખોટું વિચારીએ પણ નહિ. જેમ ભૂલથી કોઈ ગરમ વસ્તુને અડકી જવાય તો, આપણે ઝડપથી હાથ પાછો ખેંચી લઈએ છીએ! એમ જ, ખોટા વિચારોથી મન તરત જ પાછું વાળી લો. ઈસુને પગલે ચાલવાથી આપણને ખૂબ જ મદદ મળશે. (૧ તીમોથી ૬:૧૧; ૨ તીમોથી ૨:૨૨; હેબ્રી ૪:૧૫, ૧૬) આપણે બનતું બધું જ કરીને ગીતશાસ્ત્ર ૫૫:૨૨ પ્રમાણે કરીએ: “તારો બોજો યહોવાહ પર નાખ, એટલે તે તને નિભાવી રાખશે; તે કદી ન્યાયીને ઠોકર ખાવા દેશે નહિ.”
શું તમને યાદ છે?
• આપણે કઈ બે રીતોથી ફેરફાર કરી કાબૂ રાખવો જ જોઈએ?
• આપણે “સર્વ પ્રકારે” કાબૂ રાખવા શું કરી શકીએ?
• તન-મન પર કાબૂ રાખવાના કયાં સૂચનો તમને ગમ્યાં?
• આપણે પોતે સંયમ રાખવાની શરૂઆત ક્યાંથી કરીશું?
[અભ્યાસ પ્રશ્નો]
૧. એફેસી ૪:૨૨-૨૪ પ્રમાણે યહોવાહના સેવકો બનવા લાખોએ શું કર્યું છે?
૨, ૩. પહેલો કોરીંથી ૬:૯-૧૨ કઈ બે રીતે ફેરફારો કરવા મદદ કરે છે?
૪. કઈ બાબતે આપણને પાઊલ જેવું જ લાગે છે?
૫. પાઊલ કઈ દોડમાં જીતી ગયા અને આપણે પણ કઈ રીતે એમ જ કરી શકીએ?
૬. સંયમનો શું અર્થ થાય? એને આપણે કઈ બે રીતે લાગુ પાડવો જોઈએ?
૭. (ક) રાજા દાઊદની જેમ આપણે કઈ વિનંતી કરીએ? (ખ) શાના પર વિચાર કરવાથી આપણને મદદ મળશે?
૮. મોટા ભાગે આપણને બધાને કયો અનુભવ છે?
૯, ૧૦. “સર્વ પ્રકારે” કાબૂ રાખવાનો અર્થ શું થાય?
૧૧. ફક્ત જરૂરી વસ્તુઓથી જ ચલાવી લેવું કેમ સારું છે, પણ શા માટે એ અઘરું છે?
૧૨, ૧૩. (ક) મિટિંગોમાં આપણે કઈ રીતે મનને કાબૂમાં રાખવું પડે છે? (ખ) બીજી કઈ રીતોએ આપણે મનને કેળવવું જોઈએ?
૧૪. (ક) બાળકો કઈ રીતે કાબૂ રાખતા શીખે છે? (ખ) બાળકને એ નાનપણથી શીખવવાના શું ફાયદા છે?
૧૫. કાબૂ ન રાખી શકનાર વ્યક્તિ શું બતાવે છે, જ્યારે કે બાઇબલ શું કરવા ઉત્તેજન આપે છે?
૧૬. યહોવાહ કઈ કઈ રીતે મદદ કરે છે?
૧૭. નીતિવચનો ૨૪:૧૬કયું ઉત્તેજન આપે છે?
૧૮. (ક) સંયમ રાખવામાં શાનો સમાવેશ થાય છે? (ખ) યહોવાહ આપણને કઈ ગેરંટી આપે છે?
[પાન ૨૧ પર બોક્સ/ચિત્ર]
કઈ રીતે તન-મન પર કાબૂ મેળવવો
• નાની-નાની વાતમાં પણ કાબૂ રાખો
• આજ અને કાલના ફાયદા વિચારો
• યહોવાહ જે ઇચ્છે છે એ જ કરો
• ખોટા વિચારો તરત જ મનમાંથી કાઢો
• સારા વિચારોથી મન ભરો
• અનુભવી ભાઈ-બહેનની મદદ સ્વીકારો
• તમને લલચાવે એવા સંજોગોથી દૂર રહો
• લાલચમાં આવી પડો તો યહોવાહને પ્રાર્થના કરો
[પાન ૧૯ પર ચિત્ર]
તન-મન પર કાબૂ રાખીને આપણે ભલું કરીએ