યોહાનનો પહેલો પત્ર
૩ જુઓ, પિતાએ આપણને એટલો બધો પ્રેમ કર્યો+ કે તેમણે આપણને તેમનાં બાળકો ગણાવાનો લહાવો આપ્યો છે!+ અને આપણે તેમનાં બાળકો છીએ પણ ખરાં. દુનિયા આપણને ઓળખતી નથી,+ કેમ કે એ ઈશ્વરને ઓળખતી નથી.+ ૨ વહાલા ભાઈઓ, હવે આપણે ઈશ્વરનાં બાળકો છીએ,+ પણ ભાવિમાં આપણે કેવા હોઈશું એ હજુ પ્રગટ થયું નથી.+ પણ આપણને ખાતરી છે કે જ્યારે તે પોતાને પ્રગટ કરશે, ત્યારે આપણે તેમના જેવા હોઈશું, કેમ કે તે જેવા છે એવા આપણે તેમને જોઈશું. ૩ જે કોઈ તેમના પર આશા રાખે છે, તે પોતાને શુદ્ધ કરે છે,+ જેમ તે શુદ્ધ છે.
૪ જે કોઈ પાપ કરતો રહે છે તે નિયમ પણ તોડતો રહે છે. પાપ એટલે નિયમ તોડવો. ૫ તમે એ પણ જાણો છો કે આપણાં પાપ દૂર કરવા તે આવ્યા*+ અને તેમનામાં કોઈ પાપ નથી. ૬ જે કોઈ તેમની સાથે એકતામાં છે, તે પાપ કર્યા કરતો નથી.+ જે કોઈ પાપ કરતો રહે છે, તેણે તેમને જોયા નથી કે તે તેમને ઓળખતો નથી. ૭ વહાલાં બાળકો, કોઈ તમને ભમાવે નહિ. જે માણસ નેક કામો કરતો રહે છે તે નેક છે, જેમ ઈસુ નેક છે. ૮ જે પાપ કરતો રહે છે તે શેતાનથી* છે, કેમ કે શેતાન શરૂઆતથી* પાપ કરતો આવ્યો છે.+ ઈશ્વરના દીકરાને શેતાનનાં કામોનો નાશ કરવા માટે પ્રગટ કરવામાં આવ્યા.+
૯ જે કોઈ ઈશ્વરથી જન્મેલો છે, તે પાપ કર્યા કરતો નથી,+ કેમ કે તેમની પવિત્ર શક્તિ* તેનામાં રહે છે. તે ઈશ્વરથી જન્મેલો છે, એટલે તે પાપમાં ડૂબેલો રહી શકતો નથી.+ ૧૦ ઈશ્વરનાં બાળકો અને શેતાનનાં બાળકો આ પરથી ઓળખાઈ આવે છે: જે માણસ નેક કામોમાં લાગુ રહેતો નથી અથવા પોતાના ભાઈને પ્રેમ કરતો નથી, તે ઈશ્વર પાસેથી નથી.+ ૧૧ તમે શરૂઆતથી આ સંદેશો સાંભળ્યો છે કે આપણે એકબીજાને પ્રેમ કરવો જોઈએ+ ૧૨ અને આપણે કાઈન જેવા ન થવું જોઈએ. તે શેતાનથી* હતો અને તેણે પોતાના ભાઈનું ખૂન કર્યું હતું.+ તેણે કેમ એવું કર્યું? કેમ કે તેનાં પોતાનાં કાર્યો દુષ્ટ હતાં,+ જ્યારે કે તેના ભાઈનાં કાર્યો નેક હતાં.+
૧૩ ભાઈઓ, દુનિયા તમને ધિક્કારે છે, એટલે નવાઈ ન પામો.+ ૧૪ આપણે જાણીએ છીએ કે આપણે મરેલા જેવા હતા, પણ હવે જીવતા છીએ,+ કેમ કે આપણે ભાઈઓને પ્રેમ કરીએ છીએ.+ જે પ્રેમ કરતો નથી તે મરેલા જેવો છે.+ ૧૫ જે કોઈ પોતાના ભાઈને ધિક્કારે છે, તે ખૂની છે+ અને તમે જાણો છો કે કોઈ પણ ખૂનીને હંમેશ માટેનું જીવન મળશે નહિ.+ ૧૬ ઈસુ ખ્રિસ્તે આપણા માટે પોતાનું જીવન આપી દીધું, એનાથી આપણને ખબર પડી કે પ્રેમ કોને કહેવાય.+ હવે આપણી પણ ફરજ છે કે આપણા ભાઈઓ માટે પોતાનું જીવન આપી દઈએ.+ ૧૭ પણ જેની પાસે આ દુનિયાની માલ-મિલકત હોય અને તે જુએ કે તેના ભાઈને જરૂર છે, છતાં તેને દયા ન બતાવે તો કઈ રીતે કહી શકાય કે તે ઈશ્વરને પ્રેમ કરે છે?+ ૧૮ વહાલાં બાળકો, આપણે શબ્દોથી કે જીભથી નહિ,+ પણ કાર્યોથી+ અને સાચા દિલથી+ પ્રેમ કરવો જોઈએ.
૧૯ આમ આપણને ખબર પડશે કે આપણે સત્યના પક્ષમાં છીએ અને આપણાં હૃદયને ખાતરી કરાવી શકીશું* કે ઈશ્વર આપણને પ્રેમ કરે છે. ૨૦ ભલે આપણું હૃદય આપણને દોષિત ઠરાવે, તોપણ ઈશ્વર આપણાં હૃદય કરતાં મહાન છે અને તે બધું જાણે છે.+ ૨૧ વહાલા ભાઈઓ, જો આપણું હૃદય આપણને દોષિત ન ઠરાવે, તો આપણે છૂટથી ઈશ્વર સાથે વાત કરી શકીએ છીએ.+ ૨૨ એટલું જ નહિ, આપણે જે કંઈ માંગીએ એ તેમની પાસેથી મળે છે,+ કેમ કે આપણે તેમની આજ્ઞાઓ પાળીએ છીએ અને તે ખુશ થાય એવાં કામ કરીએ છીએ. ૨૩ હકીકતમાં, તેમની આજ્ઞા આ છે: તેમના દીકરા ઈસુ ખ્રિસ્તના નામમાં શ્રદ્ધા રાખીએ+ અને તેમની આજ્ઞા પ્રમાણે એકબીજાને પ્રેમ કરીએ.+ ૨૪ જે માણસ ઈશ્વરની આજ્ઞાઓ પાળે છે, તે તેમની સાથે એકતામાં છે અને ઈશ્વર પણ તેની સાથે એકતામાં છે.+ તેમણે આપણને પવિત્ર શક્તિ આપી છે, એનાથી ખાતરી મળે છે કે તે આપણી સાથે એકતામાં છે.+