અભ્યાસ લેખ ૧૫
ઈસુને અનુસરીએ અને મનની શાંતિ જાળવીએ
‘ઈશ્વરની શાંતિ, જે બધી સમજશક્તિ કરતાં ચઢિયાતી છે, એ તમારા હૃદયોનું રક્ષણ કરશે.’—ફિલિ. ૪:૭.
ગીત ૩૯ આપણને શાંતિ મળશે
ઝલકa
૧-૨. શા માટે ઈસુના મનમાં ઉથલપાથલ મચી હતી?
પૃથ્વી પર ઈસુનો છેલ્લો દિવસ હતો ત્યારે તેમના મનમાં ઉથલપાથલ મચી હતી. થોડા જ સમયમાં દુષ્ટ માણસો તેમને મારી નાખવાના હતા. ફક્ત એ જ તેમની ચિંતાનું કારણ ન હતું. તે પોતાના પિતાને દિલથી પ્રેમ કરતા હતા અને તેમને ખુશ કરવા માંગતા હતા. ઈસુ અઘરી કસોટીમાં વફાદાર રહેવા માંગતા હતા. આમ, યહોવા વિશે ફેલાવવામાં આવેલી જૂઠી વાતોને તે ખોટી સાબિત કરવા માંગતા હતા. તે એ પણ સાબિત કરવા માંગતા હતા કે ફક્ત યહોવા જ મહિમા મેળવવાના હકદાર છે. ઈસુને લોકો માટે પ્રેમ હતો. તે જાણતા હતા કે જો તે મરણ સુધી યહોવાને વફાદાર રહેશે, તો જ આપણને ભાવિની આશા મળશે.
૨ ઈસુ ભારે તણાવમાં હતા તોપણ તેમનું મન શાંત હતું. તેમણે પ્રેરિતોને કહ્યું હતું: “હું તમને મારી શાંતિ આપું છું.” (યોહા. ૧૪:૨૭) તેમની પાસે “ઈશ્વરની શાંતિ” હતી. યહોવા સાથેના સંબંધથી એવી શાંતિ મળે છે. એ શાંતિને લીધે ઈસુ પોતાનું દિલ અને મન શાંત રાખી શક્યા.—ફિલિ. ૪:૬, ૭.
૩. આ લેખમાં આપણે શું જોઈશું?
૩ ઈસુએ ઘણી તકલીફો અને ચિંતાનો સામનો કર્યો હતો. આપણે એવી તકલીફો અને ચિંતા સહેવી પડશે નહિ. પણ એક વાત ચોક્કસ છે કે, જેઓ ઈસુના પગલે ચાલે છે, તેઓએ કસોટીઓ સહેવી પડશે. (માથ. ૧૬:૨૪, ૨૫; યોહા. ૧૫:૨૦) ઈસુની જેમ અમુક વાર આપણા મનમાં પણ ઉથલપાથલ થઈ શકે. આપણે ચિંતાઓમાં ડૂબી ન જઈએ માટે શું કરી શકીએ? ચિંતા આપણા મનની શાંતિ છીનવી ન લે માટે શું કરી શકીએ? ચાલો જોઈએ કે પૃથ્વી પરના જીવન દરમિયાન ઈસુએ કઈ ત્રણ બાબતો કરી હતી. એ પણ જોઈશું કે આપણે કઈ રીતે કસોટીમાં તેમને અનુસરી શકીએ.
ઈસુએ ઘણી વાર પ્રાર્થના કરી
૪. ઈસુએ પૃથ્વી પરના જીવન દરમિયાન ઘણી વાર પ્રાર્થના કરી હતી એના અમુક દાખલા આપો.
૪ પહેલો થેસ્સાલોનિકીઓ ૫:૧૭ વાંચો. પૃથ્વી પરના છેલ્લા દિવસે ઈસુએ ઘણી વાર પ્રાર્થના કરી હતી. પોતાના મરણને યાદ કરવા વિશે જણાવ્યું ત્યારે પણ તેમણે રોટલી અને દ્રાક્ષદારૂ પર પ્રાર્થના કરી હતી. (૧ કોરીં. ૧૧:૨૩-૨૫) ત્યાંથી નીકળતા પહેલાં ઈસુએ શિષ્યો સાથે પ્રાર્થના કરી હતી. (યોહા. ૧૭:૧-૨૬) ઈસુ પોતાના શિષ્યો સાથે એ રાતે જૈતૂન પહાડ પર ગયા ત્યારે તેમણે વારંવાર પ્રાર્થના કરી. (માથ. ૨૬:૩૬-૩૯, ૪૨, ૪૪) તેમના છેલ્લા શબ્દો પણ ઈશ્વરને કરેલી પ્રાર્થના જ હતી. (લુક ૨૩:૪૬) એ દિવસે બનેલી મોટી મોટી ઘટનાઓ વિશે ઈસુએ યહોવાને પ્રાર્થના કરી હતી.
૫. શા માટે પ્રેરિતો હિંમત હારી ગયા?
૫ ઈસુ કસોટીઓનો સામનો કરી શક્યા એનું એક કારણ છે કે, તેમણે ઘણી વાર પ્રાર્થનામાં પિતા પાસે મદદ માંગી હતી. પણ પ્રેરિતો પ્રાર્થનામાં લાગુ રહ્યા ન હતા. એટલે કસોટી આવી ત્યારે તેઓ હિંમત હારી ગયા. (માથ. ૨૬:૪૦, ૪૧, ૪૩, ૪૫, ૫૬) કસોટીમાં આપણે ઈસુને પગલે ચાલવું જોઈએ અને ‘પ્રાર્થના કરતા રહેવું’ જોઈએ. એમ કરીશું તો આપણે વફાદાર રહી શકીશું. આપણે પ્રાર્થનામાં શું માંગી શકીએ?
૬. મન શાંત રાખવા શ્રદ્ધા કઈ રીતે મદદ કરે છે?
૬ આપણે ‘શ્રદ્ધા વધારવા’ યહોવાને પ્રાર્થના કરવી જોઈએ. (લુક ૧૭:૫; યોહા. ૧૪:૧) ઈસુને પગલે ચાલનારા બધા લોકોની શેતાન કસોટી કરશે. એટલે આપણને શ્રદ્ધાની ખાસ જરૂર છે. (લુક ૨૨:૩૧) તકલીફોમાં પણ મન શાંત રાખવા શ્રદ્ધા કઈ રીતે મદદ કરે છે? કસોટીઓનો સામનો કરવા આપણે બનતું બધું કરવું જોઈએ. બધી બાબતો યહોવાના હાથમાં છોડી દેવા શ્રદ્ધા આપણને મદદ કરશે. યહોવા આપણા કરતાં વધારે સારી રીતે બાબતોને હાથ ધરે છે. એવો ભરોસો રાખવાથી આપણે મન શાંત રાખી શકીએ છીએ.—૧ પીત. ૫:૬, ૭.
૭. રોબર્ટભાઈ પાસેથી આપણે શું શીખી શકીએ?
૭ ભલે આપણે ગમે એવી કસોટીમાં હોઈએ, પ્રાર્થના કરવાથી મનની શાંતિ મળે છે. ચાલો રોબર્ટભાઈ વિશે જોઈએ. તે વડીલ છે અને આશરે ૮૦ વર્ષના છે. તે કહે છે: ‘જીવનની મુશ્કેલીઓનો સામનો કરવા ફિલિપીઓ ૪:૬, ૭થી મને મદદ મળી છે. મને પૈસાને લગતી અમુક તકલીફો હતી. મેં થોડા સમય માટે વડીલ તરીકેની જવાબદારી ગુમાવી દીધી.’ મન શાંત રાખવા રોબર્ટભાઈને ક્યાંથી મદદ મળી? તે જણાવે છે: ‘મનમાં ચિંતા થવા લાગે કે તરત હું પ્રાર્થના કરવા લાગું છું. હું દિલથી પ્રાર્થના કરું છું અને વારંવાર પ્રાર્થના કરું છું. એનાથી મારું દિલ હળવું થાય છે, શાંતિ મળે છે.’
ઈસુએ પૂરા ઉત્સાહથી ખુશખબર ફેલાવી
૮. ઈસુ મન શાંત રાખી શક્યા એનું એક કારણ શું હતું?
૮ યોહાન ૮:૨૯ વાંચો. ઈસુ સતાવણીમાં પણ મન શાંત રાખી શક્યા. એનું એક કારણ હતું, તે જાણતા હતા કે સતાવણી સહીને તે પોતાના પિતાને ખુશ કરી રહ્યા છે. અઘરા સંજોગોમાં પણ તે વફાદાર રહ્યા. ઈસુ પોતાના પિતાને પ્રેમ કરતા હતા. યહોવાની સેવા કરવી એ જ તેમના જીવનમાં સૌથી મહત્ત્વનું હતું. પૃથ્વી પર આવતા પહેલાં તે ઈશ્વર સાથે કામ કરતા હતા, તે “કુશળ કારીગર” હતા. (નીતિ. ૮:૩૦) પૃથ્વી પર હતા ત્યારે તેમણે પૂરા ઉત્સાહથી લોકોને પોતાના પિતા વિશે શીખવ્યું. (માથ. ૬:૯; યોહા. ૫:૧૭) એ કામથી ઈસુને ખુશી મળતી હતી.—યોહા. ૪:૩૪-૩૬.
૯. પ્રચારમાં વધારે સમય આપવાથી કઈ રીતે મનની શાંતિ મળે છે?
૯ ઈસુની જેમ, આપણે યહોવાની આજ્ઞા પાળવી જોઈએ. ‘પ્રભુની સેવામાં પુષ્કળ કામ હોવાથી, એમાં હંમેશાં લાગુ રહેવું જોઈએ.’ (૧ કોરીં. ૧૫:૫૮) “પૂરા ઉત્સાહથી” ખુશખબર ફેલાવવી જોઈએ અને એમાં વધારે સમય આપવો જોઈએ. એમ કરીશું તો, તકલીફોમાં પણ યોગ્ય વલણ રાખી શકીશું. (પ્રે.કા. ૧૮:૫) દાખલા તરીકે, પ્રચારમાં આપણને એવા લોકો મળે છે, જેઓને આપણા કરતાં પણ મોટી મુશ્કેલી હોય છે. સમય જતાં, તેઓ યહોવા વિશે શીખે છે અને તેમની આજ્ઞા પાળે છે. એમ કરવાથી તેઓનું જીવન સુધરે છે અને તેઓના જીવનમાં ખુશીઓ આવે છે. એવા લોકોને જોઈને આપણો ભરોસો મજબૂત થાય છે કે યહોવા જરૂર આપણી કાળજી રાખશે. એનાથી મનની શાંતિ જાળવી રાખવા મદદ મળે છે. એક બહેનના કિસ્સામાં એ વાત સાચી પડી છે. તેમણે ઘણાં વર્ષો સુધી ડિપ્રેશનનો સામનો કર્યો હતો. તેમને લાગતું કે પોતે નકામા છે. તે જણાવે છે: ‘પ્રચારમાં વધારે સમય કાઢું છું ત્યારે મારા મનમાં ખોટી લાગણીઓ આવતી નથી અને હું ખુશ રહું છું. મને લાગે છે કે પ્રચારમાં હોઉં છું ત્યારે યહોવાની એકદમ નજીક હોઉં છું.’
૧૦. બ્રેન્ડાબેન પાસેથી આપણે શું શીખી શકીએ?
૧૦ ચાલો બ્રેન્ડાબેન વિશે જોઈએ. તેમને અને તેમની દીકરીને એક ગંભીર બીમારી છે. બ્રેન્ડાબેન ચાલી શકતા ન હોવાથી વ્હિલચેર વાપરે છે. શક્ય હોય ત્યારે તે ઘર-ઘરનું પ્રચારકામ કરે છે. પણ કમજોરીને લીધે મોટા ભાગે તે પત્ર લખીને ખુશખબર જણાવે છે. તે કહે છે: ‘મારી આ બીમારીનો કોઈ ઇલાજ નથી, એ વાત મને સમજાઈ ત્યારથી હું મારું પૂરું ધ્યાન ખુશખબર ફેલાવવાના કામમાં આપું છું. એ કામમાં ધ્યાન અને સમય આપું છું ત્યારે ચિંતા કરવાનો સમય જ નથી રહેતો. જેઓને સંદેશો જણાવું છું, તેઓને કઈ રીતે મદદ કરી શકું એનો વિચાર કરું છું. બીજાઓને ખુશખબર જણાવું છું ત્યારે ભાવિ વિશેની મારી આશા મજબૂત થાય છે.’
ઈસુએ મિત્રોની મદદ સ્વીકારી
૧૧-૧૩. (ક) પ્રેરિતો અને બીજાઓએ કઈ રીતે બતાવી આપ્યું કે તેઓ ઈસુના સાચા મિત્રો છે? (ખ) મિત્રોએ કઈ રીતે ઈસુને મદદ કરી હતી?
૧૧ ઈસુના સેવાકાર્ય દરમિયાન પ્રેરિતોએ બતાવી આપ્યું કે તેઓ ઈસુના સાચા મિત્રો છે. તેઓએ નીતિવચનોના આ શબ્દો સાચા પાડ્યા: ‘એક એવો મિત્ર છે કે જે ભાઈના કરતાં નિકટનો સંબંધ રાખે છે.’ (નીતિ. ૧૮:૨૪) ઈસુ એવા મિત્રોની કદર કરતા હતા. ઈસુ પૃથ્વી પર હતા ત્યારે તેમના ભાઈઓમાંથી કોઈએ પણ તેમના પર શ્રદ્ધા મૂકી ન હતી. (યોહા. ૭:૩-૫) અરે, તેમનાં સગાઓ પણ એવું માનતાં કે તેમનું મગજ ફરી ગયું છે. (માર્ક ૩:૨૧) મરણની આગલી રાતે ઈસુએ પ્રેરિતોને કહ્યું: “મારી કસોટીઓમાં જેઓ મને વળગી રહ્યા, એ તો તમે છો.”—લુક ૨૨:૨૮.
૧૨ શિષ્યોનાં વાણી-વર્તનથી ઈસુ અમુક વાર નારાજ થયા હતા. તેઓની ભૂલોને બદલે તેઓએ બતાવેલી શ્રદ્ધા પર ઈસુએ ધ્યાન આપ્યું હતું. (માથ. ૨૬:૪૦; માર્ક ૧૦:૧૩, ૧૪; યોહા. ૬:૬૬-૬૯) મરણની આગલી રાતે ઈસુએ એ વફાદાર ભાઈઓને કહ્યું: “હું તમને મારા મિત્રો કહું છું, કારણ કે મેં મારા પિતા પાસેથી જે સાંભળ્યું છે એ બધું જ તમને જણાવ્યું છે.” (યોહા. ૧૫:૧૫) ઈસુના મિત્રોએ ચોક્કસ તેમને ઘણું ઉત્તેજન આપ્યું હતું. ખુશખબરના કામમાં તેઓએ ઈસુને મદદ કરી એટલે ઈસુ ખુશ થયા.—લુક ૧૦:૧૭, ૨૧.
૧૩ પ્રેરિતો સિવાય ઈસુના બીજા ઘણા મિત્રો હતા. એ સ્ત્રીપુરુષોએ ઈસુને ખુશખબરના કામમાં અને બીજી ઘણી રીતોએ મદદ કરી. અમુકે તેમને પોતાના ઘરે જમવા બોલાવ્યા. (લુક ૧૦:૩૮-૪૨; યોહા. ૧૨:૧, ૨) બીજા અમુકે તેમની સાથે મુસાફરી કરી. અરે, પોતાની ચીજવસ્તુઓ પણ આપી. (લુક ૮:૩) ઈસુને ઘણા સારા મિત્રો મળ્યા હતા, કેમ કે તે પોતે એક સારા મિત્ર હતા. ઈસુએ તેઓ માટે ઘણું કર્યું હતું. ઈસુએ તેઓ પાસે વધારે પડતી અપેક્ષા રાખી નહિ. ઈસુએ ક્યારેય ભૂલ કરી ન હતી, પણ તેમના મિત્રો ભૂલો કરતા હતા. એવા મિત્રોએ કરેલી મદદની પણ ઈસુ કદર કરતા હતા. એનાથી ચોક્કસ ઈસુને મન શાંત રાખવા મદદ મળી હતી.
૧૪-૧૫. આપણે કઈ રીતે સારા મિત્રો બનાવી શકીએ? તેઓ કઈ રીતે આપણને મદદ કરે છે?
૧૪ યહોવાને વફાદાર રહેવા સારા મિત્રો આપણને મદદ કરશે. સારા મિત્રો બનાવવા આપણે પોતે સારા મિત્ર બનવું જોઈએ. (માથ. ૭:૧૨) દાખલા તરીકે, બાઇબલ શીખવે છે કે બીજાઓને મદદ કરવા આપણાં સમય-શક્તિ વાપરીએ. ખાસ તો એવા લોકોને મદદ કરીએ, જેઓને “જરૂર હોય.” (એફે. ૪:૨૮) ધ્યાન આપો કે મંડળમાં કોને મદદની જરૂર છે? બીમારી કે ઘડપણને લીધે ઘરની બહાર જઈ શકતા ન હોય, એવાં ભાઈ-બહેનો માટે શું તમે ખરીદી કરવા જઈ શકો? પૈસાની તકલીફ હોય એવા કુટુંબ માટે શું તમે ખોરાકની ગોઠવણ કરી શકો? શું તમે મંડળમાં બીજાઓને jw.org® વેબસાઈટ અને JW લાઇબ્રેરી ઍપ વાપરવાનું શીખવી શકો? બીજાઓને મદદ કરવા આપણાં સમય-શક્તિ વાપરીએ છીએ ત્યારે, આપણને ઘણી ખુશી મળે છે.—પ્રે.કા. ૨૦:૩૫.
૧૫ મિત્રો આપણને કસોટીમાં સાથ આપશે અને મન શાંત રાખવા મદદ કરશે. અયૂબે પોતાની તકલીફો વિશે જણાવ્યું ત્યારે અલીહૂએ ધ્યાનથી સાંભળ્યું. એવી જ રીતે, આપણે પણ દિલ ઠાલવીએ છીએ ત્યારે, મિત્રો ધીરજથી સાંભળે છે. (અયૂ. ૩૨:૪) મિત્રો આપણા વતી નિર્ણયો લે એવી અપેક્ષા રાખીશું નહિ. પણ તેઓ બાઇબલમાંથી સલાહ આપે ત્યારે એ સાંભળીશું તો આપણે સમજુ ગણાઈશું. (નીતિ. ૧૫:૨૨) રાજા દાઊદે નમ્રતાથી મિત્રોની મદદ સ્વીકારી હતી. આપણે ઘમંડી ન બનીએ પણ જરૂર હોય ત્યારે દાઊદની જેમ મિત્રોની મદદ સ્વીકારીએ. (૨ શમૂ. ૧૭:૨૭-૨૯) સાચે જ, સારા મિત્રો તો યહોવાએ આપેલી ભેટ છે.—યાકૂ. ૧:૧૭.
મનની શાંતિ કઈ રીતે જાળવી શકીએ?
૧૬. ફિલિપીઓ ૪:૬, ૭ પ્રમાણે મનની શાંતિ મેળવવાની એકમાત્ર રીત કઈ છે? સમજાવો.
૧૬ ફિલિપીઓ ૪:૬, ૭ વાંચો. શા માટે યહોવાએ કહ્યું કે “ખ્રિસ્ત ઈસુ દ્વારા” તે આપણને શાંતિ આપશે? કારણ કે મનની શાંતિ મેળવવાની ફક્ત એક રીત છે. એ છે કે, ઈસુએ યહોવાનો હેતુ પૂરો કરવા જે કંઈ કર્યું, એ સમજીએ અને તેમના પર શ્રદ્ધા રાખીએ. દાખલા તરીકે, ઈસુના બલિદાન દ્વારા આપણને પાપોની માફી મળી શકે છે. (૧ યોહા. ૨:૧૨) એ જાણીને દિલને કેટલી રાહત મળે છે! શેતાન અને તેની દુનિયા આપણા પર ઘણી તકલીફો લાવે છે. ઈશ્વરના રાજ્યના રાજા તરીકે ઈસુ, એ બધી તકલીફોનું નામનિશાન મિટાવી દેશે. (યશા. ૬૫:૧૭; ૧ યોહા. ૩:૮; પ્રકટી. ૨૧:૩, ૪) એ સોનેરી આશાની આપણે કાગડોળે રાહ જોઈ રહ્યા છીએ! ઈસુએ સોંપેલું કામ ભલે અઘરું છે, પણ તે આપણી સાથે છે. આ છેલ્લા દિવસોમાં તે આપણો સાથ ક્યારેય નહિ છોડે. (માથ. ૨૮:૧૯, ૨૦) એનાથી આપણને કેટલી હિંમત મળે છે! આપણા મનની શાંતિ આ ત્રણ મહત્ત્વની બાબતો પર ટકેલી છે: રાહત, આશા અને હિંમત.
૧૭. (ક) આપણે કઈ રીતે મનની શાંતિ જાળવી શકીએ? (ખ) યોહાન ૧૬:૩૩માં કયું વચન આપેલું છે?
૧૭ મુશ્કેલીનો પહાડ તૂટી પડે અને નિરાશામાં ઘેરાઈ જઈએ ત્યારે આપણે કઈ રીતે મનની શાંતિ જાળવી શકીએ? એ માટે ઈસુના દાખલાને અનુસરીએ. પહેલું, પ્રાર્થના કરતા રહીએ. બીજું, અઘરા સંજોગોમાં પણ યહોવાની આજ્ઞા પાળીએ અને ઉત્સાહથી પ્રચારકામ કરીએ. ત્રીજું, મુશ્કેલીઓમાં મિત્રોની મદદ સ્વીકારીએ. પછી ઈશ્વરની શાંતિ આપણાં હૃદયો અને મનોનું રક્ષણ કરશે. કોઈ પણ કસોટી આવે આપણે ઈસુની જેમ એના પર જીત મેળવીશું.—યોહાન ૧૬:૩૩ વાંચો.
ગીત ૬ અમારી પ્રાર્થના
a આપણે બધા ઘણી તકલીફોનો સામનો કરીએ છીએ. એટલે મન શાંત રાખવું અઘરું હોય છે. મન શાંત રાખવા ઈસુએ ત્રણ બાબતો કરી હતી, જેની આપણે આ લેખમાં ચર્ચા કરીશું. કસોટીમાં પણ મન શાંત રાખવા આપણે એ ત્રણ બાબતો કરી શકીએ છીએ.