શું તમે યહોવાહની સહાય લો છો?
“પ્રભુ [યહોવાહ] મને સહાય કરનાર છે; હું બીહિશ નહિ.”—હેબ્રી ૧૩:૬.
કલ્પના કરો કે તમે કોઈ મિત્ર સાથે પહાડો પર ફરવા નીકળ્યા છો. તમારી સાથે એક ગાઈડ પણ છે જે પહાડો વિષે બધું જાણે છે. તમારો ગાઈડ શરીરે ખડતલ ને પહેલવાન છે જ્યારે કે તમે ચાલતા ચાલતા થાકી જાવ છો. પણ ગાઈડ વધુ આગળ નીકળી જવાને બદલે તમારી નજીક જ રહે છે. તમે એક સાંકડા રસ્તા પરથી ચાલવા માંડો છો ત્યારે તમને ખૂબ ડર લાગે છે, કેમ કે એક બાજુ ખીણ છે. ઓચિંતા તમે લપસી જાવ છો, પણ ગાઈડ તરત જ તમારો હાથ પકડી લે છે. હાશ! ખરેખર, ગાઈડ ન હોત તો તમારો જીવ ગયો જ સમજો.
૨ યહોવાહના સેવકો તરીકે, આપણે પણ એક ખતરનાક રસ્તા પર ચાલી રહ્યા છીએ. પણ શું આપણે એના પર એકલા ચાલીએ છીએ? (માત્થી ૭:૧૪) ના, બાઇબલ બતાવે છે કે ઈશ્વર યહોવાહ આપણા ગાઈડ છે. હા, વિચાર કરો કે આપણે યહોવાહ સાથે ચાલી શકીએ છીએ! (ઉત્પત્તિ ૫:૨૪; ૬:૯) એટલું જ નહિ, તે કોઈ પણ સમયે આપણને મદદ કરશે. યહોવાહ પોતે કહે છે: “હું યહોવાહ તારો દેવ તારા જમણા હાથને પકડી રાખીને તને કહું છું, કે તું બીશ મા; હું તને સહાય કરીશ.” (યશાયાહ ૪૧:૧૩) હા, ગાઈડની જેમ યહોવાહ જાણે તેમનો હાથ લંબાવીને આપણને સહાય કરે છે. શું આપણે પણ તેમની સહાય સ્વીકારીશું?
૩ ગયા લેખમાં આપણે શીખ્યા કે યહોવાહે જૂના જમાનાના ભક્તોને ખાસ કરીને કઈ ચાર રીતોથી સહાય કરી. હવે પ્રશ્ન એ છે કે શું યહોવાહ આજે આપણને એવી સહાય કરે છે? જો સહાય કરતા હોય તો, આપણે કઈ રીતે એને સ્વીકારી શકીએ? ચાલો આપણે આ પ્રશ્નોના જવાબ મેળવીએ. એમ કરવાથી, આપણને પૂરી ખાતરી થશે કે યહોવાહ ખરેખર આપણી સાથે છે.—હેબ્રી ૧૩:૬.
સ્વર્ગદૂતો તરફથી સહાય
૪ શું સ્વર્ગદૂતો આજે આપણને સહાય કરે છે? હા, જરૂર! પણ તેઓ આપણને સહાય કરે છે ત્યારે આપણે તેમને જોઈ શકતા નથી. એમ તો જૂના જમાનામાં પણ લોકોએ દૂતોને સહાય કરતા ભાગ્યે જ નજરે જોયા હતા. મોટા ભાગે તેઓએ અદૃશ્ય રહીને મદદ કરી હતી. પણ જ્યારે આ ભક્તોને ખબર પડતી કે દૂતો તેઓને સહાય કરે છે, ત્યારે તેઓને ખૂબ હિંમત મળતી. (૨ રાજાઓ ૬:૧૪-૧૭) એ જ રીતે આજે પણ ભલે આપણે તેઓને જોઈ શકતા નથી, તેઓ હજીયે આપણને સાથ દે છે. એ હકીકત જાણીને આપણને ખૂબ દિલાસો મળે છે.
૫ પણ દૂતો આપણને કઈ રીતે મદદ કરે છે? જવાબમાં પ્રકટીકરણ ૧૪:૬ કહે છે: “પછી મેં બીજા એક દૂતને અંતરિક્ષમાં ઊડતો જોયો, પૃથ્વી પર રહેનારાંઓમાં, એટલે સર્વ રાજ્ય, જાતિ, ભાષા તથા પ્રજામાં પ્રગટ કરવાને, તેની પાસે સનાતન સુવાર્તા હતી.” આ “સનાતન સુવાર્તા” શું છે? એ ઈસુએ જણાવેલી ‘રાજ્યની સુવાર્તા’ છે. દુનિયાના અંત પહેલાં, એ ખુશખબરી ‘સર્વ પ્રજાઓને સાક્ષીરૂપ થવા સારૂ આખા જગતમાં પ્રગટ કરાશે.’ (માત્થી ૨૪:૧૪) શું દૂતો સીધેસીધી એ સુવાર્તા જાહેર કરે છે? ના, કેમ કે ઈસુએ એ જવાબદારી આપણને આપી છે. (માત્થી ૨૮:૧૯, ૨૦) તો દૂતો શું કરે છે? તેઓ આપણને એ કામમાં માર્ગદર્શન દે છે. આ શક્તિશાળી દૂતો જાણે આપણી સાથે જ રહીને કામ કરે છે. એ જાણીને આપણે કેટલા ખુશ થઈએ છીએ!
૬ આપણી પાસે ઘણા પુરાવા છે કે દૂતો આપણને પ્રચાર કામમાં મદદ કરે છે. દાખલા તરીકે, આપણે એવા ઘણા અનુભવો સાંભળ્યા હશે જેમાં કોઈ વ્યક્તિ ઘૂંટણે પડીને પ્રાર્થના કરતી હોય અને એ જ વખતે કોઈ સાક્ષીએ તેમના ઘરનો દરવાજો ખખડાવ્યો હોય. શું આ નસીબ છે? ના! આ દૂતોનું કામ છે. તેઓની મદદથી અનેક લોકો સત્ય શીખી શક્યા છે. ‘આકાશમાં ઊડતા’ દૂતનો સાદ સાંભળીને આ લોકો હવે ‘દેવનો ડર રાખે છે ને તેમનો મહિમા’ ગાય છે.—પ્રકટીકરણ ૧૪:૭.
૭ જો પ્રચાર કામમાં દૂતોનો સાથ જોઈતો હોય તો આપણે શું કરવું જોઈએ? આપણે તન-મનથી રાજ્ય વિષેની ખુશખબરી ફેલાવવી જોઈએ. (૧ કોરીંથી ૧૫:૫૮) જો આપણે યહોવાહનું કામ દિલથી કરીશું, તો દૂતો ચોક્કસ આપણને સાથ દેશે.
પ્રમુખ દૂત તરફથી મદદ
૮ યહોવાહ ખાસ કરીને એક સ્વર્ગદૂત દ્વારા આપણને ખૂબ મદદ કરે છે. પ્રકટીકરણ ૧૦:૧ કહે છે કે આ દૂત “બળવાન” છે અને “તેનું મોં સૂર્યના જેવું” છે. આ દૂત કોણ હોય શકે? એ રાજા ઈસુ છે. (પ્રકટીકરણ ૧:૧૩, ૧૬) પણ આપણે કદાચ વિચારતા હોઈશું કે ‘શું ઈસુ ખરેખર દૂત છે?’ હા, કેમ કે શાસ્ત્ર કહે છે કે તે “પ્રમુખ દૂત” છે. (૧ થેસ્સાલોનીકી ૪:૧૬) પ્રમુખ દૂત હોવાથી તે ખૂબ શક્તિશાળી છે અને સર્વ દૂતોથી ઊંચા છે. યહોવાહે તેમને સર્વ દૂતો પર રાજ કરવાની સત્તા આપી છે. તેથી એમાં કોઈ શંકા નથી કે જ્યારે આપણને સાથની જરૂર પડશે, ત્યારે ઈસુ ચોક્કસ મદદ કરશે. પણ તે કઈ રીતે મદદ કરે છે?
૯ પ્રેષિત યોહાને લખ્યું: “જો કોઈ પાપ કરે તો બાપની પાસે આપણો મધ્યસ્થ [સહારો] છે, એટલે ઈસુ ખ્રિસ્ત જે ન્યાયી છે તે.” (૧ યોહાન ૨:૧) યોહાને શા માટે કહ્યું કે આપણે ‘પાપ કરીએ’ ત્યારે, ઈસુ આપણને સહારો દેશે? કેમ કે ઈસુએ આપણને પાપમાંથી છુટકારો અપાવવા માટે કુરબાની આપી છે. આપણે અપૂર્ણ હોવાથી ઘણી ભૂલો કરી બેસીએ છીએ. (સભાશિક્ષક ૭:૨૦; રૂમી ૬:૨૩) તોપણ ઈસુએ પાપ અને મોતની સજા આપણા પરથી ઉપાડી લીધી છે. માફી મેળવવા માટે, તે જાણે યહોવાહની આગળ આપણા માટે કાલાવાલા કરે છે. ખરેખર, આપણને આવી મદદની બહુ જરૂર છે! પણ એ મેળવવા માટે આપણે શું કરવું જોઈએ? આપણે પસ્તાવો કરીને ઈસુની કુરબાની પર શ્રદ્ધા મૂકવી જોઈએ, તેમની માફી માંગવી જોઈએ. પછી આપણે એ પાપી કામોથી દૂર રહેવું જોઈએ.
૧૦ ઈસુ બીજી કઈ રીતે આપણને સહાય કરે છે? તેમણે આપણા માટે સૌથી સારો દાખલો બેસાડ્યો છે. (૧ પીતર ૨:૨૧) જો આપણે તેમના દાખલા પ્રમાણે જીવીએ તો ઘોર પાપથી દૂર રહી શકીશું. એટલું જ નહિ, આપણે યહોવાહને ખુશ કરી શકીશું. આવા સહારાની કોને જરૂર નથી? ઈસુએ આપણને બીજી એક રીતથી પણ સહાય કરવાનું વચન આપ્યું છે. ચાલો આપણે એના વિષે વધુ જોઈએ.
પવિત્ર આત્મા દ્વારા મદદ
૧૧ ઈસુએ તેમના શિષ્યોને આ વચન આપ્યું: “હું બાપને વિનંતી કરીશ, ને તે તમને બીજો સંબોધક [સહારો] તમારી પાસે સદા રહેવા માટે આપશે, એટલે સત્યનો આત્મા, જેને જગત પામી નથી શકતું તે.” (યોહાન ૧૪:૧૬, ૧૭) “સત્યનો આત્મા” કે પવિત્ર આત્મા, કોઈ વ્યક્તિ નથી. એ યહોવાહની શક્તિ છે, અને એનો કોઈ પાર નથી. એ શક્તિથી યહોવાહે શું કર્યું છે? તેમણે આખું વિશ્વ રચ્યું છે અને તેમના લોકો માટે અનેક ચમત્કારો કર્યા છે. અરે, એ શક્તિ દ્વારા યહોવાહે અમુક ભક્તોને ભાવિ વિષેના દર્શનો પણ આપ્યા છે. પણ યહોવાહ આજે એવાં કામો કરતા નથી. તો શું એનો અર્થ એમ થાય કે આપણને યહોવાહના પવિત્ર આત્માની જરૂર નથી?
૧૨ ના, એવું નથી. આપણને તો પહેલાં કરતાં પણ વધારે પવિત્ર આત્માની જરૂર છે. કેમ કે આપણે ‘સંકટના વખતોમાં’ જીવી રહ્યા છીએ. (૨ તીમોથી ૩:૧) તેથી આપણને ખૂબ શક્તિની જરૂર છે. યહોવાહની શક્તિથી આપણે તકલીફો સામે હિંમતવાન બની શકીએ છીએ. એ શક્તિની મદદથી આપણે દયા અને પ્રેમ જેવા સદ્ગુણો કેળવી શકીએ છીએ. (ગલાતી ૫:૨૨, ૨૩) પરિણામે, ભાઈ-બહેનો અને યહોવાહની નજરમાં આપણે પ્રિય બનીએ છીએ. પણ આપણે કઈ રીતે એ શક્તિ મેળવી શકીએ?
૧૩ પ્રથમ તો, આપણે એની માંગણી કરવી જોઈએ. ઈસુએ કહ્યું: “જો તમે ભૂંડા છતાં તમારાં છોકરાંને સારાં દાન આપી જાણો છો, તો આકાશમાંના બાપની પાસેથી જેઓ માગે, તેમને તે પવિત્ર આત્મા આપશે, તે કેટલું વિશેષ ખાતરીપૂર્વક છે?” (લુક ૧૧:૧૩) યહોવાહ આપણા પ્રેમાળ પિતા છે. તેમના જેવું બીજું કોઈ નથી. જો આપણે પૂરા હૃદયથી તેમનો પવિત્ર આત્મા માંગીએ, તો તે ચોક્કસ આપશે. શું આપણે એની માંગણી કરીએ છીએ? ચાલો આપણે રોજ યહોવાહની શક્તિ માટે પ્રાર્થનામાં વિનંતી કરતા રહીએ.
૧૪ બીજી બાબત એ છે કે, જો આપણને હંમેશાં યહોવાહના આત્માનું માર્ગદર્શન જોઈતું હોય, તો આપણે હંમેશાં એને સ્વીકારવું જોઈએ. દાખલા તરીકે, વિચાર કરો કે કોઈ ખ્રિસ્તી ભાઈ પોર્નોગ્રાફીની લતમાં પડી ગયો છે. આ કુટેવને છોડવા માટે તે તાકાત અને માર્ગદર્શન માટે પ્રાર્થના કરે છે. તે વડીલો સાથે પણ વાત કરે છે. પોર્નોગ્રાફીથી દૂર રહેવા માટે તેઓ આ ભાઈને અનેક સૂચનો આપે છે. (માત્થી ૫:૨૯) પણ જો આ ભાઈ એ સલાહને એક કાને સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે, તો શું તે ખરેખર યહોવાહનો આત્મા સ્વીકારે છે? શું તે એના માર્ગદર્શન પ્રમાણે ચાલે છે? ના. જો તે સુધારો નહિ કરે તો, તે ખરેખર યહોવાહના આત્માનો નકાર કરે છે. છેવટે તે આશીર્વાદો ગુમાવશે. (એફેસી ૪:૩૦) તો ચાલો આપણે યહોવાહનું માર્ગદર્શન સ્વીકારીએ ને હંમેશાં તેમની સહાય મેળવીએ.
બાઇબલ તરફથી મદદ
૧૫ સદીઓથી યહોવાહના ભક્તોને બાઇબલમાંથી ખૂબ મદદ મળી છે. પણ જો આપણે એમાંથી લાભ મેળવવો હોય તો એને કબાટમાં મૂકીને ભૂલી ન જવું જોઈએ. આપણે રોજ એમાંથી વાંચવું જોઈએ. બાઇબલમાંથી આપણને ખૂબ દિલાસો અને માર્ગદર્શન મળે છે. ચાલો આપણે રોજ એનો ઉપયોગ કરીએ.
૧૬ ઈશ્વરભક્તો વિષે ગીતશાસ્ત્ર ૧:૨, ૩ કહે છે: “યહોવાહના નિયમશાસ્ત્રથી તે હર્ષ પામે છે; અને રાતદિવસ તે તેના નિયમશાસ્ત્રનું મનન કરે છે. વળી તે નદીની પાસે રોપાએલા ઝાડના જેવો થશે, જે પોતાનાં ફળ પોતાની ઋતુ પ્રમાણે આપે છે, અને જેનાં પાંદડાં કદી પણ ચીમળાતાં નથી; વળી જે કંઇ તે કરે છે તે સફળ થાય છે.” શું આ કલમો ફક્ત સુંદર અને શાંત જગ્યાનું વર્ણન કરે છે જ્યાં તમે ખુશીથી આરામ કરી શકો? ના, એમાં તો સાવ બીજો અર્થ સમાયેલો છે. તો એ ખરેખર શું કહેવા માંગે છે?
૧૭ નોંધ કરો કે નદીની પાસે ઝાડ આપોઆપ ઊગી નીકળ્યું ન હતું. પણ ખેડૂતે જાણીજોઈને એ ઝાડને ‘નદી પાસે રોપ્યું’ હતું. શા માટે? જેથી એને સારાં ફળો આવે. પાણી સર્વ ઝાડ સુધી પહોંચી શકે એ માટે ખેડૂત ખેતરમાં ધોરિયા કે નીક પણ બનાવે છે. હવે આ વાર્તાનો ચોખ્ખો અર્થ સમજવા માટે કલ્પના કરો કે તમે એ ઝાડ છો. જેમ ખેડૂતની મહેનતને લીધે ઝાડને પાણી મળે છે તેમ, યહોવાહ અને તેમના સંગઠનની મહેનતથી આપણને સત્યનું પાણી મળે છે. પણ એનો લાભ મેળવવા માટે આપણે એ પાણી પીવું જોઈએ. એમ કઈ રીતે કરી શકાય? જો આપણે બાઇબલ વિષે વધુ શીખીએ અને પછી એના પર મનન કરીએ, તો સત્યનું પાણી આપણા મન અને હૃદયને તાજા કરશે. પરિણામે આપણી શ્રદ્ધા મજબૂત થશે અને ઝાડની જેમ ખીલી ઊઠશે.
૧૮ જો બાઇબલ કબાટમાં જ રહી જાય, તો આપણને કંઈ ફાયદો થવાનો નથી. જો આપણે બાઇબલને એક તાવીજ તરીકે ગણીએ તોપણ કંઈ લાભ થવાનો નથી. આપણે બસ આંખ બંધ કરીને બાઇબલનું કોઈ પણ પાનું ખોલીને પ્રશ્નોના જવાબો મેળવીશું નહિ. આપણે કોઈ નિર્ણય લેવાનો હોય ત્યારે, દાટેલા ખજાનાની જેમ ખંતથી બાઇબલમાંથી “દેવનું જ્ઞાન” શોધવું પડશે. (નીતિવચનો ૨:૧-૫) આપણને લાભ થાય એવું માર્ગદર્શન મેળવવા માટે આપણે બાઇબલની સલાહ શોધવી જોઈએ. આપણે એ સલાહ ધ્યાનથી વાંચવી જોઈએ અને એના પર વધુ અભ્યાસ કરવો જોઈએ. બાઇબલ વિષે વધુ શીખવા માટે, આપણી પાસે ઘણા પુસ્તકો છે. ચાલો આપણે એનો પૂરો ઉપયોગ કરીએ. એમ કરીને આપણે યહોવાહ તરફથી મદદ સ્વીકારીએ છીએ અને તેમનું કીમતી જ્ઞાન મેળવીએ છીએ.
ભાઈ-બહેનો તરફથી મદદ
૧૯ જેમ જૂના જમાનામાં ઈશ્વરભક્તોને એકબીજા તરફથી મદદ મળી, તેમ ને મંડળમાં એકબીજા તરફથી સાથ મળે છે. આપણ બધાને ઘણી વાર એવો અનુભવ થયો હશે કે આપણે તકલીફમાં હતા ત્યારે કોઈ ભાઈ કે બહેને સમયસર મદદ આપી હોય કે ઉત્તેજન આપું હોય. કદાચ કોઈ મુશ્કેલી સહેતી વખતે આપણને ચોકીબુરજ કે સજાગ બનો! મૅગેઝિનમાંથી હિંમત, દિલાસો, મદદ કે સલાહ મળી હતી. કે એમાંથી કોઈ સમસ્યાનો ઉકેલ મળ્યો હતો. હા, આવા સંજોગોમાં યહોવાહે “વિશ્વાસુ તથા બુદ્ધિમાન ચાકર” દ્વારા તમને “વખતસર” એ મદદ આપી હતી.—માત્થી ૨૪:૪૫-૪૬.
૨૦ ભાઈ-બહેનો આપણને સીધી રીતે પણ સાથ ને દિલાસો આપે છે. દાખલા તરીકે, કોઈ વડીલ એવી ટૉક આપે જે છેક આપણા હૃદયને સ્પર્શી જાય. અથવા, તેઓની વખતોવખત મુલાકાતથી તમને મુશ્કેલ સમયમાં ઉત્તેજન ને દિલાસો પણ મળે. કે પછી તેમની પ્રેમાળ સલાહથી તમને કોઈ ભૂલ સુધારવા માટે મદદ મળે. એક બહેને લખ્યું: ‘મેં પ્રાર્થનામાં યહોવાહને કહ્યું કે “મારા મનમાં ઘણી વાતો છે જે હું કોઈકને કહેવા માગું છું.” પછીના દિવસે, એક વડીલે મારી સાથે પ્રચારમાં કામ કર્યું. તે એટલા પ્રેમાળ હતા કે હું તેમને મારા મનની વાતો જણાવવા માંડી. તેમણે મને સમજાવ્યું કે યહોવાહ મને ભૂલી ગયા નથી. તે તો વર્ષોથી મને સાથ આપી રહ્યા છે. એ જાણીને મારું હૈયું ખુશીથી ભરાઈ ગયું. આ વડીલે મને ખૂબ મદદ કરી. હું યહોવાહનો આભાર માનું છું કે તેમણે મારી પ્રાર્થના સાંભળી.’ યહોવાહે ઈસુ દ્વારા વડીલોને “દાન” તરીકે આપ્યા છે જેથી તેઓ ભાઈ-બહેનોને ખૂબ સાથ આપી શકે. તેઓની મદદથી આપણે જીવનના માર્ગ પર ચાલતા રહી શકીએ છીએ.—એફેસી ૪:૮.
૨૧ ફક્ત વડીલો જ નહિ, મંડળના સર્વ ભાઈ-બહેનો પણ એકબીજાને સાથ દે છે. બાઇબલ સર્વને કહે છે: “તમે દરેક પોતાના હિત પર જ નહિ, પણ બીજાઓના હિત પર લક્ષ રાખો.” (ફિલિપી ૨:૪) આ સલાહ પાળવાથી મંડળમાં પ્રેમ ખીલી ઊઠે છે. દાખલા તરીકે, એક કુટુંબનો વિચાર કરો જેમાં અચાનક કરુણ બનાવ બની ગયો. એક દિવસ પિતા તેમની દીકરીને દુકાને લઈ ગયા હતા. ઘરે પાછા આવતી વખતે, તેઓની ગાડીનું ખરાબ એક્સિડન્ટ થયું. બિચારી દીકરી તરત જ ગુજરી ગઈ. પિતાને ખૂબ ઇજા પહોંચી હતી. હૉસ્પિટલમાં થોડો સમય રહીને તે ઘરે ગયા. શરૂઆતમાં તો તે જાણે સાવ અપંગ હતા. જાતે કંઈ જ કરી શકતા ન હતા. આ કપરા સમયે તેમની પત્ની પણ ઊંડા શોકમાં ડૂબી ગઈ હતી. તે પતિનું જરાય ધ્યાન રાખી શકતી ન હતી. આવા સંજોગમાં મંડળનું એક યુગલ આ પતિ-પત્નીને પોતાના ઘરે લઈ ગયું અને અનેક અઠવાડિયાં સુધી તેઓનું ધ્યાન રાખ્યું.
૨૨ એવું નથી કે કોઈ આફત આવે ત્યારે જ આપણે એકબીજાને પ્રેમ કે દયા બતાવવી જોઈએ. આપણે રોજ નાની-નાની બાબતોમાં પણ પ્રેમ બતાવી શકીએ. ભલે કોઈ ભાઈ-બહેન આપણને નાની-સૂની રીતે મદદ કરે, શું આપણે એનાથી રાજી થઈ જતા નથી? તમે પોતે અનુભવ્યું હશે કે જરૂર પડી ત્યારે ભાઈ-બહેનોએ તમને ઉત્તેજન આપ્યું કે તમારા માટે કંઈક કામ કરી આપ્યું. એમાં કોઈ શંકા નથી કે એ મદદ યહોવાહ તરફથી આવે છે. યહોવાહ હંમેશાં પ્રેમથી આપણી સંભાળ રાખે છે.—નીતિવચનો ૧૭:૧૭; ૧૮:૨૪.
૨૩ યહોવાહ આપણા દ્વારા બીજા ભાઈ-બહેનોને મદદ કરી શકે છે. આપણે ભાઈ-બહેનોને મદદ કરીએ ત્યારે એનું પરિણામ શું હોય છે? બાઇબલ કહે છે: “ગરીબ પર દયા રાખનાર યહોવાહને ઉછીનું આપે છે, તે તેને તેના સુકૃત્યનો બદલો આપશે.” (નીતિવચનો ૧૯:૧૭) હા, બીજાઓને મદદ કરવાથી આપણને આનંદ મળે છે. (પ્રેરિતોનાં કૃત્યો ૨૦:૩૫) અરે, યહોવાહ પણ ખૂબ ખુશ થાય છે. પણ જો આપણે બસ પોતાનો જ વિચાર કરીએ, તો આપણને કે બીજાઓને કંઈ ફાયદો નહિ થાય. (નીતિવચનો ૧૮:૧) તો ચાલો આપણે બને તેમ બધી મિટિંગોમાં જઈએ ને એકબીજાને ઉત્તેજન અને મદદ આપતા રહીએ.—હેબ્રી ૧૦:૨૪, ૨૫.
૨૪ હા, યહોવાહ આપણને ઘણી રીતોએ મદદ કરે છે. આ લેખમાંથી એ જાણીને તમને કેવું લાગે છે? ભલે યહોવાહ આજે મોટા ચમત્કારો કરતા નથી, તે આપણને હજીયે મદદ તો કરે છે. આપણી શ્રદ્ધાને મજબૂત રાખવા માટે યહોવાહ આપણને પૂરો સાથ દે છે. જો આપણે આ દુનિયાના અંત સુધી શ્રદ્ધાને જાળવી રાખીશું, તો આપણે ચોક્કસ યહોવાહના મહાન ચમત્કારો જોઈશું! એવા ચમત્કારો, જે પહેલાં કદી થયા નથી. ચાલો આપણે હાથ લંબાવીને યહોવાહની સહાય સ્વીકારીએ. ચાલો આપણે વર્ષ ૨૦૦૫ માટેના આ વચનને દિલમાં રાખીએ: ‘યહોવાહ તરફથી મને સહાય મળે છે.’—ગીતશાસ્ત્ર ૧૨૧:૨.
શું તમને યાદ છે?
યહોવાહ કઈ રીતે—
• તેમના દૂતો દ્વારા આપણને મદદ કરે છે?
• તેમના પવિત્ર આત્મા દ્વારા આપણને સાથ દે છે?
• બાઇબલ દ્વારા આપણને મદદ કરે છે?
• બીજા ભાઈ-બહેનો દ્વારા આપણને સહાય કરે છે?
[અભ્યાસ પ્રશ્નો]
૧, ૨. જીવનમાં આપણે શા માટે યહોવાહની સહાય ને માર્ગદર્શન સ્વીકારવાં જોઈએ?
૩. આ લેખમાં, આપણે કયા પ્રશ્નોના જવાબ મેળવીશું?
૪. ભલે આપણે દૂતોને જોઈ શકતા નથી, પણ આપણે કઈ ખાતરી રાખી શકીએ?
૫. દૂતોના કામ વિષે બાઇબલ શું કહે છે?
૬, ૭. (ક) શું બતાવે છે કે દૂતો આપણને પ્રચાર કામમાં મદદ કરે છે? (ખ) દૂતો તરફથી સહાય મેળવવા માટે આપણે શું કરવું જોઈએ?
૮. સ્વર્ગમાં ઈસુ પાસે કઈ પદવી છે અને એ જાણીને આપણને કઈ ખાતરી મળે છે?
૯, ૧૦. (ક) આપણે પાપ કરીએ ત્યારે ઈસુ કઈ રીતે આપણા માટે સહારો બને છે? (ખ) આપણે શા માટે ઈસુને અનુસરવું જોઈએ?
૧૧, ૧૨. યહોવાહનો પવિત્ર આત્મા શું છે અને એ કેટલો શક્તિશાળી છે? આપણને શા માટે એની ખૂબ જરૂર છે?
૧૩, ૧૪. (ક) યહોવાહ તેમના લોકોને પવિત્ર આત્મા ને માર્ગદર્શન દે છે એવી આપણે કેમ ખાતરી રાખી શકીએ? (ખ) આપણે કઈ રીતે યહોવાહના પવિત્ર આત્માનો નકાર કરી શકીએ?
૧૫. આપણે રોજ શું કરવું જોઈએ? શા માટે?
૧૬, ૧૭. (ક) ગીતશાસ્ત્ર ૧:૨, ૩ કઈ રીતે બતાવે છે કે બાઇબલ વાંચવાથી આપણને ઘણા લાભો થશે? (ખ) ગીતશાસ્ત્ર ૧:૩ પ્રમાણે ખેડૂત શું કરે છે અને આપણે શું કરવું જોઈએ?
૧૮. બાઇબલમાંથી ખાસ માર્ગદર્શન મેળવવા માટે આપણે શું કરવું જોઈએ?
૧૯. (ક) આપણા ભાઈ-બહેનો કઈ રીતે ચોકીબુરજ કે સજાગ બનો! મૅગેઝિન દ્વારા આપણને મદદ કરે છે? (ખ) આપણા મૅગેઝિનોમાંથી તમને કયા લેખોથી ખૂબ સાથ મળ્યો છે?
૨૦. વડીલો કઈ રીતે ભાઈ-બહેનોને મદદ કરે છે?
૨૧, ૨૨. (ક) ભાઈ-બહેનો ફિલિપી ૨:૪ની સલાહ પાળે ત્યારે મંડળમાં શું પરિણમે છે? (ખ) ભલે આપણે નાની-સૂની રીતે કોઈ ભાઈ-બહેનને મદદ કરીએ, એ શા માટે બહુ મહત્ત્વનું છે?
૨૩. આપણે એકબીજાને મદદ કરીએ ત્યારે યહોવાહને કેવું લાગે છે?
૨૪. ભલે યહોવાહ આપણા માટે મોટા ચમત્કારો કરતા નથી, પણ આપણે કેવી ખાતરી રાખી શકીએ?
[પાન ૧૮ પર ચિત્ર]
સ્વર્ગદૂતો આપણને પ્રચાર કામમાં સાથ દે છે
[પાન ૨૧ પર ચિત્ર]
યહોવાહ કોઈ ભાઈ-બહેન તરફથી આપણને દિલાસો આપી શકે છે